Dashavatar - 17 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 17

           બધાને વિદાય આપીને વિરાટ જ્યારે તેની ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે સૂરજ પણ જાણે તેની જેમ જ આખા દિવસનો થાકી ગયો હોય એમ ઝાંખો થવા લાગ્યો હતો. ક્ષિતિજ પર પશ્ચિમમાં રતુંબડી જાય ફેલાવી એ ડૂબવાની તૈયારીમાં હતો. આખું આકાશ જાણે ભડકે બળતું હોય તેમ રાતી જાય આકાશની છાતીને ચીરીને શેરડા પાડતી હતી. એક પળ માટે તો એને થયું જાણે સૂરજ પણ આ કળિયુગમાં અંધકાર સામે છેલ્લી લડાઈ લડતો હોય પણ એ અંધકારનો યુગ હતો અને અંધકાર થોડાક સમયમાં જ આકાશમાં પોતાનું સામ્રાજ્ય જમાવી લેશે એ સ્પષ્ટ દેખાતું હતું. આ યુગમાં ઉજાસ પર અંધકાર હાવી થઈ જાય એ દેખીતું હતું. આકાશમાં લાલી હવે લાલમાથી કેસરી અને પછી ઝાંખા કાળા રંગમાં ફેરવાઈ રહી હતી.

             લોકો કહેતા કે પ્રલય પહેલા સંધ્યા સુંદર રહેતી. પક્ષીઓના ટોળે ટોળાં આકાશમાં દેખાતા. દિવસભર ચણની તપાસમાં આમતેમ ફરતા પક્ષીઓ સંધ્યાના રંગ દેખાતા જ તેમના વહાલા બચ્ચાઓ પાસે માળા તરફ જતા. વિરાટે એવા પક્ષીઓના ટોળાં ક્યારેય જોયા નહોતા. કાશ! મને એ બધુ જોવા મળ્યું હોત! એ વિચારતો પણ તેની દુનિયામાં હવે રેતના તોફાન, અસહ્ય ઠંડી અને કાળજાળ ગરમીનું રાજ હતું.

            દીવાલની આ તરફ ગણ્યાગાંઠયા પક્ષીઓ હતા. ક્યારેક આ પક્ષીઓ કરતાં દેખાવે અલગ પક્ષી દીવાલની પેલી તરફથી આહીં આવી ચડતું ત્યારે તેને જોવા બાળકોના ટોળાં ભેગા થઈ જતાં અને અમુક મિનિટોમાં તો એ બાળકો એ પક્ષી માટે હજારો નામ શોધી કાઢતા.

            વિચારો વેગે ચડે એ પહેલા તેમનાથી પીછો છોડાવી વિરાટ પ્રાગણમાં દાખલ થયો. ઝૂંપડી બહાર થાંભલા પર ફાનસ સળગતું હતું. તેની માને અંધારાનો બહુ ભય લાગતો. મોટા ભાગે શૂન્યો અંધકારથી ડરતા. લોકો સમી સાંજે ફાનસો સળગાવી ડેતા. સ્ત્રીઓ એમ માનતી કે અંધારું એ અશુભની નિશાની છે. દિવસે કલ્પના પણ ન થઈ શકે તેવી મુસીબતો અંધારું તાણી લાવી છે. લોકો દિવસને શક્તિશાળી સમજતા. વિરાટની મા પણ કહેતી કે દિવસનું અજવાળું સત્ય અને ધર્મનું સાથી છે. દિવસે તમારી હામ અને શક્તિ વધારે હોય છે.

           એ પ્રાગણમાં ખાટલા પર બેઠો. નીરદ પથ્થર ઉપર ઘસીને તેના ઓજારોની ધાર કાઢતા હતા. તેણે વિરાટ તરફ જોઈ સ્મિત ફરકાવ્યું અને તેના હાથમાં પકડેલી શેણીને તેજ કરી તેને ખાટલાની ઈશ પર મૂકી.

          “હાથ ધોઈ લે.” અનુજાએ ઝૂંપડી બહાર આવી કહ્યું “જમવાનું તૈયાર થઈ ગયું છે.”

          એણે ઝૂંપડાં બહાર મુકેલા માટીના ઘડામાંથી પાણી લઈ હાથ-મોં ધોયા અને કહ્યું, “હું તૈયાર છું.”

          બધા ફાનસના અજવાળે પલાંઠીવાળી બેઠા. અનુજા અને નીરદે ભગવાનને પ્રાર્થના કરી. ખબર નહીં એ ક્યાં ભગવાનને પ્રાર્થના કરતાં પણ ભોજન પહેલા ભગવાનનો આભાર માનતા. કદાચ પ્રલય પહેલા જે ભગવાન આકાશમાં રહેતા અને દયાળુ હતા એ ભગવાનને એ છાને છાને હજુ સુધી પૂજાતા હતા.

          વિરાટ દીવાલની પેલી તરફ જવાનો હતો માટે અનુજાએ ભાત, દાળ, અને ઘઉની રોટલી પણ બનાવી હતી. જમતી વખતે વાત ન કરવી એ જ્ઞાન તેમને જ્ઞાનના પુસ્તકોમાંથી મળ્યું હતું. જમવા માટે પલાંઠીવાળીને બેસવું એ પણ જ્ઞાનના પુસ્તકોની મહેરબાની હતી.

          તેમણે ભોજન પતાવ્યું અને અનુજાએ માટીના વાટકા અને બીજા વાસણો ધોવા માટે ચોકડીમાં મૂક્યા.

          “તો હવે તૈયાર?” નીરદે ઊભા થઈ કહ્યું, “કે હજુ કોઈને મળવાનું બાકી છે?”

          “ના, બધાને મળી લીધું.” વિરાટે કહ્યું, “હું તૈયાર છું.”

          “તારા કપડાં..” અનુજા વાસણ ચોકડીમાં મૂકી ઝૂંપડીમાંથી તેનો થેલો લઈ આવી. એણે થેલો વિરાટ પાસે રેતમાં મૂક્યો. એ કોટનના જાડા કાપડનો બનેલો બે ફૂટ કરતાં પણ લાંબો અને ઓસીકા જેવો ગોળ થેલો હતો. એ શૂન્યોના પરિધાન જેમ જ ખાખી રંગનો હતો. ત્રણ દિવસ પહેલા જ નીરદ વિરાટ સોળ વર્ષનો થશે એવી નોંધ કલેકટર ઓફિસે કરાવી આવ્યા હતા. દીવાલની આ તરફ જે પણ યુવક સોળ વર્ષનો થાય તેની નોંધણી ફરજિયાત હતી. નોધણીના સમયે તેના માટે કામ પર પહેરવાના જોડા, એક થેલો અને બીજા કેટલાય ઓજારો આપવામાં આવતા. વિરાટના ઓજારો અને સમારકામ વખતે જરૂરી નીરદના ઓજારો પણ એ થેલામાં હતા. થેલાને ખભા પર ભરાવવાના અને હાથમાં પકડવાના બંને જાતના પટ્ટા હતા. થેલા પર એક કાળા રંગનું વર્તુળ દોરેલું હતું જે શૂન્ય માટેના થેલાની નિશાની હતી.

          “આભાર, મા.” વિરાટે થેલા તરફથી નજર હટાવી અનુજા તરફ જોયું. એ કશું બોલી નહીં પણ તેને બાજી પડી. વિરાટનો ચહેરો તેના જમણા ખભા પર હતો. હડપચી એના ખભાના હાડકાંની ધ્રૂજારી સાથે હલી ત્યારે વિરાટને સમજાયું કે એ રડતી હતી. ફાનસના અજવાળામાં એમનો પડછાયો પણ જાણે રડતો હતો. જાણે માના આસુ કહેતા હતા કે દીકરા ગમે તે થાય જીવતો પાછો આવજે. હું તારા વગર નહીં જીવી શકું.

          શું એ લાગણી દીવાલની આ તરફ દરેક માની હતી? કેમ ન હોય? આજે આગગાડીમાં જનારા દરેક યુવકની મા એક મા હતી. માનો પ્રેમ એ જ હતો. વિરાટની આંખોમાં આસુ આવે એ પહેલા લોહી ધસી આવ્યું. કેમ? કેમ તેના લોકો પર આ જુલ્મ કેમ? કેમ આ ગુલામીની સાંકળો? કેમ બાળક હજુ માંડ સમજતું થાય એ સાથે જ એને મોતના કૂવા જેવી ઇમારતોના સમારકામમાં લાગી જવાનું? કેમ દીવાલની આ તરફની માતાઓના હૃદયના દુખને કોઈ સમજતું નથી? કેમ?

          “બેટા, મને વચન આપ કે તું તારી જાત પર કાબૂ રાખીશ?” અનુજા હજુ રડતી હતી, “ભલે તારી આંખો સામે ગમે તે અન્યાય થાય તું ચૂપ રહીશ?”

          “મા, આ તું શું કહે છે?” તેણે કહ્યું, “આવું વચન હું કઈ રીતે આપી શકું?”

          “તારે આપવું જ પડશે.” એ વિરાટની જીદ જાણતી હતી, “તને તારી માના સોગન છે.”

          “મા, તું મને ધર્મસંકટમાં મૂકી રહી છે.” એ ગુસ્સે થઈ ગયો, “એક તરફ તું મને અવતાર કહે છે અને બીજી તરફ અન્યાય સામે અવાજ ન ઉઠાવવાના સોગન આપે છે.”

          “તું અવતાર પછી છે પણ મારા કાળજાનો ટુકડો પહેલા છે.” અનુજાના આસુ હજુ એમ જ વહેતા હતા, “હું તારી સલામતી ન ઇચ્છું?”

          એ અનુજા પાસે રેતમાં બેઠો, તેના ખભા પર મૂકી કહ્યું, “મા, મને કશું નહીં થાય.”

          નીરદ પણ તેની પાસે રેતમાં બેસી ગયો, “હું તેની સાથે છું, અનુજા.” તેણે પણ અનુજાનો હાથ હાથમાં લઈ પંપાળ્યો, “હું તેની કાળજી રાખીશ.”

          એક પળ અનુજા નીરદને જોઈ રહી પછી હથેળીથી આસુ લૂછયા, “હું પણ પાગલ છું. તમે છો ને તેની સાથે. તમે એનું ધ્યાન રાખશો ને..” અનુજાએ ફરી આંસુ લૂછયા અને પોતાની જાતને જ ઠપકો આપ્યો, “મારે રડવું ન જોઈએ. મુસાફરીના સમયે સ્વજનનું રડવું અશુભ કહેવાય.”

          “મા, તું રડે કે હસે બંને સમયે તારું હ્રદય તો મને આશીર્વાદ જ આપતું હોય છે.” વિરાટે કહ્યું, “માની કોઈ વાત અશુભ ન હોઈ શકે. મા તો શ્રાપ આપે તો એમાં પણ કોઈને કોઈ આશીર્વાદ છુપાયેલા હોય.”

          હવે વિરાટના અવાજમાં પણ હળવી ધ્રૂજારી ભળવા લાગી હતી. માને મહિનાઓ માટે એકલા છોડીને જવાનું હતું એ હકીકત જાણે હવે એકાએક પથ્થર બની તેની છાતી પર વજન આપતી હતી. તેણે આંખમાં ધસી આવતા આસુ પાછા વાળવા દાંત ભીંસયા. પોતાની મનોવ્યથા છુપાવવા કોશિશ કરી પણ ચહેરો જાણે હ્રદયના ભાવની ચાડી ખાઈ ગયો. એને લાગ્યું કે પોતે હવે ટકી નહીં શકે. એને રડવું હતું પણ ત્યાં મા સામે નહીં. તેને એકલા રડવું હતું. ભલે આગગાડીમાં કે દીવાલની પેલી તરફ પહોંચ્યા પછી. આમ મા સામે રડી એ એની હિંમત તોડવા નહોતો માંગતો પણ આસુ જાણે કાબુમાં જ ન રહ્યા.

          અનુજાએ વિરાટના આસુ લૂછયા, “તું અવાતર છે. તારે રડવાનું ન હોય.” એકાએક અનુજા જાણે વિરાટ અને નીરદ કરતાં પણ મજબૂત બની ગઈ, “તને ઈશ્વરે દીવાલની આ તરફના લાચાર શૂન્ય લોકોના આસુ લૂછવા મોકલ્યો છે.” અનુજાનો અવાજ હવે સમુદ્રના મોજા જેવો લાગવા માંડ્યો હતો, “વિજયી ભવ.”

          એ જ સમયે પડોશી મુંજન અને તેનો દીકરો આરીદ તેમના પ્રાગણમાં દાખલ થયા, “વાહ ભાભી, આવી હિંમતવાળી મા હોય તો જ દીકરા બહાદુર બને.” મુંજને આવતા જ કહ્યું, “એ જરૂર વિજયી થશે.”

          વિરાટે મનોમન ભગવાનનો પાડ માન્યો કેમકે તેમના પાડોશી આવી ગયા એટલે એ આંસુ રોકી શક્યો. મુંજન નીરદનો ખાસ મિત્ર હતો. નીરદ ઘણીવાર વિરાટને કહેતો કે એ બંને પહેલીવાર દીવાલની પેલી તરફ એક સાથે ગયા હતા. એ બાળમિત્ર હતા. જોકે વિરાટ અને આરીદ વચ્ચે એવી દોસ્તી થઈ નહોતી. એ પડોશમાં રહેતા અને એકબીજાને ઓળખતા પણ તેમની વચ્ચે ખાસ મિત્રતા નહોતી.

          આરીદ હજુ નાનો હતો એટલે એટલો મજબૂત ન દેખાતો પણ મુંજન નીરદ જેટલો જ ઊંચો અને મજબૂત હતો. તેની દાઢી અને મૂછના વાળ ભરાવદાર હતા. એ દાઢી મૂછ વધારીને જ રાખતો. તેના ચહેરા પર એ વધેલા દાઢીમૂછ ઓપતા. એ સ્વભાવે ગુસ્સેલ આદમી હતો અને વિરાટને નવાઈ લાગતી કે તેની અને તેના પિતાની દોસ્તી કઈ રીતે ટકી હશે કેમકે નીરદ સ્વભાવે એકદમ શાંત હતા. બંને એકદમ વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં સારા મિત્રો હતા.

          “હા, તો હવે દીવાલની પેલી તરફ જવા તૈયાર છે, નીરદ.” તેણે પુછ્યું. તેનો અવાજ શાંત હતો જાણે તેઓ દીવાલની પેલી તરફ જોખમી કામ કરવા નહીં પણ ક્યાક ફરવા જવાના હોય. વિરાટને ઘડીભર માટે તેની ઈર્ષા થઈ આવી કે પોતે તેના જેટલો શાંત કેમ નથી?

          “હા, તૈયાર જ છીએ.” નીરદે કહ્યું, “આરીદ સોળ વરસનો થઈ ગયો?”

          “ના, એ હજુ નાનો છે પણ સુરતાને ગયા મહિને જ સોળ થયા. એ સાથે આવવાની છે.”

          સુરતા સાથે આવવાની છે એ સાંભળતા જ વિરાટનો ચહેરો ઉતરી ગયો. શૂન્ય છોકરીઓ દીવાલની પેલી તરફ કામ કરવા જાય એ તેનાથી જોયું ન જતું. એ પડોશી હતા એટલે વિરાટને ખબર હતી કે સુરતા ડરપોક હતી. એ છેકથી દીવાલની પેલી તરફ જવાથી ડરતી. કાશ! શૂન્ય છોકરીઓને ત્યાં કામ કરવા ન જવું પડતું હોય!

          “પણ એ ડરે છે.” આરીદે કહ્યું, “સુરતા દીવાલની પેલી તરફ જવાથી ડરે છે.”

          “એ કાયર છે.” મુંજને કહ્યું. તેના શબ્દો સાંભળી વિરાટની ગરદન તેની તરફ ફરી. તેની આંખો મુંજનની આંખોથી મળી. એ પોતાની દીકરીને આમ કાયર કઈ રીતે કહી શકે. તેને ગુસ્સો આવ્યો.

          “વિરાટ...” અનુજાએ તેનું બાવડું પકડી કહ્યું, “મેં તને કહ્યુંને કે તારે ગુસ્સા પર કાબૂ રાખવો પડશે.”

          નીરદે આરીદ તરફ જોયું એટલે તેણે આગળ કહ્યું, “સુરતાએ પોતાને ઝૂંપડીમાં બંધ કરી નાખી છે.”

          “તેની મા જેમ કાયર પાકી છે.” મુંજને ચિડાઈને કહ્યું. વિરાટે અનુજાના હાથમાંથી બાવડું છોડવ્યું.

          “દીવાલની પેલી તરફ ડરવા જેવુ શું છે?” મુંજને પોતાનું વાક્ય પૂરું કર્યું.

          ગુસ્સાને લીધે વિરાટના મગજમાં હ્રદય જેવા ધબકારા સંભળાવા લાગ્યા. કોઈ ડરે તેનો અર્થ એ નથી કે એ કાયર છે. દરેક માણસમાં ડર હોય છે. સુરતાને સમયની જરૂર હતી. એ પહેલીવાર દીવાલની બીજી તરફ જવાની હતી એ માટે માનસિક તૈયાર થતાં એને વાર તો લાગે એમાં કોઈ નવાઈ નહોતી.

          “દીવાલની પેલી તરફ ડરવા જેવુ છે.” આરીદે દલીલ કરી, “એવું ન હોય તો બધા કેમ કહે છે કે ત્યાં ડર છે?”

          “એવું તને કોણે કહ્યું?” મુંજનનો અવાજ ઊંચો થયો.

           “બીજા છોકરાઓએ.” આરીદે જવાબ આપ્યો. એ જવાબ આપતા પણ ડરતો હતો.

          “તો એવા કાયર અને ગભરુ છોકરાઓ સાથે ફરવાનું બંધ કરી દે.” મુંજન લગભગ રાડ પાડીને બોલ્યો.

          વિરાટના શરીરમાં ધ્રૂજરી થવા લાગી. તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેના દાંત ભીંસાંયા અને જડબા તંગ થયા.

          “મુંજનકાકા,” એ વચ્ચે બોલ્યા વગર ન રહી શક્યો, “બધાને કાયર કહેવાવાળા તમે કોણ છો?” તેણે કહ્યું, “કાયર જ ને? કેમ તમારી હિંમત એ નિર્ભય સિપાહીઓની આંખોમાં આંખ મિલાવી વાત કરવાની નથી ને?”

          “વિરાટ..” નીરદે વિરાટ સામે જોયું.

          પણ વિરાટ રોષ ઠાલવ્યા વગર ન રહી શક્યો, “તમે કાયર નથી તો શું છો? કેમ આપણી દીકરીઓને દીવાલ પાર કામ કરવા જવું પડે ત્યારે બહાદુર બની તેનો વિરોધ નથી કરતાં?”

          “નીરદ, તારા દીકરાનો મિજાજ આવો રહેશે તો દીવાલ પેલી તરફથી પાછો નહીં આવે.” મુંજને નીરદ સામે જોયું.

          નીરદ જવાબ આપે એ પહેલા જ વિરાટે કહ્યું, “મારે તમારા જેવા કાયરો સાથે જીવવા પાછા આવવું પણ નથી.”

          અનુજા સ્તબ્ધ થઈને ગુસ્સામાં ધ્રુજતા દીકરાને જોઈ રહી....

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED