Dashavatar - 11 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 11

          વિરાટ દક્ષાની ઝૂંપડીએથી નીકળ્યો ત્યારે સૂરજ ખાસ્સો એવો ઊંચો આવી ગયો હતો. રેત ધીમેધીમે ધખવા લાગી હતી. પવન હંમેશાંની જેમ ગરમ લૂ અને રેતીનું મિશ્રણ બની ગયો હતો. સૂરજ આજે જાણે ઝડપથી આગળ વધતો હતો. જાણે તેને યાદ અપાવતો હોય કે આગગાડી આવાવને હવે છ સાત કલાક જેટલો જ સમય બાકી છે!

          વિરાટ પોતાના વિસ્તારમાં બેફિકરાઈથી ભટકવા માંડ્યો. હવે ફરી એ જમીન પર ત્રણ મહિના સુધી પગ મૂકવાનો નહોતો. એ જમીન તેને માતાના પ્રેમ જેવો અનુભવ કરાવતી. આગગાડી વર્ષમાં ત્રણ કે ચાર વાર આવતી. દરેક વખતે જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરો ભરી જતી. ફરી એકવાર આગગાડી આવે ત્યાં સુધી એ મજૂરો પોત પોતાનું કામ કરી શકતા. નવાઈની વાત એ હતી કે દરેક વખતે આગગાડી રાતે જ આવતી. વિરાટે ક્યારેય આગગાડી દિવસે આવી હોય તેવું સાંભળ્યુ નહોતું. વેપારીઓની માલવાહક આગગાડી ક્યારેક દિવસે આવતી પણ શૂન્યોને લેવા આવતી આગગાડી ક્યારેય દિવસે ન આવતી. લોકો કહેતા કે શિસ્ત જાળવવા માટે આગગાડી સાથે નિર્ભય સિપાહીઓ આવતા, દેવતાઓ માનતા કે શૂન્યો અશિક્ષિત અને શિસ્ત વિનાના માણસો છે. દેવતાઓ તેમને શૂન્ય કહેતા કેમકે તેમના જીવનનો કોઈ હેતુ કે અર્થ નહોતો અને કદાચ કોઈ અર્થ હોય તો પણ શૂન્યોને તેની જાણકારી નહોતી. વિરાટને પણ એમ જ લાગતું કે દીવાલની પેલી તરફ જઈ કાળી મજૂરી કરવા સિવાય તેમના જીવનનો કોઈ હેતુ જ નથી. ક્યારેક ક્યારેક તેઓ નિર્ભય સિપાહીઓની ઘાતકી તલવારોની લોહીની તરસ છિપાવવા પણ કામ લાગતાં.

          દીવાલની પેલી તરફ કોઈની હત્યા કરવી એ ગુનો હતો. દેવતાઓએ બનાવેલા કાયદા મુજબ શૂન્યને પણ દીવાલની પેલી તરફ મારી નાખવો એ ગુનો હતો કેમકે એમની દુનિયા શિસ્ત અને નિયમોની બનેલી હતી. જો કોઈ શૂન્ય દેવતાઓના બનાવેલા નિયમો પાળવાનો ઇન્કાર કરે તો એમની પાસે ઉકેલ હતો. દેવતાઓના કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ અધર્મી કહેવાતો અને દીવાલની પેલી તરફ અધર્મીને મારવાની છૂટ હતી. અલબત્ત, એવા અધર્મીને મારનાર વ્યક્તિના ભરપેટ વખાણ થતાં.

          વિરાટ વિચારોમાં જ ટેકરીઓ વટાવી અગાળ નીકળી ગયો. આજે એને પોતાને ગમતી દરેક જગ્યાએ ફરી લેવું હતું. કેમકે કદાચ એ ફરી એ બધું જોવા ક્યારેય પાછો ન પણ આવે. એવું બનતું. કેટલાય શૂન્ય ક્યારેય પછા ન આવતા. દીવાલની પેલી તરફ કેટલા અને કેવા જોખમો હતા એ ત્યાં ગયા પહેલા જાણી શકવું અશક્ય હતું. જ્યારે પણ કોઈ શૂન્ય દીવાલની પેલી તરફથી પાછો ન આવે અને એના પરિવારના સભ્યો તેની સાથે ગેયેલા બીજા માણસોને પૂછે કે એ ક્યાં છે ત્યારે એક જ જવાબ મળતો – અકસ્માત.

          બસ એક શૂન્યના મૃત્યુ માટે એક જ શબ્દ – અકસ્માત. શૂન્યને મર્યા પછી બીજી કોઈ જરૂર પણ ક્યાં હતી? મરેલા શૂન્યને આગને હવાલે કરવા તેમના વિસ્તારમાં હજારો સૂકા વૃક્ષો હતા.

          એકવાર વિરાટે તેના પિતાને પુછ્યું હતું કે કેમ એ લોકો દીવાલની પેલી તરફ મૃત્યુ પામેલા શૂન્યના મૃતદેહને દીવાલની આ તરફ પાછા મોકલો છે. તેનો જવાબ ચોકાવનારો હતો. તેમના સ્મશાન પવિત્ર સ્થાન છે આપણાં અપવિત્ર... શૂન્ય લોકોના અગ્નિસંસ્કાર એ સ્મશાનમાં ન થઈ શકે. કેવી ન સમજાય તેવી પવિત્રતા! એક મૃત વ્યક્તિનો મૃતદેહ તેમના સ્મશાનને અપવિત્ર કરી નાખે? એ કઈ રીતે શકય છે? શૂન્યો તો મૃતદેહને પવિત્ર સમજતા. કોઈના પણ અંતિમ સંસ્કાર કરતાં પહેલા લોકો મૃતદેહને પગે લાગતાં અને એમના માટે શૂન્યનું મૃત શરીર પણ અભડાવી નાખનારું હતું.

          વિરાટ ટેકરીઓ પછીની માનવવસ્તીમાં અડધો કલાક આમતેમ ભટકતો રહ્યો. એ વિસ્તાર અડધો વેરાન હતો અને છૂટી છવાઈ ઝૂંપડીઓ જાણે કોઈ ચિત્રકારે એની પીછીથી એ વિસ્તારમાં ચીતરી કાઢી હોય તેવું લાગતું. એ વિસ્તારમાં શેરીઓ એકદમ સાંકડી હતી. ત્યાં રહેતા લોકો મોટે ભાગે ખાણોમાં કામ કરતાં. એમને મોટી શેરીઓની જરૂર નહોતી. ખેતીકામ કરતાં લોકોની ઝૂંપડીઓના વિસ્તારમાં શેરીઓ પહોળી રહેતી જેથી લારીઓ પર લાદીને માલ-સામાન લાવી શકાય. લોકો કહેતા કે દીવાલની પેલી તરફ અહીં જેમ શેરીઓ નથી. એ તરફ રોડ છે. એ ડામર નામે ઓળખાતા કોઈ વિચિત્ર કાળા પદાર્થના બનેલા છે. તેમના રસ્તાઓ એકદમ સ્વચ્છ છે. સૌથી અજીબ વાત એ હતી કે એમના બધા રસ્તાઓ પર સ્ટેશન જેમ વીજળી છે. સ્ટેશન જેવા બલ્બ ત્યાં દરેક સ્થળે જોવા મળે છે. દીવાલની આ તરફ માત્ર સ્ટેશન પર જ વીજળી હતી. એ વીજળી જનરેટર નામના મોટા મશીનમાં પેદા થતી. વિરાટનું છેકથી એક સપનું હતું કે જ્યારે પોતે મોટો થાય અને સ્ટેશન પર જાય ત્યારે એ મશીનને જુએ અને એને સમજે. બની શકે તો પોતે એવું જ એક મશીન બનાવશે અથવા તો એ મશીનને કામ કરતું બંધ કરી દેશે જેથી સ્ટેશનથી ભાગવાનો પ્રયત્ન કરનાર માણસ તારમાં ભડથું ન બની જાય.

          દીવાલની પેલી તરફ જઈને પાછા આવનારા લોકો કહેતા કે ત્યાં મોટરસાઇકલ અને કાર જેવા વાહનો રસ્તા પર દોડે છે. વિરાટની ઉમરના યુવકો જ્યારે પૂછતા કે કઈ રીતે તો જવાબ મળતો કે એ બધા વાહનો આગગાડી જેવા ન સમજી શકાય તેવા જટિલ છે. એ આગગાડી જેમ કોલસાને બદલે પેટ્રોલથી અને સૂરજના અજવાળાની શક્તિથી ચાલે છે. જ્યારે વિરાટ લોકોને પૂછતો કે સૂરજના કિરણોથી કોઈ ચીજ કઈ રીતે દોડે ત્યારે એ કંટાળીને કહેતા કે તું મોટો થાય અને દીવાલની પેલી તરફ જાય ત્યારે તારી સગી આંખથી જ જોઈ લેજે. અને આજ એ દિવસ આવી ગયો જેની વિરાટ વર્ષોથી રાહ જોતો આવ્યો હતો. છતાં આજે તેને ઉત્સાહ કરતાં ભય વધુ હતો, કોણ જાણે કેમ?

          વિરાટને ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરવાની આદત હતી. બાળપણમાં એ ઘણીવાર પોતાની અને કારુ વચ્ચે જંગના સપના જોતો. યુધ્ધ મેદાનમાં તેની કલ્પનાઓના ઘોડા દોડાવતો અને કારુના રથના ટુકડે ટુકડા કરી નાખતો. કારુ પાસે હાર માનવા સિવાય કોઈ રસ્તો ન બચતો. એના ભયાનક સિપાહીઓને શૂન્ય લોકો સામે હાર માનતા કલ્પતો. એનો ઘુવડ ચીતરેલો ધ્વજ શૂન્ય લોકોના પગ હેઠળ કચડાતો. ક્યારેક કલ્પનાઓમાં વિરાટ કારુને ધુમાડાના વાદળ જેવો તો ક્યારેક રાક્ષસ જેવો ચીતરતો. ખબર નહીં કેમ પણ જ્યારે વિરાટ તેની કલ્પના કરતો કારુ તેને લાલ રંગના પોષાકમાં દેખાતો. જોકે મોટા થયા પછી વિરાટ પોતે એની એ કલ્પનાઓ પર હસતો. એને પોતાની એ ઘેલછાઓ મૂર્ખાઈ લાગતી. શૂન્ય લોકો એમને કદી ન હરાવી શકે એ તેને સમજાવા લાગ્યું હતું. એ બધી કલ્પનાઓ પાછળ ખાસ તો તેની મા અને જગમાલ ગુરુ કારણરૂપ હતા. એમણે તેના મનમાં અવતાર અને યુગપુરુષ જેવી કેટલીયે અર્થહીન મનઘડત વાતો ભરી નાખી હતી જેથી વિરાટ એ પાગલ ખયાલોમાં રાચતો. જોકે એ ખયાલો ખોટા છે એ સમજવા છતાં તેને એ ખયાલો કોઈ ગજબ આનંદ, કોઈ ગજબ રાહત આપતા. એ કલ્પનાઓ ભૂલવી અશકય હતી.

          અડધા કલાક સુધી આમતેમ ભટક્યા પછી એણે જંગલ તરફ જવા પગ ઉપાડ્યા. હવે પદ્માને અલવિદા કહેવાનો સમય હતો. પદ્મા તેની મિત્ર હતી. એ એકબીજાને ચાહતા પણ તેમણે એકબીજા સામે પ્રેમનો પ્રસ્તાવ ક્યારેય મૂક્યો નહોતો. જોકે એમાં કહેવાની જરૂર પણ નહોતી. એ પ્રેમ તેમની આંખોમાં જ દેખાઈ આવતો. વિરાટ તેને કહેવા માંગતો હતો કે હું તને ચાહું છું પણ એ કહી ન શકતો. તેને પદ્મા ના કહેશે એવો ભય નહોતો. એ તેને ચાહતી હતી, પ્રસ્તાવ નકારવાનો કોઈ પ્રશ્ન નહોતો પણ પદ્મા તેની માનો એકમાત્ર સહારો હતી. એના પિતા દીવાલની પેલી તરફ માર્યા ગયા હતા. જોકે તેમનો મૃતદેહ દીવાલની આ તરફ મોકલવામાં આવ્યો નહોતો એટલે લોકોમાં અવનવી અટકળો હતી. કોઈ કોઈ તો કહેતા કે પદ્માનો બાપ તસ્કર હતો. એ દીવાલની પેલી તરફ જતો એ સમયે ત્યાથી જ્ઞાનના પુસ્તકો ચોરી દીવાલની આ તરફ લઈ આવતો અને ગુરુઓને આપતો જેથી શૂન્ય લોકોને જ્ઞાન મળી શકે. અમુક માનતા કે જ્ઞાનના એક અમૂલ્ય ગ્રંથની ચોરી કરતાં એ પકડાઈ ગયો અને ત્યારથી એ પાટનગરની મૃત કારાવાસમાં કેદ છે. એ કારાવાસમાં દીવાલની આ તરફના ઘણા લોકો કેદ હોવાની અફવાઓ હતી.

          જ્યારે પદ્મા માને એ સમાચાર મળ્યા એ શાન-ભાન ખોઈ બેઠી હતી. ત્યારથી એ માત્ર જીવતી લાશ બનીને જીવતી હતી. એ પહેલા પરિવાર માટે રોટલો રળી શકતી પણ એ ઘટના પછી એ ક્યારેય ઝૂંપડી બહાર નથી નીકળી. એટલે જ પદ્મા ગંગાની કેનાલના ઘૂમરી લેતા ભયાનક પાણીમાં રોજ કૂદતી. જે પાણીમાં કુદવાની હિંમત છોકરાઓ પણ ન કરતાં.

પદ્મા પણ ગુરુ જગમાલની શિષ્ય હતી. એ પણ વિરાટ જેમ જ્ઞાની હતી. તેને વાંચતાં લખતા આવડતું. જોકે કયા બાળકો જ્ઞાની છે અને વાંચતાં લખતા જાણે છે એ વાત દીવાલની આ તરફ પણ રહસ્ય જ હતી. ગુરુ જગમાલના માનવા મુજબ કોઈનો વિશ્વાસ કરી શકાય તેમ નહોતો. લોકો ભયમાં કે ઉત્સાહમાં એવી વાતો ઓકી નાખતા હોય છે અને ભદ્રા જેવા લોકોને તો નશો કર્યા પછી એ શું બોલે છે તેનું ભાન જ નહોતું. નિર્ભય સિપાહીઓ સુધી શૂન્ય બાળકો શિક્ષિત છે એ વાત પહોંચે તો અનેક ઝૂંપડીઓ સળગે અને કેટલાય પરિવાર હતા ન હતા થઈ જાય.

          ગુરુ જગમાલ પાસે જ્ઞાનના પુસ્તકો હતા અને કેટલાક યુવકો એ જ્ઞાન મેળવતા એ વાત શૂન્ય લોકોથી છાની રાખવાનું બીજું કારણ હતું લોકોની અંધશ્રધ્ધા. દીવાલની આ તરફ મોટા ભાગના લોકો અંધવિશ્વાસુ હતા. એ માનતા કે કારુએ બનાવેલા કાયદાનો ભંગ કરીશું તો ફરી પ્રલય આવશે અને બધા માર્યા જઈશું. કેટલાક તો માનતા કે પ્રલય અને દરેક કુદરતી આફતો કારુના તાબામાં છે. લોકો કહેતા કે એ અમર છે અને ધારે તો એક પળમાં સૂર્યને દીવાલની આ તરફ મોકલી બધુ બાળીને રાખ કરી નાખે. કેટલાક કહેતા કે પ્રલય સમયે એવું જ કંઈક થયું હતું. એ સમયે કારુ જેવા કેટલાય ભગવાન હતા અને એમના વચ્ચેના ભીષણ જંગને લીધે પ્રલય આવ્યો હતો. એ જંગ સમયે આકાશમાં બાર બાર સૂર્ય એક સાથે ઉગ્યા હતા. કેટલાક સાવ મૂર્ખ લોકો તો એવું પણ કહેતા કે જ્ઞાન જ દુખોનું કારણ છે. એકવાર માણસમાં જ્ઞાન આવે, એનામાં ઇચ્છાઓ ઘર કરવા લાગે પછી તબાહી આવે. જૂના સમયમાં જ્ઞાનને લીધે અને જ્ઞાન માટે જ લોકોએ એકબીજાને તબાહ કરી નાખ્યા હતા.

એ કહેતા કે જ્યાં સુધી આપણી પાસે જ્ઞાન નથી મહાન કારુ આપણાં ઉપર દયા રાખશે. એ માનતા કે જ્ઞાન પારાવાર જોખમી છે કેમકે તેને મેળવવાની ઝંખના વધતી જ રહે છે. ગમે તેટલું જ્ઞાન મળે માણસની વધુ જ્ઞાન મેળવવાની લાલચ ઓછી થતી જ નથી. જૂના સમયમાં લોકો પાસે બધુ જ્ઞાન હતું અને એ લોકો જ્ઞાનની પૂજા કરતાં. જ્ઞાનના અહંકારમાં તેમના મન પર જ્ઞાન ક્યારે સવાર થઈ ગયું એ એમને ખબર પણ ન રહી કે ક્યારે એ તબાહ થઈ ગયા.

          જોકે એ સાવ ખોટા પણ નહોતા કેમકે ગુરુ જગમાલ કહેતા કે જ્ઞાન જોખમી પણ છે. જો તમારી પાસે અધકચરું જ્ઞાન હોય તો પણ જોખમી છે અને સાવ જ્ઞાન ન હોય તો પણ જોખમી છે. સંપૂર્ણ જ્ઞાન એકમાત્ર દુખોના નિવારણનું સાધન છે. પણ એ સુધી પહોંચતા પહેલા અડધા પડધા જ્ઞાનના અહંકારમાં લોકો ભૂલો કરી બેસે છે અને વિનાશને નોતરે છે.

          ગુરુ જગમાલ બીજી પણ એક વાત કહેતા જે વિરાટને વિચિત્ર લાગતી. એ કહેતા કે જે લોકો જ્ઞાનને ખરાબ માને છે અને જ્ઞાનના દુશ્મન છે એ લોકો પોતે પણ સાવ જ્ઞાનવિહીન તો નથી જ. કોઈ ને કોઈ જ્ઞાન તો એમનામાં પણ હોય છે. જ્ઞાન તેમની આસપાસ તેમની ચામડી જેમ વીંટળાઈ રહે છે બસ તેમને ખબર નથી હોતી.

          વિરાટ પણ જ્ઞાની હતો. દીવાલની આ તરફ જે લોકો પુસ્તકો વાંચી શકતા અને વિચારી શકતા એમને જ્ઞાની કહેવામાં આવતાં. વિરાટ પાસે જ્ઞાન હતું. જ્ઞાન હોવું એ સારી બાબત હતી કે ખરાબ એ તો તેને ક્યારેય સમજાયું નહોતું પણ એક વાત ચોક્કસ હતી કે જ્ઞાનના લીધે જ દુખ અનુભવાય છે. જે લોકોમાં જ્ઞાન નથી એ લોકોને ખબર જ નથી હોતી કે પોતે ગુલામ છે. જ્ઞાનના અભાવે તેમને એ જ ખબર નથી હોતી કે તેમના પર અન્યાય થઈ રહ્યો છે. એટલે જ એ ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીવ્યા કરે છે. બીજી તરફ જ્ઞાની વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં જીવવાને બદલે એ સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે છેઃ. તેને ગુલામી એટલે શું અને સ્વતંત્રતા એટલે શું એ ભેદ સમજાય છે અને ગુલામીની સાંકળો એને પીડાદાયક લાગવા માંડે છે. વિરાટ પોતે પણ જ્ઞાનથી ડરતો કેમકે ગુરુ જગમાલે કહેલાં કિસ્સાઓ મુજબ અધૂરું જ્ઞાન વિનાશનું કારણ બને છે. અધૂરા જ્ઞાનવાળા લોકો સત્તા અને શક્તિ મેળવવા એ જ્ઞાનનો દૂર ઉપયોગ કરે છે. દુનિયાના દરેક દુખનું કારણ લોકોનું અધૂરું જ્ઞાન છે. વિરાટને વિશ્વાસ હતો કે એક દિવસ એ સંપૂર્ણ જ્ઞાન મેળવી લેશે. બસ તેને ધ્યાન રખવાનું હતું કે એ પૂરું જ્ઞાન મેળવ્યું ન હોય એવા અધૂરા જ્ઞાનની સ્થિતિમાં કોઈ ભૂલ ન કરી બેસે.

          ગુરુ જગમાલે તેને ધર્મ, અધર્મ જેવી કેટલીય બાબતો સમજાવતા પુસ્તકોનો અભ્યાસ કરાવ્યો હતો. પદ્માએ વનસ્પતિ શાસ્ત્ર અને આયુર્વેદના પુસ્તકોનો અભ્યાસ પસંદ કર્યો હતો. એ જંગલની જડીબુટ્ટીઓથી ગમે તેવા તાવને એક દિવસમાં ભગાડી નાખતી. એ લોકોને મફતમાં જડીબુટ્ટીઓ આપતી. ગુરુ જગમાલ કહેતા કે તમારા જ્ઞાન પર માત્ર તમારો હક્ક નથી કેમકે એ મહાન પુસ્તકો રચનારા લોકોએ એ જ્ઞાન તમને સિક્કા કમાવા નહીં પણ સમાજના કલ્યાણ માટે આપ્યું છે. પદ્મા એ વાત બરાબર માનતી. એ વાર્ષિક સિક્કા કમાવા જીવને જોખમે કેનાલમાં કૂદકો લગાવી માછલીઓ પકડતી અને અંગદ કૃષિ બજાર બંધ થયા પછી ત્યાં બેસી એ વેચતી. ખરીદ-વેચ કરવી એ માત્ર વેપારીઓનો હક્ક હતો છતાં એ બંને જોખમ લેતી. વેપારીઓના એજંટો અને સિક્કા આપનારા કલેકટરો જ એ માછલીઓ ખરીદતા માટે એ વાત લગભગ વેપારીઓ સુધી ક્યારેય નહીં પહોંચે એમ એને લાગતું.

          ગુરુ જગમાલ અને વિરાટ બંને જાણતા હતા કે પદ્માએ કેમ આયુર્વેદ અને જડીબુટ્ટીના ગ્રંથો સમજાવનું પસંદ કર્યું હતું. એ ગ્રંથોના જ્ઞાનથી એની માની બીમારી ઠીક કરવા માંગતી હતી. બદનસીબે એ બીમારી માનસિક હતી અને આયુર્વેદ અને જડીબુટ્ટીના પુસ્તકોમાં શારીરિક બીમારીઓના ઉપાયો જ દર્શાવેલા હતા. જોકે પદ્મા હિંમત હારે એમાની નહોતી. એ કહેતી કે એક દિવસ દીવાલની પેલી તરફથી કોઈ એવું પુસ્તક મળી રહેશે જે મને શીખવે કે માનસિક બીમારીઓ કઈ રીતે ઠીક થાય.

          પદ્મા પણ જાણતી હતી કે એના પિતા ત્રિલોક તસ્કર હતા. શૂન્ય લોકોમાં એવા કેટલાય તસ્કરો હતા જે દીવાલની પેલી તરફથી પુસ્તકો ચોરી લાવતા. એ કામ બહુ જોખમી હતું પણ એવા ખૂંખાર લોકોને ગુરુઓ તાલીમ આપતા. તસ્કર વિધા શીખવવા માટે અલગ ગુરુઓ હતા. જગમાલ કહેતા કે દીવાલની પેલી તરફ આપણાં તસ્કરો જેટલા ચાલાક અને હોશિયાર લોકોને કારુની સરકારમાં ગુપ્તચરનું કામ અને ઊંચું પદ મળે છે. હકીકતમાં અહીંના તસ્કરો એમના ગુપ્તચરો કરતાં પણ ચાલાક હતા કેમકે એમના ગુપ્તચરોના નાક નીચેથી તેઓ જ્ઞાનના પુસ્તકો ઉઠાવી લાવતા. પરંતુ જ્યારે ચૂક થઈ જતી તસ્કર માટે એ છેલ્લો દિવસ બની રહેતો. એકવાર તસ્કર પકડાય છી એ પાટનગરની મૃત કારાવાસમાંથી ક્યારેય બહાર ન નીકળતો.

 

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED