વારસદાર - 83 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 83

વારસદાર પ્રકરણ 83

મંથનને સંતોષ થઈ ગયો કે પોતે પણ હવે ધ્યાનમાં રાજન દેસાઈની કક્ષામાં પહોંચી ગયો છે અને આરામથી આલ્ફા થીટા લેવલ ઉપર પહોંચી જાય છે ! જો કે આ ધ્યાન એક પ્રકારનું ક્રિએટિવ વિઝયુલાઈઝેશન છે. જેમાં કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માટેનું ધ્યાન કરવાનું હોય છે.

શતાબ્દિ એક્સપ્રેસ રાત્રે ૮:૪૦ કલાકે બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. ટ્રેનમાં જ જમવાની વ્યવસ્થા હતી એટલે ઘરે જઈને રસોઈ કરવાની કોઈ માથાકૂટ ન હતી. મંથને બોરીવલી સ્ટેશનથી ટેક્સી જ કરી લીધી અને ફેમિલી સાથે સુંદરનગર પહોંચી ગયો.

ત્રણ દિવસ પછી ચિન્મયનો ફોન આવી ગયો. મંથને એને પોતાની ઓફિસે બોલાવ્યો.

" લોઅર પરેલમાં 'મહેતા નર્સિંગ સેવા સદન' નામની આપણી એક સંસ્થા છે. ત્યાં આપણે નર્સિંગ સ્ટાફની ભરતી કરી છે. છોકરીઓ પણ છે, છોકરાઓ પણ છે. કોઈપણ કૉલ આવે એટલે આપણે જે તે એરિયામાં સેવા માટે સ્ટાફને મોકલતા હોઈએ છીએ. આપણું મિશન સેવાનું છે. આપણે પેશન્ટ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને ફ્રી સર્વિસ આપીએ છીએ. " મંથન બોલતો હતો.

" મારી ઈચ્છા છે કે એ સેવા સદન તમે સંભાળી લો. છેલ્લાં બે વર્ષથી આ મિશન ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધી રમેશભાઈ ઠક્કર નામના એક અનુભવી વડીલ આખું મેનેજમેન્ટ સંભાળતા હતા. પરંતુ એ હવે પોતાની તબિયતના કારણે નિવૃત્ત થવા માંગે છે. મેનેજમેન્ટ સંભાળી શકે એવી એક બાહોશ વ્યક્તિની શોધમાં હું હતો અને તમે મળી ગયા. અત્યારે હાલ હું તમને એક લાખ સેલેરી કરી આપું છું." મંથન કહી રહ્યો હતો.

" ત્યાં અત્યારે એક સાઉથ ઇન્ડિયન લેડી શરણ્યા બધા કૉલ એટેન્ડ કરે છે. રમેશભાઈ હમણાં થોડા દિવસથી ત્યાં આવતા નથી એટલે શરણ્યા બિચારી આ બધું સંભાળે છે. એ સિનિયર છે અને તમને તમારું કામ સમજાવી દેશે. દરેક સ્ટાફનું એટેન્ડન્સ અને જેનો કૉલ આવે એના ત્યાં ડિપ્લોયમેન્ટ તમારે સંભાળવાનું રહેશે. " મંથન બોલ્યો અને એણે લોઅર પરેલના એડ્રેસનું કાર્ડ આપ્યું.

"તમારી પોસ્ટ ત્યાં એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની હશે. તમે કાલથી જ જોઈન કરી દેજો. " મંથન બોલ્યો.

મંથનની વાતો સાંભળીને ચિન્મય ખૂબ જ રોમાંચિત થઈ ગયો. આટલી મોટી પોસ્ટ અને હેન્ડસમ સેલેરી પણ એના આનંદનું એક કારણ હતી. ઈશ્વર કરે છે એ સારા માટે જ કરે છે અને દરેક ઘટના પાછળ એનો જ કોઈ પ્લાન હોય છે એ એને સમજાઈ ગયું.

જો એ અમદાવાદ ગયો ના હોત અને એની ફોઈબાએ એની સાથે ખરાબ વર્તન કર્યું ના હોય તો આજે મુંબઈમાં અને મુંબઈમાં જ આટલી સેલેરી એને ના મળી હોત. એમબીએ માર્કેટિંગ ની ડીગ્રીનું અહીં એટલું બધું મહત્વ ન હતું. ઓળખાણો અને અનુભવ વધારે કામ કરતા હતા.

" ભલે સર કાલથી જ હું જોઈન કરી દઈશ. આપનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર " ચિન્મય બોલ્યો અને ઉભો થયો.

ચિન્મય બીજા દિવસે સવારે ૧૦ વાગે *મહેતા નર્સિંગ સેવા સદન* પહોંચી ગયો. એ તો કોર્પોરેટ ટાઈપનું આ ભવ્ય બિલ્ડીંગ જોઈને જ દંગ રહી ગયો ! ૩ માળનું આખુંય બિલ્ડીંગ નર્સિંગ સેવાઓ માટે જ હતું !

એણે સિક્યુરિટીને શરણ્યા મેડમ વિશે પૂછ્યું તો એણે ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું કહ્યું. લગભગ ૪૦ વર્ષની શરણ્યા તમામ કસ્ટમરના કૉલ એટેન્ડ કરતી હતી અને સાથે સાથે સ્ટાફનું મેનેજમેન્ટ પણ સંભાળતી હતી.

મંથન લિફ્ટમાં ફર્સ્ટ ફ્લોર પહોંચી ગયો અને શરણ્યા જે ટેબલ ઉપર બેસતી હતી ત્યાં જઈને એણે એનો પરિચય આપ્યો.

" મેડમ મૈં ચિન્મય શાહ. મંથન સરને મુઝે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર કી પોસ્ટ કે લિયે આપસે મિલનેકો બોલા હૈ. " ચિન્મય બોલ્યો.

" જી સર. વેલકમ. મહેતા સરકા ફોન આ ગયા થા. આઈયે મૈં આપકો આપકી ચેમ્બર દિખાતી હું. ઔર પૂરા કામ ભી સમજા દેતી હું." કહીને શરણ્યા એને સેકન્ડ ફ્લોર ઉપર લઈ ગઈ.

"સર યે આપકી ચેમ્બર હૈ. યહાં ટોટલ ૮૦ લડકિયાં ઓર ૨૮ લડકે હૈં. સબકા એટેન્ડન્સ અબ આપકે પાસ હી રહેગા. ફર્સ્ટ ફ્લોર પર પૂરા સ્ટાફ બેઠતા હૈ. આપ કે ફ્લોર પે ટ્રેનિંગ સેન્ટર ચલતા હૈ. એક મેડમ રોજ ચાર ઘંટે કે લિયે યહાં આતી હૈ ઔર નર્સોં કો ટ્રેઇન કરતી હૈ ક્યોકી કઈ લડકીયાં ફ્રેશ ભી હૈ. દુસરી મેડમ તીન ઘંટે કે લિયે આતી હૈ જો ફીજીઓથેરપી શિખાતી હૈ." શરણ્યા ચિન્મયને માહિતી આપી રહી હતી.

" યહાં ગ્રાઉન્ડ ફ્લોર પે ફિઝિયોથેરપી સેન્ટર ભી હૈ. જહાં સબ પેશન્ટકો ફ્રી ટ્રીટમેન્ટ દી જાતી હૈ. તીન ડૉકટર હમને એપોઇન્ટ કીયે હૈં. " શરણ્યા ચેમ્બરની બહાર ઉભી રહીને બધી ચર્ચા કરી રહી હતી.

એ પછી એ ચિન્મયને લઈને કાચની ચેમ્બરમાં દાખલ થઈ. ચિન્મય પોતાની રિવોલ્વિંગ ચેર ઉપર બેઠો. સામે શરણ્યા બેઠી.

ચેમ્બરના કાચ એવી રીતના હતા કે બહારની કોઈ વ્યક્તિ ચેમ્બરની અંદર જોઈ શકતી ન હતી જ્યારે ચેમ્બરમાં બેઠા બેઠા બહારની બધી જ ગતિવિધિ જોઈ શકાતી હતી.

" ઈસ ફ્લોર પર એક સ્ટોર રૂમ ભી હૈ. વહાં નર્સિંગ કે સારે સાધન, કુછ ઈમરજન્સી દવાઈયાં, ઇન્જેક્શન, સેલાઈન બોટલ્સ, ફિઝિયોથેરપી કે સાધન વગેરા રખા જાતા હૈ. ઈસકે લિયે એક સ્ટોર કીપર હે જો આપકો હિસાબ દેતા રહેગા. જો સ્ટોક ખલાસ હોગા વો આપકો મંગવાના પડેગા. ઉસકી સબ ફાઈલેં ઇસ આલ્મીરા મેં હૈ. આપ સારી ફાઈલેં એક બાર ચેક કર લેના. ઉપર તીસરી મંઝિલ પર હમારી કેન્ટીન હૈ ઔર પૂરે સ્ટાફ કે લિયે રસોઈ બનતી હૈ. દો ટાઈમ ચાય કૉફી ભી આતી હૈ" શરણ્યા બોલી.

"અબ મૈં આપકો આપકા પૂરા કામ સમજા દેતી હું " કહીને આ મિશન કઈ કઈ સેવાઓ આપે છે. નર્સિંગ સ્ટાફને કેટલો પગાર આપવામાં આવે છે. ત્રણ પાળીમાં કયો કયો સ્ટાફ આવે છે વગેરે તમામ માહિતી ચિન્મયને આપી.

" સર કોઈ ભી કામ હો તો યે કૉલ બેલ દબા દેના. એટેન્ડન્ટ કિસન તુરંત આ જાયેગા. ઔર યહાં બહોત બડા સ્ટાફ હૈ તો થોડા કડક રહિયેગા " શરણ્યા હસીને બોલી.

" થેન્ક્યુ મેડમ. વૈસે શુરુ શુરુ મેં કોઈ તકલીફ હોગી તો આપ તો હૈ હી " ચિન્મય હસીને બોલ્યો.

" જી સર.. હેવ એ ગુડ ડે ! " કહીને શરણ્યા ઊભી થઈ અને પોતાના ફ્લોર ઉપર ગઈ. નીચે જઈને એણે તમામ સ્ટાફને નવા મેનેજર વિશે જાણ કરી.

"આજ સે ચિન્મય સર હમારે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર હૈ. આપકો ઉનકો રિપોર્ટ કરના હોગા. મૈં અબ સિર્ફ કોલ એટેન્ડ કરુંગી. " શરણ્યાએ બધા સ્ટાફને કહ્યું.

શરૂઆતના ત્રણ દિવસ ચિન્મયને થોડી તકલીફ પડી પરંતુ એ ઘણું બધું શીખી ગયો. હોશિયાર તો હતો જ. એક જ અઠવાડિયામાં બે છોકરીઓને એણે ફાયર કરી. આ બે નર્સો પોતાની ડ્યુટી તરફ જરા પણ સજાગ ન હતી અને કોઈ સેવામાં જતી પણ ન હતી. આખા મુંબઈમાંથી ઘણા બધા કૉલ આવતા હતા. રાત્રે કૉલ એટેન્ડ કરવા માટે એણે રાતપાળી વાળી એક છોકરીને ઓપરેટરની ડ્યુટી આપી દીધી. બે ત્રણ દિવસ એણે રાત્રે પણ સરપ્રાઈઝ વિઝીટ કરી અને રાતના ટાઈમે અહીં કોઈ ગરબડ તો થતી નથી ને એ પણ ચેક કર્યું. એક મહિનામાં તો એણે ઓફિસમાં એક કડક અને ડિસિપ્લિન્ડ ઓફિસરની ઈમેજ ઊભી કરી.

ચિન્મય શાહનો કોન્ફિડન્સીયલ રિપોર્ટ પણ શરણ્યાએ મંથન સરને ઘણો પોઝિટિવ આપ્યો. ચિન્મય પોતાના કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતો અને એનું ચારિત્ર્ય પણ સારું હતું.

ચિન્મયનું કામ અને એની હોંશિયારી જોઈને ત્રણેક મહિના પછી મંથને એક દિવસ ચિન્મયને પોતાની ઓફિસે બોલાવ્યો.

" તમારા કામથી મને ઘણો સંતોષ થયો છે. આજે તમને મેં એક બીજા જ કામથી બોલાવ્યા છે. લગ્ન કરવા અંગે તમે શું વિચાર્યું છે ? આઈ મીન તમારા લાઇફમાં કોઈ પાત્ર અત્યારે છે ? " મંથને પૂછ્યું.

" ના સર. અત્યાર સુધી મારી કેરિયર પાટા ઉપર ચડી ન હતી એટલે લગ્ન માટે હું વિચાર જ કરી શકતો ન હતો. પ્રેમમાં પડવાનો તો સવાલ જ ઊભો થતો નથી. મામા મામી મારો પગાર જોઈને હવે મારાં લગ્ન માટે વિચારી રહ્યાં છે. જો કે હું હવે બે ટાઈમ કેન્ટીનમાં જ જમી લઉં છું અને જમવાનું પણ સારું મળે છે એટલે મામા મામી ને ત્યાં માત્ર રવિવારે મળવા જાઉં છું. " ચિન્મય બોલ્યો.

" તમારા માટે એક પાત્ર મારા ધ્યાનમાં છે. છોકરીમાં કંઈ પણ કહેવાપણું નથી. એટલી સંસ્કારી છે કે તમારું ઘર સ્વર્ગ બની જશે. તમારી સંમતિ હોય તો વાત આગળ ચલાવું. " મંથન બોલ્યો.

" સર તમે મારા માટે જે પણ વિચારતા હશો તે પાત્ર શ્રેષ્ઠ જ હશે ! તમે તો મારી લાઈફ બનાવી દીધી છે. હવે લગ્નનો નિર્ણય પણ તમે લઈ શકો છો. છોકરીને જોયા વગર જ મારી હા છે." ચિન્મય બોલ્યો.

" તમને પહેલી વાર જોયા ત્યારથી જ મને અંદરથી સંકેત મળી ગયો હતો કે મારી તર્જની માટે યોગ્ય મુરતિયો મને મળી ગયો છે. તર્જની મારી માનેલી બહેન છે અને એ જૈન છે. હું એની સાથે વાત કરીને પછી તમારી અને એની મીટીંગ ગોઠવી દઈશ. લગ્ન પછી લોઅર પરેલમાં જ મારી સ્કીમમાં એક લક્ઝુરિયસ ફ્લેટ તમને આપી દઈશ જેથી તમારે અપડાઉન ના કરવું પડે." મંથન બોલ્યો.

એ પછી નર્સિંગ સેવા સદન ઓફિસની થોડી ચર્ચા કરીને મંથને મીટીંગ પૂરી કરી.

એ પછીના રવિવારે સાંજે ચાર વાગે મંથન અને અદિતિ મુલુંડ દલીચંદ શેઠના બંગલે પહોંચી ગયાં. અગાઉથી ફોન કર્યો હતો એટલે તર્જની રાહ જ જોતી હતી.

જેવો અદિતિએ પ્રવેશ કર્યો કે તરત જ તર્જનીએ અભિષેકને તેડી લીધો.

" આ વખતે બહુ દિવસો પછી આવ્યા છો. સાંજે જમીને જ જવાનું છે અને એ બાબતમાં હું કંઈ પણ સાંભળવાની નથી ભાઈ. " તર્જની બોલી અને ભાઈ ભાભી માટે પાણી લેવા માટે ગઈ.

"આજે ચોક્કસ જમીને જઈશું. બસ ? " મંથન પાણી પીતાં હસીને બોલ્યો.

" તમારા ભાઈ તમારા માટે એક ખુશ ખબર લઈને આવ્યા છે આજે. તમે હવે શાંતિથી અહીં બેસો. " અદિતિ બોલી.

" મારા માટે ખુશ ખબર ? " તર્જની આશ્ચર્યથી બોલી.

" હા. હવે ક્યાં સુધી આ ચાર દીવાલો વચ્ચે એકલાં એકલાં જિંદગી ગાળશો નણંદ બા ? પરણવાની તમારી ઉંમર છે. અમને પણ ચિંતા તો હોય જ ને !" અદિતિ બોલી એટલે તર્જનીના ચહેરા ઉપર શરમના શેરડા પડ્યા !

" હા તર્જની... તારે લાયક એક સરસ પાત્ર મને મળી ગયું છે. જૈન છે અને દેખાવડો પણ છે. મા બાપ વગરનો છે. મારી જ એક કંપનીમાં એને મેનેજર બનાવી દીધો છે. તમારાં લગ્ન થઈ જાય પછી એને પણ કોઈ ધંધો સેટ કરી આપીશ. " મંથન બોલ્યો.

" ભાઈ તમે માળાની એક ઓરડીમાંથી ઉઠાવીને આવડા મોટા આ બંગલાની માલિક બનાવી. નોકર ચાકરનું સુખ આપ્યું. મને ગાડી પણ ગિફ્ટ આપી. મારી જિંદગી માટે જે પણ નિર્ણય તમે લેશો એ હું હંમેશા માથે ચડાવીશ. મેં મારી જિંદગી તમને લખી આપી છે. " તર્જની બોલી.

" વાહ.. બોલતાં સારું આવડે છે તમને તર્જની. ક્યાંથી શીખ્યાં છો આ બધું ?" અદિતિ હસીને બોલી.

" ભાભી જે સત્ય હકીકત છે એ જ હું કહું છું. ભાઈએ મારા માટે જે કર્યું છે એ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. મારા માટે સ્વર્ગ ખડું કરી દીધું !! " તર્જની બોલી.

" તારા નસીબમાં જે હતું એ તને મળ્યું છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. મને ચણાના ઝાડ ઉપર ચડાવવાની જરૂર નથી. બસ તું સુખી થાય એ જ હું ઈચ્છું છું એટલે તો આજે એક સારી પ્રપોઝલ લઈને આવ્યો છું. " મંથન બોલ્યો.

" આવતા રવિવારે હું છોકરાને લઈને આવું છું. ચિન્મય શાહ નામ છે એનું ! તને એ ગમી જ જશે ! " મંથન બોલ્યો.

એટલી વાતચીત પછી એ લોકો રાત્રે જમીને મલાડ જવા માટે નીકળી ગયાં. ચિન્મયે તો હા પાડી જ દીધી હતી. હવે આજે તર્જનીની પણ સંમતિ મળી ગઈ.

" તમારી અને તર્જનીની મીટીંગ આવતા રવિવારે મુલુંડમાં રાખી છે. તમારે તમારા મામા મામીને સાથે રાખવાં હોય તો લઈને આવી શકો છો. એકાદશીનો સારો દિવસ છે એટલે જો એકબીજાને પસંદ આવે તો ગોળધાણા ખાઈ લઈએ અને લગ્નનું મુહૂર્ત પણ મહારાજ પાસે નક્કી કરાવી દઈએ. " મંથન બોલ્યો.

મંથન આજે જાતે નર્સિંગ સેવાસદનની ઓફિસે ગયો હતો અને અત્યારે ચિન્મયની ચેમ્બરમાં બેસીને વાત કરી રહ્યો હતો. ગમે તેમ તોય એ પોતાનો ભાવિ બનેવી એટલે કે જીજુ હતો. એટલે દરેક વખતે પોતાની ઓફિસે બોલાવવાનું સારું ના લાગે.

" જો માત્ર જોવા આવવાનું હોત તો મારે એકલા જ આવવાની ઈચ્છા હતી પરંતુ એ દિવસે ગોળધાણા પણ ખાવાના હોય તો મામા મામીને મારી સાથે રાખવાં જ પડે. " ચિન્મય બોલ્યો.

" ચોક્કસ લઈ આવો. આવા પ્રસંગે તો એમને લાવવાં જ પડે. તમે એમને લઈને લોઅર પરેલની ઓફિસે સવારે આઠ વાગે જ આવી જજો. તમારા ત્રણની ગાડી ની વ્યવસ્થા થઈ જશે. હું અને અદિતિ પણ લોઅર પરેલ પહોંચી જઈશું અને પછી સાથે જ નીકળીશું. " મંથન બોલ્યો.

એ દિવસે રાત્રે ચિન્મય સીધો મામા મામીના ઘરે કાલબાદેવી રોડ ઉપર ભાંગવાડી પહોંચી ગયો.

" મામા મારા શેઠે મારા માટે એક જૈન કન્યા નક્કી કરી દીધી છે. અને આવતા રવિવારે આપણે એમની સાથે છોકરીના ઘરે જવાનું છે. તમને લોકોને પસંદ આવે તો ગોળધાણા ખાવાની પણ વાત થઈ છે. " ચિન્મય બોલ્યો.

" અરે પણ એમ કઈં થોડા ગોળધાણા ખવાય ? ભલેને જૈન હોય પણ એના મા બાપ કોણ છે, છોકરી કેવી છે એ બધું જોવું પડે કે નહીં ! લગનના મામલામાં આટલી ઉતાવળ ન ચાલે ભાઈ. અને હવે તો તારો લાખ રૂપિયા પગાર છે. છોકરીવાળા તો પાછળ પડવાના જ ને ? " મામા બોલ્યા.

મામા સેવંતીલાલ ભૂલેશ્વર ચંપાગલીમાં કાપડની એક પેઢીમાં મુનીમ હતા. મામી મીનાક્ષીબેન ઘર સંભાળતાં હતાં.

" અરે મામા લાખ રૂપિયાનો પગાર આપનારા શેઠ પોતે જ મને કન્યા બતાવે છે. મને બે ટાઈમ જમવાની વ્યવસ્થા પણ એમણે કરી આપી છે. એમનું માન રાખીને જોવા તો જવું જ પડશે. અને છોકરીના મા બાપના ઇતિહાસ સાથે મને કોઈ ફરક નથી પડતો. જો છોકરી સારી હશે તો મારી તો હા જ છે મામા. શેઠ બતાવે એ કન્યા સંસ્કારી જ હોય ! " ચિન્મય બોલ્યો.

" તમારી આજકાલની પેઢીમાં આ જ તો મોટો પ્રોબ્લેમ છે ! શેઠે નોકરી આપી એટલે ગમે તેવી છોકરી સાથે પરણી જવાનું ? તારાં મા બાપના ઠેકાણે અમે છીએ. મા-બાપ અને કુળ તો જોવાં જ પડે ને ! " હવે મામી બોલ્યાં.

" મા બાપના ઠેકાણે છો એટલા માટે તો તમને લઈ જવા માગું છું. તમારી આવવાની ઈચ્છા હોય તો હા કહો નહીં તો હું એકલો જઈ આવીશ. મારા બૉસ મારા માટે ઈશ્વરથી કમ નથી !! એમની બતાવેલી કન્યાને હું ના ન પાડી શકું મામા ! " ચિન્મયે પોતાનો નિર્ણય મક્કમતાથી આપી દીધો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)