એ પછીની ક્ષણે ત્રણ ઘટનાઓ એક સાથે ઘટી. નિર્ભય સિપાહીએ વિરાટ તરફ જોયું અને તેનો કટારવાળો હાથ વિરાટની છાતીનું નિશાન લેવા તૈયાર થયો. વિરાટના શરીરનું બધુ લોહી જાણે તેના મગજમાં ધસી આવ્યું હોય તેમ તેનું માથું ફાટફાટ થતું હતું. એક ક્ષણ માટે તેની આંખોમાં દેવતાઓની આંખો જેમ લાલ રંગની નાસોની કરોળિયાના જાળા જેવી ભાત રચાઈ.
એ જ સમયે બાજુની કારનો દરવાજો ખૂલ્યો અને તે કારનો નિર્ભય સિપાહી વિરાટની કારમાં દાખલ થયો. વિરાટનું મગજ ગુસ્સાથી ફાટી ગયું હતું કે કેમ પણ તેને લાગ્યું જાણે એ વિધુતમય બની ગયો છે. તેના રૂવેરૂવે કોઈ ગજબ શક્તિ પ્રગટી હતી અને એ હવે ખુરશીમાં બેઠો નહોતો પણ તેના પગ પર ઊભો હતો. એ ક્યારે સીટપટ્ટો તોડી ઊભો થઈ ગયો એ તેને એક પળ પછી અંદાજ આવ્યો.
નિર્ભય સિપાહીએ કટાર વિરાટ તરફ ફેકી એ જ સમયે એ કારમાં દાખલ થયેલા બીજા નિર્ભય સિપાહીએ પણ તેની કટાર હવામાં વહેતી કરી. શું થાય છે તે કઈ સમજાયું નહીં કેમકે એ બધુ એક પળમાં થઈ ગયું. પહેલા નિર્ભય સિપાહીએ વિરાટ તરફ નિશાન લઈ ફેકેલી કટારને બીજા નિર્ભય સિપાહીની કટારે હવામાં જ ટીકી હતી. બંને કટારો હવામાં અથડાઈ. વીજળી જેવો ઝબકારો થયો કેમકે તેમની કટારો વરજા નામની અવકાશી ધાતુની બનેલી હતી. બંને કટારની દિશા બદલી અને ડબ્બાના પતરા સાથે બીજી અથડામણ ખાઈ નીચે પડી.
વિરાટ માટે એ નવાઈની વાત હતી. ડબ્બામાં બેઠેલા દરેક શૂન્ય માટે એ નવાઈની વાત હતી. નીરદ તો વિરાટ સીટપટ્ટો તોડી ઊભો થયો એ ઘડીથી ડઘાઈ ગયા હતા. લગભગ દરેક શૂન્ય ડઘાઈ ગયો હતો કેમકે સીટપટ્ટો તોડવો અસંભવ કામ હતું. એ પટ્ટા કોઈ એવા મટિરિયલના બનતા કે એ છરીથી પણ કાપી શકાતા નહીં. વિરાટ પોતે જ સમજી શકતો નહોતો કે એ પટ્ટો કઈ રીતે તૂટ્યો અને તેણે એટલી શક્તિ વાપરી છતાં તેના સ્નાયુઓ ફાટી કેમ ન ગયા? તેણે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું હતું કે એક મર્યાદા કરતા વધારે શક્તિ વાપરવામાં આવે તો માંસપેશીઓં તૂટી જાય છે, તો તેના સ્નાયુઓને કેમ કઈ ન થયું?
પણ હવે સૌથી વધારે ડઘાયેલું કોઈ હતું તો એ હતો પહેલો નિર્ભય સિપાહી. એ સમજી ન શક્યો કે બીજા નિર્ભય સિપાહીએ વિરાટને કેમ બચાવ્યો. છતાં એ નિર્ભય સિપાહી હતો. એ કોઈ શૂન્ય નહોતો. તેણે બીજી જ પળે સ્થિતીનો તાગ મેળવી વાંકી તલવાર ખેચી કાઢી, “ગદ્દાર...” તેણે રાડ પાડી.
જોકે ત્યાં સુધીમાં બહુ મોડુ થઈ ગયું હતું. નવા આવેલા નિર્ભય સિપાહીએ એવી જ રાડ પાડી, “જય વાનરરાજ...”
બીજો સિપાહી તલવાર ખેચી કાઢી પહેલા સિપાહી તરફ ધસ્યો. બંને વચ્ચે કોઈ જ લડાઈ ન થઈ કેમકે બંને સમાન શક્તિ અને બહાદુરીવાળા હતા. બંને એકબીજાની નજીક પહોંચતા જ બંનેએ એકબીજાને તલવારો ભોકી દીધી.
આખો ડબ્બો સત્બ્ધ બની એ જોતો રહ્યો. બીજો સિપાહી પહેલા સિપાહીને ધક્કા સાથે કારના દરવાજા તરફ ખેચી ગયો. એ સિપાહી જાણે પાગલ થઈ ગયો હતો.
“જય ધર્મસેના...” એવી રાડો પાડતાં તેણે બહાર ચાલતા વીજળીના તોફાનનો ડર રાખ્યા વગર કારનો દરવાજો ખોલી નાખ્યો. તેણે વિરાટ તરફ જોઈ કંઈક કહ્યું અને પહેલા સિપાહીને લઈને બહાર કૂદી પડ્યો. વીજળી એ બંનેની આસપાસ વીંટળાઈ ગઈ અને એ કાર બહાર રેતમાં પડવાને બદલે હવામાં જ ભડથું થઈ ગયા. બીજી જ પળે વીજળી એ ભડથા લઈ નજીકની ઇમારતના મોટા ગાબડાંમાં કૂદી પડી. એક પળમાં એ નિર્ભય સિપાહીઓ હતા ન હતા થઈ ગયા.
એકાએક વિરાટના મનમાં ઝબકારો થયો. એ નિર્ભય સિપાહીના શબ્દોનો પડઘો તેના મનમાં સંભળાયો. એ સિપાહી દેવભાષામાં બોલ્યો હતો. કોણ જાણે કેમ પણ તેને એ શબ્દો સમજાયા હતા. તેણે શું કહ્યું એ વિરાટ સમજી શક્યો, “અવતાર, તમારા અંગરક્ષક તરીકે ફરજ નિભાવતા મરવું એ મારા માટે ગર્વની વાત છે.”
અંગરક્ષક.... અવતાર.... ગર્વ..... કશું સમજાય એવું નહોતું. એક નિર્ભય સિપાહી મને અવતાર કેમ માને? એક નિર્ભય સિપાહી મારા માટે પોતાનો જીવ કેમ આપે? એ વ્યક્તિએ મારા માટે જીવ આપ્યો અને હું એનું નામ પણ નથી જાણતો. મારા માટે મરવાનો તેને ગર્વ હતો. કેમ? એ કોણ હતો?
વિરાટ હજુ એ ખુલ્લા દરવાજા બહાર જોઈ રહ્યો હતો. લગભગ નિર્ભય સિપાહીઓને વીજળી ભરખી ગઈ એ પછી ત્રણ ચાર મોટી ઇમારતો પાસેથી આગગાડી પસાર થઈ ગઈ હતી.
જો ખુલ્લા દરવાજેથી કોઈ વીજળી અંદર આવી જશે તો બધા બળીને ભડથું થઈ જશે એ ખયાલ આવતા જ એ દરવાજો બંધ કરવા ગયો. એ દરવાજા પાસે પહોચ્યો એ જ સમયે એક કારમાંથી બીજી કારમાં જવાના ખુલ્લા દરવાજેથી એક નિર્ભય સિપાહી અંદર દાખલ થયો. હુમલો કરનાર નિર્ભય સિપાહી અંદર આવ્યો ત્યારે તેણે દરવાજો ખુલ્લો મૂક્યો હતો પણ હવે આવનારા નિર્ભય સિપાહીએ આ કારમાં દાખલ થતાં જ દરવાજો બંધ કરી દીધો.
એ નવા આવનાર સિપાહીનો દેખાવ સામાન્ય જ હતો. તેની દાઢી મૂછ વધેલા નહોતા. તેનું શરીર પણ વિરાટ જેટલું જ હતું. કદાચ તે હજુ વીસેક વર્ષનો હશે. યુવાન સિપાહી અંદર દાખલ થયો ત્યારે તેના હાથમાં ચોરસ પથ્થર જેવુ કંઈક સાધન હતું. તેના પર આંગળીઓથી કંઈક ટપટપ કરી તેણે એ સાધન તેના કાળા પાટલૂનના ગજવામાં સરકાવ્યું અને એક પળમાં ત્યાં શું થયું હતું તેનો તાગ મેળવી લીધો હોય તેમ વિરાટને કહ્યું, “દરવાજો ખુલ્લો જ રાખજે.”
વિરાટ ત્યાં જ ઊભો રહ્યો. તેણે દરવાજો બંધ ન કર્યો. નવા આવનાર નિર્ભયે નીચા નમી ધ્યાનથી છોકરીનો મૃતદેહ ઉઠાવ્યો અને વિરાટ પાસે ગયો.
“મહિનાઓ સુધી મૃતદેહને સાચવી રાખવા કરતાં તેને કુદરતને હવાલે કરી દેવો જોઈએ.” તેણે વિરાટ તરફ જોઈ કહ્યું. વિરાટે જવાબ ન આપ્યો. કેમ એ તેની સાથે વાત કરે છે એ વિરાટને ન સમજાયું. કોઈ નિર્ભય સિપાહી એક શૂન્યની રાય કેમ માંગે? એ ન સમજાય તેવું હતું છતાં વિરાટે હકારમાં માથું હલાવ્યું. તેની વાત સાચી હતી.
યુવાન સિપાહી ફરી વીજળીનું તોફાન આગગાડીની નજીકથી પસાર થાય તેની રાહ જોઈ ઊભો રહ્યો અને જેવુ એ તોફાન નજીક આવ્યું તેણે છોકરીનો મૃતદેહ બહાર ઉછાળ્યો અને દરવાજો બંધ કરી દીધો.
એક પળમાં વીજળીના તોફાને એ છોકરીના મૃતદેહને અંતિમસંસ્કાર આપી દીધા. એનું નાજુક શરીર બળીને રાખ થઈ ગયું. ગુરુ રતનની ઝૂંપડી પરના આક્રમણ પછી આજે વર્ષો પછી વિરાટે કોઈને મરતું જોયું હતું.
કાશ! મેં જરા વહેલી હિંમત દાખવી હોત! હું જરા વહેલો એ નિર્ભય સિપાહી સામે ઊભો થઈ શક્યો હોત તો એ તરૂણી હમણાં અમારી સાથે હોત! વિરાટે વિચાર્યું.
દરવાજો બંધ કરી યુવાન નિર્ભય વિરાટ તરફ ફર્યો, “આ લોહી સાફ કરી નાખ.” વિરાટને તેના અવાજમાં આજ્ઞા કે કરડાકી ન દેખાઈ, “એક નિર્દોષ યુવતીના લોહી પર લોકો પગ ફેરવે એ તેના પવિત્ર લોહીનું અપમાન કરવા જેવુ છે.” છેલ્લું વાક્ય સિપાહી દેવભાષામાં બોલ્યો જે સાંભળી વિરાટને ફરી નવાઈ થઈ. હજુ એ દેવભાષા શીખવાનો પ્રયાસ કરતો હતો, હજુ તો તેમની પાસે દેવભાષાના પૂરતા પુસ્તકો પણ નહોતા છતાં એ ભાષા કઈ રીતે સમજી શક્યો?
દેવભાષા.... એકાએક વિરાટને સિપાહીએ જે કહ્યું તેનો અર્થ સમજાયો... નિર્દોષ છોકરી.... પવિત્ર લોહી.... એક નિર્ભય સિપાહી એક અછૂત શૂન્ય છોકરીના લોહીને પવિત્ર કેમ કહે?
વિરાટ વિસ્મયભરી નજરે તેની સામે જોઈ રહ્યો.
તેણે એક કાપડનો ટુકડો તેના ખિસ્સામાંથી નીકાળીને આપ્યો અને તેની કમર પર કટાર પાસે લટકતી પાણીની મશક વિરાટને આપી. “દીવાલની આ તરફ ઘણું એવું છે જે તારે સમજવાનું છે. બસ ફરી આવું આંધળું સાહસ ન કરીશ.” એ ફરી દેવભાષામાં બોલ્યો હતો એટલે આખા ડબ્બામાં તેમની વચ્ચે જે વાત થાય તે કોઈને સમજાઈ નહોતી, “આજે તારી ઉતાવળને લીધે એક વફાદાર અને સાચા નિર્ભય સિપાહીએ ખુવારી વહોરવી પડી છે.”
વિરાટ કશું પૂછે એ પહેલા એ સિપાહીએ વેધક નજરે શૂન્ય લોકો તરફ જોયું અને બધા સમજે એ શૂન્યોની ભાષામાં કહ્યું, “આ આગગાડીમાં એક શૂન્ય છોકરી ડરીને મૃત્યુ પામી અને એ પછી બે નિર્ભય સિપાહીઓ અંદરો અંદર લડ્યા અને દરવાજા બહાર વીજળીના તોફાનમાં કૂદી પડ્યા એનાથી વિશેષ અહીં કશું થયું નથી કે કોઈએ એનાથી વિશેષ કશું જોયું નથી.”
યુવાન નિર્ભય કારમાં બેઠેલા શૂન્યો શું જવાબ આપે છે તેની પરવા કર્યા વિના દરવાજો ખોલી બાજુની કારમાં ચાલ્યો ગયો. વિરાટે શૂન્યોને હાથ ઊંચા કરી તેણે જે કહ્યું તેની સાથે સહમતી દર્શાવતા જોયા.
એ કાપડનો ટુકડો લઈ તળીયાના પતરા પર બાજેલા લોહી પાસે ગયો. તેની જ ઉમરની એ શૂન્ય છોકરીના લોહીથી ત્યાં લોખંડ રંગાયેલું હતું. એ નીચે નમી એ લોહી પાસે બેઠો એ સાથે જ જાણે તેને ગુગળામણ થવા લાગી. શું વાંક હતો એ બિચારીનો? કેમ એની સાથે આવું થયું? કેમકે હું નિર્ભય સિપાહીનો સામનો કરવામાં એક પળ મોડો પડ્યો. મારી કાયરતાનું પરિણામ એ નિર્દોષ છોકરીએ ભોગવ્યું.
એણે લોહીને સાફ કરવા કાપડના ટુકડાને લોહી પર મૂક્યું. કાપડ ખાસ્સું એવું લોહી સોસી ગયું પણ હવે એ ટુકડાને હાથ લગાવવો મુશ્કેલ હતો. એ તેના લોકોનું લોહી હતું. એક શૂન્ય યુવતીનું લોહી હતું. લોહી પરથી તેને ફરી યુવાન સિપાહીના શબ્દો યાદ આવ્યા... પવિત્ર લોહી....હા, એ લોહી ચોક્કસ પવિત્ર હતું.
એણે કાળજું કઠણ કરી કાપડના ટુકડા પર હાથ મૂક્યો અને એને સપાટી પર ધસ્યો. લોહીના દાગ નિકાળતા એ લોહી તેના હાથે ચોટયું. કાપડ ખાસ્સું એવું લોહીથી ભીંજાઇ ગયું હતું એટલે કાપડ આરપાર પણ લોહી તેના આંગળાને ભીંજવતું હતું. તેના નખમાં લોહી ભરાયું. તેની હથેળીની રેખાઓમાં લોહી લીટીઓ દોરી હોય તેમ ફેલાયું. એ લોહીથી હું દીવાલ પાર જઈ નવો ઇતિહાસ લખીશ એવું તેણે મનોમન નક્કી કર્યું અને આંખોમાથી બહાર દોડી આવવા મથતા આંસુને રોકતો રહ્યો.
“વિરાટ..” નીરદ ક્યારે સીટપટ્ટો છોડી તેની પાસે આવ્યા એ તેને ધ્યાનમાં જ નહોતું, “બેટા, હવે ત્યાં લોહી નથી. ક્યાં સુધી કાપડ ઘસે જઈશ?”
એ કાપડનો ટુકડો લઈ ઊભો થયો. એક નજર તેના પિતા તરફ કરી પણ શું કહેવું એ સુજયું નહીં એટલે દરવાજા પાસે જઈને ટુકડો બહાર ફેકી દીધો.
નીરદે યુવાન સિપાહીની મશક લઈ તેના હાથ ધોવડાવ્યા. એણે જોરથી બંને હથેળીઓ ઘસી પણ લોહી જાણે તેની રેખાઓમાં કાયમી માટે રહી જવા માંગતુ હોય તેમ ગયું જ નહીં. તેણે આંગળાના નખમાં ભરાયેલા લોહીને નીકળવા એક નખ નીચે બીજો નખ ફેરવ્યો પણ જાણે લોહીની છાપ ત્યાં કાયમ રહેવા માંગતી હતી. લગભગ તેના હાથ ધોવામાં આખી મશક ખાલી થઈ ગઈ પણ છતાં તેને હાથમાં હજુ લોહી દેખાતું હતું. એ લોહીની વાસ અનુભવતો હતો. તેને ખબર હતી કે હવે એ લોહી ભલે તેની હથેળી પર નથી પણ તેના મનમાં તેની છાપ કાયમ રહેવાની છે.
“વિરાટ...” નીરદે દરવાજા પાસે જઈ મશક બહાર ફેકી દીધી, “દરવાજો બંધ કરી દે.”
એને સમજાયું નહીં કે પિતાએ કેમ મશક ફેકી હશે પણ તેણે એ પૂછ્યા વગર દરવાજો બંધ કર્યો. નીરદ તેનો હાથ પકડી તેને ખુરશી પાસે દોરી ગયા. વિરાટ ખુરશીમાં બેઠો પણ હવે બકલ લગાવવા માટે સીટ પટ્ટો હતો જ નહીં. નીરદે પોતાનો સીટ પટ્ટો બાંધ્યો.
આગગાડીમાં કોઈ ઘેરું રહસ્ય આકાર લઈ રહ્યું હતું. શૂન્ય લોકો વિરાટને વારંવાર જોઈ રહ્યા હતા. તેના પિતાએ તેને કોઈ પ્રશ્નો ન કર્યા. નવાઈની વાત તો એ હતી કે તેના પિતાએ તેને નિર્ભય સિપાહી સામે જવા બદલ ઠપકો પણ ન આપ્યો. જેમ દીવાલની આ તરફ જ્ઞાની યુવકો, તેના માતા પિતા અને ગુરુ જગમાલ તેને અવતાર સમજતા હતા તેમ જ દીવાલની પેલી તરફ પણ કેટલાક લોકો તેને અવતાર સમજે છે એ નક્કી હતું. અરે, એ આગગાડીમાં પણ એવા લોકો હતા જે તેને અવતાર માનતા હતા.
પણ હું દીવાલની આ બાજુએ હજુ પહેલીવાર આવ્યો છું, મને કોઈ ઓળખે પણ કઈ રીતે? એ સવાલ સામે હું એ માનવા તૈયાર થઈ જાત કે અહીં મને કોઈ ન ઓળખે પણ જો એવું હોય તો મારા માટે કોઈ નિર્ભય સિપાહી જીવ કેમ આપે?
એ નિર્ભય સિપાહી કલાકોથી એ કાર પર નજર રાખતો હતો. વિરાટને પહેલા પણ થયું હતું કે એ કેમ આ કારમાં ઘડી ઘડી જોતો રહે છે. એ વિરાટ પર કોઈ જોખમ દેખાય તો તાત્કાલિક લડી મરવા તૈયાર હતો. પણ કેમ? જેનું નામ પણ વિરાટને ખબર ન હોય એવો નિર્ભય સિપાહી કેમ તેના માટે મરવા-મારવા અધીરો હતો?
અને નવા આવનારા નિર્ભય સિપાહી બાબતે પણ કંઈક રહસ્યમય હતું. તેના હાથમાં શું હતું? એ એના પર શું લખતો હતો? કદાચ તેની પાસે સંદેશો મોકલવાની એવી કોઈ તકનિક હશે. એ કોને સંદેશો મોકલતો હતો?
એકાએક વિરાટને યાદ આવ્યું કે તેની મદદે આવનારા નિર્ભય સિપાહીએ પહેલા સિપાહી પર હુમલો કરતાં પહેલા જય વાનરરાજ કહ્યું હતું. તેનો શું અર્થ? વાનરરાજ કોણ હશે? શું એ કોઈ ભગવાન છે? લોકો કહેતા કે નિર્ભય સિપાહીઓ લડતા પહેલા તેઓ જેને ભગવાન માને તેની જય બોલાવતા પણ એ પહેલા તેણે ક્યારેય વાનરરાજ નામના ભગવાન વિશે સાંભળ્યુ કેમ નહોતું? તેણે ધર્મસેના એવું કહ્યું હતું – એ સેના કોની હતી?
એ પછી વિરાટના વિચારો ફરી એ કમભાગી શૂન્ય છોકરી તરફ વળ્યા. કલાકો સુધી એ તેના વિશે વિચારતો રહ્યો. કેટલો ભય હતો એ આંખોમાં? તેની માને તેનો મૃતદેહ પણ નહીં મળે એ કેવો વિલાપ કરશે? શું શૂન્ય લોકો પર આવા જુલ્મ થવા જોઈએ? ના, મારે લડવાનું છે. તેણે મનોમન નક્કી કર્યું. હવે કોઈ શૂન્ય બેમોત નહીં મરે.
વિરાટ એ નિર્દોષ છોકરીના અપમૃત્યુ પર વિલાપ કરવા માંગતો હતો. તેની આંખોના પોપચાં બળવા લાગ્યા. એ મનોમન રડતો હતો પણ આસુ બહાર ન આવ્યા. એ આસું વહાવી છાતીમાં જે દાવાનળ સળગ્યો હતો તેને ઓલવી ન શકે. શું એક નિર્દોષ છોકરીને મારી નાખવી એ બહાદુરી છે? જો એને જ બહાદુરી કહેવાતી હોય તો મારે એવી બહાદુરીની કોઈ જરૂર નથી. પણ એ અધમતા વીરતા ન હોઈ શકે. વીરતા કંઈક અલગ જ છે.
જ્ઞાનના પુસ્તકોમાં વાચ્યા પ્રમાણે વીરતાનો કંઈક અલગ જ અર્થ હતો. જે કુદરતી પ્રેરણા તમને બીજા પર થતાં અન્યાય સામે લડવા તૈયાર કરે એ વીરતા છે. જ્યારે તમારો એક અવાજ કોઈને મરતું રોકી શકે પણ એ અવાજ ઉઠાવવા બદલ તમને મૃત્યુદંડ મળે તેમ હોય છતાં તમે એ અવાજ ઉઠાવો એ છે વીરતા. જ્યારે અણનમ અને અજય કહેવાતા નિર્ભય સિપાહી સામે કે તેની તલવારનો ભય પણ તમને ન્યાય તરફી બોલતા ન અટકાવી શકે તો એ છે વીરતા.
આગગાડી છેક ટર્મિનસ પહોચી ત્યાં સુધી વિરાટ હજારો વિચાર કરતો રહ્યો. બહાર શું હતું એ તરફ તેનું બિલકુલ ધ્યાન નહોતું. આગગાડીએ ટર્મિનસમાં દાખલ થતાં પહેલા ચિચિયારી નાખી. એ વિચારોના વમળ બહાર આવ્યો. હવે ફરી તેને સ્વસ્થ થવાની જરૂર હતી કેમકે તેને દીવાલની આ તરફની દરેક ચીજનું જીણવટભર્યું અવલોકન કરવાનું હતું. એણે દીવાલની આ તરફની દુનિયા સમજવાની હતી. તેને નિર્ભય સિપાહીઓ સામે લડવાનો રસ્તો શોધવાનો હતો. તેને દેવતાઓની કમજોરી જાણવાની હતી. તેને પાટનગરમાં ઘૂસવાનો કોઈ માર્ગ શોધવાનો હતો અને એ બધા માટે એ તૈયાર હતો કેમકે પાટનગરમાં જઈ એમની તકનિકનું રહસ્ય મેળવવું એ તેના લોકો માટે દીવાલ પાર જવાની પરવાનગી મેળવવા બરાબર હતું. એ તેના લોકોની મુક્તિ માટેની ટિકિટ હતી.
ક્રમશ: