વારસદાર - 67 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 67

વારસદાર પ્રકરણ 67

* દલીચંદ ગડાનો જન્મ કચ્છના માંડવી તાલુકામાં થયો હતો પરંતુ નાનપણથી જ એના પિતાજી મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા અને દાદર કબુતરખાના પાસે અનાજની દુકાન કરી હતી. પોતાના બુદ્ધિબળથી ધીમે ધીમે એમણે મસ્જિદ બંદરના એક મોટા કચ્છી વેપારી સાથે સેટીંગ કરીને હોલસેલનું ચાલુ કર્યું હતું અને મુંબઈના જુદા જુદા એરિયાની દુકાનોમાં એ સપ્લાય કરતા.

દલીચંદ નાનપણથી જ ખૂબ સાહસિક હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એ પિતાના ધંધામાં જ જોડાઈ ગયો હતો. કરોડો રૂપિયા કમાવાનાં એનાં સપનાં હતાં. અનાજ બજારમાં એને કોઈ મજા આવતી ન હતી. કંઈક નવું કરવું હતું જેમાં કરોડપતિ બની શકાય. ડાયમંડનો બિઝનેસ એક એવો હતો જેમાં કરોડો રૂપિયા કમાઈ શકાય. એણે ઓપેરા હાઉસમાં પંચરત્ન બિલ્ડિંગમાં ચક્કર મારવાનું ચાલુ કર્યું.

અને એક દિવસ એને તલકચંદ ઝવેરીનો ભેટો થઈ ગયો. તલકચંદના પિતા બેલ્જિયમના એન્ટવર્પથી કાચા હીરા આયાત કરતા હતા અને સાથે સાથે હીરાની દલાલી પણ કરતા હતા. ઘરમાં પૈસાની રેલમછેલ હતી એટલે તલકચંદ પણ નાનપણથી બાપના પૈસાનો રૂઆબ છાંટતો હતો.

તલકચંદ પણ સાહસિક હતો. એને દલીચંદની કંપની મળતાં બંને મિત્રોએ હીરામાં રસ લેવા માંડ્યો. નાની નાની દલાલી કરવાની ચાલુ કરી દીધી. દલીચંદ તો એકવાર એન્ટવર્પ પણ જઈ આવ્યો. એને રસ પડવા માંડ્યો. પિતા પાસે પૈસા તો હતા જ. જેટલી પણ મૂડી મળી એ લઈને કાચા હીરા આયાત કર્યા.

૨૭ વર્ષની ઉંમરે તો બંને મિત્રોએ ભાગીદારીમાં હીરાની પેઢી ચાલુ કરી દીધી. બંને મિત્રોમાં ખૂબ સાહસ હતું, બુદ્ધિબળ હતું અને પિતાના પૈસા હતા એટલે ત્રણ ચાર વર્ષમાં તો કરોડો રૂપિયા કમાવા લાગી ગયા.

બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. દલીચંદના પિતાએ એનાં લગ્ન થાણામાં રહેતા એક શ્રીમંત વેપારીની પુત્રી સુશીલા સાથે કરાવી દીધાં જ્યારે મૂળ વડોદરાના તલકચંદનાં લગ્ન નડિયાદની મૃદુલા સાથે થયાં.

દલીચંદના પિતા એ વખતે મુલુંડના એક ફ્લેટમાં રહેતા હતા જ્યારે તલકચંદના પિતા પ્રભાદેવીના એક મકાનમાં રહેતા હતા.

ડાયમંડ માર્કેટમાં પૈસો કમાઈ લીધા પછી દલીચંદે મુલુંડમાં જ એક બંગલો ખરીદી લીધો હતો જ્યારે તલકચંદે વાલકેશ્વર રોડ ઉપર એક પ્લોટ ખરીદ્યો હતો અને ત્યાં બંગલાનું બાંધકામ ચાલુ કરાવ્યું હતું.

મહેનત કરતાં પણ અનેક ગણા પૈસાનો વરસાદ વરસે એટલે એની પાછળ કોઈને કોઈ દુષણો ખેંચાઈ આવતાં જ હોય છે. બંને મિત્રો શરાબના શોખીન બનતા ગયા અને સુંદરીઓનો સાથ શોધતા રહ્યા !

રોજ રોજ હોટલમાં જઈને રંગરાગ માણવાનું સામાજિક રીતે પણ બરાબર ન હતું એટલે એમણે ઐયાશી માટે એક અલગ બંગલો લેવાનું વિચાર્યું. બસો ત્રણસો કરોડના માલિક તો આ બંને જણા બની જ ગયા હતા. એમણે જૂહુ તારા રોડ ઉપર બંગલો ખરીદવાનું નક્કી કર્યું.

તલકચંદ પહેલેથી જ હોશિયાર હતો. એણે જૂનો બંગલો સસ્તા ભાવે પોતાના નામે ખરીદ્યો. એ બંગલો તોડીને નવો આલીશાન બંગલો બનાવવાના તમામ પૈસા દલીચંદે ખર્ચ્યા. સમય જતાં બંગલાની કિંમત કરોડો રૂપિયા થઈ ગઈ છતાં બંગલો તલકચંદના નામે જ રહ્યો. બંગલામાં ૯૦ ટકા રકમ દલીચંદે ખર્ચી હતી. મિત્રતાના કારણે દલીચંદે એ બાબત તરફ ધ્યાન ના આપ્યું.

એ બંગલામાં મહેફિલો જામવા લાગી અને બંને મિત્રો ઐયાશી કરવા લાગ્યા. જ્યારે પણ મોકો મળે ત્યારે કોઈને કોઈ રૂપસુંદરીને આ બંગલામાં લઈ આવતા.
એ જમાનામાં નાટકોમાં કામ કરતી રૂપસુંદરી સુજાતા દેસાઈ તરફ દલીચંદનું મન ખેંચાઈ ગયું અને એને લગ્નનું વચન આપીને એ જૂહુ તારાના બંગલામાં ભોગવતો રહ્યો. એને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ પણ એ આપતો રહ્યો. બહુ વર્ષો સુધી એણે સુજાતાનો લાભ લીધો.

એના ઉપર વિશ્વાસ રાખીને સુજાતાએ બિચારીએ લગ્ન પણ ના કર્યાં. એ પછી તો દલીચંદ ખૂબ મોટો માણસ બની ગયો. દલીચંદ સુજાતાને આ બંગલામાં પોતાના વિશેષ ક્લાયન્ટોને ખુશ કરવાનું દબાણ કરતો હતો. સુજાતાને એ મંજૂર ન હતું. એણે દલીચંદને મળવાનું બંધ કરી દીધું.

તલકચંદને એની પત્ની મૃદુલા ગમતી ન હતી. મૃદુલા મોડર્ન ન હતી. એણે સાત વર્ષના લગ્ન જીવન પછી એક પછી એક એમ બે પુત્રીઓને જન્મ આપ્યો. તલકચંદને પુત્રની ઈચ્છા હતી. મૃદુલા અને તલકચંદ વચ્ચે રોજ રોજ ઝઘડા થવા લાગ્યા.

એ દરમિયાન તલકચંદ કંચન નામની એક ખૂબ જ રૂપાળી છોકરીના પરિચયમાં આવ્યો. કંચન એટલી બધી રૂપાળી હતી કે કોઈપણ હિસાબે તલકચંદ એની સાથે લગ્ન કરવા માગતો હતો. તલકચંદે કંચન સાથે બીજાં લગ્ન માટે મૃદુલાની સંમતિ લેવા એને ટોર્ચર કરવાનું શરૂ કર્યું.

કંચન સાથે લગ્ન કરવા માટે મૃદુલા સાથે છૂટાછેડા લેવા પડે અથવા એની સંમતિ લેવી પડે. એટલે તલકચંદ મૃદુલાને વધુને વધુ ત્રાસ આપવા લાગ્યો. રોજ રોજના ત્રાસથી મૃદુલા એના પતિથી ખૂબ જ કંટાળી ગઈ હતી. એણે એક દિવસ પતિનું ઘર છોડી દેવાનો વિચાર કર્યો અને બીજા લગ્ન માટે સંમતિ આપવાનું પણ નક્કી કર્યું.

" હું તમને તમારી કંચન સાથે લગ્ન કરવા માટે મારી સંમતિ આપું છું. તમે વકીલ બોલાવી લો. તમે જ્યાં કહો ત્યાં હું સહી કરી આપીશ. પરંતુ એક ઘરમાં અમે બંને સાથે નહીં રહી શકીએ. હું કાલે જ મારા પિયર નડિયાદ જાઉં છું. મારી દીકરીઓને પણ હું મારી સાથે જ લઈ જાઉં છું. એ અહીં નહીં રહી શકે. તમે તમારી દીકરીઓના નિભાવ માટે ખર્ચો આપી દેજો. મારે તમારા કરોડો રૂપિયા નથી જોઈતા." મૃદુલા બોલી.

તલકચંદે પળનો પણ વિલંબ કર્યા વગર એના એડવોકેટને પોતાના ઘરે બોલાવી લીધો અને સ્ટેમ્પ પેપર ઉપર સંમતિનું લખાણ લખાવી મુદ્દલાની સહી લઈ લીધી. એણે મુંબઈમાં મૃદુલાનું ખાતું ખોલાવી રાખ્યું હતું. એમાં એ સમયના પંદર લાખ રૂપિયા છોકરીઓના નિભાવ માટે ટ્રાન્સફર કર્યા. મૃદુલા પાંચ વર્ષની કેતા અને ત્રણ વર્ષની શીતલને લઈને નડિયાદ પોતાના પિયર જતી રહી. એ સમયે તલકચંદની ઉંમર ૪૮ વર્ષની હતી.

મૃદુલાના પિયરમાં તલકચંદ સામે બાથ ભીડી શકે એવું કોઈ જ ન હતું. માત્ર એક વૃદ્ધ મા હતી. એણે તલકચંદના નામનું નાહી નાખ્યું અને મોટી થયેલી દીકરીઓને પણ એમ જ કહ્યું કે એના ડિવોર્સ થઈ ગયેલા છે. પિતાનું સાચું નામ પણ એણે દીકરીઓથી છૂપાવ્યું.

એના ગયા પછી ત્રણ મહિના પછી તલકચંદે કંચન સાથે લગ્ન કરી લીધાં. કંચનથી દોઢ વર્ષ બાદ એક પુત્રનો જન્મ થયો.

દલીચંદ ગડા દેખાવમાં પહેલેથી જ હેન્ડસમ હતો. યુવાનીમાં સફેદ સફારી અને પર્ફ્યુમ એ એની આગવી ઓળખ હતી. પાર્ટનર હોવાના કારણે બંને મિત્રોના એકબીજાના ઘરે જવાના સંબંધો હતા. તલકચંદની પત્ની કંચન ખૂબ જ રૂપાળી હતી અને તલકચંદ કરતાં ઘણી નાની પણ હતી. દલીચંદની નજર તલકચંદની પત્ની ઉપર બગડી. તલકચંદનું ધ્યાન વધુ પડતું બિઝનેસ ઉપર જ રહેતું અને એ ડાયમંડના બિઝનેસ માટે ક્યારેક એક બે મહિના વિદેશમાં જ રહેતો. એની ગેરહાજરી નો લાભ લઈને દલીચંદે ગમે તેમ કરીને કંચનને એના તરફ ખેંચી લીધી. બંને જણાં ઘણીવાર જૂહુ તારા રોડ ઉપરના એ બંગલા ઉપર જતાં. બે ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલ્યો.

દલીચંદ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં પાવરધો હતો. એ બાબતમાં તલકચંદ શુષ્ક હતો ! દલીચંદ અને કંચન ખૂબ જ નજીક આવી ગયાં.

પરસ્ત્રી ગમન એ એક મહા પાપ છે અને પાપ છૂપું રહેતું નથી. એક દિવસ આ વાતની ગંધ તલકચંદને આવી ગઈ. એણે એની પત્નીને એ દિવસે ખૂબ જ મારી. તલકચંદ એના ઉપર એટલો બધો ગુસ્સે હતો કે એણે એને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો. એણે શ્યામલાલ નામના એક ગુંડાને ફોન ઉપર પોતાની પત્નીની સોપારી આપી અને આખો પ્લાન એને સમજાવ્યો. ફોન ઉપર થતી બધી વાત કંચન સાંભળી ગઈ. એ વખતે મોબાઇલ ન હતા. કંચને એક પત્ર લખી સફેદ કવરમાં પેક કર્યો અને પોતાના ખાસ નોકર દ્વારા દલીચંદને પહોંચાડ્યો.

# મારા પ્રિયતમ. સંબોધન શું કરવું એ સમજાતું નથી એટલે આ સંબોધન કર્યું છે. એમને આપણા સંબંધની ખબર પડી ગઈ છે અને એમણે આજ મને ખૂબ જ મારી છે. આજે એમણે કોઈ શ્યામલાલ નામના માણસને મારી સોપારી આપી છે. એ બંને વચ્ચે ફોન ઉપર થતી બધી જ વાતચીત મેં સાંભળી છે. એમણે અમારા ઘરમાં ચોરી કરાવીને મને મારી નાખવાનો આખો પ્લાન બનાવ્યો છે. મને તમે અહીંથી જલ્દી લઈ જાઓ. હવે હું અહીં એક દિવસ પણ રહી શકું એમ નથી. આ લોકો ગમે ત્યારે મને મારી નાખશે. અને જો કદાચ આજે જ મારું મૃત્યુ થઈ જાય તો આ ચિઠ્ઠી પોલીસમાં બતાવી એમને કડકમાં કડક સજા કરાવજો... જીવનભર તમારી કંચન.

ગડાશેઠે પત્ર વાંચ્યો પરંતુ કંચન તલકચંદની પત્ની હતી. એટલે કંચનને પોતે કઈ રીતે લઈ આવે ? અને માનો કે એને બોલાવી લે તો પણ કેટલા દિવસ છૂપાવી શકે ? કોઈની પત્નીને ભગાડવી એટલું સહેલું નથી હોતું.

ગડાશેઠે એ પત્ર ઉપર કોઈ ધ્યાન ના આપ્યું અને ઘરે જઈને વોર્ડરોબમાં મૂકી દીધો. જો કાલ ઊઠીને કંચનને કંઈ થાય તો આ પત્ર તલકચંદ માટે એટમ બોમ્બ જેવો હતો ! છતાં દલીચંદને એમ હતું કે આટલી હદે તલકચંદ નહીં જાય.

પરંતુ તલકચંદે તો યોજનાને અમલમાં મૂકી જ દીધી. ત્રણ દિવસ પછી અમાવસ્યાની રાત્રીએ યોજના મુજબ ત્રણ ચોર તલકચંદના બંગલામાં ઘૂસી ગયા. એના નોકર અને મહારાજનો રૂમ પાછળના ભાગમાં હતો એટલે એ લોકોને કંઈ ખબર ના પડી. બેડરૂમ જાણી જોઈને તલકચંદે અંદરથી બંધ કર્યો ન હતો એટલે શ્યામલાલે સૌથી પહેલાં કંચનનું ગળું દબાવી દીધું અને એના શ્વાસ બંધ થઈ ગયા પછી એના નાક અને મોઢા ઉપર કપડું બાંધી દીધું. તલકચંદના મોઢા ઉપર પણ એ શ્વાસ લઈ શકે એ રીતે ઢીલું કપડું બાંધ્યું.

એ પછી દોરડાથી બંનેના હાથ પગ બાંધી દીધા અને તિજોરીની ચાવી લઈ રૂમ બહારથી બંધ કરી દીધો અને થોડા ઘણા રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી એ લોકો જતા રહ્યા.

સવારે ઘરના નોકરે અને મહારાજે તિજોરી ખુલ્લી જોઈ અને વસ્તુઓ વેરવિખેર જોઈને શેઠને બૂમ પાડી પરંતુ ઝવેરી શેઠનો બેડરૂમનો દરવાજો બહારથી બંધ હતો. નોકરે દરવાજો ખોલી નાખ્યો તો શેઠ શેઠાણીને હાથ પગ બાંધેલી હાલતમાં જોયા. બંનેના મોઢા ઉપર કપડું બાંધી દીધેલું હતું. નોકરે કપડું ખોલી નાખ્યું અને હાથ પગનું દોરડું પણ ખોલી નાખ્યું. તલકચંદે કંચનને ઉઠાડવા કોશિશ કરી પરંતુ એનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તલકચંદે રડવાનું નાટક કર્યું અને ઊભા થઈને તાત્કાલિક પોલીસને ફોન કર્યો. ડોક્ટરને પણ બોલાવ્યો.

ડોક્ટરે કંચનને મૃત જાહેર કરી. પોલીસ ઇન્સ્પેક્ટરે તલકચંદનું સ્ટેટમેન્ટ લીધું. કેટલીક બાબતો એવી હતી જે પોલીસને ગળે ઉતરે એવી ન હતી અને તલકચંદને ફસાવી શકે એમ હતી.

દરવાજો કે બારી તોડ્યા વગર ચોર લોકો અંદર કેવી રીતે આવી શક્યા ? બેડરૂમ રાત્રે અંદરથી બંધ હતો તો ચોર લોકો કેવી રીતે ખોલી શક્યા ? અને ધક્કો મારીને ખોલ્યો હોય તો પણ કોઈ સ્ટોપર તૂટી કેમ ન હતી ? આટલું બધું થઈ ગયા હોવા છતાં પણ પાછળ ના ભાગમાં સૂતેલા નોકર અને મહારાજને કેમ ખબર ના પડી ?

પરંતુ તલકચંદ ઉસ્તાદ હતા. એમણે ઇન્સ્પેક્ટરને એક કરોડની ઓફર આપી દીધી અને બધું ભીનું સંકેલાઈ ગયું. એ જમાનામાં ન્યુઝ ચેનલો કે ટીવી પણ ન હતાં.

* હીરાના વેપારીની પત્નીની હત્યા અને ચોરી* ના સમાચાર બીજા દિવસે પેપરમાં ચમકી ગયા. તલકચંદનું નામ બજારમાં મોટું હતું એટલે એમની સામે કોઈએ આંગળી ન કરી.

જો કે ત્યાર પછી ગડાશેઠ અને તલકચંદના સંબંધોમાં મોટી તિરાડ પડી ગઈ. બંને વચ્ચે બોલવાના પણ સંબંધ ના રહ્યા !

ગડાશેઠ કરતાં તલકચંદના મનમાં નફરત વધારે હતી પરંતુ ગયા વર્ષે ગડાશેઠે તલકચંદને એક મોટી મદદ કરી એમાં બંનેના સંબંધો સુધરી ગયા. બન્યું એવું કે તલકચંદના ૨૨ કરોડના હીરાનું એક મોટું પેમેન્ટ ફસાઈ ગયું હતું. પાર્ટી જરા માથાભારે હતી અને ૩ મહિનાથી ઠાગાઠૈયા કરતી હતી.

ગડાશેઠના કાને આ વાત આવી એટલે એમણે નસીરખાન પાસે પેલી પાર્ટીને એક ફોન કરાવ્યો અને બીજા જ દિવસે તલકચંદને ૨૨ કરોડ મળી ગયા. તલકચંદને આ વાતની ખબર પડી કે દલીચંદ શેઠે આ પેમેન્ટ અપાવ્યું છે એટલે તલકચંદે સામેથી ફોન કરીને ગડાશેઠનો આભાર માન્યો અને ગઈ ગુજરી ભૂલી જવાનું કહ્યું. *

" બસ આ ગડાશેઠનો ઇતિહાસ છે શેઠ. હું જેટલું જાણું છું એ મેં તમને કહ્યું. આનાથી વધારે મારી પાસે કોઈ માહિતી નથી." કૌશિક ભાઈ બોલ્યા.

" તમે ઘણી બધી માહિતી આપી છે કૌશિકભાઈ. ગડાશેઠને સમજવા માટે આટલી માહિતી પૂરતી છે. એમણે મને સપનામાં આવીને જે જે કામ સોંપ્યાં છે એ પૂરાં કરવા માટે મારે એમનો ઇતિહાસ જાણવો જરૂરી હતો. તમારો ખુબ ખુબ આભાર. તમારો નંબર હવે મારી પાસે છે. ભવિષ્યમાં જરૂર પડશે તો હું તમારો સંપર્ક કરીશ. આ બેગમાં ૧૦ લાખ રૂપિયા છે એ તમે લેતા જાઓ. " મંથન બોલ્યો.

દશ લાખ રૂપિયાની બેગ જોઈને કૌશિકભાઈ એકદમ ભાવુક થઈ ગયા. એમની આંખમાં પાણી આવી ગયાં. એ ઉંમરમાં મોટા હતા તો પણ એમણે મંથનને બે હાથ જોડી પ્રણામ કર્યા અને બેગ લઈ બહાર નીકળ્યા.

હવે બે કામ કરવાનાં બાકી હતાં. એક તો ગડાશેઠનો જૂહુ તારા રોડ ઉપરનો વિશાળ બંગલો તલકચંદ પાસેથી કંચને લખેલો પત્ર બતાવીને પાછો મેળવવાનો હતો.

બીજું કામ સુજાતા દેસાઈને પારલા જઈને મળવાનું હતું અને એને પચીસ લાખ રૂપિયા પહોંચાડવાના હતા. આ સદકાર્યમાં એ નિમિત્ત બન્યો એના માટે એણે ગુરુજીનો આભાર માન્યો.

કૌશિકભાઈની વાત ઉપરથી મંથનને આજે પહેલી વાર ખબર પડી હતી કે મૃદુલાબેન તલકચંદનાં જ પત્ની હતાં અને તલકચંદ ઝવેરી કેતા ઝવેરી અને શીતલ ઝવેરીના સગા પિતા હતા. મૃદુલાબેનના કાયદેસર કોઈ છુટાછેડા થયા ન હતા એટલે એમને પતિની તમામ સ્થાવર જંગમ મિલકતમાં એમનો પત્ની તરીકેનો હક મળી શકે એમ હતો.

તલકચંદે આજ સુધી મૃદુલાબેનની કે એની દીકરીઓની કોઈ જ ખબર લીધી ન હતી. એટલે યુવાન થઈ ગયેલી દીકરીઓની મુલાકાત તલકચંદ સાથે કરાવવાની હતી. આ એક મહાન કાર્ય હતું.

મૃદુલામાસીને હવે આ વાત કેવી રીતે કરવી ? પોતે અબજોપતિ બાપની દીકરીઓ છે એવી ખબર કેતા ઝવેરી અને શીતલ ઝવેરીને પડશે ત્યારે શું રિએક્શન આવશે ? - મંથન વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 2 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Reeta Choudhary

Reeta Choudhary 2 માસ પહેલા

manisha

manisha 2 માસ પહેલા

Devika

Devika 2 માસ પહેલા