Dhrananubandha books and stories free download online pdf in Gujarati

ધૃણાનુબંધ

'ધૃણાનુબંધ’

ડિવોર્સ પેપર્સ બેડ પર મુકી
હું આવી હોલમાં
બેડરૂમથી હોલ સુધીનું અંતર જોજનો દૂર લાગ્યું
ચિત્ત અને ચરણ બન્ને થાક્યા, હૈયું હાંફી ગયું
છતાં મન મસ્તિષ્ક પરથી જાણે કે, મણ એકનો ભાર ઉતરી ગયો
એવી હળવાશ અનુભવતી રહી

વર્ષો બાદ આઈનામાં મારું પ્રતિબિંબ મને ઓશિયાળું ન લાગ્યું
નજર સામે ફ્લેશબેકની એક રીલ દોડવા લાગી....

એ દિવસો દરમિયાન હું હાઇસ્કૂલમાં ભણતી
રીઝલ્ટનો દિવસ હતો
ફળીયામાં બેઠેલાં સૌ વારાફરતે મારી માર્કશીટ લઈને
પોતાની અંગત પ્રતિક્રિયા મારાં પર થોપી રહ્યાં હતાં
જે ફેમિલીમાં હંમેશા નેવું ટકા રીઝલ્ટની પરમ્પરા જાળવવાની ખાત્રી
સાથે લડ્ડુ હાજર જ હોય
ત્યાં મારાં પાંસઠ પર્સન્ટેજ સૌને દાગ જેવાં લાગ્યાં
એ પછી ધીમા અવાજમાં મેં આર્ટસ જોઇને કરવાની ઈચ્છા જાહેર કરી
જે કુટુંબમાં ગર્ભધારણની જાણ સાથે જ
સંતાનને ડોક્ટર કે ઇન્જિનીયર બનાવવા ગર્વ સાથે ગર્ભ સેવાતો હોય
ત્યાં આર્ટસનું નામ લેવું જાણે કે પાપમાં પડ્યા હોય એવું લાગ્યું
અને છતાં હું એ પાપની ભાગીદાર બની

કેટલાયે મહિનાઓ સુધી સૌએ મારી જોડે અબોલા લીધા
મને વિદ્રોહી જાહેર કરવામાં આવી
એ વિદ્રોહને શસ્ત્ર બનાવી મેં કોલેજકાળ પૂરો કર્યો

હવે સમય હતો કોઈ એક ઠોસ નિર્ણય લેવાનો
મને કોઈ ટોળાનો હિસ્સો નહતું બનવું
સ્ટીરીઓ ટાઈપ અંધભક્તોની દૌડમાં સામેલ નહતું થવું
સોફ્ટવેર જેવી ફોરમેટ લાઈફ સ્ટાઇલમાં શ્વાસ લેવું મને માફક ન આવે
ઘરના સદસ્યોએ શિક્ષક તરીકેની ફરજ નિભાવવા દબાણ કર્યું

મેં એવિએશનનું ફિલ્ડ પસંદ કર્યું
ત્યાં ફરી શરુ થઇ, મહાભારત
સ્વાભવિક પણે એ કોલ્ડવોર થોડું લાંબુ ચાલ્યું

એ પછી નવી જોબ, ફ્લાઈટસ, ટ્રાવેલિંગ, નવા મિત્રો
હું ખુશ હતી... કૈક વધુ જ ખુશ હતી
હું સફળ હતી પણ ઘરમાં એ સફળતા અમાન્ય હતી

એક દિવસ મારી છવીસ વર્ષની ઉંમરને
સૌ કલંકનું કાળું ટીલું માનવા લાગ્યાં
વધતી ઉમ્ર અને સમાજની રીતિરિવાજના ઉદાહરણોના ઉપદેશ શરુ થયાં
સાપનો ભારો અને પારકી થાપણનો ભાર હળવો કરવાં
મને ખુશ રાખવાં મારી શરતોનો મૌખિક સ્વીકાર થયો

એક નોવેલ ઓફિસરની
પત્ની બન્યા પછી જોબની શી જરૂર ?
મારી એ જોબ માટે ત્યાગપત્ર અપાવડાવ્યું
જે જોબને ક્યારેય કોઈ માન્યતા મળી જ નહતી
લગ્ન...

એવી રીતે થયાં જાણે પ્રથમ વખત મારાં અસ્તિત્વને સ્વીકારાયું હોય
મને એવું લાગ્યું કે જાણે હું આ દિવસ માટે જ પેદા થઇ હતી
મીસમાંથી મિસિસ બનાવીને
મારાં માતા-પિતાને શું સુખ મળ્યું મને ખબર ન પડી

હવે હું દ્રઢપણે માનતી રહી કે
કોઈ એક મારો ખાલીપો ભરી દેશે
પણ જિંદગી...
પ્રણય નવલકથાની વાસ્તવિકતા કરતાં અનેક ગણી જૂદી નીકળી

લગ્ન મારા માટે સથવારો હતો અને તેના માટે વર્ચસ્વ
હું તેના સઘળાં રંગે રંગાવા આવી’તી, પણ
તેનો માંહ્યલો મેલો નીકળ્યો

શરૂઆતના પ્રારંભિક મહિનાઓ
અસમંજસ અને અટકળોમાં પસાર થયાં
ઘમંડ, પૈસો, મદિરાપાન, પાર્ટીઝ અને તું.. બસ
બધું જ ખોખલું... તદ્દન ખોખલું

એક વર્ષ વિતતા સમજાય ગયું કે
તું, પુસ્તક અને યથાર્થની વચ્ચેના તફાવતની
એ ભેદરેખા છો જે મરદ ક્યારેય પૂરી ન કરી શકે
એ અંતર જે પુરુષ કદી કાપી નથી શકતો

તારા રંગીન મિજાજના કૈક કિસ્સા
મેં બન્ને કાન ખુલ્લાં રાખીને સાંભળ્યા
મારાં જોબ કરવાની ઈચ્છાને
તારી સદંતર ‘ના’ સિવાય કોઈ પ્રતિભાવ ન મળ્યો
મારી જાતને સવાલો પૂછવા લાગી

અને તને પુછુ તો
તારા અડીયલ પ્રકૃતિને અધીન
પ્રત્યુતર રૂપે તારા બાવળાની તાકાતના
પરચાની પરચી મારાં ગાલ પર ઉપસી આવતી

મને આજે પણ એ વાતનો મલાલ છે કે
એ પ્રથમ થપ્પડનો મેં પ્રતિકાર કેમ ન કર્યો ?

પછી તો એ તમાચાનો તમાશો રોજિંદો બની ગયો
મારી ચુપકીદી મારાં માટે જ રહસ્યમય હતી
આ કંઈપણ હતું પણ પ્રેમ તો નહતો જ.. બિલકુલ નહતો

મને ઓબ્જેક્ટ સમજવાનો તે આદી થઇ ગયો
અને ઓબ્જેક્ટને ‘ના’ કહેવાનો અધિકાર નથી હોતો

મારી ‘ના’ ને કયાંય સ્થાન નહતું, ન તો બિસ્તર પર કે ન તો બહાર
જબરદસ્તી અને મારપીટ વચ્ચે જબરદસ્ત જિંદગી જીવાતી ગઈ

કયારેક અવાજ ઉઠાવવાની કોશિષ કરું તો..
પતિવ્રતા પત્નીના એકપણ ગુણ નથી એવું મ્હેણું મરાતું
બંધ બારણા ભીતર ભયંકર ભયનું નગ્ન સત્ય કોણ જુવે ?

એવું નથી કે
સ્વ અને સ્વાભિમાનની સુરક્ષા માટે મેં યત્નો ન્હતા કર્યા
પણ કાયમ લગ્નજીવનને બચાવવાના
સુફીયાણા ભાષણ સાથે પિયરમાંથી પરત ધકેલી મૂકી
કેમ.. કેમ આટલી પારકી કરી મુકે મા-બાપ દીકરીને ?

શરીરના ઘા તો ઢાકી લઉં પણ
ઊંડી ઉતરેલી આંખોની ઉદાસી કેમ નજરે ન પડે ?
આટલો...આટલો પાંગળો અને સ્વાર્થી કેમ છે સમાજ ?
ડોલીમાં વિદાય થયેલી લાડલી,
અર્થીમાં જ પરત આવે એ જરૂરી છે ?

જિંદગી...
એકદિવસ આવાં ઝંઝાવાત વચ્ચે સુવાવડ આવ્યાં.. હું ગર્ભવતી બની
અને હું વિચારતી રહી...રુદન કરું કે સ્મિત ?

મનોમન સમજાવટનો એક સિલસિલો ચાલ્યો
બાળકના આગમનથી સંબંધો ગાઢ બને
બાળકના આવવાથી નૈતિક જવાબદારીઓનું ભાન થાય

પણ કયો સંબંધ ? કેવી જવાબદારી ?

તું એક આદર્શ પતિ નહીં પણ એક ફરજનિષ્ઠ પિતા બની શકીશ
એ ભ્રમમાં મેં મા બનવાનું સપનું સેવ્યું

મારો ખાલીપો કિલકારીઓથી ગુંજતો થયો
મારો સમય નાજુક નવજાત શિશુની સારસંભાળમાં વીતવા લાગ્યો
બંટી... મારી ડૂબતી નાવડીનો કિનારો બન્યો

તેના ઉજ્જવળ ભવિષ્ય માટે મને કોઈપણ સમાધાન સ્વીકાર્ય હતું

પણ લુચ્ચી જિંદગીને અહીં કઈક ઉલટું જ કરવું'તું

બંટીના લક્ષણો અસામાન્ય લાગતાં નિદાન કરાવ્યું
બંટી, મંદબુદ્ધિનું બાળક છે એવું સાબિત થયું.

મારાં પગના તળિયા તળેથી ધરતી સરકી ગઈ
બાળકને એક નાની અમથી ઠેસ વાગે તો
માનો જીવ કપાઈ જાય..
અહીં તો જીવનભર માટે તેના સારથીના રૂપમાં કાઢવાની હતી

ચાર વર્ષ વીત્યા..
આ ચાર વર્ષમાં તારામાં રતીભાર ફર્ક ન આવ્યો અને
હું ધરમૂળમાંથી બદલાઈ ગઈ
હવે મને તારા પ્રત્યે સ્હેજે લાગણી નહતી
અને જે કઈ બચ્યું હતું એ તિરસ્કાર ગળી ગયું

હું ભૂલી ગઈ કે, બંટીની મા અને તારી પત્ની સિવાય પણ મારી કોઈ ઓળખનું અસ્તિત્વ છે ખરું ?
ખુબ ધક્કા માર્યા જિંદગીએ, છતાં હું પાછળ જ ધકેલાતી ગઈ

અને અચનાક એક દિવસ
એ મારી જિંદગીમાં આવ્યો

હું જે અવસ્થા અને વ્યવસ્થામાં હતી
ત્યાંથી પરત વળવું લગભગ અશક્ય હતું,
હું જાણે કોઈ ડેડ એન્ડ પોઈન્ટ પર હતી
અચાનક કોઈ ચમત્કાર થાય તો કઈ રીતે માનું ?

એ આવ્યો... મારે પાસે તેનું કોઈ નામ કે પહેચાન નહતી
પણ તેની ઉપસ્થિતિ જ મારું પીઠબળ હતું
મારી હયાતીનો પુરાવો આપતો આઈનો હતો એ
કોઈ શર્ત વિના સાથ નિભાવવાનો વાયદો
તબદીલી વગર સ્વીકારની સંમતિ
કોઈ સંબંધ નથી છતાં સંભાળનો સિરસ્તો

પણ આવા સંબંધને સમાજની સમજ અવૈધ ગણે છે
પુરુષના એક્સ્ટર્નલ અફેરને લાચારીના વાઘા પહેરાવીને ઢાંકવામાં આવે
પણ સ્ત્રીના સાત્વિક સંવાદ પર પણ અંગુલીનિર્દેશ કરવો આસાન છે

કેવો બે મોઢાળો સમાજ છે ?

મિ, રોય પતિ બન્યા પણ સાથી ન બન્યા
શૂન્યવત પ્રેમ નહીં પણ તેના
અમાનુષી અત્યાચારથી હું એક હાડપિંજર બની ગઈ

અંતે હારીને જયારે મેં ડિવોર્સનો પ્રસ્તાવ મુક્યો તો..

મને તમામ સંબંધ અને સંબોધનમાંથી બરતરફ કરવાની ધમકી મળી

મારી નવી મિત્રતા પર કલંકના ટીલાં સાથે કઈક
લૂઝ કેરેક્ટરના કઈક સર્ટીફીકેટ્સ મળ્યાં

મારાં અને બંટીના આશાવાદી ભવિષ્ય માટે
મેં મિસિસ રોયનું લેબલ ઉતારી ફેંક્યું

કોઈ અન્ય સંબંધમાં જીવીશ કે નહીં કે ખબર નથી
પણ હવે આ મૃતપાય સંબંધની કોહવાયેલી લાશનો
બોજ હું નહીં વેંઢારી શકું

હવે મને આજીવન મુક્તિબોજના તળે દટાઈ રહેવું ગમશે

વિજય રાવલ
૦૭/૦૮/૨૦૨૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED