દશાવતાર - પ્રકરણ 19 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 19

          રાતના દશેક વાગ્યા હતા. સાંજનું અંધારું ઢળ્યા પછી દીવાલની આ તરફ ભૂત અને રાક્ષસોનો સમય ગણવામાં આવતો. લોકો ઝૂંપડી બહાર નીકળવાનું પસંદ ન કરતાં પણ એ રાતે અંધારા કે ભૂતનો કોઈ ડર નહોતો. લોકો કારુના કામ માટે જઈ રહ્યા હતા અને એમને ખેલેલ કરવાની ભૂલ કોઈ રાક્ષસ પણ ન કરે તેવી લોકોમાં અફવાઓ હતી.

          તેઓ સ્ટેશને પહોંચ્યા એ પછી પણ લોકોના ટોળાં સ્ટેશન તરફ આવતા હતા. વિરાટ સ્ટેશન પહેલીવાર જોઈ રહ્યો હતો. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સ્ટેશન આવી જગ્યા હશે. ચારે તરફ લોખંડ હતું અને આખા સ્ટેશન ફરતે લોખંડની કાંટાળા તારની વાડ હતી. અંદર જવા માટે સ્ટેશનનો આગળનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. સ્ટેશનને બે મુખ્ય દરવાજા હતા પણ પાછળનો દરવાજો આગગાડીમાં દીવાલની પેલી તરફથી પાછા ફરનારા લોકો માટે હતો. હજુ આગગાડી આવી નહોતી.

          સ્ટેશન તરીકે ઓળખાતી એ ઇમારત પણ એવું જ લોખંડના અને સિમેન્ટના વિશાળ પાયાઓ પર ઊભું બાંધકામ હતું. જાણે કોઈ ઘરડો રાક્ષસ અંધકારમાં ઊભો હાંફી રહ્યો હોય એમ એ ઇમારત દયનીય સ્થિતિમાં હતી. ઠેક ઠેકાણે દીવાલોના પોપડા ઉખડી ગયા હતા. દીવાલોનો અસલ રંગ ક્યો હશે એ ધારણા કરવી પણ મુશ્કેલ થઈ પડે. ઇમારતના મૂળ બાંધકામની શૈલીનો પણ તાગ આવી શકે તેમ નહોતો કેમકે અવારનવાર કેટલીયે વાર સ્ટેશનનું સમારકામ થતું એટલે જ ઠેક ઠેકાણે જાણે લોખંડના થીગડા મારેલા હોય તેવું દેખાતું હતું.

          લગભગ બસો કરતાં પણ વધારે શૂન્યો – સ્ત્રી, પુરુષો, યુવક અને યુવતીઓ સ્ટેશનના મેદાનમાં ભેગા થયા હતા. દરેકના ચહેરા પર ભય હતો. જોકે આધેડ વયના શૂન્યોના ચહેરા ભાવશૂન્ય હતા કેમકે એ ખરેખર શૂન્ય હતા. તેમના માટે જાણે માનવ હોવાની યાદો પણ ભૂંસાઈ ચૂકી હતી. બાકીના શૂન્ય ચહેરાઓ પર અલગ અલગ ભાવ હતા પણ બધાના ચહેરા પર એક ભાવ સમાન્ય હતો - ભય.  

          દરેક શૂન્ય પુરુષ કે યુવક તેમના પરિધાન મુજબ કાળા પાટલૂન અને ખાખી શર્ટ અને એવા જ રંગના થેલા સાથે અચંબા ભરી નજરે સ્ટેશનની ઇમારતને નિહાળતો હતો. શૂન્ય સ્ત્રીઓ અને યુવતીઓ તેમના પરિધાન મુજબ કાળા સ્કર્ટ અને ખાખી કાપડના જરાક અલગ બાનવટથી સ્ત્રીઓ માટે ખાસ સિવેલા પહેરણમાં હતી. દરેક યુવક અને યુવતી માટે સ્ટેશન એ તેમણે જોયેલી સૌથી વિશાળ અને ન સમજાય તેવી રચના હતી. બધાના હાથમાં વિરાટ જેમ જ વજનદાર ખાખી રંગના ઓજારો અને કપડાં ભરેલા થેલા હતા. કોઈ કોઈએ થેલા ખભે ભરાવી રાખ્યા હતા પણ મોટેભાગે બધાએ વિરાટ જેમ હાથમાં જ રાખ્યા હતા. યુવકો અને યુવતીઓના વસ્ત્રોમાં માત્ર રંગની જ સામ્યતા નહોતી. એ સિવાય પણ એક સામ્યતા હતી. બધાને કલેટકટર ઓફિસેથી એક જ જેવા જોડા મળતા. પરિધાન મુજબ એ જોડા ઘૂંટણ સુધી આવતા અને લેધર તરીકે ઓળખાતી કોઈ વસ્તુના બનેલા હતા. શૂન્યો તેને ચામડાના જોડા કહેતા.

          યુવકો ગૂંચવાયેલા હતા. એ જે જોઈ રહ્યા હતા એ સમજી શકવું તેમના માટે મુશ્કેલ હતું. વિરાટની જેમ પહેલીવાર સ્ટેશન જોનારા બધા એ રાક્ષસી ઇમારતને પચાવી શકતા નહોતા. કેટલાક તો એ ઇમરતમાં દાખલ થતાં પણ ડરતા હતા. તેમની સાથે આવેલા વડીલો તેમને સમજાવી ફોસલાવીને અંદર લઈ આવતા હતા.

          આકાશમાં ચંદ્ર કાળા વાદળોમાં સંતાકૂકડી રમતો હતો. આમ પણ અંધારિયું હતું એટલે એમાં ખાસ અજવાળું નહોતું. આઠમનો અધૂરો ચંદ્ર પણ જાણે શૂન્યો જેમ ચિંતિત અને ડરેલો દેખાતો હતો. જોકે સ્ટેશનમાં ચારેકોર અજવાળું હતું. દીવાલની આ તરફ એકમાત્ર સ્ટેશન એવું સ્થળ હતું જ્યાં વીજળી હતી. તેના લાંબા અને સાપ જેવા દોરડા અને હજારો ફાનસ એકસાથે સળગાવી હોય તેવો ઉજાસ ફેલાવતા વીજળીના ગોળા શૂન્ય માટે નવાઈનું કારણ હતા. કેટલાક લોકો તેને જાદુઇ ચીજ સમજી ડરતા પણ ખરા. કેટલાક શૂન્ય માનતા કે દેવતાઓ એ આકાશી વીજળીને કેદ કરી જનરેટર કહેવાતા તોતિંગ મશીનમાં કેદ કરી રાખી છે પણ એ વીજળી કેદ રહેવા માંગતી નથી પરિણામે તેને બાંધેલા દોરડાને અડતાંની સાથે જ માણસ બળીને રાખ થઈ જાય છે.

          સૌથી નવાઈ પમાડે તેવું મશીન જનરેટર હતું. વિરાટ વિચારતો કે જ્યારે તેને સ્ટેશન જવાનો મોકો મળશે એ ત્યાં જઈને એ મશીનને સમજશે અને દેવતાઓ કેવી રીતે વીજળી પેદા કરે છે એ રહસ્ય જાણી લેશે પણ એ તેની ભૂલ હતી. જનરેટર કોઈ હિસાબે ન સમજી શકાય તેવું રાક્ષસી મશીન હતું. એ ચારેક ઝૂંપડીઓ જેટલું મોટું હતું અને દરિયાના ઉછળતા મોજા જેવો અવાજ કરતું એટલે જ કેટલાક શૂન્ય મક્કમતાથી સાથે કહેતા કે તેમાં આકાશી વીજળી કેદ છે અને બહાર નીકળવા રાડારાડ કરે છે.  

          વિરાટ એ આકાશી વીજળી કેદ હોવાની વાતને નકારતો. તેને ખબર હતી કે એ વીજળી પેદા થવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હશે પણ એ સમજી શકાય તેમ નહોતું. કોઈ રહસ્યમય રીતે એ મશીન વીજળી પેદા કરતું હતું. વિરાટ તેને તાકી રહ્યો. બસ તેમાં પણ આસપાસની જેમ લોખંડ હતું. બાકી બધા તાર આમતેમ ગૂંચળાની જેમ બાંધેલા હતા. કેટલાક ચક્રો તેજ ગતિએ ફરી તેમની સાથે જોડાયેલા મોટા પટ્ટાને ફેરવતા હતા. એમાં બોલ્ટ, ગિયર, ઉચ્ચાલન, રોડ, ચક્રો, ફરતા પટ્ટા, સ્ક્રૂ, ટ્યુબો, ચેનલો અને પાઇપો ન સમજી શકાય એવી જટિલ રચનામાં ગોઠવેલા હતા. જનરેટરનો નીચેનો આખો ભાગ કાટ લાગી ખવાઈ ગયો હતો છતાં એ કામ કરતું હતું.

          વિરાટને ગુરૂ જગમાલે એ મશીન વિશે કેટલીયે વાતો કહી હતી અને તેને અમુક પુસ્તકોમાં પણ જનરેટર વિશે જાણવા મળ્યું હતું. તેને એમ લાગતું કે તે એ મશીનને સમજી લેશે. એ એક દિવસ વીજળી કઈ રીતે બને છે એ રહસ્ય જાણી લેશે પણ એક વાર મશીનને આંખો સામે જોયા પછી એ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. એ રાક્ષસી મશીનને સમજતા વર્ષો લાગી જાય તેમ હતા અને દુર્ભાગ્યે તેમની પાસે એટલો સમય નહોતો.

          “કોઈ પણ વીજળીના દોરડાને હાથ નહીં લગાવે. કોઈ સ્ટેશનથી ભાગવાની નકામી કોશિશ નહીં કરે.” અજાણ્યા અવાજે વિરાટને વિચારો બહાર તાણી લાવ્યો. એ અવાજ કડક હતો, “સ્ટેશનની આસપાસના કંટાળા તારમાં વીજળી દોડે છે જેને અડતાં જ તમે ભડથું થઈ જશો.”

          બધા વ્યાકુળ થઈ એકબીજાને જોતાં હતા પણ વિરાટની નજર અવાજ જે દિશામાંથી આવ્યો હતો એ તરફ ફેરવાઈ. મશીનથી થોડેક દૂર લાકડાના ઓટલા પર એક માણસ ઊભો હતો. તેણે કાળું શર્ટ અને એવા જ કાળા રંગનું પાતલુન પહેર્યું હતું. તેના જોડા શૂન્યો જેમ જ ઘૂંટણ સુધી આવતા હતા પણ એ જરા અલગ રંગના હતા. એ આછા કાળા કે રાખ જેવા રંગના હતા અને તેમાં લાલ દોરીની ભાત હતી. તેણે કેસરી રંગનો કમરપટ્ટો બાંધેલો હતો અને પટ્ટાની એક તરફ મ્યાનબંધ વાંકી તલવાર તો બીજી તરફ કટાર લટકતી હતી. તેણે કોણી સુધી બાયો ચડાવેલી હતી. તેના મજબૂત કાંડા પર રૂપેરી ધાતુનું કડુ હતું. એ કડા પર દેવભાષાના અક્ષરો કોતરેલા હતા.

          નિર્ભય! એ નિર્ભય સિપાહી હતો. વિરાટ નિર્ભય સિપાહીઓના પરિધાન વિશે જાણતો હતો. કદાચ બધા શૂન્ય યુવક એ જ વિચારી રહ્યા હતા જે વિરાટ વિચારતો હતો કેમકે બધાની આંખો તેની તરફ મંડાયેલી હતી. લગભગ બધી આંખોમાં ભય હતો તો કેટલાક જે જ્ઞાની યુવકો હતા તેમની આંખોમાં ભય સાથે ઉત્સુકતા પણ હતી.

          “તમારા જેવા ઘણા યુવાનો પહેલા પણ દીવાલની પેલી તરફ ગયા છે અને એ બધા મને ઓળખે છે પણ...” તેણે આંખો જીણી કરી કોઈ ભયાનક હિંસક જાનવર તેના શિકારને જુએ એમ બધા શૂન્યો પર નજર ફેરવી, “એ લોકો જે પહેલીવાર સ્ટેશન આવ્યા છે એમને મારી ઓળખ આપું છુ.” એ પોતાનું નામ બોલતા પહેલા એક પળ અટક્યો, “મારું નામ જગપતિ છે અને હું નિર્ભય સિપાહીઓનો પ્રથમ હરોળનો સેનાનાયક છું.”

          જગપતિએ પોતાનું નામ કહેતી વખતે દરેક શબ્દ પર એમ વજન આપ્યું જાણે એ કોઈ મહત્વનુ નામ બોલી રહ્યો હોય. શૂન્ય લોકો ક્યારેય એવી રીતે ન બોલતા. એમના માટે નામ કે ઓળખ કોઈ ખાસ મહત્વની બાબત નહોતી. જોકે વ લોકો અમુક શબ્દો બોલતી વખતે તેના પર ભાર મૂકતા જેમકે નિર્ભય સિપાહીઓ કે કારુનું નામ લે ત્યારે તેના પર ભાર મુકતા પણ એ ભાર મૂકવાનું કારણ ભય હતો. તો શું એ માણસ પોતાના નામથી ડરતો હશે?

          ના, નિર્ભય સિપાહી કોઈ ચીજથી નથી ડરતો તો પોતાના જ નામથી એ શું કામ ડરે?

          એકાએક વિરાટના મનમાં ખયાલ આવ્યો, એ તેમને ડરાવવા માંગતો હશે? હા- કદાચ. એ તેના ચહેરાનું અવલોકન કરવા લાગ્યો. એ આદમી દરેક રીતે એક સિપાહી જ લાગતો હતો. તેના ચહેરા પર લડાઈમાં થયેલા ઘાના નિશાન હતા. તેની જમણી આંખથી શરૂ થતો એક લાંબો તલવાર જેવા શસ્ત્રનો ઘા હતો જે છેક તેના ઉપરના હોઠ પાસે પૂરો થતો હતો. તેના ઉપરનો હોઠ નાનો પણ નીચેનો હોઠ ભરાવદાર હતો. જોકે ઉપરના હોઠની લેધે એના ચહેરામાં કોઈ ફરક નહોતો દેખાતો કેમકે તેની મૂછોમાં એ હોઠ ઢંકાઈ જતો હતો. એને આછી દાઢી હતી અને તેની આંખો મોટી અને કીકીઓ એકદમ કાળી હતી. તેનું નાક બે ત્રણ વાર તૂટ્યું અને સાજુ થયું હોય એવું લાગતું હતું. તેણે કોણી સુધી બાયો ચડાવેલી હતી એટલે ખુલ્લા હાથ પર પણ ઘાના નિશાન દેખાતા હતા. એમાંના કેટલાક તો હજુ તાજા ઘા હોય તેવા હતા. સૌથી ગજબ તેના આંગળા હતા. તેણે હમણાં જ જાણે પથ્થરની દીવાલ પર અનેક મુક્કા ફટકાર્યા હોય તેમ આંગળના વેઢાં સુજેલા હતા. એના વાળ શૂન્યો જેમ ખભા સુધી લાંબા હતા એ સિવાય તેમની વચ્ચે બીજી કોઈ સરખામણી શક્ય નહોતી.

          “અનુભવી શૂન્યો...” નિર્ભય સેનાનાનાયકે આદેશો છોડવા શરૂ કર્યા, “નવા યુવકોને પ્રમુખગૃહમાં લઈ જાઓ અને આગગાડી આવે ત્યાં સુધી ત્યાં રાહ જુઓ.”

          કોણ જાણે કેમ વિરાટને એમ લાગતું હતું કે જગપતિ તેને જોઈ રહ્યો છે. એકાએક એ જરા હસ્યો. જોકે એ શૂન્ય લોકો જેવુ નમ્ર સ્મિત નહોતું. બસ એક પળ એના હોઠ બંને તરફ ખેંચાયા અને એ તરત જ ભીંસઈ ગયા. છતાં એ એક સ્મિત તો હતું જ અને નિર્ભય સેનાપતિ વિરાટ તરફ જોઈ કેમ સ્મિત વેરે એ સમજી શકાય તેવી વાત નહોતી. જોકે તેની આંખોમાં હજુ એ જ હિંસક જાનવર જેવી ચમક એમની એમ અકબંધ હતી. તેની કાળી કીકીઓ કોઈ ગજબ રીતે શૂન્ય લોકો પર મંડાયેલી હતી.

          ભલે તે દુશ્મન હતો પણ એક વાત ચોક્કસ હતી કે એ પહેલી જ મુલાકાતમાં ગમે તેને પ્રભાવીત કરી શકે તેવું વ્યક્તિત્વ ધરાવતો હતો. તેનો અવાજ અને આંખો બને રૂઆબદાર હતા. તેના અવાજમાં કશુંક એવું હતું કે શૂન્ય લોકો તેની આજ્ઞાનો અનાદર કરી શકે તેમ નહોતા. શું લોકો સાચા હતા કે નિર્ભય સિપાહીઓ શૂન્ય પ્રજા પર હુકમ ચલાવવા માટે બન્યા છે?

          ના, એ સાચું ન હોઈ શકે. વિરાટે દાંત ભીંસયા. તેના અંદરનો જ્ઞાની તેને એ માનવા ના કહી રહ્યો હતો.

          “ચાલ વિરાટ...” વિરાટ એ વિચારનો વધુ પીછો કરે તે પહેલા નીરદે તેનો હાથ પકડ્યો.

          એ કશું બોલ્યા વિના તેની પાછળ પ્રમુખગૃહ તરફ ચાલવા લાગ્યો. તેની આસપાસ અનુભવી શૂન્યો પોતપોતાની સાથે આવેલા યુવક છોકરા છોકરીઓને ગૃહ તરફ દોરી જતાં હતા.  

          પ્રમુખગૃહ પણ સ્ટેશનની ઇમારત જેમ જ જૂનું અને લાલ ઇટોનું બનેલું હતું. તેમાં પણ ઠેકઠેકાણે લોખંડના થીગડા મારેલા હતા. વિરાટ બધાની સાથે ગૃહમાં દાખલ થયો. ત્યાં પણ પૂરા સ્ટેશન જેમ બલ્બની રોશની હતી. જાણે રાત નહિ પણ દિવસ હોય તેવા અજવાળામાં બહારના જનરેટરના ધુમાડાની ગંધ ભળેલી હતી. અંદર હવા એટલી બંધિયાર નહોતી છતાં અંદર વાતાવરણ ગરમ હતું. બહાર જેટલી ઠંડી નહોતી.

          ગૃહના મુખ્ય ભાગમાં શૂન્યો માટે લોખંડની ગણી ન શકાય તેટલી ખુરશીઓ ગોઠવેલી હતી. શિસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે શૂન્યો એક પછી એક હરોળમાં ગોઠવેલી ખુરશીઓમાં ગોઠવાઈ ગયા. કેટલાક યુવકોને તો પોતે જેના પર બેઠા હતા એ ખુરશીઓ પણ નવાઈ પમાડતી હતી કેમકે શૂન્ય પ્રજા વાંસના ખાટલાથી જ પરિચિત હતી. ખુરશી ટેબલ જેવા રાચરચીલા ભાગ્યે જ વેપારીના વચેટિયાઓ કે કલેક્ટરોને ત્યાં જોવા મળતા.

           વિરાટે ઊંચે નજર કરી. છત લગભગ ત્રિસેક ફૂટ જેટલી ઊંચી હતી. એ ત્રણેક માળની ઊંચાઈએ હતી. જોકે એટલી ઊંચાઈ અને વિશાળતા છતાં પ્રમુખગૃહમાં કોઈ ભવ્યતા નહોતી કેમકે એ ખંડેર જેવુ હતું. બારીઓના બદલે દીવાલમાં મોટી જગ્યાઓ હતી. ક્યારેક ત્યાં બારીઓ હશે પણ હવે ત્યાં સલામતી માટે કોઈ સળિયા કે લાકડા નહોતા. તેનાથી ઊંચાઈએ પણ બારીઓની બીજી હરોળ હતી. જેના સળિયા અને લાકડા હજુ સલામત હતા. ગૃહની દીવાલો જૂની અને દયનીય હાલતમાં હતી. જો આખા ગૃહમાં એ લોખંડની ખુરશીઓને ન ગણીએ તો રણ જેવી વેરાની હતી.

          એ નીરદ સાથે જઈને મધ્યની એક હરોળમાં ખાલી ખુરશી પર બેઠો. એ આરામદાયક હતી. શૂન્યોના ખાટલા કરતાં વધુ આરામદાયક હતી અને પીઠના ટેકા માટે લોખંડનો સળિયો હતો. વિરાટને એક પળ માટે થયું કે તેના લોકો કેમ આવી ખુરશીઓ ઘર માટે નથી બનાવતા? ચોક્કસ એ લોકો આવી ખુરશી વાંસમાંથી તો બનાવી શકે તેમ હતા પણ એ શૂન્યો હતા. જૂની અને પરંપરાથી ચાલી આવતી ચીજો સિવાય કોઈ ક્યારેય નવું કરવાનું વિચારતું જ નહીં. લોકોની કલ્પનાશક્તિ અને રચનાશક્તિ નાશ પામી હતી.

          એની જમણી તરફ હરોળમાં પવન બેઠો હતો. પવનને એ ઓળખતો. એ પણ જ્ઞાની હતો. એ ગુરુ જગમાલ પાસે જ વાંચતાં લખતા શીખ્યો હતો. ગુરૂ જગમાલે એ રીતે ગોઠવણ કરી હતી કે દરેક આગગાડીની સફરમાં અમુક જ્ઞાનીઓ દીવાલ પેલે પાર જાય. પવનની બાજુમાં અમર હતો. એ જ્ઞાની હતો પણ ગુરુ જગમાલના આશ્રમમાં ભણતો નહોતો. એ કોઈ બીજા ગુરુ પાસે ભણતો પણ વિરાટ તેને ઓળખતો કેમકે વાર્ષિક સ્પર્ધાની શિબિરમાં એમની મુલાકાત થઈ હતી. એ સમયે ગુરુ જગમાલે તેમના ગુરુકુલમાં એ શિબિરનું આયોજન કર્યું હતું અને અલગ અલગ ગુરુઓ પાસે ભણેલા બાળકોએ એકબીજા સાથે સમય વિતાવ્યો હતો જેથી બાળકો અલગ અલગ જ્ઞાનના પુસ્તકોમાંથી શિખેલી વાતો એકબીજાને શીખવી અને સમજાવી શકે. વિરાટ એની તરફ જોઈ હસ્યો. તેણે પણ વળતું સ્મિત ફરકાવ્યું. તેનાથી આગળ એ જ હરોળમાં ઘણા બધા વડીલો અને યુવક હતા. એ બધા શૂન્ય જ હતા પણ બધાને વિરાટ નામથી ઓળખતો નહોતો. દીવાલની આ તરફનો વિસ્તાર પણ નાનો નહોતો. દૂર રહેતા લોકો સાથે ખાસ પરિચય નહોતો.

          એ બધા પ્રમુખગૃહમાં બેઠા હતા. ત્યાંથી ડાબી તરફ લાકડાનો ઓટલો હતો અને તેની પાછળના ભાગે કેટલાક મશીનો હતા. લોકો તેને મોટરસાઇકલ કહેતા. એ નિર્ભય સિપાહીઓના મશીન હતા. જ્યારે આક્રમણ થતું એ સિપાહીઓ એ મશીનો પર બેસીને આવતા. રબરના પૈડાં અને જનરેટર જેવો જ પણ હળવો અવાજ કરતાં એ મશીન કોઈ પણ જંગલી પ્રાણી કરતાં વધુ ઝડપી હતા. એ મશીનમાં પણ જનરેટર જેમ વીજળી પેદા થતી. રાત્રે નિર્ભય સિપાહીઓની મોટરસાઇકલની અગાળ સો ફાનસ જેટલું અજવાળું કરતાં બલ્બ સળગતા જેથી તેમને રાતે મુસાફરીમાં પણ તકલીફ ન પડતી. એ મોટરસાઇકલો અલગ અલગ આકાર અને રચનાની હતી. કોઈના પૈડાં પહોળા હતા, તો કોઈની ઊંચાઈ વધુ હતી, કોઈના પર વિચિત્ર કોતરણી હતી તો કોઈના પર માત્ર કાળો રંગ જ કરેલો હતો.

          ગુરુ જગમાલ કહેતા કે નિર્ભય સિપાહીઓને તેમના હોદ્દા મુજબ અલગ અલગ પ્રકારના મશીન મળે છે. સૌથી સારા મોટરસાઇકલ મશીન તો દીવાલની પેલી તરફ છે.

          “નિર્ભય સિપાહીઓ આગગાડીમાં આવશે?” વિરાટે નીરદને પુછ્યું.

          “ના, એ બીજી આગગાડીમાં આવે છે.” નીરદે કહ્યું, “એ નાનકડી આગગાડીમાં આવે છે જે ‘નિર્ભયા-ગાડી’ કહેવાય છે. એ આપણી આગગાડીના એક દિવસ પહેલા આવે છે.”

          “કેમ?” વિરાટે પુછ્યું.

          “જેથી એ લોકો કલેકટર ઓફિસે સમાચાર આપી શકે કે આગગાડી ચોવીસ કલાકમાં આવવાની છે.” નીરદે તેની તરફ ફરીને આંખો જીણી કરી, “અને આમ પણ એ અહીં પહેલેથી હાજર ન હોય તો કાયદો અને વ્યવસ્થા કોણ જાળવે?”

          વિરાટ કશું બોલ્યો નહીં. દીવાલની પેલી તરફના લોકો શૂન્યોને શિસ્ત વગરના જંગલી સમજતા. તેઓ કાયદા અને વ્યવસ્થા માટે એકાદ દિવસ વહેલા આવતા. નિર્ભય સિપાહીઓના એ મશીન પણ એમની સાથે જ એમની આગગાડીમાં આવતા. આક્રમણ વખતે પણ એ આમ જ આવતા. એમને દીવાલની આ તરફ રહેવાની જરૂર ન રહેતી કેમકે કારુનો ભય લોકોને નિયમનો ભંગ કરતાં રોકવા માટે પૂરતો હતો અને આમ પણ શૂન્યો માનતા કે દીવાલની પેલે પાર બનેલા કાનૂન તોડીશું તો ફરી પ્રલય આવશે એટલે કોઈ કાનૂન તોડવાની હિંમત ન કરતું. અજ્ઞાની લોકો પર શાસન કરવું કેટલું સહેલું હતું? કારુને તેના સિપાહીઓ દીવાલની આ તરફ રાખવાની જરૂર જ ન પડતી – માત્ર પ્રલય અને ભગવાનના નામનો ભય જ પૂરતા હતા.

          તો નિર્ભય સિપાહીઓ આગગાડીના એક દિવસ પહેલા કેમ આવતા? કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. ના, વિરાટને એ વાત ગળે ન ઉતરી. એ કોઈ અલગ જ કારણથી આવતા હશે. એ આગગાડી પહેલા આવતા હશે કેમકે એ તપાસવા માંગતા હશે કે બધુ ઠીક તો છે ને? મતલબ તેમને ભય હતો કે ક્યારેક શૂન્ય લોકો બળવો કરશે. મતલબ નિર્ભય સિપાહીઓને કોઈ ભય નથી એ વાત ખોટી છે. તેમને ભય છે કે કદાચ દીવાલની આ તરફ કંઈક અણધાર્યું થયું હશે તો? કદાચ શૂન્ય લોકો એ આગગાડી પર કબજો કરી લેશે અને દીવાલને પોતાની મરજી મુજબ ઓળંગી લેશે તો? નિર્ભય સિપાહીઓને ભય હતો – તેમને દીવાલની આ પાર બળવાનો ભય હતો. તેણે મનોમન નિર્ભય સિપાહીઓની એક કમજોરી નોંધી – એમને બળવાનો ભય છે.

          “કેટલા નિર્ભય સિપાહીઓ એ નિર્ભયા-ગાડીમાં આવે છે?” એણે પુછ્યું.

          “દસ જેટલા..” નીરદે જવાબ આપ્યો, “એમાં બે સેનાનાયકો.”

          “તેમની પાસે કેવા હથિયાર હોય છે?” વિરાટે તેના પિતાની આંખોમાં જોવાને બદલે સિપાહીઓના મશીન તરફ નજર રાખી હતી.

          “તલવાર અને ધનુષ.” એણે જવાબ આપ્યો પણ એકાએક વિરાટનું બાવડું પકડી પુછ્યું, “તું કેમ આટલી પૂછતાછ કરે છે?”

          “એમ જ.” તેણે હકીકત છુપાવી, “ખાલી જાણવાની ઉત્સુકતા.”

          “ઉત્સુકતા શૂન્ય માટે પ્રતિબંધિત છે.”

          “જાણું છું.” તેણે કહ્યું, “પણ કેમ એ મારામાં છે?”

          “ખબર નહીં કેમ એ તારામાં છે.” નીરદે એકદમ ધીમા અવાજે કહ્યું, “પણ જો એ તારામાં હોય તો પણ તારે એવો ડોળ કરવો જોઈએ કે એ તારામાં નથી.”

          વિરાટે માથું હલાવી હા કહી. નીરદે તેનું બાવડું છોડયું એટલે એ આસપાસની ખુરશીમાં બેઠા લોકોને, ખાસ તો યુવકોને જોવા લાગ્યો. મોટાભાગના યુવકો તેમના થેલા ખોળામાં લઈ છાતી સાથે ભીંસી બેઠા હતા જાણે એ થેલા તેમના ખાસ સાથીદાર હોય.

          થોડીવાર પછી નીરદે કહ્યું, “યાદ રાખજે..” તેનો ચહેરો ગંભીર હતો, “નિર્ભય સિપાહીઓના બે સેનાનાયક છે. જગપતિ અને ભૈરવ. જ્યારે ભૈરવ આસપાસ હોય ત્યારે કાળજી રાખજે કેમકે એ સૌથી ચાલાક અને સૌથી નિર્દય વ્યક્તિ છે.”

          “હા.” વિરાટે ટૂંકો જવાબ આપ્યો. તેનું ધ્યાન યુવકો પર હતું. ખાસ તો ભયભીત હરણીઓ જેમ ખુરશીમાં થથરતી છોકરીઓ પર. રોજ સુંદર દેખાતી શૂન્ય છોકરીઓ તેને ભયથી થીજેલી લાશો જેવી દેખાઈ. શું તેમને દીવાલની બીજી તરફ જોખમી કામ કરવા જવું પડે તે ઠીક છે? એ જવાબ જાણતો હતો. એ અયોગ્ય હતું અને એ બદલવું જ રહ્યું. ભલે એ માટે ગમે તે કરવું પડે એ તૈયાર હતો.

ક્રમશ: