વારસદાર - 66 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 66

વારસદાર પ્રકરણ 66

"મને આવે છે. તીવ્ર સુગંધ આવે છે. અને એ ગડાશેઠ જે પર્ફ્યુમ હંમેશા વાપરતા હતા એની જ આવે છે. નક્કી એમનો આત્મા અહીં આસપાસ છે અને મને કદાચ કંઈક કહેવા માગે છે. " મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને ઝાલા સાહેબને આશ્ચર્ય થયું. ગડાશેઠનો આત્મા અહીં આસપાસ છે અને મંથનને કંઈક કહેવા માગે છે એ વાત એમની સમજની બહાર હતી. ઝાલા સાહેબ આધ્યાત્મિક જરૂર હતા અને ગુરુજીને માનતા પણ હતા છતાં એમનું લેવલ આ બધી વાતોને સમજવા જેટલી ઊંચાઈ ઉપર ન હતું.

પરંતુ મંથનને ચોક્કસ અહેસાસ થઈ ગયો હતો. એની પાસે ગોપાલદાસે આપેલી અમુક સિદ્ધિઓ હતી અને આધ્યાત્મિક લેવલ પણ ઊંચું હતું એટલે એ ગડાશેઠની હાજરીનો અનુભવ કરી શકતો હતો.

મનુષ્ય યોનિમાં મંથનની વેવલેન્થ ગડાશેઠની વેવલેન્થ સાથે મેચ થતી ન હતી એટલે એ એમને જોઈ શકતો ન હતો કે એમની વાણી સાંભળી શકતો ન હતો. કાલે સવારે ધ્યાનમાં જ ગુરુજી સાથે અનુસંધાન કરવું પડશે એવું મંથને વિચાર્યું.

ગડાશેઠ ચોક્કસ પોતાને કંઈક કહેવા માગતા હતા એવો અહેસાસ તો એને અંદરથી થઈ જ ગયો હતો. આ રીતે આત્મહત્યાથી મૃત્યુ પામનારની ગતિ કદી થતી નથી અને જીવ ભટક્યા કરે છે. અબજોની સંપત્તિ મૂકી જનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો એનું વળગણ પોતાની સંપત્તિ તરફ જ હોય છે. માયાનાં બંધન જલ્દી છૂટતાં નથી !!

બીજા દિવસે સવારે વહેલા ઊઠીને મંથને ધ્યાનના ઊંડા લેવલમાં જઈને ગુરુજી નો સંપર્ક કરવા માટે કોશિશ કરી. સતત પ્રાર્થના કરી અને ગુરુજી તરફ સતત પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

પરંતુ એના આશ્ચર્ય વચ્ચે ગુરુજીના બદલે એને ગડાશેઠની આકૃતિ દેખાઈ અને ફરી પેલી ચિરપરિચિત સુગંધનો અનુભવ થયો. ગડાશેઠનો ચહેરો થોડોક વિકૃત દેખાતો હતો.

" મંથનભાઈ હું દલીચંદ ગડા. મારા જીવને શાંતિ નથી. મારા થકી બહુ પાપ કર્મો થઈ ગયાં છે. બહુ લોકો સાથે મેં વિશ્વાસઘાત કર્યો છે. મારા જીવનમાં કરેલા તમામ કર્મોને અહીં આવીને એક ફિલ્મની જેમ હું જોઈ શક્યો છું. મેં મારા જીવનમાં જે લોકોને દુઃખી કર્યા હતા એ મૃત આત્માઓ પણ મને અહીં હેરાન કરી રહ્યા છે. મારું મૃત્યુ થયું ત્યારે મને અત્યંત વેદના થઈ હતી. આંચકો મારીને મારો જીવ ખેંચી લેવામાં આવ્યો હતો. " ગડાશેઠ બોલી રહ્યા હતા.

" મને ઉપરના લોકમાં જવાની પરવાનગી આપવામાં આવી નથી. હું પહેલા લોકમાં જ ભટકી રહ્યો છું. મને મારાં કર્મો ભોગવવા માટે ફરી જન્મ લેવાનું કહેવામાં આવ્યું છે. તમે કોઈ દિવ્ય ચેતના સાથે જોડાયેલા છો એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. મને મદદ કરો. " ગડાશેઠ બે હાથ જોડી ઉભા હતા.

"મને આપની પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે શેઠ અને હું ગુરુજીને ચોક્કસ વાત કરીશ. આપની થોડી ઉર્ધ્વગતિ થાય એ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ પણ કરીશ. મારી એક વિનંતી છે કે આપ આ બધી માયામાંથી મુક્ત થઈ જાઓ. કોઈપણ જાતની વાસના ન રાખો. આપના નસીબમાં જે હતું તે તમે ભોગવી લીધું. હવે એ તમારું રહ્યું નથી. માટે તમારા મનને ઈશ્વર સ્મરણમાં પરોવી દો. સૂક્ષ્મ જગતમાં એની જ સત્તા ચાલે છે. " મંથન બોલ્યો.

" મારે તમને બીજી પણ એક વાત કહેવી છે. એ કહ્યા વગર મારા મનને શાંતિ નહીં મળે અને મારી સદગતિ પણ નહીં થાય. તમે ધ્યાનથી સાંભળો અને હું કહું તેમ કરો. " ગડાશેઠ બોલી રહ્યા હતા. એમનો સ્પષ્ટ અવાજ મંથનને સંભળાતો હતો.

" તમે મારા ઘરે જઈને મારી પત્નીને મળો. એને કહેજો કે મારા વોર્ડરોબમાં નીચેના ખાનામાં એક સફેદ કવર પડેલું છે એ તમને આપે. તમે એને એમ પણ કહેજો કે મેં સ્વપ્નમાં આવીને તમને આ સૂચના આપી છે. એ ખૂબ જ ભોળી છે. તરત તમને કવર આપી દેશે." ગડા શેઠનો ધીમેથી અવાજ આવતો હતો.

" એ કવર લીધા પછી મારી ઓફિસમાં નોકરી કરતા કૌશિક દલાલને તમે મળી લેજો. તમે એને કહેજો કે દલીચંદ શેઠે મને સ્વપ્નમાં આવીને તમને મળવાનું કહ્યું છે અને કહ્યું છે કે તમે શેઠના ભૂતકાળની બધી વાત મને કરો. કૌશિક તકલીફમાં છે એટલે તમે એને પાંચ દસ લાખ રૂપિયા જેવી મદદ પણ કરજો એટલે એ તમને મારા ભૂતકાળની બધી જ વાત કરશે." દલીચંદ સૂક્ષ્મ સ્વરૂપે બોલતા હતા.

"મારો ભૂતકાળ જાણ્યા પછી તમે ઘણું બધું સમજી શકશો. એ પછી તમે તલકચંદ ઝવેરીને મળજો. તમે તો એને ઓળખો છો. મારા ઘરેથી જે પત્ર મળે એ પત્રની ઝેરોક્ષ કરાવીને એને વંચાવજો. એ પત્ર વાંચીને એના હોશ ઉડી જશે. તમે એને કહેજો કે બાકીની જિંદગી શાંતિથી જીવવી હોય તો જૂહુ તારા રોડ ઉપર જે બંગલો છે એ મને ગિફ્ટ આપી દો અને એનો મારા નામે પાકો દસ્તાવેજ કરી આપો. ૪૦૦૦ ચોરસ વારની વિશાળ જગ્યાનો એ બંગલો મારો છે. એ બંગલામાં હોમ હવન કરાવીને તમે ત્યાં રહેવા જજો અને ના જવું હોય તો સાધુ સંતો માટે કોઈ આશ્રમ કે સત્સંગ હોલ બનાવજો. " દલીચંદ શેઠ બોલતા હતા.

" બીજું કામ તમારે એ કરવાનું છે કે પારલા ઈસ્ટમાં અગ્રવાલ માર્કેટની પાછળ ચિત્તરંજન રોડ છે ત્યાં નંદનિવાસ બિલ્ડિંગમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક રૂમમાં સુજાતા દેસાઈ રહે છે. એ મારો ભૂતકાળ છે. હું એનો ગુનેગાર છું. તમે એને જઈને પચીસ લાખ રૂપિયા આપી આવજો. જેથી મારું કર્મ બંધન પૂરું થાય. " ગડાશેઠ બોલ્યા અને એમની આકૃતિ હવામાં ઓગળી ગઈ.

એ પછી મંથનને ગુરુજીનો હસતો ચહેરો દેખાયો.

" તારા ગડા શેઠનો આત્મા તારી આજુબાજુ જ ફરતો હતો એટલા માટે એમની સાથે વાતચીત કરાવવા હું તને ફરી સૂક્ષ્મ જગતમાં ખેંચી લાવ્યો છું. હવે તું પાછો તારા સ્થૂળ દેહમાં સ્થિર થઈ જા. " ગુરુજી બોલ્યા.

અને એ સાથે જ એક આંચકા સાથે મંથન ભાનમાં આવી ગયો. ભાનમાં આવ્યા પછી પણ બધા જ સંવાદો એને યાદ હતા.

એણે હવે ત્રણ કામ કરવાનાં હતાં. શેઠાણી પાસેથી પત્ર લઈ આવવાનો હતો. કૌશિક દલાલ પાસેથી ગડા શેઠનો ભૂતકાળ જાણવાનો હતો અને તલકચંદને મળવાનું હતું. પારલા જઈને સુજાતા દેસાઈને ૨૫ લાખ રૂપિયા આપી આવવાના હતા.

બીજા દિવસે સવારે જ એ મુલુંડ ગડા શેઠના બંગલે પહોંચી ગયો. ડોર બેલ દબાવ્યો એટલે નોકરે દરવાજો ખોલ્યો અને ડ્રોઈંગ રૂમમાં બેસવાનું કહ્યું.

થોડીવારમાં શેઠાણી બહાર આવ્યાં અને સામેના સોફા ઉપર બેઠાં.

" જય જિનેન્દ્ર માસી" મંથન બોલ્યો.

" જય જિનેન્દ્ર ભાઈ. ક્યાંથી આવો છો ? " શેઠાણીએ પૂછ્યું.

" માસી મલાડ થી આવું છું. મારા અને શેઠના બહુ જ અંગત સંબંધ હતા અને હું એમનો ભાગીદાર પણ હતો. મારું નામ મંથન મહેતા. " મંથન બોલ્યો.

" હા તમારું નામ તો સાંભળેલું છે. એ બે થી ત્રણ વાર તમારું નામ બોલેલા. બોલો શું કામ હતું ? " શેઠાણી બોલ્યાં.

" માસી બે દિવસથી શેઠ રોજ મારા સપનામાં આવે છે અને મને એક જ વાત કહે છે કે મારા ઘરે જઈને મારાં પત્નીને કહો કે મારા વોર્ડરોબમાં નીચેના ખાનામાં એક સફેદ કવર છે એ તમને આપી દે. સતત બે દિવસ સુધી આવું સપનું આવ્યું એટલે હું ખાત્રી કરવા આવ્યો કે ખરેખર આવું કોઈ કવર છે ખરું ? " મંથન બોલ્યો.

" ઉભા રહો હું જોઈ આવું. " શેઠાણી બોલીને ઊભાં થયાં અને શેઠના બેડરૂમમાં ગયા. બરાબર એ જ વખતે ફરી મંથનને એ જ પરફ્યુમની સુગંધ આવી. મંથન સમજી ગયો કે અહીં પણ શેઠની હાજરી છે.

થોડીવારમાં જ શેઠાણી એક સફેદ કવર લઈને બહાર આવ્યા.

" હા ભાઈ તમારી વાત સાચી છે. નીચેના ખાનામાં કવર પડ્યું હતું. મારે એ કોઈ કામનું નથી. એમણે કહ્યું છે તો તમે લઈ જાઓ. " શેઠાણી બોલ્યાં અને એમણે કવર મંથનના હાથમાં આપ્યું.

" તમે શું લેશો ? ઠંડુ કે ગરમ ? " શેઠાણી બોલ્યાં.

" ના માસી. હવે હું જાઉં. મારે શેઠનાં કેટલાંક અધૂરાં કામ પૂરાં કરવાં છે. " કહીને મંથન ઉભો થયો અને બે હાથ જોડી બહાર નીકળી ગયો.

શેઠે કહ્યું હતું એમ શેઠાણી ખરેખર ભોળાં હતાં. એક પણ સવાલ કર્યા વગર કવર મંથનના હાથમાં આપ્યું.

હવે કૌશિક દલાલને પકડવો પડશે. મંથન પાસે કિરણનો નંબર હતો એટલે એણે કિરણને ફોન કર્યો.

" કિરણ મંથન બોલું. "

" હા શેઠ બોલો. " કિરણ મંથનને પણ શેઠ જ કહેતો.

" તમારી ઓફિસમાં કોઈ કૌશિક દલાલ કામ કરતા હતા ? " મંથને પૂછ્યું.

" હા કૌશિકભાઈ હતા ને ! એ તો શેઠના ખાસ માણસ હતા. શેઠના ડાયમંડના બિઝનેસનું બધું ધ્યાન એ જ રાખતા હતા. પણ હવે તો બધો સ્ટાફ છૂટો થઈ ગયો. અચાનક બધાની નોકરીઓ જતી રહી. " કિરણ બોલ્યો.

" એ કૌશિકભાઈ ક્યાં મળી શકે ? મારે એમનું ખાસ કામ હતું. " મંથન બોલ્યો.

" એ તો હવે કેવી રીતે શોધવા ? મારી પાસે એમનું ઘરનું એડ્રેસ નથી." કિરણ બોલ્યો.

" તમે ગમે તેમ કરીને એમને શોધી કાઢો. મારે એક જરૂરી કામ માટે એમને મળવું છે. તમારા બીજા સ્ટાફને તમે પૂછીને એમના વિશે તપાસ કરો." મંથન બોલ્યો.

" ભલે હું કોશિશ કરું છું. " કિરણ બોલ્યો અને ફોન કટ કર્યો.

ત્રણ દિવસ પછી મંથન ઉપર કિરણનો ફોન આવ્યો.

" શેઠ કૌશિકભાઈની તપાસ કરી. અઠવાડિયા પહેલાં જ એ બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં કોઈ ડાયમંડની ઓફિસમાં નોકરીએ લાગી ગયા છે. આ સિવાય મારી પાસે બીજી કોઈ માહિતી નથી. " કિરણ બોલ્યો.

" તો પછી કિરણભાઈ તમારે મારું એક કામ કરવું પડશે. મારા માટે થઈને એ કોમ્પ્લેક્સમાં બે ત્રણ દિવસ તમે સતત ધ્યાન રાખો. કોમ્પ્લેક્સની કેન્ટીનમાં પણ વોચ રાખો. સાંજે ઓફિસો બંધ થાય ત્યારે ગેટ ઉપર ઉભા રહો. ક્યાંક ને ક્યાંક તો એ તમને મળી જ જશે. હું પોતે એને ઓળખતો નથી. તમારા આ કામનું હું તમને સારું વળતર આપીશ." મંથન બોલ્યો.

" ભલે શેઠ કાલ સવારથી જ હું ત્યાં પહોંચી જાઉં છું. " કિરણ બોલ્યો.

બે જ દિવસમાં કિરણને કૌશિકભાઈ મળી ગયા. મંથનની વાત સાચી પડી. કેન્ટીનમાં જ એમનો ભેટો થઈ ગયો.

" અરે કૌશિકભાઈ કેટલા દિવસથી તમને શોધું છું. આપણા ગડાશેઠના કન્સ્ટ્રક્શનના ભાગીદાર મંથન મહેતાને તો તમે ઓળખો છો ને ? " કિરણ બોલ્યો.

" હા પેલા બિલ્ડર ને ? એ તો બહુ મોટી હસ્તી છે. એમને કોણ ના ઓળખે ? " કૌશિકભાઈ બોલ્યા.

" એ તમને કોઈ કામ માટે મળવા માગે છે. તમારો મોબાઈલ નંબર મને આપો. મંથન શેઠ જ તમને ફોન કરશે. તમે એમને મળી લેજો. કોઈ ખાસ કામ લાગે છે. " કિરણ બોલ્યો.

" મારું એમને વળી શું કામ પડ્યું ? " કૌશિકભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

" એ તો મને પણ ખબર નથી. તમે મળી લેજો ને ! એમણે જ મને અહીં તપાસ કરવા મોકલ્યો છે. " કિરણ બોલ્યો અને કૌશિક દલાલનો મોબાઇલ નંબર લઈને નીકળી ગયો.

કિરણે મંથન મહેતાની ઓફિસ જોઈ હતી એટલે એ સીધો મલાડ પહોંચી ગયો.

" શેઠ કૌશિકભાઈ મળી ગયા છે. તમારી વાત સાચી પડી. કેન્ટીનમાં જ એમનો પત્તો લાગ્યો. એમનો મોબાઈલ નંબર સેવ કરી લો. " કહીને કિરણે મંથનને કૌશિક દલાલનો મોબાઇલ નંબર લખાવ્યો.

" બહુ મોટું કામ કર્યું તમે. હવે હું એને મળી લઈશ. તમે મારા માટે જે સેવા કરી એનું મહેનતાણું લેતા જાઓ. " કહીને મંથને ટેબલના ડ્રોવર માંથી ૫૦૦૦૦ નું બંડલ કાઢીને કિરણના હાથમાં આપ્યું.

આ રકમ કિરણની કલ્પના બહારની હતી. આટલા નાનકડા કામ માટે આટલી મોટી રકમ ! કિરણ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો. મંથન શેઠ ખરેખર ખૂબ જ દિલાવર છે.

કિરણ બે હાથ જોડીને બહાર નીકળ્યો.
એના ગયા પછી મંથને કૌશિક દલાલને
ને ફોન કર્યો.

" કૌશિકભાઈ મંથન મહેતા બોલું. થોડો સમય કાઢીને એક બે દિવસમાં મારી ઓફિસે આવી જાઓ ને. ઓફિસનું એડ્રેસ તમને વોટ્સએપ કરી દઉં છું. ગડા શેઠનો તમારા માટે એક સંદેશો છે. " મંથન બોલ્યો.

" ભલે શેઠ કાલે સાંજે પાંચ વાગ્યે આવું. " કૌશિકભાઈ બોલ્યા.

બીજા દિવસે સાંજે લગભગ પોણા પાંચ વાગે કૌશિકભાઈ મંથનની ઓફિસમાં પહોંચી ગયા.

" આવો. હું તમારી જ રાહ જોતો હતો. ગડાશેઠના તમે ખાસ માણસ હતા એવું ગડાશેઠે પોતે મને પાંચ દિવસ પહેલાં સપનામાં આવીને કહ્યું. તમારી અપંગ દીકરીની તમને ખૂબ ચિંતા છે એ વાત પણ તેમણે મને સપનામાં કરી." મંથન બોલ્યો. એનાથી બોલાઈ ગયું.

કૌશિકભાઈ તો મંથનની વાત સાંભળીને અવાક જ થઈ ગયા. ગડાશેઠ સપનામાં આવીને આટલું બધું કહે એ વાત એમને માન્યામાં જ નહોતી આવતી પરંતુ પોતાની અપંગ દીકરીની વાત સાંભળીને એમને વિશ્વાસ આવ્યો કારણ કે એ વાતની ગડાશેઠ સિવાય ઓફિસમાં કોઈને પણ ખબર ન હતી.

" જી શેઠ. હવે મારે લાયક જે પણ કામકાજ હોય તે કહો. " કૌશિકભાઇ બોલ્યા.

" તમે તકલીફમાં છો એટલે ગડાશેઠે મને તમને દસ લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. એ રકમ તમારા માટે તૈયાર જ છે. " મંથન બોલ્યો.

ફરી પાછો કૌશિકભાઇને સુખદ આંચકો લાગ્યો. આટલી બધી મોટી રકમ આ મંથન શેઠ મને આપી રહ્યા હતા અને એ પણ ગડાશેઠે સપનામાં આવીને એમને કહ્યું.

" ગડાશેઠે મને સપનામાં આવીને કહ્યું કે કૌશિકભાઈ મારો સંપૂર્ણ ભૂતકાળ જાણે છે એટલે તમે કૌશિકભાઈ પાસેથી મારો બધો જ ભૂતકાળ જાણી લો અને તલકચંદ ઝવેરી સાથેના મારા સંબંધો ખાસ સમજી લેજો. તમે સુજાતા દેસાઈ વિશે પણ જે જાણતા હો તે મને વિગતવાર કહો. " મંથન બોલ્યો.

હવે ખરેખર કૌશિકભાઈ મંથન શેઠના દિવાના થઈ ગયા. ગડાશેઠ એમના સપનામાં આવીને મને આવો આદેશ આપતા હોય તો મંથન શેઠને ગડાશેઠની અંગત વાતો કહેવામાં કોઈ જ વાંધો નથી. મારે શેઠનો ભૂતકાળ ખુલ્લો કરવો જ પડશે. તલકચંદ અને સુજાતા દેસાઈ નું નામ દીધું એટલે મારે વિશ્વાસ કરવો જ પડે !

અને કૌશિક દલાલે મંથન શેઠની સામે ગડાશેઠના ભૂતકાળનાં એક પછી એક પાનાં ખોલવાનું ચાલુ કર્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)