Dashavatar - 22 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 22

          “હું તને દીવાલની પેલી પારના નિયમો સમજાવું છું અને તું મને સાંભળતો પણ નથી.” નીરદે જરા નારાજ થઈ કહ્યું, “વિરાટ, આ આપણી દુનિયા નથી..”

          “ખબર છે.” તેણે કહ્યું, “આ શું છે?” બારી બહાર દેખાતા એક વિશાળ બાંધકામ સામે આંખો માંડી તેણે પુછ્યું. એ રાક્ષસી કદના પથ્થરો ગોઠવી બનાવેલ ચણતર હતું. તેના એક એક પિલર તેમની ઝૂંપડી કરતાં પહોળા હતા.

          “એ સેતુ છે.” નિરદે કહ્યું, “આવા સેતુ બનાવતા સો વર્ષ થઈ જતાં અને એ માટે હજારો મજૂરોની જરૂર પડતી.”

          વિરાટ સેતુને જોતો રહ્યો. તે એકસરખા કદના ચોરસ પથ્થરોનો બનેલો હતો. જોકે હવે એ પથ્થરના મહાકાય બ્લોક ઠેક ઠેકાણેથી તૂટી ગયા હતા એટલે સેતુ જર્જરિત હતો. તેના પર કરોળિયાના જાળાં જેવી તિરાડોની ભાત રચાઈ હતી અને એ તિરાડોમાં રેતી ભરાઈ વિચિત્ર નકશી પડી હોય તેવું લાગતું હતું. એ બાંધકામ પ્રલય પહેલા કેવું ભવ્ય હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.

          “લોકો પ્રલય પહેલા સેતુ કેમ બાંધતા હશે?” વિરાટે પૂછ્યું. એ હજુ સેતુને જ જોતો હતો. તેના પર ઠેક ઠેકાણે અલગ અલગ ચિત્રો દોરેલા હતા અને અલગ અલગ રંગોનો ઉપયોગ થયો હતો. એ રંગો શૂન્યો વનસ્પતિના રંગો બનાવે તેવા નહોતા. એકાએક વિરાટની નવાઈનો પાર ન રહ્યો કેમકે તેને સેતુના એક જર્જરિત પથ્થર પર અવતાર લખેલું વંચાયું. એ ચમકતાં રૂપેરી રંગથી લખેલું હતું અને એટલા મોટા અક્ષરે લખેલું હતું કે તેને એટલે દૂરથી પણ સ્પષ્ટ દેખાતું હતું.

          “એ ટ્રાફિકના નિયંત્રણ માટે હતા.” નીરદના જવાબે વિરાટને રૂપેરી રંગે કોઈએ અવતાર કેમ લખ્યું હશે અને તેને ગુરુ જગમાલ અવતાર કેમ કહેતા એ વિચારોમાંથી બહાર લાવ્યો.

          “ટ્રાફિક?” તેણે પૂછ્યું. તેને એ શબ્દ નવો અને વિચિત્ર લાગ્યો. દીવાલની પેલી તરફ તેણે ક્યારેય એ શબ્દ સાંભળ્યો નહોતો.

          “ટ્રાફિક મતલબ માનવ મેદની અથવા વાહનોની ભીડ.” નીરદ સેતુ તરફ જોતા હતા, “એ સમયે હજારો લોકોની ભીડ રસ્તાઓ પર જોવા મળતી અને કાર તથા મોટરસાઇકલો તો ગણી પણ ન શકાય તેટલી સંખ્યામાં હતા.”

          “આટલા બધા લોકો?” વિરાટને નવાઈ થઈ.

          “હા, એ સમયે કરોડો લોકો હતા પણ પ્રલય એ બધાને ગળી ગયો.” નીરદે ઊંડો નિશ્વાસ નાખ્યો.

          “કરોડો માણસો.” વિરાટને વિશ્વાસ ન થયો, “એ કઈ રીતે હોઈ શકે?”

          “હા, એ સમયે કરોડો માણસો હતા.”

          “તમને કેમ ખબર.”

          “મને તારા દાદાજી અને એમને એમના દાદાજીએ કહ્યું હતું.”

          વિરાટે વધુ કશું ન પુછ્યું. એ બારી બહાર જોવા લાગ્યો.

          અડધા કલાક પછી આગગાડી રેતના એ સમુદ્રને પાછળ છોડી જાણે સાક્ષાત નરકમાં દાખલ થઈ. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બળેલા ઝાડના ઠૂંઠા ઊભા હતા. આખો વિસ્તાર જાણે કોઈએ સળગાવી માર્યો હતો. મોટાભાગની ઇમારતો પણ બળીને ભડથું થયેલી હતી. આગગાડીની આસપાસ જાણે કોલસાની દુનિયા હોય તેમ દરેક ચીજ કાળી પડેલી હતી. ભાતભાતના આકારોવાળા બાંધકામ જેમને શું કહેવા તે વિરાટને ખબર નહોતી એ બધા કાળાપૂતળા જેવા દેખાતા હતા.

          વૃક્ષો પણ જાણે કોલસાના બન્યા હતા. લગભગ ત્રીજા ભાગના ઝાડને બદલે તો બળેલા થડિયા જ ઊભા હતા. કોઈ કોઈ ભાગ્યશાળી ઝાડની ડાળીઓ હજુ સલામત હતી. બાકી પાંદડા કોઈના પર નહોતા. એ બધા બળેલા ઝાડ હતા.

          શું લોકો સાચા હતા કે પ્રલય પહેલા એક સમયે સૂરજ ધરતી પર આવ્યો હતો? ના, એ અશક્ય હતું. સૂરજ તો ધરતીથી લાખો કિલોમીટર દૂર છે એવું તેણે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું હતું તો એ કઈ રીતે ધરતી પર આવી શકે?

          હજુ આગગાડી હવાઈ માર્ગ પર જ દોડતી હતી.

          “પિતાજી,” વિરાટે કહ્યું, “હું તમને કંઈક પૂછી શકું?”

          “હા, પ્રલયની તબાહી જોતાં સમયે અનુભવી શૂન્યને સમજાવવાની પરવાનગી મળી છે.” નીરદે કહ્યું, “દીવાલની આ તરફ પહેલીવાર આવતા યુવકોએ પ્રલય અને તેની તબાહી વિશે જાણવું જોઈએ એ નિયમ છે.”

          વિરાટને તેની એ નિયમની સમજૂતી પર અણગમો થયો પણ તેણે જે પૂછવું હતું એ પુછ્યું, “શું આપણે પણ આ લોકો જેમ એક દિવસ રાખમાં ભળી જઈશું?”

          નીરદ ઘડીભર તેને જોઈ રહ્યા, “હા, પણ અત્યારે નહીં.”

          “કઈ રીતે?”

          “કેમકે પ્રલય હજુ ગયો જ નથી.” તેણે કહ્યું, “એ માનવો સાથે માત્ર સંતાકૂકડી રમી રહ્યો છે.”

          “એટલે જ વારંવાર ભૂકંપો આવે છે.” વિરાટે કહ્યું.

          “હા, એ ભૂકંપ આપણને યાદ અપાવવા આવે છે કે હવે તો ભૂલો કરવાનું બંધ કરો.”

          એને અહીં ફરી નીરદની સમજૂતી ન ગમી. કેમ પ્રલય માત્ર શૂન્ય લોકોને જ યાદ કરાવવા આવતો હશે? કેમ નિર્ભય સિપાહી બેફામ હત્યાઓ કરતાં ફરે તેનાથી પ્રલયને કઈ વાંધો નથી? કેમ દેવતાઓના અન્યાયી કાયદાઓથી પ્રલયને ગુસ્સો નથી આવતો? તેમણે પણ નિયમો માનવા જોઈએ ને? કેમ બધા નિયમો અને કાયદાઓ માત્ર શૂન્ય લોકોને જ લાગુ પડે છે?

          “આપણને ખબર છે કે પ્રલય હજુ સંતાકૂકડી રમે છે તો આપણે તેનાથી બચવા કઈ કરતાં કેમ નથી?”

          “કોઈ કશું ન કરી શકે.” નીરદે ઉદાસ અવાજે કહ્યું, “પ્રલય એ આપણાં પાપની આપણને મળેલી સજા છે. કોઈ પોતાના કર્મનું ફળ સ્વીકારવાની ના ન કહી શકે.” તેણે આંખો જીણી કરી પુછ્યું, “દીવાલની પેલી તરફ તેં કર્મ વિશે નથી સાંભળ્યુ?”

          “મેં સાંભળ્યુ છે.” તેણે જવાબ આપ્યો, “દેવતાઓ અન્યાયી નથી કે તેઓ દયા વગરના પણ નથી. બસ આતો શૂન્ય લોકોના કર્મ છે જેના ફળરૂપે તેમને દુખ દર્દ ભોગવવા પડે છે.” વિરાટ જરા હસ્યો, “શું બધુ કર્મ પર જ આધાર રાખે છે?”

           “હા..” નીરદે એ જ ગંભીર અવાજે જવાબ આપ્યો, “દીવાલની આ તરફ દેવતાઓ કહે છે કે સાચી પીડા જ સાચી શાંતિ લાવે છે. આપણે પીડા સહન કરવાથી પાછા પડવું જોઈએ નહીં. એક મા પ્રસૂતિની પીડા સહન કર્યા વિના બાળકને જન્મ આપી શકે? આપણે બધા જ એ માની જેમ પીડા સાથે અતૂટ તાંતણે બંધાયેલા છીએ. આપણે પીડાથી છુપાઈ ન શકીએ. તમારું જે કર્મ છે તે અચૂક કરવું જ પડે છે અને એ કર્મનું ભગવાન જે ફળ આપે તે ભોગવવું જ પડે છે. એનાથી છટકી શકાતું નથી.”

           નીરદનું લાંબુ ભાષણ સાંભળતી વખતે મનમાં ઉઠેલો સવાલ તેણે પુછ્યો, “પણ એ કોશિશ કરી રહ્યા છે. દીવાલની પેલી તરફ તેઓ એવા શહેરો બનાવે છે જે પ્રલયથી બચાવી શકે. એ લોકો તો ભગવાને આપેલી કર્મની સજાથી બચવાનો પ્રયત્ન કરે છે.”

          “કોઈ પ્રલય સામે ન લડી શકે મતલબ કોઈ માનવ તેની સામે ન લડી શકે.” નીરદે વિરાટ નાદાન હોય અને એ સામાન્ય વાત પણ સમજતો ન હોય તેમ ઠપકા ભરી નજરે તેની તરફ જોયું, “આ શહેરોનું સમારકામ તો પાટનગરમાં રહેતા સાક્ષાત ભગવાનની મરજીથી થાય છે.”

          એને હું ભગવાન માનવાથી ઇનકાર કરું છુ. વિરાટ મનમાં બબડ્યો. શૂન્ય લોકો એટલા ભીરુ હતા કે કારુ કહેવાને બદલે તેઓ ભગવાન શબ્દ વાપરતા. એવા રાક્ષસ માટે ભગવાન શબ્દ વાપરાય એ વિરાટને ન ગમતું.

          નીરદના અવાજે તેને વિચારો બહાર લાવ્યો, “આ જળબંધ છે.”

          “જળબંધ શેના માટે?”

          “જળબંધ નદીના પાણીને રોકીને એક નાનકડો સમુદ્ર રચે છે.” તેણે નાનકડો સમુદ્ર શબ્દ વાપર્યો કેમકે તેણે એમ વિચાર્યું કે વિરાટ તળાવનો અર્થ નહીં સમજે પણ વિરાટે જ્ઞાનના પુસ્તકોમાં તળાવ શબ્દ વાંચ્યો હતો. એ તળાવનો અર્થ જાણતો હતો.

          “કોઈ રણમાં જળબંધ કેમ બનાવે?”

          “પ્રલય પહેલા અહીં રણ નહોતું. અહી શહેર હતા. આ બહુમાળી ઇમારતોમાં લાખો લોકો રહેતા.”

          વિરાટે એક શહેર, તેમાં હજારો ઇમારતો અને એમાં વસતા લાખો લોકોની કલ્પના કરી. રસ્તા પર લોકોની ભીડ, કેટલાક રસ્તાની બાજુમાં બનાવેલી પગદંડી પર ચાલતા લોકો, રસ્તાની બંને બાજુ રમતા બાળકો, ઇમારતોના આગળને ભાગે ભેગા મળી વાતો કરતી સ્ત્રીઓ, ઇમારતોની છત પર છાને છાને મળતા પ્રેમીઓ..... પણ એ કલ્પનાચિત્ર એક પળમાં ધૂંધળું થઈ વિખેરાઈ ગયું અને હવામાં ઊડતી ધૂળમાં ભળી ગયું. વિરાટને ફરી શ્વાસમાં એ જ રણની ખારાશ અને એકલતાની કડવાશ અનુભવાઈ. હવે દુનિયામાં એ સિવાઈ કઈ બચ્યું પણ ક્યાં હતું?

          “કેમ અહીં બધુ બળીને રાખ થયેલું છે?” તેણે પુછ્યું.

          “સૂર્ય શહેરને ગળી જવા ધરતી પર આવ્યો હતો.” એ કહેતા નીરદ ધ્રૂજવા માંડ્યા હતા, “કોઈ બીજા શહેરમાં રહેતા શક્તિશાળી દેવતાએ સૂરજને ધરતી પર બોલાવ્યો હતો. એ દેવતા પાસે પ્રચંડ જાદુઇ શક્તિ હતી.”

          “પછી?” વિરાટને જાદુઇ શક્તિમાં વિશ્વાસ નહોતો છતાં તેણે પુછ્યું.

          “સૂર્યએ ધરતી પર આવી આ શહેરને રાખ કરી નાખ્યું. બધુ સળગી ગયું પણ એ પહેલા એ શહેરમાં વસતા એક દેવતાએ આકાશમાથી બીજા સૂરજને નીચે બોલાવ્યો અને જે દેવતાએ એમના શહેરનો નાશ કરાવ્યો હતો એ દેવતાના શહેરનો નાશ કરાવ્યો. તેણે બોલાવેલા બીજા સૂરજે તેના માટે બદલો લીધો.”

          “બે સૂર્ય?” વિરાટે પુછ્યું, “પણ આકાશમાં તો એક જ સૂર્ય હોય છે?”

          “પ્રલય સમયે આકાશમાં એક સાથે બાર બાર સૂર્ય દેખાયા હતા.” નીરદે કહ્યું, “મારા દાદાજી કહેતા કે એવા સૂર્યને બોલાવવા માટે પરમાણુમથક નામના મંદિરોમાં અતિ મૂલ્યવાન અને અતિસૂક્ષ્મ એવા કોઈ અણુઓ સૂર્યને ધરવા પડતાં. એવા મંદિરો અને અણુઓ અમુક દેવતાઓ પાસે જ હોય છે.”

          વિરાટને એ સમજાયું નહીં. એવા અણુ, એવા પરમાણુ મંદિરો અને કોઈ સૂર્યને ધરતી પર બોલાવે એ બધુ ન સમજાય તેવું હતું. એણે વધુ કઈ ન પુછ્યું કેમકે એ જાણતો હતો કે તેના લોકો પાસે જે માહિતી હતી તે અધૂરી હતી. એમાં અફવાઓ ભળેલી હતી. જો તેને ખરેખર પ્રલય સમયે શું થયું હતું તે જાણવું હોય તો જ્ઞાનના એવા પુસ્તકો જોઈએ જેમાં પ્રલય વિશે લખેલું હોય અને કોણ જાણે કેમ પણ તેને ખાતરી હતી કે પ્રલયના રહસ્યોનું પુસ્તક પાટનગરના એ મંદિરમાં જ હશે.

          પણ ત્યાથી એ પુસ્તક કઈ રીતે લાવવું એ અધરો પ્રશ્ન હતો. કદાચ લોક તરીકે ઓળખાતી પ્રજા મદદ કરે? અશક્ય. નીરદના માનવા મુજબ એ પ્રજા પણ શૂન્ય પ્રજા જેમ જ ડરપોક અને ભીરુ હતું. એ મદદ ન કરી શકે.

          આગગાડી ફરી રેગિસ્તાનમાં પ્રવેશી ત્યાં સુધી વિરાટ પાટનગરમાં કઈ રીતે દાખલ થવું એ વિશે વિચારતો રહ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. આખરે થાકી એ બારી બહાર જોવા લાગ્યો. હવે બહાર કોલસાની દુનિયાને બદલે સોનેરી રેતીના ઢગલા હતા. અહીં ઇમારતો આગગાડીના પાટાની એકદમ નજીક હતી જાણે એ ઇમારતો વચ્ચે જે રસ્તાઓ હતા તેના પર જ આગગાડીના પાટા ગોઠવી નાખવામાં આવ્યા હતા. તબાહીએ હવે માજા મૂકી દીધી હતી. અહીંની ઇમારતોમાં એવડા મોટા ગાબડાં હતા કે તે શેનાથી પડ્યા હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. એ બધુ જોઈ તેને વિચિત્ર સંવેદના થતી હતી.

          “હવે તોફાનનો વિસ્તાર શરૂ થાય છે.” કારનો દરવાજો ખૂલ્યો અને ચોકીદાર નિર્ભય સિપાહી અંદર દાખલ થયો. તેણે જે કહ્યું એ વિરાટે સાંભળ્યુ પણ એ શબ્દોનો અર્થ વિરાટને સમજાયો નહીં. તેણે નીરદ સામે નજર કરી.

          “હવે બહાદુર બનવાનો સમય છે.” નીરદે કહ્યું, “ગમે તે થાય જો બૂમ બરાડા કરીશ તો આગગાડીમાં અવ્યવસ્થા ન ફેલાય એ માંટે નિર્ભય સિપાહી તને બહાર ફેંકી દેશે.”

          “તોફાનના વિસ્તારમાં એવું તો શું છે.” વિરાટે પુછ્યું.

          “એ વિસ્તારમાં તોફાનો વસે છે એટલે તો એને તોફાનનો વિસ્તાર કહે છે.”

          “તો એમાં ડરવા જેવુ શું છે.” વિરાટને નવાઈ લાગી, “તોફાન તો દીવાલની આપણી તરફ પણ આવે જ છે ને.”

          “અહીંના તોફાન અલગ છે.” નીરદ તેને ભયભીત લાગ્યા.

          “કેવા અલગ?” તેને પણ હવે પેટમાં ધ્રાસ્કો થયો. નીરદ કોઈ સામાન્ય તોફાનથી ડરે એવા નહોતા. એ બધા પ્રલય પછીના માણસો હતા. કાતિલ ઠંડી, કાળજાળ ગરમી, ભૂખમરો, ભૂકંપ જેવી મુશ્કેલીઓનો સામનો કરીને એ મોટા થયા હતા.

          “અહીં દીવાલની આપણી તરફ જેમ રેતના તોફાન નહીં પણ વીજળીના તોફાન આવે છે.”

          વિરાટ સ્તબ્ધ થઈ ગયો. શું પૂછવું કે શું કહેવું એ તેને ન સમજાયું. હજુ અહીં વીજળીના તોફાન આવતા હતા મતલબ આ પ્રદેશ તોફાનનો પ્રદેશ નહીં પણ પ્રલયનો પોતાનો પ્રદેશ હતો.

          નિર્ભય સિપાહી એક પછી એક કારના દરવાજા બંધ કરવા લાગ્યો. વિરાટ સમજી ગયો કે હવે હાલત બદથી પણ બદતર હશે. જોકે બહાર શું હશે એ તેને દેખાવાનું જ હતું કેમકે દરવાજા અને બારીના કાચ પારદર્શક હતા. એ કાચ વિશે પણ વિરાટે વાંચ્યું હતું. મોટાભાગના શૂન્યો એ કાચને જાદુઇ પદાર્થ માનતા અને કહેતા કે એમના પર દેવતાઓએ જાદુ કરેલો છે એટલે ક્યારેય તૂટતાં નથી. એ કાચને નિર્ભય સિપાહીઓ પણ સુરક્ષા કવચ કહેતા. લોકોમાં તો એવી અફવા પણ હતી કે એ કાચ પર ખુદ દેવતાઓના જાદુઇ હથિયારની પણ અસર નથી થતી. જો એ બધી વાત સાચી હોય તો બહાર ગમે તેવું તોફાન આવે એમને કોઈ ભય નહોતો. પણ કદાચ એ બધી અફવાઓ જ હોય તો? કદાચ એ કાચ અતૂટ ન હોય તો? કદાચ તે તૂટી શકતા હોય તો? એ ખાતરી કરવા એને વધુ રાહ ન જોવી પડી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED