દશાવતાર - પ્રકરણ 12 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દશાવતાર - પ્રકરણ 12

          વિરાટ જંગલમાં ડાબી તરફ જ્યાં કેનાલ ખૂલે ત્યાં પહોંચવા આવ્યો હતો. તેને પદ્માનું કેનાલમાં કૂદવું ક્યારેય ન ગમતું. તેણે એને ઘણીવાર એવું ન કરવાનું કહ્યું હતું પણ એ તેનું સાંભળતી નહીં.

          તેનો એક જ જવાબ રહેતો – માને મારી જરૂર છે. ભલે હું એક દિવસ પાણીમાં ડૂબી મરું એ મને મંજૂર છે પણ મારા જીવતા મારી મા ખાણમાં કાળી મજૂરી કરે એ મને મંજૂર નથી.

વિરાટ અને પદ્મા બંને જાણતા હતા કે ખાણનું કામ કેટલું જોખમી છે. ત્યાં કામ કરતાં લોકોના શું હાલ થાય છે. ત્યાના મજૂરો જાણે હાડપિંજર હોય એવા દેખાતા. એ મજૂરોને જ્યારે પણ વિરાટ જોતો તેને એમની આંખોમાં કોઈ આશા ન દેખાતી. એમના પર જાણે નિરાશાના કાળા વાદળ છવાયેલા રહેતા. મજૂરોના જડબા બહાર નીકળી ગયેલા હોતા. એમના શરીરમાં જાણે હાડકાં સિવાય કશું ન હોય અને એ હાડકાં ફરતે ચામડી લપેટી હોય એવો એમનો દેખાવ જોઈને કંપારી છૂટતી. વિરાટ જાણતો હતો કે પદ્માની માનસિક અશક્ત મા એ ખાણના કામમાં એક અઠવાડીયા કરતાં વધુ સમય જીવતી ન રહે. બસ આજ કારણે વિરાટે ક્યારેય તેના સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો નહોતો.

દીવાલની આ તરફ સોળ વર્ષની ઉમર લગ્નની ઉમર હતી અને શૂન્યોમાં છોકરો છોકરી એકબીજાને પસંદ કરે પછી માતા પિતા ક્યારેય કોઈ વાંધો ન ઉઠાવતાં પણ વિરાટ જાણતો હતો કે પદ્માની માને એની વધારે જરૂર છે. એ બાળપણના મિત્રો હતા. એ નાની હતી ત્યારથી વિરાટને કહેતી કે એ તેની માને છોડીને ક્યારેય નહીં જાય. એ માટે એ પરણશે પણ નહીં. એ સમયે તેને ખબર નહોતી કે એ ખરેખર એની મા માટે એટલો મોટો ત્યાગ કરવાની હતી.

          એ ગંગાની કેનાલે પહોંચ્યો. એણે ધાર્યું હતું એમ જ પદ્મા કેનાલના પાણીમાં હતી. એ જળમાં માછલા પકડતી અને બહાર ફેકતી હતી. અંગદ બહાર એક છાબડીમાં એ માછલા ભેગા કરતો હતો. અંગદ તેનો મિત્ર હતો અને પદ્માનો ખાસ મિત્ર. જો એ એની મા સાથે ન હોય તો કાં એ વિરાટ સાથે હોય કાં તો અંગદ સાથે હોય. અંગદ અને પદ્મા ભાગીદાર હતા. પદ્મા માછલાં પકડતી એ માછલા અંગદ વેચતો અને બંનેના પરિવાર માટે જરૂરી સામાન કૃષિ-બજારમાંથી લાવતો. ઘણીવાર તો એ કાળા બજારમાં જઈ વેપાર કરવાનું દુ:સાહસ પણ કરતો. એ હજુ સુધી પકડાયો નહોતો કેમકે એના ઘરાકો ઊંચા માણસો હતા. એ એવા લોકોને જ માછલા વેચતો જે લોકોનો વેપારીઓ સાથે સીધો સબંધ હોય જેવા કે વચેટીયાઓ, કલેકટરો, વેપારીના મેળાના આયોજકો. એ લોકો દીવાલની આ તરફ પણ સગવડભર્યું જીવન જીવતા. એમના રસોડામાં ખાવા પીવાનો પૂરતો સામાન રહેતો. વિરાટને એવા લોકોથી નફરત હતી કેમકે એ લોકો શૂન્ય હોવા છતાં શૂન્ય નહોતા. એ વેપારીઓના માણસો હતા. અંગદને પણ એવા માણસો ગમતા નહીં પણ એની પાસે સિક્કા કમાવા માટે બીજો કોઈ રસ્તો નહોતો એટલે જ એવા લોકો સાથે એ છાનો વેપાર કરતો.

          “આવને વિરાટ.” વિરાટ પર નજર પડતાં જ અંગદે કહ્યું, “તું પણ અમારા ધંધામાં ભાગીદાર થવા માંગે છે કે શું?” તેણે મજાક કરી.

          અંગદ દેખાવમાં વિરાટ કરતાં વધુ મજબૂત હતો. એના બાહુ વિરાટથી તગડા હતા. એના પિતા વેપારીના મેળામાં દોરડા પર ચાલવાના, વજન ઊચકવાના એવા કેટલાય કરતબ કરી જાણતા અને અંગદને પણ અંગ કસરતની આદતો વારસામાં મળી હતી. દંડ પિલવાથી લઈને વહેલી સવારે દોડવાને લીધે એ પહેલવાન જેવો દેખાતો. કદાચ એટલે જ એ કાળા બજારમાં વેપાર કરી શકતો કારણ કાચા પોચાને એ બજાર ક્યારે ખાઈ જાય એ નક્કી ન કહેવાય. એ પણ વિરાટની જેમ જ ખભા સુધી લટકતા વાળ રાખતો પણ વિરાટની જેમ વાળ બાંધવાને બદલે એ ખુલ્લા જ રાખતો.

          “ના ભાઈ ના.” વિરાટે તેની જેમ જ હસીને કહ્યું, “હું તારા ધંધામાં ભાગીદાર થવા નહીં તને અલવિદા કહેવા આવ્યો છું.”

          અલવિદા શબ્દ સાંભળતા જ તેનો ખીલેલો ચહેરો એકાએક ઉતરી ગયો. દીવાલની આ તરફ બધાને ખબર હતી કે આગગાડી આવવાનો સમય થઈ ગયો હતો, “તો તું સોળ વરસનો થઈ ગયો?” તેના અવાજમાં છૂપું દર્દ હતું.

          “હા.” વિરાટે ખુશ હોવાનો ડોળ કર્યો, “જોકે તારી સામે તો બાળક દેખાઉ છું પણ મને સોળ વર્ષ થઈ ગયા છે અને એ પણ આજે જ.”

          “જન્મદિવસની શુભકામનાઓ.” તેણે વિરાટ સાથે હાથ મિલાવ્યા અને કેનાલ તરફ જોઈ બૂમ લગાવી, “પદ્મા, બહાર અવાતો, જો કોણ તને મળવા આવ્યું છે.”

          “એ આવી.” વિરાટને તેનો મીઠો અવાજ સંભળાયો, “મે એનો અવાજ ઓળખી લીધો છે, વિરાટ આવ્યો છે ને?”

“હા.” અંગદે કહ્યું.

          પ્રચંડ ગતિએ વહેતા પાણીના અવાજમાં પણ પદ્માની બૂમ સંભળાઈ જતી. અંગદ તો ક્યારેક કહેતો કે એ વાઘણ જેવી છે. જોકે એમને ખબર નહોતી કે વાઘણ કેવી હોય પણ અંગદ કહેતો કે પહેલા એની જાતિના લોકો એવા પ્રાણીઓ સાથે કરતબ કરતાં. પ્રલય પહેલા અંગદના વડવાઓ ખેલ કરવા વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ રાખતા.

          પદ્મા કેનાલની દીવાલની કિનારી પકડી શરીરને એક હિલોળો આપી દીવાલ પર ચડી, વિરાટ સામે જોઈને હસી અને કૂદકો લગાવી નીચે આવી. કેટલી બદલાઈ ગઈ છે એ? વિરાટને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ તેને પહેલીવાર મળ્યો હતો. એ અગિયાર બાર વર્ષની હતી ત્યારે પણ હિંમત આજ જેવી જ હતી. જ્યારે વિરાટ તેને પહેલીવાર મળ્યો ત્યારે એ કેનાલમાં ડૂબતી હતી. વિરાટે પાણીમાં કૂદી એને બચાવી હતી અને એ સમયે જ વિરાટને તેની શક્તિઓનો અંદાજ આવ્યો હતો. એ લાંબા સમય સુધી પાણીમાં શ્વાસ લીધા વગર રહી શક્યો એટલે જ પદ્માને બચાવી શક્યો હતો.

          ગમે તેમ પણ હવે પદ્મા એ નાનકડી ડૂબતી બાળકી નહોતી. યુવાનીએ તેના સુંદર શરીર ફરતે આંટો લીધો હતો. એ બહાર આવી. માથું ડાબી તરફ નમાવી વાળ ઝાટક્યાં અને વિરાટ પાસે આવી.

“તમે બંને વાતો કરો.”  વિરાટ વાતચીત શરૂ કરે એ પહેલા જ અંગદે કહ્યું, “મારે અંધારું થયા પહેલા કૃષિબજારમાં ઘરાકો શોધવા પડશે.”

          વિરાટે તેને ન અટકાવ્યો કેમકે તેનું જવું જરૂરી હતું, “હા, હા, તું જા ભાઈ.” અને ઉમેર્યું, “ઉતાવળ કરજે નહિતર કાળા બજારમાં જવાનું જોખમ લેવું પડશે.”

          “કાળા બજાર કઈ દીવાલની પેલી તરફ જેવુ નથી.” અંગદ એને ભેટી પડ્યો, “વિરાટ, ત્યાં સાચવજે.”

          “હું સાચવીશ.” વિરાટે તેને બાથમાં દબાવી દીધો, “ભાઈ જોરથી ન દબાવતો નહિતર દીવાલની પેલી તરફ જઈ જ નહીં શકું.”

          “વિરાટ, તું પણ..” એ વિરાટથી અળગો થયો, “મારું શરીર મોટું છે તો શું થયું, શક્તિશાળી તો તું છો.”

          “એવું તને લાગે છે.” વિરાટે કહ્યું, “કોઈને પણ પૂછી જો.”

          “ભલે, મારે કોઈને પૂછવાની જરૂર નથી.” એણે મોં બગાડ્યું, “તું જ્ઞાનીઓમાં આગેવાન છે, તારી ગેરહાજરીમાં અમને ભણવાનું નહીં ફાવે.”

          “મારી ગેરહાજરીમાં તું આગેવાન છો, અંગદ.” વિરાટે કહ્યું, “ભદ્રા અને એના બદમાશો કોઈ તોફાનો ન કરે એનું ધ્યાન રાખજે.”

          “હું એ ધ્યાન રાખીશ પણ આગેવાન તો તું જ રહીશ.” તેણે કહ્યું, “બસ હું તારી ગેરહાજરીમાં એ સંભાળીશ.”

          “મારા ગયા પછી લુંટારુ ટોળી બેફામ બની જશે. રાતે બધા ઝૂંપડાં સલામત રહે તેનું પણ ધ્યાન રાખજે.”

          અંગદ એ બધી બાબતોનું ધ્યાન રાખશે એવું વચન આપી ટોપલો લઈ કૃષિબજાર જવા નીકળી ગયો. હવે વિરાટ અને પદ્મા એકલા હતા.

          “તો તું અલવિદા કહેવા આવ્યો છે?” નીચોવેલા વાળનો અંબોડો માથાની બરાબર ઉપર બાંધતા એ બોલી, “વિરાટ...”

          “હા,” તેણે કહ્યું, “તને ખબર છે મને...”

          “બસ..” એણે તેના હોઠ પર પોતાનો ઠંડો હાથ મૂકી દીધો, “મને ખબર છે તને શું કરવું છે. પણ તારે એ ન કરવું જોઈએ.”

          “મને ખબર છે પદ્મા પણ હું મારી જાતને રોકી શકતો નથી.” તેણે કહ્યું, “વિશ્વાસ કર મેં ક્યારેય નથી ઇચ્છયું કે હું બધાથી અલગ બનું છતાં હું બીજા જેવો નથી અને બીજા મારા જેવા નથી.”

          વિરાટનો હાથ એના કેનાલમાં ભીંજાઈ ઠંડા થયેલા હાથમાં લઈ એ બોલી, “મને ખબર છે.” એ વિરાટની આંખોમાં જોઈ રહી, “તું બીજા કરતાં અલગ છો કેમકે તું અવતાર છો.”

વિરાટના માતા પિતા, ગુરુ જગમાલ, પદ્મા, દક્ષા અને કેટલાક જ્ઞાની યુવકો જાણતા હતા કે વિરાટ યુગપુરુષ છે અને તેની નિયતિ કલીપુરુષના સાશનનો અંત લાવવાની છે. જોકે વિરાટને ક્યારેય ન લાગતું કે એ કોઈ અવતાર છે. બાકીના શૂન્ય લોકોને એ બધી અફવાઓ વિશે કાઈ ખબર નહોતી. ગુરુ જગમાલ કહેતા કે સામાન્ય લોકોને અવતારની ખબર મળે તો સમસ્યાઓ થઈ શકે પરિણામે બધાથી એ વાત છુપાવી રાખવામા આવી હતી.

          “હું કોઈ અવતાર નથી, પદ્મા.” વિરાટે કંટાળીને કહ્યું, “આ બધી માત્ર મન મનાવવાની, નિર્થક સ્વપ્ન જોવાની બકવાસ વાતો છે. હું બીજા કરતાં લાંબો સમય પાણીમાં રહી શકું છે એનો અર્થ એ નથી કે હું અવતાર છુ. જો હું અવતાર હોત તો મારા લોકો આજે દીવાલની પેલી તરફ ખુશહાલ જીવન જીવતા હોત. જો હું અવતાર હોત તો આપણે કોઈના ગુલામ ન હોત.. આપણે અછૂત...”

          “બસ કર વિરાટ.” એ ગુસ્સાથી બોલી, “આ જ તો તારે બદલવાનું છે. એટલે જ તો તું અવતાર છો.” એ ગુસ્સાથી હાંફવા લાગી હતી, “જ્યારે સમય આવશે ત્યારે ગુરુ જગમાલ કહે છે તેમ તારી શક્તિઓ બહાર આવશે. ભવિષ્યવાણી ચોક્કસ સમય મુજબ કામ કરે છે. તારા નસીબમાં દીવાલની આ તરફના અનેક લોકોને ગુલામીથી આઝાદ કરાવવાનું લખ્યું છે. તારું કર્મ તેં વિચાર્યું પણ ન હોય એટલુ વિશાળ છે. તારી પાસે એક સમયે આઠ યોગીક સિધ્ધિઓ હશે અને સફેદ અમર ઘોડા પર સવાર થઈને તું અધર્મનો નાશ કરીશ.”

          વિરાટ હસી પડ્યો, “દીવાલની આ તરફ તો ખચ્ચર પણ નથી. ઘોડા તો નિર્ભય સિપાહીઓ માટે અનામત પ્રાણીઓ છે.”

          “એ નિર્ભય નહીં પણ નિર્દય સિપાહીઓ છે અને એક દિવસ તારી રત્નામેરુ તલવાર એમના ગળા કાપી એમના પાપનો હિસાબ કરશે.”

          “આ બધુ તું કઈ રીતે કહી શકે?” એ ફરી ગંભીર થઈ ગયો, “આપણે અશિક્ષિત અને ગરીબ લોકો છીએ. આ બધી આપણી ખોટી અંધશ્રધ્ધાઓ છે, પદ્મા.”

          “ના, વિરાટ આ આપણી આંધળી શ્રધ્ધા નથી.” તેના અવાજમાં અતૂટ વિશ્વાસ હતો, “એક દિવસ દીવાલની પેલી તરફના લોકો તને અમર ધોડેસવાર તરીકે ઓળખશે. તારા નામનો ફફડાટ નિર્ભય સિપાહીઓમાં પણ હશે. તારું નામ સાંભળી એ નિર્દય સિપાહીઓના છાતીના પાટિયા બેસી જશે.”

          “પદ્મા, તું પાગલ થઈ ગઈ છે. તદ્દન પાગલ...”

          “હા, તું એમ જ સમજ.” એ ચિડાઈ, “આમ પણ તેં ક્યાં મારી કોઈ વાત માની જ છે?”

          “ભલે હું તારી વાત માનું છું બસ.” વિરાટ આજે તેને નારાજ કરવા નહોતો માંગતો એટલે તેણે સ્વસ્થ થઈને કહ્યું, “પણ મને નથી લાગતું કે આ તારી અને ગુરુ જગમાલની કલ્પના કરતાં વિશેષ કંઈ છે.”

          “તું એવું સમજ પણ મને વચન આપ કે જ્યાં સુધી તને તારી આઠ સિદ્ધિઓ ન મળે તું દીવાલની પેલી તરફ એવું કોઈ કામ નહીં કરે જેથી નિર્ભય સિપાહીઓ તને મારી નાખે.”

          વિરાટ હસ્યો, “આજે બધાને વચન આપીને થાકી ગયો છું. હું વચન આપું છુ કે હું એવું કશું નહીં કરું.” વિરાટને ક્યારેય ન ગમતું કે લોકો તેને પણ કારુ જેમ ભગવાન સમજે. તેને પોતાના લોકો સાથે એમના જેવા બની જીવવું હતું. તેને અવતાર, યુગપુરુષ કે ભગવાન બનવું નહોતું. બધા તેને અલગ સમજતા ત્યારે તેને દુખ થતું.

          પણ તેના લોકો ખોટા પણ નહોતા. વિરાટ એમના કરતાં અલગ હતો. એ પોતે પણ એ અનુભવી શકતો. તેના લોહીમાં એક વિશેષતા વહેતી એ અનુભવતો. ગમે તે સમયે એકાએક તેનામાં શક્તિનો સંચય થતો અનુભવતો. એટલે જ તો લુંટારુ ટોળાં સામે પણ એ એકલા હાથે લડી લેતો. તેને ક્યારેક એમ થતું કે પોતે એણે જ્ઞાનના પુસ્તકોમાં પ્રલય પહેલાના અમુક નાયકો વિષે વાંચ્યું એમના જેવો છે.

          “તારા શબ્દો તારા ચહેરા સાથે મેળ નથી ખાતા.” પદ્માએ કહ્યું, “તું ખાલી કહેવા ખાતર વચન આપે છે.”

          “હા, હું ખરા દિલથી વચન નથી આપતો કેમકે મારું હૃદય એ આઠ સિદ્ધિઓ આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી અને મને નથી લાગતું કે એવી કોઈ સિદ્ધિઓ મારામાં આવશે. કદાચ એ બધી કાલ્પનિક શક્તિની રાહ જોવામાં હું મોડો ન પડું.”

          “મને એ જ ભય છે કે તું કંઈક અજુગતું ન કરી બેસે..” તેની સુંદર આંખોમાં ભયે ડોકિયું કર્યું, “તું મને ચાહતો હોય તો સોગન લઈને વચન આપ કે..” એકાએક એ વાક્ય અધૂરું છોડી એ સીધો સવાલ કરતાં બોલી, “તું મને ચાહે છે વિરાટ?”

          “આ કેવો પ્રશ્ન છે, પદમાં?” તેણે નવાઈથી પુછ્યું,

          “પ્રશ્ન પ્રશ્ન હોય તેમાં આવો કે તેવો એવો કોઈ ભેદ ન હોય.” એ હસી.

          “મને ખબર નથી હું તને ચાહું છુ કે નહીં.”

          “એવું છે એમને.” વિરાટને ઘડીકમાં તેની ચિંતાતુર આંખોમાં મસ્તીનું મોજું ઉભરાતું દેખાયું.

          “હા, હું એક શૂન્ય છું. મને ખબર નથી પડતી કે પ્રેમ શું છે.” ખરેખર વિરાટને પ્રેમ શું છે એ ક્યારેય નહોતું સમજાયું, “હું ફક્ત એટલું જાણું છુ કે જ્યારે પણ મને એકલું લાગે મને તારી સાથે હોવાની ઇચ્છા થાય છે.”

          “બીજું કઈ?” તેની આંખોમાં હવે મસ્તીના ઘોડાપૂર ઉમટ્યા હતા. તેની આંખોમાં વિરાટને તેના પોતાના સપના દેખાયા જે સપના જોવાની હિંમત એ છાને છાને કરતો. વિરાટ ઘણીવાર પદ્મા સાથે દીવાલના એ તરફના રીત રિવાજો મુજબના વિધિસર લગ્નના સપના જોતો. એ સપનામાં તેની ઝૂંપડીના પ્રાંગણના કદંબના ઝાડ હેઠળ ઊભી હોતી. તેના હાથમાં સફેદ કમળનું ફૂલ અને તેના વાળમાં એવું જ પણ ગુલાબી રંગનું કમળનું ફૂલ શોભતું. વિરાટ તેનો હાથ પકડી કદંબ નીચે સળગતી નાનકડી આગ ફરતે ફેરા લેતો. બેઉના માતા પિતા તેમના પર જંગલમાં થતાં વિવિધ ફૂલો વરસાવતા. છેક તેમના બાળકો સુધીનાં સપના વિરાટ જોતો અને પછી એકાએક એ સપના તૂટી જતાં. વિરાટ વિચારતો - અમારા બાળકો... એ પણ કારુની ગુલામી કરશે... જો એવું જ હોય તો એમને ક્યારેય જન્મ ન આપવો જ બહેતર છે.... બસ એ સપનું એટલે જ અટકી પડતું.

          “તું દિવસે સપનામાં ખોવાઈ ગયો કે શું?” પદ્માએ તેને કોણી મારી. “હવે સપના બહાર આવ્યો હોય તો મને જવાબ આપ.”

          “શેનો જવાબ?”

          “એ જ કે તું બીજું શું શું અનુભવે છે?”

          “ઘણું બધું...” તેણે કહ્યું, “મને જ્યારે કોઈ સવાલ સતાવે ત્યારે એ સવાલ સીધા તને જ પૂછવાનું મન થાય છે. મને એમ લાગે છે કે મારા દરેક સવાલનો જવાબ તું આપી શકીશ. તું જ મારી દરેક સમસ્યાનું સમાધાન લાવી શકીશ.”

          “અને?” પદ્માએ આંખો પહોળી કરી પુછ્યું.

          “ખબર નહીં કેમ પણ તું જ્યારે મારી સામે હોય છે મને મારા હ્રદયના ધબકારા ઝડપી થઈ ગયા હોય એમ લાગે છે.” તેણે કેનાલ તરફ જોયું, “અને હું ઇચ્છું છુ કે તારે ક્યારેય આ કેનાલના પાણીમાં ન કૂદવું પડે.”

          પદ્માએ તેના હાથ તેના ગાલ ઉપર મુકીને વિરાટનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો, “તારે આ બધું કહેતા પહેલા બીજી તરફ જોવાની જરૂર નથી.” એ બોલી, “તારા હૃદયમાં શું છે એ હું જાણું છુ.”

          “હું કારુના શાસનનો અંત જોવા માંગુ છું. જેથી મારા લોકોએ ક્યારેય કોઈ જોખમી કામ ન કરવા પડે. હું આપણા લોકોને આમ કમોતે મરતા જોઈ શકું તેમ નથી. એમના માટે હું મરવા કે મારવા તૈયાર છું.”

          “ધીરજ રાખ, વિરાટ..” એ બોલી, “એ અન્યાયીનો અંત નક્કી છે અને એ પણ તારા હાથે જ..”

          “હું આટલા દિવસથી ધીરજ રાખીને જ તો બેઠો છું.” તેણે રોષ ઠાલવ્યો, “પણ એથી શું મળ્યું?”

           “આપણે હજુ જ્ઞાનના પુસ્તકોની જરૂર છે. એમના હથિયારો, એમના મશીનો, એમની વીજળી એ બધી બાબતો સમજાઈ જાય પછી આપણે એમની સામે મુકાબલો કરી શકીશું. એક દિવસ એવો જરૂર આવશે જ્યારે કોઈ શૂન્ય નહીં હોય. પૃથ્વી પર બધા માણસો હશે અને બધાને સમાન હક મળશે.”

          વિરાટે માથું હલાવી હા કહી પણ તેને એવા ભવિષ્ય પર કોઈ વિશ્વાસ નહોતો. એ જાણતો હતો કે આશા માનવની સૌથી મોટી તાકાત છે પણ એ જ આશા સૌથી મોટી કમજોરી પણ છે કેમકે વધુ પડતી આશા માણસને એના કર્મથી વિચલિત કરી નાખે છે.

          અડધો કલાક સુધી બંને કેનાલના કિનારે બેઠા અને વાતો કરી. સૂરજ લગભગ અડધા આકાશની પ્રદક્ષિણા કરી ચૂક્યો ત્યારે વિરાટ ઊભો થયો.

          “હવે મારે જવું પડશે.”

          “ખબર છે.” પદ્મા પણ તેની સાથે ઊભી થઈ, “કાળજી રાખજે.”

          “હું રાખીશ.” તેણે કહ્યું.

          “તને ખબર છે તું મારી સાથે હોય ત્યારે મને કેવું લાગે છે?”

          તેને અજીબ સવાલો કરવાની આદત હતી. “ના,” તેણે કહ્યું, “મને ક્યાથી ખબર હોય તને કેવું લાગે છે?”

          “તારી સાથે હોઉં ત્યારે મને હું સંપૂર્ણ છું એમ લાગે છે. તારા જતાં જ મને મારી જાત અધૂરી લાગે છે વિરાટ.” તેની આંખોમાં ઉદાસી છવાઈ અને એનો સુંદર ચહેરો વાદળોમાં ઢંકાયેલા સૂરજ જેમ ઝાંખો થયો, “તારી સાથે હોઉં ત્યારે મને એમ લાગે છે જાણે હું દુનિયાના દરેક દુઃખથી દૂર છુ. જાણે હું આકાશમાં ઉડતું આઝાદ પક્ષી છુ પણ તું દૂર જાય કે તરત જાણે મારી પાંખો કપાઈ જાય છે અને એ પાંખો કપાયેલું પક્ષી પાંજરામાં કેદ હોય તેવી ગૂંગળામણ થવા લાગે છે.” હવે એ રડવા લાગી હતી. તેના ગાલ પરથી વહીને જમીનને ભેટવા દોડતું આંસુ સૂરજના કિરણોમાં ઝાકળ જેમ ચમક્યું. પણ તરત જ એ આંસુ લૂછી સ્વસ્થ થઈ ગઈ, “જીવતો પાછો આવજે.” અંતે એ એટલું કહી વિરાટને ભેટી પડી.તેનું આલીંગન વિરાટ પાસે એક વચન માંગી રહ્યું હતું, “જીવતો પાછો આવજે કેમકે હું તારા માટે જ જીવી રહી છું.”

          “હા, હું આવીશ.” વિરાટે આંખોમાંથી બહાર આવતા આંસુઓને ઠપકો આપી પાછા વાળ્યા કેમકે એ સમય મજબૂત રહેવાનો હતો. જો તેની જ આંખો ભીની થઈ જાય તો પદ્માને શાંત રાખવી મુશ્કેલ થઈ પડે.

          એ હળવેથી વિરાટથી દૂર ખસી પણ કશું બોલી નહીં. વિરાટે તેના ચહેરા તરફ જોયું. તેની આંખો ઝળઝળિયાંથી ભરાયેલી હતી. તેને નવાઈ લાગી કે આવા ઝળઝળિયાંની પાર એ કશું જોઈ શકતી હશે કે કેમ?

          વિરાટ પણ કશું બોલ્યા વિના જંગલ તરફ ફર્યો. એ તેને રડતી ન જોઈ શકતો. તેના આસું વિરાટથી સહન ન થતાં. એ જંગલ તરફ ચાલવા લાગ્યો. તેના એક એક ડગલાં સાથે જાણે તેના હ્રદયના ધબકારા વધવા લાગ્યા. તેને લાગ્યું કે કદાચ એ ધબકારા પદ્માને પણ સંભળાતા હશે. એ ઉતાવળે ચાલવા માંડ્યો. કેનાલથી ખાસ્સો દૂર ગયો ત્યારે તેને પદ્માનો રડવાનો અવાજ સંભળાયો. એ ધ્રુસકે ધુસકે રડવા લાગી હતી. તેનું મન તેને પાછા વળી એની પાસે જવા કહેતું હતું પણ તેનામાં એટલી હિંમત નહોતી. એકવાર પદ્મા રડવા લાગે તેને શાંત કરવી મુશ્કેલ હતી અને એમાં પણ વિરાટ મહિનાઓ કે કદાચ કાયમ માટે તેનાથી અલગ થઈ રહ્યો હતો એ સમયે તેને રડવા દેવી જ ઠીક હતું. એ જાણતો હતો કે આસુ અંદર દબાવી રખવાથી હ્રદયમાં એક જવાળામુખી સળગવા લાગે છે.

ક્રમશ: