Dashavatar - 23 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 23

          વીજળીના એક ઝબકારે આકાશની છાતી ચીરી નાખી હોય એમ આકાશને બે ભાગમાં વહેંચી દીધું. આંખ આંજી નાખે તેવા પ્રકાશના ઝબકારા અને કાનના પડદા ફાટી જાય એવા અવાજ સંભળાવા લાગ્યા. વિરાટની આંગળી અનાયાસે જ હથેળીમાં ભીંસાઈ ગઈ. એણે મુઠ્ઠી એવી સખત ભીંસી લીધી કે તેના જ નખ તેની હથેળીમાં ઉતરી ગયા.

          વીજળીનો બીજો કડાકો પહેલા કડાકા કરતાં પણ પ્રચંડ હતો. એ પહેલા કડાકા કરતાં પોતે શક્તિશાળી છે એમ સાબિત કરવા માગતો હોય એમ મિનિટો સુધી આકાશમાં દેખાતો રહ્યો. લોકો કહેતા કે પ્રલય સમયે વીજળીએ આવી જ તબાહી મચાવી હતી. પણ એ બધુ સાંભળવું અને આંખો સામે જોવું તદ્દન નોખી વાત હતી.  એ વિશાળ વીજળીનો ચમકારો જાણે આકાશમાં મુખ્ય માર્ગ હોય અને તેમાથી અનેક નાની નાની શેરીઓ નીકળતી હોય તેમ કેટલીયે નાની નાની વીજળીઓ તેની સાથે જોડાઈ ગઈ. હવે આકાશમાં ચમકતું અને ગગનભેદી ચીસો પાડતું કોઈ રાક્ષસી વૃક્ષ તેની શાખાઓ ફેલાવી રહ્યું હોય એવું દૃશ્ય રચાયું હતું.

          એ અનેક વીજળીઓના ઉજાસમાં આખો પ્રદેશ સૂરજના અજવાળા કરતાં પણ વધુ ચમકતો હતો. એ વીજળીના અવાજ આગગાડીના એંજિન કરતાં અનેકગણા પ્રચંડ હતા. ધીમે ધીમે આખું આકાશ જાણે તેમને ઉત્તરમાં જતાં રોકી રાખતી એ પથ્થરની દીવાલ હોય અને તેમાં તબાહી મચાવતી વીજળી જાણે એ દીવાલ પર ચડેલા વેલાઓની ભાત હોય તેવું દેખાતું હતું.

          કારમાં બેઠા યુવક યુવતીઓના કાળજા એમના મોંમાં આવી ગયા હતા. વિરાટ પણ દાંત ભીંસીને બેઠો હતો કેમકે ચીસ પાડતા પોતાને રોકવો એ ત્યારે દુનિયાનું સૌથી મુશ્કેલ કામ હતું. તેણે દાંત ભીંસી રાખ્યા હતા અને ગળામાંથી જરા સરખો પણ અવાજ ન નીકળે તેવી પ્રલય પહેલાના ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો.

          આકાશમાં પણ એના મન જેવો જ સંઘર્ષ ચાલતો હતો. જાણે એ બધી નાની મોટી વીજળીઓ એકબીજા પર પ્રભુત્વ જમાવવા માંગતી હોય એમ એકબીજા સાથે આંટીઓ લઈ લડતી હતી. કોઈ એક પળે આ વીજળીમાં વધુ જોર હતું તો બીજી પળે કોઈ બીજી તેની આસપાસ અજગરની જેમ ભરડો લઈ લેતી હતી.

          હવે આગગાડી આસપાસનો આખો વિસ્તાર ઉજાસમાં બધાને સ્પસ્ટ દેખાતો હતો જે કોઈ માનવ ક્યારેય જોવા ન ઇચ્છે. પહેલા અંધકારમાં આસપાસની તબાહી માત્ર વિરાટ જ જોઈ શકતો હતો પણ હવે એ વિજળીના યુધ્ધના ઉજાસમાં એ પ્રદેશ બધાને દેખાતો હતો. ખાસ તો યુવક છોકરા છોકરીઓ માટે એ દૃશ્ય કાળજું કંપાવી નાખે તેવું હતું.

          યુવકો પહોળી આંખે એ ઇમારતો જોઈ રહ્યા હતા જે અડધી રેતમાં અને અડધી બહાર હતી. આગગાડીની જેટલી લંબાઈ હતી તેટલી જ ઊંચાઈની એ ઇમારતોમાં જાણે કોઈ રાક્ષસે મોટા હથોડાના ફટકા માર્યા હોય તેવાં બાકોરાં પડેલા હતા. ઇમારતો તો ઠીક પણ ત્યાંની જમીન પર પણ એવા જ ખાડા અને ગાબડાં હતા જાણે દેવતાઓ વચ્ચે ત્યાં ગદાયુધ્ધ થયું હોય. કેટલાક ખાડાઓમાં તો જમીન સુધ્ધાં સળગી ગઈ હતી જાણે આકાશમાથી સિતારાઓ સીધા જ ત્યાં તૂટી પડ્યા હોય.

          વિરાટને લાગ્યું જાણે તેનું હ્રદય તેની છાતી ચીરી બહાર નીકળી જશે. તેના ધબકારા કોઈ પંપની જેમ વધતાં હતા. તેને તેના જ ધબકારા તેના કાનના પડદા પર નગારા વાગતા હોય તેટલા જોરથી સંભળાતા હતા. કાશ! કાશ કે તેમને આંખો બંધ કરી બેસી રહેવાની પરવાનગી હોત! પણ કોઈએ આંખો બંધ ન કરી કેમકે કોઈ સીધું જ એ આકાશી વીજળીના તોફાનમાં બહાર ફેકાઈ જવા નહોતું માંગતુ. ભય બધાના ગળા પર તાળું મારીને બેઠો હતો.

          એકાએક આકાશમાં ભારે કડાકો થયો. વિરાટે બારીમાંથી ઉપર નજર કરી. બે વીજળી વચ્ચે ભયાનક યુધ્ધ જામ્યું હતું પણ એમાંની એકે બીજીને જાણે ઉછાળીને ફેકી દીધી હોય તેમ બીજી વીજળી આગગાડીની નજીકની એક અર્ધખંડેર ઇમારત પર અથડાઈ. એ ખંડેર ઇમારતના તૂટેલા કાચ અને કાટ લાગેલા લોખંડના સળિયા પર એ નાગિનની જેમ સરકવા લાગી. એ ફરી આકાશમાં જવા ઇમારત પર ચડવા બની શકે તેટલી ઝડપે સરકતી હતી પણ આકાશમાં હતી એ વિજળી એની હરીફને ફરી ક્યારેય આકાશમાં સ્થાન આપવા ન માંગતી હોય તેમ તેના પર તૂટી પડી. એ ઇમારત પર બંને વીજળી ફૂફાડા મારતી નાગણો જેમ સરકતી લડવા માંડી.  

          બધાની નજર એ તરફ મંડાયેલી હતી. ખુદ નિર્ભય સિપાહી પણ વિરાટની કારના દરવાજામાં જડેલા કાચની બારીથી એ જોઈ રહ્યો હતો. વિરાટને એક પળ નવાઈ થઈ કે એ તેમની કારમાંથી કેમ દેખતો હશે. તેની કારમાં પણ એવી જ કાચની બારીઓ હતી. એ ત્યાંથી પણ જોઈ શકતો હતો.

           એ પછીની પળ ભયાનક હતી. ઇમારત પર લડતી એ વીજળીઓમાંથી એકે હાર માની લીધી હોય એમ એ કૂદીને આગગાડીની સપાટી પર આવી અને આગગાડીના બહારના પતરા પર સરકવા લાગી. વિરાટને લાગ્યું કે હમણાં એ કારમાં ધૂસી આવશે અને બધાને રાખમાં ફેરવી નાખશે.

           તેના ધબકારા વધતાં હતા. એ આંખો બંધ ન કરવા પોતાની જાત સાથે સંઘર્ષ કરવા લાગ્યો. એ જ સમયે બીજી વીજળી પણ ઇમારતની સપાટી પરથી કૂદીને આગગાડીની સપાટી પર આવી અને બંને એકબીજા ફરતે ભરડો લેવા લાગી. એને થયું કે લોકો કહે તેમ વીજળી પણ સજીવ છે કેમકે એ પહેલી વીજળી બીજી વીજળીને નરક સુધી છોડવા માંગતી નહોતી.

           જેવી એ વીજળીઓ એક કાચની બારી પાસે આવી એ બારી નજીક બેઠેલી એક  છોકરી ચીસ પાડી ઉઠી. એના પિતા તેનો હાથ પકડી તેને ચૂપ કરવા મથતા રહ્યા પણ એ આંખો બંધ કરી એ રીતે ચીસો પાડતી રહી જાણે બહાર લડતી વીજળીના પ્રહારોનું દર્દ તેને થતું હોય.

           વિરાટને થયું એ ચીસો પાડવાનું બંધ નહીં કરે તો તેનું ગળું ફાટી જશે. આમ પણ એ પાતળી અને નાજુક છોકરી હતી. એ પહેલીવાર દીવાલની પેલી તરફ જઈ રહી હતી એ ચોક્કસ હતું. એ વિરાટની જ ઉમરની હતી.  એ દેખાવમાં ખૂબ નાની હતી. તેના માપસરની લંબાઈના વાળ માથા પર ચોટીમાં બાંધેલા હતા. તેના ગળા પર ડાબા કાન નીચે વેપારીઓના ચાંદીના સિક્કા જેવડું શૂન્યનું છૂંદણું હતું. 

          એકાએક તેને પણ પોતાની ભૂલ સમજાતા એ રાડો પાડવાનું બંધ કરી તેના પિતા તરફ જોવા લાગી. તેની આંખોમાંથી આસુ વહેવા માંડ્યા. તેની પાતળી ગરદન ધ્રૂજતી હતી. તેની પાંસળીઓ ઉતાવળા શ્વાસ ઉરછવાસ સાથે તાલ મિલાવતી હતી. તેની બદામ આકારની આંખોમાં આસુ, ભય અને ઉદાસી હતી. મૃત્યુ તેના માથા પર શિકારી બાજની જેમ ચકરાવો લેતું વિરાટને દેખાયું.

          તેના પિતા ભય કે ગુસ્સા કે પછી કોઈ નવી જ સંવેદનામાં તેને જોઈ રહ્યા હતા. તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. કારમાં બેઠો દરેક શૂન્ય જાણતો હતો કે હવે શું થવાનું છે.

          શ્વાસ અધ્ધર કરી નાખે તેવા વીજળીના તોફાન અને કડાકા ધડાકા કારની બહારની તરફ અટકવાનું નામ લેતા નહોતા પણ હવે કોઈનું ધ્યાન એ તરફ નહોતું. આગગાડીમાં એના કરતાં પણ ભયાનક કંઈક થવાનું હતું. નિર્ભય સિપાહીએ એ છોકરી તરફ જોયું. તેની આંખો બહાર ઘમાસાણ મચાવતી વીજળી જેવી જ બિહામણી હતી.

          બધા શૂન્યો પણ એ છોકરીને જોઈ રહ્યા. વિરાટને તેના જ લોકોની આંખોમાં એ છોકરી માટે કોઈ લાગણી દેખાઈ નહીં. બધી આંખો જાણે ભાવશૂન્ય હતી. એ આંખોમાં ન દયા હતી, ન કરુણા હતી, બસ એ બધી આંખો કોરા કાગળ જેવી હતી જેમાં કશું જ લખેલું નહોતું, એક શબ્દ પણ નહીં. તેને એ બધી આંખો માટે ધ્રુણા થઈ આવી. કેમ શૂન્ય લોકોને તેમની જ બાળકી પર કોઈ લાગણી નથી?

          એ જ ફરક હતો શૂન્યો અને નિર્ભય વચ્ચે. એટલે જ એ નિર્ભય કહેવાતા અને આ બધા શૂન્ય. ભાવનાશૂન્ય હોવું એ જ શૂન્ય હોવું હતું. શૂન્ય લોકોમાં લાગણીઓની કમી હતી. જો એ છોકરી નિર્ભય હોત તો ભલે બીજું કોઈ નહીં પણ તેના પિતા તેના માટે મરવા કે મારવા તૈયાર થયા હોત. તેના લોકોએ તેના માટે અવાજ ઉઠાવ્યો હોત પણ શૂન્ય લોકોમાં એ બહાદુરી નહોતી. આ જ પાયાનો તફાવત હતો જેના લીધે શૂન્યો કમજોર, ગરીબ, અને લાગણીહીન શૂન્યો હતા જ્યારે નિર્ભય બહાદુર, ચાલાક અને તેમના કરતાં ચડિયાતા હતા. કદાચ જો નિર્ભય સિપાહીઓ નિર્દય અને ક્રૂર હત્યારા ન હોય તો વિરાટને એ લોકોને પોતાના કરતાં ચડિયાતા માનવમાં કોઈ વાંધો નહોતો. એને એક પળ માટે થયું કે કાશ પ્રલય પહેલાના દયાળુ ભગવાને તેના લોકોને પણ નિર્ભય સિપાહીઓ જેવી હિંમત અને બહાદુરી આપી હોત!

          નિર્ભય સિપાહી ધીમા પણ મક્કમ પગલે છોકરી તરફ જવા લાગ્યો હતો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા અને કદાચ હતા તો પણ એ કળી શકાય તેવા નહોતા. તેના અંગો ચાલતી વખતે હિંસક પ્રાણી જેમ મરોડ લેતા હતા. તેના કમરપટ્ટા પર ભરાવેલી વાંકી તલવાર તેના મ્યાન સાથે આમતેમ હલતી હતી અને તલવારની બીજી બાજુએ ભરાવી રાખેલી કટાર પણ હિંચકા ખાતી હોય તેમ હિલોળા લેતી હતી.

          શૂન્ય લોકો પથ્થરના પૂતળા બનીને એ તરફ જોઈ રહ્યા. ગરીબ શૂન્યો! દીવાલની પેલી પારના દેવતાઓ સાચા હતા. એ કશું નહીં પણ માત્ર શૂન્ય હતા. બદનસીબ શૂન્યો!

          વિરાટના ધબકારા નિર્ભય સિપાહીના એક એક પગલાં સાથે ગતિ પકડતા હતા. તેનું હ્રદય ઝડપથી ધબકતું હતું. એ જાણતો હતો કે હવે શું થવાનું છે. એ છોકરી પણ સમજી ગઈ કે હવે શું થશે. તેની આંખો કારમાં આમ તેમ ચકળ વકળ ફરી. કદાચ એ મૂર્ખ આંખો કોઈ મદદે આવશે એવી આશા લગાવી બેઠી હતી પણ કોઈ તેની મદદે ગયું નહીં. તેની આંખો મદદ શોધતા થાકી ગઈ હોય અને આશા છોડી દીધી હોય તેમ પોતાના લોકોને બદલે હવે તેની નજીક પહોંચવા આવેલા નિર્ભય સિપાહી પર સ્થિર થઈ.

          નિર્ભય સિપાહી એનાથી બે ચાર ડગલાં જ દૂર રહ્યો અને એ ચીસો પાડવા લાગી, “મહેરબાની કરી મને ન મારો.” એ દયાની ભીખ માંગતી હતી પણ તેની આજીજીની કારમાં બેઠેલા શૂન્યો કે એ નિર્ભય સિપાહી પર કોઈ જ અસર ન થઈ.

          “મારે જીવવું છે. મારે ભગવાનના સમારકામમાં ફાળો આપવો છે.”

          પણ કારમાં તેના કરગરવાના અવાજ સિવાય મૃત્યુ જેવી શાંતિ હતી.

          “મને કાર બહાર ન ફેકશો.” એણે હાથ જોડ્યા અને વિનંતી ચાલુ રાખી, “બહાર વીજળી મને રાખ કરી નાખશે.” તેના ગાલ પરથી આસું ઝરણાની જેમ વહ્યે જતાં હતા.

          “તારે મરવું જ પડશે.” નિર્ભય સિપાહીએ જવાબ આપ્યો, “તેં નિયમનો ભંગ કર્યો છે અને તારા એકના ડરી જવાથી આખી આગગાડીના લોકો પર જોખમ ઊભું થાય એમ છે.”

          નિર્ભય સિપાહીના શબ્દોએ એ છોકરી પર શું અસર કરી હશે એ ખબર નથી પણ વિરાટના હ્રદયમાં કોઈએ કટાર ભોકી દીધી હોય એમ લાગ્યું. એક પળ તો એને શ્વાસ લેવા પણ મહેનત કરવી પડી.

          “ના, વિરાટ, ના.” તેણે પોતાની જાતને કહ્યું, “તું એની મદદ ન કરી શકે. તારે દીવાલની પેલી તરફ જઈ પાટનગરના રહસ્યો જાણવાના છે.”

          એણે ક્યારેય સાંભળ્યુ પણ નહોતું કે ક્યારેય કોઈ શૂન્યએ નિર્ભય સિપાહી સામે અવાજ ઉઠાવ્યો હોય. નિર્ભય સિપાહીઓ બીહામણા, શક્તિશાળી અને નિર્દય હતા. દીવાલની પેલી તરફ લોક જાતિના માણસો પણ ક્યારેય તેમની સામે ગયા હોય તેવું સાંભળ્યુ નહોતું. કોઈ શૂન્ય એક નિર્ભય સિપાહીને માત કરી શકે તેવી તો અફવા પણ ક્યારેય સાંભળી નહોતી. લોકો કહેતા કે તેઓ એક મિનિટમાં દસ તીર છોડી શકતા અને સૌથી ભયાનક બાબત એ હતી કે નિર્ભય સિપાહીઓ શબ્દવેધી વિધા જાણતા હતા. એ અંધારામાં લક્ષને જોયા વિના માત્ર તેના શ્વાસ કે હ્રદયના ધબકારના અવાજ પરથી પણ નિશાન લઈ શકતા.

          એકાએક વિરાટના મનમાં ઝબકારો થયો. કદાચ હું પણ એમના જેમ જ શબ્દવેધ કરી શકું કેમકે હું પણ અંધારામાં જોઈ શકું છું. મને પણ દરેક સજીવના ધબકારા અને શ્વાસ સંભળાય છે.

          “વિરાટ, તું શૂન્ય છે. નિર્ભય સિપાહીને તું ક્યારેય ન પહોંચી શકે.” તેણે પોતાની જાતને રોકવા કોશિશ કરી. એ ખુદને કહેતો રહ્યો વિરાટ તારે એમાં કશું જ કરવાનું નથી. તને યાદ નથી માએ શું કહ્યું છે? પણ તેના અંદરનો જ્ઞાની તેની એક સાંભળે તેમ નહોતો. એ અંદર બૂમો પડતો હતો, “વિરાટ, પાંચ સો વર્ષથી જે નિર્ભય સિપાહીઓ અણનમ કહેવાય છે તેમની તાકાત પરખવાનો સમય આવી ગયો છે.”

          એટલીવારમાં નિર્ભય સિપાહી છોકરી પાસે પહોંચી ગયો હતો. એણે પટ્ટો ખોલ્યો અને તેને સીટ પરથી ઊભી કરી. બધા એ જોઈ રહ્યા, વિરાટ પણ એ જોઈ રહ્યો હતો.

          નિર્ભય સિપાહી છોકરીને કારના દરવાજા તરફ તાણી જવા લાગ્યો. છોકરી એ તરફ ન જવા મથતી હતી પણ રાક્ષસી કદના નિર્ભય સિપાહી સામે એ તરૂણીનું શું ગજું? નિર્ભય સિપાહી તેને એક હાથે પકડી દરવાજા તરફ ખેચી જવા લાગ્યો. તેનામાં અપાર તાકાત હતી.

          “તારામાં પણ એના જેવી જ અસિમ તાકાત છે અને પ્રલય પહેલાના દયાળુ ભગવાને તને એ તાકાત આવા ઘાતકીઓ સામે લલડવા જ તો આપી છે.” અંદરના જ્ઞાનીએ વિરાટને કહ્યું.

          “વિરાટ…” તેણે મુઠ્ઠીઓ ભીંસી જાત પર કાબૂ કર્યો કેમકે હવે એ જ્ઞાની તેના મન પર કાબૂ કરવાની તૈયારીમાં હતો, “તારે વચ્ચે નથી પડવાનું... તારું લક્ષ બહુ મોટું છે.. એક હત્યા અટકાવવા માટે તું એ ન ખોઈ શકે.”

          એ જ સમયે નિર્ભય સિપાહીએ છોકરીને છોડી દીધી. કદાચ એ છોકરીને જવા દેશે. કદાચ એ બધાને ડરાવવા માંગતો હતો. વિરાટને થયું પણ એ ખોટો હતો. નિર્ભય સિપાહીનો જમણો હાથ તેની કટારના હાથા પર ગયો એ જ સમયે વિરાટે રાડ પાડી, “એને મારીશ નહીં.” હવે જ્ઞાની વિરાટના મનના કેદ્રમાં હતો. વિરાટના શરીર પર જ્ઞાનીનો સંપૂર્ણ કાબૂ હતો, “મુકાબલો કરી શકે તો મારી સાથે કર.”

          વિરાટના શબ્દો નિર્ભય સિપાહીના કાને પડ્યા. તેનો કટારવાળો હાથ વીજળીવેગે હવામાં વીંઝાયો. છોકરીની આંખો આસુથી ભરાયેલી હતી એટલે ત્યાં શું થયું એ એને ન દેખાયું. નિર્ભય સિપાહીએ ક્યારે કટાર મ્યાનમાંથી ખેચી કાઢી અને ક્યારે તેના ગળા પર કટાર વીંઝી એ તેને દેખાયું નહોતું. એ બિચારી તો કોઈ મદદે આવ્યું એના હર્ષમાં ડૂબેલી હતી. તેની સાથે શું થયું એ એને ખબર ન પડી. તેના ગળા પર પહેલા લાલ રંગની એક પાતળી રેખા ઉપસી આવી. એ રેખા છેક આ કાનથી પેલા કાન સુધી ફેલાયેલી હતી. નિર્ભય સિપાહી કટાર ચલાવવામાં પાવરધો હતો.

          વિરાટ ફાટી આંખે છોકરીના ગળાને જોઈ રહ્યો. એ પાતળી લાલ રેખા પહોળી અને મોટી થઈ એ સાથે જ લોહી ફુવારાની જેમ છૂટયું. બીજી પળે એ ફસડાઈ પડી. તેનો નાજુક દેહ આગગાડીના તળિયાના લોઢા સાથે અથડાયો. એક પળ માટે વિરાટને રેતની આંધીમાં ભાંગી પડતાં કુમળા છોડવાની યાદ આવી ગઈ. એ છોકરી ચંપાના છોડ જમ ઢળી પડી હતી.  

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED