વારસદાર પ્રકરણ 44
" મને માફ કરી દો મંથન " અદિતિ માત્ર એટલું જ બોલી. ચહેરા ઉપર બે હાથ રાખીને એ રડી રહી હતી.
મંથન કંઈ ના બોલ્યો. એને એણે રડવા દીધી.
" પપ્પા હું હવે જાઉં છું. કેતાને એના ઘરે મૂકી આવું. આજની ઘટનાથી હું પણ ઘણો જ અપસેટ છું એટલે વધુ રોકાતો નથી અને હવે મારે બીજો કોઈ ખુલાસો કરવો નથી. " કહીને મંથન ઉભો થઈ ગયો. કેતા પણ ઊભી થઈ.
" અરે પણ તમે લોકો ચા-પાણી તો પીતા જાઓ. કેતા પહેલી વાર મારા ઘરે આવી છે. " સરયૂબા બોલ્યાં.
" ના મમ્મી. ફરી કોઈ વાર. દોઢ વર્ષના આટલા સહવાસ પછી પણ અદિતિ મને ઓળખી ના શકી અને મારા ચારિત્ર ઉપર શંકા કરી એનાથી મને ખૂબ દુઃખ થયું છે. " કહીને મંથન કેતાને લઈને બહાર નીકળી ગયો.
ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ઝાલા સાહેબ પણ ઘણા અપસેટ થયા. મંથને છેલ્લે જે કહ્યું એનાથી અદિતિ બહુ ડિસ્ટર્બ થઈ ગઈ.
" હવે રડવાનું બંધ કરી દે બેટા. આજનો દિવસ જ ખરાબ છે. એમનો વાંક પણ નથી. એમને પણ લાગી આવ્યું છે. ત્યાં ક્લિનિકમાં જ તારે એમની સાથે ખુલાસો કરી લેવાની જરૂર હતી. એ તને સાચી વાત કરવા તારી પાછળને પાછળ જ આવ્યા પણ તેં દરવાજો જ ખોલ્યો જ નહીં." સરયૂબા બોલ્યાં.
" એક બે દિવસમાં બધું ઠીક થઈ જશે. એમનો ગુસ્સો કે નારાજગી વધુ સમય નહીં રહે. એ પણ તને એટલો જ પ્રેમ કરે છે. " ઝાલા બોલ્યા.
પરંતુ ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ મંથન અદિતિને લેવા આવ્યો નહીં કે એણે કોઈ ફોન પણ ના કર્યો.
કેતાને લઈને મંથન બહાર નીકળ્યો એ પછી ગાડી સીધી અદિતિ ટાવર્સમાં લેવાનું સદાશિવને કહ્યું. ત્યાં ગેટ ઉપર જ કેતાને એણે ઉતારી દીધી અને પોતે સુંદરનગર જવા રવાના થઈ ગયો.
એ અદિતિને ખૂબ જ પ્રેમ કરતો હતો. લગભગ દોઢ વર્ષથી અદિતિ એની સાથે હતી. છતાં આજે અદિતિએ મારા ચારિત્ર ઉપર શંકા કરી અને મારે કોઈ લફડું હતું એવું વિચારી લીધું. એ મારા માટે આવું વિચારી જ કેવી રીતે શકે ? મંથનનું મન ખાટું થઈ ગયું હતું.
વીણામાસીએ રાત્રે એને પૂછ્યું હતું કે કેમ અદિતિ ના આવી ત્યારે પણ એણે એટલું જ કહ્યું હતું કે હમણાં એ ત્યાં જ રોકાશે.
ઝાલા સાહેબે બે દિવસ પછી મંથન સાથે ધંધા અંગે એકવાર વાતચીત કરી હતી. પરંતુ ત્યારે પણ મંથને અદિતિ અંગે કોઈ વાત કાઢી ન હતી.
ચોથા દિવસે અદિતિએ સવારમાં જ મંથનને ફોન કર્યો પરંતુ મંથને ફોન ના ઉપાડ્યો. અદિતિએ ઓફિસમાં લેન્ડલાઈન ફોન કર્યો તો જાણવા મળ્યું કે સર તો ગઈકાલના જૂનાગઢ ગયા છે.
અદિતિએ વીણામાસીને ફોન લગાવ્યો.
" અરે માસી મંથન જૂનાગઢ ગયા છે ? મારો ફોન કેમ ઉપાડતા નથી ? " અદિતિ બોલી.
" હા એ તો ગઈકાલે જૂનાગઢ ગયો છે તને કંઈ ખબર નથી ? તમારે વાત તો થતી હશે ને !! " વીણામાસીએ આશ્ચર્ય થી પૂછ્યું. કારણ કે મંથને વીણા માસીને કોઈ જ વાત કરી ન હતી.
" ના માસી મને ખરેખર જ કંઈ ખબર નથી. " અદિતિ બોલી.
" એવું તો બને જ નહીં. જૂનાગઢ જાય અને તને જાણ ના કરે એ તો બહુ કહેવાય ! અને તારો ફોન ના ઉપાડે તો પણ પછીથી ફોન તો કરી શકે ને ? તમારા બંને વચ્ચે કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને ?" વીણામાસીએ ચિંતાથી પૂછ્યું.
" પ્રોબ્લેમ થયો છે માસી. અમારા બંને વચ્ચે થોડી ગેરસમજ થઈ છે. ચાર દિવસથી એ મારી સાથે વાત નથી કરતા. જૂનાગઢ ગયા તો પણ મને કોઈ જાણ ના કરી. ગાડી લઈને ગયા છે ? " અદિતિ બોલી.
" અહીંથી રાજકોટ સુધી ફ્લાઈટમાં ગયા છે એ લોકો. ત્યાંથી ટેક્સી કરવાની વાત કરતો હતો. એની સાથે એનો કોઈ ભાઈબંધ પણ છે. પણ તમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે એની તો મને એણે કોઈ વાત જ ના કરી. " વીણામાસી બોલ્યાં.
" હું સાંજે મલાડ આવું છું અને તમને બધી વાત કરું છું. લાગે છે કે એ મને તેડવા નહીં આવે. મારે જાતે જ આવવું પડશે. " અદિતિ બોલી અને એણે ફોન કટ કર્યો.
મંથન ખૂબ જ અપસેટ થઈ ગયો હતો. ધંધામાં પણ એનું મન લાગતું ન હતું. પતિ અને પત્નીમાં એકબીજા તરફ વિશ્વાસ હોવો જોઈએ. હું એને આટલો બધો પ્રેમ કરું છું. આટલાં બધાં લાડ લડાઉ છું. છતાં પણ એક જ મિનિટમાં એને મારા ઉપર આટલી મોટી શંકા આવી ગઈ !! અને શંકા આવી હોય તો પણ મારો ખુલાસો સાંભળવા પણ ન રોકાઈ !! હું ઘરે ગયો તો પણ દરવાજો ખોલ્યો નહીં.
એ પોતાની ઓફિસમાં વિચારોમાં બેઠો હતો ત્યાં એની સેક્રેટરી સુષ્માએ એને ઇન્ટરકોમમાં કહ્યું કે કોઈ રાજનભાઈ તમને મળવા માટે આવ્યા છે. મંથનને કોઈ ઓળખાણ પડી નહીં છતાં એને અંદર મોકલવાનું કહ્યું.
પરંતુ રાજન દેસાઈને જોઈને મંથન ખુરશીમાંથી ઉભો થઈ ગયો. એને ખૂબ જ આશ્ચર્ય થયું.
" અરે રાજન તું ! વ્હોટ આ સરપ્રાઈઝ !! વેલકમ. અલ્યા મારી ઓફિસ કેવી રીતે શોધી કાઢી ? " મંથને રાજન સાથે હાથ મિલાવતાં કહ્યું.
" મન હોય તો માળવે જવાય. છેલ્લા એક મહિનાથી તારી યાદ બહુ જ આવતી હતી. કોઈ શક્તિ મને તારા તરફ ખેંચતી હતી. તારું કોઈ ઠામ ઠેકાણું મારી પાસે ન હતું. તને શોધવો કઈ રીતે ? અને તું મુંબઈમાં છે એની તો મને કલ્પના જ ના હોય ને !! " રાજન બોલતો હતો.
" એટલે મેં રોજ સવારે ૪ વાગ્યે ધ્યાનમાં બેસીને તને યાદ કરીને માત્ર તારા ચહેરા ઉપર ફોકસ કરવાનું ચાલુ કરી દીધું. સતત તારું વિઝયુલાઈઝેશન કરવા લાગ્યો કે મંથનની અને મારી મુલાકાત થઈ જાય છે. મંથનને શોધવામાં યુનિવર્સ પણ મને મદદ કરી રહ્યું છે. " રાજન બોલતો હતો.
" સતત હું મારા સબકોન્સિયસ માઈન્ડને આપણી મુલાકાત થાય એના માટે પોઝિટિવ વાઇબ્રેશન્સ આપતો હતો. તમે યુનિવર્સ પાસે દિલથી સતત માગો એટલે એ મળે જ છે. દુનિયા બહુ નાની છે દોસ્ત. અચાનક બોરીવલીમાં એલ ટી રોડ ઉપરના ગાર્ડનમાં મને શીતલ ભટકાઈ ગઈ. એ અમારા નડિયાદની છે. " રાજન બોલ્યો.
" શીતલને બોરીવલીમાં જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તને તો ખબર જ છે કે ભલે હું હોસ્ટેલમાં રહીને તારી સાથે એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદ ભણતો હતો પરંતુ મારું વતન તો નડિયાદ જ છે. મારી નાની બહેન મિતાલીની એ ફ્રેન્ડ છે. શીતલ મારા ઘરે ઘણીવાર આવતી. ક્યારેક હું એને ટ્યુશન પણ આપતો. " રાજન બોલ્યો.
" અમે વર્ષો પછી મળતાં હતાં એટલે વાતોએ ચડી ગયાં. મને એમ કે એનાં લગ્ન મુંબઈમાં થયાં હશે. પરંતુ એ તો હજુ કુંવારી જ છે. વાતમાંથી વાત નીકળી ત્યારે એણે કહ્યું કે ' અમદાવાદ ના મંથન મહેતા અહિયાં મોટા બિલ્ડર છે અને એમની જ સ્કીમમાં અમે ફ્લેટ ખરીદ્યો છે. એમની સ્કીમોમાં ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ પણ હું જ કરું છું. " રાજન બોલતો હતો.
" શીતલની વાતથી મને આશ્ચર્ય થયું કારણ કે તારી હાલત તો મને ખબર હતી. મેં એને પૂછ્યું કે સિવિલ એન્જિનિયર થયેલો છે અને કોઈ પોળમાં રહેતો હતો એ મંથન ? તો એણે હા પાડી. બસ પછી તો તારો નંબર અને એડ્રેસ મેં લઈ લીધાં. મારે જોવું હતું કે ખરેખર એ જ મંથન મહેતા છે ? એટલે મેં તને ફોન ના કર્યો અને સીધો ઓફિસે આવી ગયો. "
" રીયલી તારું વિઝયુલાઈઝેશન કામ કરી ગયું. ધ્યાનમાં આટલી બધી તાકાત હોય છે એ તો મને આજે જ ખબર પડી. " મંથન આશ્ચર્યથી બોલ્યો.
" ધ્યાનની તાકાત નહીં. ક્રિએટિવ વિઝયુલાઈઝેશન ની તાકાત. સાદા ધ્યાનમાં નિર્વિચાર થવાનું હોય છે. કંઈ માગવાનું હોતું નથી. માત્ર શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપીને અંદર ખોવાઈ જવાનું હોય છે. એ ધ્યાન આત્મસાક્ષાત્કાર માટે હોય છે. જો કે એમાં અમુક સિદ્ધિઓ આપોઆપ મળે છે. " રાજન સમજાવતો હતો.
" જ્યારે ક્રિએટિવ મેડીટેશનમાં આપણે કોઈ ચોક્કસ ગોલ ઉપર ફોકસ કરવાનું હોય છે. યુનિવર્સ પાસે માગવાનું હોય છે અને ખરેખર આપણને એ વસ્તુ મળી જ ગઈ છે એવું પોઝિટિવ સતત વિચારવાનું હોય છે. " રાજન બોલ્યો.
" આ ધ્યાનમાં તો જે માંગો તે મળે. તમારું ફોકસ જોરદાર હોવું જોઈએ અને સતત એના ઉપર ચિંતન થવું જોઈએ. આ વસ્તુ મને મળે જ છે એવું સતત તમારી નજર સામે વિઝન રહેવું જોઈએ અને એ બાબતમાં કોઈ શંકા પણ ઉભી થવી ન જોઈએ. લૉ ઓફ એટ્રેક્શન આમાં કામ કરે છે. " રાજન બોલ્યો.
"મંથન તું નહીં માને પણ અત્યારે ઈશ્વર કૃપાથી હું એ અવસ્થાએ પહોંચ્યો છું કે હું ધારું તે વસ્તુ પ્રાપ્ત કરી શકું છું. સમય લાગે છે પણ એ જ વસ્તુ મને પ્રાપ્ત થાય છે જે હું ઈચ્છું છું." રાજને પોતાની વાત પૂરી કરી.
" પરંતુ તું ધ્યાનમાં અને આ બધી વસ્તુઓમાં આગળ કેવી રીતે વધી ગયો ? " મંથને પૂછ્યું.
" મને નાનપણથી જ આવી બધી બાબતોમાં રસ હતો એટલે મેં ઘણા કોર્સ કર્યા છે. સિલ્વા જાણું છું, રેકી જાણું છું, પ્રાણિક હિલિંગ જાણું છું.
મને પહેલેથી જ ધ્યાનમાં ખૂબ જ રસ હતો. પરમહંસ યોગાનંદ અને સ્વામી વિવેકાનંદને મેં નાનપણથી વાંચેલા. પૈસાની કોઈ તકલીફ નથી એટલે હું મારી મસ્તીમાં જીવું છું. પપ્પાની હવે મુંબઈમાં પોતાની ડાયમંડ ઓફિસ છે. મારું ફેમિલી મુંબઈ શિફ્ટ થઈ ગયું છે. પપ્પા અને ભાઈ ધંધો સંભાળે છે હું તો મસ્તરામ છું. " રાજન બોલ્યો.
" બે વાર પોંડીચેરી જઈ આવ્યો છું. ઋષિકેશ પણ ગયા વર્ષે એક મહિનો રોકાયેલો. ઘણા બધા આશ્રમો જોયા. અમરનાથની યાત્રાએ પણ ગયો છું. કૈલાશ માનસરોવર પણ જઈ આવ્યો છું. આ બધું મારું ગયા જન્મનું ભાથું હોઈ શકે " રાજન બોલ્યો.
" અરે વાહ તું તો ખરો નસીબદાર છે રાજન. યુવાનીમાં જ તેં આટલી બધી આધ્યાત્મિક યાત્રાઓ કરી નાખી ? આના હિસાબે તો હું તારા કરતાં ઘણો પાછળ છું. મેં તો આવી કોઈ યાત્રા કરી જ નથી. હા ગુરુજીની કૃપા મારી ઉપર છે પરંતુ ગાયત્રી મંત્ર સિવાય હું બીજું કંઈ જ કરતો નથી. " મંથન બોલ્યો.
" તારું અંદરનું લેવલ ઘણું ઊંચું છે મંથન. ગયા જન્મનો તું યોગભ્રષ્ટ આત્મા છે. ગયા જન્મમાં તેં પણ ઘણી સાધના કરી છે પરંતુ ખૂબ ગરીબ અવસ્થામાં તું હતો એટલે સમૃદ્ધિ શ્રીમંતાઈ અને વૈભવનું તને બહુ જ આકર્ષણ હતું. તારી એ વાસના પૂરી કરવા માટે તારો આ જન્મ છે. તારા કોઈ ગુરુ પણ છે એ મને તારી ઓરામાં દેખાય છે. " રાજન થોડો ધ્યાનસ્થ થઈને ધીમે ધીમે બોલી રહ્યો હતો.
મંથન તો અવાક થઈ ગયો. ખરેખર રાજન કોઈ સિદ્ધ મહાત્મા જેવી વાતો કરતો હતો.
"મને દિવ્ય અનુભવ પણ બહુ જ થયા છે. જો ને તને મળવાની મને તીવ્ર ઈચ્છા થઈ અને આજે હું તારી સામે બેઠો છું. " રાજન હસીને બોલ્યો.
"બધી વાતો આપણે પછી કરીએ. સૌથી પહેલાં મને એ કહે કે તારે ચા પીવી છે કે કોલ્ડ્રીંક ? " મંથન બોલ્યો.
" આપણે તો બાપુ આઇસક્રીમના શોખીન છીએ. આજુબાજુ મળતો હોય તો મંગાવી લે. " રાજન હસીને બોલ્યો.
" આ મુંબઈ છે બકા. અહી પૈસા ખર્ચો એટલે બધું મળે. કઈ ફ્લેવર ચાલશે તને ? " મંથને પૂછ્યું.
" ગ્રીન પિસ્તા મારી ફેવરેટ છે." રાજન બોલ્યો.
મંથને બેલ મારીને પાંડુને અંદર બોલાવ્યો.
" અરે પાંડુ સુન. ગ્રીન પિસ્તા આઇસ્ક્રીમ કા એક પેકેટ લે આ ઓર દો બાઉલમેં આઈસ્ક્રીમ નિકાલ કે અંદર ભેજ. બાકી કા ફ્રિજમેં રખ દે. "
" હવે બોલ તું મુંબઈમાં ક્યાં રહે છે ?" પાંડુ ગયો પછી મંથને પૂછ્યું.
" કાંદીવલી મહાવીરનગરમાં શ્રીરાજ એપાર્ટમેન્ટ. " રાજન બોલ્યો.
" લગન બગન કર્યાં કે નહીં ? "
" ઈચ્છા જ થતી નથી યાર. અંદરથી ભગવો રંગ એવો લાગી ગયો છે કે સંસારમાં મન લાગતું જ નથી. " રાજન બોલ્યો.
" તું ભણતો હતો ત્યારે તો તારું ફેમિલી નડિયાદ રહેતું હતું ને ? પછી તમે લોકો મુંબઈ ક્યારે શિફ્ટ થયા ? " મંથને પૂછ્યું.
" એ વખતે પપ્પા મુંબઈમાં ડાયમંડ માર્કેટમાં જોબ કરતા હતા. પછી ધીમે ધીમે એમણે પોતાનું ચાલુ કર્યું અને આખું ફેમિલી અહીં બોલાવી લીધું. " રાજને માહિતી આપી.
"સાચે જ નસીબદાર છે તું રાજન. હવે તું શું કહેતો હતો ? કેમ મને મળવા માગતો હતો ? " મંથને પૂછ્યું.
" જુનાગઢ આવવું છે ? ગિરનાર તળેટીમાં શિવરાત્રીનો મેળો ભરાય છે ત્યારે શિવરાત્રીના એ દિવસોમાં કેટલીક દિવ્ય ચેતનાઓ ત્યાં પ્રગટ થતી હોય છે. જો પૂણ્ય કર્મો જાગૃત થયાં હોય તો જ આપણને દર્શન થઈ જાય. નહીં તો બાજુમાંથી નીકળે તોય આપણે જોઈ ના શકીએ. બીનુ હરિકૃપા મિલહી નહીં સંતા - તુલસીદાસજી એ રામાયણમાં લખ્યું છે. ઈશ્વરની કૃપા વગર સાચા સંતોના દર્શન પણ થતાં નથી." રાજન બોલ્યો. મંથનને રાજનની વાતોમાં બહુ જ રસ પડ્યો.
" હું તો દર વર્ષે ભવનાથના મેળામાં જાઉં છું. મેળાને તો અઠવાડિયાની વાર છે. પરંતુ હું તો કાલે જ નીકળું છું. મેળાની ભીડમાં આપણને દર્શન ના થાય." રાજન બોલ્યો.
" ખરેખર ત્યાં દિવ્ય ચેતનાઓ પ્રગટે છે ? ગિરનાર વિશે સાંભળ્યું તો છે. " મંથન બોલ્યો.
" જેમ કૈલાશ પર્વત ઉપર ઘણાં બધાં રહસ્યો છે એમ ગિરનાર પર્વતની નીચે પણ એટલાં જ રહસ્યો છે. કૈલાશ પર્વતની ઉપર કોઈ જઈ શકતું નથી તો ગિરનારની તળેટીમાં પર્વતની નીચે કોઈ જઈ શકતું નથી. સાક્ષાત શિવની ચેતના ત્યાં હાજર હોય છે. શિવરાત્રી ની આસપાસના ૧૫ દિવસમાં એ વધુ સક્રિય બને છે. તંત્ર સાધનાનું એ શ્રેષ્ઠ ક્ષેત્ર છે. " રાજન બોલ્યો.
" અત્યારે એક મહાપુરુષ ત્યાં પધારેલા છે એવો અંદરથી અવાજ આવ્યો એટલે જવાનો નિર્ણય લીધો. તળેટીમાં કોઈ ગુપ્ત ગુફા છે. એ તો શોધી કાઢીશું. જેણે અંદરથી આદેશ આપ્યો એ જ રસ્તો બતાવશે. તને પણ સાથે લઈ આવવાની એમની ઈચ્છા છે એવું મને લાગે છે. તું કહેતો હોય તો તારી પણ રાજકોટ સુધીની ફ્લાઇટની ટિકિટ હું લઈ લઉં. ત્યાંથી ટેક્સી કરી લઈશું. " રાજને કહ્યું.
" આવા કામમાં તો મારી હંમેશા સંમતિ હોય. તને મને મળવાની આટલી બધી તીવ્ર ઝંખના થઈ અને કોઈ દિવ્ય ચેતના એ તારી અને મારી મુલાકાત કરાવી દીધી એ પણ હું તો મારા ગુરુજીનો સંકેત જ સમજુ છું. આઈ એમ રેડી રાજન ! આમ પણ અત્યારે મને થોડા ચેન્જ ની જરૂર છે. " મંથન બોલ્યો.
અને બીજા દિવસે સવારે ૧૧ ની ફ્લાઈટ પકડીને બંને મિત્રો ૧૨:૩૦ સુધીમાં રાજકોટ પહોંચી ગયા અને ત્યાં ગ્રાન્ડ ઠાકરમાં જમીને ટેક્સી કરી સાંજે ૩:૩૦ વાગે ગિરનારની તળેટીમાં આવેલા રમણીય શહેર જૂનાગઢ પણ પહોંચી ગયા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)