Varasdaar - 64 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 64

વારસદાર પ્રકરણ 64

એ પછી મંથને કવર ઉપરનું સીલ તોડ્યું અને કવર ખોલી પત્ર વાંચવો શરૂ કર્યો.

# આજે મારી જિંદગીના છેલ્લા દિવસે મહેતા સાહેબ નહીં લખું પરંતુ માત્ર મંથન સંબોધન કરું છું. તમારી પાસે કોઈક તો દિવ્ય શક્તિ છે જ જેના કારણે અગમચેતીથી તમે છ મહિના પહેલાં મારી સાથેની ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા. આ દિવ્ય શક્તિ જે પણ હોય એને હું વંદન કરું છું. કાશ તમે મને પણ ચેતવી દીધો હોત !!

# આવું ભાગ્યે જ બને કે કરોડો રૂપિયા કમાઈ આપતી કંપની કોઈ એક મિનિટમાં છોડી દે. તમારામાં એ હિંમત મેં જોઈ. તમે જૈન દીક્ષાનું ઉદાહરણ આપ્યું એ પણ મને ગમ્યું.

# તમે તો એકદમ નિઃસ્પૃહ બની મારી ભાગીદારી છૂટી કરી દીધી પરંતુ મારી મિલકત અને મારી પેઢી સંભાળે એવો મારો કોઈ જ વારસદાર નથી ! મારી દીકરી અમેરિકા સાસરે છે. એને મારી કોઈપણ મિલકતમાં કોઈ જ રસ નથી. એ લોકો એમની રીતે ત્યાં ખૂબ જ સુખી છે.

# હવે મેં મહેનતથી જે પણ કમાયું છે એ મારા મૃત્યુ પછી વેડફાઈ જાય એના કરતાં તમારા સુરક્ષિત હાથોમાં આવે તો મારા આત્માને સંતોષ થાય ! પહેલેથી મને તમારામાં મારા દીકરાનો અહેસાસ થયો છે. ભલે આપણી વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી પરંતુ તમારા પ્રત્યે મને એવી જ લાગણી છે !!

# હવે મારી વાત ધ્યાનથી વાંચો. જે ગોડાઉનમાં તમે મારી સાથે આવ્યા હતા એ ગોડાઉનનો ચોકીદાર સહદેવ સિંહ મારો ખાસ માણસ છે. એના જેવો વફાદાર માણસ મેં આજ સુધી જોયો નથી. ભૂતકાળમાં એણે પોતાના જીવ ઉપર ખેલીને મારો જીવ પણ બચાવ્યો છે. જો કે પછીથી મેં એના પરિવારને લાખોની મદદ પણ કરી છે. આજે પણ એ સંપૂર્ણપણે મને વફાદાર છે.

# તમારે એકવાર એ ગોડાઉન ઉપર જઈને સહદેવસિંહને મળવાનું છે અને આ કવરમાં રાખેલી બીજી ચિઠ્ઠી એને આપી દેવાની છે. બસ તમારું કામ થઈ જશે.

# એ ગોડાઉનમાં એ જ દિવસે બપોરે રેડ પડી હતી. પરંતુ તમારા નીકળી ગયા પછી મેં ચાર નંબરના ગોડાઉન માંથી ડ્રગ્સનો બધો માલ કાઢી લીધો હતો અને સવારે જ દરિયામાં પધરાવી દીધો હતો. એ જ ગોડાઉનમાં એક બોક્સ પણ સંતાડી રાખેલું હતું એ મેં સહદેવ સિંહને સાચવવા માટે આપી દીધું હતું. એ બોક્સ એ એના ઘરે લઈ ગયો છે. એનું ઘર ભાંડુપમાં જ એક ચાલીમાં છે.

# તમે ચિઠ્ઠી આપશો એટલે એક પણ સવાલ કર્યા વગર ચૂપચાપ એ એના ઘરે જઈને એ બોક્સ લઈ આવશે. એ બોક્સમાં અસલી ડાયમંડ ભરેલા છે જેની કિંમત અબજો રૂપિયા થાય છે. એ હીરા ઉપર સંપૂર્ણ અધિકાર તમારો છે અને એમાં કોઈનો પણ ભાગ નથી. એ મારી પોતાની કમાણી છે.

# અબજોના આ હીરા કોઈ ખોટા હાથમાં પહોંચી ના જાય અને એના સાચા વારસદારને મળે એટલા માટે જ તાત્કાલિક મેં આ પત્ર લખી મારા સોલિસિટરને પહોંચાડ્યો છે. હું સમાજમાં હવે મ્હોં બતાવી શકું એમ નથી એટલે જીવનનો અંત લાવવાનો નિર્ણય મેં લઈ લીધો છે. બોક્સ મળે એટલે સહદેવસિંહને દસ લાખ રોકડા આપી દેજો.

# અને જે માલ ત્રણ નંબરના ગોડાઉનમાંથી તમારી ગાડીમાં મૂકાવ્યો હતો એ હવે તમારો જ છે. તમે એનો ઉપયોગ કરી શકો છો. મારી સાથે ભાગીદારી કરીને કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ તમે મારું માન અને ઈજ્જત વધાર્યાં છે. હું તમને મારા વારસદાર જ ગણું છું.

# આખી જિંદગી હું સાચું ખોટું કામ કરતો રહ્યો અને અબજો રૂપિયા કમાઈ લીધા પરંતુ હવે બધું અહીં મૂકીને ખાલી હાથે જઈ રહ્યો છું. મારી આંખ તો હવે ઉઘડી જ્યારે તમે તો પહેલેથી જ જાગી ચૂક્યા છો. લિ. દલીચંદ ગડા.

મંથને આ પત્રની સાથેનો બીજો નાનકડો પત્ર ખોલ્યો અને એ પણ વાંચી લીધો. એ હિન્દીમાં લખ્યો હતો.

# સહદેવસિંહ યહ ચિઠ્ઠી લાનેવાલે શેઠ કો તો તુમ પહેચાનતે હી હો. ચાર નંબર કે ગોડાઉનમેં સે જો બોક્સ નીકલા હૈ વો બોકસ ઘર સે લાકર શેઠકો દે દો. બસ અબ તુમ્હારી ડ્યુટી ખતમ હોતી હૈ. તુમકો જહાં ભી જાના હો જા સકતે હો. યે શેઠ તુમકો દશ લાખ રૂપિયા દે દેંગે. લિ. દલીચંદ ગડા.

બન્ને પત્રો ઉપર દલીચંદ ગડાએ પોતાની સહી કરી હતી.

" તમારાથી મારે કંઈ ખાનગી રાખવા જેવું છે જ નહીં મુનશી સાહેબ. આ પત્રો તમે પણ વાંચી શકો છો. " કહીને મંથને બંને પત્રો મુનશી સાહેબના હાથમાં આપ્યા.

મુનશી સાહેબે બંને પત્રો શાંતિથી વાંચી લીધા. એમના ચહેરા ઉપર એક સ્માઈલ આવી ગયું.

એમણે એ પત્રો ઝાલા સાહેબને પણ વાંચવા આપ્યા.

" હું આમાં તમને એક મદદ કરી શકું એમ છું. વાલકેશ્વરમાં રહેતા તલકચંદ ઝવેરી મારા ક્લાયન્ટ છે. અત્યારે તો હવે એ ધંધામાંથી રિટાયર થઈ ગયા છે પરંતુ જબરદસ્ત હીરા પારખુ છે. એકે એક હીરાની સાચી કિંમત તમને આ તલકચંદ કહી શકે છે. અને ખરીદી પણ શકે છે. એ પોતે પણ અબજોની પાર્ટી છે. " મુનશી સાહેબ બોલતા હતા.

" ગડાશેઠે અબજોના હીરા શબ્દ વાપર્યો છે એટલે ઘણા બધા હીરા હશે. આપણે થોડા થોડા હીરા જુદા જુદા સમયના અંતરે એમને વેચવા પડે. કારણ કે આ બધો જ બે નંબરનો વ્યવહાર છે. તમારી ઈચ્છા હોય તો આપણે એમને મળીશું એ મારા બહુ જ વિશ્વાસુ ક્લાયન્ટ છે. " મુનશી બોલ્યા.

"મુનશી સાહેબ. તમે આટલી વાત કરી એ તમારી સજ્જનતા છે. અમારો હીરાનો કોઇ બિઝનેસ નથી અને અમારા માટે હીરા કંઈ કામના પણ નથી. અમને તમારામાં વિશ્વાસ છે. એક બે દિવસમાં જ મંથનકુમાર હીરા લઈ આવે પછી એ તમારો સંપર્ક કરશે." ઝાલા સાહેબ બોલ્યા.

" આ મારું કાર્ડ છે. ગમે ત્યારે તમે મારો સંપર્ક કરી શકો છો. હવે હું રજા લઉં. મારી ડ્યુટી પૂરી થઈ ગઈ. " કહીને શરદ મુનશી ઉભા થયા.

મંથન અને ઝાલા સાહેબ બંને એમને છેક નીચે સુધી વળાવી આવ્યા.

હવે પહેલું કામ કોઈપણ હિસાબે ભાંડુપ બાજુ જઈને સહદેવસિંહને મળવાનું હતું. ગડાશેઠ ગુજરી ગયા હતા એટલે હવે એ ગોડાઉનો ઉપર ચોકીદારી કરવાનો કોઈ મતલબ ન હતો. સહદેવ સિંહને કોઈપણ હિસાબે શોધવો જ પડશે.

બીજા દિવસે સવારે મંથને પોતાની તિજોરીમાંથી ૧૦ લાખની કેશ એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી. અને એ લઈને દશ વાગે જ મંથન જમ્યા વગર એકલો ગાડી લઈને નીકળી ગયો. ભાંડુપ ગોડાઉનવાળા કોમ્પ્લેક્સ નું લોકેશન એને યાદ હતું. દોઢેક કલાકમાં એ કોમ્પ્લેક્સ પાસે પહોંચી ગયો.

મંથને મલાડથી ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં જ ગડાશેઠે આપેલાં નંબર પ્લેટ નાં બે સ્ટીકર આગળ પાછળ ફરી ચોંટાડી દીધાં હતાં. કોઈપણ કામ કાચું રાખવા એ માગતો ન હતો.

કોમ્પ્લેક્સ આખું ખાલીખમ હતું અને એની આજુબાજુ પણ કોઈ દેખાતું ન હતું. આ કોમ્પ્લેક્સ થી ૧૦૦ મીટર દૂર બીજું એક કોમ્પ્લેક્સ હતું એ ચાલુ લાગતું હતું.

મંથન બે કલાક સુધી ત્યાં ગાડીમાં બેસી રહ્યો. વચ્ચે બહાર નીકળીને એણે કોમ્પ્લેક્સની પાછળ પણ ચક્કર માર્યું. સહદેવ સિંહ ક્યાંય દેખાતો ન હતો.

બપોરનો એક વાગી ગયો હતો. હવે વધારે વાર અહીં બેસી રહેવાનો કોઈ જ મતલબ ન હતો. અત્યારે તો પાછા ઓફિસ જવા નીકળી જવું જ પડશે. ભૂખ પણ લાગી હતી.

મલાડમાં એની ઓફિસની બાજુમાં જ એક પંજાબી રેસ્ટોરન્ટ હતું. મંથને ગાડી સીધી ત્યાં જ લઈ લીધી.

જમીને મંથન ઓફિસે ગયો. ઓફિસે ગયા પછી એકાદ કલાક આંખો બંધ કરીને આરામ કર્યો. એ પછી એના મનમાં એક વિચાર આવ્યો.

એણે સદાશિવને ગાડી બહાર કાઢવાનું કહ્યું અને પછી પોતે પણ થોડીવાર પછી નીચે ઊતર્યો. ગાડી એણે ભાંડુપ લઈ લેવાની સૂચના આપી.

હવે ડ્રાઇવરને સાથે લેવામાં કોઈ જ જોખમ ન હતું. કારણ કે એ આ બધી બાબતોથી અજાણ હતો.

ભાંડુપ આવ્યું એટલે એણે ગાડીને પેલા કોમ્પ્લેક્સ તરફ લેવડાવી. કોમ્પ્લેક્સ પાસે અત્યારે પણ સહદેવસિંહ દેખાતો ન હતો.

" સદાશિવ તુમ ઇધર ઉતર જાઓ. મૈં નીકલ જાતા હું. પૂરા દિન યહાં પે બૈઠો. ઇસ કોમ્પલેક્ષ કા ચોકીદાર સહદેવસિંહ હૈ. વો કહીં ગયા હુઆ લગતા હૈ. અગર વો ઇસ કોમ્પ્લેક્સ કે પાસ આ જાયે તો ઉસકો પૂછના કિ આપકા નામ સહદેવસિંહ હૈ ? અગર વો હાં કહે તો બોલના કિ નવીન શેઠ આપકો મિલના ચાહતે હૈ. ગડા શેઠ કા સંદેશા દેના હૈ. શેઠ દેઢ ઘંટે મે આ જાયેંગે. " મંથને એને સમજાવ્યું.

" મૈં જબ તક આઉં તબ તક ઉસકો રોકના ઓર ઉસકે સાથ મેરે બારેમે કોઈ ભી ચર્ચા મત કરના. મેં કોન હું, ક્યા કરતા હું, કહાં મેરી ઓફિસ હૈ... વો કુછ ભી મત બતાના. મૈંને જો બોલા ઉતના હી ઉસકો બોલને કા. " મંથને કડક સૂચના આપી.

" ઓકે સર " સદાશિવ બોલ્યો.

સદાશિવ ગાડીની નીચે ઉતરી ગયો અને મંથને ડ્રાઇવિંગ સીટ સંભાળી અને ગાડી મલાડ તરફ લીધી. હવે સદાશિવ આખો દિવસ રાહ જોશે એટલે પોતાને બેસી રહેવાની કોઈ જરૂર નથી.

છેક સાંજે ચાર વાગે સદાશિવનો ફોન મંથન ઉપર આવી ગયો કે ચોકીદાર પોતાની બાઈક લઈને આવી ગયો છે અને અમે તમારી રાહ જોઈએ છીએ.

પળનો પણ વિલંબ કર્યા વગર મંથન ઓફિસમાંથી નીકળી ગયો અને બને એટલી સ્પીડે એ ગોડાઉનના કોમ્પલેક્ષ ઉપર પહોંચી ગયો.

સહદેવસિંહ કોમ્પ્લેક્સની આગળ જ ઉભો હતો. સદાશિવ એનાથી દૂર એ કોમ્પ્લેક્સની પાળી ઉપર બેઠો હતો.

મંથનની ગાડી જોઈને સહદેવસિંહ નજીક આવ્યો. સદાશિવ હોશિયાર હતો. એ એની જગ્યાએ બેસી જ રહ્યો.

મંથને ગાડીમાં જ બેસીને સહદેવસિંહ ને ગડાશેઠનો પત્ર આપ્યો. સહદેવસિંહે પત્ર વાંચી લીધો. એ પોતે એક વફાદાર સેવક હતો.

" ઠીક હૈ શેઠજી. બસ મુજે પન્દ્રાહ મિનિટ દીજિયે. મૈં બોક્સ યહાં લે આતા હું. " કહીને સહદેવસિંહ પોતાની બાઈક ઉપર ભાંડુપ તરફ ગયો.

મંથને સદાશિવને ડ્રાઇવિંગ સીટ ઉપર બોલાવી લીધો અને પોતે પાછળ બેસી ગયો.

લગભગ ૨૦ મિનિટ પછી સહદેવ સિંહ આવ્યો અને બોક્સ એણે મંથનના હાથમાં આપ્યું. મંથને બદલામાં એના હાથમાં ૧૦ લાખની નોટો પેક કરેલું પેકેટ મૂકી દીધું.

" જાતે જાતે એક બાત પૂછુ મૈં તુમ સે ? " મંથન બોલ્યો.

" જી શેઠ. " સહદેવસિંહ આદરપૂર્વક માથું નમાવીને બોલ્યો.

" શેઠ કો ગુજર ગયે એક મહિને સે ભી જ્યાદા સમય હો ગયા. યહાં સબ ગોડાઉન ભી ખાલી હૈં. ફિર ભી આપ ઈસ જગાકો છોડ કર ગયે ક્યું નહીં ?" મંથને પૂછ્યું.

" શેઠજી કી અમાનત મેરે પાસ થી. મુજે પક્કા ભરોસા થા સરકાર... કી શેઠજીને કોઈ ન કોઈ ઇન્તજામ ઇસકે લિયે ભી કિયા હી હોગા. મેં બસ ઇંતજાર કર રહા થા. ઓર દેખો આજ આપ આ ગયે. " સહદેવ સિંહ બોલ્યો.

મંથનને સહદેવસિંહની આ વાત સાંભળીને એને સલામ કરવાનું મન થયું. કેટલો બધો પ્રમાણિક માણસ છે આ !!

" ગડાશેઠ કા આદેશ હૈ કી આપ અબ કહી ભી જા સકતે હો. આપકી ડ્યુટી આજ સે ખતમ હો જાતી હૈ. " મંથન બોલ્યો. જો કે આ જ શબ્દો ગડાશેઠે ચિઠ્ઠીમાં પણ લખ્યા હતા !

મંથને સદાશિવને ગાડી સ્ટાર્ટ કરવાનો સંકેત કર્યો. સદાશિવે ગાડી સ્ટાર્ટ કરી દીધી અને કાંજુર માર્ગ થઈને પવાઈ તરફ લીધી અને ત્યાંથી જોગેશ્વરી થઈને મલાડ તરફ વાળી લીધી.

મંથને ઓફિસમાં પોતાની ચેમ્બરમાં જઈને સૌથી પહેલું કામ બોક્સ ચેક કરવાનું કર્યું.

ખાખી પૂંઠાનું બોક્સ ચારે બાજુથી સીલ કરેલું હતું. સીલ તોડ્યા પછી પણ અંદરથી બીજું કાપડથી મઢેલું બોક્સ નીકળ્યું. કાતરથી કપડું ફાડી નાખ્યું તો અંદર ઝવેરીઓ નેકલેસ રાખે છે એવું લાલ વેલવેટ બોક્સ નીકળ્યું.

ધીમે રહીને ટેબલ ઉપર ગોઠવી મંથને બોક્સ ખોલ્યું તો આખું બોક્સ અસલી હીરાથી ભરેલું હતું. અસંખ્ય હીરા હતા એટલે મંથને બોક્સને સાચવીને બંધ કરી દીધું.

પોતે હીરા વિશે કંઈ જાણતો ન હતો એટલે એણે સોલિસિટર મુનશી સાહેબને ફોન કર્યો.

" સર મંથન બોલુ. ભાંડુપ જઈને મારી અમાનત હું લઈ આવ્યો છું. હવે મને તમારી મદદની જરૂર પડશે. તમે કહેતા હતા એ તલકચંદને મારે મળવું જ પડશે. અસંખ્ય ડાયમંડ છે. વેલ્યુએશન કરાવવું જ પડશે." મંથન બોલ્યો.

" ભલે હું એમની સાથે વાત કરી લઉં છું અને એમનો આજ કે કાલનો ટાઈમ પણ લઈ લઉં છું. હું તમને ફોન કરું એ ટાઈમે તમે વાલકેશ્વર રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ બિલ્ડીંગ પાસે આવી જજો." મુનશી સાહેબ બોલ્યા.

તલકચંદે બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાનો ટાઈમ આપ્યો એટલે મંથન ગાડી લઈને વાલકેશ્વર રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ બિલ્ડિંગ પાસે પહોંચી ગયો.

" આ ઝવેરી શેઠ છે. પંચરત્ન બિલ્ડીંગ ઓપેરા હાઉસમાં એક જમાનામાં એમનો દબદબો હતો. અસલી હીરા પારખુ છે. ડાયમંડને દૂરથી જોઈને જ એની ક્વોલિટી એનો રંગ અને એની કિંમત તમને કહી દે. એ કોઈને મળતા જ નથી પરંતુ એ મારા ક્લાયન્ટ છે એટલા માટે આજે તમારી મુલાકાત શક્ય બની છે. " મુનશી સાહેબ બોલ્યા.

"જી. આપનો ખૂબ ખૂબ આભાર અને ઝવેરી સાહેબને મળીને મને પણ ખૂબ જ આનંદ થયો છે. બસ... મારા આ બોક્સમાં જે પણ માલ છે એનું વેલ્યુએશન મારે કરાવવું છે અને એના માટેના જે પણ ચાર્જિસ થતા હોય એ હું આપવા તૈયાર છું. " મંથન બોલ્યો.

" મારા સોલિસિટરની સાથે આવ્યા છો એટલે ચાર્જીસની કોઈ વાત જ ન કરશો પ્લીઝ. મારે પૈસાની કોઈ જરૂર નથી. મેં મુનશી સાહેબના સંબંધના કારણે જ તમને હા પાડી છે." ઝવેરી શેઠ બોલ્યા.

"આઈ એમ સો સોરી વડીલ. માફ કરશો. બિઝનેસમેન છું એટલે મારાથી બોલાઈ ગયું." કહીને મંથને ડાયમંડનું બોક્સ તલકચંદની આગળ ટેબલ ઉપર મૂક્યું.

ઝવેરી શેઠે ધીમે રહીને બોક્સ ખોલ્યું. એમની આંખો ચાર થઈ ગઈ. એમણે થોડા હીરા હથેળીમાં લઈને જોઈ લીધા.

" દરેક હીરો ત્રણથી પાંચ કેરેટ વજનનો છે. વી.વી.એસ. ક્લેરિટી છે અને ડી કલર છે. બહુ જ મોંઘા આ ડાયમંડ છે. એક એક ડાયમંડ ત્રણ થી પાંચ કરોડનો ગણી શકાય. અમુક મોટા ડાયમંડ ૧૦ થી ૧૫ કરોડના પણ છે. બહુ બધા ડાયમંડ છે. મારે કેલ્ક્યુલેટર અને વજન કાંટો લેવાં પડશે. બધા જ ડાયમંડ ચેક કરીને પછી હું તમને ફાઇનલ કિંમત કહું. થોડીવાર બેસવું પડશે. " ઝવેરી શેઠ બોલ્યા.

મંથન અને મુનશી સાહેબ તો એક બીજાની સામે જોઈ જ રહ્યા ! ગડાશેઠે મંથન પોતાનો વારસદાર હોય એ રીતે લક્ષ્મીનો વરસાદ વરસાવ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો