વારસદાર - 72 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 72

વારસદાર પ્રકરણ 72

મૃદુલામાસી, કેતા અને શીતલ ત્રણેય કન્વીન્સ થઈ ગયાં એટલે તલકચંદને અદિતિ ટાવર્સમાં લઈ આવવાનું કામ મંથન માટે સહેલું થઈ પડ્યું. મંથનને બીજાં પણ ઘણાં કામ હજુ કરવાનાં હતાં એટલે હાલ પૂરતું આ કામ થોડા દિવસો માટે એણે પેન્ડિંગ રાખ્યું.

મંથને લોક કલ્યાણ માટે *મંથન મહેતા સેવા મિશન* નામની સંસ્થાની રચવા કરવાનું નક્કી કર્યું હતું એટલે એ નામનો રબર સ્ટેમ્પ બનાવીને પ્રોપરાઇટર તરીકે પોતાની બેંકમાં એણે એક ખાતું ખોલાવ્યું અને પચાસ કરોડ જેટલી રકમ એમાં ટ્રાન્સફર કરી.

મંથનના પોતાના ખાતામાં કરોડો રૂપિયા હતા અને એ રેગ્યુલર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરીને બહુ મોટો ટેક્સ ભરતો હતો એટલે એને આ સંસ્થામાં પૈસા ટ્રાન્સફર કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.

એણે મુંબઈમાં જેટલા પણ અનાથ આશ્રમ હતા એ તમામનું એક લિસ્ટ બનાવ્યું અને દરેક આશ્રમમાં એમના નિભાવ માટે ત્રણ ત્રણ કરોડ ડોનેશન તરીકે ટ્રાન્સફર કર્યા.

એ જ પ્રમાણે જેટલા પણ વૃદ્ધાશ્રમ હતા એ બધામાં એક એક કરોડનું દાન કર્યું. જેની જેવી જરૂરિયાત હતી તે પ્રમાણે તે ડોનેશન કરતો હતો. જ્યાં માત્ર એક બે કરોડની જરૂર હોય ત્યાં પચાસ કરોડ આપવાનો કોઈ મતલબ ન હતો ! આવી નાની મોટી જે પણ સંસ્થાઓ મુંબઈમાં હતી તે બધાનું લિસ્ટ બનાવી બનાવીને એણે નાનું મોટું દાન ચાલુ કરી દીધું.

પોતાના બીજા મિશન માટે એણે રાજન દેસાઈને ઓફિસે બોલાવ્યો. ગુજરાતનાં એવાં યાત્રાસ્થાનો કે જ્યાં સાધુ સંતો ખાસ આવતા હતા એવી જગ્યાએ એમના રહેવા જમવા માટે સંન્યાસ આશ્રમ બનાવવાનું કામ સોંપી દીધું. રાજન દેસાઈ માટે આ તો મનગમતું કામ હતું એટલે એણે એ કામ હાથમાં લઈ લીધું.

દ્વારકામાં બિરલા મંદિર રોડ ઉપર, જુનાગઢમાં ભવનાથ રોડ ઉપર તથા પાલીતાણામાં તળેટી રોડ ઉપર સારાં લોકેશન શોધીને આશ્રમ કે ધર્મશાળા બનાવવાનું એણે નક્કી કર્યું.

પાલીતાણા જૈનોનું એક મોટું તીર્થધામ હતું અને ત્યાં જૈન મુનિઓ વધારે આવતા હતા એટલા માટે એણે એ તીર્થસ્થાનનો પણ વિચાર કર્યો હતો.

ગુજરાતમાં બીજાં પણ યાત્રા સ્થાનો હતાં પરંતુ ત્યાં સાધુસંતોની અવરજવર ઓછી રહેતી એટલે આ ત્રણ સ્થાનો ઉપર જ એણે ફોકસ કર્યું.

રાજન દેસાઈને એણે બધા જ અધિકારો આપી દીધા અને જે તે સ્થાનોની મુલાકાત લઈને આવા સારા કાર્ય માટે સમયનો થોડો ભોગ આપવાની વિનંતી કરી. રાજન દેસાઈએ એ દિશામાં વિચારવાનું પણ ચાલુ કરી દીધું.

ત્રીજા મિશન માટે એણે ઝાલા સાહેબને ફોન કર્યો અને ભૂતકાળમાં હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળનારા એક રિટાયર્ડ મેનેજિંગ ડીરેક્ટર ઠક્કર સાથે મીટીંગ કરાવવાની વાત કરી.

ઝાલા સાહેબે અઠવાડિયામાં જ મંથનની ઓફિસમાં રમેશભાઈ ઠક્કરની મુલાકાત ગોઠવી દીધી. ઠક્કર સાહેબ એક જાણીતી હોસ્પિટલમાં મેનેજિંગ ડીરેક્ટર રહી ચૂક્યા હતા અને વર્ષો સુધી સેવા આપી હતી. ૬૨ વર્ષની ઉંમર હતી.

"ઠક્કર સાહેબ એક મિશન અમે હાથમાં લીધું છે અને એ સારા કામ માટે અમને તમારી મદદ જોઈએ છે. તમને તમારી મહેનતનું સારું એવું વળતર પણ અમે તમને દર મહિને આપીશું. હવે મારી વાત ધ્યાનથી સાંભળો." મંથને વાત શરૂ કરી.

"તમારા જ ફિલ્ડનું એક સેવાનું કામ તમને સોંપી રહ્યો છું. તમારી ખૂબ પ્રશંસા આ ઝાલા સાહેબે કરી છે એટલે તમને બોલાવ્યા છે. મુંબઈમાં આપણે નર્સોની એક અલગ ટીમ ઊભી કરવી છે. આમ તો એને નર્સિંગ સ્ટાફ કહી શકાય. "

" મારા વિચારથી ૭૦ ટકા નર્સો અને ૩૦ ટકા યુવકો આપણે પસંદ કરવા છે. છોકરીઓમાં કુદરતી રીતે જ માતૃત્વનો ભાવ રહેલો હોય છે એટલે એ સેવા સારી રીતે કરી શકે છે. અમુક કામ એવાં છે કે જેમાં યુવકો વધુ કામ આવે એવા છે. મુંબઈના દરેક મુખ્ય મુખ્ય વિસ્તારમાં આ ટીમ આપણે તૈયાર રાખવાની છે." મંથન પોતાનું વિઝન ઠક્કર સાહેબને બતાવી રહ્યો હતો.

"એ પછી આપણે સતત ન્યૂઝ પેપરમાં જાહેરાત આપવાની છે. કોઈપણ વૃદ્ધ દંપત્તિને અથવા તો બીમાર વ્યક્તિને સેવાની જરૂર હોય તો જે તે એરિયાની નર્સો એમના ઘરે આપણે મોકલી આપીશું જે નિઃશુલ્ક સેવા આપશે. જરૂર હોય ત્યાં ૨૪ કલાકની સેવા પણ આપણે પૂરી પાડીશું. આ સેવાઓમાં હાથે પગે માલિશ કરી આપવી, હાથ પગ દબાવી આપવા જેવી તમામ સેવાઓ આવરી લેવાશે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઉપર આપણું ફોકસ વધારે રહેશે " મંથન બોલતો હતો.

"દરેક નર્સિંગ સ્ટાફે પોતાના ઘરથી નજીક પડે એવા વિસ્તારો પસંદ કરવાના રહેશે જેથી ફોન આવે કે તરત જ અડધા કલાકમાં એ પહોંચી શકે. ઘણા દર્દીઓને હોસ્પિટલથી ઘરે ગયા પછી પણ થોડા દિવસ સુધી સારવારની જરૂર હોય છે એવા લોકોને પણ આપણે ફ્રી સેવા આપીશું. તમામ વૃદ્ધાશ્રમોમાં પણ આપણે નર્સિંગ સેવા ફ્રીમાં પૂરી પાડીશું " મંથને કહ્યું.

" પસંદગી પામેલા તમામ ઉમેદવારોનો એડ્રેસ પ્રૂફ સાથેનો સંપૂર્ણ રેકોર્ડ તમારે રાખવો પડશે. આપણા કામમાં કોઈ કચાસ હોવી જોઈએ નહીં. તમામ પસંદગી પામેલા નર્સિંગ સ્ટાફને આપણે સારો એવો પગાર ચૂકવીશું. નર્સિંગ સ્ટાફની ભરતી માટે એક મહિના સુધી તમે દર રવિવારે છેલ્લા પાના ઉપર મોટી જાહેરાત આપતા રહો. " મંથન કહી રહ્યો હતો.

"જાહેરાતોના ખર્ચમાં કોઈ કરકસર કરવાની તમારે જરૂર નથી. લાયકાત ધરાવનારા તમામ યુવક યુવતીઓના ધ્યાનમાં જાહેરાત આવે એ જરૂરી છે. અરજીઓ તો ઘણી બધી આવશે એટલે ચુનંદા સેવાભાવી સ્ટાફને પસંદ કરવાનું તમારું કામ પણ મુશ્કેલ છે છતાં તમે અનુભવી છો એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી." મંથન બોલ્યો.

" તમામ સ્ટાફની ભરતી થઈ જાય એ પછી આપણી સેવાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે પણ આપણે તમામ પેપરોમાં સતત જાહેરાતો આપતા રહેવું પડશે જેથી લોકોને ખ્યાલ આવે. હવે તમારો કોઈ સુઝાવ હોય તો જણાવી શકો છો. " મંથને પોતાની વાત પૂરી કરી.

"મહેતા સાહેબ તમારા જેવા ઉમદા વિચારો મેં આજ સુધી કોઈનામાં જોયા નથી. મુંબઈમાં અનેક ધનાઢ્ય લોકો વસે છે પરંતુ કોઈએ આજ સુધી આવું કદી વિચાર્યું પણ નથી. આ એક એવું ઉત્તમ કાર્ય છે કે જેની પ્રશંસા પણ ઓછી પડે છે !!" ઠક્કર સાહેબ બોલ્યા.

"ઈશ્વરે જે વધારાનું આપ્યું છે એ ઈશ્વરને અર્પણ કરી રહ્યો છું ઠક્કર સાહેબ. બધું અહી ને અહીં મૂકીને જવાનું છે. " મંથન હસીને બોલ્યો.

"મહેતા સાહેબ હવે મારું એક નમ્ર સજેશન છે. આપણે સ્ટાફની ભરતી તો કરીશું પરંતુ સૌ પોતપોતાના ઘરે બેસીને જ સેવા આપે અને આપણે એમને સારો પગાર આપીએ એ મને યોગ્ય નથી લાગતું. આપણે કોર્પોરેટ ટાઈપની એક મોટી ઓફિસ બનાવવી પડશે જ્યાં આ તમામ નર્સિંગ સ્ટાફ સવારે ડ્યુટી ઉપર હાજર થાય." ઠક્કર સાહેબ કહી રહ્યા હતા.

" જાહેરાતો આપ્યા પછી સેવા લેવા માટે ઘણા બધા ફોન ચાલુ થઈ જશે. ફોન નંબર પણ આપણી ઓફિસનો જ આપવાનો એટલે ઓપરેટર જે એડ્રેસ ઉપરથી ફોન આવે એ એરીયા જેને નજીક પડતો હોય એને કોલ ટ્રાન્સફર કરે અને જે તે નર્સ ત્યાં જઈને સેવા આપે. અમુક સ્ટાફ સવારે આવે અમુક સ્ટાફ સાંજે આવે અને અમુક લિમિટેડ સ્ટાફ રાત્રે પણ આવે તો હોસ્પિટલની જેમ મેનેજમેન્ટ થઈ શકે. નહીં તો બધી અવ્યવસ્થા ફેલાશે અને રેકોર્ડ નહીં રાખી શકાય. " ઠક્કર સાહેબ બોલતા હતા.

"આપણે કોર્પોરેટ ઓફિસ બનાવીએ તો એમાં એક ટ્રેઇનિંગ સેન્ટર જેવું પણ રાખી શકીએ કે જેમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા નર્સોને ફિઝિયોથેરપીની ટ્રેઇનિંગ આપવામાં આવે. જેમણે નર્સિંગ નથી કરેલું એમને નર્સિંગની ટ્રેઇનિંગ પણ આપવામાં આવે. ઈમરજન્સી સારવારની ટ્રેઇનિંગ પણ આપી શકાય. આપણો સ્ટાફ એકદમ ટ્રેઇન્ડ સ્ટાફ બને તો સારી સેવાઓ પૂરી પાડી શકે." ઠક્કર સાહેબે પોતાની વાત પૂરી કરી.

"વાહ કયા બાત હૈ !! .. સરસ સૂચન કર્યું ઠક્કર સાહેબ તમે. અનુભવીમાં આટલો ફરક પડે ! આપણે લોઅર પરેલમાં જ આખું કોર્પોરેટ હાઉસ ઊભું કરી શકીએ એમ છીએ. ૩૦૦૦ વારની એક જગ્યા ત્યાં મને મળે એમ છે. ત્યાં ત્રણ ચાર માળનું એક કોર્પોરેટ હાઉસ આપણે ઊભું કરી શકીએ. દરેક ફ્લોર ઉપર ટ્રેઇનિંગના અલગ અલગ વિભાગો અને સાધનો રહે. સ્ટાફને જમવા માટે કેન્ટીનની પણ વ્યવસ્થા થાય. આપણી તમામ સેવાઓ ત્યાંથી જ આપણે સંચાલિત કરી શકીએ. " મંથન બોલ્યો.

"ઉત્તમ આઇડિયા છે કુમાર. બસ આ જ દિશામાં તમે આગળ વધો અને તાત્કાલિક ચાર પાંચ માળનું એક બિલ્ડીંગ ઊભું કરી દો. દરેક ફ્લોર અત્યારે ઓપન રાખજો. પછી ઠક્કર સાહેબ અને આર્કિટેક્ટની સૂચના પ્રમાણે એમાં પાર્ટીશન આપણે કરાવી દઈશું. એક કોર્પોરેટ હાઉસ જ બની જશે. ભલે બીજા ત્રણ ચાર મહિના લાગે. સમયનો તો આપણને ક્યાં દુકાળ છે ? જાહેરાતો આપણે થોડી મોડી આપીશું. " ઝાલા સાહેબ બોલ્યા.

" હા. છતાં જાહેરાતનો ડ્રાફ્ટ મને ઈ-મેલ કરી દેજો એટલે હું જોઈ લઈશ." કહીને મંથને પોતાનું કાર્ડ ઠક્કર સાહેબને આપ્યું.

ઠક્કર સાહેબ ગયા પછી મંથને ઝાલા સાહેબ સાથે વાતચીત ચાલુ રાખી.

" ગયા વખતે આપણે મુંબઈમાં એક સરસ ગેસ્ટ હાઉસ બનાવવાની વાત કરી હતી કે જ્યાં બહારગામથી આવતા મુસાફરોને વિસામો મળે. ચાર પાંચ માળનું વિશાળ ગેસ્ટ હાઉસ હોય કે જેમાં ૧૦૦૦ મુસાફરો રહી શકે. જમવાની પણ એમાં વ્યવસ્થા કરી દઈએ. રહેવા અને જમવાનો ટોકન ચાર્જ માત્ર ૫૦ રૂપિયા રાખીએ. " મંથન બોલતો હતો.

"મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે. જે લોકો નવા નવા મુંબઈમાં પહેલીવાર આવતા હોય એમના માટે આવું ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ બનશે. એ ઉપરાંત મુંબઈની હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે બહારગામથી આવેલા દર્દીઓનાં સગાઓને ઉતરવા માટે પણ એક વિસામો મળશે એવું સૂચન પણ તમે કરેલું. મુંબઈમાં રહેવાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. " મંથન બોલતો હતો.

" મેં તમને તે દિવસે કહેલું એમ મારો વિચાર તો એવો પણ છે કે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી મુંબઈ આવતા લોકોને રહેવા માટે એક વિશાળ કોલોની પણ ઉભી કરી દઉં. જ્યાં સાવ ટોકન ભાડાથી લોકો રહી શકે." મંથન બોલ્યો.

" હા ગેસ્ટ હાઉસ માટે તમને હું ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરનો પ્લોટ આપી દઉં છું જે દાદર ટીટી સર્કલથી એકદમ નજીક છે. મુંબઈના કોઈપણ એરિયામાં જવા માટે બેસ્ટ લોકેશન છે. એકદમ ટાઈટલ ક્લિયર છે. કાલથી જ તમે કામ ચાલુ કરી શકો. " ઝાલા બોલ્યા.

" કોલોની બનાવવા માટે મારી પાસે એક સરસ જગ્યા છે. વસઈ ઈસ્ટમાં એક પ્લોટ છે મારા મિત્રનો. લગભગ ૯ ૧૦ હજાર વાર જગ્યા હશે. એ જગ્યા વેચવાની જ છે. વસઈ હવે તો મુંબઈનો જ એક ભાગ થઈ ગયું છે અને છેક વિરાર સુધી ટ્રેનો ચાલતી જ હોય છે. એટલે ત્યાં રહેવા માટે લોકોને પણ સુગમ રહેશે." ઝાલા સાહેબ બોલ્યા.

"તો પછી શુભસ્ય શીઘ્રમ્... ફાઇનલ કરી દો પપ્પા. હવે આપણે વિલંબ નથી કરવો. સારા વિચારોને તરતમાં જ અમલમાં મૂકી દેવા જોઈએ. મેં તમને સહીઓ કરેલી ચેકબુક આપેલી જ છે. તમે જ સોદો પતાવી દો એટલે હું મારા એન્જિનિયરને મોકલી આપું. " મંથન બોલ્યો.

આટલી ચર્ચા કર્યા પછી આજે મંથન અને ઝાલા સાહેબ જોડે જ હોટલમાં જમવા માટે ગયા.

બીજા દિવસે મંથને ઝાલા સાહેબની સાથે પોતાના બે એન્જિનિયરને વસઈ ઈસ્ટના પ્લોટ જોવા માટે મોકલી દીધા. આર્કિટેક્ટ પરમાર સાહેબને જગ્યાનો લે આઉટ પ્લાન પણ આપી દીધો જેથી એ કોલોનીની ડિઝાઇન બનાવી શકે.

"જુઓ પરમાર સાહેબ આપણે આ કોલોનીનાં મકાનો તમામ સગવડો સાથેનાં એક રૂમ કિચનના બનાવવાના છે. ૫૦૦ ચોરસ ફિટ એરીયા દરેક ફ્લેટ નો રહેશે. કોલોનીમાં આપણે બધી સગવડ આપવાની છે અને પોતાનો બોરવેલ પણ બનાવવાનો છે. આઠ માળના બ્લોકની ડિઝાઇન બનાવજો."

ઝાલા સાહેબે પોતાનું કામ પતાવી દીધું અને માલિક પાસેથી જમીન ખરીદી પણ લીધી.

પરમાર સાહેબને દાદરનો પ્લોટ પણ બતાવી દીધો જેથી ત્યાં એક સરસ ગેસ્ટ હાઉસ ઉભું થઈ શકે. વધુને વધુ મુસાફરો રહી શકે એ રીતની ડિઝાઇન બનાવવાનું કહી દીધું. સ્પેશિયલ રૂમો માટે એક અલગ ફ્લોર ફાળવ્યો જ્યાં માત્ર ફેમિલી જ રહી શકે. સિંગલ માટે કોમન હોલમાં ડોરમેટ્રીનું સજેશન કર્યું જ્યાં જનરલ વોર્ડની જેમ એક સાથે અનેક પલંગો ગોઠવી શકાય. એક ફ્લોર ઉપર ડાઇનિંગ હોલ રાખવાનું નક્કી કર્યું જે માત્ર ગેસ્ટ હાઉસમાં રહેતા લોકો માટે જ ઉપયોગમાં લઈ શકાય.

એ પછીના દિવસે મંથન મર્સિડીઝ જાતે ચલાવીને પારલા પહોંચી ગયો. એણે હવે ચિત્તરંજન રોડ જોયો હતો એટલે સીધો નંદનિવાસ પહોંચી ગયો. એણે સવારથી જ તર્જનીને ફોન કરી દીધો હતો.

" તર્જની મંથન બોલું છું. તારા ઘરે આજે લગભગ ૧૨ વાગે આવું છું. તારે આજે મારી સાથે આવવાનું છે. આજનાં બધાં જ ટ્યુશન રદ કરી દેજે." મંથન બોલ્યો.

" અરે ભાઈ મને ગઈકાલે રાત્રે ના કહેવાય ? પહેલીવાર તો ચા પીને ભાગી ગયા પરંતુ આ વખતે જમાડ્યા વગર આ બહેન રહેવાની નથી. કાલે કહ્યું હોત તો સવારથી જ રસોઈની તૈયારી કરી હોત ને ! " તર્જની બોલી.

" અરે જમવા માટે તો આખી જિંદગી પડી છે. આજે રહેવા દે. નેક્સ્ટ ટાઈમ એડવાન્સમાં તને કહીને હું આવીશ." મંથન બોલ્યો.

" નેક્સ્ટ ટાઈમમાં હું માનતી જ નથી ભાઈ. આજે તમને જમાડ્યા વગર હું મારા ઘરેથી નીકળવાની નથી. બોલો તમને જમવામાં શું ભાવે છે ? તમારી પ્રિય ડીશ કઈ ? " તર્જની બોલી.

" હે ભગવાન આ છોકરીને કેમ કરીને સમજાવવી ? સારું. તારી પસંદગીની કોઈપણ આઈટમ ચાલશે " મંથને છેવટે નમતું જોખ્યું.

બપોરે સવા બાર વાગે મંથન નંદનિવાસ પહોંચી ગયો.

આજે તર્જની કંઈક અલગ જ દેખાતી હતી. પોતાનો ભાઈ આવવાનો હતો અને એની સાથે એ બહાર જવાની હતી એટલે એ થોડી તૈયાર થઈ હતી.

એના અતિ ગોરા શરીર ઉપર બોટલ ગ્રીન કલર નો ડ્રેસ ખૂબ જ શોભી રહ્યો હતો. કમર સુધી પહોંચતા વાળ ખુલ્લા રાખ્યા હતા. ચહેરા ઉપર મેકઅપ ની જરૂર ન હતી છતાં પણ આછો આછો મેકઅપ કર્યો હતો. આંખોમાં કાજળ આંજ્યું હતું. એની પાસે કોઈ પરફ્યુમ ન હતું એટલે બસ એક પર્ફ્યુમની ખોટ હતી !!- મંથન એને બસ જોઈ જ રહ્યો

" આ ડ્રેસ મારી મમાએ મારા જન્મ દિવસે મને ભેટ આપ્યો હતો એટલે આજે પહેર્યો છે ભાઈ. " તર્જની બોલી.

" ખરેખર ખૂબ જ સરસ લાગે છે. અને તને તો ખૂબ જ શોભે છે. અદિતિ તને જોઈને ખુશ થઈ જશે. " મંથન બોલ્યો.

" અદિતિ કોણ છે ભાઈ ? " તર્જની બોલી કારણ કે ગયા વખતે મંથને અદિતિનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

" તારી ભાભી. એ પણ તારા જેવી જ રૂપાળી છે. તારે રમાડવા માટે મારે એક સાવ નાનકડો દીકરો પણ છે. એનું નામ અભિષેક રાખ્યું છે. " મંથને પોતાના નાનકડા કુટુંબનો પરિચય આપ્યો.

" વાહ... મને તો નાનાં નાનાં બાળકો બહુ જ ગમે ભાઈ. ભાભી નું નામ પણ મને બહુ ગમ્યું. " તર્જની બોલી.

એ પછી એણે ફટાફટ બે થાળીમાં જમવાનું પીરસ્યું.

" ભાઈ તમને નીચે જમવાનું ફાવશે ? કારણ કે ડાઇનિંગ ટેબલ નથી. નાનુ ટેબલ હું તમને મૂકી આપું પરંતુ ફોલ્ડીંગ ખુરશીમાં બેસીને જમવાનું નહીં ફાવે." તર્જની થોડા સંકોચથી બોલી.

" અરે ગાંડી બહેન... જમીન ઉપર બેસીને જ જમતાં શીખ્યો છું. ડાઇનિંગ ટેબલની માયા તો મુંબઈ આવ્યા પછી વળગી છે. બાકી તારો ભાઈ તો તારાથી પણ ખરાબ હાલતમાં જીવતો હતો. " મંથન બોલ્યો અને બાજુમાં પડેલું એક આસન લઈને જમીન ઉપર બેસી ગયો.

મંથને જોયું તો જમવામાં એની અતિ પ્રિય દાળઢોકળી હતી.

" ભાઈ તમે મારી પસંદગીની રસોઈ બનાવવાની વાત કરી એટલે પછી મેં દાળ ઢોકળી બનાવી અને તમે થોડોક મોડો ફોન કરેલો એટલે બીજી તૈયારી કરવાનો મારી પાસે કોઈ સમય જ ન હતો " તર્જની બોલી.

" તેં ખીચડી બનાવી હોત તો પણ મેં પ્રેમથી ખાધી હોત. હું હવે કંઈ પારકો નથી. અને આ તો મારી અતિ પ્રિય આઈટમ છે. " મંથન બોલ્યો.

તર્જનીએ તજ લવિંગથી વઘારેલી અને અંદર સિંગદાણા નાખેલી દાળઢોકળી ખૂબ જ સરસ બનાવી હતી.

" ખરેખર ખૂબ જ ટેસ્ટી દાળઢોકળી બનાવી છે તર્જની. " મંથનથી બોલાઈ જવાયું.

જમ્યા પછી મંથન અને તર્જની બહાર નીકળ્યાં ત્યારે નંદનિવાસની બહાર મર્સિડીઝ ગાડી પડી હતી. તર્જનીને અહેસાસ થઈ ગયો કે એની નવી જિંદગીની યાત્રા અહીંથી શરૂ થતી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)