An innocent love - Part 38 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

An innocent love - Part 38

પાછળના ભાગમાં આપણે જોયું કે...



"અહી જ તો હતા, ભૂખ લાગી છે એમ કહીને બંને ગયા છે. તમે ચિંતા કરશો નહિ ઘરમાં જ હશે બંને." મમતા બહેને મીરાને ઈશારો કરી ઘરમાં તપાસ કરવા મોકલી.

"મા મે ઘરમાં જોયું પણ ત્યાં કોઈ નથી", મીરા થોડીવારમાં જ દોડતી મમતા બહેન પાસે આવી અને બોલી.

"ક્યાં ગયા બંને બાળકો, મે એમને બંનેને ઘર તરફ જતા જોયા હતા.", મમતા બહેન ચિંતા કરતા બોલ્યા.

સુમન અને રાઘવને શોધવા માટે બધા આમતેમ તપાસ કરવા લાગ્યા પણ આસપાસમાં બંને ક્યાંય ન દેખાયા.


હવે આગળ.......

ઘરમાં, શેરીમાં બધે જ તપાસ કરી પણ રાઘવ અને સુમન ક્યાંય ન મળ્યા. કાનજી ભાઈ અને મમતા બહેન બંને ફરી ફરી એકબીજાના ઘરમાં તપાસ કરી આવ્યા પણ બંનેમાંથી કોઈનું ઠેકાણું નહોતું.

"ક્યાં ગયા હશે આ છોકરાઓ, ખરા સમયે દોડાદોડ કરાવી મૂકી", કાનજી ભાઈ લમણે હાથ મૂકતા બોલ્યા.

"તમે ચિંતા ન કરો, બાળકો ક્યાંય નહિ ગયા હોય, અહી ક્યાંક જ હશે. તમારા જવાની વાતથી નિરાશ થઈ ગયા હશે એટલે બેઠા હશે ક્યાંય", મમતા બહેન કાનજી ભાઈની દ્વિધા જોઈ બોલ્યા.

"અરે મા મને ખબર છે તે બંને ક્યાં મળશે!", મમતા બહેનની વાતથી કિશોરના મનમાં કોઈ ઝબકારો થતા તે બોલ્યો.

*ક્યાં?" મમતા બહેન અને કાનજી ભાઈ બંને એકસાથે બોલી ઉઠ્યા.

"ચાલો મારી સાથે", કિશોર બોલ્યો.

મમતા બહેન, કાનજી ભાઈ અને મીરા કિશોરની પાછળ ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતા બધા ગામની સીમમાં આવેલ મોટા પીપળાના ઝાડ આગળ આવીને રોકાયા.

ઠંડી હવા લહેરાવતા પીપળાના ઝાડ નીચે બેસેલા એવા દુનિયાથી બેખબર બે ભૂલકાઓ છૂટા પડવાનાં ડરથી એક બીજાના હાથ પકડી બેઠા હતા. સુમનનું માથું રાઘવના ખભા ઉપર ઢળેલું હતું.

આટલા વર્ષોમાં ક્યારેય એકબીજાથી વિખૂટા ન પડેલ બંને બાળકો આજે પહેલી વાર અલગ થવાનું છે તે સાંભળીને તેનું દર્દ મહેસૂસ કરી રહ્યા હતા. કોણ કોને સધિયારો આપે, બંનેને આં બાબતમાં શું કરવું કઈ સૂઝી રહ્યું નહોતું. બેઉ બાળમિત્રો આંસુ વહાવી પોતાના દુઃખને વાચા આપવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા.

"સુમી, તું મને છોડીને શહેરમાં જતી રહીશ?", આખરે રાઘવે મૌન તોડયું.

"મારે નથી જવું રાઘવ, તું બાપુને મનાવ ને? હું તને, મમતા મા, મીરા દીદી, કિશોર ભાઈ, મોટા બાપુ.. તમને બધાને છોડીને કેવી રીતે જઈ શકું. તમારા બધા વગર એ અજાણ્યા ગામમાં હું કેવી રીતે રહીશ?", સુમનનું માથું હજુ પણ રાઘવના ખભા ઉપર ઢળેલું હતું.

"તે જોયું ને, મમ્મીએ મોટા કાકાને મનાવવાની કોશિશ કરી પણ એતો માની જ નથી રહ્યા. વળી પપ્પા પણ નથી અહી. એક એ જ છે જેમની વાત મોટા કાકા માને છે", ઉદાસ થતો રાઘવ બોલ્યો.

"પણ પછી મને રોજ કોણ ભણાવશે, મારું હોમવર્ક કોણ પૂરું કરાવશે? તને ખબર છે ને મારું ગણિત પણ કાચું છે, હું મોટી થઈ ડોક્ટર કેવી રીતે બનીશ?", સુમન દલીલ કરી રહી.

"સુમી, તારી વગર હું પણ કેમનો રહીશ? હું કોનો હાથ પકડી રોજ સ્કૂલ જઈશ? કોની સાથે મારી બધી વાતો કરીશ? તારા વગરતો મને સવારે ઉઠવું પણ નહિ ગમે", રાઘવ દુઃખી થતો બોલ્યો.

"ચાલને આપણે ક્યાંક સંતાઈ જઈએ, જેથી બધા આપણને શોધી શકે નહિ અને પેલા ખટારાવાળા ભાઈ પણ રાહ જોઈને જતા રહેશે", સુમન વિચારતી બોલી.

"પણ આજે નહિ તો કાલે બધા આપણા ને શોધી તો લેશે ને, અને ત્યારે તારે જવું તો પડશે", પોતાનો અભિપ્રાય આપતો રાઘવ બોલ્યો.

"તું જ કહે તો શું કરીશું? હું ક્યાંય નથી જવાની તને છોડીને, અથવાતો તું પણ ચાલ મારી સાથે", સુમન મોં ફુલાવીને બોલી.

આવી પડેલી આં સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે બંને વિચારી રહ્યા.

"અરે તમે બંને અહી બેઠા છો, હું તમને આખા ગામમાં શોધી વળી." મમતા બહેન પાછળથી બોલ્યા.

"મા તું મારી સુમીને લઈ જવા આવી હોય તો જતી રહેજે, હું તેને અહીંથી ક્યાંય નહિ લઈ જવા દઉં", વંદના બહેનને જોઈને રોફભેર રાઘવ સુમનનો હાથ વધારે જોરથી પકડીને બોલ્યો. જાણે તે હાથ છોડવાનો નથી તેમ રાઘવ બધાને બતાવવા માંગતો હતો.

"પણ હું તો તમને બંનેને જમવા માટે બોલાવવા આવી છું, પૂછી જુઓ મીરાને", મમતા બહેન મીરા તરફ ઈશારો કરતા બોલ્યા.

"અમને લોકોને ભૂખ નથી લાગી. અને જો તમે મારી સુમીને લઇ જવા આવ્યા છો તો સાંભળીલો, કે મોટા કાકા જ્યાં સુધી સુમીને અહીંથી શહેર લઈ જવાની ના નહિ કહે ત્યાં સુધી અમે લોકો જમવાના નથી અને અહીંથી ખસવાના પણ નથી", રાધવે પોતાનો અફર નિર્ણય જણાવતા કહ્યું.

"તમારે ન જમવું હોય તો કઈ નહિ આતો આજે માએ બધા માટે ખાસ લાડુ બનાવ્યા છે એટલે અમે લોકો તમને બોલાવવા આવ્યા હતા." મીરા મમતા બહેન સામે આંખ મારતા બોલી.

"હા દીકરાઓ આજે તો ને સ્પેશિયલ કાજુ,બદામ અને કોપરાની છીણ નાખીને લાડુ બનાવ્યા છે , પણ તમારે ન ખાવું હોય તો કઈ નહિ. અમે લોકો આ ચાલ્યા", મમતા બહેન મીરાની વાતોમાં સૂર પુરાવતા બોલ્યા.

લાડુની વાત સાંભળી સુમન અને રાઘવ બંનેના મોમાં પાણી આવી ગયા અને બેઉ એકબીજા સામે જોઈ રહ્યા.

"આતો હું મારી વાત કરી રહ્યો હતો મમ્મી. પણ આ સુમીને તો કકડીને ભૂખ લાગી છે, અને મારા જમ્યા વિના તે પણ જમશે નહિ. અને તમે લોકો આટલું કહી રહ્યા છો માટે ચાલો હું પણ જમી લઈશ." રાઘવ સુમનને ઈશારો કરતા બોલ્યો.

"હા મને તો બહુ ભૂખ લાગી છે", પોતાના પેટ ઉપર હાથ ફેરવતા સુમન બોલી.

"તો ચાલો મારા વ્હાલીડાઓ આજે તમને બેઉને એકસાથે મારા હાથોથી જમાડું, છેલ્લી વાર કદાચ", છેલ્લા શબ્દો મમતા બહેનના મનમાં જ રહી ગયા અને પાંપણે પહોંચેલ આંસુ લૂછતાં તે બોલ્યા.

જવાની વાત ભૂલીને બંને બાળકો આજે જમવામાં સ્પેશિયલ લાડુ મળશે તે વાતથી ખુશ થયા ઘર તરફ ભાગ્યા.

બધા બાળકોની પાછળ ચાલી રહેલ મમતા બહેનને મોકો જોઈને કાનજી ભાઈએ કોઈ સાંભળે નહિ તેમ કઈક કહ્યું. તેમની કહેલી વાત સાંભળીને મમતા બહેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમનામાં રહેલ માનું હ્રદય તેમને કાનજી ભાઈએ કહેલ વાત માનવા માટે ના પાડી રહ્યું હતું, પણ બે હાથ જોડીને વિનંતી કરી રહેલ કાનજી ભાઈને જોઈને એમણે આંસુ ભરી આંખો નમાવી હામી ભરી.

બધી ચિંતા મૂકીને રાઘવ અને સુમન તે રાતે મમતા બહેન પાસે જ સૂઈ ગયા હતા.

બંને બાળકોને માથે હાથ ફેરવી સુવડાવતાં મમતા બહેન વ્હાલ નીતરતી આંખોએ જોઈ રહ્યા. આટલા વર્ષો જે બાળકીને પોતાના હાથે મોટી કરી, એતો ભૂલી પણ ચૂક્યા હતા કે સુમન એમની સગ્ગી દીકરી નથી. મીરા કરતા પણ વિશેષ કાળજી તેમણે સુમનની રાખી હતી અને આજે એજ લાડકવાયી દીકરી હમેશા માટે દૂર થવા જઈ રહી હતી. તે ઘડીક રાઘવ તો ઘડીક સુમન તરફ જોઈ રહ્યા અને આખરે ઘસઘસાટ સૂતી સુમન તરફ નમ્યા.

બીજા દિવસની સવારે શું થવાનું હતું તે વાતથી અજાણ રાઘવ અને સુમન મીઠી નિંદ્રામાં પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં વિહરી રહ્યા હતા.

🌺હસતા રમતા સાથે એવા બાળપણના ભેરુ અમે,
લડતા ઝગડતા સાથે એવા બાળપણના ભેરુ અમે..

એકમેકના દિલનો ધબકાર એવા બાળપણના ભેરુ અમે,
જીવનભર રહેવાનો સાથ એવા બાળપણના ભેરુ અમે.. 🌺



***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)