ચલો એક બાર ફિર સે Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ચલો એક બાર ફિર સે

‘ચલો એક બાર ફિર સે..’

‘સબકી બારાતે આઈ ડોલી તૂ ભી લાના
દુલ્હન બનાકે હમકો રાજા જી લે જાના’

સાતમાં ધોરણમાં હતી ત્યારે આ ગીત મેં સાંભળ્યું હતું
પણ ત્યારે આ ગીતનો ભાવાર્થ સમજવાને હું અસમર્થ હતી
અને જયારે સમજણી થઇ એ પછી
અનેકોવાર આ ગીત સાંભળતી અને ગણગણતી પણ ખરી
અને દ્રઢપણે માનવા પણ લાગી કે
એક દિવસ મારે પણ ડોલીમાં બેસીને વિદાય થવાનું છે

દિવસો મહિના અને વર્ષો વિતતા ગયાં અને
હું ત્રેવીસ વર્ષની થઇ..
અને અચાનક મને તું મળી ગયો
મળી ગયો નહીં... લીટરલી ભળી ગયો
જીવતર સિતારના તાર ઝણઝણી ઉઠ્યાં
ધીમા સ્વરમાં ગાતી પ્રેમગીત, એવા રાગમાં ગાયું કે,
માંહ્યલામાં રીમઝીમ મેઘ મલ્હાર થઇ ગઈ

એવું લાગવા લાગ્યું કે તું જિંદગીમાં નથી
પણ તું જ જિંદગી છે
એવું લાગવા લાગ્યું જાણે કે હું કોઈ ડ્રીમલેન્ડ પર આવી ચુકી છું
તારા તરફથી એટલો ચિક્કાર પ્રેમ મળ્યો કે,
મારી સઘળી
આપતિ, આપદા, આફત, અડચણ અને અકળામણ આલોપ થઇ ગયાં
તારા સ્મિત સામે સંસારના સઘળા સુખ મને ફિક્કા લાગવા લાગ્યાં
લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ફૂટપાથ પર ઊભાં ઊભાં મેં કુલ્ફી ખાધી..
તારી જોડે

લાઈફમાં ચાઈનીઝ અને મુગલાઈ ડીશ પણ પ્રથમ વાર ટેસ્ટ કરી...
તારી જોડે
અને કોટન કેન્ડી પણ

હળવી ફૂલ થઇ હું હેતની લહેરખીઓમાં ઉંચે ઉડવા લાગી અને
પ્રેમ ગાઢ અને ઘેરો બનતો ગયો

મનમાં ઘરસંસાર વસાવવાની ઈચ્છા ઘર કરી ગઈ
સરવાણી સમો સમય સરતો ગયો

શિલાલેખ જેવાં સ્નેહને તારા અને મારાં
બન્ને પરિવારની સ્વીકૃતિ મળી ગઈ

જે તારું અને મારું હતું, તે આપણું થયું
સગપણને ઋણાનુબંધમાં ગૂંથવાની કળા હું મમ્મી પાસેથી શીખી હતી

બધું જ સુરજ બડજાત્યાની મૂવીની માફક ચાલતું હતું
અને અચાનક ટ્વિસ્ટ આવ્યો..
અચનાક તને કંઇક બનવાની, બતાવી દેવાની ફીતુરનો ફીવર ચડ્યો
તારી મહત્વાકાંક્ષાની માર્કેટનો ગ્રાફ
અનુબંધના આભને પણ ઓવરટેક કરી ગયો

માત્ર તારી સફળતાનો નહીં પણ
તારા સંઘર્ષનો સાથી બનવું પણ મને મંજૂર હતું
કારણ કે સિદ્દતથી તારો સંગ ન નિભાવી શકવાનો
રંજ મને આજીવન ખટકે
એ મને મંજૂર નહતું

તારો મહત્તમ સમય તારા અતિ વ્યસ્ત વ્યવસાયિક
દિનચર્યામાં અને તારા સપનાઓમાં વીતવા લાગ્યો

અને હું મારાં ભાગે આવી એકલતા અને અંધારું
તું કાયમ ગુસ્સાના ગણવેશમાં રહેવા લાગ્યો અને
હું મૌનના વાઘા પહેરતી ગઈ

આયુની સાથે સાથે ઉધામા અને ઉચાટ પણ વધતાં ગયાં
બધું જ વધતું ગયું
અને પ્રેમ ઘટતો ગયો

હું દિનરાત યત્ન કરતી રહી એ વધઘટનું સંતુલન કરવામાં
અને જાતને છેતરવામાં.. પણ સત્યથી કેટલું દૂર ભાગી શકાય ?

હું મારાં મમ્મી પપ્પાની એક માત્ર લાડકી દીકરી
અમે મારાં લગ્ન એટલે તેમના માટે જગ જીત્યાંની ખુશીથી કમ નહતું

અંનત સવાલોના સિલસિલાની શરૂઆત થઇ ચુકી હતી
ક્યારેક ચુપકીદી તો કયારેક ચીસ પાડીને પ્રત્યુત્તર આપતી મારાં પરિવારને

રડું રડું થતાં રૂદિયાને મહા મુસીબતે શાંત પાડીને મનોમન કહેતી..
‘છે.. છે...છે.. એ અહીં જ છે, પાસે જ છે’

તારી કારકિર્દીને આકાર આપવામાં હું નિરાકાર બનતી ગઈ

ડીપ રીલેશનશીપ ધીરે ધીરે
લોંગ ડીસટન્સ રીલેશનશીપમાં પરિવર્તિત થવા લાગ્યો
સંવાદના અનુસંધાન મળતાં બંધ થયાં...

મજાક મશ્કરીના સ્થાન પર મૌનનો કબ્જો ઘર કરી બેઠો
અવધિ પારના અબોલા શરુ થયાં, મહિના.. છ મહિના..વર્ષ.. બે વર્ષ..

પરસ્પરનો અવાજ સાંભળ્યા વિના નિભાવતી ગઈ નામ માત્રનો સંબંધ

સમય શૂળના શંકાની ફાંસ એ હદ સુધી મનમાં ખૂંપી ગઈ કે,
આશંકા ઉઠી કે, તું કદી મારો હતો કે નહીં ?

વધતાં વખતની સાથે વ્યાધિઓનો વ્યાપ પણ વધતો ગયો
તારા વ્યાપાર અને પરિવારના વિસ્તારમાં
તું એટલો વ્યસ્ત અને મસ્ત થઇ ગયો કે

મારી વધતી આયુ સાથે મારી બીમારી પણ વધતી હતી
મારી કાયા કૃશ થવાં લાગી
એકવાર મેં હામ એકઠી કરીને તને પૂછી લીધું કે,
‘તારા ભવિષ્યના નકશામાં મારું સ્થાન ક્યાં છે ?’

તે કહ્યું
‘હજુ મેં કંઈ વિચાર્યું નથી’
જેમ પહેરણ પરથી કોઈ રજ ખંખેરે એટલી સહજતાથી
તે મને ખંખેરી નાખી જિંદગીમાંથી

પ્રેમ જીવનનો હિસ્સો નથી પણ
જીવન જ પ્રેમ છે એવું હું માનતી હતી... અને આમ પણ મને બચપણથી બધું એક્સ્ટ્રા એકસ્ટ્રીમ કરવાની ખુજલીની હતી
તો પ્રેમ કેમ બાકાત હોય ?

મારો પ્રેમ પરિવાર, પ્રતિષ્ઠા, બધું જ એક પલડાંમાં
અને એક પલડાંમાં તું છતાં તારું પલડું ભારે રહ્યું
અને તું...
તું મને ધીરે ધીરે કાપતો રહ્યો
જાણે કે કોઈ વ્યક્તિના સડી ગયેલાં એક એક અંગને કાપે એ રીતે

છતાં હું હસતી રહી ખુદ પર...
અને આમ પણ હસવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે
ઓગણત્રીસ વર્ષની અપરણિત લાડલી દીકરીની માને દિનરાત ઝૂરતા મેં જોઈ છે
છતાં હું મા ને ખોટી અને ખુદને સાચી સાબિત કરતી રહી

થઇ જશે.. એકદિવસ બધું જ ઠીક થઇ જશે...
ખુદને આપતી આવાં જુઠા અને ખોખલા દિલાસાને પણ હવે હાંફ ચડી જતી

સાત વર્ષના સ્નેહસફરમાં માંડ સત્તર વાર મળ્યાં હોઈશું
લખવા,બોલવા કે પ્રદર્શનથી પ્રેમ નથી જીવતો
તેને નિભાવવો પડે, જીરવવો પડે

ખાલી થઇ ગઈ ખ્વાહીશ
તું હતો, તારો બિઝનેશ, તારો પરિવાર, તારી મહત્વકાંક્ષા
હું હતી, મારી એકલતા, મારો અંધકાર

અહીં સુધી આવતાં એક વાત સજ્જડ રીતે
ખીલ્લાની માફક મસ્તિષ્કમાં ખોડાઈ ગઈ કે,
લગ્ન એ કોઈપણ સંબંધનું નિષ્કર્ષ નથી

સંબંધના ખોખલાંપણાને બચાવતાં, હું ખોખલી થઇ ગઈ
એ હદે અંતરદ્વંદ થયું કે સૂપડા સાફ થઇ ગયાં..

તે મને આપી, બેહદ આપી પણ માત્ર પ્રતીક્ષા... એક અંનત પ્રતીક્ષા..
અને મેં કરી સ્વનું અસ્તિત્વ ખત્મ થઇ જાય ત્યાં સુધી

બે વર્ષના અંતરાલ બાદ હું તૂટી ગઈ ..
અને મેં નિર્ણય લઇ લીધો..
મૃતપાય મમત્વને મુખાગ્ની આપવાનો
હવે જાતને છેતરવાની ત્રેવડ નહતી
અને મારાં આ નિર્ણયથી તને રતિભાર પણ ફર્ક ન પડ્યો
જે અપેક્ષિત હતો
તારી મૂક સંમતિને પણ મેં સસ્મિત સ્વીકૃતિ આપી

જતાં જતાં તું મારુ ઘણું લેતો ગયો
મારાં સપના
મારી અપેક્ષા
મારાં અરમાન
લેતો ગયો

આજે...
હું જ્યાં પણ છું, જે હાલમાં છું, ખુશ છું
હજુ’યે અપરણિત છું
કોઈને સ્વીકાર કરવાની હવે મારાંમાં મગદૂરી નથી
હવે હું કોઈને મારું શત્ત પ્રતિશત્ત ન આપી શકું

અને એવું પણ નથી કે તારાથી વિખુટા પડ્યા પછી
હું પ્રેમમાં નથી પડી
હું કોઈના ચિક્કાર પ્રેમમાં છું
એ હદે પ્રેમમાં છું કે, તેનું નામ લેતા મારાં રૂંવાટા સાવધાન અવસ્થામાં આવી જાય
મારું રોમ રોમ રોમાંચિત થઇ ઉઠે
પણ..

હવે કોઈ ઉમ્મીદ નથી
પ્રેમની અવેજીમાં કોઈ અભિલાષા નથી
મેં સપના જોવાનું માંડી વાળ્યું
મારાં શબ્દકોશમાંથી આવતીકાલ શબ્દ
હંમેશ માટે ડીલીટ કરી નાખ્યો

બસ..
વહેતાં વખતના વ્હેણમાં વહી રહી છું, ચુપચાપ

શબ્દોને સંગાથી બનાવ્યા છે
મન થાય ત્યારે કંઇક લખી નાખું છું, આડું અવળું
તારા વિષે લખતી હતી
હવે એ પણ બંધ કર્યું છે

તું સદાય મારાં સજદામાં રહીશ
તને તારી મનગમતી જીવનસાથી સાથે જોવાની ઈચ્છા છે
હાં, થોડી જલન થશે પણ સહન કરી લઈશ

કયારેય તારી જોડે ખુબ ગુસ્સો કરવાનું મન થાય પણ
અંતે તારા માટે દુવા જ નીકળે

આપણા વચ્ચે જે કંઈપણ હતું તેને
એક યાદગાર સંભારણાની માફક સાચવજે
અને કયારેય કોઈની આરજુને આહત ન કરતો

અને એક છેલ્લી વાત

ડેરી ડેન સર્કલ પાસેની ‘દોસ્તાના’ કોફી શોપના કોર્નર ટેબલ પર બેસીને
ચોકો ચિપ્સ કોફી પીવે તો મને યાદ ન કરતો પ્લીઝ...

વિજય રાવલ
૧૬/૦૮/૨૦૨૨