Varasdaar - 88 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 88

વારસદાર પ્રકરણ 88

મંથને કેતાને બોલાવીને એના જમણા હાથના કાંડા ઉપર શિવની પ્રસાદી રૂપે મળેલા રુદ્રાક્ષને બાંધ્યો ત્યારે તો પતિની હાજરીમાં અદિતિ કંઈ ના બોલી પરંતુ કેતાના ગયા પછી અદિતિથી રહેવાયું નહીં.

"તમે કેમ આજે કેતાને ઘરે બોલાવીને રુદ્રાક્ષ બાંધ્યો ? મને કંઈ સમજાયું નહીં. " અદિતિ બોલી.

"તારે ખરેખર જાણવું છે ? હું જે કહું તે શ્રદ્ધાથી સાંભળજે. તને ખબર છે કે હું કદી ખોટું બોલતો નથી. " મંથન બોલ્યો

" હું તમને ઓળખું છું. અને તમે જે પણ જવાબ આપશો એ સાચો જ હશે. મને કુતૂહલ છે એટલા માટે જ પૂછું છું. " અદિતિ બોલી.

" અકસ્માત પછી તું કોમા માં જતી રહી હતી અને તને વેન્ટિલેશન ઉપર લેવામાં આવી હતી એ તો તને હવે ખબર છે જ. હકીકતમાં તારું મૃત્યુ નિશ્ચિત હતું અદિતિ. પરંતુ ગુરુજીને પ્રાર્થના કરીને મેં તને મારા માટે પાછી બોલાવી લીધી. પરંતુ તારી એ ઘાત કેતા ઉપર જતી રહી છે." મંથન કહી રહ્યો હતો.

મંથનના જવાબથી અદિતિને મંથન ઉપર વહાલ ઉભરાઈ આવ્યું. મંથને એને પાછી બોલાવી લીધી એ વાત સાંભળીને એ લાગણીશીલ થઈ ગઈ.

" હવે કેતાને જો કંઈ થઈ જાય તો મૃદુલાબેન સાવ ભાંગી પડે. અને કેતાએ આપણા માટે પણ ઘણું કર્યું છે એટલે એને પણ બચાવવી જરૂરી છે. એટલે ગુરુજીને પ્રાર્થના કરીને એમની પાસેથી આ રુદ્રાક્ષ લીધો છે જે એના આયુષ્યની રક્ષા કરશે. " મંથને સાચો ખુલાસો કર્યો.

"આ કામ તમે બહુ જ સારું કર્યું. તમારા દરેક કામની પાછળ તમારી સદભાવના જ હોય છે. કેતાદીદી બિચારાં આપણા બંને માટે ખૂબ જ લાગણી ધરાવે છે. " અદિતિ બોલી.

"હા અદિતિ. શીતલમાં તો કોઈ ઠેકાણું છે જ નહીં. આ કેતા એકલી જ એવી છે કે જ્યારે પણ કંઈ તકલીફ હોય ત્યારે બિચારી દોડતી આવે છે. આજે મેં રુદ્રાક્ષ બાંધ્યો તો પણ એક સવાલ એણે પૂછ્યો નહીં. બસ આ જ એની ખાનદાની છે ! " મંથન બોલ્યો.

બીજા દિવસે મંથને ચિન્મયને પોતાની ઓફિસમાં બોલાવ્યો. કરોડોપતિ બની ગયા પછી પણ ચિન્મય પોતાના ત્યાં જોબ કરતો હતો. એને હવે કોઈ સ્વતંત્ર બિઝનેસ કરી આપવો જોઈએ.

" તમારા કામથી હું ખૂબ જ ખુશ છું ચિન્મય. મને શરણ્યા તરફથી સમાચાર મળતા જ રહે છે. આજે મેં તમને એક બીજા જ કામ માટે બોલાવ્યા છે. ઈશ્વરકૃપાથી હવે તમે પણ કરોડો રૂપિયાના માલિક બની ગયા છો. ગડા શેઠના તમે વારસદાર છો. કંઈ ન કરો તો પણ હવે જીવનભર તમે આરામથી રહી શકો તેમ છો. " મંથન કહી રહ્યો હતો. એણે ગ્લાસમાંથી બે ઘૂંટડા પાણી પીધું.

"આટલા અમીર થયા પછી હવે તમારે જો નર્સિંગ સેવા સદનમાં તમારી સેવા ન આપવી હોય તો પણ મને કંઈ વાંધો નથી. જો તમારી ઈચ્છા કોઈ બિઝનેસ કરવાની હોય તો પણ તમે મને જણાવી શકો છો." મંથન બોલ્યો.

"જી સર. પણ અત્યારે તો આ સેવા છોડવાનો એવો કોઈ વિચાર નથી. અને આજે હું જે પણ છું એ તમારી કૃપાથી જ છું. છતાં ક્યારેક બિઝનેસ કરવાની ઈચ્છા થશે ત્યારે જરૂર હું તમારી સાથે વાત કરીશ. કોઈ બિઝનેસ નો મને અનુભવ નથી એટલે અત્યારે કોઈ સાહસ કરવાની ઈચ્છા પણ નથી." ચિન્મય બોલ્યો.

"તમારી આ વાત મને ગમી. જ્યાં સુધી અંદરથી તીવ્ર ઈચ્છા પેદા ન થાય અને કોઈ ધંધામાં રસ ના પડે ત્યાં સુધી સાહસ ના કરવું જોઈએ. ગડાશેઠની ઓફિસ એક ડૉક્ટર લેવા તૈયાર છે. ઓફિસ નાનકડી હોસ્પિટલ બને એવી છે. અડધા ફ્લોર જેટલી મોટી ઓફિસ છે. એના ત્રણ કરોડ આવે છે એટલે હું સોદો ફાઇનલ કરી દઉં છું. તમને જણાવવાની મારી ફરજ છે. " મંથન બોલ્યો.

" બીજું થાણા બાજુના એક બિલ્ડરને ભાંડુપના કોમ્પ્લેક્સમાં રસ છે. એ આખું કોમ્પ્લેક્સ રીનોવેશન કરાવી દે તો દરેક ઓફિસો સારામાં સારા ભાવે વેચાય એમ છે. કોમ્પ્લેક્સ તો તૈયાર જ છે એટલે ૧૫ કરોડમાં સોદો થઈ જશે. આ બન્ને જગ્યાના પૈસા પણ તમારા જ છે." મંથન બોલ્યો

" જી સર. એ બધા જ પૈસા તર્જનીના છે. અમારા બંનેના જોઈન્ટ એકાઉન્ટમાં જ એ પૈસા જમા થશે. અત્યારે હાલ તો મને શેર માર્કેટમાં ખૂબ જ રસ છે. મને સારું એવું નોલેજ અને પકડ પણ છે. એટલે મોટાભાગના પૈસા મેં સ્ટોક માર્કેટમાં રોકી દીધા છે." ચિન્મય બોલ્યો.

"અરે વાહ ! સ્ટોક માર્કેટ તો જૈનોના લોહીમાં હોય છે. બજાર ક્યારે ઉપર જશે અને ક્યારે નીચે એની સારી કોઠાસૂઝ જૈનોમાં હોય છે. હવાની રુખ એ પારખી શકે છે. તમને ખરેખર સ્ટોક માર્કેટમાં આટલો બધો રસ હોય તો એમાં જ આગળ વધો. દલાલ સ્ટ્રીટમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં એક ઓફિસ તમને લઈ આપું. તમે પૂરેપૂરું ધ્યાન એમાં જ આપો. જેને નોલેજ હોય એના માટે તો આ ઉત્તમ લાઈન છે. " મંથને ઉત્સાહથી કહ્યું.

" જી. દલાલ સ્ટ્રીટનો આઈડિયા સારો છે. કોઈ ઓફિસ મળી શકે એમ હોય તો તપાસ કરજો. પરંતુ મારી એક જ શરત કે ઓફિસના તમામ પૈસા હું જ આપીશ. તમે મારા માટે ઘણું કર્યું છે. " ચિન્મય બોલ્યો.

" પૈસા તમારા હોય કે મારા કોઈ ફરક નથી પડતો. તર્જની મારી એકની એક બહેન છે. છતાં તમારી ઈચ્છા હોય તો મને કંઈ જ પ્રોબ્લેમ નથી. મારા એક મિત્ર યોગેશ કોઠારી દલાલ સ્ટ્રીટમાં સ્ટોક બ્રોકર છે હું એમની સાથે વાત કરી લઉં છું." મંથન બોલ્યો.

" હા સર. ઘણી બધી એવી નબળી કંપનીઓ છે જેના શેર ની પ્રાઈઝ અત્યારે પાંચ દસ રૂપિયા જેવી છે. આવી સારી કંપનીઓના શેર્સ ખરીદી લઈને બજારમાં હું લેવાલી ઉભી કરી દઈશ. ભાવને ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ જઈશ. જરૂર પડે તો કંપનીઓને ટેકઓવર કરીશ. પૈસો પૈસાને ખેંચે છે. હર્ષદ મહેતા જેવો બેંકો સાથેનો ખેલ હું નહીં કરું. મારા પોતાના જ કરોડો રૂપિયા હું રમાડીશ." ચિન્મય ઉત્સાહથી બોલ્યો.

ખબર નહીં કેમ પણ મંથનની બાજુમાં બેસવાથી ચિન્મયમાં ઘણી બધી પોઝિટિવ એનર્જી આવી ગઈ અને એણે દલાલ સ્ટ્રીટના કિંગ બનવાનું નક્કી કર્યું.

" વાહ.. યે હુઈ ના બાત ! ડોન્ટ વરી તમને દલાલ સ્ટ્રીટમાં ઓફિસ મળી જશે. તમારો સ્પિરિટ ઘણો સારો છે. " મંથન બોલ્યો.

અને એક જ મહિનામાં મંથને એના મિત્ર યોગેશ કોઠારી સાથે વાત કરીને દલાલ સ્ટ્રીટમાં સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં ૨૧મા માળે ઓફિસ લઈ લીધી. ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવાના દિવસે જ તર્જનીના હાથે એનું ઉદ્ઘાટન કર્યું.

ચિન્મય શાહ પાસે અઢળક રૂપિયા આવી ગયા હતા. સૌ પ્રથમ તો એણે પોતે તર્જનીની ભાગીદારીમાં કૉસ્મો ફાઇનાન્સ લિમિટેડ નામની એક ઇન્વેસ્ટમેન્ટ કંપની રજીસ્ટર કરી. એ કંપનીમાં મોટી રકમ ટ્રાન્સફર કરી. અને એના દ્વારા જ શેરોમાં રોકાણ ચાલુ કર્યું.

એણે તમામ લિસ્ટેડ કંપનીઓમાં જે કંપનીઓના ભાવ ૧૦ રૂપિયાની અંદર હતા એનું એક અલગ લિસ્ટ બનાવ્યું. એ પછી દરેક કંપનીનો એણે ઊંડો અભ્યાસ ચાલુ કર્યો. કંપની પાસે કેટલી મૂડી છે કેટલો પ્રોફિટ કરે છે વગેરે તમામ પાસાંની નોંધ કરી. જે કંપનીઓ ખરેખર નબળી હતી એ એણે છોડી દીધી. જે કંપનીઓનું ફ્યુચર બ્રાઇટ દેખાતું હતું અને જે કંપનીઓનું પ્રોડક્શન વધી શકે એમ હતું એવી ૧૦ કંપનીઓ એણે જુદી તારવી. કેટલીક કંપનીઓના ચેરમેન અને એમડી સાથે મીટીંગો કરીને, ફાઇનાન્સ આપીને ટેક ઓવર કરી. કંપનીઓના ૪૯ ટકા શેર્સ પોતે હસ્તગત કર્યા.

ટેક ઓવર કરેલી કંપનીઓમાં વ્યક્તિગત ધ્યાન આપીને પ્રોડક્શન વધાર્યું અને સાથે સાથે એ કંપનીઓનું માર્કેટિંગ પણ ચાલુ કર્યું. પોતે જ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરીને કંપનીના શેરો ખરીદતો ગયો એટલે આપોઆપ જ માર્કેટમાં એના ભાવ વધતા ગયા. એક સમયમાં નબળી ગણાતી કંપનીઓના શેરોની લેવાલી વધી ગઈ. ૧૦ રૂપિયાના શેર ૩૦ રૂપિયા સુધી પહોંચી ગયા. એનું લક્ષ્ય ૧૦૦ સુધી લઈ જવાનું હતું અને તે છ મહિનામાં પૂરું થઈ ગયું. ચિન્મય દલાલ સ્ટ્રીટમાં એક જાણીતી વ્યક્તિ બની ગયો.

લોકો એની સલાહ લેવા લાગ્યા. અમુક પૈસાદાર લોકો તો એની જ કંપનીમાં રોકાણ કરવા લાગ્યા. ચિન્મય એમને દર મહિને સારું એવું વ્યાજ આપતો. ચિન્મય હવે પોતાની કૉસ્મો ફાઇનાન્સ કંપની પબ્લિક લિમિટેડ બનાવવા સુધી પહોંચી ગયો.

મંથન ચિન્મય વિશે આ બધું જાણતો જ હતો. પહેલી વાર મળ્યો ત્યારે જ એને ખ્યાલ આવી ગયો હતો કે એની ઑરા જબરદસ્ત હતી અને ભવિષ્યમાં આ વ્યક્તિ ધનાઢ્ય બનવાનો હતો. એટલે જ એણે ચિન્મયને પોતાની પાસે ખેંચી લીધો હતો અને તર્જનીનાં લગ્ન કરાવ્યાં હતા. ચિન્મયની પ્રગતિથી એ ખૂબ જ ખુશ હતો.

ચિન્મયનું નામ હવે ઘણીવાર ન્યુઝ પેપરમાં પણ આવવા લાગ્યું. એના ઇન્ટરવ્યૂ પણ થવા લાગ્યા. પોતાની કાબેલિયતથી એણે પોતાની પ્રતિષ્ઠા વધારી દીધી હતી. એના મામા પણ ખૂબ જ ખુશ હતા. તર્જનીનાં પગલાં શુકનિયાળ છે એવું મામા માનતા હતા. ચિન્મયની આ પ્રગતિની વાતો ફોઈબા ના કાન સુધી પણ પહોંચી.

એક રવિવારે ચિન્મય પોતાના લોઅર પરેલના અભિષેક એવન્યુ ફ્લેટમાં બપોરે દોઢ વાગે જમી કરીને બેઠો હતો ત્યાં ડોરબેલ વાગ્યો. નોકરે દરવાજો ખોલ્યો.

ચિન્મયે જોયું તો મહેસાણાથી એનાં ફોઈબા તથા જીગ્નેશ આવ્યાં હતાં.

" આવો ફઈબા... બેસો " ચિન્મય બોલ્યો અને એણે સોફા તરફ ઈશારો કર્યો.

ચિન્મયે તર્જનીને એમની ઓળખાણ કરાવી એટલે તર્જનીએ બંનેને ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા. ફઈબા એ એના હાથમાં દસ રૂપિયા મૂક્યા.

"જીવતી રહે અને સો વરસની થા... તું તો મને ક્યાંથી ઓળખે ? ચિન્મય આટલો મોટો માણસ બની ગયો પણ ફઈબાને જ ભૂલી ગયો. લગન પછી પગે લાગવા પણ આવ્યો નહીં." ફઈબા બોલ્યાં.

" એવું કંઈ નથી ફઈબા. તમે લોકો જમીને આવ્યાં છો કે જમવાનું બાકી છે ? " ચિન્મયે પૂછ્યું.

" કર્ણાવતીમાં જમીને જ આવ્યાં ભઈલા. સવારે પાંચ વાગે અમદાવાદથી નીકળ્યાં હતાં. " ફોઈબા બોલ્યાં.

" મારું એડ્રેસ તમને ક્યાંથી મળ્યું ? " ચિન્મય બોલ્યો.

" લે કેવી વાત કરે છે ? સરનામું ના મળે ? સેવંતીલાલ ને ફોન કર્યો હતો તો એમણે લખાવ્યું. સ્ટેશનથી ટેક્સી કરીને સીધાં આવી ગયાં. " ફોઈબા બોલ્યાં.

" હમ્... આજે કેમ યાદ કર્યો ભત્રીજા ને ? " ચિન્મયે પૂછ્યું.

" લે યાદ ના કરું ? લોહીના સંબંધ છે એ થોડા મટી જવાના છે બેટા ? સુખ દુઃખમાં સગાં જ કામમાં આવતાં હોય છે. તારા પપ્પા સાથે મારા કેવા સંબંધ હતા એ તો તને યાદ હશે જ. એ અત્યારે હોત તો મને જોઈને ગાંડા ઘેલા થઈ ગયા હોત ! " કહીને ફોઈબાએ સાડીના છેડાથી કોરી આંખો લૂછી.

"બધું જ યાદ છે ફઈબા. ભૂતકાળની બધી જ વાતો મને યાદ છે. કોઈ કામ માટે આવ્યાં હોય તો જણાવો " ચિન્મય બોલ્યો.

"આ જીગ્નેશ તારા સગા ફોઈનો છોકરો છે. તારો ભાઈ ગણાય. એની નોકરી છ મહિનાથી છૂટી ગઈ છે. કામકાજમાં બહુ જ હોશિયાર છે. બી કોમ ભણેલો છે. જીદ લઈને બેઠો છે કે મારે મુંબઈ જવું છે. તારા ત્યાં જ નોકરી રાખી લે. તારો આટલો મોટો ફ્લેટ છે તો એક ખૂણામાં પડ્યો રહેશે. ૨૭ વરસનો થયો. સારુ કમાતો થાય તો એના હાથ પણ પીળા કરી દઈએ. માગાં તો બહુ આવે છે પણ વહુને ખવડાવવા પણ જોઈએ ને ? " ફોઈબા બોલ્યાં.

" હા ખવડાવવાનો તો સૌથી મોટો પ્રોબ્લેમ છે " ચિન્મય કટાક્ષમાં બોલ્યો.

" હા. એટલેસ્તો ! કંઈક કમાતો થાય તો લગનનું વિચારાય ને ? " ફોઈબા બોલ્યાં.

ફોઈબા નફ્ફટની જેમ શું જોઈને અહીં જીગ્નેશને લઈને આવ્યાં હશે ! પાછાં જીગ્નેશને મારા ફ્લેટમાં જ રાખવાની વાત કરે છે !! મને પાણીનો ભાવ પણ ના પૂછ્યો અને હવે લોહીના સંબંધની વાતો કરે છે ! અને આ જીગ્નેશ ! જેણે ફોઈબાને કહી દીધું કે શતાબ્દિમાં જમવાનું મળે છે એટલે જમી જ લીધું હશે. વાત થઈ હતી છતાં પૂછ્યું પણ નહીં કે જમવાનું બાકી છે કે જમી લીધું !!

" ફોઈબા હમણાં તો મારા ત્યાં કોઈ જગ્યા નથી. ભવિષ્યમાં કોઈ જગ્યા ખાલી પડશે તો બોલાવી લઈશ. " ચિન્મય બોલ્યો.

" તે હું તને ક્યાં કહું છું કે કાલે ને કાલે એને નોકરીએ રાખ. હવે એ મુંબઈ સુધી આવ્યો છે તો થોડા દિવસ તારી સાથે એને લેતો જા. નાનું મોટું કામ આપતો જા તો કામ પણ શીખી જશે. આમ પણ અત્યારે નોકરી વગરનો જ છે. પગાર મહિના બે મહિના પછી આપજે. " ફોઈબા બોલ્યાં.

ચિન્મયે જોયું કે આટલી બધી ચર્ચા થઈ પણ હજુ સુધી જીગ્નેશ એક અક્ષર પણ બોલ્યો નથી. ફોઈબા એ જ રસ્તામાં એને સમજાવી દીધું હશે કે મને જ વાત કરવા દેજે. તું એક શબ્દ પણ બોલતો નહીં.

" ફોઈબા તમારી બધી વાત સાચી પણ હમણાં એ શક્ય નહીં બને. એને લાયક કોઈ કામકાજ હશે તો ભવિષ્યમાં હું તમને સામેથી ફોન કરી દઈશ. મહેમાન બનીને બે દિવસ મારા ઘરે રોકાવાની ઈચ્છા હોય તો આ તમારું જ ઘર છે. રોકાવું ના હોય તો કમ સે કમ ચા પીને જજો. " ચિન્મય બોલ્યો.

"તારી પાસેથી આવી આશા ન હતી ભાઈ. કેટલી આશાથી બિચારો મુંબઈ આવ્યો હતો ! તારી પ્રગતિ જોઈને કેટલો હરખાતો હતો ! તું બહુ મોટો માણસ થઈ ગયો એટલે આપણા જૂના સંબંધો ભૂલી ગયો. ઘરનો થઈને તું મને આજે જાકારો દે છે. " કહીને ફોઈબાએ ફરી પાછી પોતાની કોરી આંખો સાડીના છેડાથી લૂછવા માંડી.

ચિન્મયને ફોઈબાનાં આવાં નાટકો ગમતાં ન હતાં. વર્ષો પહેલાં પણ પપ્પા હયાત હતા ત્યારે વર્ષમાં બેથી ત્રણ વાર ફોઈબા ભૂલેશ્વર ધામા નાખતાં હતાં અને લાગણીવેડા કરી કરીને ભાઈની પાસેથી નાની મોટી રકમ લઈ જતાં હતાં. ફોઈબાના કારણે મમ્મી પપ્પા વચ્ચે ક્યારેક ઝઘડા પણ થતા. આ બધું જ ચિન્મયને યાદ હતું.

" હું તમને જાકારો નથી આપતો ફોઈબા. મહેમાન બનીને બે ત્રણ દિવસ રહી શકો છો. નોકરીનું હમણાં નહીં બને. જોઈએ તો થોડીક આર્થિક મદદ કરું. ગમે તેમ તોય લોહીના સંબંધ છે." ચિન્મયે એમના જ શબ્દો પાછા આપ્યા અને ઉભો થઈને કબાટમાંથી ૫૦૦૦૦ નું એક બંડલ લઈ આવ્યો.

" આ ૫૦૦૦૦ રાખો. જીગ્નેશને નોકરી નથી તો બીજે નોકરી મળે ત્યાં સુધી કામ આવશે. " કહીને ચિન્મયે એક કવરમાં પેક કરીને નોટોનું બંડલ ફોઈબાના હાથમાં મૂક્યું. ફોઈબાની આંખોમાં ચમક આવી ગઈ.

"અરે તર્જની ફટાફટ બે કપ ચા બનાવી દે. ફોઈબા જાય છે. એમને ચા પીધા વગર ના જવા દેવાય. " ચિન્મય બોલ્યો.

ફોઈબા જો ખાલી હાથે જાય તો નિઃસાસા નાખીને જાય અને આ ઘરમાંથી કોઈ નિઃસાસા નાખીને ખાલી હાથે પાછું જાય એ ચિન્મયને પસંદ ન હતું !! અને આ તો પાછા લોહીના સંબંધ હતા !!! 😂
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED