દશાવતાર - પ્રકરણ 5 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 5

          એ શેરીના છેડે પહોંચ્યો એ સાથે જ તેણે દોડવાનું શરૂ કર્યું. તેનું હ્રદય હજુ પણ એટલી જ તેજ ગતિથી ધબકતું હતું જાણે કે એ તેની સામે શરત લગાવી રેસ રમતું હોય. તેની દોડવાની ગતિ તેજ હતી એનું ખાસ કારણ તેણે વર્ષો સુધી સંદેશવાહક તરીકે બજાવેલ ફરજ હતી. દીવાલની આ તરફ સંદેશાની આપ-લે કરવા માટે દીવાલની બીજી તરફ જેમ કોઈ આધુનિક સાધનો નહોતા. અહીંના લોકો હજુ આદિમાનવ યુગમાં જ જીવતા હતા. તેમને સંદેશો પહોંચાડવા માટે સંદેશાવાહક હોતા જે કોઈ પણ ખબર સવારથી સાંજ સુધી આખા વિસ્તારમાં ફરીને દરેક ઝૂંપડી સુધી પહોંચાડતા. તેને યાદ હતું કે જ્યારે એ બાર વર્ષનો હતો અને સ્વયંસેવક તરીકે સંદેશવાહકની ટોળીમાં જોડાયો હતો એના એક અઠવાડીયા પછી પંચદાદાની પૌત્રીના લગ્ન હતા. લગ્નની તિથી અને સમય તેણે સાંજ સુધી દોડીને દરેક ઝૂંપડી સુધી પહોંચાડ્યા હતા. બે વર્ષ સુધી કરેલ સંદેશવાહકની સેવાને લીધે તેના પગની પિંડીઓ અને સાથળ જાણે લોખંડના બનેલા હોય એવા લાગતાં. જ્યારે પણ તે જલકુંડમાં સ્નાન કરવા જતો અને લંગોટમાં તેના ખુલ્લા પગ જોતો ત્યારે તેને લાગતું કે જાણે તેના પગ કોઈ શિલ્પીએ દીવાલ જે પથ્થરોની બનેલી છે એવા જ મજબૂત પથ્થરોમાંથી કોતરી કાઢ્યા છે. આમ તો તેનું આખું શરીર તેને પથ્થર જેવુ જ લાગતું કેમકે તેની છાતી, પીઠ, ખભાના સાંધા અને બાજુઓ પર જાણે ગોટલા બાજેલા હોય તેમ માંસપેશીઓની જટિલ રચનાઓ ઊપસેલી હતી.

ભલે દોડવાની તાલીમને લીધે તેના પગ મજબૂત હતા પણ રણની ઠંડી હવા સામે તાલીમ કે અનુભવ કશું કામ આવે તેમ નહોતું. જેટલી ઝડપે એ દોડતો હતો તેના કરતાં બમણી ઝડપે ઠંડી હવા તેના શરીર સાથે અથડાતી હતી. તીરની માફક તેનું શરીર એ બરફ જેવા હવાના આવરણને ચીરીને આગળ વધતું હતું અને દોડવાના થાકને લીધે તેના કપાળ કે ગરદન પર પરસેવાનું એક ટીપું પણ બાજે એ પહેલા સૂકો પવન એને શોષી લેતો હતો.

          સદભાગ્યે જે શેરીઓમા એ દોડ્યો એ બધી ખાલી હતી. કોઈ શેરીમાં એકે ફાનસ સળગતું નહોતું. કોઈએ તેને ઝૂંપડીમાંથી જોયો હશે અને આવતીકાલે પંચાયતનું તેડું તેને ઘરે બોલાવવા આવશે એ ભય નહોતો. દીવાલની અ તરફ દરેક ઝૂંપડીના પ્રાગણમાં એક લાકડાનો પાંચેક ફૂટ ઊંચાઈનો સ્તંભ રહેતો જેના પર ઉજાસ માટે ફાનસ લટકાવવામાં આવતી પણ તેને રાહત થઈ કે કોઈ પણ થાંભલા પર સળગતી ફાનસ નહોતી. મોટા ભાગે માણસો ઊંઘતા હતા.

          લગભગ વીસેક મિનિટ એ દોડયો. ભલે એ ગમે તેટલી ઝડપે દોડે છતાં તેની ઝૂંપડીથી સમયસ્તંભ પહોચતા ત્રિસેક મિનિટ જેટલો સમય લાગતો. એ ટેકરી પરની ઝૂંપડીઓ પાર કરી આગળ વધ્યો. તળેટીના ભાગે ઝૂંપડીઓ એકદમ છૂટી છવાઈ હતી. અહીં ભાગ્યે જ કોઈ ઝૂંપડી બીજી ઝૂંપડીથી નજીક હતી. લગભગ બે ઝૂંપડી વચ્ચે દોડતા પણ દસેક મિનિટ જેટલો સમય લાગતો હતો. તળેટીના એ વિસ્તારને કદંબવન કહેતા કેમકે ત્યાં ઝૂંપડીઓ કદંબના વૃક્ષોથી ઘેરાયેલી હતી. અર્ધ વેરાન પ્રદેશમાં કદંબવન સ્વર્ગ જેવો વિસ્તાર હતો છતાં કોણ જાણે કેમ ત્યાં ઝૂંપડી પાંખી હતી.

          ભલે ઠંડો પવન તેને બાહ્ય સાથ આપતો હતો. એનું શરીર પરસેવો ઉતપ્ન્ન કરે એ સાથે જ પવન એને શોષી લેતો હતો પણ શરીરના અંદરના ભાગે એ પવન કોઈ મદદ કરી શકે તેમ નહોતો. તેના પગની માંસપેશીઓ જાણે ઉતરડાતી હોય એવી બળતરા થતી હતી અને તેના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા. તેના ફેફસાને ઑક્સીજન જોઈતો હતો છતાં તેણે દોડવાનું ચાલુ જ રાખ્યું. એ દર્દને રોવાનો સમય નહોતો. તેને ખાતરી કરવાની હતી કે કોઈ ઝૂંપડી પર નિર્ભય સિપાહીઓએ આક્રમણ તો નથી કર્યું ને? કોઈ પરિવારના ગળા કોઈ કારણ વગર કાપી નાખવામાં તો નથી આવ્યા ને? કોઈ પરિવારે મહામહેનતે મેળવેલ ઘરસામાનને એની ઝૂંપડી સાથે સળગાવી તો નથી નાખવામાં આવ્યો ને? એ કલિયુગના અંત સમયમાં જીવતો હતો અને એ અંધકાર યુગમાં કશું પણ ન વિચારી શકાય તેવું બને એ વિચારી શકાય તેવું હતું. પિતાજી કહેતા કે આ કલિયુગ છે અને કળિયુગમાં અમાનવીય અને અસમાન્ય ઘટના બને એ એકદમ સમાન્ય છે.

          એ તળેટીની છેલ્લી ઝૂંપડી પાર કરી આગળ વધ્યો. એકાએક તેને રાતના અંધકારને ચિરતી ઘુવડની તીણી ચિચિયારી સંભળાઈ. કારુનું વાહન. તેને યાદ હતું ત્યાં સુધી લોકો એમ કહેતા કે ઘુવડ એ કારુનું વાહન છે. દીવાલની પેલી તરફ પાટનગરમાં કારુના મંદિર પર ફરકતી લાલ રંગની ધર્મ પતાકા પર કાળા રંગનું ઘુવડ ચીતરેલું છે. તેની આંખો સામે તેને એક ગગનચુંબી મંદિર અને તેની ઉપર ફરકતો લાલ વાવટો દેખાયો. વાવટા પરનું ઘુવડ એની ગોળ મોટી આંખોથી તેને જોઈ રહ્યું હોય તેમ લાગ્યું. તેણે આંખો બંધ કરી અને મનને શાંત કરવા પ્રયત્ન કર્યો. ફરી તેણે આંખ ખોલી ત્યારે એ વાવટો તેની આંખો સામેથી અદ્રશ્ય થઈ ગયો. ભયનું એક લખલખું તેના શરીરમાથી પસાર થઈ ગયું.

કેમ મને એ ગગનચુંબી મંદિર દેખાય છે? હું તો હજુ સુધી દીવાલની પેલી તરફ ગયો જ નથી. મેં પાટનગર જોયું જ નથી તો મને ત્યાનું મંદિર, તેની આસપાસની ભુલભુલૈયા અને એ વાવટો કેમ દેખાતો હશે? તેણે વિચાર્યું.

          ભય તેના મન પર કબજો જમાવે એ પહેલા એ ફરી દોડવા લાગ્યો. તેને સમયસ્તંભ પહોંચવાનું હતું. તેણે તપાસવાનું હતું કે કોઈ આક્રમણ તો નથી થયું ને?

          કદંબવન પછીના વિસ્તરમાં માત્ર ખેતરો અને ખુલ્લા મેદાનો હતા. અર્ધ-વેરાન જેવા એ પ્રદેશમાં ખેતરો સૌથી સુંદર દેખાતા. શિયાળો હતો એટલે મોટાભાગના ખેતરોમાં ઘઉંનો મોલ પવનમાં ઝૂલતો હતો. હવામાં ફરકતા ઘઉના ડુંડા જોઈ એક પળ માટે તેની આંખો ઠરી પણ બીજી જ પળે તેને યાદ આવ્યું કે એ પાક રાત દિવસ મહેનત કરતાં તેના લોકો માટે કોઈ કામનો નથી. દીવાલની આ તરફ કે પેલી તરફ દરેક ચીજ પર કારુની માલિકી હતી. એ ખેતરો પણ કારુ અને વર્તુળમાં રહેતા વેપારીઓના હતા. શૂન્ય લોકો તો માત્ર એમના સેવક હતા. તેમનું કર્મ એ ખેતરોમાં દિવસ રાત મહેનત કરવાનું હતું. શૂન્ય લોકોએ એ પાક તૈયાર કરી કૃષિ બજારમાં એકઠો કરવાનો રહેતો અને જ્યારે વેપારીઓની માલવાહક આગગાડી આવતી એ બધુ જ લઈ જતી. તેમના પરસેવાની, મહેનતની દરેક ઉપજ પર વર્તુળમાં રહેતા વેપારીઓનો હક્ક હતો.

          ભલે એ ખેતરો પર ક્યારેય તેમની માલિકી નહોતી, ભલે એ ઝૂલતા મોલના તેમણે પકવેલા એકે દાણા પર તેમનો હક્ક નહોતો છતાં તેને એ ખેતર પસંદ હતા. તેને અહીં ક્યારેય વિરાન ન લાગતું. અહીં તેને એકલતા કોરી ન ખાતી. અહીંના વૃક્ષોની ડાળીઓમાં ગાતા પક્ષીઓ તેને સ્વર્ગીય સંગીતનો અનુભવ કરાવતા. તેને દીવાલની આ તરફના દરેક સ્થળ કરતાં એ ખુલ્લા ખેતરો પસંદ હતા. કેટલાક ગરીબ પરિવારો આ ખેતરોમાંથી અનાજ ચોરવાની હિંમત કરતાં. લગભગ ત્રણેક વર્ષ પહેલા નિર્ભય સિપાહીઓએ અનાજની ચોરી કરતાં ઝડપાયેલા ત્રણ શૂન્ય યુવકોને સમયસ્તંભ આગળના ખુલ્લા મેદાનમાં ફાંસીએ લટકાવ્યાં હતા. એમના શરીર ત્રણ દિવસ સુધી ત્યાં લટકાવી રાખવામા આવ્યા હતા જેથી બીજા શૂન્ય લોકો વેપારીઓના ખેતરોમાથી એક દાણો પણ ચોરવાની હિંમત ન કરે. કારુ દાખલો બેસાડવામાં માનતો ક્રૂર ભગવાન હતો. લોકો તેને ભગવાન કેમ કહેતા એ જ વિરાટને સમજાતું નહોતું.

          ખેતર પછીના વિસ્તારમાં સંખ્યાબંધ દુકાનો હતી. મોટે ભાગે લાલ ઈંટથી ચણેલા વખારઘર હતા. ખેતરોમાં પાકતું અનાજ એ વખારોમાં ભરવામાં આવતું. જે પરિવાર કૃષિ બજારની દુકાનોમાં જેટલું અનાજ જમા કરાવે એ પ્રમાણે તેના હિસ્સામાં આવતા સ્ટીલના સિક્કા એમને આપવામાં આવતા. જે ખેડૂત વર્ષભારના સમયમાં સો સિક્કા ન કમાય તેની પાસેથી ખેતરમાં કામ કરવાનો હક્ક છીનવી લેવામાં આવતો અને એ પરિવાર પાસે જીવવા માટે એક જ રસ્તો બચતો. એવા પરિવારોએ તાંબા, સોના, અને કોલસાની ખાણોમાં કામ કરવું પડતું. એ ખાણોમાં કામ કરવું એ સૌથી જોખમી હતું. દર અઠવાડિયે એ ખાણ કેટલાય શૂન્ય લોકોને ભરખી જતી.

          કૃષિબજાર દિવસના સમયે ગીચ રહેતી. વેપારીના એજંટો, માલ ઉપાડનારા મજૂરો, ખેતરમાં કામ કરતાં શૂન્યો, સિક્કા આપનારા અને દરેક ખેતરમાં કેટલું અનાજ પાક્યું છે તેની નોંધ રાખી અનાજનું પ્રમાણ નોંધનારા કલેક્ટરો અને ખેત મજૂરોથી દિવસભર એ બજાર ધમધમતું રહેતું. પણ રાતના સમયે એ બજારમાં ક્યારેય કોઈ માણસ જોવા ન મળતું.

          કૃષિબજારની ડાબી તરફ એક ખાઈ પાસેના સમયસ્તંભ જવાના ટૂંકા રસ્તામાં છૂટી છવાઈ દુકાનોનો વિસ્તાર કાળાબજાર તરીકે ઓળખાતો. આ જૂનું બજાર હતું પણ વર્ષોથી એ બંધ હતું. ત્યાં દિવસે ક્યારેય કોઈ માણસ જોવા ન મળતું. જોકે રાત્રે કેટલાક પડછાયા કાળા કપડામાં ત્યાં ફરતા. કાળી રાતે પણ કાળા બજારમાં કોલાહલ રહેતો. લગભગ કોઈ પણ સામાન્ય માણસ એ બજારના રસ્તે દિવસે પણ ચાલવાનું પસંદ ન કરતો. રાત્રે એ તરફ જવું મતલબ મૃત્યુને આમંત્રણ આપવા જેવુ હતું. એ બજાર વર્તુળમાં રહેતા વેપારીની દયાથી ચાલતું. નિર્ભય સિપાહીઓને એ બજારમાં રાત્રે શું થતું એની જાણ હતી પણ એ આંખ આડા કાન કરતાં કેમકે વર્તુળના વેપારીઓ પાસે નિર્ભય સિપાહીઓને ખરીદવા માટે પૂરતા પ્રમાણમાં સોનાના સિક્કા હતા. એ બજારમાં રાત્રે શૂન્ય લોકોના ગૃહઉધોગોમાં તૈયાર થયેલો માલ, જંગલમાથી લોકોએ એકઠી કરેલી પેદાશો અને એવી કેટલીયે વસ્તુઓ વેપારીઓ કારુના કાનૂન વિરુધ્ધ ખરીદતા અને એ બધાની આગગાડી આવે ત્યારે દાણચોરી કરવામાં આવતી. કેટલાક લોકોમાં તો એવી પણ અફવા હતી કે વેપારીઓ એ આગગાડીમાં ખાણોમાંથી નીકળતું સોનું કારુથી છુપાવીને લઈ જતાં હતા.

          વિરાટ જ્યારે પણ રાતે નીકળતો એ કાળાબજારને બદલે કૃષિબજારના રસ્તે જવાનું પસંદ કરતો. કૃષિબજારમાં દાખલ થઈ એ ત્રણ ચાર દુકાનો પાર કરી લાકડાના સભા-પાટિયા નજીક પહોંચ્યો એ જ સમયે અચાનક એક બિલાડી નજીકની દુકાનની છત પરથી કૂદીને તેની સામે આવીને ઊભી રહી. એ અનિમેષ આંખે તેને ઘડીભર જોઈ રહી પછી આંખો પટપટાવી, એક બે વાર મ્યાઉં એવો અવાજ કરી દુકાનો વચ્ચેના અંધકારમાં વિલીન થઈ ગઈ.

          બિલાડી અંધકારમાં અદૃશ્ય થઈ પછી પણ તેને કેટલીક સેકંડો સુધી એના અવાજ અને એની હાજરીની પ્રતીતિ થતી રહી. એ છેકથી કોઈ પણ સજીવ ભલે એ અંધારામાં હોય કે કોઈ વસ્તુની આડશે હોય તેની હાજરીને જાણી લેતો. શિકારી પ્રાણી જેમ એને દરેક જીવોની હાજરી હવામાં મહેસુસ થતી.

          બિલાડીના ગયા પછી લગભગ દસેક મિનિટ જેટલો સમય તેને કૃષિબજાર પાર કરતાં થયો. હવે એ સમયસ્તંભની બરાબર સામે હતો. એ ખુલ્લા મેદાનમાં આવ્યો જ્યાં નિર્ભય સિપાહીઓએ તેના જેટલી ઉમરના અનેક શૂન્ય યુવક યુવતીઓના ગળા કાપી નાંખ્યા હતા અથવા એમને ફાંસીએ લટકાવી તમાશા માટે દિવસો સુધી ત્યાં લટકતા રહેવા દીધા હતા. એક પળ માટે તેને એ બધાના મૃતદેહો દેખાવા લાગ્યા જેને તેણે એ મેદાનમાં મરતા જોયા હતા. જ્યારે પણ કોઈ શૂન્યને નિર્ભય સિપાહીઓ સજા આપતા એ જોવા માટે દીવાલની આ તરફના દરેક વ્યક્તિએ હાજર રહેવું પડતું. એક શૂન્યને મરતો જોવો એ શૂન્ય લોકો માટે શીખ હતી કે એણે જે ભૂલ કરી એ ભૂલ તમે ક્યારેય ન કરતાં.

          તેણે એ બધા મૃતદેહોને તેના મનમાંથી ખંખેરી કાઢવા માથું ધુણાવી દીધું પણ તેને હવે ભય લાગવા માડયો. તેને લાગ્યું કે પાછા વળી જવું જોઈએ. તેણે આમ રાત્રે બહાર નીકળવું જોઈએ નહીં. પોતે ભૂલ કરી રહ્યો હતો અને નિર્ભય સિપાહીઓ પાસે દરેક ભૂલ ભલે એ નાની હોય કે મોટી સજા એક જ હતી – મૃત્યુદંડ.

          એ પાછા ફરવાની તૈયારી કરતો હતો એ જ સમયે દરેક રાતની જેમ તેને લાગ્યું કે જાણે પોતે એ વિરાટ રહ્યો જ નથી. એ કોઈ અલગ જ આદમી બની ગયો છે. તેના શરીરના કેન્દ્રમાં કોઈ બીજું જ હતું અને બધુ સંચાલન જાણે એ બીજાના હાથમાં હતું. તેને લાગ્યું કે એ તેનામાં રહેલા એ કોઈ બીજાના હાથની કઠપૂતળી છે. કદાચ તેના વિચારો પણ તેના પોતાના નહોતા. જો એવું ન હોય તો એક યુવક શૂન્યમાં રાત્રે બહાર નીકળવાની હિંમત ક્યાથી આવે? પણ વિરાટ તેની અંદર છુપાઈને તેના પર કાબૂ કરતાં એ બીજા કોઈ સામે લાચાર હતો.

          તેનું શરીર જાણે તેનું નહોતું. એ તેનામાં છુપાયેલા કોઈ બીજાનું હતું જેને તેણે ‘જ્ઞાની’ નામ આપ્યું હતું. એ પોતાની જાતને કહેતો હતો, ‘વિરાટ, મૂર્ખ ન બન, તું એક શૂન્ય છો અને કારુએ બનાવેલા કાનૂન કાયદા પાલન કરવા માટે બન્યો છે.’ પણ તેનામાં છુપાયેલો ‘જ્ઞાની’ કહેતો હતો ‘ના, વિરાટ, આ દુનિયામા કોઈ શૂન્ય નથી. દરેક માણસ માણસ છે. તારે દીવાલની આ તરફ કોઈ ઝૂંપડી સળગી છે કે નહીં, કોઈ પરિવાર પર નિર્ભય સિપાહીઓનું આક્રમણ થયું છે કે નહીં એ તપાસવા સમયસ્તંભ પર ચડવું જ રહ્યું.’ તેને ભય લાગતો પણ તેની અંદરના એ જ્ઞાનીને ભય નહોતો.

          કાશ! મેં મારા લોકો જેમ જ જીવન વિતાવ્યું હોત! કાશ! મેં ક્યારેય રતનગુરુ અને જગમાલ ગુરુ પાસેથી જૂના પુસ્તકોનું જ્ઞાન ન લીધું હોત! કાશ! હું પણ બધા જેમ બીજું કશું નહીં પણ માત્ર એક શૂન્ય હોત તો અત્યારે હું આ સંકટ વહોરવાને બદલે આરામથી મારી ઝૂંપડીમાં સૂતો હોત…! તેણે વિચાર્યું.

          તેને ખબર હતી પોતે જે કરવા જઈ રહ્યો છે તેની સજા મૃત્યુદંડ છે. સમયસ્તંભના બહારના ભાગે જ એક લાકડાનું પાટિયું લગાવેલું હતું જેના પર મોટા અક્ષરોમાં લખેલું હતું – સમયસ્તંભ એ કારુની માલિકીનું સ્થળ છે એમાં પરવાનગી વિના દાખલ થવાની સજા મૃત્યુ છે. તેને નવાઈ લાગતી કે દીવાલની આ તરફ તો કોઈને વાંચતાં જ નથી આવડતું તો એ પાટિયું કેમ લટકાવવામાં આવ્યું હશે? કદાચ તેના જેવા કોઈ માટે. પણ એમને શું ખબર કે તેના જેવા કેટલા અહીં વાંચી શકે તેવા હશે? શું તેમનામાં કોઈ ગદ્દાર હશે?

          દીવાલની આ તરફની દરેક ચીજ આમ તો કારુની માલીકીની હતી પણ કોઈ સ્થળ પર આમ પાટિયું લટકતું નહોતું જ્યારે સમયસ્તંભ પર સૂચના લખેલી હતી મતલબ દરેક શૂન્ય એનાથી દૂર રહે એમાં જ એમની ભલાઈ હતી. તેણે ક્યારેય કોઈ વેપારી કે નિર્ભય સિપાહીને પણ સમયસ્તંભના સમારકામ સિવાય એમાં દાખલ થતાં જોયા નહોતા. કદાચ એ સૂચના બધા માટે હતી. જ્યાં નિર્ભય સિપાહીઓને પણ જવાની છૂટ ન હોય ત્યાં દાખલ થવું એટલે મૃત્યુને સામે ચાલીને બોલાવવા જેવુ હતું. પણ તેનું મન ત્યારે એ બધી બાબતોને બદલે એક જ બાબત વિચારતું હતું, ‘વિરાટ, કોઈ ઝૂંપડી પર નિર્ભય સિપાહીઓનું આક્રમણ થયું હશે તો? તારે સ્તંભ પર ચડીને તપાસવું જ પડશે.’

એ જાણતો હતો કે પોતે એમ નહીં કરે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. એ દાખલ થવાની પરવાનગી ન આપતા પાટિયાને અવગણી સમયસ્તંભની રેલિંગ કૂદીને અંદર પડ્યો. કેટલીય રાતો તેણે એ સૂચના અવગણી હતી. તેને એમ કરવાની આદત પડી ગઈ હતી. એ સ્તંભની લોખંડની ઇંગલો પકડીને ઉપર ચડવા લાગ્યો. સમયસ્તંભ દીવાલની એ તરફના કોઈ પણ ઊંચામાં ઊંચા વૃક્ષ કરતાં દસ ગણો ઊંચો હતો. રતનગુરુની ઝૂંપડી સળગતી જોઈ એ પછી વિરાટ સોથી વધારે વખત એ સ્તંભ પર ચડ્યો હતો. આમ પણ એ અંધારામાં જોઈ શકતો હતો અને જો ન જોઈ શકતો હોત તો પણ એક એક ઇંગલ ક્યાં અને કેટલી લંબાઈની છે એ તેને યાદ હતું.

 

ક્રમશ: