શર્મિલી SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શર્મિલી

રોજ જ્યારે રાતનાં અંધારાં દિવસને ગળી જાય અને રસ્તે ભૂરી સફેદ મર્ક્યુરી લાઈટો પ્રકાશનાં ચાંદરણા વેરે એવે વખતે હું મારી સેલ્સમેનની નોકરી પુરી કરી થાક્યોપાક્યો નીકળું. નજીક બસસ્ટેન્ડ પર થોડા વખતથી એ જ સમયે બસની રાહ જોતી યુવતી કહો તો છોકરી લાગે ને છોકરી કહો તો યુવતી લાગે એવી સ્ત્રીને જોઉં ને મારો થાક લગભગ ઉતરી જાય.

કાજળ ઘેરી આંખો, નાનકડાં મોં પર કુણાકુણા ગોરા ગાલ પર પડતો રસ્તાની એ મર્ક્યુરી લાઈટનો પ્રકાશ, એ પાતળું પણ લોભામણું બદન અને શોલ્ડર સુધી હેરકટ રાખવાના જમાનામાં પણ.. માય.. ઢીંચણ સુધી પહોંચતા કેશ - બીજા કોઈ આની પાછળ પાગલ થયા કેમ નહીં હોય? કે કેટલાયે પાગલોની લાઈન હશે પણ આવે વખતે બસ પકડવાની લાઈનમાં ઉભતા નહીં હોય!

રોજ હું એને જોઉં અને એ મને. હું તો રહ્યો સેલ્સમેન. એને ખુલ્લું સ્મિત આપું. એની આંખમાં પરિચિતતા ડોકાય પણ હોઠ ખાલી ખૂણેથી હસુંહસું થાય. સામે હસવું કે નહીં એ વિશે એ અનિર્ણિત રહેતી.

આખરે એક દિવસ એને એકલી જોઈ હું ત્યાં જઈ ઉભો રહ્યો અને 'અહીં નોકરી કે સ્ટડી કરો છો?' પૂછી લીધું. એ સાથે એ મારી સામે જોઈ રોજ કરતાં થોડું વધુ હસી. અમારી દ્રષ્ટિ મળી. મને એ હદ બહાર ગમી. મેં ઝડપથી એને પગથી માથાં સુધી જાણે સ્કેન કરી મારાં દિલમાં સ્ટોર કરી લીધી. એણે મારી સામે જોયું. લાઇટમાં એની કીકીઓમાં મને મારૂં પ્રતિબિંબ દેખાયું. મારૂં સમગ્ર પુરુષત્વ અંદરથી જાગી ઉઠ્યું.

'હું બાજુની … પેથો. લેબમાં ટેક્નિશિયન છું. મારી ડ્યુટી પણ આઠ વાગે પુરી થાય.' એ બોલી. દંતપંક્તિઓ જાણે સફેદ મોતીડાં. ફૂટતું યૌવન જાણે તાજી ખીલેલી કળી!

મેં મારી ઓળખાણ આપી અને તેને તેનું નામ પુછ્યું. પહેલાં તે શરમાઈને નીચું જોઈ ગઈ. પછી સ્વગતોક્તિની જેમ સાવ ધીમા, whispering tone માં નામ કહ્યું. ત્યાં તો બસ આવી. ભીડ હોઈ અમારે જોડાજોડ ઊભવું પડ્યું. કદાચ બીજાઓનો સ્પર્શ ન થાય એટલે, હું તેની સાવ નજીક ઊભેલો. બસના વળાંકો કે જર્ક વચ્ચે અમારાં અંગોનો સ્પર્શ થયે જતો હતો. એક જગ્યાએ કોઈ કપલ ઉઠ્યું. મેં જલ્દીથી ત્યાં બેસવા મારૂં બેકપેક મૂક્યું અને તેના હાથ પર હાથ મૂકી તે સીટ પર આવવા સંજ્ઞા કરી.

મને એના પંજાનો સ્પર્શ એકદમ શીતળ લાગ્યો. વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ પહેલાં એનો હાથ પાછળ ખેંચાઈ ગયો પણ પછી તે મારી સાથે બેઠી. મેં તેને બારી તરફ જગ્યા આપી. ફરી બે ખભાઓના હળવા સ્પર્શ સાથે અમે બેઠાં રહ્યાં અને ધીમેધીમે કોઈ વાતો ચાલુ રાખી. એના દેહની સુવાસ મને ખૂબ ગમી.

એનું સ્ટેન્ડ આવતાં તે ઉતરી અને ફરી સાવ થોડું મરકતું સ્મિત આપી નીચું જોઈ ઉતરી અને સીધી જ ઝડપથી ઘર તરફ નીચું જ જોઈ ચાલવા લાગી.

બીજે દિવસે તો હું મારી બાઈક પર હતો. ગઈકાલે બાઈકમાં પંક્ચર હતું. મેં તેની પાસે બાઈક ઉભાડી તેને લિફ્ટ ઓફર કરી. તેણે સંકોચ સાથે મધમીઠું થેંક્યુ કહ્યું પણ બેઠી નહીં. અમારી ઓફિસો અલગ હતી પણ રસ્તો એક જ હતો. મેં પ્રયત્નો ચાલુ રાખ્યા.

આજે હજી અજવાળું હતું. હું વહેલો નીકળેલો. સામે જ તે ઊભી હતી. આથમતા સૂરજની લાલિમા તેના સમગ્ર અસ્તિત્વને પ્રકાશિત કરતી હતી. આજે તે ખૂબ જ સુંદર લાગતી હતી. દ્રષ્ટિ ચોંટાડી રાખવાનું મન થાય તેવી. તેની સાથે થોડી ઢીચકી તો ન કહેવાય, તેનાથી નીચી હાઈટની છોકરી ઉભી હતી. તેઓ વાતોમાં મગ્ન હતાં. મેં હંમેશ મુજબ લિફ્ટ ઓફર કરી. હંમેશ મુજબ જ તે હળવું સ્મિત આપી શરમાઈને બાજુમાં જોઈ ગઈ.

બહુ શરમાળ છે! મેં મનમાં એનું નામ શર્મિલી પાડ્યું.

તેની સાથેની છોકરીને મેં વિવેક ખાતર જ આગ્રહ કર્યો અને લ્યો, એ તો મારી પાછળ બેસી પણ ગઈ! સહેજ આગળ જતાં તેણે મારે ખભે હળવો હાથ પણ મૂકી દીધો. મારી 'શર્મિલી' દૂર ઊભી આંખો ફાડી જોઈ રહી.

મારી સાથે આવતી યુવતી તેની કલીગ હતી. તેણે પોતાનું નામ કહ્યું, મારૂં પૂછ્યું, અમારા શો રૂમ વિશે કોઈ વાત કરી અને ઉતરતી વખતે મુક્ત સ્મિત આપી 'બાય.. કાલે મળશું' કહી હાથ હલાવતી ગઈ.

બીજે દિવસે હું રાત્રે નીકળ્યો ત્યારે એ શર્મિલી જ ઊભેલી અને આજે એની આંખમાં ઇન્તેજાર હતો. મેં લિફ્ટ ઓફર કરી ન કરી ને તે બેસી પણ ગઈ. ઠીંગણી સખી દૂરથી આવતી અમને જોઈ રહી. શર્મિલી પાછળ તો બેઠી પણ દૂર, કેરિયર પકડીને. તો પણ મારા મુખ પર વિજયપતાકા લહેરાતી હતી.

થોડીવારમાં સામો વરસાદ શરૂ થયો. અમારાં મોં પર વરસાદનો માર લાગવા માંડ્યો. અમે એક હમણાં જ બંધ થયેલી દુકાનના શેડ નીચે ઊભાં. કોઈ લારીવાળો મકાઈ શેકતો હતો તેની પાસેથી મેં બે મકાઈ લીધી. એણે મકાઈ ખાતાં મારી સામે એ જ આછુંઆછું સ્મિત કર્યે રાખ્યું. હું બોલું એનો એકાક્ષરી જવાબ આપતી રહી. એમાં તો મને વધુ ઉત્તેજના થઈ. શરમાઈને નીચું જોઈ બે ચાર શબ્દો હળવે અવાજે બોલતી એ, ખુલ્લું હસતો ને એ જ સ્કેન કરતી દ્રષ્ટિએ તેને અંતરમાં ભરતો હું. મન રંગીન કલ્પનાઓથી રંગાઈ ગયું.

વરસાદ પૂરો થતાં મેં બાઈક ભગાવી. રસ્તે ખાડાઓ હોઈ તેણે કદાચ ન છૂટકે પણ મને પકડવો પડ્યો. વચ્ચે વચ્ચે તેનો દેહ મારી પીઠ સાથે ચંપાતો રહ્યો.

તે તેની શેરીને નાકે ઉતરી અને આજુબાજુ જોઈ કોઈ નથી જોતું તેની ખાતરી કરી સાવ હળવું 'બાય' બોલી અને નીચું જોઈ ઝડપથી ચાલતી થઈ.

મેં એને બોલાવી. એ પાછી આવી. મેં બીજે દિવસે રજા હોઈ તેને સાથે બહાર આવવા પૂછ્યું. એ ફરી શરમાઈ ગઈ. એનું મોં રતુંબડું થઈ ગયું. એણે માથું હલાવી ના પાડી અને હવે દોડતી ઘર તરફ ગઈ.

મને નવું લાગ્યું. આને કોઈ બોયફ્રેન્ડ છે? હું એને ગમતો નથી? એને વિજાતીય મૈત્રી માટે કોઈ પ્રોબ્લેમ છે? એ વિચારોમાં જ હું ઘેર ગયો.

એ પછીના દિવસે હું ફરી વહેલો હતો. એ તો ન હતી પણ તેની એ ફ્રેન્ડે સામેથી મને હાથ કર્યો અને મેં બાઈક ઉભી રાખતાં જ બેસી ગઈ, મારે ખભે હાથ મુકતી. અમે હળવેહળવે કોઈને કોઈ મીઠી વાતો કરતાં ગયે રાખ્યું. એ મારી તરફ ખેંચાઈ હતી પણ ચાલુ કહીએ એવી ન હતી. એણે કહ્યા મુજબ મારી 'શર્મિલી' લેબમાં પણ કોઈ પુરુષ કલીગ સાથે કામ વગર બોલતી ન હતી. આમ તો નોર્મલ હતી. મારે વિશે એ બે વચ્ચે વાત થઈ ન હતી.

મેં હવે ધરાર વહેલા નીકળવું શરૂ કર્યું. એ ઠીંગણી તો મારી રાહ જોતી ઉભી જ હોય. અમારે પરિચય કેળવાતો ગયો. 'બાતોં બાતોં મેં પ્યાર..' થતો લાગ્યો. આ પણ મને ગમવા લાગી પણ મનુષ્ય સ્વભાવ જ છે કે ન મળે એની પાછળ જ દોડે. અંતર હજી 'શર્મિલી'ને ઝંખતું હતું. ક્યારેક થતું કે એ મારાથી આટલી શરમાય કેમ છે? આટલું અંતર કેમ રાખે છે?


એક રજાનો દિવસ. હું શહેરના જાણીતા મોલમાં ફરવા ગયેલો. એ બે અને ત્રીજી એક સાગના સોટા જેવી ઊંચી, પાતળી છોકરી એક સાથે સામાં મળ્યાં. મેં મારી શર્મિલીને 'હાય, અહીં ક્યાંથી?' પૂછ્યું. એણે પરાણે કહેતી હોય એમ ધીમા અવાજે સામું 'હાય..' કહ્યું અને એ જ રતાશ તેના ગાલ પર ઊભરી આવી. એ ફરી નીચું જોઈ ગઈ.

ઠીંગણી તો મને જોઈ રાજીના રેડ થઈ ગઈ. અમે એક રેલિંગને ટેકે, કહોને કે એક બીજાની કમરે હાથ અડે તેમ ઉભી વાતો કરવા લાગ્યાં. ત્રીજી છોકરી એમાં જોડાઈ. એને પણ મેં નામ પૂછ્યું અને અમે વાતો શરૂ કરી. એ વળી અદબ વાળી મારી સામે ઊભી રહી. ઉભાર ઘાટીલા છે એ બતાવવું હશે? મારી દ્રષ્ટિ થોડે દુર ઊભેલી 'શર્મિલી' પર ગઈ. એનાં મોં પર અણગમાના ભાવો સ્પષ્ટ જોઈ શકાતા હતા. એને અમારી ઈર્ષ્યા થતી લાગી.

અમે ત્રણે સાથે ચાલવું શરૂ કર્યું. એસ્કેલેટર પર ઉભવા જતાં એ મારી નજીક આવી ગઈ. મારો હાથ તેને અડ્યો. એક ક્ષણ વળી તેને ઝાટકો લાગ્યો હોય તેમ દૂર થઈ પણ પછી વધુ નજીક આવી ચાલવા લાગી. કદાચ એ હવે મારી નજીક મને ઘસાતી ચાલતી હતી. એણે મને મારા નામથી બોલાવ્યો. અહીં સ્પષ્ટપણે તે મારી ઉપર પોતાનો માલિકી હક્ક બીજી બે ને બતાવવા માંગતી હતી.

થોડું ફરી, સાથે ખરીદી કરી મેં તેમને સહુને મોલના ઉપરને માળે આવેલી ઈટરીમાં આવવા આમંત્રણ આપ્યું. શર્મિલી તો વળી ખચકાઈ પણ બીજી બે તરત તૈયાર થઈ ગઈ! અમે ત્રણે ઇટરીમાં જઈ બેઠાં. એ મારી સામે જ બેસી ગઈ. મેં તેને મેન્યુ આપતાં તેના કોમળ હાથનો જાણીજોઈ સ્પર્શ કર્યો. એક ક્ષણ હંમેશ મુજબ તેનો હાથ પાછો ખેંચાયો. પછી મને સ્પર્શ્યો. હું તેની સ્નિગ્ધતા અનુભવતો રહ્યો.

નવી ફ્રેન્ડને શરારત સૂઝી. તેણે મારા પગ સાથે પગ ટકરાવી સહેજ ઘસ્યો. મેં તેની ખુલ્લી પિંડી પર મારા પગની આંગળીઓ ટેબલ નીચેથી ફેરવી. ગાયને પંપાળીએ ને તેની ચામડી ધ્રૂજે એમ એના પગની ચામડી પણ જાણે ધ્રુજી પણ તેણે મને મારી ક્રિયા ચાલુ રાખવા દીધી! અમે પગની આંગળીઓનો સ્પર્શ કરતાં રહ્યાં. શર્મિલીને ખ્યાલ આવતાં તે જોઈ રહી. તેનું મુખ વધુ ને વધુ લાલ થતું રહ્યું. તેણે પેલીનો પગ હળવેથી હડસેલી મારો હાથ પોતાના હાથમાં લીધો. પેલી નવી મને સામે બેઠી અડપલાં કરી રહી. ઠીંગણી મારી બાજુમાં બેઠેલી તે વધુ નજીક આવી. વચ્ચે વચ્ચે અમારાં પડખાં સ્પર્શવા લાગ્યાં.

એ રોમાંસો સાથે અમારી વાતો અને નાસ્તો ચાલતાં રહ્યાં.

બીજી બે ફ્રેન્ડ્સ મારી સાથે મોલની, હમણાં ચડેલાં પિક્ચરની, કોઈ પોપ્યુલર ન્યુઝ આઇટેમની વાતો કરી રહી. ઠીંગણી મારી નજીક સરી ને અમારા ખભા સાથે સ્પર્શે એમ બેસી કોલ્ડડ્રિન્ક સીપ કરવા લાગી. હું નવા ફ્લાયઓવર પર ડ્રાઇવિંગની થ્રિલ, સરકારે કરેલાં નવાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની વાતો કરતો રહ્યો. ત્રીજી ફ્રેન્ડ હડપચી પર ડોક ટેકવી મારી સામે સ્મિત કરતી વાતો સાંભળી રહી, સાથે મારી આંખોમાં આંખ પરોવી જાણે મને કોઈ સિગ્નલ આપતી રહી.

ક્લિયરલી અહીં પ્રણય ત્રિકોણ નહીં, બહુકોણ રચાઈ રહ્યો હતો. હમણાં એ બહુકોણ કેલીડોસ્કોપની જેમ રંગોની છોળ ઉડી અવનવી ડિઝાઇન અમારી વચ્ચે બનાવશે એમ લાગ્યું. મને તો ત્રણ ત્રણ મીઠાઈ એક થાળીમાં પીરસાઈ હતી. ત્રીજી નવી વળી બિલ મગાવું ત્યાં મારો હાથ પકડી સોલ્જરીની વાત કરવા લાગી.

'તમે તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છો. આઈ રિયલી લાઈક યુ.' તેણે કહ્યું.

'તમારી કંપનીમાં સમય ક્યાં ગયો એ ખબર પડતી નથી. યુ આર એ ગ્રેટ ટોકર. સાથે તમે કેર પણ પુરી લો છો. એનચાન્ટિંગ મેન યુ આર!' ઠીંગણી બોલી ને મારી સાથે દબાઈ.

'શર્મિલી' ના મોં પરના ભાવો બદલાઈ ગયા.

' …, મારે ઇલેક્ટ્રોનિક્સના અમુક પાર્ટ્સ લેવા છે. તમે મારી સાથે આવો.' અવાજમાં ગજબનું માર્દવ લાવી 'શર્મિલી' બોલી. હું ઉભો થયો ત્યાં તેણે બીજી ફ્રેન્ડ્સ ને 'પ્લીઝ એક્સકયુઝ અસ' કહ્યું અને મારા હાથને હળવો સ્પર્શ કરતી ચાલવા લાગી.

હું સિગ્નલ સમજ્યો અને તેની પાછળ દોરાયો.

'એક્સક્યુઝ અસ..' બીજી બે તેના ચાળા પાડતી એક બીજીને ઠોસા મારતી બોલી.

ત્રીજી ફ્રેન્ડ તો ધીમેથી 'રે પંખીડાં સુખથી ફરજો..' ધીમેથી પણ અમને સંભળાય એમ બોલી. તેમના ખીખિયાટા સંભળાયા.

અમે ઇલેક્ટ્રોનિક્સ વિભાગ તરફ ગયાં.

'ચાલો, આ બાજુ જઈએ.' કહેતાં તે એ ઝાકઝમાળવાળા વિભાગને બદલે ઓછી અવરજવર હતી તે તરફ જઈ ઊભી. હું તેની નજીક ગયો.

એણે મારા હાથમાં હાથ પરોવ્યો અને મારી સાવ નજીક આવી. એના વાળની મુલાયમતા હું મારા ખભે અનુભવી રહ્યો.

'... , હું કહી શકતી નહોતી. આજે કહી દેવું પડશે નહીં તો ક્યારેય નહીં કહેવાય.' એણે કહ્યું અને મારૂં બાવડું ઝાલ્યું.

'એવું તે શું કહેવાનું છે?' મને થોડો ખ્યાલ તો આવ્યો પણ મેં પૂછ્યું. એ સાથે મારા હૃદયના ધબકારા પણ વધી ગયા.

'હું ખૂબ શરમાઉં છું. તમને પુરુષને કેમ ખબર પડે, સ્ત્રી કોઈ પુરુષને જોઈ ખૂબ શરમાય.. પુરુષ સામે જોતાં જ એની નજર ઢળી જાય.. એ અંદર બહારથી હચમચી જાય.. ત્યારે એને શું થતું હશે? …, મને તમને જોઈ કાંઈ કાંઈ થતું હતું. તમને જોતાં જ. હું એ બધું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. એ લાગણી તમને અને માત્ર તમને જ જોઈને થાય છે. આઈ રિયલી લવ યુ. '

એણે મારી છાતી સાથે એના કુણા ગાલ દબાવ્યા.

મારા મગજમાં જાણે અનેક આતશબાજીઓ થઈ. જાણે રોમેરોમમાં પ્રકાશ અને આતશબાજી એક સાથે થઈ.

મેં એને ગાલે હળવો હાથ ફેરવતાં કહ્યું, 'ફરી બોલ તો? એ સાંભળવા જ હું આતુર હતો.'

'હું તમારી પાસેથી એ સાંભળવા માંગતી હતી. પણ ન તો તમને એ કહેવા પ્રેરી શકી ન આ ક્ષણ સુધી કહી શકી. યસ. આઈ લવ યુ. યુ લવ મી, રાઈટ?'

'એબ્સોલ્યુટ રાઈટ. હું આટલો વખત જેને કહે કે ફિલ્ડિંગ ભરતો હતો, તારું સિગ્નલ મેળવવા જ. પણ તો આજ સુધી તેં એકરાર કેમ ન કર્યો કે ન તો મારી સાથે ખુલ્લા મને વાત કરી, અને આજે ઓચિંતું જ કેમ?' મેં તેની કમરે હાથ રાખી હળવેથી મારી તરફ ખેંચતાં પૂછ્યું. એ મારામાં લપાઈ.

અમે વૉશરૂમ તરફ જતી લોબીમાં ઊભેલાં. અહીં ખાસ લાઈટ પણ ન હતી અને હતી એ આછી પીળી લાઈટ અમારા આ મૂડને ઉત્તેજિત કરે એવી હતી.

'સંકોચ, શરમ, લજ્જા - જે કહીએ તે. તમને જોઈ મારૂં રોમેરોમ એ લજ્જાથી ભરપૂર બની જતું. હું નિઃશબ્દ બની જતી. કેમ કરી કહું, તમને પહેલી વાર જોયા ત્યારથી જ લાગ્યું કે હું તમારી તરફ એક અલગ જ ખેંચાણ અનુભવું છું. પણ એટલે જ શરમની મારી બોલી શકતી ન હતી. આજે મારી ફ્રેન્ડસનો તમારી સાથે ને તમારો તેમની સાથે વ્યવહાર જોઈ થયું કે જો આ ક્ષણે નહીં કહી શકું તો ક્યારેય નહીં. મુઠ્ઠીમાંની રેતીની જેમ એ ક્ષણ સરી જશે તો જિંદગી સરી જશે. મેં હિંમત એકઠી કરી. હું તમારી આંખોમાં મારી પ્રત્યેનો પ્રેમ વાંચી શકતી હતી પણ મારી વાચા જ તમને જોયા ભેગી હણાઈ જતી હતી આજે થયું કે મારૂં મૌન અને એ બે ની વાચાળતા તમારા મનમાં ગેરસમજ કરી મારૂં શમણું ચુરેચુરા કરી નાખશે એટલે મેં મન આડેનાં બધાં જ આવરણ એક ઝાટકે ફાડી નાખ્યાં.

સ્ત્રીનું વસ્ત્ર જ લજ્જા છે. આજે હું એ વસ્ત્ર ફગાવી મનથી તમારી સામે નિર્વસ્ત્ર થઈ ગઈ. થવું પડ્યું.'

'અત્યાર સુધી મનને અનેક પડળોમાં કેદ કરી રાખ્યું તેં! અને આજે એકાએક પક્ષી ઈંડુ ફોડી બહાર આવે એમ જોર કરી લાગણીઓનો એકરાર કર્યો?' મેં તેને હળવું આલિંગન આપતાં પૂછ્યું.

'એમાં સ્ત્રી સહજ ઈર્ષ્યા પણ ખરી અને અંતરની માલિકીની ભાવના પણ ખરી. તમે મારી સાથે એ બેયના ખાલી મિત્ર હો ત્યાં સુધી મારો માલિકીભાવ શાંત રહ્યો. મેં જેવું જોયું કે હવે now or never ની ઘડી છે, મેં કેટલી હિંમત એક જ ક્ષણમાં કરી હશે, મને પણ ખ્યાલ ન આવ્યો ન તમને.

આમ પણ મારા ઘરનો ઉછેર રિસ્ટ્રીકશન્સથી ભરેલો છે. અમને ગળથુથીમાંથી જ લાગણીઓ વ્યક્ત કરતાં રોકવાનું શીખવવામાં આવે છે. એટલે જ ન અમે સમાજમાંથી જોઈતું મેળવી શકીએ ન માંગી શકીએ. જે મળ્યું એ સારું એમ માની એને જ સંતોષ કહેતાં શીખ્યાં છીએ. આજે એ છિનવાઈ જાય એ પહેલાં પુરી હિંમત દાખવી હાથ કરી લીધું.'

તેણે ઉંડો શ્વાસ લીધો.

હવે મારો વારો આજુબાજુ જોવાનો હતો. કોઈ નજીક નથી એની ખાતરી કરી મેં એને સહેજ અંધારામાં ખેંચી એની પીઠે હાથ ફેરવતાં એને હળવું ચુંબન કર્યું.

પેલી બે લેડીઝ વૉશરૂમ તરફ આવતી હતી તે મોં ફેરવી રેલિંગ પકડી નીચે જોઈ રહી. 'શર્મિલી' લાજ શરમ નેવે મૂકી મારી છાતી પર હોઠ મૂકી કીસ કરી રહી હતી ને મારી આંખો બંધ હતી.

***