જિંદગી કા નામ દોસ્તી Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જિંદગી કા નામ દોસ્તી

સોમવાર
સપ્તાહનો પ્રથમ દિવસ, વૈશાખ મહિનાની ત્રાહિમામ પોકારાવતી ભીષણ ગરમીના પ્રકોપથી પરસેવે નીતરતાં, ઓફીસ ટાઇમના પીક અવર્સની ભરચ્ચક ભીડને ચીરતા મહાત્મા સર્કલ પાસે સીટી બસના પીક-અપ પોઈન્ટ પર બસના ડ્રાઈવરએ તેની રોજિંદી આદત મુજબ અચાનક મારેલી હળવી બ્રેકના આંચકાના કારણે ભરચ્ચ્ક ભરેલી બસના પેસેન્જર અસંતુલિત થઇ જતાં આવનારા મુસાફરોની આસાનીથી બસમાં દાખલ થવાનો માર્ગ મોકળો થઇ ગયો.

જોબ પર જવાના દિવસો દરમિયાનના વર્ષોથી ષટ્કોણ જેવા ઘડી કાઢેલા દિનચર્યાના દિશાનિર્દેશ મુજબ અચૂક કોઈપણ ભોગે એ જનમેદનીમાં જોતરાઈને ૯:૩૫ એ ૩૪૦ નંબરની બસમાં હંમેશની માફક દાખલ થવાની ક્રિયા હવે માધવી માટે એક યંત્રવત પ્રક્રિયાથી વિશેષ કંઈ જ નહતું.


માધવી.. માધવી દલાલ.
૨૪ વર્ષીય માધવી એ લાઈટ યલ્લો સાડી અને મેચિંગ બ્લાઉઝ સાથે ખંભા પર લટકતી બ્રાઉન કલરની લેટેસ્ટ ડીઝાઇનની ઓફીસબેગ અને લેફ્ટ હેન્ડમાં મીડીયમ સાઈઝનું લંચ બોક્સ ઝાલીને ભીડમાં બેલેન્સ જાળવીને ઊભી હતી.

સહજભાવે પણ ઉડીને આંખે વળગે એવાં માધવીના પ્રભાવિત અને આકર્ષક વ્યક્તિત્વનું સૌથી ખૂબસૂરત પાસું હતું તેની સાદગી. પર્સનાલીટી પાડતી ૫.૮ ઈંચની હાઈટ, કમરથી નીચે સુધીના ભરાવદાર કેશ હતા, પણ સિમ્પલ હેર સ્ટાઈલમાં, હમેશાં વસ્ત્ર પરિધાનમાં તે સાડીને જ પ્રાધાન્ય આપતી. મધ્યમ સાઈઝની બિંદી, રંગબેરંગી ચૂડી, કાજલ ભર્યા હિરણી જેવા નયન, કાનમાં સાદી બાલી સિવાય અંગ પર એક પર ઘરેણું પહેરવું માધવીને સ્હેજે નહતું ગમતું.

આજે અનાયસે જ પાંચ મીનીટના અંતરમાં એક થી બે વાર બસમાં તેનાથી દસેક ફૂટ દુર કાનમાં ઈયરફોન ભરાવીને જેન્ટલમેન જેવો લાગી રહેલો યંગ પુરુષ સાથે તેની નજર મળતા એક મિનીટ પછી ફરી ખાતરી કરવા માધવી એ તે પુરુષ તરફ નજર કરી તો પેલા પુરુષ એ પણ માધવી તરફ નજર કરવાની ચેષ્ઠા કરી. વર્ષોથી પુરુષોની ફોટોકોપી જેવી ફિતરતથી ટેવાઈને ઘડાઈ ગયેલી માધવી એ સ્હેજ પણ માઈન્ડ પર ન લેતા નજર ફેરવી ત્યાં જ તેનું સ્ટોપ આવતાં હળવેકથી ઉતરીને રોડ ક્રોસ કરીને ધીમે ધીમે ઓફીસની દિશા તરફ ચાલવા માંડી.

ઠીક બે મિનીટ બાદ પેલો જેન્ટલમેન લાગતો પુરુષ ધીમા અવાજમાં ઈયરફોન પર વાત કરતાં કરતાં સ્હેજ ઉતાવળથી માધવીને ક્રોસ કરીને આગળ ચાલવા લાગ્યો.
માધવીએ તેની પર કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં.

તે વ્યક્તિને “સનસાઈન પાવર’ કંપનીના ગેટમાં એન્ટર થતાં જોયો જે કંપનીમાં માધવી અપર ડીવીઝન કલાર્ક તરીકેની ફરજ બજાવતી હતી.

મંગળવાર નેક્સ્ટ ડે.

૯:૩૫ નો સમય ૩૪૦ નંબરની બસ,મહાત્મા સર્કલના સીટી બસનુંપીક-અપ સ્ટેન્ડ

સદનસીબે આજે માધવીને સીટ મળી ગઈ અને એ પણ વિન્ડોસીટ એટલે થોડું રીલેક્શ ફીલ કરી રહી હતી ત્યાં જ અચાનક તેની નજર ગઈકાલ વાળા જેન્ટલમેન પર પડતાં જ માધવીએ તરફથી ધ્યાન હટાવી લીધું,

હવે ચાર દિવસ પછી ૯:૩૫ નો સમય, ૩૪૦ નંબરની બસ, મહાત્મા સર્કલના સીટી બસનું પીક-અપ પોઈન્ટના કાર્બન કોપી જેવા નિત્યક્રમ સાથે વધુ એક કડી જોડાઈ ગઈ એ પેલા જેન્ટલમેનની.

આજે એક વીક પછી સાવ સામાન્ય રોજિંદા એક સહયાત્રીના પરિચયના સંદર્ભમાં સાહજિક રીતે પેલા પુરુષ એ સ્મિત સાથે માધવી તરફ જોયું અને એક જ સેકન્ડમાં માધવી એ તેના તરફથી કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર મોં ફેરવી લીધું.

એ પછી જેવા બંને ગેઇટ પર પહોંચીને કેમ્પસમાં એન્ટર થતાં આગળ જઈ રહેલાં પેલા યુવાનને માધવીએ પૂછ્યું,
‘હેલ્લો.. આપ અહીં આ કંપનીમાં જોબ કરો છો. ?
પાછળ વળીને પેલા યુવાન એ જવાબ આપ્યો.
‘જી’
‘આપનું શુભ નામ જાણી શકું ?’
‘જી, રાજીવ.. રાજીવ શુક્લા.’
‘આઈ એમ માધવી.. માધવી દલાલ.’
‘હું આજ કંપનીના બિલીંગ સેન્કશનમાં કલાર્ક છું..’
‘સેમ હીઅર, હું ફાઈનાન્સ ડીપાર્ટમેન્ટમાં એકાઉન્ટન્ટ છું.’
‘ઓહ, ગૂડ, સો નાઈસ વીથ મીટ યુ. હેવ એ નાઈસ ડે. બાય.’ માધવીએ કહ્યું
‘સેમ ટુ યુ. બાય,’ કહીને બંને છુટ્ટા પડ્યા.

૨૮ વર્ષીય એક અનન્ય છટ્ટાદાર અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વનો ધણી હતો રાજીવ. કસાયેલું સ્પોર્ટ્સમેન જેવું બોડી.પાણીદાર આંખો. જેન્ટલમેનને છાજે તેવી તેની બોડી લેન્ગવેજ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા પર પર્સનાલીટી સાથેનું પ્રભુત્વ.


આંશિક રીતે બંનેના દિમાગમાં ચાલતી માનવ સહજ સ્વાભાવિક મીસઅન્ડરસ્ટેનડીંગ ઔપચારિક મુલાકાત બાદ ડીલીટ થઇ ગઈ.

બીંબાઢાળ રોજિંદા નિત્યક્રમનું ચક્ર રાબેતા મુજબ ફરતું રહ્યું. એ પ્રાથમિક પરિચયની મુલાકાતને આજે ૨૦ થી ૨૫ દિવસ થઇ ગયા હશે.
નિયમિત બસના અપ - ડાઉનની સફરમાં હાઈ, હેલ્લોની ફોર્માલીટી સિવાય કોઈપણ પ્રકારના સંવાદના પ્રારંભની કોઈપણ ભૂમિકા બંધાઈ નહતી.

માધવી તેની અભિવ્યક્તિને જે રીતે એક દાયરામાં રાખી હતી તેના પરથી તેના બિહેવિયરનો અંદાજો લગાવતાં રાજીવને માધવી થોડી ઘમંડી છે એવું તારણ કાઢ્યું.

અને આ વાતને રાજીવ એ સ્હેજે મહત્વ પણ નહતું આપ્યું.

એક દિવસ લંચ ટાઈમમાં માધવી કેન્ટીનમાં સોફ્ટ ડ્રીંક લઈને બેઠી હતી અને ત્યાં જ કેન્ટીનમાં એન્ટર થતાં જ રાજીવનું ધ્યાન માધવી પર ગયું ત્યાં માધવી એ હાથ ઉંચો કરીને ઈશારો કર્યો એટલે માધવી પાસે આવીને બોલ્યો,
‘વ્હોટ એ સરપ્રાઈઝ. તમને કેન્ટીનમાં ફર્સ્ટ ટાઈમ જોયા.’
‘હા, યુ આર રાઈટ. શાયદ ચાર વર્ષમાં હું ચાર વાર પણ કેન્ટીનમાં નહી આવી હોઉં. પણ આજે મોર્નિંગમાં થોડું ટાઈમ ટેબલ ડીસ્ટર્બ થઇ ગયું એટલે લંચ બોક્સ નથી લાવી શકી. અને હું આઉટ સાઈડનું કંઈજ ખાતી નથી એટલે આ સોફ્ટ ડ્રીંક લઈને બેઠી છું. તમે શું લેશો. ?
‘કશું જ નહી. આજે સાંજે એક ડીનર પાર્ટીમાં જવાનું છે અત્યારે માત્ર આઈસ્ક્રીમ લેવાની ઈચ્છા છે.’ રાજીવ એ જવાબ આપ્યો
વેઈટર આઈસ્ક્રીમ આપી ગયા પછી સ્કૂપ લેતા રાજીવએ પૂછ્યું,
‘મેડમ તમને ખોટું ન લાગે તો એક વાત પૂછું.’

એક હળવા સ્મિત સાથે રાજીવ સામે જોઇને માધવી બોલી,
‘એ પહેલા હું કંઈ પૂછું ?’
‘આ એક વાત તમે કેટલાં ટાઈમથી પૂછવા માંગો છો ?’
માંડ સ્માઈલ સાથે માધવીએ પૂછ્યું.
એટલે રાજીવએ સ્હેજ ઝંખવાઈને આશ્ચર્ય સાથે
‘એ પણ તમને ખબર છે ?’
‘સોરી, માફ કરજો મિ. રાજીવ પણ આટલો જ ફર્ક છે એક પુરુષ અને સ્ત્રીના દ્રષ્ટિકોણમાં. હું સાત્વિક અર્થમાં જ તમને પૂછી રહી છું કે તમે મને મારી જાણ બહાર કેટલી’યે વાર નિહાળી હશે અને મેં તમને કેટલી વાર જોયા ? હું આ વાતનો કોઈ જુદા અર્થના સંદર્ભમાં ઉલ્લેખ નથી કરતી. એક વાત કહું મિ. રાજીવ જો તમે ખરેખર મારી તરફ જોયું હોત તો કદાચને તમારે આજે મને આ એક વાત ન પૂછવી પડત.’
હવે બીજી વાત કહું ?’
રાજીવએ ઠોસ અનુમાનથી ઇન્સ્ટોલ કરેલા માધવીના ઈમેજીસ તો માધવીના માત્ર ચાર સેન્ટેન્સથી જ ડીસ્ટ્રોઈ થઇ ગયા. ધીમે રહીને રાજીવ બોલ્યો
‘જી કહો.’
‘તમારી જે કોઈ વાત હશે તેનો હું આવતીકાલે જવાબ આપીશ, પણ એ પહેલાં મને મારી એક વાતનો સચોટ જવાબ જોઈએ છે, આપી શકશો. ?
‘કંઈ વાત ?’ રાજીવએ પૂછ્યું
‘તમે આટલાં સમયથી મારાંમાં શું જોયું ? ઓ.કે. મિ. રાજીવ સી યુ ટુમોરો.’ આટલું બોલીને માધવી નીકળવા જતી હતી ત્યાં રાજીવ એ કહ્યું.
‘પણ, આવતીકાલે તો સન્ડે છે.’
‘આઈ નો. સો વ્હોટ ? ’ એટલું બોલીને માધવી જતી રહી
થોડી વાર તો રાજીવને પેલી વાર્તા યાદ આવી ગઈ. વાંદરા સિંહને લાફો મારી ગયા એ.


સન્ડે, સાંજના આશરે ૬:45 વાગ્યાનો સમય થયો હશે. રાજીવ કોફીનો કપ ભરીને બાલ્કનીમાં સૂર્યાસ્તનો નજરો જોતાં જોતાં ગઈકાલના માધવી સાથેના કન્વર્સેશન બાદ તેના વ્યક્તિત્વ વિશે કંઈપણ અંદાજો લાગવવામાં નિષ્ફળ ગયો હતો. માધવીની સોચ અને વાતોની ગહનતા પરથી માધવીને એક સાધારણ સ્ત્રી સમજવાની ભૂલ તેને સમજાઈ ગયા પછી માધવી પ્રત્યે તેનો અભિપ્રાય બદલાઈ ગયો. પણ તેણે આજે સન્ડેના દિવસે વાત કરવાનું કહ્યું તો એ... હજુ મનોમંથનની ગાડી આગળ ચાલે એ પહેલાં જ તેના મોબાઈલમાં રીંગ વાગી.. અનનોન નંબર પરનો કોલ રીસીવ કરતાં રાજીવ બોલ્યો,
‘હેલ્લો.’
‘ગૂડ ઇવનિંગ, મિ. રાજીવ.’
‘જી , ગૂડ ઇવનિંગ. આપનો પરિચય ?
‘બસ નંબર ૩૪૦ ની તમારી સહયાત્રી બોલું છું.’
‘ઓહ.. માય ગોડ. આર યુ માધવી ?’
‘જી , હજુ સુધી તો એ જ નામ છે.’ હસતાં હસતાં માધવી એ જવાબ આપ્યો
‘બટ, હાઉ યુ ગેટ માય મોબાઈલ નંબર ?’
‘તમે અમેરિકાના પ્રેસિડેન્ટ છો ?’
‘અરે પણ.. તમે તો ખરેખર..’ આગળ શું બોલવું એ ન સુજતા રાજીવ અટકી ગયો
‘આઈ નો કે તમારું દિમાગ ગઈકાલ બપોરથી ટુજીની સ્પીડમાં ચાલે છે.તો હવે એક કામ કરો શાર્પ ૮:૩૦ હું તમને જે એડ્રેસ સેન્ડ કરું ત્યાં આવી જાઓ એટલે મીનીમમ સર્વિસ ચાર્જમાં તમારા ઢીલા થઇ ગયેલાં દિમાગના તારને ઠીકથી જોડીને ફાઈવજી સ્પીડ સાથે જોડી દઉં ઓ.કે.’
આટલું બોલીને માધવી એ કોલ કટ કર્યો ત્યાં રાજીવના મોબાઈલમાં મેસેજ આવ્યો.

‘ગોલ્ડન સ્ક્વેર રેસ્ટોરેન્ટ, નીઅર સરદાર બ્રીજ’


ટાઈમ ૮:૩૫, ગોલ્ડન સ્ક્વેર રેસ્ટોરેન્ટના મીડલમાં એક ટેબલની ચેર પર માધવી અને રાજીવ બન્ને એકબીજાની સામે ગોઠવ્યા.
બ્લેક સાડી સાથે સાદગીના શૃંગારમાં માધવી બેહદ ખુબસુરત લાગતી હતી.
ડાર્ક બ્લ્યુ જીન્સ પર વ્હાઈટ ટી-શર્ટમાં રાજીવ એક હદથી વધારે હેન્ડસમ, ફ્રેશ અને ખુશમિજાજ લાગતો હતો.
‘આપ શું લેશો રાજીવ ?’
‘હું એ વિચારું છું કે તમે તો બહારનું કંઈ લેતા જ નથી તો ?’
‘સાચું, પણ આ મારું ફેવરીટ રેસ્ટોરેન્ટ છે અને મારા એ નિયમ માટે આ અપવાદ છે. હું જયારે ખુબ ખુશ હોઉં છું ત્યારે જ અહીં આવું છું. યુ કાન્ટ બીલીવ હું આજે ચાર વર્ષ પછી અહીં છું.’
‘ઓહ.. શું વાત કરો છો. ? ફેવરીટ છે ને છતાં ચાર વર્ષ પછી, કેમ ?’
‘તમારાં સવાલનો જવાબ હું પછી આપીશ પણ, એ પહેલાં તમે ઓર્ડર આપો ત્યારબાદ આપણે ગઈકાલના અનુસંધાનથી વાર્તાલાપ આગળ વધારીએ ઓ.કે.’
‘પણ,તમારા ટેસ્ટની પસંદગીનો મને કંઈ રીતે ખ્યાલ આવે ?’
‘રાજીવ તમે ગઈકાલે મને, ‘એક વાત પૂછું’ એમ કહીને જે રીતે વાતના મધપુડાને છેડ્યો છે તો હવે તમે જ બધું હેન્ડલ કરો મિસ્ટર.’ ધીમેક થી હસતાં માધવી બોલી.
રાજીવએ તેની પસંદગી મુજબનો ઓર્ડર આપ્યો ત્યારબાદ ડીનર લેતાં લેતાં માધવી એ પૂછ્યું,
‘હા, તો રાજીવ શું જવાબ છે મારા સવાલનો ?
‘સાચું કહું તો તમને નિયમિત બસમાં મારી સાથે આવતાં જોઇને એક માનવ સહજ સ્વભાવગત પરિચયના આશયથી જ મેં તમારી તરફ જોયું હતું.’
‘મેં તમને કોઈ પ્રતિભાવ આપ્યો હતો ?’ માધવી એ પૂછ્યું
‘નહી તો.’
‘તો ?’ માધવીએ પૂછ્યું
‘તો શું ?’ આશ્ચર્ય સાથે રાજીવ એ પૂછ્યું
‘તે છતાં પણ તમે તો મારી તરફ જોવાનો સિલસિલો યથાવત જ રાખ્યો હતો જ ને, કેમ ? તમારો આશય પરાણે પરિચય કરવાનો હતો ?’ અને કોઈ વ્યક્તિ સ્હેજે રિસ્પોન્સ ન આપે તો તેનો શું મતલબ હોય શકે એ આપ ન સમજી જ શકો એટલાં નાદાન તો આપ નથી રાજીવ.’
રાજીવને લાગતું હતું કે આજે આ રીંગ માસ્ટર સરકસમાં મુજરો કરાવીને રહેશે. એટલે સફાઈ આપતાં બોલ્યો,
‘પણ માધવી શાયદ તમે જે સમજો છો એ ગલત...’ રાજીવ આગળ બોલે એ પહેલાં માધવી એ રાજીવની સામે હથેળી ધરીને રોકતાં બોલી.
‘રાજીવ હું તમને સમજુ છું એટલે જ તમારી સાથે છું. અને એ તમે નહી સમજો. મેં તમને તમારો જ એક સિમ્પલ સવાલ પૂછ્યો કે તમે મારાંમાં શું જોયું ?’
હવે રાજીવની હાલત સાવ કફોડી થઇ ગઈ હતી. તેની પાસે જે જેન્યુન જવાબ હતો એ માધવીના ગળે ઉતરે તેમ નહતો.
‘સાચું કહું માધવી તો મેં તમારાંમાં ઘમંડ જોયું. તમને શાયદ તમારા સૌન્દર્યનું ઘમંડ હશે. એટલે આપણે નામથી પરિચિત થયાં પછી પણ રોજ સાથે આવતાં જતાં હોવાં છતાં મેં તમારાંથી એક અંતર બનાવીને રાખ્યું બસ.’
‘ચાલો માની લઉં કે મારા એટીટ્યુડ પરથી તમને હું પ્રાઉડી છું એવું ફીલ થયું. તો મારું એ ઘમંડ, એ સૌન્દર્ય હવે ક્યાં ગયું ?’ વાર્તાલાપની શરૂઆત કોણે કરી ?
તમારાં કોન્ટેક્ટ નંબર તમારી જાણ વગર મેં કેમ શોધ્યા ? ડીનર પર હું સામેથી તમને કેમ ઇન્વાઇટ કરું ? મારા ફેવરીટ રેસ્ટોરેન્ટમાં ચાર વર્ષ પછી તમારી જોડે જ કેમ આવું ?’ છે આ સવાલોના જવાબ કે હજુ પણ તમને મારાંમાં એ ઘમંડ જ દેખાય છે ?’ એકી શ્વાસે માધવી બોલ્યા પછી આખો ગ્લાસ પાણી પી ગઈ.
થોડીવાર તો રાજીવને એમ થયું કે ઈશ્વરને કહું આવતાં જન્મે ભલે ધુતરાષ્ટનો અવતાર આપજે પણ હમણાં આ ચીરહરણથી બચાવી લે.
‘હવે તમે એક કામ કરો તમે જ મારી દ્રષ્ટિકોણની પરિભાષાથી મને અવગત કરાવો એ જ ઠીક રહેશે.’ રાજીવ બોલ્યો.
‘સાચું કહું રાજીવ મારા સવાલોના સ્પષ્ટ જવાબો હું તમારી આંખોમાં વાંચી રહી છું અને તમે જ તેનો અનુવાદ નથી કરી શકતાં મને નવાઈ લાગે છે.’
તો હવે સાંભળો...
‘જે દિવસે તમે પહેલીવાર મારી સામે જોયું એવા તનોરંજનના કરનારા નજારા તો જયારે મેં ચાર વર્ષ પહેલાં પ્રથમ વખત જોબ જવા માટે ૩૪૦ પકડીને ત્યારથી જ જોઈ રહી છું. કોઈપણ જાતના પરિણામ કે પૂર્વભૂમિકા વગર એક એકલવાયી સ્ત્રી સાથે સૌને પરિચય કરવો છે. હળવું છે,ભળવું છે, મળવું છે અને રખેને મેળ પડી જાય તો મસળવું પણ છે. તમને શાયદ યાદ હોય તો આશરે એક વીક પછી મેં તમને સામે થી તમારું નામ જાણવાની કોશિષ કરેલી, કેમ ? એક વીક પછી ? કેમ કે એ મારો દ્રષ્ટિકોણ હતો. હું તમારી તરફ શા માટે જોવું છું તેનો મને તો ખ્યાલ હોવો જોઈએ ને ? એ પછીના ૨૫ દિવસ સુધી મેં જોયું કદાચ તમારા કરતાં પણ વધુ મેં તમને જોયા હશે તમારી જાણ બહાર શા માટે ? કારણ કે હું તમારામાં જે જોઈ રહી હતી જે મને જોઈતું હતું. એક વાત કહું રાજીવ તમે મારાં માં જે નથી જોયું ને તેની મને ખુશી છે.’
‘શું નથી જોયું ?’ રાજીવ એ અચરજ સાથે પૂછ્યું
‘જે બીજા પુરુષ જુવે છે એ, રાજીવ મારી જિંદગીમાં ઈશ્વરે તેની નિયતિની નીતિથી જે આપ્યું છે તેમાં હું ખુશ છું, બસ મને એક વાતની કમી હતી શાયદ તમારા રૂપમાં ઈશ્વરે એ પણ પૂરી કરવાનું કોઈ સંકેત આપ્યું હશે.’
‘કઈ કમી માધવી ?’ રાજીવ એ આતુરતાથી પૂછ્યું
‘રાજીવ તમને હું ઘમંડી લાગી, સાચું પણ કેમ ? કારણ કે હું કોઈને મારો પરિચય આપતી નથી કે બને ત્યાં સુધી કોઈના પરિચયના પરિઘમાં આવતી નથી.’
‘પણ તેનું કંઈ ખાસ કારણ ?’ રાજીવ એ પૂછ્યું

‘રાજીવ, આપણા આટલાં સંવાદ પછી આપણે સંબંધના ક્યા સ્તર પર છીએ ? માધવી એ પૂછ્યું
‘કદાચ હું સંબંધ કરતાં વિશ્વાસને વધુ પ્રાધાન્ય આપવાનું પસંદ કરીશ.’ રાજીવ બોલ્યો
‘આટલાં પરિચયના હકથી હું તમારી પાસે કંઈ માંગી શકું ? એકદમ જ ઈમોશનલ થતાં બંને આંખો ભરાઈ આવતાં માધવી બોલી
‘મારાં સાચા મિત્ર બનશો. ?’ આટલું બોલતાં માધવીના ગળે ડૂમો બાજી ગયો.
રાજીવ પાણીનો ગ્લાસ માધવી સામે ધરતાં બોલ્યો,
‘પ્લીઝ, માધવી કન્ટ્રોલ.’
માધવીએ પાણી પીધા પાંચ મિનીટ સુધી સાવ જ ચુપકદી પસાર કર્યા પછી સ્વસ્થ થઈને માધવી બોલી
‘રાજીવ, મારે કોઈ મિત્ર નથી કેમ કે મારું સૌદર્ય મારો શત્રુ છે.’
‘પણ, દુનિયામાં તારી ઉમરની કોઈપણ સ્વરૂપવાન સ્ત્રીને કોઈ પુરુષ મિત્ર ન હોય એવું કેમ માની લેવાઈ ?’
‘પણ,મારાં કિસ્સામાં અપવાદ છે રાજીવ.’
‘દુનિયા મને મિત્રતાની ભીખ આપવા માંગે છે. મારી પર તરસ ખાઈને સૌ મારા મિત્ર બનવાં તો સૌ તલપાપડ છે. કંઈ પણ કરવાં તૈયાર છે, પણ એક રાત માટે કેમ કે મારી પાસે માત્ર ખૂબસૂરત જીસ્મનો ખજાનો નથી સાથે સાથે..’
આટલું બોલીને માધવી અટકી ગઈ.
‘શું થયું માધવી ? કેમ અટકી ગઈ ? રાજીવ એ કુતુહલપૂર્વક પૂછ્યું
સાવ ગળગળા આવજે માધવી બોલી,
‘સાથે સાથે મારાં કપાળે ‘હું વિધવા છું.’ તેનો સિક્કો પણ લાગેલો છે એટલે.’
આટલું બોલીને માધવી એ ટેબલ પર માથું ઢાળી દીઘું.

આટલું સંભાળતા તો રાજીવના પગ તળેથી માનો જમીન ખસકી ગઈ. કાનમાં એક દીર્ધ સન્નાટો છવાઈ ગયો. શબ્દો થીજી ગયા.
‘હું વિધવા છું. હું વિધવા છું, હું વિધવા છું..... આ શબ્દો કયાંય સુધી રાજીવના કાનમાં પડઘાતા રહ્યા. અજાણતાં જોવાના દ્રષ્ટિકોણથી પરિવર્તિત થયેલી દ્રષ્ટિની પરિભાષા એ પવિત્ર મિત્રતાની ગહનતા અને મહાનતાના દર્શન કરાવી દીધા. માધવીની વિરાટ સોચ આગળ રાજીવ ચુપચાપ તેના મિથ્યાભિમાનના ઘમંડને ચુરચુર થતાં બૂત બનીને બસ જોતો જ રહ્યો.સમાપ્ત
@-વિજય રાવલ