વારસદાર - 47 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

વારસદાર - 47

વારસદાર પ્રકરણ 47

ચાર વાગે ઊઠીને રાજન દેસાઈ ઊંડા ધ્યાનમાં ડૂબી ગયો હતો. એ એવી સ્થિતિએ પહોંચી શકતો હતો કે આજુબાજુનો કોઈ ઘોંઘાટ પણ એને અસર કરી શકતો ન હતો.

આ એવી સ્થિતિ છે કે જ્યારે માણસનું મગજ આલ્ફા લેવલે પહોંચીને થીટા લેવલ સુધી પહોંચી જાય. ખરેખર તો આ લેવલ નિદ્રા અવસ્થાનું છે જેમાં મગજ એકદમ શાંત થઈ જાય છે અને મગજના ઇલેક્ટ્રીક તરંગો પણ ઘણા ધીમા થઈ જાય છે.

એનાથી પણ આગળનું એક લેવલ હોય છે જેને ડેલ્ટા લેવલ કહેવામાં આવે છે જેમાં બેહોશીની અવસ્થામાં જ્યારે માણસ હોય ત્યારે આ લેવલ એક્ટિવ હોય છે. એમાં મગજના તરંગો ખૂબ જ ધીમા હોય છે. સાવ નાનાં બાળકોમાં અને સમાધિ અવસ્થામાં આ ડેલ્ટા લેવલ જ એક્ટિવ હોય છે. આ ગાઢ નિદ્રા જેવું લેવલ માણસના સૂક્ષ્મ શરીર સાથે અને એના પૂર્વ જન્મનાં કર્મો સાથે જોડાયેલું હોય છે.

સૌથી વધુ તરંગો જાગૃત અવસ્થામાં હોય છે અને એને બીટા લેવલ કહેવામાં આવે છે. બીટા લેવલમાં ડાબુ મગજ સક્રિય હોય છે જ્યારે આલ્ફા થીટા અને ડેલ્ટા લેવલમાં જમણું મગજ સક્રિય હોય છે. જમણું મગજ દિવ્ય ચેતના સાથે અને સ્પિરિચ્યુઅલ ગાઈડ સાથે જોડાયેલું હોય છે. ડાબુ મગજ જગત સાથે જોડાયેલું હોય છે જ્યારે જમણું મગજ ધ્યાન, સ્વપ્નાવસ્થા અને સૂક્ષ્મ જગત સાથે જોડાયેલું હોય છે.

માણસને તમામ અંતઃ પ્રેરણા આ જમણા મગજમાંથી મળતી હોય છે. ડાબુ મગજ માત્ર તર્ક કરતું હોય છે દલીલો કરતું હોય છે. ગણિતશાસ્ત્રીઓ નું ડાબું મગજ એકદમ એક્ટિવ હોય છે. જ્યારે ગુસ્સો કે ઉશ્કેરાટ વધી જાય ત્યારે બીટા લેવલના તરંગો ઘણા વધી જતા હોય છે એટલે ઘણીવાર માણસ ગુસ્સામાં ધ્રુજતો દેખાય છે. ધબકારા પણ વધી જાય છે.

મોટાભાગના વકીલોનું ડાબુ મગજ સક્રિય હોય છે. જ્યારે ડોક્ટરોનું જમણું મગજ વધારે સક્રિય હોય છે. જમણા મગજમાં અંતર્જ્ઞાન, સ્ફુરણા અને બીજાને સાજા કરવાનો હીલીંગ પાવર હોય છે. લાગણીશીલ અવસ્થા અને ભાવ અવસ્થા જમણા મગજ સાથે સંકળાયેલી હોય છે.

રાજન દેસાઈનાં વિશુદ્ધિ ચક્ર સુધીનાં પાંચ ચક્રો જાગૃત થઈ ગયાં હતાં. એની કુંડલીની વિશુદ્ધિ ચક્ર ઉપર અટકેલી હતી એટલે એને જાતજાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ વધુ થતી હતી.

એને અમુક સિદ્ધિઓ ધ્યાન દ્વારા મળી હતી. ઈશ્વર સાક્ષાત્કારના નિષ્કામ ધ્યાનના બદલે એ ક્રિએટિવ મેડીટેશન એટલે કે સકામ ધ્યાન વધારે કરતો હતો.

મંથન પાંચ વાગે જાગ્યો ત્યારે એણે રાજનને ઊંડા ધ્યાનમાં બેઠેલો જોયો. એકદમ સ્થિર મુદ્રામાં એ ટટ્ટાર બેઠો હતો. મંથને એને ડિસ્ટર્બ કર્યો નહીં અને ગાયત્રી મંત્રની માળા ચાલુ કરી.

બંને જણા લગભગ છ વાગે પોતપોતાની સાધનામાંથી બહાર આવ્યા.

બંને જણા બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ ગયા અને ફટાફટ નાહી લીધું.

" ચા આપણે રેકડી ઉપર પીશું. સ્ટેશન પાસે જ એક સારી રેકડી છે. હોટલની ચામાં બહુ મજા નહીં આવે." રાજન બોલ્યો અને બંને મિત્રો ૭ વાગે ચેક આઉટ કરીને બહાર નીકળ્યા.

સ્ટેશન રોડ ઉપર એક સારી રેકડી હતી. રાજન ઘણીવાર અહીં ચા પી લેતો. ચા ખરેખર સારી હતી.

ટ્રેઈન વેરાવલથી આવતી હતી અને આવવાને હજુ ૧૫ મિનિટની વાર હતી. રાજને ટાઇમપાસ કરવા માટે છાપુ ખરીદી લીધું.

સેકન્ડ એસી નો કોચ પાછળના ભાગમાં આવતો હતો એટલે બંને મિત્રો પ્લેટફોર્મ ઉપર પાછળના ભાગે ગયા. ટ્રેઇન એકદમ સમયસર હતી.

વાતાવરણમાં ઘણી ઠંડક હતી. અહીં ગીરના જંગલના કારણે આમ પણ ઠંડી વધારે પડતી હતી. સેકન્ડ એસી કોચમાં પણ એટલી જ ઠંડક હતી. બંને મિત્રો પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા.

" ચલ આજે મેડીટેશન કરીને ભાવતી વસ્તુ ટ્રેઈનમાં તને ખવડાવું. બોલ શું ખાવાની ઈચ્છા છે ? જો હું કોઈ જાદુગર નથી. એટલે એવી કોઈ વસ્તુ હું નહીં લાવી શકું જે આ સિઝનમાં ના મળતી હોય. જેમ કે તું મને કહે કે હાફુસ કેરીનો રસ ખવડાવ તો એ શક્ય નથી." રાજન દેસાઈ બોલ્યો.

" હું એવી જ વસ્તુ લાવી શકું જે અત્યારે જમવામાં મળી શકતી હોય. અને એ વસ્તુ વિના માગે મળશે એની મારી ગેરંટી. મારી એનર્જી વાપરીને માત્ર ક્રિએટિવ વિઝયુલાઈઝેશન કરીને હું લાવી આપીશ." રાજન બોલ્યો.

મંથનને મજા આવતી હતી. મનની શક્તિઓથી શું શું નથી થઈ શકતું ? વાંચ્યું તો ઘણું હતું પરંતુ રાજન તો એનું પ્રત્યક્ષ ઉદાહરણ હતો.

" ઠીક છે. ગુરુદેવે આપણને જે પ્રસાદ આપ્યો હતો તે માલપૂડા અને ખીર આજે ટ્રેઈનમાં જ મને મળે એવું કરી દે. જોઈએ તારા ધ્યાનમાં કેટલી તાકાત છે ! " મંથન હસીને બોલ્યો.

ટ્રેઈનમાં કોઈ ખાસ ભીડ ન હતી અને એમના કમ્પાર્ટમેન્ટમાં તો મંથન અને રાજન બંને એકલા જ હતા એટલે રાજને આ સાહસ કર્યું હતું. બધાં પેસેન્જરની હાજરીમાં આવા ખેલ ના થાય એની એને ખબર હતી.

રાજન ધ્યાનમાં બેસી ગયો અને ત્રણ વાર ઊંડા શ્વાસ લઈને બે મિનિટમાં તો એકદમ ઊંડો ઉતરી ગયો. માત્ર પાંચથી સાત મિનિટ એણે ધ્યાન કર્યું અને આંખો ખોલી દીધી.

" આવી જશે માલપૂડા અને ખીર. મને જરા ચખાડજે. " રાજન હસીને બોલ્યો.

ટ્રેઈને સારી એવી સ્પીડ પકડી લીધી હતી અને ૧૨૦ ની સ્પીડથી રાજકોટ તરફ ધસમસતી હતી.

૧૦.૩૦ વાગે રાજકોટ સ્ટેશન આવી ગયું. સ્ટેશને નીચે ઉતરીને બંને મિત્રોએ ચા પી લીધી. મંથને સ્ટોર ઉપરથી એક મેગેઝીન ખરીદી લીધું.

" જમવાનું બુક કરાવી દઈશું હવે ? સુરેન્દ્રનગર સ્ટેશને કોચમાં જ પાર્સલ મળી જશે. સુરેન્દ્રનગર પોણા વાગે આવે છે." રાજન બોલ્યો.

" હા વાંધો નહીં. " મંથન બોલ્યો.

" તારા માલપૂડા અને ખીર કયા સ્ટેશને મળશે ? " મંથન હસીને બોલ્યો.

" આવી જ રહ્યા છે. જે માલપૂડા અને ખીરની ઉપર મંથન મહેતાનું નામ લખેલું છે એ તારી થાળીમાં જ આવશે. યુનિવર્સ પાસે માગ્યું છે. વિશ્વાસ રાખ." રાજન દેસાઈ બોલ્યો.

સુરેન્દ્રનગર સ્ટેશન આવ્યું. બંને મિત્રો પગ છૂટા કરવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા. પાર્સલ વાળો બહાર દરવાજા પાસે ઊભો હતો. રાજન દેસાઈએ પાર્સલ લઈ લીધું. પેમેન્ટ તો એણે ઓનલાઇન કરી દીધું હતું.

એ સમયે સાધુ બાવાઓનું એક ટોળું પ્લેટફોર્મ ઉપર " હર હર ભોલે બમ બમ ભોલે" નો અવાજ કરતું જુનાગઢ તરફ જતી ટ્રેનમાં બેસવા માટે આગળ વધી રહ્યું હતું. એ લોકોની મંડળી ભવનાથના મેળામાં જઈ રહી હતી. જુનાગઢ તરફ જતી ટ્રેન સામેના પ્લેટફોર્મ ઉપર ઉભી જ હતી.

આ મંડળીમાં એક સાધુ માલપૂડાની ટોપલી લઈને ચાલતો હતો અને બીજા સાધુના હાથમાં ડોલ હતી જેમાં થોડી ખીર હતી. એ લોકોએ સ્ટેશન ઉપર જ માલપૂડા અને ખીરનું ભોજન લીધું હતું. એમના હાથમાં જે હતું તે વધેલા માલપૂડા અને વધેલી ખીર હતી.

માલપૂડાવાળો સાધુ જેવો મંથન પાસેથી પસાર થયો કે એણે ચાર માલપૂડા જબરદસ્તી મંથનના હાથમાં મૂક્યા.

"પ્રસાદ ખાઓ બચ્ચા." બોલીને એ આગળ નીકળી ગયો. પાછળ ને પાછળ આવતો ખીરની ડોલવાળો માણસ પણ મંથનની નજીક આવ્યો.

મંથનના હાથમાં માલપૂડા જોઈને ખીર વાળા બાવાએ બાજુમાં ચાલતા સાધુ પાસેથી એક મોટો પડિયો લઈ મંથનના હાથમાં મૂક્યો અને ખીરથી ભરી દીધો.

" જય ભોલેનાથ" કહીને એ ચાલતો થઈ ગયો.

આ બધું જાણે આંખના પલકારામાં અચાનક જ બની ગયું. મંથનને વિચારવાનો કે ના પાડવાનો કોઈ મોકો જ મળ્યો નહીં.

આ દ્રશ્ય જોઈને બાજુમાં ઊભેલો રાજન દેસાઈ ખડખડાટ હસી પડ્યો.

" આટલા બધા પેસેન્જરમાંથી માત્ર તને જ આ માલપૂડા અને ખીરનો પ્રસાદ મળ્યો. યાદ કર મેં તને શું કહ્યું હતું ? " રાજન બોલ્યો.

" માની ગયો બકા. તુ સી ગ્રેટ હો ! આ એક ચમત્કાર જ છે. મને તારી વાત ઉપર વિશ્વાસ જ ન હતો કે ખરેખર માલપૂડા અને ખીર ટ્રેઈનમાં મને મળશે !!" મંથન બોલ્યો. ત્યાં ટ્રેઈનની વ્હિસલ વાગી.

બંને જણા કોચમાં ચડી ગયા. રાજને બંનેના પાર્સલ ખોલી નાખ્યાં. મંથનનું પાર્સલ મંથનના ખોળામાં મૂક્યું. મંથને બે માલપૂડા રાજનને આપ્યા અને ખીર નો પડિયો છાપુ પાથરીને બન્નેની વચ્ચે મૂક્યો.

બંનેએ જમવાનું ચાલુ કર્યું. પાર્સલમાં આવેલું ભોજન સ્વાદિષ્ટ હતું. બે પરોઠા, એક ફ્લાવર, બટેટા, વટાણાનું મિક્સ શાક અને બીજું પનીરનું શાક. સાથે દાળ ભાત અને દહીં ! માલપૂડા અને ખીર પાછાં વધારાનાં.

" તું આ બધું કેવી રીતે કરી શકે છે રાજન ? મને તો ખરેખર વિશ્વાસ જ નહોતો. " જમ્યા પછી મંથને પૂછ્યું.

" મેં સવારે તો તને સમજાવ્યું મંથન. સ્ટ્રોંગ ક્રિએટિવ વિઝયુલાઈઝેશન ! મંથનના હાથમાં માલપૂડા અને ખીર આવે છે એટલે આવે છે. હું પણ આજે ટ્રેઈનમાં જ માલપૂડા જમી રહ્યો છું. બસ આવું સતત દ્રશ્ય આલ્ફા અને ડેલ્ટા લેવલમાં જઈને જોઈ લીધું. અને ચમત્કાર તારી સામે જ છે ! " રાજન બોલ્યો.

" તું ખરેખર ઘણો આગળ નીકળી ગયો છે રાજન. તું આ ગુરુદેવને કઈ રીતે ઓળખે ? " મંથન બોલ્યો.

" હું ક્યાં ઓળખું છું એમને? મેં તો પહેલીવાર એમનાં દર્શન કર્યાં. એ તો કદાચ તને જ મળવા માગતા હતા. મને તો ધ્યાનમાં ખાલી સંકેત મળેલો કે કોઈ સિદ્ધપુરુષ ગિરનારની તળેટીમાં આવેલા છે અને મારે તને ત્યાં લઈ જવો. એટલા માટે તો હું તને શોધતો હતો. અને તું મળી જાય એના માટે રોજ ક્રિએટિવ મેડીટેશન કરતો હતો. "
રાજન બોલ્યો.

" ખરેખર ? હું ધ્યાન કરતો નથી એટલે ગુરુદેવે તારા ધ્યાનમાં આવીને મને એમની પાસે લઈ જવાનો સંકેત તને આપ્યો. વાહ ગુરુદેવ તમારી લીલા !! " મંથન બોલ્યો.

" હા મંથન. એ તને જ મળવા માગતા હતા. એ પૂર્વ જન્મ જોઈ શકે છે એટલે મને પણ એમણે લગ્ન કરી લેવાનો આદેશ આપ્યો. જો કે એમણે જે માલપૂડા અને ખીરનો પ્રસાદ આપણને આપ્યો એ ચમત્કારિક ચોક્કસ છે. અને મારા જીવનમાં પણ પરિવર્તન આવશે. કારણ કે હું પણ એક નવી ઉર્જાનો અનુભવ કરું છું. " રાજન બોલ્યો.

" એક વાત તને જણાવી દઉં કે આ જે સિદ્ધ મહાત્માઓ કે દિવ્ય સંન્યાસીઓ હોય છે એ આપણને કંઈક કહેવા માગતા હોય છે. કંઈક સંદેશ આપવા માગતા હોય છે. પરંતુ આપણું રડાર નબળું હોય છે એટલે એમના સંકેતો આપણે પકડી શકતા નથી. એટલે જો આપણે ધ્યાનની પ્રેક્ટિસ કરીએ તો જ એમના સંકેતો કે આશીર્વાદ આપણે ઝીલી શકીએ. " રાજન બોલ્યો.

" આપણું ડુંટીની પાછળ રહેલું મણીપુર ચક્ર એ આપણું રડાર છે અને એ જો જાગૃત હોય તો જ આપણને ધ્યાનમાં આવા સંકેત મળે અને એમની વાણી સાંભળી શકીએ. બ્રહ્માંડનાં તમામ આંદોલનો આપણા શ્વાસોશ્વાસ દ્વારા સીધાં મણીપુર ચક્રમાં જાય છે. મણીપુર ચક્ર સીધુ સૂર્ય સાથે જોડાયેલું છે. વારંવાર આપણને પ્રાણાયામ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે એનું એક માત્ર કારણ એક જ છે કે આપણા શ્વાસ છેક ડુંટી સુધી પહોંચે અને મણીપુર ચક્રને વાઇબ્રેટ કરે. આ બધી રહસ્યમય વાતો છે મંથન. ક્યારેક ફરી આપણે કરીશું. " રાજન બોલ્યો.

મંથનને લાગ્યું કે રાજને આધ્યાત્મિક બાબતોમાં ઘણું ખેડાણ કરેલું છે નહીં તો આટલી સરળતાથી એ આલ્ફા અને થીટા લેવલ સુધી ન પહોંચી શકે.

લગભગ સાડા ત્રણ વાગે અમદાવાદ આવ્યું. બંને મિત્રોએ નીચે ઉતરીને ચા પી લીધી. અમદાવાદની ભૂમિ ઉપર પગ મુકતાં જ મંથનને દરીયાપુર વાડીગામ ની યાદ આવી ગઈ. આ જ ભૂમિ ઉપર એ જન્મ્યો હતો અને ૨૭ વર્ષ સુધી રહ્યો હતો. આ ભૂમિની કડવી મીઠી યાદો હતી !!

સાડા સાત વાગ્યે સુરત આવ્યું. દરેક મોટા સ્ટેશન ઉપર બંને મિત્રો પાંચ મિનિટ માટે નીચે ઉતરતા હતા.

" તને સુરત વિશે કંઈ ખબર છે મંથન ?" રાજને પૂછ્યું.

" તું શું કહેવા માગે છે એ મને ખ્યાલ નથી આવતો. તું જ કહી દે ને ! " મંથન બોલ્યો.

" આ સમૃદ્ધિ અને ભોગવિલાસની ભૂમિ છે. કહેવાય છે કે આ શુક્રની ભૂમિ છે. વિલાસી વાઇબ્રેશન્સ એટલાં બધાં પાવરફુલ છે કે વાત્સ્યાયન મુનિ અહીંથી પસાર થતા હતા ત્યારે એમના વિચારોમાં કામવાસના નો પ્રવેશ થયો અને એમણે અહીંયા જ રોકાઈને વાત્સાયન કામસૂત્રની રચના કરી. ડાયમંડ અને કાપડ એ શુક્રના ધંધામાં આવે છે તો આ ભૂમિ આ જ ધંધામાં જોડાયેલી છે. " રાજને પોતાનું જ્ઞાન પીરસ્યું.

શિયાળાના હિસાબે રાત પડી ગઈ હતી અને હવે વચ્ચે બીજું કોઈ મોટું સ્ટેશન આવતું ન હતું એટલે બંને જણા વસઈ સ્ટેશનની રાહ જોતા બેસી રહ્યા.

બરાબર ૧૦:૩૦ વાગે વસઈ રોડ સ્ટેશન આવ્યું એટલે બંને મિત્રો ઉતરી ગયા. વિરારથી આવતી લોકલ પકડી લીધી. રાજન દેસાઈ બોરીવલી ઉતરી ગયો.

મલાડ ઉતરીને મંથને રીક્ષા કરી. ઘરે પહોંચ્યો ત્યારે ૧૧:૩૦ વાગ્યા હતા. અદિતિ એ દરવાજો ખોલ્યો અને એ મંથનને પ્રેમથી ભેટી પડી. મંથને પણ એને ચુસ્ત આલિંગન આપ્યું. વીણામાસી જાગતાં હતાં પરંતુ એ જાણી જોઈને પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યાં ન હતાં.

બે રિસાઈને વિખુટા પડેલા જીવ લગભગ એક અઠવાડિયા પછી ભેગા થતા હતા એટલે એમને સ્પેસ આપવું જરૂરી હતું !!

" હવે તમે પહેલાં જમી લો. સાડા અગિયાર વાગી ગયા છે. પ્રેમ કરવા માટે આખી રાત પડી છે. " આલિંગનમાંથી છૂટા પડ્યા પછી અદિતિ લાડથી બોલી.

" હમ્... ચાલો પીરસી દો."

હાથ પગ ધોઈને મંથન ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી ગયો. અદિતિએ તેના માટે દૂધપાક પૂરી અને એને ભાવતું ભીંડાનું શાક બનાવ્યું હતું.

" લો આ માલપૂડા પણ ચાખો. બાજુમાં ધનલક્ષ્મી માસીએ સાંજે બનાવ્યા હતા તો એ ખાસ તમારા માટે આપી ગયાં છે. " કહીને અદિતીએ મંથનની થાળીમાં બે માલપૂડા મૂક્યા.

પોતાની થાળીમાં આજે બીજી વાર માલપૂડા અને દૂધપાક જોઈને મંથન અવાક થઈ ગયો. રાજન દેસાઈનો માઈન્ડ પાવર જબરદસ્ત કામ કરતો હતો ! એણે મનોમન રાજનને સલામ કરી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)