Dashavatar - 8 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 8

          વિરાટ ઝૂંપડી બહાર આવ્યો. સૂરજના કિરણો સામે રેત રાતની ઠંડકને સાચવી રાખવા વ્યર્થ મથામણ કરતી હતી. જોકે એ હજુ ઠંડી હતી. તેના પિતા ઝૂંપડી સામેના લીમડાના વૃક્ષ નીચે વાંસના ઇસ-ઉપળાવાળો ખાટલો ઢાળીને બેઠા હતા. ખાટલાની જમણી તરફ ફાનસ લટકાવવાના થાંભલા બાજુ સૂકા લાકડાની સોનેરી આગ સળગતી હતી. શંકુ આકારે ગોઠવેલા આગના તાપણીયામાં તેના પિતા ઘઉંનો પોક શેકતા હતા. ઘઉં વેપારીઓના હતા. શૂન્યો તેમાંથી એક દાણાનો પણ ઉપયોગ ન કરી શકતા છતાં તેના પિતા ટેસથી પોક શેકતા હતા. વહેલી સવારે જઈને એ ખેતરમાંથી ડુંડા ચોરી લાવ્યા હશે કેમકે આજે આગગાડી આવવાની હતી એટલે દરેક વ્યક્તિનું ધ્યાન સ્ટેશન તરફ મંડાયેલું હોય તે સ્વાભાવિક વાત હતી. તેના પિતા જાણતા કે કયા સમયે અને કઈ રીતે નિયમોનો ભંગ કરવો.

          લીમડાનું વૃક્ષ સવારની લહેરખીઓમાં મસ્તીથી આમતેમ ઝૂલતું હતું. એ વિરાટની ઝૂંપડી કરતાં ખાસ્સું ઊંચું હતું. દીવાલની આ તરફ દરેક ઝૂંપડીના પ્રાંગણમાં એક વૃક્ષ તો હોય જ કેમકે એ કાયદો હતો અને આમ પણ લોકોને જગમાલ જેવા અનેક સમજદાર ગુરુઓએ સમજાવ્યું હતું કે જ્યારે વૃક્ષોની સંખ્યા પ્રલય પહેલા હતી એટલી થઈ જશે ત્યારે રણ આગળ વધતું અટકી જશે. વિરાટની માએ તેમની ઝૂંપડી આગળ લીમડાનું વૃક્ષ ઉછેરયું હતું. એ ઘણીવાર કહેતી કે એ વૃક્ષ અમૂલ્ય છે અને ખરેખર એ અમૂલ્ય હતું કારણ તેના પર આવતા જીણા ફૂલ ગમે તેવા તાવને ભગાડી દેતા. તેના પાન પાણી સાથે ઉકાળી નહાઈએ તો ગમે તેવી ખંજવાળ કે ચામડીના રોગ મટી જતાં. એના થોડાક લીલા થોડાક સૂકા પાંદડા સળગાવીએ તો ગમે તેવા ઝેરીલા મરછર પણ નાશ પામતા. વિરાટને એ જ ન સમજાતું કે માને કઈ રીતે ખબર કે લીમડો આટલો ઉપયોગી છે? પણ પછી એ વિચારતો કે માએ એના માતાપિતા પાસેથી એ બધુ જાણ્યું હશે અને એમણે એમના માતપિતા અને આખરે કોઈ એવા વ્યક્તિ પાસેથી એ જ્ઞાન વારસારૂપે આવ્યું હશે જેણે પ્રલય પહેલાની દુનિયા જોઈ હોય. કેટલીક પેઢીઓ પૂર્વે પ્રલય પહેલાના સમયમાં શૂન્યો પાસે પણ જ્ઞાનના પુસ્તકો હતા. એ સમયે જ્ઞાન પર માત્ર દેવતાઓનો જ હક્ક નહોતો. એ પહેલા કદાચ શૂન્યોને પણ માણસ સમજવામાં આવતા હતા પણ પ્રલય પછી નવા આવેલા ભગવાન કારુએ દીવાલની આ તરફના લોકોને પુસ્તકો વાંચવા કે જ્ઞાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમને માનવમાંથી શૂન્ય બનાવતા એને અમુક વર્ષો જ થયા કેમકે એકવાર જ્ઞાન ન રહેતા માનવ માનવ નહીં પણ પશુ બની જાય છે.

હવે શૂન્ય લોકો બસ દીવાલની પેલી તરફ રહેતા દેવતાઓ માટે પશુ જેટલા મહત્વના હતા. એ ગુલામ હતા. કોઈને ખબર નથી કે કેમ શૂન્ય લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો. વેપારીઓને દીવાલની પેલી તરફ વર્તુળ નામના રાજ્યમાં સ્થાન આપવામાં આવ્યું અને વેપાર એમનો જન્મસિદ્ધ હક્ક બન્યો. આખા ભારતવર્ષમાં વેપાર કરવાનો પરવાનો એમની પાસે હતો. નિર્ભય લોકોને હિંમતવાન અને શોર્યવાન સમજવામાં આવતા. તેમને દુનિયાની રક્ષા અને કાયદા કાનૂનના પાલનનું કામ સોપવામાં આવ્યું હતું. તેમના માટે ચતુષ્કોણ નામનું સુખ સુવિધાસભર રાજય દીવાલની પેલી તરફ બનાવવા આવ્યું હતું. દેવતાઓ પાટનગરમાં રહેતા જ્યાં કારુનો પોતાનો મહેલ કે મંદિર જે કહો તે હતું. દેવતાઓ જ્ઞાનના પુસ્તકો રચતાં, કાયદા અને કાનૂન બનાવતા અને એમને કારુ પછી બીજા નંબરે સમજવામાં આવતા. અલબત, નિર્ભય સિપાહીઓ અને વેપારીઓ પણ તેમની સામે માથું નમાવતા.

          પ્રલયમાં તબાહ થયેલા જે શહેરો રહેવા લાયક બચ્યા હતા એવા અર્ધખંડેર શહેરોમાં લોક રહેતા. જે વેપારી, દેવતા અને નિર્ભય સિપાહીઓ કરતાં નીચા દરજ્જાના હતા. જોકે એ શૂન્યોથી ઊંચા ગણાતા. કેમકે એ શૂન્યો જેમ અછૂત નહોતા. વિરાટને ક્યારેક ક્યારેક એ લોકોને દીવાલની પેલી તરફ રહેવા મળતું અને તેના લોકો કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું એ બાબતે ઈર્ષા થતી કેમકે એ સમયે વિરાટ જાણતો નહોતો કે લોક તરીકે ઓળખાતા એ સામાન્ય લોકો પર કેવા કેવા અત્યાચાર થાય છે. શૂન્યો અને લોક પ્રજા વચ્ચે એક જ તફાવત હતો. લોક પ્રજા શૂન્યો જેમ અછૂત નહોતી. બાકી એમના પર એ જ જુલ્મો કરવામાં આવતા જે જુલ્મો દીવાલની આ તરફના લોકો પર થતાં.

          “શું વિચારે છે?” તેના પિતાએ તાપણીની આગમાં શેકાયેલા ઘઉની એક નાની પાથરી ખેચી કાઢી, “આવ બેસ.” તેમણે તેમની રોજની આદત મુજબ એક પળ જેટલુ ટૂંકૂ પણ પ્રેમાળ સ્મિત ફરકાવ્યું.

          વિરાટ પણ તેમની સામે જોઈ હસ્યો અને તેમની નજીક જઈ ખાટલાના પાયા પાસે રેતમાં બેઠો. શેકાયેલા પોકની સુગંધ અદભૂત હતી.

          “આજે સવારના નાસ્તામાં પોક કેવા રહેશે?” તેના પિતાએ એક ધોબો પોક મસળી તેની તરફ હાથ લંબાવ્યો.

          વિરાટે કઈ જવાબ આપ્યા વિના હથેળી લંબાવી અને પોક મુઠ્ઠીમાં લીધો. જ્યારે પણ તેના પિતા વેપારીઓના ખેતરોમાંથી એ રીતે અનાજ ચોરી લાવતા ત્યારે વિરાટને ચિંતા થતી કે કદાચ કોઈ રીતે નિર્ભય સિપાહીઓના કાને એ ખબર પહોંચી તો?

          તેના પિતા તેની મનોવ્યથા સમજી ગયા હોય તેમ તેની તરફ ઘડીભર જોઈ રહ્યા પછી એકાએક પૂછ્યું, “દીવાલની પેલી તરફ જવાથી ડરે છે?”

          વિરાટે આંખો બંધ કરી તેના હાથ ખોળામાં મૂક્યા અને માથું હલાવી ના કહી. તેણે ખોટો જવાબ આપતા આંખો બંધ રાખી જેથી તેના પિતા એમાંથી રહસ્ય જાણી ન લે.

તેના પિતાનું નામ નીરદ હતું. એ એક મજબૂત માણસ હતો. લગભગ છ ફૂટ જેટલી તેમની ઊંચાઈ હતી. તેમને ફાળવવામાં આવેલા ખેતરમાં કામ કરી તેમનું શરીર કસાયું હતું. બાહુઓ ઉપર કોઈ નકશામાં ચીતરેલી નદીઓ જેવી નસો દેખાતી એનાથી જ તેમની શક્તિનો ખ્યાલ આવતો. એ નાના હતા એ સમયે ખાણોમાં પણ કામ કરેલું હતું કેમકે વિરાટના દાદાને કોઈ ખેતર ફાળવવામાં આવ્યું નહોતું. નીરદ દીવાલની પેલી તરફ પહેલીવાર ગયા એ જ વખતે તેમણે તૂટેલી ઇમારતોના સમારકામનું સૌથી મહત્વનુ કામ શીખી લીધું હતું. જમીનની નીચે રહેલી સુરંગો તપાસવાનું, ભૂગર્ભની પાઇપ લાઈનોના સમારકામનું કામ શીખી લીધા પછી આગગાડીની દરેક મુસાફરી વખતે એ પુષ્કળ સિક્કા કમાવા લાગ્યા અને જ્યારે વેપારીઓ તેમના કામથી ખુશ થયા તેમને ખેતર ફાળવવામાં આવ્યું. નીરદે જીવનમાં દરેક પ્રગતિ પોતાના પગ પર ઊભા રહી સાધી હતી.

વિરાટ દેખાવે નીરદ જેવો નહોતો પણ શારીરીક મજબૂતાઈમાં તેની હરીફાઈ કરી શકે તેમ હતો. નીરદનો વર્ણ કાળો હતો પણ વિરાટની ચામડી ઘઉંવર્ણી હતી. દીવાલની આ તરફ બહુ ઓછા લોકો હતા જેમની ચામડી ઘઉંવર્ણી હતી.

          બીજી તરફ વિરાટની મા અનુજા એકદમ સૂકલકડી હતી. તેની ગરદન લાંબી અને ઊંચાઈ નીરદ કરતાં અડધો ફૂટ જેટલી નીચી હતી. તેના અવાજમાં અદભૂત મીઠાશ હતી. નીરદનો અવાજ પથ્થરની ઘંટી જેવો કઠોર અને કર્કશ હતો.

          નીરદ શૂન્યોના પરિધાન મુજબ ખાખી પહેરણ અને કાળા પાટલૂનમાં હતા. પહેરણ જેવા જ કાળા રંગનો ડગલો તેમના પગ પાસે સામટીને મૂકી રાખેલો હતો.

          “તું ખોટું બોલે છે.” વિરાટે આંખો ખોલી કે તરત જ તેમણે કહ્યું, “તારી આંખો અને તારું વર્તન કહી રહ્યા છે કે તું ગભરાય છે.”

          “કેમ, મારે ન ગભરાવું જોઈએ?” વિરાટે પોકનો એક બૂકડો મારતા પુછ્યું.

          “ના, ના, એવું નથી. તું ગભરાય એમાં કશું અજુગતું નથી. તારે ડરવું તો ત્યારે જોઈએ જો તને ડર ન લાગે.” નીરદે ધીમા અવાજે કહ્યું, “દીવાલની પેલી તરફ પહેલીવાર જતાં સોમાંથી નવ્વાણુ લોકો ભય અને મૂંઝવણ અનુભવે છે.”

          “તમે પહેલીવાર દીવાલની પેલી તરફ ગયા ત્યારે તમને ડર લાગ્યો હતો?” વિરાટે પુછ્યું.

          નીરદે તેની તરફ જોઈ આંખ મિચકારી, “હું પણ નવ્વાણુ ટકામાં હતો.” વિરાટને પંદર વર્ષ પૂરા થયા અને તેની ઊંચાઈ તેના પિતાના કાન સુધી પહોંચવા આવી ત્યારથી નીરદ તેની સાથે મિત્ર જેવુ વર્તન કરતા. બાપ-બેટો ક્યારેક ક્યારેક મજાક મસ્તી પણ કરતા. જોકે નીરદ ક્યારેય જુઠ ન બોલતા. જુઠ્ઠું બોલવું અને ચાલાકી કરવી એ શૂન્યનો ગુણ નહોતો. તેની પરવાનગી માત્ર વેપારીઓને જ હતી. શૂન્ય લોકો તો બહાદુરી પણ ન બતાવી શકતા. એ હક માત્ર નિર્ભય સિપાહીઓને જ હતો. કોઈ માણસ ક્યાય મરી રહ્યું હોય અને હિંમત કરી શૂન્ય એને બચાવી લે તો તેની સજા મૃત્યુદંડ હતી કેમકે હિંમત બતાવવી એ શૂન્યની પ્રકૃતિ વિરુધ્ધ હતું.

          “તમે દીવાલની પેલી તરફ પહેલીવાર ગયા એ દિવસ તમને યાદ છે?” વિરાટે પુછ્યું. તેને બાળપણથી તેના પિતાને સવાલો કરવાની આદત હતી. લગભગ રોજ રાતે એ વિરાટને અલકમલકની વાતો કહેતા. ક્યારેક તો નીરદ દીકરાને પ્રલય પહેલા લોકો કેવા દયાળુ અને બહાદુર હતા એની વાતો પણ કરતા. એ કહેતા કે પ્રલય પહેલા નિર્ભય સિપાહીઓ જેટલી જ એક બહાદુર જાતિ હતી. તેને લોકો ક્ષત્રીય સિપાહીઓ કહેતા પણ એ હાલના સિપાહીઓ જેવા નિર્દય નહોતા. એ દયાળુ હતા અને લોકોની મદદ કરવા માટે બલિદાન આપતા.

          “હા, મને એ દિવસ યાદ છે.” તેના પિતાએ ફરી લીલા ઘઉંની એક પાથરી આગમાં શેકવા અડવી, “કોઈ એ દિવસને ભૂલી જ ન શકે. તને પણ એ દિવસ જીવનભર યાદ રહેશે.”

          “તમને શી રીતે ખબર પડી કે હું ગભરાઉ છુ?” તેણે પુછ્યું.

          “કેમકે તું ક્યારનોય આંગળીઓના ટચાકા ફોડતો હતો. એવું તું ગભરાય ત્યારે જ કરે છે.”

          “હું છેલ્લી ઘડી સુધી હિંમત રાખીને ટક્યો હતો પણ સવારે માએ કહ્યું કે આજે આગગાડી આવવાની છે ત્યારથી મને કંઈક અજીબ અનુભવ થાય છે.” તેણે મક્કમ અવાજે ઉમેર્યું, “જોકે મારા ભય પર મારો કાબૂ છે.”

          “અભિનંદન,” એમણે ફરી એક મુઠ્ઠી પોંક વિરાટને આપ્યો, “મતલબ તું દીવાલની પેલી તરફ જવા તૈયાર થઈ ચૂક્યો છે.”

          પોંકનો બીજો બૂકડો ભરી વિરાટે ચાવતા ચાવતા જ જવાબ આપ્યો, “મને પણ એમ જ લાગે છે કે હું તૈયાર છુ. બસ દીવાલની પેલી તરફના લોકો તૈયાર છે કે કેમ એ જોવાનું છે.”

          બરાબર એ જ સમયે અનુજા ઝૂંપડી બહાર આવી. ફાનસ લટકાવવાના થાંભલાનો ટેકો લઈ ઊભી રહી અને બાપ-બેટાને વાતો કરતાં જોઈ રહી. તેની આંખોની વ્યથા વિરાટને એટલે દૂરથી પણ દેખાઈ આવતી હતી. એ ભયભીત હતી. દીવાલની આ તરફ આજે કેટલીયે માતાઓ ચિંતિત હતી.

          “દેખ્યો તમે એનો મિજાજ?” વિરાટના છેલ્લા વાક્યને અનુજાએ સાંભળી લીધું હતું, “એ જાણવા માંગે છે કે દીવાલની પેલી તરફ રહેતા દેવતાઓ એના સ્વાગત માટે તૈયાર છે કે કેમ?”

          “એ આગગાડીમાં ચડશે ત્યાં સુધીમાં એને અક્કલ આવી જશે.” નીરદે અનુજાને શાંત કરતાં કહ્યું, “નિર્ભય સિપાહીઓને જોયા પછી ભલભલા બહાદુરોની અક્કડ ઢીલી થઈ જાય છે.”

          વિરાટે નિર્ભય સિપાહીઓ વિશે બહુ વાતો સાંભળી હતી અને એમાંની મોટા ભાગની વાતો ડરામણી હતી. એ સિપાહીઓની છાતી પર ભયાનક અને વિકરાળ પ્રાણીનું ચિત્ર છુંદેલું હોય છે. એ કયું પ્રાણી એમની છાતી પર દોરાવતા એ બાબતે લોકોમાં વિવિધ અફવાઓ હતી પણ મોટે ભાગે લોકો કહેતા કે પ્રલય પહેલા દીવાલની આ તરફ એક વિકરાળ જાનવર વસતું જેને લોકો સિંહ કહેતા. જંગલમાં એ રાજા તરીકે પૂજાતું અને બહાદુરીમાં એ અવ્વલ નંબરે હતું એટલે જ નિર્ભય સિપાહીઓ શૂરાતન માટે એ ચિત્ર એમની છાતી પર દોરાવતા. જોકે વિરાટે હજુ સુધી ક્યારેય નિર્ભય સિપાહીઓને જોયા નહોતા. તેણે દેવતાઓને પણ જોયા નહોતા. બસ તેણે વેપારીઓને જોયા હતા. એ બહુ અજીબ માણસો હતા. એકદમ રંગ બેરંગી કપડાં પહેરતા. એમને કોઈ પરિધાન નહોતો. તેમના શરીર પર તુલાનું ચિત્ર દોરેલું હોતું. એનો અર્થ હતો કે વેપાર કરવો એ એમનો જન્મજાત ગુણ છે. છૂંદણું શૂન્યો માટે પણ અનિવાર્ય હતું. દરેક શૂન્યે પોતાના શરીરના કોઈ પણ એક ભાગ પર એક મોટું વર્તુળ જેવુ શૂન્ય છુંદવું ફરજિયાત હતું. વિરાટે છાતી પર ગળાની સહેજ નીચે એ દોરાવ્યું હતું. પહેરણનું ઉપરનું એક બટન ખુલ્લુ હોય ત્યારે તેની છાતીના ડાબા ચોસલા ઉપર એ શૂન્ય દેખાતું. એ નાનકડી બાળકીના હાથમાં પહેરેલી બંગડીના કદનું હતું.

          દેવતાઓ વિશે પણ નિર્ભય સિપાહીઓ જેવી જ અફવાઓ હતી. નિર્ભય સિપાહીઓનો પરિધાન કાળું પાટલૂન અને એવા જ કાળા રંગનું પહેરણ હતો. એ કેસરી રંગનો કમરપટ્ટો બાંધતા.

          દેવતાઓ વિશે ચિત્ર વિચિત્ર વાતો વહેતી હતી. જેટલા મોં એટલી વાતો. કોઈ કહેતું તેમને પરિધાન નથી. કોઈ કહેતું તેમનો પરિધાન સફેદ છે કેમકે એ લોકો પવિત્ર છે. કોઈ કહેતું કે એમના શરીર પર લીલા રંગની અનેક નસો ઊપસેલી છે અને એ નસો એમની પવિત્રતાનું પ્રતિક છે. જે દેવતાના શરીર પર જેટલી વધુ નસ એટલો એ વધુ પવિત્ર ગણાતો. કેટલાક કહેતા કે એમની આંખોમાં લાલ રંગની કરોળિયાના જાળાં જેવી નસોની ભાત હોય છે અને જેની આંખોમાં લાલ નસ વધારે હોય તેનું જાદુ શક્તિશાળી હોય છે. દેવતાઓ જાદુ ટોણાં જાણતા. એ અડધા માઇલના અંતરેથી પણ દૂરના માણસને મારી શકતા હતા. એમના કાળી ધાતુથી બનેલા જાદુના દંડ આગ ઓકતા અને વાદળના ગગડાટ જેવો ભીષણ અવાજ કરતાં. જોકે કોઈને ખબર નહોતી કે એ બધામાં કેટલી સાચી વાતો છે અને કેટલી ખોટી અફવાઓ છે. બસ બધાને એ ખાતરી હતી કે દેવતાઓથી દૂર રહેવામાં ભલાઈ છે.

          નીરદ અને અનુજા વચ્ચે વિરાટની સલામતીને લઈને ચર્ચા ચાલુ હતી પણ વિરાટે એમાં ખાસ ધ્યાન ન આપ્યું. હવે અનુજા નીરદ પાસે પણ વચન માંગતી હતી, “મને વચન આપો કે તમે એનું ધ્યાન રાખશો.”

          “હું વચન આપું છુ.” નીરદ પણ વિરાટની જેમ અનુજા સામે લાચાર હતા.

          “તમે ધ્યાન રાખશો કે એ કોઈને બિનજરૂરી સવાલો ન કરે.”

          “હા, હું રાખીશ.” નીરદ ડાહ્યા શિષ્યો ગુરુજી સામે દરેક સવાલનો જવાબ હામાં આપે તે રીતે હકારમાં જવાબ આપ્યે જતા હતા.

          “મા, તું કેટલી લપિયણ છો?” વિરાટે લગભગ ચિડાઇને કહ્યું, “હું ખરેખર હવે નાનો નથી અને દીવાલની પેલી તરફ અનેક યુવકો જવાના છે હું એકલો નથી જવાનો.”

          “હા, પણ એ બધા તારા જેવા નથી.” એ ગુસ્સાથી બોલી, “તારી જીભ અને તારા હાથ બધા કરતાં કંઈક વધારે જ ચાલે છે. જેમ ગયા મહિને બિરવાને ત્યાં લૂંટારા આવ્યા અને વચ્ચે તું લડાઈમાં કૂદી પડ્યો એમ ત્યાં કરીશ તો...”

          “તો શું..?” વિરાટે પૂછ્યું, “નિર્ભય સિપાહીઓ મને મારી નાખશે એમને?”

          “વિરાટ...” નીરદે એકદમ વાત બદલી નાખી, “તારા મિત્રો બહાર તારી રાહ જોઈ રહ્યા છે. તારે એમને મળવું નથી?”

          “હા.” વિરાટે કહ્યું. એ જાણતો હતો તેના પિતા મા-દીકરો લડી પડે એ પહેલા તેને બહાર મોકલી દેવા માંગતા હતા.

          “તો જા, એમને મળી લે.” નીરદે કહ્યું, “આપણી પાસે બહુ સમય નથી. સાંજ પહેલા તો આપણે સ્ટેશન માટે નીકળી જવું પડશે.”

          “સાંજ સુધીનો સમય મિત્રોને અલવિદા કહેવા માટે પૂરતો છે.” વિરાટ ઊભો થયો અને પાટલૂન પર ચોટેલી રેત ખંખેરી.

          “વિરાટ.” એ પ્રાંગણ તરફ ફર્યો એ જ સમયે અનુજાએ કહ્યું, “મોડુ ન કરતો.” એ વિરાટ તરફ જોઈ હસી પણ એના સ્મિતમાં ઉદાસી હતી.

          વિરાટે તેના પિતા તરફ જોયું. ભલે એ બહારથી મજબૂત દેખાતા હતા પણ અંદરથી એ પણ અનુજા જેમ જ ચિંતિત હતા.

          “ચિંતા ન કર મા...” વિરાટે કહ્યું, “હું સાંજ પહેલા આવી જઈશ.”

          વિરાટ પ્રાંગણ છોડી બહાર ગયો અને ઝાંપો વાસવા પાછળ જોયું ત્યારે અનુજાનો હાથ પોતાના હાથમાં લઈ નીરદ તેને સાંત્વના આપતા હતા.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED