‘બંધન મહોત્સવ’
પંચોતેર..
હાં, પંચોતેર વર્ષના વ્હાણા વહી ગયાં
આ દેશને આઝાદ થયે.. અભિનંદન સૌને
કેવું લાગે ?
આ આઝાદી પર્વને
સૌ કોઈ પોતીકા અંગત તહેવારની માફક રંગે ચંગે ઉજવે ત્યારે...
દ્રષ્ટી સીમાંકન સુધી ચોતરફ ફરકતાં રાષ્ટ્રધ્વજ
શાળાના ગણવેશમાં સ્વતંત્રદિનની પરેડમાં સામેલ ભૂલકાઓ
રાષ્ટ્રગાન... કંઇક કેટલું’યે..
ઓગસ્ટના પ્રથમ સપ્તાહની શરૂઆતથી જ દેશ રંગાઈ જાય તિરંગાના રંગે
આજે...
ધ્વજારોહણની સમાપ્તિ બાદ
હું ઘરે પરત ફરી રહી હતી અને
માર્ગમાં એક લંપટ ટપોરીએ મારી ટીખળ કરી
ઘરે આવતાં સુધીમાં
એ રોડ સાઈડ રોમિયોના દ્વિઅર્થી શબ્દોની કોમેન્ટે મને અકળાવી મૂકી
ઘરકામ નીપટાવી
મારી ડાયરી લઈને લખવા બેઠી..
પંચોતેર વરસથી મારાં આઝાદ દેશમાં કેટલી આઝાદ છું હું ?
કેટલી આઝાદ છે મહિલાઓ ?
અને આઝાદ છીએ તો
કેટલી અને ક્યાં સુધી કિંમત ચુકવવાની આ આઝાદીની ?
આજની ઘટનાની પૃષ્ઠભૂમિમાં જઈને જોઈએ..
થોડું રીવાઇન્ડ કરું
આજે રસ્તે રખડતાં એક મવાલીએ મને છંછેડવાની હરકત કરી અને
પ્રત્યુત્તરમાં તેનો પ્રતિકાર કર્યો તો જાણે આફતોનું આભ તૂટી પડ્યું
તરત જ આસપાસના લોકો ત્રણ જથ્થામાં વહેંચાઇ ગયાં
એક ટોળું
જેને મૂક- બધિરની ક્ષ્રેણીમાં મૂકી શકાય
જે માત્ર તમાશો જોયા કરે ..
આઝાદ દેશના..આઝાદ નાગરિકોનું....આઝાદ મનોરંજન
થોડી કાનાફૂસી થાય
થોડી ઠઠા મશ્કરી
અને થોડું ચરિત્રનું અવલોકન
અને બે-ચાર લોકો તળિયા વગરના અભિપ્રાય સુણાવી દે
‘કેવી છોકરી છે ? કારણ વગરનો બખેડો ઉભો કર્યો’
બીજું એક ટોળું..
ઓલ ટાઈમ ન્યાયાધીશના ગેટઅપમાં ફરતું
એ ટોળાને પેલા મવાલીએ શું કર્યું ?
કે શું કહ્યું ?
તેનાથી કોઈ મતલબ નથી
પણ
તેનું કહેવું છે કે,
‘આ છોકરી ‘આવાં’ કપડાં પહેરીને પબ્લિક પ્લેસમાં શું કરે છે ? કેમ ફરે છે ?
સડક પર ઉધામા કરવાનો શું મતલબ ?
કારણ વગરનો કજિયો ઊભો કરી, દેકારો મચાવે છે
ખુદની માન-મર્યાદા કે ઈજ્જતની તો પરવા નથી
સાવ બેશર્મ છોકરી છે.
અને ત્રીજું નાનું અમથું ટોળું..
તે આવી કોઈ ઝંઝટમાં પડ્યા વગર
પેલા લુખ્ખાઓને બોધપાઠ આપવાની ફિરાકમાં છે
આ ત્રીજુ ટોળું આભારને પાત્ર છે
તેમના સંસ્કાર માટે તેમના માતા-પિતાને ધન્યવાદ
પેલા બે ટોળાએ મને યાદ કરાવ્યું કે
આપણે કેટલાં આઝાદ છીએ.
આ કોઈ એક દિવસની વાત નથી
રોજ બનતી અસામાન્ય ઘટના છે
જેને સૌએ સિફતથી સર્વ સામાન્યથી પણ નિમ્ન કક્ષાની ક્ષેણીમાં મૂકી દીધી છે
થોડા દિવસ પૂર્વેની વાત છે..
મારાં પડોશમાં રહેતી મિત્રને મળવા ગઈ
હું ફળિયામાં બેઠી હતી
અને એ તેના ઘરનો બિનજરૂરી સરસામાન એકઠો કરીને
માળિયામાં મુકતી હતી
મને નવાઈ લાગી એટલે મેં પૂછ્યું
‘આ નાહક અને નડતર જેવો લબાચો કોઈ ભંગારવાળાને આપી દેતી હોય તો ?
તેણે ધીમા અવાજમાં સ્મિત સાથે કહ્યું
‘ભંગારવાળો મફતમાં પણ ન લે આ મુર્દા જેવો મુદ્દામાલ
પણ..
મારી સાસુને પૂછ્યા વગર હું ન આપી શકું.’
છેલ્લાં પાંચ વર્ષથી
રસોઈઘરના સ્ટવ પર રોજ તેના સપના શેકતી
ઘરની લાલડી વહુ
તેની મરજીથી તેના ઘરનો કચરો પણ બહાર ન આપી શકે
કેટલી આઝાદ છે આ સૌની વ્હાલી વહુ ?
અને લિંગ તફાવતના ધારાધોરણ તો ગળથૂથીમાં જ
પોલીયોના ટીપાની માફક ધરાર ગળે ઉતારી દેવામાં આવે
વાર-તહેવાર. પાર્ટી, ગેટ ટુ ગેધર જેવા માહોલની ચર્ચા કરીએ તો
મધ્યમ વર્ગ, બે વિભાગમાં વિભાજીત થઇ જાય
એક જથ્થો પુરુષનો..
જે ઠઠા-મશ્કરી, રંગીન વાતો, મદિરાપાન અને
બાવન પત્તાની જોડ જોડે મશગૂલ હોય
અને એક જથ્થો સ્ત્રીઓનો
જે હળીમળી, મસ્ત દેખાઈ, વ્યસ્ત રહે રસોઈઘરમાં
કિચન હોય કે કમરો
તેની કાયમ એક જ ભૂમિકા હોય છે
પુરુષની ભૂખ સંતોષવાનું
સદીઓ પહેલાં રામ, સીતાને આઝાદ કરાવી લાવ્યાં
પણ આ ઘર ઘરની સીતા
હજુ રસોઈઘરમાંથી પણ આઝાદ નથી થઇ
તેમનો કોઈ વીક એન્ડ ન હોય
ન કશું સન્ડે સ્પેશિયલ હોય
સપ્તાહના સાતેય દિન
ત્રણસોને પાંસઠ દિવસ
ટ્વેંટી ફોર બાય સેવન સેવા માટે
બાય ડીફોલ્ટ હાજર જ હોય એવું સમજી લેવાનું
આમાં અમુક પરિવાર અપવાદ હશે
જ્યાં કોઈએ પરિવર્તનના પવનો શંખ ફુંકાયો હોય
પણ મહત્તમ મધ્યમ વર્ગમાં
આ ઘીસીપીટી સ્ક્રીપ્ટ મુજબ જ સંસાર ચાલ્યે જાય છે
તાજ્જુબ લાગે છે નહીં ?
પણ આ જ સત્ય છે
મારી ખુદની જ વાત કરું તો..
મારાં પિતાના નિધન બાદ મારી મમ્મીને
સમાજના ખોખલાં,પાયાવિહોણા રીવાજના જડ જેવાં પડ વચ્ચે
પીસાતી જોઈ છે
જન્મસિદ્ધ અધિકાર માટે
પરિવારના સદસ્યો વચ્ચે સ્હેજ ઊંચાં સ્વરમાં બોલતાં
પહેલાં તો એ ડર લાગે કે
લાજ કાઢવા માથે ઓઢેલો સાડીનો છેડો ક્યાંય સરકી ન જાય
સ્વાભિમાન સાથે સંસાર અને સંતાનને સંભાળવામાં જાત ઘસી નાખતી મમ્મી
સમાજના સોળસો સવાલોનો ઉત્તર આપવા માટે શા માટે બંધન કર્તા છે ?
કઈ વાતની આઝાદી છે મારી મમ્મી પાસે ?
નર્યા સંઘર્ષ સાથે કાબેલિયત હાંસિલ કર્યા બાદ કોઈ સ્ત્રીને
મનગમતી કારકિર્દી યાં કાર્યક્ષેત્રના પસંદગીની પરવાનગી માટે કોઈ ‘મોટાભા’ના
મંજૂરીના મહોરની શા માટે ખપ પડે ?
સ્ત્રી ડોક્ટર, ઇન્જિનીયર અથવા શિક્ષિકાના કારકિર્દીની
પસંદગી કરે તો કોઈને કોઈ અડચણ નથી
પણ જો..
કંઇક જુદું અથવા ‘કુચ હટકે’ વિચાર્યું તો.. તો ઓ..હો..હો..
ફોટોગ્રાફી, એક્ટિંગ, ફિલ્મ મેકિંગ..
આવાં ફાલતુંના ફીતુરથી ફ્યુચરમાં શું ઉકાળી લેવાના ?
આમાં કંઈ ઘર ન ચાલે
એમાંય વળી કોઈ શહેઝાદા સલીમના બાપ જેવો જલ્લાદ અને વકીલ જેવો વડીલ આબરૂને આડે લાવતાં કહે..
ફોટોગ્રાફર છે
ઇવેન્ટ મેનેજર છે
એકટર છે
રીઅલ એસ્ટેટમાં છે...
તો તો તેને શું શું ‘સમાધાન’ નહીં કરવા પડતા હોય ?
અમારાં ખાનદાનની વહુઓ આવાં કામો કદી ન કરે
કેટલાં સજ્જ્ડતાથી જકડાયેલા છીએ. જડ જેવી માન્યતામાં ?
જે ઘરમાં
જન્મ લઈએ, મોટા થઈએ, જે ખુદનું ઘર છે
ત્યાં દર ત્રીજા દિવસે એ સંભળાવવામાં આવે
‘એ તારે જે કરવું હોય એ તારા ઘરે જઈને કરેજે ’
અને એ કહેવાતા ‘ઘર’ને પોતાનું કહેવડાવવામાં બે દસકા વીતી જાય
એક ઉમ્ર પૂરી થઇ જાય
લગ્ન
જોબ
સંતાન
પરિવાર
આવાં દરેક તબ્બકે દિમાગમાં છુંદણા માફક એવું ઠસાવવી
દેવામાં આવે છે કે, સમાધાન સાથે સંધાન તો કરવું જ પડે, તું સ્ત્રી છો.
અરે.. મંદિર, મસ્જીદના પ્રવેશમાં પણ ભેદભાવ ?
માસિકધર્મ દરમિયાન ધર્મસ્થાનોમાં પ્રવેશ વર્જિત છે
અને મસ્જીદમાં તો સ્ત્રીઓના પ્રવેશ પર જ પાબંદી છે
પાયાના માનવ અધિકાર માટે પણ પત્થરની મૂર્તિ બનવું આવશ્યક છે
હાડ-માંસની સ્ત્રી સમાજના સમજમાં નહીં આવે
અધિકારની દ્રષ્ટિએ પુરુષ સમોવડીનું બનવાનુ સપનું સાકાર
થવામાં તો હજુ સદીઓ વીતી જશે.
સરકારી કે ખાનગી ઓફિસમાં કોઈ પુરુષને બઢતી મળે તો..
કહેવાય કે...
આકરી મહેનત અને નિષ્ઠાનું પરિણામ છે
અને કોઈ સ્ત્રીને પ્રમોશન મળે તો..કહેવાય કે
તેમાં વળી શું નવાઈ છે..?
પ્રમોશન માટે તેનું દેહલાલિત્ય જ પર્યાપ્ત છે.
આઆ...આ શું ચાલી રહ્યું છે ?
આઝાદી કઈ બલાનું નામ છે ?
કેટ કેટલું બંધન ?
મારાં વસ્ત્ર પરિધાન પરથી મારું ચરિત્ર ચિત્ર ચિતરવામાં
આવે એવાં સમાજની મારી દ્રષ્ટિમાં કોડીની પણ કિંમત નથી
મારાં બ્લાઉઝની સાઈઝ પરથી
મારાં પર સભ્ય કે અસભ્યનું લેબલ ચોંટાડવામાં આવે તો
તો હું નથી માનતી કે આપણે
સભ્ય અને સવ્તંત્ર મિજાજના સમાજનો હિસ્સો છીએ
હજુ’યે સંકુચિત સોચથી આઝાદી મેળવતાં વર્ષો વીતી જશે
સજ્જડ જડતા સાથે જકડાયેલા છીએ
આપણે વિચિત્ર વિચારોની વાડમાં
માનસિક આઝાદી માટે ખાસ્સો સમય જોઇશે
હાં,
જયારે પણ કોઈ મને એ યાદ અપાવે કે હું સ્ત્રી છું
અને મારી આગળ મર્યાદાની કોઈ લક્ષ્મણ રેખા દોરે ત્યારે...
એ લક્ષ્મણ રેખા ઝટથી ઓળંગતા હું એક જ ગીત લલકારું..
‘અપની આઝાદી કો હમ હરગીઝ મીટા શકતે નહીં
સર કટા શકતે હૈ, લેકિન સર ઝુકા શકતે નહીં.’
વિજય રાવલ
૧૫/૦૮/૨૦૨૨