Atalasi books and stories free download online pdf in Gujarati

અતલસી

*અતલસી*

હું...હું નથી રહ્યો.બસ તદ્દન શૂન્યમનસ્ક બની મારી પુસ્તકોની દુનિયામાં ખોવાઈ ગયો છું!મારી સૌથી નજદીકી દોસ્ત રાશિ પણ શું સાચે સૌથી નજદીક રહી છે ખરી?! વિચારોની ગડમથલ...ઉથલપાથલ થકવી દે છે.એક મારામાં જીવતું ,શ્વસતું છતાંય પરોક્ષતાં ધરાવતું વ્યક્તિ પ્રત્યક્ષ રીતે દૂર શું થયું હું તદ્દન ખાલી થઈ ગયો! રાશિ સાથે ઘણું શૅર કરવા માંગતો હોઉં છું પણ મારો જીન્સ જેવો ખધ્ધડ સ્વભાવ મને અટકાવે છે.એ મને ઘણી બધી રીતે સમજી જાય છે પણ હું કબૂલ ક્યારેય નથી કરતો!કારણ ફક્ત એટલું જ કે હું તૂટી રહ્યો છું કે વ્યથિત છું એ જરાય કોઈને જણાવવા નથી માંગતો!
હું લેખક તો નથી જ પણ ઘણી વ્યથાઓ મારી ટુ લાઈનર માં કે નાનકડી પદ્ય રચનાઓમાં ઠલવાઇ જાય છે!એ એક વ્યક્તિ કેટલું અડી ગયું છે મને!કોઈ ન માને કે આમ વર્ચ્યુઅલ વ્યક્તિ સાથે આટલું દિલનું કનેક્શન થઈ ગયું હશે! દરેક વાતમાં એનો સાથ, ખોટો હોઉં તો ખીજવાટ,રોજે રોજનાં વિડીઓ કોલ્સ ગમે એટલો બીઝી હોઉં પણ એનો કૉલ આવે એટલે નવી ઉર્જા સાથે કામે જોતરાઈ જાઉં ને અનેરો ઉત્સાહ આવી જતો હતો.ખિજાવું, લડવું, ઝગડવું પ્રેમ કરવો, કાળજી લેવી દરેક વસ્તુ માટે એનાં જેટલું મને કોઈ જરૂરી નહોતું લાગતું.
"સર,ચાય કે સાથ કયા ખાઓગે?"બહાદુર નો અવાજ અથડાયો.મેં કહ્યું,"કુછ નહિ..સિર્ફ ચાય લે કે આઓ." એ પણ વિસ્મયતાથી જોઈ રહ્યો.કદાચ વિચારતો હશે,"દિવસમાં દસ વખત ખાનાર મારો બોસ હમણાંથી ટીફિન સિવાય માંડ એકાદવાર નાસ્તો કરતો કેમ થઈ ગયો છે?"ભૂખ મરવા લાગી છે,વજન ઓછું થઈ રહ્યું છે.સાલું કેવું હોય નહિ?બધાં કહે કે "ટીનેજરી લવ" ને બ્રેકઅપ બહુ અસરકારક હોય છે કેમકે એમાં સમજણનો અભાવ હોય છે પણ મને લાગે છે કે અમુક મેચ્યોર મિડલ એજનો લવ જે પૂર્ણ સમજદારી પૂર્વક સિંચાયો હોય છે એનું બ્રેકઅપ વધુ જાનલેવા સાબિત થતું હશે!નથી મરાતું, નથી જીવાતું કે નથી ખુલીને કોઈને કહેવાતું,આ જિન્સલ સ્વભાવની બનેલી ઇમેજ રોકી રાખે છે.કેટકેટલાં વિચારો!
સેલફોનમાં રાશિનો મેસેજ ક્લિક થયો,"ક્યાં ગયો?બહુ બીઝી ને!"હવે પરાણે હસવાના ઈમોજી મુકીશ,લખીશ, વાતો શરૂ કરીશ એ મૂડ ચેન્જ કરાવવાનાં ખોટાં ઉલાળા કરશે અને એની લાગણીઓ જોતાં હું મારો મૂડ ચેન્જ થઈ ગયો છે એમ બતાવતી ચેટ કરીશ!હા, સતત દુઃખી નથી રહેવાતું એમ કલાક પણ સતત એનાં વિચારો વગર નથી રહેવાતું.ઘર સંસાર,જવાબદારીઓમાં ક્યારેય પાછો પડતો જ નથી,ખુશ રહું છું સૌને સૌનો ટાઈમ આપું છું ખુશ રાખવાનાં સો ટકાનાં પ્રયત્નો કરું છું.દોસ્તોથી માંડીને ફેમિલી સુધી ક્યારેય હું મારો આ અંદરુની બદલાવ આંખે ન ચડે એની પણ પૂર્ણતયા કોશિશ હોય છે.
એવું પણ નથી કે એનાં સિવાય મને કોઈ મળશે જ નહિ, પણ મને એ જ જોઈએ તો શું થાય? યુ,નો સુષુપ્ત મનમાં એક છબી વર્ષોથી ઢબુરાયેલી હોય છે જેને આપણે કલ્પનાઓની મીઠી થપકીઓથી સહેલાવતાં હોઈએ છીએ એ છબી મને એનાંમાં દેખાઈ હતી.એ એક સંપૂર્ણ વ્યક્તિત્વ છે.અને બેઝિઝક પ્રેમ પ્રદર્શિત કરવાની જબરદસ્ત ખાસિયત ધરાવતી વ્યક્તિ હતી. ક્યારેય મળ્યાં નથી પણ એક વાયદો હતો એક ચોક્કસ સ્થળે જ્યારે બન્ને જીવનનાં છેલ્લે પડાવે એક ગમતાં સ્થળની યાત્રાએ જઈશું ત્યાં મનભરીને મળીશું.બસ,એ દિવસોની રાહ હજી પણ જોઈ રહ્યો છું.બ્રેકઅપ એટલે ફક્ત કોન્ટેકટ તૂટે કોન્ટેકટ છૂટે પણ મનથી ન જ છૂટાય,જ્યારે સંબંધો મનથી અરે આત્માથી જોડાઈ ગયેલાં હોય ત્યારે એ અસંભવ જ છે.એ કોઈ નજીવું કારણ બતાવી દૂર થઈ ગઈ છે.પણ હજી પણ એ અમારી એ જીવનનાં મિલનની નક્કી કરેલી જગ્યાએ આવશે જ,વાયદો નહિ જ તોડે એ પાક્કી ખાતરી છે!
પ્રેમ તાકાત પણ છે ને પ્રેમ કમજોરી પણ છે એ વિરોધાભાસ હમણાં હું જીવી રહ્યો છું!કોઈકનો એકધારો બિન શરતી પ્રેમ મને એ વિચારોમાંથી બહાર કાઢવા થોડે અંશે સફળ થઈ જાય છે ખરો પણ એ મારામાં શ્વસતી થઈ ગઈ છે તો શ્વાસનાં દસેક થડકારે "હું છું " ની દસ્તક આપતી રહે છે!"પીડા એ મારો ગમતો સબ્જેક્ટ છે" એવુ હું ઘણીવાર બોલતો હોઉં છું.પણ હવે હું છેક પીડાધારી થઈ ગયો છું!સ્વભાવની ઋજુતા મારી નજીક રહેતાં લોકો ક્યારેક અનુભવી જ શકતાં હતાં પણ આ અતલસી સંવેદનો ફક્ત મને જ મુબારક રહે એમ વિચારું છું!
હું એની પાસે ક્યારેય એ લાગણીઓની માંગ નહિ જ કરું એ નક્કી છે.એટલો મજબૂત હું પોતાને બનાવી લઈશ." સાચે?!"રાશિનો આવો હંમેશનો સવાલ કેમ બ્રેકેટમાં દેખાયો?!
હવે ઑફિસ નાં શટર સાથે વિચારોનું પણ શટર ડાઉન!અંદરથી જોરદાર પ્રતિકારક ચીસ.."ના..ના..હું આવો અતલસી નહિ જ બની શકું".ને હું ઘર તરફ નીકળી ગયો!
ઘરે પહોંચતાં જ બાળકો વીંટળાઈ ગયાં. પત્ની એનાં કામથી બહાર ગઈ હતી.રાત્રે આવતાં મોડું થાય એમ હતું.દીકરી બોલી,"પપ્પા ચાલોને કંઈક બનાવી દઈએ મમ્મીને સરપ્રાઈઝ આપીએ."આમ તો મને ખાસ કંઈ આવડે નહિ પણ સમજદાર દીકરીની ભાવનાઓ હું સારી રીતે સમજી ગયો અને અમે દાલ ખીચડી બનાવવા લાગી ગયાં.બાળકોનાં એ મસ્તી,તોફાન વ્હાલ સામે હું ધીમે ધીમે થાળે પડી જઈશ પણ એ છેક ઢળતી ઉંમરે તો એ નક્કી કરેલી જગ્યાએ મળશે જ એ આશા નથી જ છોડાતી!

**************************
કિચૂડ... કિચૂડ..હિંચકાનો અવાજ,એ અવાજ સાથે ટીવીમાં ક્રિકેટની મજા લેતાં નાનાજી ક્યારેક આવા પણ હતાં એ પ્રેમાએ નાનાજીનું કબાટ સાફ કરતાં એ જૂની ડાયરી હાથમાં આવતાં જાણ્યું!છેક...આટલાં વર્ષોની વાત કેવાં જર્જરિત પાનાં અને એમાં નાનાજીના ચલિયા ઉડ અક્ષરો!પ્રેમા ભણી હતી તો ઈંગ્લીશ મીડિયમમાં જ પણ મોમનાં આગ્રહથી અને કુદરતી સૂઝથી જ ફાંકડું ગુજરાતી શીખી ગઈ હતી!સોળ વર્ષની પ્રેમા અઠયાશી વર્ષે પણ ફિટ એન ફાઈન નાનાજીની ખૂબ નજીક હતી.વેકેશનમાં રહેવા આવે ત્યારે ખુશખુશાલ અને મસ્તીખોર નાનાજી ક્યારેક એકદમ શાંત અને આંખ બંધ કરી ઊંડા વિચારે ચડી જતાં અને ચેહરે પીડાઓ છવાઈ જતી હોય એવું અનુભવી શકતી હતી.
આજે મોમ ડેડ વચ્ચે નાનાજી સાથે ક્યાં ક્યા તીર્થસ્થળે જવું એ ચર્ચાઓ ચાલતી હતી. નાનીજીએ તો હથિયાર હેઠાં મૂકી દીધા હતાં. "હું નહિ આવી શકું તમતમારે 'એમને' લઈને જાઓ,મારાથી ટ્રાવેલ નહિ થાય.હું પ્રેમા સાથે અહીં રહીશ."પણ..પ્રેમાનો વિચાર બદલાયો હતો.એને તો નાનાજી સાથે એમનાં એ 'નક્કી કરેલાં' સ્થળે જવું હતું!એ બોલી,"નાનીજી,તમે પંક્તિમાસીને બોલાવી લેજો હું તો માય ડિયર નાનુ સાથે હરિદ્વાર જઈશ" અચાનક હિંચકો અટકી ગયો."તું શું બોલી પ્રેમા... બોલ તો ફરી ક્યાં જવાનું છે?" નાનાજી લગભગ ચિલ્લાઈ ઉઠયાં."મારે ક્યાંય નથી જવું.અને હરિદ્વાર તો ક્યારેય નહિ જ." નાનાજી તરફથી મજબૂત શબ્દો અને મજબૂત ઈરાદો રજૂ થયો.હવે પ્રેમાની આંખમાં આંસુ આવી ગયાં એ નાનુ પાસે ગઈ સાંકડે હિંચકે એકવડીયા નાનુ પાસે આરામથી બેસી ગઈ પ્રેમથી ગાલે હાથ પસવાર્યો,નાનાજીના હાથે એક મીઠી કિસ્સી કરી અને બોલી,"માય ડેશીંગ નાનુ, હું તમારી સૌથી વ્હાલી દીકરી છું ને?અને જિદ્દી પણ તમારાં જેવી જ રાઈટ?જો તમે ન આવો તો હું ક્યારેય અહીં તમને મળવા નહિ જ આવું...નહિ એટલે નહિ જ!" પ્રેમાનાં નાનુ ગુસ્સે થઈને,"તું છે ને હાવ...."બોલી ઉભા થઈ રૂમમાં ભરાઈ ગયાં, ભીના આંખના ખૂણા લુછવા જ સ્તો!
હવે એનાં સિવાય ક્યાં કશું યાદ હતું?કોઈ જ સાથે કોન્ટેકટ નહિ કોણ ક્યાં શું કરે છે,જીવે છે મરે છે કોઈ જ ખબર રાખવાની ઈચ્છા વર્ષો પહેલાં જ મરી પરવારી હતી.પણ...એ તો ભુલાઈ જ નહોતી કાયમ તો નહિ પણ કોઈ ચોક્કસ ટાઈમે એની યાદો હાજરી પૂરાવી જ જતી હતી!કદાચ એ જ કારણે મનમાં પ્રેમાની જીદ માની લેવાની ઉત્કટ ઈચ્છા થઈ જ ગઈ!
*************************
પ્રેમાની જીદ અને ઘરનાં લોકોનાં આગ્રહથી હું હરિદ્વાર આવી જ પહોંચ્યો!થોડો આરામ કરી બહાર નીકળ્યોબહાર નીકળતાં જ જાણે ત્યાનું વાતાવરણ શ્વાસમાં ભરી લઈ કોઈ અલૌકિક અનુભૂતિ માણતો હોઉં એમ આંખ બંધ કરી ઉભો રહી ગયો! હરિદ્વાર એટલે ગંગા નદીની ગર્જના, અસંખ્ય મંદિરો, ભગવા વસ્ત્રોમાં સાધુઓના જૂથો, વૈદિક સ્તોત્રોના મોહક અવાજો અને દૈવી પવિત્રતા! કોણ બચી શકે આવી અદ્ભૂત પવિત્રતાથી!
જોતજોતામાં ગંગાઆરતીનો સમય થઈ ગયો!નાનાજીનાં ચહેરે સતત ભાવનાઓનો બદલાવ!પ્રેમા મંદ મુસ્કાન સાથે જોયાં કરતી હતી! અચાનક...અચાનક નાનાજીનાં આરતી કરવા દીવડો પકડેલાં હાથ પર કોઈ મૃદુ હાથનો સ્પર્શ થયો!અને નાનાજીની આંખો વરસી પડી.બોલ્યા,"ખાતરી જ હતી તું આવીશ જ..."સામેથી ગોલ્ડન ફ્રેમ અને સંપૂર્ણ પણે સફેદી ઓઢી લીધેલાં વાળ વાળી એણે જવાબ આપ્યો,"તારા વિશ્વાસને ખોટો તો ન જ થવા દઉં ને...!"આરતી શરૂ થઈ અને પ્રેમા નાનાજીની આંખોથી વહેતાં અશ્રુઓનાં અભિષેકમાં નાનાજીનું અતલસીપણું જોતી રહી ગઈ!

કુંતલ ભટ્ટ.
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED