દશાવતાર - પ્રકરણ 3 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 3

          “જો એના નાકની ડાબી તરફ એક તલ છે મતલબ કળિયુગમાં લડવા માટે એનામાં ક્રુષ્ણ કરતાં પણ વધુ કુટિલતા હશે. એ છત્રીસ કળાઓનો જાણકાર બનશે.” વિષ્ણુયશા ઘોડિયાની નજીક આવ્યો, “તેના કપાળમાં મંડળ છે મતલબ એ શિવ જેવો શોર્યવાન અને રામ જેવો પ્રજાવત્સલ બનશે.”

          મહોરાધારીએ માથું નમાવી બાળકના ચરણ સ્પર્શ કર્યા, “અવતાર માતાના ગર્ભમાં માત્ર માનવ શરીર ધારણ કરવા જ રહ્યો હતો બાકી એને ડૂંટી છે જ નહીં.” તેના અવાજમાં ભક્તિનું અનન્ય મોજું ઉમેરાયું, “એની ડૂંટીને બદલે કમંડલ છે.... ગર્ભનાળ છે જ નહીં... એ પ્રલય પછી ભૂખ અને તરસથી ટળવળતા અનેક માનવો અને પ્રાણીઓના ઉધ્ધાર માટે અવતર્યો છે.”

          તેણે બાળકના કુમળા ગાલને અડવા માટે હાથ લંબાવ્યો પણ એનો હાથ ધ્રુજતો હતો. બાળક જાણે તેની મનોવ્યથા કળી ગયું હોય તેમ તેણે પોતાનો કુમળો હાથ ઊંચો કર્યો અને ફૂલ જેવી નાજુક આંગળીઓ તેની તર્જની આંગળી ફરતે વીંટાળી. અવતારની દિવ્ય આંખો તેના મહોરામાં છુપાયેલા ચહેરાને જોઈ રહી એ એના માટે એક અહોભાગ્યની પળ હતી. તે બાળકની સુંદરતાને જોઈ નવાઈ પામ્યો કેમકે આટલું સુંદર બાળક એણે પહેલા ક્યારેય જોયું નહોતું. તે જાણતો હતો કે પોતે બાળકનો રક્ષક છે અને બાળકને તેડી શકે છે પણ એ બાળકને હાથમાં લેતા ગભરાતો હતો.

          ‘આ બાળક જ અવતાર છે અને મને એનો રક્ષક બનવાનો મોકો મળ્યો એ બદલ હું ધન્યતા અનુભવું છુ.’ તેણે સ્વગત કહ્યું.

          ઘોડિયાની બાજુમાં પલંગ પર બેભાન અવસ્થામાં સૂતી સુમતિ તેની આસપાસ શું થઈ રહ્યું છે તેનાથી બિલકુલ અજાણ હતી. તેનું પાતળું શરીર હોસ્પિટલ ગાઉનમાં હોપિસ્ટલની લીલી ચાદર પર ડાબે પડખે નિસપ્રાણ પડ્યું હતું. તેનો ડાબો ગાલ જૂની ભાતના ઓશિકા સાથે ચપોચપ દબાયેલો હતો. બેડ સીટ અને ઓશિકું એના શરીર માટે આરામદાયક હતા પણ એ કોઈ આરામને અનુભવી શકતી નહોતી. બાળકને જન્મ આપતા જ સુમતિએ ચેતના ખોઈ નાખી હતી. તેના હૃદયના ધબકારા સાથે ઊંચી નીચી થતી પાસળીઓ સિવાય કોઈ પુરાવો નહોતો કે સુમતિમાં હજુ પ્રાણ બાકી છે.

          તે બેભાન અવસ્થ્યમાં એક વિચિત્ર સપનું જોઈ રહી હતી. સપનામાં તેનું બાળક ઘોડિયામાં સૂતું હતું. ઘોડિયાના લાકડાના ઉપરના ભાગે એક પોપટ બેઠો હતો જે બાળકના અવાજનું અનુકરણ કરતો હતો. બાળક એનાથી ખુશ થઈ ખિલખિલાટ હસતું હતું. જોકે સપનામાં પણ સુમતિ જાણતી હતી કે પોતે જે જોઈ રહી છે એ અશક્ય છે કેમકે પ્રલય પછી મોર, પોપટ જેવા કેટલાય પક્ષીઓ લુપ્ત થઈ ગયા હતા.

          વિષ્ણુયશાએ જે કામ માટે મહોરાધારીને સંદેશ મોકલ્યો હતો એ મહત્વનો મુદ્દો રજૂ કર્યો, “આ બાળક અહી પાટનગરમાં ન રહી શકે.”

          તેણે ઘોડિયા તરફથી નજર હટાવી વિષ્ણુ તરફ જોયું પણ કશું બોલ્યો નહીં.

          વિષ્ણુયશા બોલતો રહ્યો, “પાટનગર અવતાર માટે જોખમી છે. પાટનગરના મધ્યમાં જે મદિર છે તેના પર ફરકતા વાવટાને લોકો ધર્મ પતાકા કહે છે પણ હકીકતમાં એ અધર્મ પતાકા છે. કળિપુરુષની દરેક ક્રૂરતાના પ્રતિક સમા એ અધર્મ પતાકાનો છાયડો પણ અવતાર પર ન પડવો જોઈએ. કમ-સે-કમ અવતાર યુવાન થાય અને એની આઠ અદમ્ય શક્તિઓને મેળવી ન લે ત્યાં સુધી તો નહીં જ.”

          મહોરાધારી રક્ષક પણ જાણતો હતો કે વિષ્ણુ સાચો છે. નિર્ભય, વેપારી અને દેવતા તેમજ બીજા લોકો જેને મંદિર કહેતા હતા એ કલીપુરુષનો મહેલ હતો અને એના પર ફરકતી ધજાને ભલે કોઈ ધર્મ પતાકા માનતું હોય તે જાણતો હતો કે એના પર ચીતરેલું ઘુવડ એ કલીપુરુષનું વાહન છે. એ ધજા અધર્મ પતાકા હતી અને અવતાર જેવા પાવન બાળક ઉપર એનો પડછાયો ન પડે એ જ ઠીક હતું.

          “હું અવતારને નિર્ભય સિપાહીઓના ગઢ ચતુષ્કોણમાં લઈ જાઉં તો?” તેણે પૂછ્યું.

          “અવતાર નિર્ભયના ચતુષ્કોણ કે વેપારીઓના વર્તુળ બેમાંથી ક્યાય સલામત નથી. દીવાલની આ તરફના દરેક રાજયમાં લોકો કારુના વફાદાર છે. મોટા ભાગના નિર્ભય સિપાહીઓ બાયોલોજિકલ ચેન્જથી બનાવેલા છે એટલે એમનું મન ક્યારેય કારુ વિરુધ્ધ જવાનું વિચારી શકે તેમ નથી.”

          “તો... મારે શું કરવું જોઈએ..?” પોતાની આંખોનો ભય છતો ન થઈ જાય એ માટે તેણે વિષ્ણુ તરફ જોવાને બદલે ઘોડિયા તરફ નજર કરી. અવતારની દિવ્ય આંખો હજુ તેને જ જોઈ રહી હતી.

          “તું અવતારનો રક્ષક છે, તારે શું કરવું એ તું સારી રીતે સમજે છે.” વિષ્ણુએ કહ્યું કેમકે એ જાણતો હતો કે એ એની ફરજ જાણે છે પણ અવતારને એવી જગ્યાએ મોકલવા તૈયાર નથી એટલે પૂછે છે.

          “દીવાલની પેલી તરફ...” તેણે ધીમા અવાજે કહ્યું, “શું એ શૂન્ય લોકોનો વિશ્વાસ કરી શકાય? એ પણ અવતાર માટે?” તેના અવાજમાં શૂન્ય લોકો પ્રત્યેનો અણગમો ઊછળતો હતો, “એ લોકો તો કારુને સાચો ભગવાન માની છેલ્લા પાંચસો વર્ષથી એની ગુલામી કરે છે. પાંચસો વર્ષથી જે લોકોએ માથું ઊચકવાની પણ હિંમત ન કરી હોય એવા લોકોને ભરોસે અવતારને મૂકી શકાય?”

          “તું જાણે છે દીવાલની પેલી તરફથી આવતા લોકોની દિવ્યયંત્ર વડે દૈવી પરીક્ષા કેમ લેવામાં આવે છે?”

          “ના.” તેણે નકારમાં માથું હલાવ્યું પણ હજુ તેના અવાજમાં રોષ યથાવત હતો.

          “કેમકે દીવાલની પેલી તરફ રહેતા શૂન્ય લોકો જ પૃથ્વી પર બચેલા છેલ્લા વાસ્તવિક માણસો છે. દીવાલની આ તરફના દેવતા, નિર્ભય અને વેપારી તો માનવે જીનેટિક એંજિનિયરિંગમાં સાધેલી પ્રગતિનું દુ:ખદ ફળ છે. તું જાણે છે કેમ કારુના નિર્ભય સિપાહીઓને મોતનો ભય નથી?” વિષ્ણુયશાએ પૂછ્યું અને પોતે જ ઉત્તર દીધો, “કેમકે પ્રલય પછીના વર્ષોમાં તેમના ડી.એન.એ.ને મોડીફાઈ કરી નાખવામાં આવ્યા હતાં જેથી કારુને એવા સિપાહીઓ મળી રહે જે નિર્ભય હોય. શું અવતારને તું આવા બનાવટી માણસો વચ્ચે રાખવા માગે છે?”

          “પણ શૂન્ય લોકો ભરોષાને લાયક નથી.” એ હજુ શૂન્ય લોકો વચ્ચે અવતારને લઈ જવા માંગતો ન હતો, “તેઓ ડરપોક છે અને જીવવા માટે ગમે તે કરવા તૈયાર છે. એમના પોતાના બાળકોને પણ કારુની ગુલામી કરવા મોકલે છે.”

          “હા, શૂન્ય લોકો ડરપોક છે કેમકે એ ખરેખર માણસો છે. ડર લાગવો એ માનવની એક સંવેદના છે જેમ પ્રેમ, ગુસ્સો, ભૂખ, તરસ, નફરત અને થાક જેવી લાગણીઓ માનવીય લાગણીઓ છે એ જ રીતે ભય પણ માનવીય લાગણી છે. ભય માણસને મૃત્યુથી બચાવે છે. ભય લાગવો એ માણસ હોવાની ઓળખ છે. એ ભય જ છે જે માણસને માણસ બનાવી રાખે છે. ભય વિનાનો માણસ હેવાન બની જાય છે.”

          “હા, પણ આપણે કોઈ રીતે અવતારને દીવાલની આ તરફની સુખ સુવિધાઓથી ભરપૂર દુનિયામાં ન રાખી શકીએ?” તેણે છેલ્લી દલીલ કરી.

          “પુરાણો મુજબ પણ અવતારને સિંહલમાં (શ્રીલંકામાં) ઉછરવું જોઈએ.” વિષ્ણુયશાએ કહ્યું.

          મહોરાધારીએ પોતે જે સાંભળ્યુ હતું એ યાદ કરતાં તેણે વચ્ચે બોલવાનું સાહસ કર્યું, “પણ એ દેશ તો હવે સમુદ્રમાં છે.”

          “હા, પણ આપણે અવતારને એ પ્રદેશથી બની શકે તેટલા નજીકના સ્થળે મોકલી દેવો જોઈએ.” પોતાના બાળકને પોતાનાથી દૂર મોકલવાનું કહેતા પણ વિષ્ણુયશાનો અવાજ જરાય ન ધ્રૂજયો. એના અવાજમાં એક દેવતાના અવાજમાં જેવી મક્કમતા હોવી ઘટે એ જ મક્કમતા હતી.

          “શૂન્ય લોકો સાથે?” તે સવગત બબડ્યો, “અવતાર અજ્ઞાની શૂન્ય લોકો વચ્ચે ઉછરશે?”

          વિષ્ણુયશાએ તેના ખભા પર હાથ મૂક્યો, “હું સ્ટેશન પર દિવ્યયંત્રનો સંચાલક છુ. દીવાલની પેલી તરફથી આવતા શૂન્ય લોકોની દૈવી પરીક્ષા લેવાનું કામ હું અનેક વર્ષોથી કરું છું એટલે મેં એક એવો પરિવાર શોધી કાઢ્યો છે જે ખરેખર અજ્ઞાની નથી પણ કારુથી બચવા માટે અજ્ઞાની હોવાનો ડોળ કરે છે.”

          “ખરેખર શૂન્ય લોકોમાં એવા માણસો છે?”

          “તો હું વેપારીઓની માલવાહક આગગાડીમાં છુપાવી પુસ્તકો અને ગ્રંથો શું અજ્ઞાની લોકો માટે મોકલતો હોઈશ...?” વિષ્ણુયશા હસ્યો, “મેં અનેક એવા શૂન્યોની દૈવી પરીક્ષા લીધી છે જેઓ સામાન્ય ત્રીસ કરતાં પણ વધુ આઈ.ક્યૂ. ધરાવે છે પણ મેં એ બાબતની જાણ કારુને ક્યારેય થવા નથી દીધી. હવે જે મહત્વની બાબત છે એ સાંભળ....” વિષ્ણુ તેના કાન નજીક મોં લઈ ગયો અને ધીમા અવાજે એક નામ કહ્યું.

          “શું એક પરિવારના ભરોસે અવતારને ત્યાં મૂકવા ઠીક રહેશે?” એ હજુ પણ શૂન્ય લોકો પર વિશ્વાસ કરવા માંગતો નહોતો.

          “તું જાણે છે કે અવતારમાં કારુ જેટલી જ શક્તિઓ છે. એની માનસિકશક્તિ દિવ્યયંત્રોને પણ માત કરવા સક્ષમ છે અને પાટનગર એવું સ્થળ છે જ્યાં માનવ શરીરને જોઈતી દરેક સુવિધાઓ છે પણ માનવના આત્માને પોષે તેવી કોઈ ચીજ નથી. જો અવતાર દીવાલની આ તરફ રહે અને કારુ જેમ ભૌતિક બાબતો તરફ આકર્ષાઈ કલિયુગનો સાથ આપવા લાગે તો સત્યયુગના આગમનની કોઈ શકયતા નહીં રહે.” વિષ્ણુની આંખો જરા ભીની થઈ, “આ બાળકનો પિતા હું છું છતાં હું એને મારાથી દૂર ગરીબ લોકો વચ્ચે મૂકવા તૈયાર થયો છું કેમકે એણે ભૌતિક સુખ સુવિધાઓવાળું જીવન નથી જીવવાનું. અવતારને દુખી લોકો વચ્ચે રહી એમના પર થતાં અન્યાય જોવાના છે. ગરીબ અને સામાન્ય લોકોના દરેક દુખ દર્દને જાતે અનુભવવાના છે. એ એક જ રસ્તો છે કે આપણે અવતારને સત્યનાં માર્ગ તરફ મોકલી શકીએ. દીવાલની આ તરફ રહી જો એ અંધકારને પસંદ કરી બેસે તો શું થશે એની કલ્પના કરતા પણ કાળજું કંપી ઉઠે.”

          “હું સમજી ગયો વિષ્ણુ...” તેણે કહ્યું, “બીજું કઈ?”

          “આવતીકાલનો સૂરજ ઊગતા પહેલા બાળકને પાટનગર બહાર સલામત પહોંચાડી આવ.” વિષ્ણુએ આદેશ આપતો હોય તેમ કહ્યું, “અને હા અવતારની ઉમર વધતાં એ સમજદાર થાય એ સાથે એને ખબર પડવી જોઈએ કે એ કોણ છે.”

          “કેમ?” તેણે કંઈક ભયથી પૂછ્યું અને ઉમેર્યું, “પણ એ જોખમી છે વી.યુ.”

          “મને ખબર છે કે એ જોખમી છે પણ જ્યાં સુધી એ પોતે કોણ છે એની જાણ એને નહીં થાય એ પોતાની આઠ અદ્ભુત શક્તિઓ નહીં મેળવી શકે. એ પોતે કોણ છે એ જ્ઞાન જ એને અભિજ્ઞાન કરાવશે.”

          આ બંનેની ચર્ચા ચાલતી હતી એ દરમિયાન સુમતિ હજુ હોસ્પિટલ બેડ પર અચેતન અવસ્થામાં એ જ સપનું જોઈ રહી હતી. એનું બાળક ઘોડિયાના પાયા આસપાસ ઉડતા પોપટને જોઈ હસતું હતું જ્યારે હકીકતમાં એનું બાળક એનાથી એટલુ દૂર જઈ રહ્યું હતું જે કલ્પના કરવી પણ અશક્ય હતી.

          “વિષ્ણુ તને નથી લાગતું સુમતિ ભાનમાં આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ.” મહોરાધારીએ બેડ પર બેભાન સુમતિ તરફ નજર કરી, “એ અવતારની મા છે. કમ-સે-કમ એને એકવાર બાળકને જોવાનો મોકો તો મળવો જ જોઈએ.”

          “એક મા તરીકે નવ મહિના જે બાળકને પોતાના પેટમાં ઉછેર્યો એ માતાને બાળકને જોવાની કેવી તીવ્ર ઝંખના હશે એ હું જાણું છુ પણ...” વિષ્ણુયશાનો અવાજ પહેલીવાર ઉદાસ થયો, તેણે જભ્ભાની બાયથી આંખો લૂછી, “સુમતિએ બાળકને જોયું જ નહીં હોય તો એને બાળકને ભૂલી જવામાં ઓછી તકલીફ થશે. આ બાળક માત્ર મારા અને સુમતિ માટે નહીં પણ આ દુનિયાના દરેક જીવના કલ્યાણ માટે અવતર્યું છે એ આપણે ભૂલી ન શકીએ.”

          “હા, હા.. એ સાચું છે.” તેણે આખો લૂછી.

એ જ સમયે ત્રીજો મહોરાધારી આદમી રૂમમાં દાખલ થયો. તેના હાથમાં નવજાત બાળક તેડેલું હતું. બાળક રાતા રંગના કાપડમાં હતું, “નિર્ભય સિપાહીઓની એક ટુકડીને વાનરરાજના સિપાહીઓએ સંભલા બહાર જ રોકી રાખી છે પણ સંભલામાં સ્થિત ચોકીનું નિર્ભય દળ હોસ્પિટલ તરફ કૂચ કરી રહ્યું છે.” તેણે કહ્યું.

“બાળક બદલ...” મહોરાધારી રક્ષકે ઘોડિયામાંથી બાળકને હાથમાં લીધું અને એક લાલ રૂમાલ તેની ફરતે વિટાળી પોતાની છાતીએ ચાંપ્યું. બાળક હજુ તેને જોઈ રહ્યું હતું. બાળકના ચહેરા પર સવારના પહેલા સિતારા જેવુ ચકતું સ્મિત ફરકતું હતું.

બીજો માણસ પોતાના બાળકને લઈને તેની પાસે આવ્યો. તેણે બાળકનો જમણો પગ પોતાના કપાળે અડાવ્યો અને બાળક તેના હાથમાં સોંપ્યું. બંને ભાઈઓ બાળક બદલતી વખતે જાણતા હતા કે પોતાનું બાળક અવતારની રક્ષા માટે કુરબાન કરવાનું છે. એક રક્ષક પથ્થરની જેમ હજુ દરવાજે જ ઊભો હતો.

          તેણે બાળક હાથમાં તેડી વિષ્ણુયશા તરફ ફરી નમસ્કાર કર્યા. વિષ્ણુયશાએ ફરી જભ્ભાની બાયથી આખો લૂછી અને કહ્યું, “વિજયી ભવ..”

          વિષ્ણુયશા જાણતો હતો કે આસું વહાવવાનો કોઈ અર્થ નથી. એનું બાળક દુનિયાના સૌથી શ્રેસ્ઠ હાથમાં છે. દુનિયાના સૌથી બહાદુર આદમી પાસે છે. એકવાર બાળક પાટનગર બહાર પહોંચી જાય તો એ સલામત રહેશે. નિર્ભય સિપાહીઓમાં સૌથી શ્રેષ્ઠ ત્રણ ભાઈઓ હોય ત્યાં સુધી આખી ચતુષ્કોણની ફોજ પણ બાળક સુધી પહોંચી શકે તેમ નહોતી.

          “ભાઈ...” એ તેના વચેટ ભાઈ તરફ ફર્યો, “હું અને ભાઈ બાળકને સલામત પાટનગર બહાર પહોંચાડી દઈશું. તું વિષ્ણુ અને સુમતિને કોઈ સલામત સ્થળે લઈ જા. ચોકી પરના નિર્ભય દળને અહીં પહોંચતા ઝાઝો સમય નહીં લાગે.”

          “હું ત્રણ રક્ષક સિપાહીઓ બહાર ગોઠવીને જ આવ્યો છું.” ત્રીજા ભાઈએ જવાબ આપ્યો એ જ સમયે શંખનાદ સંભળાયો. ત્રણેય ભાઈ સાવધ બની ગયા કેમકે શંખનાદનો એક શૂર રક્ષક સિપાહીઓએ આપેલી ખાસ સૂચના હતી. નિર્ભય દળ હોસ્પિટલ સુધી પહોચી ગયું હતું.   

          “ફરી મળીશું વિષ્ણુ…” તેણે કહ્યું, “ચિંતા ન કરીશ મારા જીવતા આખી નિર્ભય સિપાહીઓની ફોજ પણ બાળકનો વાળ વાંકો નહીં કરી શકે.”

          “મને ખાતરી છે, દોસ્ત..” વિષ્ણુ ફિક્કું હસ્યો, “એટલે જ તો એની રક્ષાનું કામ તને સોંપ્યું છે.”

          હોસ્પિટલના પ્રાગણમાં તલવારો ખણખણવા માડી હતી.

          તેણે એક ફિક્કું સ્મિત આપ્યું, એક છેલ્લી નજર સુમતિ તરફ કરી અને રૂમ બહાર નીકળી ગયો. વિષ્ણુ હૉલ-વેમાં આવી તેને બહારના અંધકારમાં ઓગળી જતાં જોઈ રહ્યો. અંધકારમાં પહોંચતા જ તેણે તેના ધનુષ બાણ હાથમાં લીધા. બાળકને છાતી સાથે રાતા કાપડથી બાંધી દીધું અને પ્રાગણમાં લડતા સિપાહીઓ પેલે પાર તીર કમાન લઈ તૈયાર બેઠા નિર્ભય દળના સિપાહીઓ તરફ નિશાન લાગાવ્યું. અંધારું તેના માટે મિત્ર હતું કેમકે એ ત્રણેય ભાઈઓ શબ્ધવેધી બાણવિધા જાણતા હતા. નિર્ભય સિપાહીઓ ભાથામાંથી તીર કાઢે કે પછી તીર છોડયા પછી તેમના ધનુષની પ્રત્યંચાનો રણકાર થાય તેટલો અવાજ એ ભાઈઓ માટે કાફી હતો. એક એક નાના સરખા અવાજને ઇશારે તેમના તીર નિર્ભય સિપાહીઓની છાતી ભેદી નાખતા હતા. થોડીક મિનિટોમાં લડાઈ પૂરી થઈ ગઈ. નિર્ભય દળના તમામ તેર સિપાહીઓ મરી પરવાર્યા.

          એક રક્ષક વિષ્ણુ અને સુમતિને સલામત સ્થળે ખસેડવા અંદર ગયો અને બીજો અવતારને લઈને અંધારમાં હોસ્પિટલના પાછળના ભાગમાં અદ્રશ્ય થઈ ગયો. ત્રીજો મુખ્ય દરવાજાથી બહાર નીકળ્યો જેથી કોઈ પીછો કરતું હોય તો તેની પાછળ આવે. અને સાચે જ તે એકલો નહોતો. તેની પાછળ કેટલાક પડછાયા ઇમારતોની આડશે ચાલતા હતા. અવતારને બીજી બાજુથી કાઢવાનો તેનો કીમિયો સફળ રહ્યો હતો. કારુના ગુપ્તચરો ખોટા બાળકની પાછળ જતાં હતા.

          હવે હોસ્પિટલના પ્રાંગણમાં કઈ નહોતું. બસ આકાશમાં કેટલાક તારા ચમકતા હતા અને વિષ્ણુ જાણતો હતો કે એ પણ કેટલીક કલાકોમાં બંને રક્ષકો અને બંને બાળક જેમ ત્યાથી ચાલ્યા જવાના છે.

          મહોરાધારી અને ધર્મસેનાના રક્ષક સિપાહીઓએ સુમતિ અને વિષ્ણુને રથ-245માં સંભલા બહાર નીકળતા પહેલા હોસ્પીટલમાં આગ લગાવી દીધી જેથી ત્યાં શું થયું હશે તેની જાણ કોઈને ન થાય. જે દિવ્યયંત્રમાં સુમતિએ બાળકને જન્મ આપ્યાની નોધ થઈ હતી તે દિવ્યયંત્રને પણ રાખમાં ફેરવી નાખ્યું.

ક્રમશ: