વારસદાર - 69 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 69

વારસદાર પ્રકરણ 69

તલકચંદને મળીને મંથન સીધો પોતાના ઘરે જ ગયો. થોડો સમય અભિષેક સાથે ગાળ્યો. એ પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એણે જમી લીધું.

તલકચંદને જે રીતે એણે મનાવી લીધા એ ગુરુજીની કૃપા વગર શક્ય જ ન હતું. એ ઘરેથી ગુરુજીને પ્રાર્થના કરીને જ નીકળ્યો હતો. હવે કેતા અને મૃદુલાબેનને સરપ્રાઈઝ આપવાનું હતું. પરંતુ એ પહેલાં ગડાશેઠના આદેશ મુજબ સુજાતા દેસાઈને મળવું જરૂરી હતું.

જમીને એણે થોડો આરામ કર્યો અને પછી બપોરે ત્રણ વાગે એ પારલા જવા માટે નીકળ્યો. મુંબઈના ગીચ ટ્રાફિકમાં દરેક જગ્યાએ મર્સિડીઝ લઈને જવું અનુકૂળ નથી હોતું. પારલા બહુ દૂર નહોતું એટલે એણે ઘરેથી રીક્ષા પકડી અને મલાડ સ્ટેશને ગયો. ત્યાંથી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ટ્રેન પકડી અને પારલા સ્ટેશને ઉતર્યો. પારલાથી એ બહુ પરિચિત ન હતો.

"અહીંથી ચિત્તરંજન રોડ કેટલે દૂર ?" સ્ટેશનની બહાર એક પેપર સ્ટોલ ઉપર એણે પૂછ્યું.

" યે સામને અગ્રવાલ માર્કેટ હે. વહાં સે નિકલ જાઓ. ઉસકે પીછે લેફ્ટમેં થોડા આગે જાને કે બાદ આયેગા. જ્યાદા દૂર નહીં હૈ." સ્ટોલ વાળો બોલ્યો.

મંથને ચાલવાનું ચાલુ કર્યું. અગ્રવાલ માર્કેટમાંથી બહાર નીકળી ગયો અને થોડે દૂર આગળ જતાં જ ચિત્તરંજન રોડ શરૂ થયો. નંદનિવાસ બહુ દૂર ન હતું.

નંદનિવાસ ખરેખર તો એક માળો હતો. એમાં જુદી જુદી રૂમો હતી. સુજાતા દેસાઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે એવું ગડા શેઠે કહેલું.

એણે ગેટ ઉપર જ બહાર નીકળતા એક વડીલને પૂછ્યું. " અહીં સુજાતાબેન દેસાઈ ક્યાં રહે છે ? "

પેલા ભાઈ થોડી વાર તો મંથન સામે જોઈ જ રહ્યા.

" ક્યાંથી આવો છો ? સુજાતાબેન તો બે વર્ષ પહેલાં ગુજરી ગયાં. એમની ૨૩ વર્ષની એક દીકરી છે તર્જની. એ પેલા ત્રણ નંબરના રૂમમાં રહે છે. અત્યારે ટ્યુશન ભણાવતી હશે." પેલા વડીલ બોલ્યા અને મંથનનો જવાબ સાંભળ્યા વિના જ આગળ નીકળી ગયા. એમને ટ્રેઈન પકડવાની હતી.

સુજાતાબેનની દીકરી ? પરંતુ ગડાશેઠે તો દીકરીનો કોઈ જ ઉલ્લેખ કર્યો ન હતો. કૌશિકભાઈએ ગડાશેઠનો જે ભૂતકાળ કહ્યો એમાં પણ આ તર્જનીનો કોઈ ઉલ્લેખ ન હતો. બની શકે કે ગડાશેઠને કે કૌશિક ભાઈને આ તર્જની વિશે કોઈ માહિતી ના હોય !

મંથન આગળ વધ્યો અને ત્રણ નંબરના રૂમ આગળ જઈને ઉભો રહ્યો. તર્જની ના દેખાવ ઉપરથી સુજાતા દેસાઈ યુવાનીમાં કેટલાં બધાં રૂપાળાં હશે એની કલ્પના મંથન કરી શકતો હતો.

એકદમ યુરોપિયન ગૌરવર્ણ, એની બેઠેલી મુદ્રામાં આગળ સરકાવેલો લાંબો ચોટલો, પાતળું છતાં આકર્ષક શરીર સૌષ્ઠવ ! તર્જની અત્યારે બે નાનાં બાળકોને ભણાવી રહી હતી.

અચાનક એનું ધ્યાન દરવાજા ઉપર ઉભેલા મંથન ઉપર પડ્યું. કોઈ અજાણ્યો યુવાન એના દરવાજા ઉપર ઊભો હતો.

" જી આપને કોનું કામ હતું ? " તર્જની એના મીઠા અવાજમાં બોલી. એની વાણીમાં સંસ્કારીતા છલકતી હતી.

" આમ તો સુજાતાબેનનું કામ હતું " મંથન બોલ્યો.

" ઓહ.. પણ મમા તો હવે નથી રહ્યાં. બે વર્ષ થઈ ગયાં. " તર્જની બોલી.

" એ મને હમણાં જ ખબર પડી તમારા ગેટ ઉપર. થોડી જરૂરી વાત કરવી હતી. તમારું ટ્યુશન કેટલા વાગે પતે છે ? તો હું ત્યાં સુધી બહાર ચક્કર મારી આવું. " મંથન બોલ્યો.

" અરે ના ના ... બસ પતવા જ આવ્યું છે. દસેક મિનિટ અહીં જ બેસો ને !" કહીને તર્જનીએ ખૂણામાં મૂકેલી ફોલ્ડિંગ ચેર દરવાજા પાસે ગોઠવી આપી. મંથને એમાં બેઠક લીધી.

" બોલો હવે મમા વિશે શું કહેતા હતા ? તમને ખબર નથી મમા ઓફ થઈ ગયા એ ? " બાળકોના ગયા પછી તર્જનીએ વાત શરૂ કરી.

" ખબર ક્યાંથી હોય મેડમ ? તમારાં મમ્મીનો પરિચય પણ મને બે દિવસ પહેલાં જ થયો." મંથન બોલ્યો. એને હવે આગળ શું વાત કરવી એ સમજાતું ન હતું.

" તમે મને મેડમ ના કહો. મારું નામ તર્જની છે. હું તમારાથી નાની છું. " તર્જની બોલી.

" ઓકે તર્જની. ખોટું ના લગાડશો પણ હવે સુજાતાબેન નથી એટલે પૂછવું પડે છે. તમારા પપ્પા નથી ? " મંથન બોલ્યો.

" ઓહ.. તો મતલબ તમને કંઈ જ ખબર નથી લાગતી. મારા પપ્પાને તો મેં જોયા જ નથી. હું ગર્ભમાં હતી ત્યારે જ પપ્પાએ મમાને છોડી દીધેલાં. ખૂબ જ સંઘર્ષ કર્યો છે મમાએ. દલીચંદ ગડા નામ હતું એમનું. એમના વિશે બીજી કોઈ જ માહિતી નથી મારી પાસે" તર્જની બોલી.

" ઓહ.. આઈ એમ સો સોરી. મને આ બધી વાતની કોઈ જ ખબર નથી. મને ગડાશેઠે તમારા વિશે કોઈ જ માહિતી નથી આપી. મને માત્ર એટલું જ કહ્યું કે એકવાર તમે પારલા જઈને સુજાતા દેસાઈની ખબર લઈ આવો. મારાથી બહુ જ મોટું પાપ થઈ ગયું છે." મંથન સહાનુભૂતિથી બોલ્યો.

" ગડાશેઠ કોણ ? " તર્જની બોલી.

" તમારા પપ્પા. તમે મારા ઉપર કોઈ ગુસ્સો ના કરશો. બહુ લાંબી વાત છે. હું તો માત્ર એટલું જ કહીશ કે તમારા પપ્પા અત્યારે આ દુનિયામાં નથી. એ પણ કદાચ તમારા વિશે જાણતા નહીં હોય નહીં તો તમારો ઉલ્લેખ કર્યો જ હોય. " મંથન બોલ્યો.

" ઓહ... એ આ દુનિયામાં નથી તો પછી તમને મમાની ખબર લેવા કેવી રીતે મોકલ્યા ? " તર્જની બોલી.

" સ્વપ્નમાં આવીને. સતત ત્રણ રાત સુધી મારા સપનામાં આવ્યા અને તમારું એડ્રેસ પણ આપ્યું. તમારા મમ્મીને છોડી દીધા એનું એમને બહુ જ દુઃખ છે એવું એ મને કહેતા હતા. એ મારા બિઝનેસ પાર્ટનર હતા એટલા માટે હું એમને ઓળખું છું. થોડા દિવસો પહેલા જ એમનું અવસાન થયું છે. હું એટલા માટે જ તમારા મમ્મીને મળવા આવ્યો હતો. " મંથન બોલ્યો.

" સરપ્રાઈઝિંગ ! કોઈ સપનામાં આવીને આ રીતે કઈ રીતે એડ્રેસ આપી શકે ? તમારી વાતો બધી નવાઈ ભરેલી લાગે છે. " તર્જની બોલી.

" તમારી ઉંમર ઘણી નાની છે આ બધી બાબતો સમજવા માટે. હું મેડીટેશનના ખૂબ ઊંચા લેવલ ઉપર છું એટલે મને સપનામાં આવા અનુભવ થઈ શકે છે. તમારા માટે એક સારા સમાચાર આપવા માટે આવ્યો છું. " મંથન બોલ્યો.

" અરે તમને ચા પાણી પૂછવાનું તો ભૂલી જ ગઈ ! તમને શું ફાવશે ? ચા કે કોફી ? સોરી ઘરમાં ફ્રીજ નથી એટલે કોલ્ડ્રિંક્સ નથી રાખતી. જરૂર હોય ત્યારે બાજુમાં માસીનું ફ્રીજ વાપરું છું. માસી એટલે કે પડોશી ! " તર્જનીએ સ્પષ્ટતા કરી.

" તમે ચા પાણીનું આજે રહેવા દો. ફરી કોઈ વાર તમારા હાથની ચા પીશ." મંથન બોલ્યો.

" હું ચા સરસ બનાવું છું. તમને જરૂર ભાવશે. ચાનો ટાઈમ પણ થયો છે. " મંથનનો જવાબ સાંભળ્યા વગર જ તર્જની ઊભી થઈ અને ચા બનાવવા ગઈ. રૂમ મોટો હતો અને એમાં જ એક તરફ કિચન અને બાથરૂમ હતાં.

આદુ ફુદીનો અને લીલી ચા નાખીને તર્જનીએ ચા ખરેખર સરસ બનાવી હતી.

" મારા ઘરની ચા પીતો હોઉં એવો જ અહેસાસ થાય છે. ખોટું ના લાગે તો એક વાત કહું ? " મંથન બોલ્યો.

"હા હા બોલો ને ? " તર્જની બોલી. કોણ જાણે કેમ એને આ યુવાનમાં પોતીકાપણું લાગતું હતું. એને આ યુવાનની સાલસતા ગમતી હતી.

"મારે કોઈ બહેન નથી. જીવનમાં બધું જ મળ્યું છે પરંતુ બહેનનો જ એક ખાલીપો છે. લાઈફમાં એક બહેન તો હોવી જ જોઈએ. તમે મારી નાની લાડકી બહેન બનશો ? તમને ક્યારે પણ ભાઈની ખોટ નહીં પડવા દઉં. અત્યાર સુધી તમે ઘણું સહન કર્યું છે. તમને સુખી કરવાનો એક અવસર મને પણ આપો !" મંથન ખૂબ જ લાગણીથી બોલ્યો.

થોડી ક્ષણો માટે તો તર્જની કંઈ બોલી જ નહીં. એને કલ્પના પણ ન હતી કે એના સંઘર્ષભર્યા સૂના જીવનમાં કોઈ વ્યક્તિ આવીને આવી વાત કરશે ? આવા લાગણીભર્યા શબ્દો એણે ક્યારેય પણ સાંભળ્યા ન હતા. એની આંખોમાં આંસુ આવી ગયાં.

" અરે અરે તમે રડો નહીં. હું કોઈનાં આંસુ જોઈ શકતો નથી. હું સાચા દિલથી તમને કહી રહ્યો છું." મંથન બોલ્યો.

" મમા ગયા પછી મારી સાથે આજ સુધી આટલી લાગણીથી કોઈએ વાત નથી કરી એટલે રડવું આવી ગયું. " તર્જની બોલી.

તર્જની પોતે ખૂબ જ સૌંદર્યવાન હતી અને એકલી જ રહેતી હતી એટલે ઘણા યુવાનો એની સાથે સંબંધ બાંધવા આતુર રહેતા. પણ આ યુવાન ખરેખર લાગણીશીલ હતો. સાચા દિલથી એ બોલી રહ્યો હતો. એની આંખોમાં ક્યાંય પણ કોઈ વિકાર ન હતો. એની વાતો સીધી હ્રદયને સ્પર્શી જતી હતી !

"એક વાત પૂછું ?" તર્જની દુપટ્ટાથી આંસુ લૂછીને બોલી.

" હા હા.. જરૂર પૂછો. "

" તમે તો મને પહેલીવાર જ મળો છો. મને ઓળખતા પણ નથી. તો પછી આજે એક જ મુલાકાતમાં અચાનક આમ મને બહેન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ? મારા ઉપર દયા ખાઈને તો આ સંબંધ નથી બાંધતા ને ? " તર્જની બોલી.

" કેટલાક સંબંધો પૂર્વ જન્મથી ચાલ્યા આવતા હોય છે તર્જની. આપણે ભલે પહેલી વાર મળતાં હોઈએ પરંતુ આત્મા તો આત્માને ઓળખી લેતો જ હોય છે. તમને જોઈને મને અચાનક જ આ લાગણી પેદા થઈ અને મેં તે રજુ પણ કરી દીધી. મનમાં મારા પ્રત્યે કોઈ શંકા રાખવાની જરૂર નથી " મંથન ભાવુક થઈને બોલ્યો.

" તો પછી મને તમે તમે કહીને ના બોલાવશો. મને માત્ર તર્જની કહો. મને તમારા પ્રત્યે કોઈ જ શંકા નથી. મને આ સંબંધ મંજૂર છે. પણ મને તો તમારું નામ પણ ખબર નથી ! " તર્જની હસીને બોલી.

" મંથન... મંથન મહેતા મારું નામ. મૂળ વતન અમદાવાદ પણ મલાડમાં રહું છું. વ્યવસાય મારો બિલ્ડરનો છે અને મારી ઘણી બધી સ્કીમો મુંબઈમાં ચાલે છે. " મંથને પોતાનો પૂરો પરિચય આપ્યો.

" નામ તો સરસ છે. આ નામ મેં ક્યાંક સાંભળેલું છે. " તર્જની બોલી.

" તેં અનેક વાર મારું નામ પેપરમાં વાંચ્યું હશે અને ન્યૂઝ ચેનલમાં મારી જાહેરાતો પણ સાંભળી હશે. બોરીવલીમાં મારી અદિતિ ટાવર્સની સ્કીમ વખતે મારી સતત જાહેરાતો આવતી. " મંથન બોલ્યો.

" યેસ યેસ... તમે તો બહુ મોટા માણસ છો ભાઈ." તર્જનીએ પ્રેમથી ભાઈનું સંબોધન કર્યું.

" તારા માટે જરા પણ મોટો નથી. તું મારી નાની લાડકી બહેન જ રહેવાની. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને જ્યારે કહું ત્યારે તારે આ રૂમ ખાલી કરી દેવાનો છે અને હું જ્યાં લઈ જઉં ત્યાં તારે આવવાનું. તારી હવે પછીની જિંદગીની જવાબદારી મારી છે. " મંથન બોલ્યો.

" મને અહીં કોઈ તકલીફ નથી ભાઈ. હું મારી રીતે સુખી છું. " તર્જની બોલી.

" પણ તારા વગર હું સુખી નથી ને ! તારે હવે કોઈ દલીલ નહીં કરવાની. તારો મોટો ભાઈ છું. હવે મારી બીજી વાત ધ્યાનથી સાંભળ. તારું કોઈ બેંક એકાઉન્ટ છે ? " મંથને પૂછ્યું.

" હા છે ને ભાઈ. અહીં નજીકમાં જ બેંક છે. " તર્જની બોલી.

" બસ તો પછી ભાઈબહેનના આ નવા સંબંધમાં ભાઈ તરફથી એક નાનકડી ભેટ તને આપું છું. હું તને જે ચેક લખી આપું છું એ તારા ખાતામાં કાલે જમા કરાવી દેજે. " કહીને મંથને પોતાની બેગમાંથી ચેકબુક કાઢીને પચીસ લાખનો ચેક તર્જની દેસાઈના નામનો લખી નાખ્યો.

મંથને ચેક તર્જનીના હાથમાં આપ્યો. તર્જની બે ઘડી તો ચેકની સામે જોઈ જ રહી !!

" ભાઈ ભૂલથી તમે ૨૫ લાખનો ચેક લખી નાખ્યો છે !" તર્જની બોલી.

" ભૂલથી નથી લખ્યો. મારી બહેનની કિંમત તો કરોડોની છે. આ તો કંઈ જ નથી. તારા પપ્પા તરફથી આશીર્વાદની આ રકમ છે ! મારે આપવાના તો હજુ બાકી જ છે." મંથન હસીને બોલ્યો.

તર્જનીને ટ્યુશનના માંડ ૨૫૦૦૦ દર મહિને મળતા હતા. એ તો માની જ શકતી ન હતી કે એના હાથમાં ૨૫ લાખનો ચેક છે !!

બરાબર એ જ સમયે ફરી પાછી એ જ ચિરપરિચિત પરફ્યુમ મંથનના નાકને સ્પર્શી ગઈ. મંથન હવે સમજી ગયો હતો. ગડાશેઠનો આત્મા એની પાછળ પાછળ અહીં સુધી આવી ગયો હતો અને કદાચ આજે એ પોતાની દીકરીને પહેલીવાર જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હશે !

અને ખરેખર ગડાશેઠનો આત્મા ખૂબ જ ખુશ હતો. મંથનને સોંપેલાં તમામ કાર્યો મંથને ખૂબ સરસ રીતે પૂર્ણ કર્યાં હતાં !

મંથને હવે જવા માટે તર્જનીની રજા માગી. તર્જનીએ ગોઠણભેર બેસીને ભાઈનાં ચરણસ્પર્શ કર્યાં. એની આંખમાં ત્યારે આંસુ હતાં.

"તું રડીશ નહીં તર્જની. આ મારું કાર્ડ છે અને એમાં મારો મોબાઇલ નંબર છે. થોડા દિવસોમાં જ મારો ફોન આવી જશે. તારે પહેરેલા કપડે અહીંથી નીકળી જવાનું છે. " મંથન બોલ્યો અને બહાર નીકળી ગયો.

ચાલતો ચાલતો ફરી પાછો એ પારલા સ્ટેશન ઉપર આવી ગયો. સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે મનમાં ઘણી બધી દ્વિધાઓ હતી પરંતુ અત્યારે સ્ટેશનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે એનું મન એકદમ પ્રફુલ્લિત હતું.

ગડાશેઠનું કામ એણે પૂરું કર્યું હતું અને પોતાને એક વહાલસોઈ બહેન પણ મળી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 2 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Reeta Choudhary

Reeta Choudhary 1 માસ પહેલા

Karuna Talati

Karuna Talati 3 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 3 માસ પહેલા