કળિયુગના યોદ્ધા - 1 Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગના યોદ્ધા - 1

જય શ્રી સ્વામિનારાયણ

નવી વાર્તાની પ્રસ્થાવના પહેલા હું મારા એ સર્વે વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરવા માગું છુ કે જેમને લેખનની દુનિયામાં આગળ વધી રહેલા મારા જેવા લેખકને આવકાર્યો અને સતત પ્રોત્સાહન પુરુ પાડ્યુ .

તમારા સૌના પ્રોત્સાહન , સૂચનો અને અભિપ્રાયના પરિણામે મને આગળ વધવાની અને સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને હું તમારી સામે મારી દ્વિતીય નવલકથા " કળિયુગના યોદ્ધા " પ્રસ્તુત કરવા જઈ રહ્યો છુ એનો મને આનંદ છે .

આ નવલકથા લખવા માટે મને ઘણીબધી જગ્યાએથી પ્રેરણા મળી છે . હાલ તો એમાંથી કોઈ મારી આ વાર્તા વાંચી રહ્યા નથી છતા હું એમનો આભાર માનું છુ .

(૧) અસુર વેબ સિરીઝ કે જેમાં હિન્દૂ માયથોલોજી અને ક્રાઈમનું કોમ્બિનેશન જોવા મળે છે ,

(૨) આનંદ નિલકંઠન દ્વારા લિખિત " અજય " નવલકથા કે જેમાં મહાભારતમાં આપણે જેને ખલનાયક કે અધર્મીઓ માનીએ છીએ એવા કૌરવો ખાસ દુર્યોધનને એક અલગ દ્રષ્ટિથી ઓળખવાની કોશિશ કહેવામાં આવેલી છે .

(૩) નવલકથામાં એક ગીતની લાઈન અવારનવાર ઉપયોગમાં લેવાય છે . એવું કરવાનો વિચાર મલંગ મુંવી ( આજ કી રાત કોઈ આને કો હે ) પરથી આવેલો . જોકે એમાં અને મારી વાર્તામાં અલગ ગીત ઉપયોગમાં લેવાયેલા છે .

પ્રસ્થાવના


કળિયુગના યોદ્ધા નવલકથા પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવા માટે એકઠી થયેલી એક ફૌઝની વાર્તા છે જે માને છે કે પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો જાતે જ લેવાનો છે અને આજ કારણે તે ગુનેગાર બની જાય છે . દિવસેને દિવસે યોદ્ધાઓની સંખ્યા વધતી જાય છે સાથે સાથે ગુનાખોરી પણ વધતી જાય છે . ક્રાઈમ નોવેલ વાંચવાના શોખીન માણસોનું સ્વાગત છે .



અર્પણ

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને,
વ્હાલી પત્નિ 'ઉર્વીશા'ને ,
મારા પરિવારને
અને
મારા વહાલા વાંચક મિત્રોને .

નવલકથા શરૂ..

પ્રકરણ ૧


' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

કોઈ વિચિત્ર મુકોટુ પહેરેલો અને ખુંખાર ભયંકર દેખાતો માણસ અંધારીયા ઓરડાના એક ખૂણામાં નાનકડી મીણબત્તીના પ્રકાશ જેવી નાની-પીળી લાઈટના અજવાળામાં ગીત ગાઈ ગાઇ રહ્યો હતો . એ માણસે કાળુ વુડી ટી-શીર્ટ પહેર્યું હતુ જેની ટોપી માથા પર ચડાવેલી હતી .

અધૂરામાં પૂરુ ગીતના એક જ શબ્દો વારેવારે દોહરાવવાની સાથે સાથે હવે ડોકટર જેવો લાંબો સફેદ કોટ પહેરી રહ્યો હતો જે લાલ રંગથી ખરડાયેલો હતો .

તે માણસના એક હાથમાં ચોરસ પ્લાસ્ટિકનું થર્મલ ઇન્સ્યુલેશન વાળું આઇસ બોક્સ હતુ , એવુ જ બોક્સ જે દવાખાનામાં અમુક રસીને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાય છે , એવુ જ બોક્સ જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન હાર્ટને બીજી જગ્યાએ લઈ જવા વપરાય છે , એવું જ બોક્સ જે નાની-મોટી ઉજાણી દરમિયાન બિયર ઠંડી રાખવા માટે બરફ ભરીને રાખી શકાય છે , એવું જ તે બોક્સ હતુ . હજી તે માણસ ગીતની એક જ લાઇન દોહરાવી રહ્યો હતો.

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

શુ હશે એ બોક્સમાં ? અને કોણ હશે એ વિચિત્ર મુકોટા વાળો માણસ ...? શુ એ બોક્સમાં કોઈ દવા હશે ..? કે પછી તે માણસ કોઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા જઇ રહેલો ડૉક્ટર હશે ? શુ એમાં ઠંડી બિયર ભરી હશે ...!? કે પછી કોઈ સેફ હશે ...? જેના કોટ પર કોઈ લાલ ખાદ્ય પદાર્થ ઢોળાયો હશે ..? આવા પ્રશ્નો સ્વાભાવિક છે . હજી અવિરત એ પેલા ગીતના શબ્દો દોહરાવી રહ્યો હતો .

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

હવે તેને સફેદ લાલ રંગથી ખરડાયેલો કોટ પહેરી લીધો હતો અને હાથમાં સફેદ રબ્બરના ગ્લોવ્સ પહેરી રહ્યો હતો . એ કાળી વુડીની ટોપી અને વિચિત્ર મુકોટા વચ્ચે સેન્ડવીચ થયેલો ચહેરો હજી પણ દેખાતો નહતો .

ગ્લોવ્સ પહેરીને એ માણસ ખૂણામાં એક ટેબલ પર મુકેલા પેલા આઈસ-બોક્સ પાસે ગયો અને આઈસ બોક્સ ખોલવા લાગ્યો . શુ હતું એ વાદળી આઈસ-બોક્સ માં ...?? આવો જોઇયે .

ધીરેધીરે એ આઈસ-બોક્સમા રહેલો બરફ તે મુકોટા વાળો માણસ હાથ વડે બાજુ પર ખસેડી રહ્યો હતો . અચાનક કોઈ વાત યાદ આવી હોય એમ પાછું એ માણસે આઈસ-બોક્સ બંધ કર્યું અને આમતેમ ફંફોડી ટીવીનું રિમોટ ગોતિને ટીવી ચાલુ કર્યું . એમા સમાચારની એક ચેનલ લગાવી એના પર બ્રેકીંગ ન્યૂઝ આવી રહ્યા હતા .

' બ્રેકીંગ ન્યૂઝ સૌ પ્રથમ અમારી ચેનલ તાઝ-ન્યૂઝ પર . અમારા સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મુંબઇ શહેરના પ્રખ્યાત જુહુ વિસ્તારમાં રહેતા અરબોપતિ બિઝનેસમેન હર્ષદ મહેતાની બેરહેમી પૂર્વક હત્યાના સમાચાર મળી રહ્યા છે , હદ તો એ વાતની છે કે હત્યારો હર્ષદ મહેતાનુ માથુ કાપીને સાથે લઈ ગયા ...!"

' હા ..હા...હા......' હજી ટીવી ચેનલ પર સમાચાર ચાલુ જ હતા ત્યાં અડધા સમાચારે પેલો મુકોટા વાળો બુકાનીધારી માણસ અટ્ટહાસ્ય કરવા લાગ્યો .

ફરીવાર એ પેલા ખૂણાના ટેબલ પર પડેલા આઈસ-બોક્સ પાસે ગયો અને આઈસ-બોક્સ ફરી ખોલ્યુ . ફરીવાર હાથ વડે બરફ બાજુ પર ખસેડવા લાગ્યો .

હવે એ બોક્સમાંથી બધો બરફ એક તરફ થઈ ગયો હતો અને એ માણસનો હાથ ત્યાં અંદર પળેલી વસ્તુને અડકી રહ્યો હતો . એક ક્ષણ માટે રોકાઈને બુકાનીધારી માણસે ફરીવાર એ બોક્સમાં હાથ નાખ્યો અને કાળી દોરીથી બાંધેલી કોઈ ભારેખમ વસ્તુ બહાર કાઢી .... !!

એ ભારે વસ્તુને આંખે દેખનારની આંખના ડોળા બહાર નીકળ્યા વગર રહે નહી એવું દ્રશ્ય હતું ! એવુ તો શુ હતુ આઈસ બીક્સમાં ?

ભારે વસ્તુ બીજુ કંઈ નહિ પરંતુ એક માથુ હતુ , ધડ વગરનું માત્ર માથું ...!! તાજા મુંડાયેલા વાળ અને લાંબી ચોંટી વાળુ વાળુ માત્રને માત્ર માથુ !

ધડ વગરના માથાને પેલા બુકાનીધારીએ મુંડનને અંતે બાકી રાખેલી ચોટીથી ઉપાડીને બહાર કાઢ્યુ . તે માથુ જોતા લાગતુ હતુ જાણે હમણાં તે માથુ પેલા મુકોટા વાળા માણસ સાથે વાતચીત કરવા લાગશે !! કોઈ ડરના લીધે તે ધડ વગરના માથાના આંખોના ડોળા જાણે બહાર આવી ગયા હોય એવું લાગતું હતું .

" હર્ષદ મહેતાનું નામ શહેરના એવા વ્યક્તિની યાદીમાં આવે છે જેમનું નામ મોટા આદરથી લેવાય છે . ખૂબ જ ગરીબીમાં એક અનાર્થ તરીકે મોટા થયા અને સખત મહેનતના પરિણામે ખૂબ આગળ વધ્યા , તેઓ ખૂબ દયાવાના હતા , ધાર્મિક બાબતોમાં અગ્રેસર રહેનારા, ખૂબ મોટા દાતા હતા . હંમેશા લાઈમલાઈટથી દૂર રહેતા છતાં એમની આટલી ઘાતકી રીતે હત્યા કોણે કરી હશે....!!?? એ એક મોટો પ્રશ્ન છે " ટીવી ચેનલ પર સમાચાર ચાલી રહ્યા હતા. આગળ ટીવી એન્કર જાણે કોઈ રહસ્ય ખોલી રહી હોય એમ આગળ વાત કરી રહી હતી .

આશ્ચર્યની વાતતો એ છે કે ઘટના સ્થળેથી કોઈ કિંમતી વસ્તુ ગેરહાજર નથી . મતલબ...મતલબ સાફ છે કે હત્યા કોઈ લૂંટફાટના આશયથી કરાઈ નથી . તો શુ આ કોઈ ધંધાકીય બાબતમાં થયેલી હત્યા કે કોઈ અંગત અદાવતનું પરિણામ હશે .!? જોતા રહો તાજા-ન્યૂઝ પળેપળની ખબર સૌ પ્રથમ મેળવવા માટે ....' ખુબસુરત ટીવી એંકરે સમાચાર પુરા કર્યા .

સાથે જ એક ઝાંખો કરી દેવાયેલો માથા વગરના ધડનો ફોટો અવારનવાર સ્ક્રિન પર બતાવાઈ રહ્યો હતો . બાજુમાં જ દુંદાળા શરીર અને ગોળમટોળ લુચ્ચું હાસ્ય ધરાવતા ચહેરા વાળો બીજો ફોટો બતાવાઈ રહ્યો હતો જે પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાનો હતો આ જોઈને પેલો માણસ ફરી અટ્ટહાસ્ય કરવા લાગ્યો

" હા...હા...હા....હા......જો....આમ જો આ ટીવી વાળા તારો ફોટો બતાવે છે .... તને ખૂબ સારો માણસ કહે છે ..... !!! "

જી હા , બુકાનીધારી માણસે જે માથુ બહાર કાઢ્યુ હતુ એ બીજુ કોઈ નહીં પણ હર્ષદ મહેતાનુ જ માથુ હતુ ...!! પેલા માણસે નિર્જીવ પડેલા હર્ષદ મહેતાના માથા સાથે ફરીવાર વાત કરવાની શરૂવાત કરી .

" સાચું કે જે હોને ... !! તું ખરેખર સારો માણસ હતો ....?? હું કોઈને નહિ કહુ ..... કહી દે ચાલ....તુ ખરેખર સારો માણસ હતો ....!!? " થોડી ક્ષણ મૌન પથરાયુ અને ફરી એ માણસે બોલવાની શરૂવાત કરી

" કોઈ વાંધો નહિ ચાલ તને શરમ આવતી હોય તો લે તારી નજીક આવુ , મારા કાન માં કહી દે તું સારો માણસ હતો ...?? " પેલો મુકોટા વાળા માણસનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ રહ્યો હતો . એને હર્ષદ મહેતાના કપાયેલા માથા પર એક ઝાપટ ઝીંકતા કહ્યુ

" બોલ ...બેશરમ... હલકટ....સાલા બોલ અને જણાવી દે સૌને તું કોઈ દૂધે ધોયેલો સાફ સુથરો માણસ નથી જેવો તને ટીવી વાળા દર્શાવી રહ્યા છે ....બોલ ..... બોલ... હરામખોર અને કહે સૌને ...." પેલુ કપાયેલુ માથુ ટેબલ પરથી દૂર ગબડી ગયુ અને ફરી થોડી ક્ષણ માટે સ્મશાનવત શાંતિ ફેલાઈ ગઈ.

" માફ કરજો..... માફ કરજો , હર્ષદ મહેતાજી મને માફ કરજો .... તમે રાજા કહેવાય અમે તો તુચ્છ રંક પ્રજા . તમારી ગંદકી સાફ કરવી એજ તો અમારું કામ છે બરાબરને ? તમારી સાથે બોલવા વાળા અમે કોણ હોવાના ....!? અમને તો તમારી સામે બેસીને ભાણુ ખાવાનો પણ અધિકાર નથી ....!! અમે તો નીચા અને તમે ઉંચા ....!!"

આટલુ બોલતા પેલા મુકોટા વાળા માણસની આંખો માંથી દળદળ આંશુ વહેવા લાગ્યા જાણે ભૂતકાળની કોઈ દુઃખદ વાત યાદ કરીને દુઃખ થઈ રહ્યુ હોય .

દૂર પડેલા કપાયેલા માથા પરની માટી સાફ કરી બુકનીધારીએ એને ટેબલ પર મૂક્યું અને અંધારા ખૂણામાં ક્યાંક ગાયબ થઈ ગયો .

થોડા સમય પછી એક કાંચની કોઈ પ્રવાહી ભરેલી બોટલ લઈને આવ્યો અને પેલા માથા તરફ નજર કરીને બોલ્યો " હવે ચિંતા જેવી કોઈ વાત નથી , હવે તું શાંતિથી આ બોટલમાં રહેજે હો .... !! અને દેખજે .... અમારી સાથે અન્યાય કરનારની અમે શુ હાલત કરીએ છીયે ....યોદ્ધા છીયે અમે યોદ્ધા , કળિયુગના યોદ્ધા .

હર દિલ માંગે ઇન્સાફ , ઇન્સાફ હમારા લક્ષ્ય હૈ ,
તુમ દો હમે ઇન્સાફ ,વરના હર હાથ હથિયાર હૈ
બુદે ગિરી હૈ ખૂંન કી , નદીયા બહેના અભી બાકી હૈ ,
નદીયા બહેગી ખૂંન કી , મહાસાગર બનના બાકી હૈ ,

હા...હા...હા...હા.... ગુડ બાય હર્ષદ મહેતા ..... અલવિદા "

પેલા બુકાનીવાળા માણસે ફરી હર્ષદ મહેતાના કપાયેલા માથાની ચોટલી પકડીને પ્રવાહી ભરેલી કાંચની બોટલમા મૂક્યું અને તરત જ બોટલ બંધ કરી દીધી જાણે કોઈ આત્માને તાંત્રિક કાંચની બાટલીમાં ઉતારી બંધ કરે એમજ...!!

રૂમના એક બીજા ખૂણાની લાઈટ ચાલુ કરી અને બોટલ ઉપાડીને સામે રહેલા લાંબા ટેબલ પર કરેલા સંખ્યાબંધ ગોળ સફેદ વર્તુળ માંથી એક વર્તુળ પર મૂકી . હજી પેલો માણસ બબડી જ રહ્યો હતો .

' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ '

ટેબલ પર એક સફેદ ગોળ વર્તુળ પર મુકેલી પેલી કાંચની બોટલની બાજુમાં એવાજ બીજા ઘણાંબધા ગોળ સફેદ વર્તુળો દોરેલા હતા ...!! મતલબ....મતલબ કે કદાચ....કદાચ ....!!?

શુ આ ઘટના કોઈ ખોફનાક યોજનાની એક સફળ શરૂવાત હતી...!? એ જાણવા માટે તમારે એક સફર કરવી પડશે ,જેમાં રોમાંચ હસે , રહસ્ય હશે અને અદભુત મનોરંજન પણ..!! વાંચતા રહો ' કળિયુગના યોદ્ધા '

●●●●●●●●●●●●●●●●●●●●●

" કળીયુગના યુદ્ધનો શંખનાદ થઈ ચૂક્યો છે , હવે વિનાશ નિશ્ચિત છે " દૂર એક વૃક્ષ પર બેઠેલુ કાળુ પક્ષી સફેદ પક્ષીને કહી રહ્યુ હતુ .

" આપણને અહીંયા કળિયુગ પછી નવી શરૂવાત માટે થનારા પ્રલયની જરૂરીયાત અંગેની તપાસ કરવા માટે મોકલ્યા છે . વિનાશની જરૂરિયાત વિશે હાલ હજી કંઈ પણ કહેવુ મુશ્કેલ છે " સફેદ પક્ષીએ કહ્યુ

( આપણી આખી વાર્તામાં કાળો રંગ નકારાત્મકતાનુ પ્રતીક છે અને સફેદ રંગ હકારાત્મકતાનું પ્રતીક છે . )

" જે પણ હોય , જરૂર આ હત્યા કૈક ખૂબ જ મોટી હાહાકાર મચાવનાર ઘટનાની શરૂવાત છે . આ ઘટના એક ચિંગારી સમાન હશે અને આ ચિંગારી દિવસેને દિવસે મોટી થતી જશે અને એક દિવસ એટલો હાહાકાર મચી જશે કે પ્રલય એકમાત્ર ઉપાય હશે . હાહાકાર મચાવનાર માણસો દિવસે દિવસે આ યુદ્ધમાં જોડાતા જશે અને ત પોતાને ' કળિયુગના યોદ્ધા ' તરીકે ઓળખાવશે અને ખૂબ વિનાશ વેરશે " કાળા પક્ષીએ કહ્યુ

" આ કળિયુગના યોદ્ધા ભલે ગમે એટલી મોટી વિશાળ સંખ્યામાં હોય , એમની શક્તિ ગમે એટલી વધારે ભલે હોય પણ પરમ સત્યની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ કરી શકતા નથી , યાદ રાખજે હજી વિનાશની જરૂરિયાત અંગે હુ સ્પષ્ટ નથી " સફેદ પક્ષીએ કહ્યું

પોલીસ સ્ટેશન બહાર રસ્તા પર સફેદ અને કાળું પક્ષી જાણે વાત કરી રહ્યા હતા . ટ્રાફિકના ઘોંઘાટને લીધે અને હોર્નના અવાજને કારણે ઝાડ પર બેઠેલા બંને પક્ષીઓ ઉડી ગયા અને બંને પક્ષી ઉડતા ઉડતા ક્યાંક ગાયબ થઈ ગયા .

કોણ છે નકારાત્મકતા અને હકારાત્મકતાના પ્રતીક સમુ કાળુ અને સફેદ પક્ષી ? એ કયા વિનાશની વાત કરી રહ્યા છે ? એમને વિનાશ અંગેની તપાસ કરવા કોને મોકલ્યા છે ? એમનો ઉદેશ્ય શુ છે ? વાંચતા રહો ' કળિયુગના યોદ્ધા '
નવલકથા .

( ક્રમશઃ )


કેમ છો વાંચક મિત્રો ? હું આશા રાખું છુ કે તમને મારી આ નવલકથા ' કળિયુગના યોદ્ધા ' પસંદ આવી રહી હશે. હું આશા રાખુ છુ કે તમને મારી પ્રથમ નવલકથા ' ધ મિસ્ત્રી ઓફ સ્કેલેટન લેક ' થી પણ વધારે પસંદ આવશે .