પદ્મા વિરાટને ચાહતી હતી. દુનિયામાં સૌથી વધારે પ્રેમ એણે કોઈને કર્યો હોય તો એ વિરાટ હતો એવું કહેવું ખોટું હતું કેમકે એ સૌથી વધારે તો તેની માને પ્રેમ કરતી હતી. તેનો મા પ્રત્યેનો પ્રેમ અસિમ હતો. એ પ્રેમની શક્તિને લીધે જ એ બાર વર્ષની ઉમરે પણ કેનાલના ધસમસતા પાણીમાં કૂદવાની હિંમત કરી શકી હતી અને આજ દિવસ સુધી એ પાણીમાં નિરંતર છલાંગો લગાવતી હતી. એ તેની મા માટે ગમે તે જોખમ લેવા તૈયાર હતી.
જોકે એ પ્રેમની છૂટ શૂન્ય લોકોને નહોતી. દીવાલની પેલી તરફ વસતા દેવતાઓ કહેતા કે પ્રેમ તમને ભૂલો કરવા મજબૂર કરી દે છે. પ્રેમ એ ભૂલનું બીજું નામ છે પણ પદ્માને વિશ્વાસ હતો કે પ્રેમ એ નસેનસેમાં વહેતું જીવન છે. પ્રેમ એ હ્રદયના ધબકારા છે. પ્રેમ એ શ્વાસ છે. પ્રેમ એ જ પ્રાણ છે. પ્રેમ દરેક લાગણીમાં શ્રેષ્ઠ છે. પ્રેમથી ચડિયાતું કશું જ નથી. પ્રેમ કરતાં પવિત્ર કંઈ નથી.
શું એક માતા અને એના બાળક વચ્ચેના પ્રેમ કરતાં પવિત્ર કઈ હોય શકે? તમે જેને ચાહો તેનો સાથ ઝંખવો એ ખોટું છે? શું કોઈ પોતાને જીવન આપનારા પિતાને પ્રેમ કર્યા વિના રહી શકે? શું કોઈ પોતે જેના ગર્ભમાં જેના લોહીથી રચાય છે એ માને પ્રેમ કર્યા વિના રહી શકે? શું કોઈ પોતાના મહામૂલા મિત્રોને પ્રેમ કર્યા વિના રહી શકે?
પણ દીવાલની પેલી તરફ બનતા કાનૂન અલગ હતા. એમના વિચારો અલગ હતા. પદ્મા એ કાનૂન ક્યારેય ન માનતી. શું મારે મારા મિત્રોને પ્રેમ ન કરવો? શું મારે એ પળ માટે જીવન પણ ન આપી દેવું જોઈએ જે પળ મને મારા વિરાટની નજીક લઈ જતી હોય? એ વિચારતી.
ભલે દીવાલની પેલી તરફના લોકો ગમે તે કહે પદ્મા તો પ્રેમને જ સાચો ભગવાન માનતી. પ્રેમ એ એવો ભગવાન છે જેના વિના જીવનનું કોઈ અસ્તિત્વ નથી. અરે, કદાચ પ્રેમ વગરના જીવનનું અસ્તિત્વ રહે તો પણ એનો કોઈ અર્થ નથી. એ માનતી કે પ્રેમ છે એટલે પદ્મા છે અને જ્યાં સુધી પદ્મા છે ત્યાં સુધી પ્રેમ રહેશે.
પેલી તરફનો કાનૂન કહેતો કે કોઈને પ્રેમ ન કરો. તમારા પરિવારને પણ નહીં. એ કહેતા પ્રેમ તમને કમજોર બનાવે છે. તમે માત્ર ભગવાનને પ્રેમ કરો. તમે માત્ર કારુને ચાહો કરો. તમારી ફરજ દીવાલની પેલી તરફ જઈ તેના માટે શહેરોનું નવનિર્માણ કરવાની છે. પ્રેમ તમને નિષ્ફળતાના રસ્તે લઈ જશે. તમારી રચના મહાન ભગવાને દીવાલની પેલી તરફની દુનિયાને સ્વર્ગ જેવી બનાવવા માટે કરી છે એટલે એ સિવાય તમારુ બીજું કોઈ લક્ષ ન હોવું જોઈએ.
એ કહેતા પ્રેમથી સાવધાન રહેવું જોઈએ. પદ્મા કહેતી પ્રેમના મકાનમાં રહેવું જોઈએ. એને ખબર હતી કામ જરૂરી છે. કદાચ લોકો કહે તેમ તેમને દીવાલની પેલી તરફ સ્થાન મળવાનું હોય તો પણ તેમને એ તરફ જઈ ગમે તેવી મજૂરી કરવા પણ તૈયાર રહેવું જોઈએ. પ્રલયમાં તબાહ થયેલી દુનિયાને સુદંર બનાવવી એ સૌની જવાબદારી હતી પણ એ દુનિયાનો શું અર્થ જે દુનિયામાં તમે કોઈને પ્રેમ જ ન કરી શકો?
એને વિશ્વાસ હતો કે પ્રેમ એક તણખો છે અને એ તણખો તેને દરેક આંખમાં દેખાતો. એ કહેતા પ્રેમ તમને ચિંતા, તણાવ અને દુખ આપે છે. હા, એ આપે છે પણ એમાં શું ખોટું છે? એક મા પોતાના બાળકને થોડીવાર સુધી ન જુએ તો ચિંતાતુર બની જાય એમાં શું ખોટું છે? હું વિરાટને જોવા અધિરી બનું એમાં શું ખોટું છે?
કશું જ નહીં. એને એમાં કશું ખોટું નહોતું લાગતું. દેવતાઓનો કાનૂન કહેતો કે માત્ર કામ કરો. કોઈ ઇચ્છા ન રાખો. કારુએ તમને જે કામ સોંપ્યું છે એ કરો. તમારે એની ઇચ્છા મુજબ કામ કરવાનું છે. એ કહેતા તમારે એટલી જ ઇચ્છાઓ રાખવી જોઈએ જેટલું ભગવાને તમને આપ્યું છે. એ કહેતા આ જીવન છે અને પાણીની જેમ એક જ દિશામાં વહે છે. પદ્મા માનતી કે જીવન પ્રેમ છે અને એ હવાની જેમ ગમે તે દિશામાં જઈ શકે છે. તેને કોઈ રોકી શકતું નથી.
દેવતાઓ અને કારુ તો તેમના હાથની વાત હોય તો શૂન્યોના સપના જોવા પર પણ પાબંધી લગાવી દે એમ હતા. એ સપના જોવાની પણ વિરુદ્ધ હતા. જોકે પદ્મા સપના જોતી. તેને ખબર હતી કે માણસને પાંખો ન હોઈ શકે માત્ર પક્ષીઓને જ પાંખો હોય છતાં એ એવા સપના જોતી કે જાણે તેને પાંખો છે અને ઊડીને દીવાલની પેલી તરફ જઈ રહી છે.
બાળપણમાં માએ પદ્માની કાળજી રાખી હતી અને હવે એનો વારો હતો. એને તેની દેખભાળ રાખવાની હતી. એના પિતાના મૃત્યુના આંચકાએ એને અડધી પાગલ બનાવી દીધી હતી. એ મુશ્કેલીમાં હતી અને એવા સમયે એક દીકરી માને એકલી કઈ રીતે મૂકી શકે?
માના જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થઈ એ દિવસ તેને હજુ ગઈકાલ જેવો યાદ હતો. એ દિવસે આગગાડી આવવાની હતી. બે મહિના પછી બીજા મજૂરો સાથે ગયેલા એના પિતા પાછા આવવાના હતા. તેના આવવાની રાહ જોવી અઘરું હતું. ખાસ આગગાડી સાંજે જ આવતી અને જે દિવસે આગગાડી આવવાની હોય તે દિવસે સાંજ મહામુશ્કેલીએ પડતી. જે સવારે સંદેશાવાહકો શેરીઓમાં આગગાડીના આવવાનો સંદેશો લઈ ફર્યા એ દિવસે પદ્મા આનંદના અતિરેકમાં ગાંડી થઈ ગઈ હતી. તેના પિતા આજે ઘરે આવવાના છે. બસ એ એક વાકય તેના મનમાં ફરતું હતું. એ બીજું કશું વિચારી શકી નહોતી.
બીજા શૂન્ય લોકો સાથે પદ્મા અને તેની મા અર્ધવેરાન પ્રદેશ જ્યાં પૂરો થાય ત્યાં આગગાડીમાં પાછા આવનારા લોકોની રાહ જોતા ઊભા હતા. મોટાભાગના લોકોના હાથમાં સળગતી ફાનસો હતી. એ અંધારી રાતમાં પણ ત્યાં જાણે કોઈ તહેવાર હોય તેવું વાતાવરણ હતું. એ ઉત્સાહમાં હતી. એ સમયે તેની ઉમર બહુ નાની હતી. તેને એ અંદાજ પણ નહોતો કે થોડાક જ સમયમાં કેટલાક પરિવારો માટે એ આનંદનું વાતાવરણ શોકમાં ફેલાઈ જવાનું છે.
એ ઝૂંપડીઓ પૂરી થાય અને અર્ધ વેરાન પ્રદેશ શરૂ થાય એ વિસ્તારમાં ઊભા હતા. ત્યાં ખાસ વૃક્ષો નહોતા. માત્ર કાંટાળી વનસ્પતિ જેમકે બાવળ અને બોરડી ઠેક ઠેકાણે ઊગી નીકળ્યા હતા. બાકીનો ભાગ કુશ ઘાસથી ઘેરાયેલો હતો. લોકો એને રાક્ષસી ઘાસ કહેતા. ગમે તેવી કાતિલ ઠંડીમાં લોકો રાત વિતાવવાનું પસંદ કરતાં પણ એ રાક્ષસી ઘાસ સળગાવી તાપણું ન કરતાં. શૂન્ય લોકો એમ સમજતા કે કુશ ઘાસનું તાપણું શેતાની સપના આપે છે.
એ પોતાના લોકોને છેક સ્ટેશન સુધી લેવા જવા માંગતા હતા પણ એ શક્ય નહોતું. સ્ટેશન પર કોઈને જવાની છૂટ નહોતી. જેમના નામ કલેકટરો નોંધી રાખતા અને સૂચના આપતા કે આગગાડીની આવતી સફરમાં આ લોકોને જવાનું છે એ લોકોને જ આગગાડીમાં બેસવા સ્ટેશન જવાની પરવાનગી આપવામાં આવતી.
કુશ ઘાસને ખૂંદતા શૂન્ય લોકોને તેમણે સ્ટેશન તરફથી આવતા જોઈને એ આનંદથી નાચી ઉઠ્યા. પદ્મા તેના પિતાને જોવા માંગતી હતી. હવે ઘડીભરમાં તો એ આવીને તેને તેડી લેવાના હતા.
તેની માની બાજુમાં સમોની એના પતિના આવવાની રાહ જોતી હતી. તેણે પદ્માની મા સામે જોઈ કહ્યું, “તને શું લાગે છે જીવીકા?”
“સમોની...” જીવીકાએ પ્રેમથી કહ્યું, “મારા ભાઈ સાજાનરવા આવી જશે.” તેનો અવાજ મક્કમ હતો, “બસ હમણાં જ આવીને એ તને ભેટી પડશે.”
“પણ મને કંઈક અમંગળ થયાના ભણકારા વાગે છે.” સમોનીએ કહ્યું.
“સમોની.” જીવીકા જરા ગુસ્સે થઈ પણ ફાનસના અજવાળામાં ચમકતા સમોનીના આંસુ જોઈને જ તેનો અવાજ ધીમો થઈ ગયો, “એવું ન વિચાર બહેન..” જીવીકાએ તેના ખભા પર હાથ મુક્યો, “અશુભ વિચરવું એ પણ અશુભ છે. આપણે શુભ વિચારીએ તો બધું શુભ જ થાય.”
સમોનીએ માથું હલાવી જીવીકાની વાતમાં સહમતી બતાવી અને પાલવથી આંસુ લૂછયા.
લગભગ બસો કરતાં પણ વધુ શૂન્ય યુવક યુવતીઓ, સ્ત્રીઓ અને પુરુષો અંધકારને ઓળંગી ફાનસોના અજવાળામાં દાખલ થયા. પદ્માને કેટલાય ઓળખીતા ચહેરા દેખાવા લાગ્યા.
પણ જીવીકા ખોટી પડી. શુભ વિચારવાથી બધુ શુભ જ થાય એ તેનો વહેમ નીકળ્યો. એ બસો શૂન્યની ભીડમાં પદ્માને તેના પિતા ક્યાય ન દેખાયા. જીવીકા ઘેલી થઈ આમ તેમ દોડી અને આખરે ભદ્રાને પુછ્યું, “તમારા ભાઈ ક્યાં છે?”
ભદ્રાની આંખો જરા સજળ થઈ પણ કાળજું કઠણ રાખી તેણે જવાબ આપ્યો, “અકસ્માત ભાભી, અકસ્માત”
જીવીકા ગાંડાની જેમ આગગાડીમાં આવેલી લાશો તપાસવા દોડી. પદ્મા પણ એની પાછળ દોડી. તેમણે એક એક લાશ પરથી સફેદ ચાદર હટાવી પણ કોઈ ચહેરો ત્રિલોકનો ન દેખાયો. જોકે દરેક ચહેરો ઓળખીતો હતો અને દરેક ચહેરો જોઈ તેમની આંખોમાં આસું આવ્યા.
જીવીકા ફરી ભૂત વળગ્યું હોય તેમ ભદ્રા તરફ દોડી. એ ત્યાં જઈ રીતસર તેને બાજી પડી, “એમનો મૃતદેહ ક્યાં છે?”
નાનકડી પદ્મા તેની મા પાસે ઊભી ઊભી રડતી હતી.
“એ જીવતો છે.” ભદ્રાએ કહ્યું, “પણ એ મરી ગયો હોત તો વધુ સારું હતું.”
નાનકડી પદ્માને સમજાયું નહીં કેમ ભદ્રા એવું બોલતો હશે. એ તો તેના પિતા ત્રિલોકનો ખાસ મિત્ર હતો.
“મેં એને સમજાવ્યો હતો કે જ્ઞાનના પુસ્તકો ચોરવનું બંધ કર પણ એ ન માન્યો અને આખરે પકડાયો. નિર્ભય સિપાહીઓ તેને પાટનગરની મૃત કારાવાસમાં લઈ ગયા છે.”
એક પળ જીવીકા ભદ્રાને જોઈ રહી. પછી તેણે પદ્મા સામે જોયું. પદ્માને તેની આંખમાં રોકી રાખેલા આસુ બહાર ધસી આવતા દેખાયા. તેણીએ દાંત ભીંસી પોતાને ડૂસકું ભરતા રોકવા પ્રયત્ન કર્યો. એના દાંત ઘંટીમાં અનાજ ભરડીએ ત્યારે થાય તેવો અવાજ કરતાં હતા. એની છાતી ધમણ જેમ ઊંચી નીચી થતી હતી પણ પોક મૂકવાને બદલે એ અવાજ સાથે શ્વાસ પણ રોકવા મથતી હતી.
પદ્માને નવાઈ લાગી કે તેની મા કેમ પોક મૂકી રડવા ન માંડી. એ ઉમરે પણ એ એટલુ તો સમજતી જ હતી કે તેના પિતા પાટનગરની કારાવાસમાં છે એનો અર્થ એ કે એ ક્યારેય જીવતા પાછા નહીં આવે. જીવીકા આ વાત જાણતી ન હોય એવું તો ન જ હોયહ છતાં પણ એ રડી નહીં. જીવીકાએ તેનો હાથ પકડ્યો અને તેને લઈને તેની ઝૂંપડીએ ચાલી ગઈ.
થોડાક દિવસોમાં પદ્માને સમજાઈ ગયું કે તેની માને ભદ્રાએ જે કહ્યું તેના પર વિશ્વાસ નહોતો. એ કહેતી, “તારા પિતા જરૂર પાછા આવશે.”
“મા, એ પાટનગરના કારાવાસમાં છે. ત્યાંથી હજુ સુધી કોઈ પાછું નથી આવ્યું.” પદ્મા તેને સમજાવતી પણ પણ બધું વ્યર્થ હતું.
“તને ખબર નથી દીકરા..” એ કહેતી, “મારો ત્રિલોક વચન તોડે એમાંનો માણસ નથી. કોઈ કારાવાસ એને રોકી ન શકે. તું જોજે એક દિવસ એ જરૂર પાછો આવશે.”
પદ્માને લાગ્યું કે તેની મા થોડાક દિવસોમાં સત્ય સ્વીકારી લેશે પણ એવું ન થયું. આસપાસની ઝૂંપડીમાં રહેતા લોકોએ પદ્માને સમજાવ્યું કે તેની મા સાથે શું થયું હતું. તેના પિતાના મૃત્યુના સમાચાર સાંભળી એ શાન-ભાન ખોઈ બેઠી હતી. જીવીકાને લાગતું કે ત્રિલોક હજુ જીવે છે અને એક દિવસ જરૂર પાછો આવશે.
પદ્માએ જીવીકાને સમજાવવા પ્રયત્ન કર્યા કે ત્યાંથી કોઈ પાછું નથી આવતું. પાટનગરની કારાવાસને નરકાગાર માનવામાં આવે છે. આસપાસના લોકોએ પણ તેને સમજાવવા કોશિશ કરી પણ એ માની નહોતી. એ એક જ જીદ પકડીને બેઠી હતી, “તમે બધા જોશો, એક દિવસ મારો ત્રિલોક દીવાલની પેલી તરફથી જ્ઞાનના બધા પુસ્તકો લઈને આવશે. એ એટલા પુસ્તકો લઈ આવશે કે ફરી કોઈએ એ તરફ જઈને ચોરી નહીં કરવી પડે, ફરી કોઈએ તસ્કરની તાલીમ નહીં લેવી પડે કે તસ્કર નહીં બનવું પડે.” આવેશમાં એ પતિને તુકારો આપતી હતી એ પણ એને ભાન નહોતું.
ત્રિલોક વાંચી લખી શકતો અને તેને તસ્કરની તાલીમ પણ આપવામાં આવી હતી. એ બહાદુર હતો. દેવતાઓના જ્ઞાનના પુસ્તકો લઈ આવવા એ કોઈ કાચા પોચાનું કામ નહોતું. એ કોઈ એવા પુસ્તકની શોધમાં હતો જેમાં પાટનગર અને ત્યાંના વિશાળ મહેલના રહસ્યોનો ઉકેલ હતો. ત્રિલોક ઘણીવાર કહેતો કે આ કળિયુગ છે અને કળિયુગમાં તમે ક્યાં સુધી જીવશો એ નક્કી ન કહી શકાય. પ્રલય પહેલા લોકો ઘરડા થઈને મરતા પણ હવે ગમે તે ઉમરે ગમે ત્યારે માણસનું જીવન સંકેલાઈ જાય છે. તેની એ વાત તેને જ લાગુ પડી. એ દીવાલની પેલી તરફ ગયો અને ક્યારેય પાછો ન આવ્યો.
જીવીકા અત્યંત લાગણીશીલ હતી. ત્રિલોક પાટનગરના કારાવાસમાં છે એ શબ્દો સાંભળ્યા પછી એ ગાંડી થઈ ગઈ હતી. કદાચ એ છેલ્લા શબ્દો હતા જે જીવીકાએ પૂરા હોશમાં સાંભળ્યા હતા.
જીવીકા એક જ દિશામાં તાકીને કલાકો સુધી બેસી રહેતી. ક્યારેક તો રાતે પણ એ ઝૂંપડી બહાર આવી ઉત્તર તરફ અંધકારમાં તાકીને ઊભી રહેતી. લોકો ધીમેધીમે જીવીકા પાગલ છે એમ કહેવા લાગ્યા પણ પદ્મા જાણતી હતી કે તેની મા દુઃખ અને અંધકારની દુનિયામાં ચાલી ગઈ છે. એક દિવસ એ જરૂર પાછી આવશે.
એ જાણતી હતી કે પોતે વિરાટ સાથે જીવન નહીં વિતાવી શકે. એના માથે તેની માની જવાબદારી છે અને વિરાટ માથે દીવાલના આ તરફના હજારો લાખો લાચાર શૂન્યોની જવાબદારી છે. તેમના માટે પ્રેમ કરતાં ફરજ વધુ મહત્વની હતી છતાં તેઓ જ્યારે એકબીજાની સાથે હોયે ત્યારે તેઓ પૂર્ણ હોય તેવો અનુભવ થતો. પદ્મા વિરાટની સાથે હોય ત્યારે તેને એક અજબ રાહત થતી અને ક્યારેક તો એમ લાગતું જાણે એ તેના પિતા સાથે છે. તેના પિતા પણ વિરાટ જેવા જ હતા. તેના હ્રદયમાં પણ વિરાટના હ્રદય જેમ શૂન્ય લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. તેની આંખોમાં જે તણખો હતો એ પદ્માને વિરાટની આંખોમાં આગની જવાળા જેવો ચોખ્ખો દેખાતો.
પદ્માને પણ ત્રિલોકની હિંમત અને પોતાના લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના વારસામાં મળ્યા હતા. ત્રિલોકના વિચારો હંમેશાં તેના મનમાં રહેતા. તેને એ દિવસ યાદ હતો જ્યારે એને સમજાયું હતું કે ત્રિલોક શું કરવા માંગે છે.
એ દિવસે ત્રિલોક લાંબો સમય બહાર રહી ઘરે પાછો ફર્યો હતો. એ વેપારીની માલવાહક આગગાડીમાં મજૂર તરીકે ગયો હતો અને મોડી રાતે આવ્યો હતો. તેણે દરવાજો ખખડાવ્યો એ સાથે જ જીવીકાએ દોડીને દરવાજો ખોલ્યો હતો. પદ્મા પણ દોડીને દરવાજે ગઈ હતી. તેને જોતાં જ ત્રિલોકે તેને તેડી લીધી હતી.
ત્રિલોક પદ્માને તેડીને અંદર આવ્યો અને ખાટલા પર બેઠો. પદ્મા તેના ખોળામાં આનંદથી બેઠી હતી.
“હું ઘરે આવી ગયો.” તેણે જીવીકાને કહ્યું. “તું નાહક ચિંતા કરતી હતી. વેપારીની આગગાડીમાં જોખમ નથી હોતું.”
જીવીકા થોડીક મિનિટો તેને જોતી રહી. ફાનસની વાટ થોડી બહાર કાઢી અને પુછ્યું, “તો આ વખતે ત્યાંથી શું ચોરી લાવ્યા?”
“આ વખતે પૂરતું લાવ્યો છું.” તેણે થેલામાંથી ત્રણ થોથા જેવા જાડા પુસ્તકો બહાર કાઢ્યા, “ગુરુઓને આ પુસ્તકોની ખાસ જરૂર હતી.”
જીવીકા થોડીવાર એ પુસ્તકોને જોતી રહ, “એક દિવસ એમના ગુપ્તચરો તમને પકડી લેશે અને આપણી ઝૂંપડી પર નિર્ભય સિપાહીઓ માતેલા સાંઢ જેમ તૂટી પડશે. તમને એમના આક્રમણનો ડર નથી?”
“તને ખબર છે જીવીકા..” ત્રિલોકે કહ્યું, “આપણે આ બાબતે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ અને મારો જવાબ દરેક વખતની જેમ એ જ છે કે જો મારી તસ્કરીની કળા મારા લોકોને કામ આવી શકતી હોય તો હું એ કરવા તૈયાર છું. મને નિર્ભય સિપાહીઓના આક્રમણનો ભય નથી એવું નથી પણ જો એ પુસ્તકો મારા લોકોને શૂન્યમાંથી ફરી માણસ બનાવી શકતા હોય તો હું એ જોખમ ખેડવા તૈયાર છું.”
“એ માટે તમે આપણી દીકરીને પણ એ જોખમમાં હોમી દેવા તૈયાર છો?”
“તને ખબર છે જીવીકા..” તેણે કહ્યું હતું, “દીવાલની પેલી તરફ જતી આપણી દીકરીઓ સાથે શું થાય છે. નિર્ભય સિપાહીઓ....” એ વધુ ન બોલ્યો.
“પણ...”
જીવીકાને વચ્ચે જ રોકતા તેણે કહ્યું, “તું ચિંતા ન કર. દીવાલની પેલી તરફ રક્ષક નામે ઓળખાતો એક બાગી મને મદદ કરે છે. હું ક્યારેય નહીં પકડાઉ.”
ક્રમશ: