Dashavatar - 2 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 2

          મહોરું પહેરેલ વ્યક્તિ ધીમે પગલે વિષ્ણુયશા તરફ આગળ વધી. વિષ્ણુયશા તેને એકીટશે જોઈ રહ્યો. એ વ્યક્તિએ એના માસ્ક જેવા જ કાળા રંગનું પાટલૂન અને શર્ટ પહેર્યા હતા. એની કમર પર બાંધેલો કપડાનો બેલ્ટ ત્રણેક ઇંચ જેટલી પહોળાઈનો અને કેસરી રંગનો હતો. ટ્યૂબલાઈટના અજવાળામાં તેના કમર પટ્ટા પર જમણી તરફ વાંકી તલવાર અને ડાબી તરફ લટકતી કટાર ઝગારા મારતી હતી. કટારના સ્થાન અને એની નાનકડી બનાવટ જોતાં અંદાજ આવી જતો હતો કે આંખના પલકારમાં એ વ્યક્તિ એને કમરપટ્ટાથી છૂટી કરી ઉપયોગમાં લઈ શકે તેમ લટકાવવામાં આવી છે. તેના એક ખભા પર ધનુષ્ય હતું જે પ્રલય પછીના સમયે શોધાયેલી નવી ધાતુમાંથી બનેલું હતું જે રબર જેમ લવચીક અને સ્ટીલ કરતાં પણ મજબૂત હતી. બીજા ખભા પર એવી જ ધાતુના બનેલા તીરનો ભાથો હતો જેમાં દરેક તીરની પાછળ કુત્રિમ રીતે તૈયાર કરાયેલા પક્ષીના પીંછા કરતાં પણ હલકા પાંખડા બેસાડેલા હતા.

          “ચતુષ્કોણના નિર્ભય સિપાહીઓને આ સ્થળ પર હુમલો કરવા આદેશ મળ્યો છે.” મહોરું પહેરેલ વ્યક્તિએ વિષ્ણુયશા નજીક આવીને કહ્યું, “એ લોકોને ખબર કઈ રીતે મળી?”

          વિષ્ણુયશા એની વધુ નજીક ગયો અને ધીમા અવાજે કહ્યું, “હું ભવિષ્યવાણી વિષે સાચો હતો.”

          “તને સો ટકા ખાતરી છે?” કાળા વસ્ત્રોધારી આદમીનો અવાજ વિચિત્ર હતો. તેના મહોરાંને લીધે એનો અવાજ ખોખરો સંભળાતો હતો.

          “સુમતિએ જે બાળકને જન્મ આપ્યો એ બાળક માતાના ગર્ભમાં ગર્ભનાળ વિના જ મોટું થયું છે.” વિષ્ણુયશાના અવાજમાં ઉત્સાહ અને ભય બંનેને લેધે હળવી ધ્રૂજારી ભળતી હતી.

          “એટલુ પૂરતું નથી..” પેલો આદમી એક પળ કશુંક વિચારીને બોલ્યો.

          “એટલુ પૂરતું નથી?” વિષ્ણુયશાનો અવાજ વધારે ધ્રૂજયો, “એને નાભી જ નથી. ગર્ભમાં બાળકે પોષણ શી રીતે મેળવ્યું? એ ગર્ભમાં હતું પણ સુમતિના શરીર સાથે કોઈ પણ જોડાણ વિના એને પોષકતત્વો કઈ રીતે મળ્યા? એના શરીરની રચના કઈ રીતે થઈ?”

          વિષ્ણુયશાના પ્રશ્ન સાંભળી મહોરાંધારીના શરીરમાંથી એક ધ્રૂજારી પસાર થઈ ગઈ. એ પ્રશ્નો સાંભળ્યા પછી એક લાંબી મિનિટ સુધી એ કશું જ ન બોલી શક્યો. આખરે એણે કહ્યું, “વી.યુ. મને હજુ વિશ્વાસ નથી થતો.”

          “વિશ્વાસ તો મને પણ નહોતો થયો.” વિષ્ણુયશાએ કહ્યું, “પણ એના શરીર પર કોઈ નસ નથી કે એની આંખો દેવતાઓ જેમ લાલ નસોથી ઘેરાયેલી નથી. અરે, એના માથા પર વાળ પણ છે.”

          મહોરાંધારીએ એક નજર તેની કાંડાં ઘડિયાળમાં કરી, “શું બાળકનો જન્મ બરાબર એકવીસ મિનિટ પહેલા થયો હતો?”

          “હા, મેં બરાબર સમય નોધ્યો છે.” વિષ્ણુયશાએ કહ્યું, “અવતાર ગુરુવારે જન્મ્યો છે, બરાબર રામ અને ક્રુષ્ણના જન્મના ચોઘડિયા મુજબ જ.” તેણે જભ્ભાના ખિસ્સામાથી એક કાગળ કાઢીને એની ઘડી ખોલી. મહોરાધારીએ કાગળમાં ડોકિયું કર્યું એટલે એ તેને સમજાવવા લાગ્યો, “રામાવતાર વખતે અવતાર પુનર્પુશમ નક્ષત્રમાં નમના દિવસે જનમ્યા હતા અને ક્રુષ્ણ અવતાર વખતે એ રોહિણી નક્ષત્રમાં આઠમના દિવસે જન્મ્યા હતા. અને ફરી એકવાર અવતાર પુનર્પુશમ નક્ષત્રમાં બારસના દિવસે અવતર્યા છે.” વિષ્ણુયશાએ કાગળને ફરી ઘડીવાળીને જભ્ભાના ખિસ્સામાં પાછો મૂક્યો, “અવતારે ફરી ભગવાન રામના નક્ષત્રમાં જન્મ લીધો છે મતલબ આ વખતે ભગવાન ક્રુષ્ણ અવતાર જેમ ધર્મયુધ્ધમાં પરોક્ષ નહીં પણ રામ અવતાર જેમ પ્રત્યક્ષ ભાગ લેવા ઇચ્છે છે.”

          “તેં સૂર્ય સિધ્ધાત તપાસ્યો?” મહોરાધારી કચાસ રાખવા માંગતો ન હતો કારણ કે ભવિષ્યનો આખોય મદાર આ બાળક ઉપર હતો.

          “હા, ખાલી સૂર્ય સિધ્ધાંત જ નહીં પણ મેં પૌલીસા સિધ્ધાંત, રોમકા સિધ્ધાંત, વશીષ્ઠા સિધ્ધાંત અને સપ્તરૂષિ પંચાગ પણ તપાસ્યું છે.” વિષ્ણુયશા પણ સમજી ગયો કે તેને હજુ શંકા છે કે કદાચ આ બાળક એ નહીં હોય તો અનર્થ થશે. પારાવાર ખુવારી થશે.

          “સત્પરૂષિ પંચાગ મુજબ...” માહોરાંધારીએ પુછ્યું.

          “એ જ  આકાશના સાત મહત્વના તારાઓ એ જ ઘટના તરફ ઈશારો કરી રહ્યા છે.”

          હવે મહોરાધારી પાસે પૂછવા માટે કશું બચ્યું નહોતું, “શું હું...?” તેના અવાજમાં ભયની થર્રાટી હતી, “શું હું બાળકને જોઈ શકું?”

          વિષ્ણુયશાએ એક પળના પણ વિલંબ વિના જવાબ આપ્યો, “કેમ નહીં? આ તરફ આવ....” કહી એ મહોરાંધારીને હોસ્પિટલના એક રૂમમાં દોરી ગયો, “તું જ તો છો જેને બાળકને જોવાનો હક્ક છે. તું બાળકનો રક્ષક છો.”

          વિષ્ણુયશના છેલ્લા વાક્યમાં હજારો મણનું વજન હતું જે તેની પીઠ પર પહોંચી ગયું. એ ડઘાઈ ગયો, “હું બાળકનો રક્ષક...” તેણે માનસિક તણાવ હળવો કરવા રૂમનું અવલોકન કરવા માંડ્યુ.

          વિષ્ણુયશા તેને જે રૂમમાં લઈ આવ્યો એ ખૂબ વિશાળ પણ ખાસ કોઈ આધુનિક સુવિધાઓ વગરનો હતો. રૂમની દીવાલો એક સમયે સફેદ રંગે રંગવામાં આવી હશે એવો ખ્યાલ આવતો હતો પણ સમયની સાથે રંગ આછો પડી ગયો હતો અને હવામાં ઊડતી રણની રેતીએ રંગ પર કાયમી અસર કરી હોય તેમ રંગ ધુળીયો અને ફિક્કો પડી ગયો હતો. બારીઓ પર લટકતા પરદા સિવાય રૂમમાં કોઈ શણગાર નહોતો. છતમાં લગાવેલા એલ.ઇ.ડી. બલ્બ રૂમને ઉજાસ આપવા પૂરતા નહોતા કારણ અજવાળું સાવ ઝાંખું રેલાતું હતું. રૂમમાં ધ્યાન દોરે તેવી એકમાત્ર ચીજ હતી હોસ્પિટલ બેડ.

          રૂમના મધ્યમાં હોસ્પિટલ બેડ એકાદ ફૂટ ઊંચાઈનો હતો. બેડની ફ્રેમ પાઇપોનો રંગ ઠેક ઠેકાણેથી ઉખડી ગયો હતો. જ્યાંથી રંગ ઊડી ગયો હતો એ ભાગો પર કથ્થઇ કાટે પોતાનો કબજો જમાવી લીધો હતો. બેડ પર ચારેક ઇંચ જાડી ગાદી પર લીલી ચાદર પાથરેલી હતી.

          મહોરાધારી આદમીની આંખો બેડને બદલે તેના પર સૂતેલી સ્ત્રી પર સ્થિર થઈ. એ સ્ત્રી બેભાન અવસ્થામાં સૂતી હતી અને બાજુના ઇલેક્ટ્રીક મશીન સાથે જોડાયેલી કેટલીક પાઇપો તેના નાક અને મોમાં દાખલ કેરેલી હતી. દૈવીયંત્ર તેના શરીરની જીણામાં જીણી વિગત નોધતું હતું.

          મહોરાંધારીએ ઇલેક્ટ્રીક મશીન સાથે જોડેલા દૈવીયંત્ર પર નજર કરી. એની આંખો યંત્રની સ્ક્રીન પરની વિગતો વાંચવા ઝીણી થઈ કેમકે રૂમનો પ્રકાશ ઝાંખો હતો અને એની આંખોમાં દેવતાઓ જેમ નાઈટ વિઝન દાખલ કરાયેલા નહોતા.

          નામ : સુમતિ

          સ્થિતિ : અનકોન્સિયસ (બેભાન)

          દાખલ કર્યાનો સમય : 6:30

          દાખલ કરવાનું કારણ : પ્રેગનન્સી

          ડાયેગ્નોસિસ : સર્જરી જરૂરી

          ડ્યુરેશન : અચોક્કસ

          તેણે ફરી એક નજર બેભાન અવસ્થામાં સૂતી સુમતિ પર કરી. તેના માનસપટલ પર સુમતિએ તેના પરિવાર પર કરેલા ઉપકારોના ચિત્રો ઉપસી આવ્યા. જે સમયે તેના પોતાના લોકો એની મદદ કરવા તૈયાર નહોતા એ સમયે સુમતિ અને વિષ્ણુયશાએ તેને પાટનગર રાજનીતિના મોટા સંકટમાથી બચાવ્યો હતો. કદાચ સુમતિએ મદદ ન કરી હોત તો તેનું અસ્તિત્વ તો ક્યારનુંય નામશેષ થઈ ગયું હોત.

          “આ લાગણીઓમાં તણાવાનો સમય નથી.” વિષ્ણુયશાએ તેની મનોવ્યથા સમજી લીધી હતી, “તું આ બાળકનો રક્ષક છે.”

          “હું એ ફરજ નિભાવી શકીશ?” એ જાણતો હતો કે અવતારના રક્ષક બનવું એ કોઈ સમાન્ય કામ નથી.

          વિષ્ણુયશા તેની નજીક ગયો અને તેના ખભા પર હાથ મૂક્યો, “મારી મુલાકાત આજ સુધી જેટલા નિર્ભય સિપાહીઓથી થઈ છે એ બધામાં તું સૌથી બહાદુર છો. મેં તને સ્ટેશન પર એક સમાન્ય શૂન્ય યુવતીને બીજા સિપાહીઓને જાણ ન થાય એ રીતે મદદ કરતાં જોયો ત્યારથી મને ખાતરી થઈ ગઈ હતી કે તું બીજા નિર્ભય સિપાહીઓ જેમ નિર્દય નથી પણ માત્ર અને માત્ર નિર્ભય છો. સૌથી મહત્વની બાબત એ છે કે તું જ એક એવો મિત્ર છે જેને ભરોષે હું મારો દીકરો મૂકી શકું.”

          “પણ કદાચ હું એની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો તો?” એ વિટંબણામાં હતો.

          “શું તેં નથી સાંભળ્યુ કે ધર્મો રક્ષતિ રક્ષિતા........” વિષ્ણુયશાએ મક્કમતાથી કહ્યું, “તું અવતારનો રક્ષક છે એટલે કે તું આ ઘોર કળિયુગમાં ધર્મનો રક્ષક છે અને ધર્મ હંમેશાં એના રક્ષકની રક્ષા કરે છે. મને વિશ્વાસ છે તું તારા કામમાં વિજયી બનીશ.”

          મહોરાધારી ઘડીભર અસિમ વિશ્વાસથી બોલાયેલા શબ્દોને સાંભળી રહ્યો. તેણે વધુ દલીલ ન કરી પણ તેની આંખોમાં સ્પષ્ટ દેખાતા ભયને કળી જતાં વિષ્ણુયશા કંઈક કહેવા જતો હતો ત્યાં જ રૂમમાં બીજી મહોરાધારી વ્યક્તિ દાખલ થઈ.

“નિર્ભય સિપાહીઓનો કાફલો સંભલામાં દાખલ થવાની તૈયારીમાં છે.” આવનારા મહોરાધારીએ કહ્યું, “આપણી પાસે વધુ સમય નથી.”

“નિર્ભય સિપાહીઓને વાનરરાજ અને તેની સેના સંભાળી લેશે.” વિષ્ણુએ કહ્યું, “એમની ફિકર નથી બસ મને દેવતાઓના આક્રમણનો ભય છે.”

          વાનરરાજ અને તેની સેના એ ધર્મયુધ્ધમાં તેમની સાથે છે એવું સાંભળતા જ મહોરાધારીને રાહત થઈ. એની આંખોમાંથી ભય ઓગળી ગયો. વાનર એ હિયમાલયની પહાડીઓમાં રહેતી માનવની જ એક જાત હતી પણ એમના આખા શરીર પર સોનેરી રૂવાટી હતી અને એમના મોં પણ વાનરની જેમ ફુલાયેલા હતા. તેમનો શારીરિક બાંધો સામાન્ય માણસો કરતાં અનેક ગણો મજબૂત હતો અને એમની શારીરિક શક્તિ એક નિર્ભય સિપાહી કરતાં દસ ગણી વધારે હતી. પ્રલયની શરૂઆતના સમયે આ જાતિને માણસ અને હિયમાલયના સોનેરી વાંદરાનો ડી.એન.એ. મિશ્રિત કરી જેનેટિક એંજિનિયરિંગની સૌથી આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યા હતા. એ ભયાનક લડવૈયા હતા. એ ખૂંખાર યોદ્ધા હતા.

          કારુ છેકથી ભગવાન બનવાની મનોકામના રાખતો હતો. તેની ભગવાન બનવાની લાલચ રાવણના અહંકાર કરતાં પ્રચંડ હતી એટલે તેણે સંસ્કૃત સાહિત્યમાં સાચવેલા છુપા દરેક રહસ્યોને ઉકેલી લીધા હતા અને ભગવાન રામ પાસે જેવી વાનર સેના હતી તેવી વાનર સેના પોતાના માટે તૈયાર કરવાની ઘેલછામાં માનવ અને વાનરના મિશ્રણથી એક નવી જ પ્રજાતિ બનાવવા અનેક પ્રયોગો કર્યા હતા. કારુએ પોતે જ એ નવી જાતીને જન્મ આપ્યો હતો કેમકે તેની વિરુધ્ધ ચાલતા બળવાને રોકવા માટે એને અસિમ તાકતવર સિપાહીઓની જરૂર હતી. પણ હજારો અર્ધ-માનવ અર્ધ-વાનર સિપાહીઓની ફોજ તૈયાર કરી જ્યારે યુધ્ધ માટે મોકલવામાં આવી કારુને નિષ્ફળતા મળી. પ્રલય પહેલા કારુએ રોબોટ સિપાહીઓની ફોજને બળવાખોરોની સેના સામે લડવા મોકલી હતી પરંતુ રોબોટિક મર્યાદાઓને લીધે એ મિશન નિષ્ફળ રહ્યું હતું. એ ફોજની રોબોટિક ખામીઓ તો વાનરસેનાની ફોજમાંથી દૂર થઈ ગઈ કેમકે વાનરસેના એ માનવ અને વાનરનું મિશ્રણ હતી. તેઓ રોબોટિક સિપાહીઓ જેમ સ્ટીલ અને રબરના બનેલા લાગણીહિન પૂતળા નહોતા. એમનામાં પોતાની બુધ્ધિ, પોતાની વિચારશક્તિ અને માનવ લાગણીઓ હતી. એટલે જ જ્યારે તેમને આખા દેશમાં ચાલતા ગૃહયુધ્ધ અને બળવાઓને દબાવવા મોકલવામાં આવ્યા તેઓ કારુના પક્ષે લડવાને બદલે લોકોને સમજવા લાગ્યા. લોકોની ભાવના, એમની કરૂણ સ્થિતિ અને સૌથી વિશેષ માનવ પ્રેમ, બાળકોને કારુના હવાઈ હુમલામાં મરતા જોયા પછી વાનરસેનાના સેનાનાયક વાનરરાજે કારુ વિરુધ્ધ જઈને માનવ બળવાખોરો સાથે સંધિ કરી લીધી. વાનરસેનાના સિપાહીઓ વાનરના ડી.એન.એ.થી બનાવેલા હતા એટલે પ્રલય પછી તેઓ હિમાલયની ઊંડી પહાડીઓમાં ચાલ્યા ગયા જ્યાં કારુના નિર્ભય સિપાહીઓ માટે પહોંચવું અશક્ય હતું. પ્રલયથી લઈને આજ સુધી છેલ્લા પાંચસો વર્ષથી વાનરસેના કારુના ક્રૂર શાસનને ઊથલાવી નાખવા લડતી હતી.

          પાટનગર, ચતુષ્કોણ અને વર્તુળના વિસ્તારમાં રહેતા નિર્ભય સિપાહીઓ, સમાન્ય લોકોથી લઈને દેવતાઓ સુધીમાં વાનરસેનાને લઈને વિવિધ અફવાઓ અને ભય ફેલાયેલો હતો. કેટલાક લોકો એમ માનતા કે તેઓ યેતી છે તો કેટલાક લોકો તેમને ખૂંખાર હિમમાનવ સમજતા. કેટલાક લોકો એમ પણ માનતા કે પ્રલય પહેલા એ જ સાચા દેવતાઓ હતા. એમને કારુએ પદભ્રસ્ટ કર્યા હતા એટલે આજ સુધી કારુ સામે લડી રહ્યા છે. પાટનગરમાં હજુ પણ કેટલાક લોકો તેમને દેવતાઓ માની તેમની તરફેણમાં હતા અને નિર્ભય સિપાહીઓની તલવારનો ભય પણ એમને વાનરરાજ માટે જાસૂસી કરતાં રોકી શકતો નહોતો. એ બહાદુર વાનર સિપાહીઓ અને પાટનગરમાં છુપાયેલા એમના ખાસ વફાદાર જાસૂસો અવતારની રક્ષા કરવા મદદ કરવા માટે ઉત્સુક હતા એ જાણીને તેને રાહત થઈ એ કોઈ નવાઈની વાત નહોતી.

          “વિષ્ણુ...” સુરક્ષા બાબતે રાહત થતાં એણે પુછ્યું, “તેં બાળકના શરીર પર દરેક નિશાનીઓ તપાસી?”

          “હા, એના શરીર પર એ દરેક નિશાનીઓ છે જે એના અવતાર હોવાની ખાતરી આપે છે. તેના જમણા ઘૂંટણ પર પધ્મની નિશાની છે.” વિષ્ણુયશાએ કહ્યું, “તેની જમણી હથેળીમાં ચંદ્રચક્ર અને ડાબી હથેળીમાં સૂર્યમંડળ છે. ચંદ્રચક્રનો સીધો અર્થ છે કે આ બાળક જ પાટનગરના મધ્યમાં અધર્મના મંદિરની આસપાસ રચેલા ચક્રવ્યૂહને તોડી શકશે. આ બાળક જ આ જૂઠઠા મંદિર અને બનાવટી ભગવાનનો અંત કરવા માટે જન્મ્યો છે.”

          મહોરાધારી ઘોડિયા નજીક ગયો. ઘોડિયું બેડની જમણી તરફ દિવ્યયંત્રની બરાબર સામેના ભાગે ગોઠવેલું હતું. તેના પાયા ચાંદી જેવી ચમકતી ધાતુના હતા અને કાપડ પર રેશમની ભાતથી મોર અને પોપટ જેવા સુંદર પક્ષીઓ કે જે પ્રલયની આફટર ઇફેક્ટમાં નાશ પામ્યા હતા એમના ચિત્રો ભરતકામથી બનાવેલા હતા. ઘોડિયાના ઉપરના આડા કોતરણી કામ કરેલા લાકડા પર પ્લાસ્ટિકનો રમકડાનો પોપટ કાળી દોરીથી લટકાવેલો હતો. ઘોડિયામાં સૂતા બાળકની આંખો એ પોપટ પર સ્થિર હતી. તેના ધ્યાન બહાર એ ગયું નહીં. પોપટ (શુક) એ અવતારનું વાહન છે એ વાત એ બરાબર જાણતો હતો.

          બીજો મહોરાધારી હજુ દરવાજા પાસે જ ઊભો હતો. એ ઘોડિયાની નજીક તો સરયો પણ હજુ વિટંબણામાં હતો. શું મારે આ ચમત્કારિ બાળકને જોવું જોઈએ કે નહીં? શું હું એટલો પવિત્ર છુ કે અવતાર જેવા પવિત્ર બાળક તરફ જોઈ શકું? એ પોતાની જાત સાથે સંઘર્ષ કરતો હતો. આ બાળક જ ઈશ્વર છે. એ પરમ પવિત્ર છે અને હું કશું ખાસ નહીં પણ કારુ વિરુધ્ધ બળવામાં ભાગ આપતો એક મામૂલી બાગી નિર્ભય સિપાહી છું. તેના વિચારો તેને બાળક તરફ આંખ માંડતા રોકી રહ્યા હતા પણ તેનું હ્રદય અવતારના દર્શન કરવા અધીરું બન્યું હતું.

          સો સિપાહીઓની ફોજ સામે એકલા હાથે લડી લેતા જેના હ્રદયના ધબકારમાં લેશ માત્ર વધારો ન થાય એ નિર્ભય સિપાહીઓમાં ખાસ એવો એ રક્ષક અવતાર તરફ નજર કરતાં પણ ડરતો હતો. તેની આંખો રૂમની આ તે વસ્તુઓ પર આમતેમ ફરતી રહી.

          ઘોડિયાના પાછળના ભાગે દીવાલ પર ટી.વી. સ્ટેન્ડ પર ફિટ હતું જેની સ્ક્રીન પર પાટનગરની લોકલ ન્યૂજ ચેનલ ચાલુ હતી. માથામાં એક પણ વાળ વિનાની મહિલા રિપોર્ટર કારુની ઉદારતાના વખાણ કરતી હતી. સ્ક્રીન પર થોડી થોડીવારે કારુની ખાસ ઈજનેરોની ટુકડી કેટલી ઝડપથી અને કેટલા ખર્ચે પ્રલયમાં તબાહ થયેલા શહેરોનું સમારકામ કરી રહી છે એ હેડલાઇનમાં બતાવતું હતું. સ્ક્રીનમાં નીચેની પટ્ટીમાં હિમાલય તરફની દીવાલની પેલે પાર રહેતા રાક્ષસી વાનરોએ દીવાલ પાર કરવાનો પ્રયત્ન કર્યો જેમાં સોળ નિર્ભય સિપાહીઓ શહીદ થયા અને ત્રણ વાનર ઘૂસણખોર માર્યા ગયાના સમાચાર હતા. ટીવીની ડાબી તરફની ભીત પર એક બારી હતી જેના પરદા રણની ઠંડી હવામાં ફરફરતા હતા. રૂમનો બાકીનો ભાગ જાણે પ્રલય ગઈ કાલે જ થયો હોય એવી તબાહી અને ખાલીપો દર્શાવતો હતો.

          આખરે તેણે હિંમત એકઠી કરી ઘોડિયામાં નજર કરી. એક પળમાં એ પોતે પ્રલયમાં તબાહ થયેલી દુનિયામાં જીવે છે એ બાબત જાણે ભૂલી જ ગયો. એણે અનુભવ્યું જાણે એ સ્વર્ગમાં હોય. એની આંખો સામે અવતાર બાળક સ્વરૂપે હતો. એ આ પળને અમૃતની જેમ પી લેવા ઇચ્છતો હતો અને છતાં એ અમૃત સમાન દૃશ્યથી એ ક્યારેય નહીં ધરાય એવું તેને લાગ્યું. બાળકની આંખો તેણે કલ્પના કરી હતી એના કરતાં પણ વધુ દિવ્ય અને ઓજસમય હતી. અવતારના હાથ કોમળ હતા. બાળકનું આખું શરીર દિવ્યતાથી ઓપતું હતું.

          ‘જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું અવતારની રક્ષા કરીશ...’ તેણે મનોમન પ્રતિજ્ઞા કરી, “મારુ સર્વસ્વ વિષ્ણુના દશમાં અવતારની સેવામાં હું અર્પિત કરું છું.’

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED