Varasdaar - 49 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 49

વારસદાર પ્રકરણ 49

જુનાગઢ ગીરનારની તળેટીમાં સાધુ મહાત્માએ માલપૂડા અને ખીરની જે પ્રસાદી આપી એ ખૂબ જ ચમત્કારીક હતી. રાજનને અને મંથનને ખબર ન હતી કે ગુરુજીએ એ પ્રસાદ દ્વારા બંનેની કુંડલિની જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એમના સાત ચક્રો ધીમે ધીમે ખૂલવાનાં હતાં.

રાજન તો આગળ વધી ગયેલો હતો એટલે એને કુંડલિની જાગરણની જરૂર ન હતી પરંતુ આ પ્રસાદથી એના જીવનમાં હવે આધ્યાત્મિક વળાંક આવવાનો હતો. એ થોડોક સિદ્ધિઓની પાછળ પડી ગયો હતો અને ગુરુજીએ એ જોઈ લીધું હતું.

જ્યારે મંથનના જાગરણ માટે મૂલાધાર ચક્રમાં સ્વામીજીએ એક ચિનગારી પ્રગટાવી દીધી હતી !

ઘરે આવ્યા પછી મંથનને રોજ ધ્યાનની પ્રેક્ટિસ કરવાના વિચારો આવવા લાગ્યા. ગુરુજીએ જોઈ લીધું હતું કે મંથનની તમામ ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હતી. ગયા જન્મની એની બહેનની મનોકામના પણ પૂરી થઈ ગઈ હતી એટલે હવે પોતાની મૂળ સ્થિતિમાં આવવું જરૂરી હતું.

ધ્યાનમાં રાજન ખૂબ જ આગળ નીકળી ગયો હતો એ મંથનને ખબર હતી. એણે પોતે જે ચમત્કારો બતાવ્યા હતા એ પણ કાબિલે દાદ હતા. એટલે એકવાર રાજનને મળીને ધ્યાન કરતાં શીખવું જોઈએ એવો મંથનને વિચાર આવ્યો.

ત્રણેક દિવસ પછી મંથન સવારે ફોન કરીને રાજનના ઘરે કાંદીવલી પહોંચી ગયો. મહાવીરનગર ખૂબ જ જાણીતો એરીયા હતો એટલે એનો ફ્લેટ શોધવામાં એને કોઈ તકલીફ ના પડી.

રાજન એને સીધો પોતાના બેડરૂમમાં લઈ ગયો. રાજનના પપ્પા કે ભાઈ મંથનને ઓળખતા ન હતા. રાજને એમને મંથનની એવી કોઈ ઓળખાણ પણ ના કરાવી કારણ કે બંનેનું લક્ષ્ય જુદું હતું.

બેડરૂમમાં બેસીને રાજને એને ધ્યાન કેમ કરવું એ વ્યવસ્થિત રીતે શીખવાડ્યું. મંથનને ક્રિએટિવ મેડીટેશનમાં કોઈ રસ ન હતો. ઈશ્વરે એને ઘણું આપ્યું હતું એટલે એને તો ગુરુજીની પ્રાપ્તિમાં જ રસ હતો.

મંથનની એક જ ઈચ્છા હતી કે એ જ્યારે ઈચ્છે ત્યારે ગુરુજી એને મળે અને માર્ગદર્શન આપતા રહે !

રાજને થોડા દિવસ માટે એને પલાંઠી વાળીને ટટ્ટાર બેસી માત્ર શ્વાસોશ્વાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. બંને આંખોને બંધ રાખી બંને ભ્રમરની વચ્ચે નજરને સ્થિર કરી માત્ર શ્વાસ ઉપર જ ફોકસ કરવાનું શીખવાડી દીધું. ગમે એટલા વિચારો આવે પરંતુ વિચારો સાથે જોડાઈ નહીં જવાનું. પ્રયત્ન કરી કરીને શ્વાસ ઉપર જ માત્ર ધ્યાન આપવાનું.

" મંથન... આ બધું પ્રેક્ટિસથી આવડી જશે. તું સતત રોજ ૧૦ મિનિટ થી શરૂ કરી એક કલાક સુધી ધ્યાનમાં બેસતો જઈશ પછી આપોઆપ જ ધ્યાન સિદ્ધ થશે. ધ્યાન શીખવાનો એક જ નિયમ છે કે એક પણ દિવસ પાડ્યા વગર સતત ધ્યાનમાં બેસવું. માત્ર સવારે જ નહીં પણ સમય મળે અને એકલા હોઈએ ત્યારે ગમે ત્યારે પણ ધ્યાન અવસ્થામાં તું જઈ શકે છે. " રાજન બોલી રહ્યો હતો.

" થોડા દિવસો પછી એવો સમય આવશે કે તું જ્યારે ઈચ્છે ત્યારે એક મિનિટમાં જ ધ્યાનમાં ઊંડો ઉતરી જઈશ. અને આપણા ગુરુજી તો સમર્થ છે જ એટલે એ તને સહાય પણ કરતા રહેશે. ધ્યાન સહજ થયા પછી તને કોઈ કામમાં થાક નહીં લાગે અને હંમેશા તું સ્ફૂર્તિમાં રહીશ." રાજન બોલ્યો.

બીજા દિવસે મંથન થોડો વહેલો ઉઠ્યો. ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. એ પછી રાજને જે પ્રમાણે શીખવાડ્યું હતું એ પ્રમાણે એ ધ્યાનમાં બેસી ગયો. પંદરેક દિવસમાં એને ખરેખર શૂન્ય અવસ્થાના અનુભવો થવા લાગ્યા. બે ભ્રમરની વચ્ચે સળવળાટ થવા લાગ્યો. પ્રકાશ જેવું પણ દેખાવા લાગ્યું. એણે પ્રેક્ટિસને ચાલુ જ રાખી. રોજ ધ્યાનમાં બેસતા પહેલાં ગુરુજીને યાદ કરતો.

૩૧ માર્ચ નજીક આવતી હતી. એની કંપનીનું ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થતું હતું. ગડાશેઠની ભાગીદારીમાં જે પણ બિઝનેસ થયો એના તમામ હિસાબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તૈયાર કર્યા. પ્રોફિટ નો ૬૦% હિસ્સો ગડાશેઠની કંપનીમાં ટ્રાન્સફર કરવાનો હતો અને ૪૦ ટકા હિસ્સો મંથને લેવાનો હતો.

મંથનના આશ્ચર્ય વચ્ચે ૪૦% પ્રોફિટનો હિસ્સો પણ ઘણો મોટો હતો ! રોકેલી બધી મૂડી પ્રોફિટમાં જ બહાર આવી ગઈ હતી. ગડાશેઠની ભાગીદારીવાળી ત્રણે ત્રણ સ્કીમો જબરદસ્ત ઉપડી હતી.

પોતાના ભાગે આટલો મોટો પ્રોફિટ જોઈને ગડા શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. એમણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ગડાશેઠનું ફેમિલી, એમના બીજા બે પાર્ટનરો અને એમનો સ્ટાફ તો ખરા જ પરંતુ એ પાર્ટીમાં મંથન મહેતા, અદિતિ, વીણા માસી તેમજ ઝાલા પરિવારને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જૂહુ તારા રોડ ઉપર એક ફાઇવસ્ટાર હોટલમાં આ પાર્ટી રાખી હતી. કેટલાક પ્રેસ રિપોર્ટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તમામ મહેમાનોની હાજરીમાં ગડાશેઠે મંથન મહેતાનું બહુમાન કર્યું અને એના કાર્યની ખૂબ જ પ્રશંસા પણ કરી. પ્રેસ રિપોર્ટરોએ પણ મંથનની અનેક તસવીરો લીધી.

" હવે આગળનું શું પ્લાનિંગ છે મિ. મહેતા ? તમે તો આજના અસલી હીરો છો. મને તમારા માટે ખૂબ જ ગર્વ છે. કન્સ્ટ્રક્શન સિવાય કોઈપણ ધંધો કરવાની તમારી ઈચ્છા હોય તો તમે કહો એ રકમ ધીરવા હું તૈયાર છું. ફિલ્મ અને ટીવી માટે એક મોટું પ્રોડક્શન હાઉસ બનાવવાની પણ મને ઓફર મળી છે. મોટા કલાકારોને લઈને બિગ બજેટની એક ફિલ્મ બનાવવાની પણ ઓફર આવી છે. હું ઇચ્છું છું કે તમે જ આ બધું સંભાળો કારણકે મારો એ વિષય નથી." ડાઇનિંગ ટેબલ ઉપર મંથનની બિલકુલ બાજુમાં બેસીને ગડા શેઠ ધીમેથી આ વાત મંથન ને કહી રહ્યા હતા.

" અને તમને માત્ર કન્સ્ટ્રક્શનમાં જ રસ હોય તો તમે કહો તે એરિયામાં આપણે બીજા લગડી પ્લોટ ખરીદવાનું ચાલુ કરીએ અથવા સારા સારા એરિયામાં જૂની સ્કીમો તોડી રીડેવલપમેન્ટની સ્કીમો મૂકીએ. પૈસા કમાઈ લેવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. " ગડા શેઠ બોલ્યા.

"સાવ સાચું કહું શેઠ ? તમે મને બહુ મોટી લીફ્ટ આપી છે અને આજે જે પણ છું એ તમારા કારણે જ છું. પરંતુ મારી છ થી સાત રોટલી ખાવાની તાકાત છે. બીજા એક હજાર કરોડ કમાઈશ તો પણ વધારાની એક રોટલી હું નહીં ખાઈ શકું. તમારી કૃપાથી ઈશ્વરે મને ઘણું આપ્યું છે એટલે હવે નવા કોઈ ધંધામાં મને રસ નથી." મંથન હસીને જવાબ આપી રહ્યો હતો.

" મારા માટે તો કન્સ્ટ્રક્શન લાઈન જ ઉત્તમ છે. આ ચાલુ સ્કીમો એકવાર પૂરી થઈ જાય એ પછી જ નવા પ્રોજેક્ટ ઉપર આપણે વિચારીશું. એક સાથે બધે પહોંચી નહીં વળાય. તમે સારાં લોકેશન ધ્યાનમાં રાખી શકો છો. રીડેવલપમેન્ટમાં બહુ બધાં લફડાં હોય છે. એટલે આપણે તો ફ્રેશ સ્કીમો જ મુકીશું શેઠ." મંથને પોતાનો સ્પષ્ટ જવાબ આપ્યો.

" મને તમારી આ જ વાત બહુ ગમે છે. દરેક બાબતમાં તમે પહેલેથી જ બહુ સ્પષ્ટ હો છો. સમયને પારખીને નિર્ણય લેવાની તમારામાં ગજબની શક્તિ છે. ફિલ્મી દુનિયાની ગ્લેમરસ ઓફર પણ તમે એક મિનિટમાં ઠુકરાવી દીધી. આ જ તમારી ખુમારી છે." ગડાશેઠ વાઇનનો એક ઘૂંટડો પીતાં પીતાં બોલ્યા.

બીજા ત્રણેક મહિના પસાર થઈ ગયા. જૂન મહિનો પણ આવી ગયો. અદિતિ ટાવર્સ ની બી વીંગ પણ સંપૂર્ણપણે ભરાઈ ગઈ અને સ્કીમ પૂરી પણ થઈ ગઈ.

મંથનનું હવે સંપૂર્ણ ધ્યાન અંધેરીની આદિત્ય અપાર્ટમેન્ટ સ્કીમ ઉપર હતું. કારણકે જુહુ સ્કીમના ૧૫ ૧૫ કરોડના ૪૦ ફ્લેટમાંથી ૩૨ ફ્લેટ વેચાઈ ચૂક્યા હતા. બાંદ્રાની સ્કીમમાં નસીરખાને પોતે જ ૨૫ ફ્લેટમાં જુદા જુદા મિત્રો અને ફેમિલી મેમ્બરોના નામે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું. અને હવે બાકીના ત્રણ ચાર ફ્લેટ જ વેચવાના બાકી હતા.

અંધેરીની સ્કીમ મધ્યમ વર્ગીય લોકો માટે હતી. એમાં સતત માર્કેટિંગ કરવાની જરૂર રહેતી. એમાં લોન લઈને ફ્લેટ લેનાર વર્ગ વધારે હતો. ગડા શેઠે એમાં ૧૫ ફ્લેટ ઇન્વેસ્ટમેન્ટ કરીને રિઝર્વ કરી દીધા હતા જેથી ભવિષ્યમાં ઊંચો ભાવ લઈને વેચી શકાય.

ઉનાળાની એક સાંજે મંથન અને અદિતિ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેસીને વાતચીત કરી રહ્યાં હતાં ત્યાં ડોરબેલ વાગ્યો.

અદિતિએ ઉભા થઈને દરવાજો ખોલ્યો તો સામે કેતા અને શીતલ ઊભાં હતાં.

" અરે આવો આવો કેતાબેન. બહુ સારું લાગ્યું તમે લોકો અમારા ઘરે આવ્યાં. સોરી તમારું નામ હું ભૂલી ગઈ છું." કેતાએ શીતલને સંબોધીને કહ્યું.

" મારું નામ શીતલ. " શીતલે પોતે પરિચય આપ્યો.

મંથનને પણ આ લોકોને જોઈ નવાઈ લાગી. કેતા અને શીતલ કેમ આવ્યાં હશે એ એને સમજાયું નહીં. માંડ માંડ અદિતિ સાથે સમાધાન થયું હતું !

" સર હું તો અદિતિબેન ને મળવા જ આવી હતી. મારા કારણે તમારા બંને વચ્ચે જે પણ ગેરસમજ થઈ એના માટે હું દિલથી માફી માગવા જ આવી છું. " કેતા બોલી.

"અરે કેતાબેન તમે મને શરમાવો નહીં. તમે તો મારી આંખ ખોલી દીધી છે. ભૂલ મારી જ હતી. હું થોડી વધારે પડતી પઝેસિવ છું એટલે ડોક્ટરની વાત સાંભળીને વધુ પડતું રિએક્શન મેં આપ્યું. તમારે માફી માગવાનો કોઈ સવાલ જ નથી. " અદિતિ બોલી.

" મને સરે કહ્યું હતું કે કોઈ ગાયનેક પ્રોબ્લેમ માટે તમે ડોક્ટર પાસે ગયેલાં. ડોક્ટરે શું કહ્યું પછી ? ટ્રીટમેન્ટ ચાલુ કરી ? " કેતાએ લાગણીથી પૂછ્યું.

"કેતાબેન ટ્રીટમેન્ટ તો પૂરી થઈ ગઈ. ઓવેરીઝ અને ફોલિકલ્સના પ્રોબ્લેમ હતા એ પણ બધા દૂર થઈ ગયા. મને હવે પ્રેગનેન્સી રહેવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ડોક્ટરે કહ્યું છે કે પ્રેગનેન્સી રાખવાનું મારા માટે જોખમી છે. " અદિતિ થોડી ગંભીર થઈને બોલી.

" હું સમજી નહીં. " કેતા બોલી.

" મારું ગર્ભાશય બહુ નાનું છે. જો મને પ્રેગનેન્સી આવે તો ચાર પાંચ મહિનામાં જ મિસકેરેજ થઈ જાય અને એ મારા માટે પણ જોખમી બને. એટલે ડોક્ટરે અમને એવી સલાહ આપી છે કે સરોગેટ મધર થકી જ તમને સંતાન થઈ શકે. મતલબ બીજા કોઈની કૂખ ભાડે લેવી પડે. " અદિતિ બોલી.

" હમ્... ગંભીર પ્રશ્ન છે. " કેતા બોલી.

" ડોક્ટરે કહ્યું કે આજકાલ ભારતમાં પણ સરોગેટ મધર પ્રથા પ્રચલિત બની છે. ઘણી સ્ત્રીઓ પૈસાને ખાતર પણ સરોગેટ મધર બનતી હોય છે. પરંતુ મંથન ના પાડે છે કે ગમે તેવી સ્ત્રી પાસે બાળક જન્મ કરાવવો નથી. માતાના તમામ વિચારો અને સંસ્કારો બાળકમાં ઉતરે છે. એટલે કોઈ ખાનદાન યુવતી મળે તો જ અમારી સંતાનની ઈચ્છા પૂરી થાય. " અદિતિ બોલી અને એની આંખમાં પાણી આવી ગયાં.

" ઈશ્વર ઉપર ભરોસો રાખો અદિતિબેન. કોઈને કોઈ રસ્તો નીકળી આવશે. સર આટલા બધા દિલાવર છે અને આટલા બધા લોકોની ચિંતા કરે છે તો તમને પણ ઈશ્વર જરૂર મદદ કરશે." કેતા બોલી.

" મેં તો કહ્યું એને. સંતાનનું ટેન્શન બિલકુલ નહીં કરવાનું. નસીબમાં હશે તો થશે. સારુ પાત્ર મળશે તો જ સરોગેટનું વિચારીશું. બાકી કોઈ ઉતાવળ નથી." મંથન બોલ્યો.

" હવે તમે શું લેશો એ મને કહો. ચા કોલ્ડ્રીંક કે આઈસ્ક્રીમ ? " અદિતિએ પૂછ્યું.

" જુઓ અમે મહેમાન નથી. છતાં તમને એવું લાગે તો અમને બધું જ ચાલશે. " શીતલ બોલી.

" એમને આઈસ્ક્રીમ જ આપ ને " મંથને કહ્યું.

અદિતિ ઊભી થઈને કિચનમાં ગઈ અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ બહાર કાઢ્યો. કેતા પણ ઊભી થઈ અને મદદ માટે પાછળ પાછળ ગઈ.

" તમે બાઉલ આપો હું આઈસ્ક્રીમ કાઢું છું. " કેતા બોલી.

" અરે તમે શાંતિથી બેસો ને કેતાબેન ! આ કંઈ મહેનતનું કામ નથી. હું લઈને આવું જ છું. " અદિતિ બોલી.

" હું બીજી જ વાત કરવા અંદર આવી છું અદિતિબેન. તમે બંને જો તૈયાર હો તો હું સરોગેટ મધર બનવા તૈયાર છું. હું તંદુરસ્ત છું. એકવાર એબોર્શન કરાવેલું છે. લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી. સરે મારી જિંદગી બચાવી છે. એમના માટે થઈને હું કંઈ પણ કરવા તૈયાર છું. તમારા બંનેના જીવનમાં જો બાળકનો કિલ્લોલ આપી શકું તો એ મારું સદભાગ્ય હશે. " કેતા બોલી અને એનું હૈયું ભરાઈ આવ્યું.

અદિતિ તો છક થઈ ગઈ. કેટલા ઉદાત્ત વિચારો છે કેતાબેન ના. એમના વિશે મેં કેટલું ખરાબ વિચાર્યું હતું !! પોતે કુંવારાં હોવા છતાં એ મા બનવા તૈયાર થઈ ગયાં છે !! વ્હોટ આ સેક્રીફાઈસ !!


" હું તમને શું કહું મને કંઈ જ ખબર પડતી નથી. તમે યુવાન છો. તમારાં લગ્ન થવાનાં પણ હજુ બાકી છે. તમે તમારા જીવનની પરવા કર્યા વગર અમારા બાળકની મા બનવા માટે તૈયાર થઈ ગયાં છો. ! " અદિતિ પણ લાગણીશીલ થઈ ગઈ.

" આ વાતની અત્યારે આપણે બહાર જઈને જાહેર ચર્ચા નહીં કરીએ. મેં મારી ઈચ્છા તમને બતાવી દીધી કે હું એકદમ તૈયાર છું. તમે સર સાથે વાત કરી લેજો. અને મારે બદલામાં બીજું કંઈ જોઈતું નથી. મારે એમનું ઋણ ચૂકવવું છે અદિતિબેન ! " કેતા બોલી અને આંખો લૂછીને બહાર નીકળી ગઈ.

પાછળ ને પાછળ અદિતિ પણ આઈસ્ક્રીમ લઈને બહાર આવી. અને બંનેના હાથમાં આઇસ્ક્રીમનો બાઉલ આપ્યો.

" અંદર જઈને શું વાતો કરતાં હતાં બંને જણાં ? આઇસ્ક્રીમ લાવવામાં વાર બહુ લાગી. " મંથન હસીને બોલ્યો.

" અમારા લેડીઝમાં મિત્રતા બનતાં વાર ના લાગે સાહેબ. કેતાબેન નો સ્વભાવ બહુ જ સારો છે. મદદ કરવા માટે કિચનમાં આવ્યાં હતાં પણ આઈસ્ક્રીમ કાઢવામાં મારે ક્યાં મદદની જરૂર હતી ? અને અમારે વાતો કરવા માટે વિષય શોધવાની જરૂર ના પડે. બે મિનિટ ગામ ગપાટાં માર્યાં. " અદિતિ બોલી.

" અને શીતલ તારા માટે એક સરસ પાત્ર મેં શોધી કાઢ્યું છે. એને જોયા પછી, એને મળ્યા પછી તું ના નહીં પાડે. તું એટલું સમજી લે કે એ પાત્ર તારા માટે જ સર્જાયું છે." મંથન બોલ્યો.

" મારે લગન કરવાં જ નથી સર. હું મારી રીતે અત્યારે સરસ જિંદગી જીવી રહી છું. સંસારની જંજાળમાં પડવાની ઈચ્છા નથી. દીદી માટે કોઈ હોય તો જોજો. " શીતલ બોલી.

" એ ભલે ગમે તે કહે. કોઈ સારું પાત્ર હોય તો તમે ચોક્કસ એના માટે જોજો. અમને પણ એની ચિંતા છે. લગ્ન માટેની એની આ જ ઉંમર છે. નહીં તો પછી કોમ્પ્રોમાઇઝ કરવું પડે. " કેતા બોલી.

" શું દીદી તમે પણ !! તમારે મને જલ્દી વિદાય કરી દેવી છે ? " શીતલ બોલી.

" સરે તારા માટે કોઈ પાત્ર શોધ્યું હોય તો એ સરસ જ હોય ! આંખ બંધ કરીને હા પાડી દેવાની શીતલ. મુરતિયો જોવાની પણ જરૂર ના હોય. " કેતા બોલી.

" વાહ કેતાબેન ! મંથન ઉપર કેટલો બધો વિશ્વાસ છે તમારો. જેમ જેમ તમને જાણું છું એમ મારા મનમાં તમારા પ્રત્યે આદરભાવ જાગતો જાય છે." અદિતિ બોલી.

ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED