દોસ્ત કહુ કે દેવ ? Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્ત કહુ કે દેવ ?

(રચનાની પૂર્ણાહુતિ પછી ખ્યાલ આવ્યો કે, ફ્રેન્ડશીપ ડે છે.)

'આયુષ્યના અંતિમ સૂર્યાસ્ત સુધી’

૨૯ ઓકટોબર ૨૦૧૩ની એક આથમતી સંધ્યાની લાલી
અને
ભરાયેલા ઉદાસ મન સાથે
ફેસબુક પર એક યુવક સાથે
અમસ્તા અમસ્તા ચેટીંગ આદર્યું.... થોડી મિનીટ પછી
માલૂમ થયું કે.
અમે બન્ને ખાસ્સા સમયથી
આ માધ્યમ વડે પરસ્પર જોડાયેલા હતાં
પણ અજાણ હતાં
અત્યાર સુધી કોઈ સંવાદના શ્રીગણેશ થયા ન્હાતા

ત્યારબાદ..
કાફી સમય સુધી, દિવસો સુધી
સાત્વિક સંવાદનો એ સિલસિલો સળંગ રહ્યો

એ પછી વર્ષ ૨૦૧૫માં
એક સામાજિક પ્રસંગે મારે મુંબઈ જવાનું થયું
જતાં પહેલાં જ અમે બન્નેએ નક્કી કર્યું હતું કે,
અમે જરૂર મળીશું

સાંજે પ્રસંગ પૂરો થયાં બાદ..
પ્રથમ વખત
અમે બન્ને આવ્યાં આમને સામને
એ પછી
બન્ને મુંબઈની સડકો પર ઘૂમતા રહ્યાં...
અરસપરસ આલાપસંલાપ ચાલ્યો
છેક મધ્ય રાત્રી સુધી..

કયારેક ફૂટપાથ પર
ચાની ટપરી પર
તો કયારેક
દરિયા કિનારાના પત્થર પર બેસીને
ગોષ્ઠિવિનોદ કરતાં કરતાં દાખલ થયાં એકબીજાના જીવનમાં..

એ પછી જયારે પણ વાર્તાલાપનો અવકાશ મળતો.
ત્યારે હું સમયનું ભાન ભૂલી જતી
ફક્ત વાતો નહીં, ચર્ચા પણ થતી, અર્થસભર
માત્ર ઉપર છલ્લી નહીં, ગહન અને ચિંતનસભર
ફોન પર માત્ર વાત કરવાની હોય
તો હું ટાળી દઉં

સામાન્ય રીતે
બે સાહિત્યકારોના સંવાદમાં મિથ્યાલાપને સ્થાન ન હોય
અમારા અમૃતાલાપનું કેન્દ્રબિંદુ હોય
કોઈ ખગોળીય ઘટના, પુરાતત્વ, પ્રવાસ વર્ણન અને બ્રહ્માંડના ભેદ
અથવા લીટરેચરમાં નોબેલ પ્રાઈઝ વિજેતાની જીવનગાથા
અમારી વાતો સરળ પણ હતી અને જટિલ પણ

ફેબ્રુઆરી, વર્ષ ૨૦૧૮ અમે ફરી મળ્યાં
હાં, મુંબઈમાં જ
પહેલાં ગયાં પૃથ્વી થીયેટર અને
ત્યારબાદ જુહૂ બીચ..
ત્યાં..
દરિયાની ભીની રેત પર મને તેણે કહ્યું કે,
તું તારું દુઃખ આ રેત પર લખ
અને મેં મારું દુઃખ એ લહેરોને સુપ્રત કરી આપ્યું..

આજે પણ...
એ સાંજ મારાં માટે એટલી અવિસ્મરણીય છે કે
એ સંવેદનાને હું શબ્દોમાં ક્યારેય નહીં બાંધી શકું

હું અને મારો દોસ્ત.. દેવ
જયારે જયારે પણ મળીએ ત્યારે અમારી જોડે
પરસ્પર શેર કરવાં માટે સેંકડો સુખદ સંભારણા હતાં
તેણે કાયમ મને સંગીતને જાણવા અને માણવાની
નવા સુઝબુઝની સૌગાત આપી હતી

અમે બે શહેરોના અંતરને શૂન્ય પર લાવી મુક્યું હતું

એકવાર
અમે મલાડ સ્થિત
‘સબકુછ’ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં ગયાં
મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ પનીયારામનો આસ્વાદ માણ્યો

ત્યાં અમે
૧૯૪૦ થી લઈને છેક ૧૯૭૦ સુધીના ગોલ્ડન એરાના ઓલ્ડ હિન્દી બોલીવૂડ સોંગ્સ પર ખુબ ચર્ચા કરી

‘તેરે બીના જિંદગી સે કોઈ શિકવા... ‘ આ ગીત મારી લાઈફ સાથે જોડાયેલા કોઈપણ પુરુષ માટે હું શું કામ ન ગાઈ શકું ?
એ વિષે વાત કરી

અમારા બન્નેના મોસ્ટ ફેવરીટ અદાકાર ઈરફાન ખાન વિષે વાતો કરી, અને ઈરફાનખાન માટે ભારે વિષાદ પણ અનુભવ્યો
એ સાંજ પછી ‘સબકુછ’ મારું બહોત કુછ બની ગયું

એ પછી હું અનેકોવાર ‘સબકુછ’ ગઈ,
એકલી ગઈ
કોઈના સંગાથે ગઈ
પણ દેવના અદ્રશ્ય ઓછાયાના સ્પર્શ
વગર હું પરત નથી આવી
તે જગ્યા એ હું જાઉં
અને દેવનો ઉલ્લેખ ના થાય એ શક્ય નથી
એકવાર દેવે મને કહ્યું હતું...

આરુષી...
તું કુરુક્ષેત્રની એ ભૂમિ છો
જેના પર યુદ્ધ વિરામ પછી બન્ને પક્ષ નિરાંતે સુઈ શકે
અનહદ વાત્સલ્ય અને વ્હાલ છે તારામાં
હું ચુપ થઇ ગઈ
મને ગર્વ એ વાતનો હતો કે આ વાક્ય મારાં માટે દેવે કહ્યું હતું

આજે હું ક્યાય પણ જાઉં
કોઈની પણ જોડે જાઉં
ઇવેન્ટ, મહેફિલ, સભા, મુશાયરો કે સામજિક પ્રસંગ
મારાં સત્સંગમાં દેવનું સ્થાન સહજતાથી આવી જ જાય
દેવ પ્રત્યેની ઈજ્જત અને આદર માટે મારી કને શબ્દો નથી
કારણ કે
એ એક દેવે સમસ્ત પુરુષજાતની ઈજ્જત બચાવી રાખી છે
મારી નજરોમાં

દેવ હાલ યુરોપ ટૂર પર છે
અમારા વચ્ચે માત્ર સમયનું અંતર છે

આજે મોર્નિંગમાં મેં જયારે મોબાઇલ હાથમાં લેઈને જોયું તો..
દેવે ઈન્સટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી અને
અમારા બન્નેની એક તસ્વીર સાથે ટાંક્યું હતું..
વિશ્વશબ્દકોશનો ‘અનૌપચારિક’ શબ્દ મને સૌથી વાહિયાત અને અર્થહીન લાગે છે

મારી આંખો ભરાઈ આવી
બે વ્યક્તિ મધ્યે વિશુદ્ધ અને નિસંદેહ પ્રેમ ઉપજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

મને ‘તાલ’ નું ગીત સાંભર્યું..
‘તેરા નામ મૈને લિયા હૈ યહાં..મૂજે યાદ કિયા હૈ તુને વહાં.’

ડીયર દેવ
તું મારું સર્વોચ્ચ સ્વાભિમાન છો
તે મને ભરોસાનું એવું ભાથું બાંધી આપ્યું કે
આ કાયનાતમાં હજુયે ઈન્સાનિયત જીવે છે
અને એક દેવ જેવો ઇન્સાન મારો મિત્ર છે

અને આ વાત દેવ સિવાય બીજું કોણ કહી શકે ?
કાયમ તારી પ્રતિક્ષામય
આરુષી.

વિજય રાવલ
૦૬/૦૮/૨૦૨૨