દશાવતાર - પ્રકરણ 18 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 18

          “વિરાટ..” છેવટે અનુજાએ વાત બદલી, “તમે બધા ભેગા થઈ અહીં વાદ વિવાદ કરશો કે કોઈ જઈને સુરતાને ઝૂંપડી બહાર નીકાળી સ્ટેશન જવાની હિંમત પણ આપશે?”

          અનુજાની વાત વાજબી હતી. સ્ટેશન ગયા વિના કોઈ છૂટકો નહોતો. જે નામ નોંધાયા હતા એ બધા સ્ટેશન જઈ આગગાડીમાં ન બેસે તો બીજા દિવસે આજ્ઞા ન માનનારા લોકોની ઝૂંપડીઓ પર આક્રમણ થાય અને નિર્ભય સિપાહીઓની નિર્દયતાનો સામનો કરવાનો વારો આવે.

          કદાચ મુંજન પણ સમજતો હતો કે સુરતાને સ્ટેશન જવા હિંમત આપવી જરૂરી છે એટલે એ પણ ચૂપ રહ્યો.

          “તો હવે અહીં ઊભા કેમ છો?” નીરદે કહ્યું, “ચાલો તેને સમજાવીને ઝૂંપડીનો દરવાજો ખોલાવીએ.”

          બધાએ તેની વાતમાં સહમતી દર્શાવી. વિરાટે ઝૂંપડીમાંથી સળગતી ફાનસ લીધી અને આરીદ સાથે નીરદ અને મુંજનની પાછળ સુરતાને સમજાવવા તેની ઝુંપડી તરફ ચાલવા લાગ્યો.

          એણે ફાનસ લીધી એ કારણ હવે સંધ્યા રાતમાં પલટાવા મંડી હતી. એ બધા સુરતાની ઝૂંપડીએ પહોંચ્યા ત્યાં સુધીમાં આકાશમાં માત્ર અને માત્ર તેમના જીવન જેમ અંધકાર અને કાળાશ જ બચી હતી.

          મુંજનની ઝૂંપડી બહારના થાંભલે ફાનસ સળગતું હતું એટલે વિરાટે એના હાથમાંનું ફાનસ બુઝાવી દીધું. માટીનું તેલ તેમને મર્યાદિત પ્રમાણમાં મળતું. લોકો અનાજ જેટલું જ મહત્વ માટીના તેલને પણ આપતા.

          થાંભલા પાસે રેતમાં બેસી ચરિતા રડતી હતી. તેમને જોતાં જ એ ઊભી થઈ અને નીરદને કહ્યું, “નીરદભાઈ, સુરતાએ પોતાને ઝૂંપડીમાં બંધ કરી નાખી છે.”

          વિરાટને પેટમાં ધ્રાસ્કો પડતો અનુભવાયો. એ ડરતો હતો તો સુરતા જેવી છોકરીને સ્ટેશન જતાં શું વિતતી હશે એ સમજી શકાય એમ હતું.

          “ચિંતા ન કરો ભાભી,” નીરદે તેને સાંત્વના આપી, “અમે બધા તેની સાથે છીએ.

          ચરિતાએ આંસુ લૂછી હકારમાં માથું હલાવ્યું. તેના વાળ અસ્તવ્યસ્ત હતા અને તેનો ચહેરો ઉદાસ હતો. એ એટલી પાતળી હતી કે ખભાને બદલે જાણે હાડકાં જ હોય તેવું લાગતું. ચરિતા દયાળુ અને સારા સ્વભાવની સ્ત્રી હતી. તેને જોતાં વિરાટને લાગતું કે જાણે પ્રલય પહેલાના દયાળુ ભગવાન તેના જેવા જ હશે. એને દીવાલની આ તરફની દરેક દુખી અને ઉદાસ માના ચહેરામાં ભગવાન દેખાતો. એ ભગવાનના આસું લૂછવા એ ગમે તે કરવા તૈયાર હતો. પ્રલય પછીના આ નવા ભગવાન સામે લડવા પણ તૈયાર હતો.

          નીરદે ઝૂંપડીના દરવાજે જઈ કહ્યું, “સુરતા બેટા, તું મને સાંભળે છે?” તેનો અવાજ નરમ હતો. સુરતા તરફથી કોઈ જવાબ ન મળ્યો.

          “દીકરી, જ્યારે પહેલીવાર દીવાલની પેલી બાજુ જવાનું થાય ત્યારે બધાને ડર લાગે છે પણ મારો વિશ્વાસ કર કે ત્યાં ડરવા જેવુ કશું નથી.”

          “ત્યાં છે.” ઝૂંપડીમાંથી સુરતાએ રડતાં રડતાં જ જવાબ આપ્યો, “ત્યાં ઘણું બધુ ડરવા જેવુ છે.”

          “હા, હું કાબુલ કરું છુ કે ત્યાં ડરવા જેવુ છે પણ સામે દીવાલની પેલી તરફ એવી સુંદર જગ્યાઓ પણ છે જે જોવા દરેક માણસે જીવનમાં કમસેકમ એકવાર તો દીવાલની પેલી તરફ જવું જ જોઈએ.”

          “ત્યાં કોઈ સુંદર જગ્યા નથી.” અંદરથી જવાબ આવ્યો.

          “કેમ?” નીરદે સમજાવ્યું, “તેં દીવાલ પેલી તરફથી આવતા સુંદર પક્ષીઓ નથી જોયા? ત્યાં કોઈ સુંદર જગ્યા ન હોય તો એ પક્ષીઓ ત્યાં કેમ રહે?”

          સુરતાએ જવાબ ન આપ્યો એટલે નીરદે બોલવાનું ચાલુ જ રાખ્યું, “સુરતા, આપણે નસીબદાર છીએ કે કારુ આપણને દીવાલની પેલી તરફ જવાનો અવસર આપે છે.”

          અહીં વિરાટને નીરદના શબ્દો ન ગમ્યા. એ કારુ કોણ છે જે અવસર આપે? પણ એ ચૂપ રહ્યો. ગુરુ જગમાલ કહેતા કે દીવાલની આ તરફ લોકો અનેક વર્ષોથી ગુલામીનું જીવન જીવે છે. શરૂઆતમાં લોકો કારુને ભગવાન સમજતા નહોતા પણ ધીમે ધીમે પેઢી દર પેઢી લોકોમાં તેનો ભય વધતો જ ગયો અને લોકો તેને ભગવાન સમજવા લાગ્યા હતા. એટલે જ વિરાટના અવતાર હોવાની હકીકત લોકોથી છુપાવી રાખવામા આવી હતી. લોકો સમજતા કે કારુ ભગવાન છે અને તેની વિરુધ્ધ વિચારવું પણ પાપ છે. એ માનતા કે દેવતાઓએ બનાવેલા કાયદાનું પાલન નહીં કરીએ તો ફરી પ્રલય આવશે અને બધુ તબાહ થઈ જશે. પણ જે બાળકો વાંચતાં લખતા શીખ્યા અને જ્ઞાનના પુસ્તકો સાથે સમય વિતાવ્યો એ સમજવા લાગ્યા હતા કે ખરેખર એવું કશું નથી. કારુ કોઈ ભગવાન નથી. પણ હજુ બાકીના શૂન્યો માટે એ ભગવાન હતો અને એ ફરી પ્રલય મોકલાશે એ ભય એવો લોકોમાં ધૂસી ગયો હતો કે કારુ માટે લોકો તેમના પોતાના બાળકોની બલિ ચડાવવા પણ તૈયાર થઈ જાય તેમ હતા.

          ગુરુ જગમાલ કહેતા કે નવી પેઢીના બાળકો જ્ઞાની છે. જ્ઞાની એટલે શું એ બાળકોને બરાબર ન સમજાતું પણ એ ચોક્કસ હતું કે જ્ઞાની બાળકોના મગજમાં એ વિચારો આવતા જે બાકીના શૂન્યો ક્યારેય ન વિચારી શકે. તેમના વિચારો અદૃશ્ય દીવાલોમાં કેદ નહોતા.

          “દીવાલની પેલી તરફ શું સુંદર છે?” સુરતાએ પુછ્યું, હવે એ રડતી નહોતી, “ત્યાં શું છે?”

          “જાત જાતના વૃક્ષો, જળબંધ, અલગ અલગ પ્રાણીઓ અને ખાસ સુંદરતા તો ભાત ભાતના પક્ષીઓ....” નીરદે નાના બાળકને ફોસલાવે એમ કહ્યું, “અને ત્યાં આકાશ પણ સુંદર છે.”

          મુંજન, આરીદ અને ચરિતા ચૂપચાપ એ સાંભળતા હતા. એમને વિશ્વાસ હતો કે નીરદ સુરતાને મનાવી લેશે. વિરાટને પણ તેના પિતા પર વિશ્વાસ હતો. લોકો સહેલાઈથી નીરદનો વિશ્વાસ કરતાં. પણ કાશ! સુરતાએ તેનો વિશ્વાસ ન કર્યો હોત!

          “જળબંધ એ શું છે?” સુરતાએ પુછ્યું, તેના અવાજમાં જાણવાની ઉત્સુકતા હતી. શું એ પણ નવી પેઢીના બાળકો જેમ જ્ઞાની હશે? વિરાટને થયું કેમકે કંઈક જાણવાની આતુરતા એ શૂન્ય લોકોનો સ્વભાવ નહોતો.

          “જળબંધ એ પાણીનો અવરોધ છે.” નીરદે સમજાવ્યું, “નદી કે ઝરણાના પાણીને પથ્થરની દીવાલ અવરોધે અને નાનકડો સમુદ્ર રચાય છે તેને જળબંધ કહેવાય. એ કુત્રિમ સમુદ્ર દક્ષિણના સમુદ્ર જેમ ખારા નહીં પણ મીઠા પાણીના છે.”

          “ત્યાં હજુ સુધી નદીઓ છે?” સુરતાએ શંકાશીલ અવાજે પુછ્યું, “લોકો તો કહે છે કે હવે દુનિયામાં માત્ર એક જ નદી છે.”

          “હા, લોકો સાચા છે. નદી તો એક જ છે પણ ત્યાં કેટલાય ઝરણા છે જેના પર જળબંધ બનાવેલા છે.”

          “ઝરણું શું છે?”

          “ઝરણું એટલે નાનકડી નદી. બિલકુલ તારા જેવી શરમાળ અને નિર્દોષ.” નીરદે કહ્યું. વિરાટને થયું કે તેના પિતા દેવતા હોવા જોઈએ. એ બોલવામાં એટલા હોશિયાર હતા. સમજાવવામાં એ એટલા પાવરધા હતા તો એ શૂન્ય કેમ?

          “કેમ દીવાલની પેલી તરફ ઝરણા છે?” સુરતાને નવાઈ થઈ, “કેમ દીવાલની આ તરફ ઝરણા નથી?”

          “કેમકે દીવાલની પેલી તરફ મધ્યપ્રદેશમાં મધ્યા નામનો એક ઊંચો પર્વત છે. એ પર્વત એટલો ઊંચો છે કે આકાશના વાદળો માટે અવરોધ બની જાય છે. વાદળો ત્યાં જ અટકી વરસી જાય છે એટલે ત્યાં ઝરણા છે.”

          વિરાટને પણ નવાઈ લાગી કેમકે નીરદ જે સમજાવતા હતા એ વૈજ્ઞાનિક ઢબ હતી. એ વિજ્ઞાનના નિયમો મુજબ વાત કરતા હતા. જોકે નીરદને ખબર નહોતી કે એણે જે સમજાવ્યું એ જ બધું બાળકો જ્ઞાનના પુસ્તકોમાં વાંચે છે. નીરદને કદાચ એ પણ ખબર નહોતી કે એ વિજ્ઞાનનો મહત્વનો નિયમ જાણે છે.

          “પણ મારે ત્યાં જોખમી કામ કરવા પડશે. ઊંચી ઇમારતોના સમારકામ કરવા ઉપર ચડવું પડશે. હું એ બધુ ક્યારે જોઈશ?”

          “કોણે કહ્યું?”

          “તો?” સુરતાએ પુછ્યું.

          નીરદ અને સુરતા વાત કરતાં હતા. કોઈ નીરદ જેટલું બોલવામાં અને સમજાવવા પાવરધું નહોતું એટલે કોઈએ વચ્ચે દખલ ન કરી.

          “જ્યારે શૂન્ય પહેલીવાર દીવાલની પેલી તરફ જાય ત્યારે એને વડીલો સાથે રહીને કામ શીખવાનું હોય છે.”

          “તમે અમથા એવું કહો છો એટલે હું ત્યાં આવું?”

          “ભલે પણ તને એવું લાગે છે કે તને ઇમારત એટલે શું એ ખબર પણ ન હોય ત્યારે એ લોકો તને એમાં કામ કરાવે?” એણે પુછ્યું, “એ એવા શહેર બનાવી રહ્યા છે જે ફરી પ્રલય આવે તો પણ ન તૂટે ત્યારે કોઈ અનુભવ વગરના માણસને એ કામમાં લગાવે એવું તને લાગે છે?” તેણે ચાલાકીથી ઉમેર્યું, “અનુભવ વગરનો માણસ તો ઝૂંપડી પણ બનાવી શકતો નથી, બનાવી શકે છે?”

          “ના, નથી બનાવી શકતો.” સુરતાએ કહ્યું, “પણ એ શહેર શું છે?” તેની વધુ જાણવાની આતુરતા જોઈ વિરાટને ઓર નવાઈ લાગી. એ જાણતો હતો આ સમયે દીવાલની આ તરફ અનેક ઝૂંપડાઓમાં વડીલો બાળકોને આ જ રીતે સમજાવી ફોસલાવી અને હિંમત આપી સ્ટેશને લઈ જવા તૈયાર કરતાં હશે.

          “તેં સાંભળ્યુ નથી પશ્ચિમમાં જ્યાં દીવાલ શરૂ થાય ત્યાં એક તબાહ થયેલું શહેર છે?”

          “અમદાવાદ..” સુરતાએ કહ્યું. “મારા પિતાજીએ મને એ શહેર વિશે કહ્યું છે.”

          “હા, અમદાવાદ, પણ શહેરો બહુ મોટા અને મજબૂત બની રહ્યા છે. એવા શહેરો જે ફરી પ્રલય આવે તો ભુક્કો ન થઈ જાય, પ્રલય સામે પણ ટકી રહે.”

          “તો તો મારે પણ એવા શહેરો બનાવવા ફાળો આપવો જોઈએ જે પ્રલયમાં પણ ન તૂટે અને લોકોને પ્રલય પણ મારી ન શકે.”

          “હા, પણ એ માટે તારે ત્યાં આવી બધુ શીખવું પડે.” નીરદે કહ્યું.

          “હું આવીશ.”

          “ત્યાં આવવા તારે આ દરવાજો ખોલી બહાર આવવાની હિંમત કરવી પડે.”

          સુરતાએ કશું જવાબ ન આપ્યો પણ થોડીવારમાં દરવાજો ખોલી બહાર આવી. તેની મા દોડીને તેને બાજી પડી. એક પળ સુધી મા દીકરી એકબીજાને ભેટીને ઊભા રહ્યા. બીજી પળે બંને રડવા લાગ્યા. બંને રડતાં હતા પણ વિરાટને માના આસુ અલગ દેખાયા. એ આસુમાં પ્રેમ, દયા, કરુણા અને દીકરીને આપવા માટે હિંમત બધું જ હતું. માના પ્રેમના આસુમાં સુરતાનો ભય ક્યાય ઓગળી ગયો.

          હકીકતથી અજાણ સુરતા માટે માની હુંફમાં એ પળભરનો સમય સ્વર્ગ અને મુક્તિ હતા કેમકે એ પછીની દરેક પળ તેને દીવાલની પેલી તરફની દુષ્ટ અને કડવી દુનિયામાં વિતાવવાનો હતો.

          વિરાટે તેના પિતા તરફ જોયું ત્યારે નીરદના ચહેરા પર આછું સ્મિત ફરકતું હતું અને વિરાટને શક થયો કે કદાચ તેના પિતા પણ જ્ઞાની છે પણ એ બધાથી આ હકીકત છુપાવી રાખે છે.

ક્રમશ: