વારસદાર - 42 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 42

વારસદાર પ્રકરણ 42

સમયને પસાર થતાં વાર લાગતી નથી. જોત જોતામાં બીજા આઠ મહિના પસાર થઈ ગયા. આઠ મહિના ઘણો લાંબો સમય ગાળો છે. આ આઠ મહિનામાં ઘણાં ઘટનાચક્રો આકાર લેતાં ગયાં.

કેતા અને શીતલ બોરીવલી વેસ્ટમાં ગોરાઈ લીંક ઉપર બનેલાં અદિતિ ટાવર્સ ની બી વીંગમાં ૫૦૧ નંબરના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયાં. મંથન નડિયાદ જઈને આવ્યો એ પછીના વીસેક દિવસ પછી શીતલ અને કેતા મુંબઈ આવ્યાં હતાં અને મંથન એમને બોરીવલી સ્ટેશનથી નવા ફ્લેટ ઉપર લઈ ગયો હતો.

લોકેશન અને ફ્લેટ જોઈને કેતા અને શીતલ બંને ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. આખા ફ્લેટનું અવલોકન કર્યા પછી શીતલે દરેક રૂમની ઇન્ટિરિયર ડિઝાઇન બનાવી હતી. મંથને ફર્નિચર બનાવનારા મારવાડીને પણ ફ્લેટ ઉપર બોલાવી લીધો હતો. શીતલે પોતાનો કન્સેપ્ટ એ મારવાડી મિસ્ત્રીને સમજાવી દીધો હતો. અને પોતે કાગળ ઉપર દોરેલી ડિઝાઇન પણ મિસ્ત્રીને આપી દીધી હતી.

બોરીવલીથી મંથન બંને બહેનોને જમવા માટે પોતાની સાથે મલાડ લઈ ગયો હતો. આગલા દિવસે જ એણે અદિતિને વાત કરી દીધી હતી કે પોતાની બે ફ્રેન્ડસ પોતાના નવા ખરીદેલા ફ્લેટની ડિઝાઇન નક્કી કરવા માટે નડિયાદથી બોરીવલી આવી રહી છે. શીતલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

અદિતિએ બંનેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. અદિતિના સ્વભાવથી કેતા અને શીતલ ખુશ થઈ ગઈ હતી. અદિતિ મંથન માટે એકદમ યોગ્ય હતી એવો અહેસાસ શીતલને પણ થયો હતો.

મંથને એ વાત અદિતિથી છુપાવી હતી કે એણે કેતા અને શીતલને સવા બે કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો હતો અને કેતાના નામનો પાકો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. મંથન પાસે એટલી બધી સંપત્તિ હતી કે એને બે ત્રણ કરોડમાં કોઈ ફરક નહોતો પડતો પરંતુ કોઈ છોકરીઓને ફ્લેટ ગિફ્ટ આપવો એના ઘણા અર્થ નીકળી શકે એમ હતા એટલે મંથન એ બાબતમાં કંઈ બોલ્યો ન હતો.

ચારેક મહિનામાં ફ્લેટ એકદમ તૈયાર થઈ ગયો હતો પરંતુ દિવાળી પછી જ શિફ્ટ થવું એવું કેતાએ નક્કી કર્યું હતું. ડિસેમ્બરમાં સારો દિવસ જોઈ કેતાનો પરિવાર હંમેશ માટે બોરીવલી શિફ્ટ થઈ ગયો હતો.

શીતલને મુંબઈ ખૂબ જ ફળ્યું હતું. મંથનની તમામ સ્કીમોમાં ઘણા બધા એવા ફ્લેટ હતા જેમાં ખરીદનારાઓ ને ઇન્ટિરિયર ડિઝાઇન કરાવવાની હતી. શીતલ રાત દિવસ કામ કરે તો પણ પહોંચી ન વળે એટલું કામ મંથન એને આપતો હતો. શીતલ લાખો રૂપિયાની પ્રેક્ટિસ કરતી થઈ ગઈ હતી !!

મંથનની તમામ સ્કીમોનું કામ ધમધોકાર ચાલતું હતું. રફીકના મામુજાનના કારણે બાંદ્રાની સ્કીમ આખી ફૂલ થઈ ગઈ હતી. જુહુ સ્કીમના ફ્લેટોનું પણ ૬૫ ટકા બુકિંગ થઈ ગયું હતું. અંધેરી ની સ્કીમ મધ્યમ વર્ગીય પરિવારોમાં ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી અને એમાં પણ ૫૦% જેટલા ફ્લેટ મંથનની વિશિષ્ટ જાહેરાતોના કારણે વેચાઈ ગયા હતા.

મંથનની પ્રગતિથી દલીચંદ ગડા ખૂબ જ ખુશ હતા. મંથનનું માર્કેટિંગ એટલું બધું જોરદાર હતું કે સામેથી જ લોકો ઇન્કવાયરી કરતા હતા અને નવા નવા ફ્લેટો બુક થતા જતા હતા.

અદિતિની મેડિકલ ટ્રીટમેન્ટ ડૉ. ચિતલે પાસે ચાલતી હતી. હોર્મોન્સના ઇન્જેક્શનના કારણે ફોલિકલ્સ ડેવલપ થવા લાગ્યા હતા એટલે એગ્સ પણ બનવા લાગ્યા હતા. છતાં ડૉ. ચિતલે ચિંતાતુર હતા. અદિતિનું ગર્ભાશય પ્રમાણમાં ઘણું સાંકડું હતું અને ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ઓછી હતી.

અદિતિ ખૂબ જ સેન્સિટિવ હતી અને માતૃત્વ ધારણ કરવા માટે થનગની રહી હતી. અદિતિની મમ્મી સરયૂબા પણ દીકરીના સંતાનને રમાડવા માટે ઘણાં બેચેન હતાં. આવા સંજોગોમાં મા દીકરીને આવી વાત કેવી રીતે કરવી એની મૂંઝવણ એક સિનિયર ડોક્ટર તરીકે ચિતલેને હતી. કોઈપણ હિસાબે આ વાત અદિતિના પતિને કરવી જોઈએ એવું ડૉ. ચિતલેને લાગ્યું.

" આપણી ટ્રીટમેન્ટ હવે અંતિમ તબક્કામાં છે એટલે મારી ઈચ્છા એકવાર તમારા મિસ્ટરને મળવાની છે. મિ. મહેતા જો એકવાર તમારી સાથે આવે તો આગળનો પ્લાન આપણે વિચારી શકીએ. " ડોક્ટર બોલ્યા.

" હા ચોક્કસ સર. નેકસ્ટ વીકમાં હું એમને લઈને આવીશ. " અદિતિ બોલી.

એક વીક પૂરું થયું એટલે અદિતિએ ડોક્ટરની એપોઇન્ટમેન્ટના આગલા દિવસે મંથનને પૂછ્યું.

" તમે કાલે બોરીવલી મારી સાથે ડોક્ટર પાસે આવશો ? ડોક્ટર તમને રૂબરૂ મળવા માંગે છે. એમણે ગયા અઠવાડિયે જ મને કહેલું કે આ વખતે તમે તમારા મિસ્ટરને સાથે લેતા આવજો. "

" ડોક્ટર મને કેમ મળવા માગે છે ? " મંથન બોલ્યો.

" મારી ટ્રીટમેન્ટ હવે પૂરી થવા આવી છે. એટલે એમને તમારી સાથે કોઈ વાત કરવી હશે. કાલની મારી એપોઇન્ટમેન્ટ છે એટલે તમારો વધારે સમય નહીં બગડે. " અદિતિ બોલી.

" ઠીક છે કેટલા વાગે જવાનું હોય છે ? " મંથને પૂછ્યું.

" સાંજે ચાર વાગે પહોંચવાનું હોય છે. તમે ત્રણ વાગ્યા સુધીમાં ઘરે આવી જજો. હું તૈયાર જ રહીશ. " અદિતિ બોલી.

" હું તને ફોન કરું એટલે તું નીચે આવી જજે. કાલે મારે બોરીવલી સાઇટ ઉપર જવાનું છે તો ડોક્ટરને મળીને હું સીધો સાઇટ ઉપર જઈશ." મંથન બોલ્યો.

" વાંધો નહીં તમે મને મયુર ટાવર ઉતારી દેજો. થોડીવાર મમ્મી પાસે બેસીને હું મારી મેળે જ મલાડ આવી જઈશ. " અદિતિ બોલી.

અને બીજા દિવસે સાંજે ચાર વાગે મંથન અને અદિતિ ડૉ. ચિતલેના ક્લિનિક ઉપર પહોંચી ગયાં. ત્યાં પહોંચ્યા પછી મંથનને યાદ આવ્યું કે આ જ ક્લિનિક ઉપર તે દિવસે કેતાનું એબોર્શન કરાવવા એ આવ્યો હતો.

ડૉ. ચિતલે મંથનને જોઈને તરત જ ઓળખી ગયા. મંથનની પર્સનાલિટી જ આખી અલગ હતી. તે દિવસે કેતાને લઈને આવ્યો ત્યારે પણ પોતાની વાક્છટાથી કેતાની આખી સ્ટોરી કહીને ડોક્ટરને એબોર્શન માટે કન્વીન્સ કરી દીધા હતા.

"આ મારા મિસ્ટર છે. તમે મને કહેલું કે આ વખતે એમને લઈને આવજો એટલે એ સાથે આવ્યા છે. " અદિતિએ પરિચય આપ્યો.

"હું ઓળખું છું એમને. આ પહેલાં પણ એ આ ક્લિનિક ઉપર આવી ગયા છે. " ડોક્ટર બોલ્યા.

"તમે મારા કેસ માટે ડોક્ટર સાહેબને મળી ગયા છો ? તમે તો મને કહ્યું પણ નહીં." અદિતિ મંથનની સામે જોઈને આશ્ચર્યથી બોલી.

" તમારા કેસ માટે નહીં મેડમ. લગભગ દોઢેક વર્ષ પહેલા કોઈ યુવતીને લઈને આવ્યા હતા. એનું એબોર્શન કરવાનું હતું. " ડોક્ટર બોલ્યા.

" વ્હોટ !! " અદિતિના માથે જાણે વીજળી પડી.

"રિલેક્ષ... હું તને પછી બધી વાત કરું છું. " મંથન બોલ્યો. મંથનને કલ્પના પણ ન હતી કે ડોક્ટર અદિતિની હાજરીમાં અચાનક આવી વાત કરશે.

" મેડમ તમે પાંચ મિનિટ જરા બહાર બેસશો ? મારે તમારો આખો કેસ એમને સમજાવવો છે. " ચિતલે બોલ્યા.

આમ પણ અદિતિ ઘણી અપસેટ થઈ ગઈ હતી એટલે એ તરત જ ઊભી થઈને ડોક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળી ગઈ.

" સોરી ડોક્ટર પણ તમે આ સારું ના કર્યું. તમને ખબર જ હતી કે એ છોકરી ક્યાંક ફસાઈ ગઈ હતી. મારો એની સાથે કોઈ જ પરિચય ન હતો. ટ્રેનમાં જ અચાનક મને મળી હતી. એના પ્રેમી એ એને દગો આપ્યો હતો. મેં એને એક દિવસ માટે હોટલમાં ઉતારો આપ્યો હતો. એ આપઘાતના વિચારો કરતી હતી એટલે માનવતાની દ્રષ્ટિએ હું એને તમારી પાસે લઈ આવ્યો હતો. મેં એની આખી સ્ટોરી તમને કહેલી. છતાં મારી વાઇફ આગળ તમે આ વાત કરી ?" મંથન સહેજ ગુસ્સે થઈને બોલ્યો.

" મિ. મહેતા કોઈપણ યુવાન કોઈ છોકરીને લઈને ગર્ભપાત કરાવવા આવે ત્યારે આવી સ્ટોરી જ બનાવતો હોય છે. અમારી પાસે તો આવા ઘણા કેસ આવે છે. તમે સાચા હો તો તમારી વાઇફ સાથે સાચી વાત કરી શકો છો." ડોક્ટર બોલ્યા.

"કેટલું આસાનીથી તમે કહી દીધું ? હું એને સાચી વાત કહીશ એટલે તરત એ માની જશે એમ તમે માનો છો ? એ મારી પત્ની છે. હજારો વિચારો એના સ્ત્રી માનસમાં આવે. લેવા દેવા વગર તમે મારા સુખી સંસારમાં આગ ચાંપી. સાચા ખોટાની પરખ તો જ્યારે થશે ત્યારે થશે પરંતુ અત્યારે એને કેટલો શૉક લાગ્યો !! એક તો સંતાન થતાં નથી એના ટેન્શનમાં બિચારી સતત ચિંતામાં જીવે છે અને ઉપરથી આવી વાત તમે કરી. એક ડોક્ટર તરીકે તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી. " મંથન બોલ્યો.

" સોરી.. તમને એવું લાગતું હોય તો તમે એમને અંદર બોલાવો. હું તમારા વતીથી એમને વિગતવાર વાત કરું અને સમજાવું. મારો ઇરાદો તમારા લગ્નજીવનને ડિસ્ટર્બ કરવાનો ન હતો. " ડોક્ટર બોલ્યા.

પરંતુ લગ્નજીવન ડિસ્ટર્બ થઈ જ ગયું હતું. મંથને ચેમ્બરની બહાર આવીને જોયું પણ અદિતિ ક્યાંય ન હતી. એને ખાતરી થઈ ગઈ કે અદિતિને મારા ચારિત્ર ઉપર શંકા ગઈ છે અને એને બહુ જ વસમો આઘાત લાગ્યો છે. એ રીક્ષા કરીને બોરીવલીના ઘરે જ ગઈ હશે. એ શૂન્યમનસ્ક બનીને બે ત્રણ મિનિટ બહાર બેસી રહ્યો. અદિતિને કેવી રીતે કન્વીન્સ કરવી ?

એ ઊભો થયો અને નીચે ઉતર્યો અને ગાડી લઈને મયુર ટાવર પહોંચી ગયો. એણે ફ્લેટ ઉપર પહોંચીને ડોરબેલ વગાડ્યો. સરયૂબાએ દરવાજો ખોલ્યો.

"અરે મંથનકુમાર તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો થયો છે ? અદિતિ હજુ હમણાં જ તમારા પહેલાં પહેલાં જ આવી છે. આવીને કંઈ પણ બોલ્યા વગર બેડરૂમમાં ઘૂસી ગઈ છે. ચહેરો પણ રડવા જેવો હતો. " સરયૂબા બોલ્યાં.

" મમ્મી કોઈ જ ઝઘડો થયો નથી. બસ એક નાનકડી ગેરસમજ થઈ છે. એ મારી સાથે બેસીને વાત કરે તો એને હું સમજાવું ને ? અમે લોકો ક્લિનિકમાં ગયાં હતાં. ડોક્ટરે એક એવી વાત કરી કે એને શૉક લાગ્યો અને એ સીધી ઘરે આવી ગઈ. " મંથન બોલ્યો. એને સમજ નહોતી પડતી કે સાસુને આ બધી વાત કેવી રીતે કહેવી ? કોણ માનશે ?

" ડોક્ટરે સંતાન અંગે એવી કોઈ વાત કરી છે ? " સરયૂબા બોલ્યાં.

" ના મમ્મી આ તો બીજી જ વાત છે. એ મારી સાથે વાત કરે તો હું એને સાચી વાત સમજાવું ને ? " મંથન બોલ્યો.

સરયૂબાએ બેડરૂમનો દરવાજો જોરથી ખટખટાવ્યો.

" અરે બેટા દરવાજો ખોલ. મંથનકુમાર આવ્યા છે. જે પણ વાત હોય તમે સામસામે બેસીને ચર્ચા કરી લો ને ! આમ બેડરૂમમાં થોડું પુરાઈ રહેવાનું હોય ? " સરયૂબા બોલ્યાં.

એ દરવાજા પાસે થોડીવાર ઊભાં રહ્યાં તો એમને અદિતિના ડૂસકાંનો અવાજ આવ્યો.

"ખબર નથી પડતી એવું તે શું થઈ ગયું છે કે એ આમ રડે છે ? એ એની જિંદગીમાં આવી રીતે ક્યારેય પણ રડી નથી. તમે થોડીક વાત કરો તો મને કંઈક ખબર પડે. " સરયૂબા બોલ્યાં.

હવે મંથનને ખરેખર મૂંઝવણ થઈ. મમ્મીને કેવી રીતે વાત કરવી ? આ એવી નાજુક ચર્ચા હતી કે એને પોતાને પણ સંકોચ થતો હતો.

"એક કામ કરું છું મમ્મી. હું અત્યારે હવે નીકળી જાઉં છું. હું રાત્રે ફરી આવીશ. ત્યાં સુધીમાં કદાચ એનો ગુસ્સો ઓછો થાય. કારણ કે આ ચર્ચા મારે એની સાથે જ કરવી પડશે. " મંથન બોલ્યો અને ઉભો થયો.

" ઠીક છે. રાત્રે એના પપ્પા પણ ઘરે હશે "સરયૂબા બોલ્યાં.

મંથનના ગયા પછી લગભગ અડધા કલાકે અદિતિ બેડરૂમમાંથી બહાર આવી. રડવાના કારણે એની આંખો પણ લાલ થઈ ગઈ હતી.

" અરે બેટા તું કંઈક બોલે તો મને ખબર પડે ને ? એવું તે શું થયું છે તમારા બંને વચ્ચે ? " સરયૂબા સોફા ઉપર અદિતિની બાજુમાં બેસીને બોલ્યાં.

" મમ્મી હવે હું મલાડ ક્યારે પણ નહીં જાઉં. મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે. મેં આંખો બંધ કરીને એમની વાતો ઉપર વિશ્વાસ મૂક્યો. હું બીજું બધું જ સહન કરી શકું છું પરંતુ જૂઠ સહન કરી શકતી નથી. " અદિતિ ગુસ્સામાં બોલી.

" અરે પણ બેટા એવું તે શું થયું છે ? મને માંડીને બધી વાત તો કર." સરયૂબા હજુ પણ સમજી શકતાં ન હતાં.

" આજે ડોક્ટર પાસે પહેલીવાર એ મારી સાથે આવ્યા ત્યારે બધી ખબર પડી. ડોક્ટરે એમને ઓળખી લીધા. દોઢ વર્ષ પહેલાં એ કોઈ ગર્લ ફ્રેન્ડને આ જ ક્લિનિકમાં ગર્ભપાત માટે લઈ આવેલા. આનાથી વધારે શું પ્રૂફ જોઈએ ? એમનું ચારિત્ર્ય સારું નથી. લગ્ન પહેલાં એમના કોઈની સાથે સંબંધો ચોક્કસ હતા. મને ખોટું બોલેલા. એવા માણસને હું સહન ના કરી શકું. " અદિતિ એક શ્વાસે બોલી ગઈ.

સરયૂબા થોડો સમય કંઈ બોલ્યા નહીં. એ ગંભીર હતાં.

" તું ભલે કહે અદિતિ પરંતુ મંથન કુમારને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી એ એવા માણસ નથી. ક્યાંક કોઈક મોટી ગેરસમજ થઈ છે. એ અહીં આવ્યા ત્યારે પણ એ જ કહેતા હતા કે અદિતિને ગેરસમજ થઈ છે. " સરયૂબા બોલ્યાં.

" મેં મારા સગા કાને સાંભળ્યું. તું અત્યારે પણ ડોક્ટરને જઈને પૂછી શકે છે. કોઈ જ ગેરસમજ નથી. કોઈ છોકરીનો એમણે ગર્ભપાત કરાવ્યો એ વાસ્તવિકતા છે. હવે એ પોતાની જાતને બચાવવા માટે ગમે તે દલીલો કરે હું માનવાની નથી. અમારા સંબંધો પૂરા થઈ ગયા. " અદિતિ બોલી.

એ પછી સરયૂબા એ કોઈ દલીલ ના કરી. કારણ કે મગજ ગુસ્સામાં હોય ત્યારે એ શાંત ચિત્તે વિચારી શકતું નથી.

મંથનકુમારની વાત પણ મારે સાંભળવી જોઈએ. આ રીતે કોઈ ઉતાવળો નિર્ણય લઈને છૂટા ના પડાય. એ એક સંસ્કારી વ્યક્તિ છે. એ જિંદગીમાં ક્યારેય પણ આવું ના કરી શકે. એ ઘરે આવે એટલે એમની સાથે પણ મારે ચર્ચા કરવી પડશે અને કાલે ડોક્ટરને પણ મળવું પડશે.-- સરયૂબા વિચારી રહ્યાં.

સાંજે ઝાલા ઘરે આવ્યા એટલે બધી જ વાત એમને કરી. અદિતિ તો પોતાના બેડરૂમમાં જ હતી.

" આજકાલનાં છોકરાંને આપણે શું કહેવું ? વાત વાતમાં છૂટા પડી જવાની વાત કરે છે ! કોઈપણ ઘટના બની હોય તો એના મૂળ સુધી જવું જોઈએ. પૂરી તપાસ કરવી જોઈએ. સાચા ખોટાનાં પારખાં કરવાં જોઈએ. " સરયૂબા બોલતાં હતાં.

" અને મંથનકુમારને હું ઓળખું છું ત્યાં સુધી એ સો ટચનું સોનું છે. એ કદી પણ અદિતિનો વિશ્વાસ તોડી ના શકે એની ખાતરી હું આપું છું. ભલે એમણે કોઈનું એબોર્શન કરાવ્યું હશે. પણ એનું પણ કોઈ કારણ હશે. એમનું ચારિત્ર્ય ખરાબ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ ? આપણે ડોક્ટરને મળીને આખી વાત સમજવી જોઈએ." સરયુબા બોલ્યાં.

" તમારી વાત સાચી છે. મંથનકુમાર વિશે હું પોતે પણ એવું ક્યારેય વિચારી ન શકું. એમણે મને અને અદિતિને લગ્ન પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે એમના જીવનમાં કોઈ જ પાત્ર હજુ સુધી આવ્યું નથી. જરૂર અદિતિની કોઈક મોટી ગેરસમજ થઈ છે. " ઝાલા બોલ્યા.

" અત્યારે મંથનકુમાર અહીં આવવાના છે. એમને દુઃખ લાગે એવું તમે કંઈ પણ કહેતા નહીં. પૂરેપૂરી ચકાસણી કર્યા વગર કોઈને શંકાની નજરે ના જોવાય. " સરયૂબા બોલ્યાં.

" તમે એની ચિંતા ના કરો. અદિતિ તો નાદાન છે. આપણે એને સમજાવીશું." ઝાલા બોલ્યા.

લગભગ સાડા સાત વાગે ડોરબેલ વાગ્યો. ઝાલા સાહેબે પોતે ઉભા થઈને દરવાજો ખોલ્યો. સાથે કોઈ યુવતીને લઈને મંથનકુમાર આવ્યા હતા.

મંથનકુમાર સાથે આવેલી યુવતી બીજી કોઈ નહીં પણ કેતા ઝવેરી હતી !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sharda

Sharda 4 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Reeta Choudhary

Reeta Choudhary 2 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 5 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા