વારસદાર પ્રકરણ 36
ઉનાળાની સિઝન ચાલતી હતી એટલે શિલ્પાએ રસ રોટલી અને કારેલાનું શાક બનાવી દીધું. સાથે ગુંદાનું તાજુ અથાણું પણ હતું. છેલ્લે ફજેતો અને ભાત તો ખરા જ.
મંથનને જમવામાં ખરેખર મજા આવી ગઈ. રસની વાડકી ખલાસ થવા આવી એટલે તરત જ શિલ્પાએ ફરી આખી વાડકી ભરી દીધી.
" અરે અરે ભાભી આટલો બધો રસ નહીં ખવાય ! " મંથન બોલ્યો.
" તમારે ઓછામાં ઓછી ત્રણ વાડકી રસ લેવાનો છે. રોટલી ઓછી ખાજો. તમે ભલે હોટલમાં રહો પરંતુ કાલે પણ તમારા માટે સવારે રસ પુરી બનાવવામાં આવશે. " શિલ્પા ભાવ પૂર્વક બોલી.
"ઓર સદાશિવ ભૈયા આપ ભી શરમાના મત. આપકો ભી તીન કટોરી રસ ખાના પડેગા . અપના હી ઘર સમજ કે ખાઓ. " શિલ્પા બોલી અને એણે સદાશિવની વાડકી પણ રસથી ભરી દીધી.
" માસી તમે પણ ઘરનાં જ છો. જરા પણ શરમાતાં નહીં. " કહીને શિલ્પાએ વીણામાસીની વાડકી પણ બીજી વાર રસથી ભરી દીધી.
રસોઈ એટલી બધી સરસ હતી કે ધાર્યા કરતાં પણ વધારે ખવાઈ ગયું.
" ચાલો હવે હું હોટલે જાઉં છું. સાડા નવ વાગી ગયા છે. કાલે બહાર જ જમી લેવાની ઈચ્છા હતી પરંતુ તમે આટલું બધું કહ્યું છે તો ૧૨ વાગે હું આવી જઈશ. "
જયેશ એને પોતાની હોટલ સુધી મૂકી આવ્યો. મંથન મર્સિડીઝ માં બેઠો. અત્યારે ટ્રાફિક ઓછો હતો એટલે ગાડી મેઇન રોડ ઉપર લેવામાં કોઈ તકલીફ ના પડી. વીસેક મિનિટમાં મંથન સીજી રોડ હોટલે પહોંચી ગયો.
હોટલે જઈને મંથને કપડાં બદલી લીધાં. એસી ચાલુ કરીને પથારીમાં આડો પડ્યો અને અદિતિને ફોન લગાવ્યો.
" કેમ છો મેડમ ? " મંથન બોલ્યો.
" મેડમ મજામાં છે અને ક્યારનાં તમારા ફોનની જ રાહ જોઈ રહ્યાં છે. કેટલા વાગે પહોંચ્યા અમદાવાદ ? " અદિતિ બોલી.
" સાંજે પાંચ વાગે દરીયાપુર પહોંચી ગયો હતો. આજે તો શિલ્પાભાભીએ રસ રોટલી, કારેલાનું શાક, ફજેતો અને ભાત બનાવ્યા. જમવાની ખરેખર મજા આવી. " મંથન બોલ્યો.
" તો તો સાહેબને આજે પોતાનું મનપસંદ કારેલાનું શાક ખાવા મળ્યું અને એ પણ રસ રોટલી સાથે ! " અદિતિ બોલી.
" હા અદિતિ. કાલે સવારે પણ રસ પુરી નો પ્રોગ્રામ રાખ્યો છે. બંને જણાં ખૂબ જ ભાવિક છે. તું શું જમી આજે ? " મંથન બોલ્યો.
" અત્યારે સાંજે તો ભાખરી અને કોબી બટાકાનું શાક હતું. સવારે રોટલી દાળ ભાત અને પરવરનું શાક ! વીણામાસી કેમ છે ? " અદિતિ બોલી.
" વીણામાસી એમના ઘરે છે અને ખુશ છે. એક વર્ષથી ઘર બંધ હતું એટલે આજે સાફસુફ કરાવ્યું. હવે બે ત્રણ દિવસ એ પોળનો આનંદ લેશે. મેં પણ આપણા ઘરની ચાવી મંજુ માસીને આપી દીધી છે. એ કાલે સવારે સાફ સફાઈ કરી દેશે. " મંથન બોલ્યો.
એ પછી દસેક મિનિટ થોડીક રોમેન્ટિક વાતો કરીને મંથને ફોન કટ કર્યો અને સૂઈ ગયો.
સવારે ૫ વાગે એની આંખ ખુલી જતી હતી એટલે એ ઉભો થઈ ગયો. બ્રશ કરી નાહી ધોઈને એ ફ્રેશ થઈ ગયો અને માળા કરવા માટે બેસી ગયો. હવે ધીમે ધીમે માળા કરતી વખતે એને ધ્યાન લાગી જતું હતું અને એ અંદર ઊંડો ઉતરી જતો હતો.
ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે સવારના સાત વાગવા આવ્યા હતા. એણે રૂમ સર્વિસમાં ફોન કરીને ચા મંગાવી લીધી. સાથે બ્રેડ બટરનો પણ ઓર્ડર આપ્યો.
સવારે ૯ વાગે એણે તોરલના વર હિતેશને ફોન કર્યો.
" હિતેશકુમાર હું મંથન મહેતા બોલું છું. મુંબઈથી આવ્યો છું. તમારા સસરા કાંતિલાલે મને વાત કરી છે એટલે મારે તમને મળવું છે. સાંજે ચાર વાગે સીજી રોડ હોટલ ક્લાસિક ગોલ્ડ ઉપર આવી શકશો ? " મંથન બોલ્યો.
હિતેશ માટે આ નામ અજાણ્યું હતું. પોતાના માથે ૭૦ લાખનું દેવું હતું એટલે ઘણા અજાણ્યા ફોન પણ એના ઉપર આવતા હતા એટલે એ થોડો ડરી ગયો.
" શાના માટે મળવું હતું ? હું તમને ઓળખતો નથી ભાઈ. ફોન મૂકો. " કહીને હિતેશે ફોન કટ કરી દીધો.
મંથનને ખબર જ હતી. હવે હિતેશ નક્કી કાંતિલાલ જોડે વાત કરશે. મંથને પળનો પણ વિલંબ કર્યા વગર તરત જ કાંતિલાલને ફોન લગાવ્યો.
" અંકલ હું મંથન બોલું છું. મુંબઈથી આવ્યો છું અને નવરંગપુરા સીજી રોડ ઉપર હોટલ ક્લાસિક ગોલ્ડમાં ઉતર્યો છું. તમને તોરલે વાત કરી જ હશે. " મંથન બોલ્યો.
" હા મને વાત કરી છે પણ તારે શાના માટે મળવું હતું અને હોટલમાં શું કામ ? ઘરે પણ મળી શકે ને ! " કાંતિલાલ બોલ્યા.
"હું કહું એમ કરો ને અંકલ ! તમારા ફાયદા માટે ફોન કર્યો છે. સાંભળો તમારી ઉપર હિતેશકુમારનો હમણાં ફોન આવશે. એ તમને મારા વિશે પૂછશે. તમે એને એટલું જ કહેજો કે હું એને ઓળખું છું. મંથનને ચાર વાગે હોટલમાં જઈને મળી લો. હું પણ ત્યાં આવવાનો છું. " મંથન બોલ્યો.
" પણ હિતેશકુમારને તારે શા માટે મળવું છે ? " ફરી પાછા કાંતિલાલ બોલ્યા.
"હિતેશકુમારને મદદ કરવા માટે. બોલો હવે કંઈ કહેવું છે ? બહુ સવાલો કરો છો તમે તો. " મંથન થોડોક ગુસ્સે થઈને બોલ્યો.
" ઠીક છે. ઠીક છે. હું ચાર વાગે આવી જઈશ. હિતેશકુમારનો ફોન આવશે તો એમને પણ હું કહી દઈશ. " કાંતિલાલ ઢીલા પડી ગયા.
પોણા બાર વાગે મંથને સદાશિવને ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી તૈયાર રહેવા ફોન કર્યો.
નીચે જઈને એણે રૂમની ચાવી કાઉન્ટર ઉપર આપી અને બહાર આવ્યો.
ગાડીમાં બેઠા પછી એણે ૨૦૦૦ રૂપિયા સદાશિવને આપ્યા.
" અભી દરીયાપુર જયેશ કે ઘર જાના હૈ. મુજે ઉસકી હોટલ કે પાસ છોડ દો. ઓર તુમ રિક્ષા કરકે રીલીફ રોડ પે હોટલ ચેતના ચલે જાઓ. વહાં ખાના ખાકે વાપસ આ જાના. ઑર શામ કો સીજી રોડ પર કિસી ભી હોટલ મે તુમ ખાના ખા લેના. બહુત રેસ્ટોરન્ટ યહાં આસપાસ હૈ. મિર્ચ મસાલા ભી નજદીકમેં હૈ. " મંથન બોલ્યો.
" જી શેઠ. " સદાશિવ બોલ્યો.
મંથન જયેશના ઘરે જમવા માટે સવા બાર વાગે પહોંચી ગયો. સદાશિવ પણ વાડીગામ જયેશની હોટલ પાસે ગાડી પાર્ક કરીને રિક્ષામાં રિલીફ રોડ જવા નીકળી ગયો.
આજે શિલ્પાએ રસ, પુરી, પાતરાં અને બટેટાની સૂકી ભાજી બનાવ્યાં હતાં. છેલ્લે કઢી ભાત હતા. શિલ્પાએ દિલથી રસોઈ બનાવી હતી અને આગ્રહ કરી કરીને મંથનને જમાડતી હતી. જયેશ પણ આગ્રહ કરતો હતો.
મંજુમાસીએ જયેશનું ઘર સાફ સફાઈ કરીને એકદમ ચોખ્ખું કરી દીધું હતું. માટલીમાં પાણી પણ ભરી દીધું હતું. વીણામાસી પાસેથી ચાવી લઈને એણે ઘર ખોલ્યું અને ત્રણ વાગ્યા સુધી પોતાના ઘરમાં જ આરામ કર્યો.
એ પછી હાથ મોં ધોઈ, ઘર બંધ કરી ચાવી એણે વીણામાસીને આપી દીધી અને જયેશની હોટલ પાસે પહોંચી ગયો. સદાશિવ હોટલમાં જ બેઠો હતો. શેઠને આવતા જોઈ એ ઉભો થયો અને ગાડીમાં ગોઠવાઈ ગયો.
ચાર વાગે હિતેશ અને કાંતિલાલને બોલાવ્યા હતા એટલે એ સીધો હોટલ ઉપર પહોંચી ગયો.
સૌથી પહેલાં કાંતિલાલ પહોંચી ગયા એટલે મંથને એમને મૌન રહેવાની સૂચના આપી દીધી.
" જુઓ અંકલ મેં તમારા જમાઈને મદદ કરવાના આશયથી એમને અહીં બોલાવ્યા છે. હું એમની સાથે જે પણ વાતચીત કરું એમાં તમે બિલકુલ કંઈ પણ બોલતા નહીં. માત્ર જોયા કરો. " મંથન બોલ્યો.
પાંચેક મિનિટ પછી હિતેશ પણ આવી ગયો. મંથને પહેલીવાર આજે એને ધારી ધારીને જોયો. ખબર નહીં શું જોઈને આ કાંતિલાલે તોરલ માટે આને પસંદ કર્યો હશે ? ઉંમર પણ તોરલ કરતાં ચારેક વર્ષ મોટી હતી. માથે ટાલ પડી ગઈ હતી અને દેખાવે સાવ સામાન્ય હતો.
" આવો હિતેશકુમાર તમારી જ રાહ જોઈ રહ્યો છું. સૌથી પહેલાં એ કહો કે તમે ચા તો પીઓ છો ને ? કારણ કે મારો ચા પીવાનો સમય થઈ ગયો છે. " મંથન બોલ્યો.
" ચા હું ઘરે પીને જ આવ્યો છું છતાં મંગાવો. " હિતેશ બોલ્યો.
મંથને રૂમ સર્વિસમાં ફોન કરીને ત્રણ ચા નો ઓર્ડર આપ્યો.
" હવે મારો પરિચય આપું. મારું નામ મંથન મહેતા. આ અંકલનો જૂનો પડોશી છું. અંકલના ઘર સાથે મારે ઘર જેવા સંબંધો છે. એમણે મને દીકરાની જેમ રાખ્યો હતો. ગઈકાલે અમદાવાદ આવ્યો ત્યારે ખબર પડી કે તમારા માથે લગભગ ૭૦ લાખનું દેવું થઈ ગયું છે. તમે એમના જમાઈ છો એટલે એમને તમારી ચિંતા છે. ભગવાનની દયાથી આજે હું સુખી છું એટલે એમણે મને તમને મદદ કરવાની વાત કરી. આજે એટલા માટે જ મેં તમને બોલાવ્યા છે." મંથન બોલ્યો.
કાંતિલાલ સાંભળી રહ્યા હતા. મંથને એમને કંઈ પણ બોલવાની સ્પષ્ટ ના પાડી હતી એટલે એ ચૂપ રહ્યા.
" મને તમારા તમામ દેવાની ડીટેલ્સ જોઈએ. કઈ વ્યક્તિને તમારે કેટલા ચૂકવવાના છે એની વિગતવાર માહિતી મને આપો. તમને કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે ધમકી આપતી હોય એનું નામ નંબર અને એડ્રેસ મને અલગથી આપો. આજ પછી તમારા ઉપર કોઈનો પણ ફોન નહીં આવે. " મંથન બોલ્યો.
હિતેશ તો અવાક થઈને મંથનની વાત સાંભળી જ રહ્યો. જાણે સામે કોઈ દેવદૂત બેઠો હોય એવું એને લાગ્યું. મંથનની વાત સાંભળીને એનું અડધું ટેન્શન તો ત્યાં ને ત્યાં જ ઓછું થઈ ગયું.
" તમારાં સગાં વહાલાં પાસેથી કે કોઈ ખાનદાન માણસ પાસેથી તમે ઉધાર ઉછીના લીધા હોય તો એ તમામ પૈસા તો હું તમને આજે જ આપી દઉં છું એટલે તમે એ લોકોને પાછા આપી દો. કોઈની પાસેથી મોટી રકમ ઊંચા વ્યાજે લીધી હોય અને જે તમને ધમકાવતા હોય એમનું નામ અને નંબર રકમ સાથે મને આ પેડ ઉપર લખી આપો." મંથન બોલ્યો અને એણે હોટલના ડેસ્ક ઉપર પડેલું પેડ હિતેશને આપ્યું.
" એક ભરવાડ પાસેથી ૨૫ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધેલા છે. દર મહિને અઢી લાખ રૂપિયા ચાર મહિના સુધી આપ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આટલું બધું વ્યાજ આપી શક્યો નથી. એનું નામ કાનો છે. એના માણસો ઘરે આવીને બેસી જાય છે. " હિતેશ બોલ્યો.
" દસ લાખ રૂપિયા શાહ આલમ વિસ્તારના એક કરીમ શેખ પાસેથી લીધા છે. દર મહિને ૫૦ હજાર વ્યાજ ૭ મહિના સુધી આપ્યું. પરંતુ એનું વ્યાજ પણ હવે આપી શકતો નથી એટલે ધમકીઓ મળે છે. બાકીના ૩૩ લાખ તો મિત્રોના અને સગાંવહાલાંના વ્યાજ સાથે થાય છે. એ રકમ પણ પાછી આપી શકાતી નથી. " હિતેશ બોલ્યો.
"ખોટું ના લગાડશો પરંતુ તમે જૈન વ્યાપારી થઈને આ ક્રિકેટના સટ્ટામાં કેવી રીતે પડ્યા ? આ તમને શોભે છે ? આખા પરિવારની ઊંઘ તમે હરામ કરી દીધી. " મંથન સહેજ આવેશમાં આવી ગયો.
" તમારી વાત એકદમ સાચી છે. મારો સમય ખરાબ હતો એટલે મને કેટલાક એવા મિત્રો મળી ગયા જે સટ્ટો કરીને ખૂબ કમાયા હતા. મારા કિસ્મતે મને સાથ ના આપ્યો. હવે તો મારા ઘરનાં પણ હેરાન થઈ રહ્યાં છે. ઘરે ગુંડા લોકો આવીને બેસી જાય છે. એટલે જ હું તોરલને અવારનવાર એના ઘરે મૂકી આવું છું." હિતેશ બોલ્યો.
મંથન કંઈ બોલ્યો નહીં. એણે પોતાની બેગમાંથી ચેકબુક કાઢી અને ૧૦ ૧૦ લાખના ૩ ચેક અલગ અલગ તારીખના લખી આપ્યા અને હિતેશના હાથમાં આપ્યા.
" આ ૩૦ લાખમાં તમારા મિત્રો અને સગાંવહાલાંનું મૂડી આપીને સમાધાન કરી દેજો અને તમારા કર્જમાંથી મુક્ત થઈ જજો. " મંથન બોલ્યો.
હિતેશ અને કાંતિલાલ તો એટલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે ચેક જોઈને એમને પોતાની આંખો ઉપર જ વિશ્વાસ નહોતો આવતો ! ૩૦ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ માણસ એક મિનિટમાં આપી રહ્યો હતો.
" સારા માણસોના પૈસા તમે તાત્કાલિક રિટર્ન કરી દો. તમે કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જશો. પેલા બે માણસોના નામ નંબર અને એડ્રેસ મને આપી દો. એમનો હિસાબ હું જાતે કરી દઈશ કોઈનો પણ ફોન તમારી ઉપર કાલથી નહીં આવે. " મંથન બોલ્યો.
હિતેશ તો એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે એ ઉભો થઈને મંથનના પગમાં જ પડી ગયો.
" તમારો આ ઉપકાર જિંદગીમાં ક્યારેય પણ નહીં ભૂલું સાહેબ. આવા સમયમાં મને કોઈ એક લાખ આપવા પણ તૈયાર નથી ત્યારે તમે મને આટલી મોટી મદદ કરી રહ્યા છો !! સવારે મારાથી કોઈ તોછડાઈ થઈ ગઈ હોય તો મને માફ કરજો. કારણકે અજાણ્યા માણસોના ફોન મારા ઉપર આવતા હોય છે. " હિતેશ બે હાથ જોડીને બોલ્યો.
" તમે આ કાંતિલાલ અંકલના જમાઈ છો. તમે મારા પગમાં પડો એ મને શોભે નહીં. ઈશ્વરે મને ઘણું આપ્યું છે એટલે હું તમારી મદદ કરું છું. ભવિષ્યમાં તમારી પાસે પૈસાની વ્યવસ્થા થાય તો મને પરત કરજો. અને ના થઈ શકે તો પણ મારો કોઈ ફોન તમારી ઉપર નહીં આવે. " મંથન બોલ્યો.
" મંથન તને ઓળખવામાં મેં બહુ મોટી ભૂલ કરી. થઈ શકે તો મને માફ કરી દેજે ભાઈ. આજે તેં જે કામ કરી આપ્યું છે એની તો મને કલ્પના પણ ન હતી. તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. તોરલ પણ આ સમાચાર સાંભળીને બહુ જ ખુશ થઈ જશે. " કાંતિલાલ બોલ્યા અને એમની આંખો પણ ભીની થઈ ગઈ.
" મેં મારી ફરજ બજાવી છે અંકલ. ઉપકાર કરવાની મારી કોઈ જ ભાવના નથી. તમે લોકો હવે ખુશીથી જઈ શકો છો. પેલા બંને લોકોના પૈસા પણ ચૂકવાઇ જશે. " મંથન બોલ્યો.
" તું રોકાવાનો છે ? મારી ઈચ્છા છે તું એકવાર ઘરે જમવા માટે આવ. મેં ભૂતકાળમાં ઘણી વાર તારું અપમાન પણ કર્યું છે. છતાં એ બધું ભૂલી જઈને આજે તું મારા પરિવાર માટે દેવદૂત બનીને આવ્યો છે. " કાંતિલાલ વિનમ્ર ભાવે બોલ્યા.
" ઠીક છે. જમવાનો પ્રોગ્રામ જો રાખવો હોય તો આજે સાંજે જ રાખવો પડે. કાલે મારે બાકીના બે જણનો હિસાબ પણ કરવાનો છે. અહીં ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર મારા જાણીતા છે. કાના ભરવાડનો બધો હિસાબ સાહેબની હાજરીમાં ચૂકતે કરી દઈશ. એ પછી કરીમ શેખને પણ હું મળી લઈશ. " મંથન બોલ્યો.
કાંતિલાલ અને હિતેશ તો મંથન સામે જોઈ જ રહ્યા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)