ખૂબ બધી જેહમત બાદ સુમનની આંગળી પર પાટો લગાઈ ગયો, પણ તે જોઈ બધા લોકો અત્યાર સુધી રોકી રાખેલ હસવું રોકી શક્યા નહિ, ને બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. આંગળીથી શરૂ થતો પાટો છેક સુમનની કોણી સુધી પહોંચી ગયો હતો જાણે કોઈ પ્લાસ્ટર કરેલું હોય. સુમન અને રાઘવને બધાના હાસ્યનું કારણ સમજાઈ નહોતું રહ્યું પણ બંને આખરે એમનુ અભિયાન પૂર્ણ થતાં એમની મસ્તીમા મસ્ત બની ફરી પાછા રમવા નીકળી પડ્યા. આમજ સુમન ઘણી વખત રાઘવના લાડ પ્રેમ મેળવવા નાના મોટા નાટક કરતી રહેતી, વાગવું તો ખાલી બહાનું હતું, ખરું કારણ તો બસ રાઘવની સરભરા પામવી હતી. રાઘવની આવી મીઠી કાળજીમાં જે ખુશી મળતી તે પિતાના સ્નેહમાં પણ સુમનને વર્તાતી નહિ. આમજ હસતા ખેલતા દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા.
રવિવારનો સુંદર મજાનો દિવસ ઊગ્યો હતો, પણ મીરા માટે તે જરાપણ સુંદર નહોતો. તેણે પોતાનો આખો રૂમ ફંફોસી લીધો છતાં એને પોતાની ફેવરિટ ઢીંગલી મળી નહોતી રહી. હજુ ૨ દિવસ પહેલાંજ તેને જન્મદિવસ નિમિત્તે આં નવી ઢીંગલી માએ એને ખુદ જાતે બનાવીને આપી હતી. નવા અને સુંદર કપડામાંથી બનાવેલ હતી તે, સુંદર નાક નકશી ધરાવતી, મોટી આંખો અને એમાં લગાવેલ કાજલ, કપાળે મસ્ત બિંદી, હાથોમાં લાલ લીલી બંગડીઓ, પટોળા માથી બનાવેલ સાડી, પગમાં નાના નાના પાયલ, જાણે કોઈ ઢીંગલી નહિ પરંતુ એક નાનકડી નવવધૂ ની જેમ શોભતી હતી તે. મીરાએ એનું નામ રાધા પાડ્યું હતું.
રવિવારનો દિવસ હોવાથી રજાનો દિવસ અને રમવાનો દિવસ, તે પોતાની બધી બહેનપણીઓ ને પોતાની આ નવી ઢીંગલી એટલે કે રાધાને બતાવીને બધા વચ્ચે વટ પાડી દેવા માંગતી હતી, પણ તે મળેતો ને. આખું કબાટ અને રૂમ જોઈ લીધા પણ તે ક્યાંય ન મળી. મીરા ખુબજ ચીવટ વાળી હોવાથી એનો રૂમ અને રૂમમાં રહેલી દરેક વસ્તુઓ સાફસુથરી અને ચોક્કસ જગ્યા પર જ રહેતી. આખરે છેલ્લે થાકી હારીને છેલ્લે તે ઉદાસ થતી ડરતી ગભરાતી બધી ઉપાધિનો ઉકેલ આપનાર મા પાસે ગઈ.
"અરે મારી મીરા આજે સવાર સવારમાં કેમ આટલી ઉદાસ લાગી રહી છે?" દીકરીના મો પર ઉદાસીના ભાવ કળી જતા મમતા બહેન બોલ્યા.
"મા," આટલું બોલતા જ મીરાની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ દડદડ વહી રહ્યા, અને માની કમર ફરતા હાથ વીંટાળી ને વળગી પડી.
"અરે પણ શું થયું, કહે તો ખરી. મારી ઢીંગલી ને કોઈ લડ્યું? કે તને તારા ભાઈઓમાથી કોઈએ પરેશાન કરી? મને કહેતો ખરી, જો હુ કેવી ખબર લઇ નાખું છું." પોતાની દીકરીને શાંત પાડવા મમતા બહેન બોલ્યા. પણ ઢીંગલી નામ સાંભળતા તે વધારે જોર જોરથી રડવા લાગી.
દીકરીના બંને હાથ પકડી ક્ષણભર પોતાનાથી વિખૂટી પાડી વળી નીચે બેસી જઈ, એને નજીક ખેંચી આંસુ પોછતા એને પસવારતા રહ્યા.
"મા.... મા, મારી ઢીંગલી, મારી રાધા મને મળી નથી રહી, મે બધે શોધી લીધું પણ તે ક્યાંય નથી મળી રહી", શાંત થતાં મીરા આખરે બોલી.
"અરેરે...હે ભોળાનાથ, તું એના માટે ક્યારની દુઃખી થતી હતી અને આટલા કિંમતી આંસુ વેડફી રહી હતી? અરે મારી ઢીંગલી, તારી એ રાધા ક્યાંય નથી ખોવાણી એતો એકદમ સહીસલામત છે", બોલતા બોલતા મમતા બહેન હસી પડ્યા.
💞સૂરજની કિરણ સમી ઉજાશ ફેલાવતી,
ચાંદ ની રોશની સમી ઝગમગતી,
એવી સુંદર તારી મારી પ્યારી દોસ્તી...
ધરતીના પાક સમી હરિયાળી ફેલાવતી,
નદીના નીર સમી લાગણીમાં વહેતી,
એવી સુંદર તારી મારી પ્યારી દોસ્તી...
ફૂલોની ખુશ્બૂ સમી સુવાસ ફેલાવતી,
ભમરાના ગુંજન સમી સંગીત રેલાવતી,
એવી સુંદર તારી મારી પ્યારી દોસ્તી...💞
💐ખુશ્બુ લાડ (એક અદ્રશ્ય)
(નોંધ: ઉપરોક્ત કવિતા મારા પ્રિય લેખક મિત્ર ખુશ્બુ લાડ ની રચના છે, એમણે મારી આં કવિતા સંપૂર્ણ કરી માટે ખૂબ ખૂબ આભાર 💐😇)
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)