An innocent love - Part 39 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 39

પાછળના ભાગમાં આપણે જોયું કે...


બંને બાળકોને માથે હાથ ફેરવી સુવડાવતાં મમતા બહેન વ્હાલ નીતરતી આંખોએ જોઈ રહ્યા. આટલા વર્ષો જે બાળકીને પોતાના હાથે મોટી કરી, એતો ભૂલી પણ ચૂક્યા હતા કે સુમન એમની સગ્ગી દીકરી નથી. મીરા કરતા પણ વિશેષ કાળજી તેમણે સુમનની રાખી હતી અને આજે એજ લાડકવાયી દીકરી હમેશા માટે દૂર થવા જઈ રહી હતી. તે ઘડીક રાઘવ તો ઘડીક સુમન તરફ જોઈ રહ્યા અને આખરે ઘસઘસાટ સૂતી સુમન તરફ નમ્યા.

બીજા દિવસની સવારે શું થવાનું હતું તે વાતથી અજાણ રાઘવ અને સુમન મીઠી નિંદ્રામાં પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં વિહરી રહ્યા હતા.


હવે આગળ.......

બીજા દિવસે સવારે જ્યારે રાઘવની આંખો ખુલી ત્યારે ન બાજુમાં સુમન હતી ન મમતા બહેન. તે ઊઠીને સિધ્ધો નીચે દોડ્યો.

મમતા બહેન રસોડામાં કામ કરી રહ્યા હતા. કિશોર અને મીરા પણ તૈયાર થઈને નીચેના રૂમમાં બેઠા હતા. રાઘવને નીચે આવેલો જોઈ બધા તેની સામે જોઈ રહ્યા.

"મમ્મી સુમી ક્યાં?" રાઘવ તરત મમતા બહેન પાસે જઈને બોલ્યો.

મમતા બહેનને જે સવાલનો સામનો કરવાનો આવશે તેના ડરને કારણે આખી રાત ઊંઘ ન આવી, તે સવાલ આખરે તેમના સામે આવિનેં રાઘવની આંખોમાં ડોકાઈ રહ્યો હતો. કયા હૃદયે પોતાના કાળજાના ટુકડાને હકીકત કહી સંભળાવવી તે વિચારમાં મમતા બહેનનું દિલ કચવાઇ રહ્યું હતું, શું જવાબ આપવો તે વિચારતા એમનું મગજ જાણે સુન્ન થઈ ગયું.

"બોલને મમ્મી, ચૂપ કેમ છે? આજેતો રવિવાર એટલે રજાનો દિવસ છે. મારી સુમી કોઈ દિવસ રજાના દિવસે વહેલા ઉઠતી નથી. તો આજે કેમ વહેલી ઉઠી ગઈ? અને ક્યાં છે એ?"

રાઘવે એક સામટા ઘણા સવાલો પૂછી નાંખ્યા પણ મમતા બહેન તો જાણે કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગયા હોય એમ કશુજ સંભાળી રહ્યા નહોતા.

"મમ્મી તને કહું છું, કેમ સંભાળતી નથી", રાઘવે ગુસ્સે થઈ મમતા બહેની સાડી ખેંચી ત્યારે મમતા બહેન વાસ્તવિકતામાં પાછા ફર્યા.

"તારી સુમી તો ગઈ, એના બોરિયા બિસ્તરા સાથે શહેરમાં." મમતા બહેન કઈ કહે તે પહેલાં જ મીરા જોરથી બોલી.

આટલું સાંભળતા જ રાઘવ ઘરની બહાર દોડ્યો.

"તને કોણે કહ્યું હતું બોલવાનું, સમજ નથી પડતી તને", મીરા સામે આંખો કાઢતા મમતા બહેન રાઘવ પાછળ દોડ્યા.

રાઘવના પગ દોડતા આવીને સુમનના ઘર આગળ આવીને અટક્યા. બારણાં ઉપર નાનકડું તાળું લગાવેલું હતું. રાઘવે પાસે પડેલ મોટો પથ્થર ઉઠાવ્યો અને ધડાધડ પત્થર તે તાળા ઉપર મારવા લાગ્યો. થોડી જહેમત પછી નાનકડું તાળું તૂટી ગયું અને રાઘવ બારણું ખોલીને અંદર દોડ્યો.

મમતા બહેન સાથે કિશોર પણ બહાર આવીને રાઘવની પ્રતિક્રિયા જોઈ રહ્યા હતા. કિશોર રાઘવની પાછળ સુમનના ઘરમાં જઈ રહ્યો હતો પણ મમતા બહેને તેને બહાર જ રોકી લીધો.

જે ઘર ગઈકાલ સુધી હજુ સુમનની કિલકારીઓથી ધબકતું હતું તે ઘરમાં ભેંકાર સૂનકાર વ્યાપેલો હતો. ઘરમાં થોડો ઘણો નકામો સમાન પડ્યો હતો તે પણ જાણે સુમનના જવાથી હીબકે ચડેલ હતા તેમ તે દરેકમાંથી રાઘવને સુમનના નામના પોકાર સંભળાઈ રહ્યા હતા.

રાઘવ ઘરના એક એક રૂમ અને ખૂણામાં ફરી રહ્યો અને સુમીના નામની બુમ પાડવા લાગ્યો. રાઘવનું મન તે માનવા પણ તૈયાર નહોતું કે એની સુમી આં ઘર અને તેને છોડીને શહેર ચાલી ગઈ છે. તેની આંખોમાં આંસુ અને ચહેરા ઉપર ગુસ્સાના મિશ્ર ભાવ ઉપસી આવ્યા હતા. રડતો રાઘવ એના તૂટેલા દિલ સમાં ત્યાં પડેલા ખાટલા ઉપર બેસીને હીબકા ભરવા લાગ્યો.

સુમી ક્યારેય એનાથી દૂર થઈ જશે એમ તેણે ક્યારેય વિચાર્યું નહોતું. ક્યારેક બહારગામ જવાનું થાય તો પણ બંને સાથે જ જવા માટે ઉપાડો લેતા. સુમી વગરની પોતાની દુનિયાની કલ્પના રાઘવ કરી શકતો નહોતો. હવે એના વગર કેમનો રહેશે તે વિચારીને રાઘવનું હૃદય રડી રહ્યું હતું. સુમી વગર એક પળ પણ રહી શકતો નહોતો તે રાઘવ હવે આગળ સુમી બગર કેમ રહેશે તે વિચારથી જ વધુ દુઃખી થઈ રહ્યો હતો.

ત્યાંજ દૂરથી જાણે સુમી પોતાના નામની બૂમ પાડતી હોય એવો અવાજ રાઘવના કાનોમાં પડઘાઈ રહ્યો. બહાવરો બનેલો રાઘવ ખટલામાંથી ખુશ થતો ઊભો થયો અને અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે તે જોવા લાગ્યો.

રાઘવ જાણે સુમન પાછી આવી ગઈ અને પોતાને બોલાવી રહી હોય એમ ખુશ થતો અવાજની દિશામાં ચાલતો ઘરની અંદરથી ખેંચાઈને આંગણા સુધી આવી પહોંચ્યો. બહાર આવીને તેણે ચારો તરફ જોયું પણ ક્યાંય સુમન ન દેખાતા તે ઉદાસ થઈ ગયો. ત્યાજ એની નજર દૂર કોઈ વસ્તુ પડેલી દેખાઈ. તે ભાગીને તેની પાસે પહોંચી ગયો અને જોયું તો સુમનની ઢીંગલી જે મમતા બહેને પોતાને હાથે બનાવીને સુમનને ભેટ આપી હતી એ ત્યાં પડી હતી.

તેને હાથમાં લઈ રાઘવ થોડીવાર એ ઢીંગલીને ફેરવી ફેરવીને જોઈ રહ્યો. ઢીંગલી ઉપર ચડેલી ધૂળ ખંખેરતી વખતે રાઘવની નજરો સમક્ષ તેની અને સુમનની તે ઢીંગલી સાથે જોડાયેલ કઈ કેટલીય યાદો બહાર નીકળી આવી. તે યાદોમાં ખોવાયેલ રાઘવના ચહેરા ઉપર મુસ્કાન છવાઈ ગઈ.

રાઘવ પોતાની ખયાલોની દુનિયામાંથી પાછો આવવા જ માંગતો ન હોય એમ ઢીંગલીને જ સુમન માની તેની સાથે વાતો કરવા લાગ્યો.

કિશોરથી ન રહેવાતા તે રાઘવ પાસે જવા લાગ્યો ત્યાં જ મમતા બહેને તેને રોકીને પોતે રાઘવ પાસે જવા ભારે હૃદયે કદમ ઉઠાવ્યા. આ બધા સમય દરમ્યાન મીરા પણ બહાર આવી ગઈ હતી.

"ઊભો થા મારા દીકરા", બોલતા મમતા બહેને હળવેકથી રાઘવ પાસે જઈ એને જમીન ઉપરથી ઊભો કર્યો.

મમતા બહનને સામે જોઇને રાઘવ પાછો વાસ્તવિકતામાં આવ્યો અને સુમનને યાદ કરીને રડવા લાગ્યો.

"મમ્મી મારી સુમી ક્યાં? હું આખું ઘર ખૂંદી વળ્યો પણ એ ક્યાંય નથી?" રાઘવ મમતા બહેનને વળગીને રડવા લાગ્યો.

"એતો ગઈ દીકરા શહેરમાં, કાનજી કાકા જ્યાં રહે ત્યાજ એણે જવું પડે ને?" મમતા બહેન રાઘવને સમજાવી રહ્યા.

"પણ કેમ? એને આપણી સાથે રાખી લેવી જોઈએ ને? મે અને સુમીએ નક્કી કર્યું હતું કે કઈ પણ થાય અમે બંને સાથે રહીશું, તો એ મને મૂકી ને જાય જ નહિ. અને મને મળ્યા વગર પણ ન જ જાય. મારી સુમી એવું કરે જ નહિ. તમે બધા ખોટું બોલો છો. જરૂર એ રમત કરતી ક્યાંક સંતાઈ ગઈ છે." રાઘવ દલીલ કરતો બોલ્યો.

"પણ એતો સૂતી હતી ત્યારે જ મા એને કાનજી કાકા પાસે મૂકી આવી હતી અને રાતના જ એ લોકો ખટારો લઈને નીકળી ગયા. જેથી તમે બંને સૂતા હોવ એટલે કોઈ રડારોળ કરો નહિ. હવે તો તે શહેર પહોંચી પણ ગઈ હશે અને એયને લેર કરતી હશે ત્યાં. હેને મા?" મીરા રાઘવ સામે જોતાં સડસડાટ બોલી ગઈ.


🌺આંખોમાં સજાવ્યા હતા સપના,
સવાર પડીને વિખેરાઈ ગયા... 🌺


***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)