Red signal books and stories free download online pdf in Gujarati

રેડ સિગ્નલ

' રેડ સિગ્નલ '

‘એલા....ભલા માણહ તને મેં તયણ વખત કીધું કે, તું આ ઓફિસની દરવાજા સામે ખોડાઈને બેસ માં. આ જરા ઓલા બાંકડે જઇને છેટો બેસ ને.’


દસ મિનીટથી ગલોફામાં ઠુંસી રાખેલા પાનના રસાસ્વાદને ખુરશી પાસેની કચરા ટોપલીની પડખે મૂકલી તૂટેલી થુંકદાનીમાં રીતસર કોગળાની માફક ઓકતાં ઘનશ્યામ મહેતા તાડૂક્યા....

ઘનશ્યામ મહેતા...

રતનપુર રેલ્વે સ્ટેશનના આસીસ્ટન્ટ સ્ટેશન માસ્તર.. નિવૃતિના છેલ્લાં બે વર્ષના આરે પહોંચેલા ઘનશ્યામ મહેતાને જોબ જોઈન કરી ત્યારથી એક જ ઈચ્છા હતી કે, નિવૃત થતાં પહેલાં એકવાર સ્ટેશન માસ્તરનું પ્રમોશન લઈને જ રીટાયર્ડ થવું છે. તેના ઘણાં જુનિયર્સ ખાતાકીય એકઝામ્સ આપી અને ખાતા પીતા અધિકારીઓને ખુશ કરીને બઢતી મેળવી ચુક્યા હતાં.
પણ દસ ચોપડી ભણેલાં જન્મજાત કંજુસાઈ અને લોભવૃતિની પ્રાણ પ્રકૃતિને વરેલા ઘનશ્યામ મહેતાને બઢતી પણ કાના માત્રા વગર...એટલે કે,... મફતમાં જોઈતી હતી... એટલે અઠાવન વર્ષે પણ મંદ
ગતિએ સ્ટીમ ઈન્જીન માફક ચાલતી કારકિર્દીની છુકછુક હજુ અંતિમ સ્ટેશન સુધી નહતી પહોંચી.


વિશ્વભરના નકશામાં ભારતીય રેલ્વેએ બૂલેટટ્રેનના સ્પીડની માફક પ્રગતિ કરી હતી પણ અંતરિયાળ ગામ રતનપુર રેલ્વે સ્ટેશન પર હજુયે ચોવીસ કલાકમાં માત્ર બે જ ટ્રેન આવતી અને જતી હતી. એટલે...આંગળીના વેઢે ગણાય એટલા કર્મચારી ફાજલ સમયમાં બીજું નાનું મોટુ કામકાજ કરી થોડા રૂપિયા રળી લેતા.

અને ઘનશ્યામ મહેતાને તેમના કર્મચારીને નોકરીના સમય દરમિયાનમાં અપાતા છૂટછાટની અવેજીમાંથી ઉપરની મલાઈ મળી જતી... મફતમાં.


આજે સવારથી પેસેન્જર ટ્રેન ગયા પછી...

ખેડૂત કે મજુર જેવો દેખાતો ચાળીસથી પિસ્તાળીસ વર્ષનો એક દુબળો પાતળો વ્યક્તિ, ઘૂંટણથી ઉપર સુધીનું મેલું ધોતિયું અને કમરથી ચાર આંગળ ઊંચું પહેરેલું કેડ્યું અને એ પણ મેલું, અને માથે બે હાથના લંબાઈ જેવડા કેસરિયા રંગનો મેલા જેવા લૂગડાંનો ફેંટો બાંધી એક ખૂણે ચુપચાપ બેઠો હતો...

એક સફાઈ કર્મચારી અને બીજા એકાદ બે કર્મચારી સિવાય સ્ટેશન પર કોઈ નહતું..


જરૂરી કામકાજ પતાવી આળસ મરડતાં ઘનશ્યામ ઓફિસની બહાર આવતાં તેની નજર ઉભડક પગે બેસેલાં પેલા વ્યક્તિ પર પડી... એટલે ઢીલાં ચશ્માં સાથે ઢીલું પેન્ટ ચડાવતાં ધીમે ધીમે લોકલ ટ્રેનની સ્પીડે તેની પાસે જઈ પૂછ્યું..

‘એલા.. કોનું કામ છે, તારે ?
‘એ...એ રામ રામ સાયબ. મારા ભાયના દીકરાની વાટ જોવ છું.’
બે હાથ જોડતા પેલી વ્યક્તિ બોલી..

‘પણ તું છે કોણ ? અને અહિયાં કેમ રાહ જુવે છે ?
‘હું...હું....રઘલો...આય બે ગાવ છેટું વરસડા ગામ છે ન્યા રવ છું. ઈ મારા નાના ભાયનો છોરો આય ટરેન ખાતામાં નોકરી કરે એની વાટ જોવ છું.’

‘ટરેન ખાતા એટલે રેલ્વેમાં ?
બાજુના બેન્ચ પર બેસતાં ઘનશ્યામ બોલ્યો..

‘હા સાયબ.’ રઘલો બોલ્યો..

‘પણ ક્યા ખાતામાં ? ક્યા સ્ટેશન પર ? ફરી ઘનશ્યામે પૂછ્યું

‘ઈઈઈ... મને નામ તો ચીંધાઈડુ’તું પણ.. ઈ મને યાદ નો રીયુ... પણ એણે કીધું તું કે સોમવારે તમે આય રતનપુર ટેશન પુગી જજો,’


‘શું નામ છે એનું ?

‘જીવણ’ રઘલો બોલ્યો

‘શું કામ છે તારે એનું ? કોટના ખિસ્સામાંથી તમાકુની સ્ટીલની ડબ્બી કાઢતાં ઘનશ્યામ બોલ્યો..

બાજુમાં મૂકલો પંદર લીટર સાઈઝનો પતરાનો ડબ્બો બતાવતાં રઘલો બોલ્યો..
‘આ ડબો દેવા આયવો છું.’

‘શું છે આ ડબ્બામાં ?’
‘ઘી... ઘરની ગાયુના દૂધનું ચોખુ ઘી છે સાયબ.’
સ્હેજ પોરસાઈને રઘલો બોલ્યો

‘એટલે.. તું અહિયાં રેલ્વે સ્ટેશને ઘી વેચવાં આવ્યો છો એમ ? હથેળીમાં તમાકુ અને ચૂનો કાઢતાં ઘનશ્યામ બોલ્યો

ઊભા થતાં રઘલો બોલ્યો..

‘અરે...ના.. ના.. મારા સાયબ... વેચવાં નઈ... જીવણ તો મારા સગા ભાયનો દીકરો છે, ઘરનું માણહ ઈને કઈ વેચાય ? અને મે તો આજ દી લગણ કોઈ’દી ઘી વેયચું નથ મારા બાપલા.’

‘કયારે આવવાનો છે જીવણ... કઈ સમય આપ્યો છે ? સ્ટાઈલથી ચુના મિશ્રિત ચોળેલી તમાકુ નીચલા હોઠ નીચે દબાવતાં ઘનશ્યામે પૂછ્યું.

‘ઈ જીવણે કીધું’તું કે.. તમે ટેશને આવી પુગજો.. હું ગમે તય આવી પુગીસ.’ પરસેવો લુંછતા રઘલો બોલ્યો..

‘આ સ્પેલીયલ ટ્રેનમાં કઈ મફતમાં મુસાફરી થાય એમ નથી ’ એવું મનોમન બબડતાં ઘનશ્યામ ફરી તેની ઓફિસમાં જતો રહ્યો..

થોડીવાર પછી.. ઘનશ્યામની ઘરવાળી રમીલાનો કોલ આવ્યો..
લેન્ડલાઈન ફોન ઉઠવાતા ઘનશ્યામ બોલ્યો..

‘હેલો..’
‘એ હું બોલું છું... રમીલા.’
‘એ તો નામ ન કીધું હોત તોય તારા અવાજ પરથી જ સિગ્નલ મળી જાત.’

સ્હેજ શરમાઈને રમીલા બોલી
‘સાંભળો...આજે વહેલી સવારે મને એક સપનું આવ્યું’તું.’

‘સપના તો સારા..કેમ કે ઈ મફતમાં આવે. પણ વહેલી સવારના સપનાં સાચા પણ પડે હો.. શું સપનું આવ્યો કે તો જરા ?

‘સપનામાં જોયું કે તમને...આજે સ્ટેશન માસ્તરના પ્રમોશનનો કાગળ આવ્યો.’

‘આલ્લે..લે.. તો તો હું અહીં સ્ટેશનમાં બે અગરબતી વધારે સળગાવી દઉં... સરકારી ખાતે.’ ગેલમાં આવતાં ઘનશ્યામ બોલ્યો.
‘અરે... હાય.. હાય...શું તમે પણ... ભગવાનને રાજી રાખવામાં પણ..કંજુસાઈ કરવાની ? અણગમા સાથે રમીલા બોલી.

‘અરે ગાંડી, પ્રમોશન રેલ્વેનું... નોકરી રેલ્વેની.. તો અગરબત્તી પણ રેલ્વેની જ વાપરીએ તો તેમાં ખોટું શું છે.’ હસતાં હસતાં ઘનશ્યામ બોલ્યો.

‘ના... ના.. મારા સ્વામિનારાયણની શ્રધ્ધામાં સ્હેજે મિલાવટ ન ચાલે હો..મેં તો આજે તમારાં માટે માનતા માની છે... પાંચ ચોખ્ખા ઘીના અખંડ દીવા કરવાની.’

આટલું સાંભળતા તો ઘનશ્યામને ઉધરસ ચડી ગઈ..ઘીનો દીવો બળતાં પહેલાં ઘનશ્યામનો જીવ બળી ગયો.

‘અરે.. તું તો એવી હરખ પદુડી થઇ ગઈ જાણે કે આ રેલ્વે મીનીસ્ટર જાણે કેમ મને બુલેટટ્રેન ગીફ્ટમાં આપવાનો હોય.’
તમાકુ થૂંકતા ઘનશ્યામ બોલ્યો

‘સાચા દિલથી પ્રભુ ભજો તો એ પણ શક્ય છે સમજ્યા.’
એમ કહીને રમીલાએ કોલ કટ કર્યો

આખી જિંદગી ટ્રેનના ડબ્બા પર મૌખિક પી.એચ.ડી. કર્યા છતાં આજે ઘનશ્યામના ચિત્તમાંથી રઘલાનો પતરાનો ડબ્બો ખસતો નહતો.

કલાક પછી... રઘલાએ ઘનશ્યામની ઓફિસમાં ડોક્યું કર્યું...એટલે એ ઘનશ્યામ બોલ્યો

‘બોલ... શું કામ છે ?
‘સાયબ... કેટલા વાયગા ?

‘દોઢ.’

‘ઠીક..’ એમ કહીને ઘીના ડબ્બા તરફ નજર કરી ત્યાં ઓફીસ સામે જ ઉભડક પગે રઘલો બેસી ગયો.

એમ કરતાં કરતાં સાંજના ચાર વાગ્યાં... રઘલો અને ઘનશ્યામ બેય અકળાયા હતાં... ઘીની ચિંતામાં..

એટલે ઘનશ્યામ બોલ્યો..

‘એલા....ભલા માણહ તને મેં તયણ વખત કીધું કે, તું આ ઓફિસની દરવાજા સામે ખોડાઈને બેસ માં. આ જરા ઓલા બાંકડે જઇને છેટો બેસને.’

‘એ હા, મારા બાપલા..’ એમ કહી ઘીનો ડબ્બો માથે ઉપાડી થોડે દુર એક બાંકડા પર બેસી ગયો .

થોડીવાર પછી ઘનશ્યામે બહાર આવી જોયુ તો રઘલો કોઈ રેલ્વે કર્મચારી સાથે વાતો કરી રહ્યો હતો....ઘનશ્યામને લાગ્યું કે, જાણે કોઈ અણજાણ્યો દલાલ ટી.ટી. સાથે ટિકિટનું સેટિંગ કરતો હોય.

ધીમે ધીમે રઘલા પાસે જઈ બાંકડા પર તેની બાજુમાં બેસતાં પેલો કર્મચારી ત્યાંથી રવાના થઈ ગયો એટલે...
ઘનશ્યામે પૂછ્યું..

‘બીડી પીવી છે ?’

શરમાતા શરમાતા રઘલો બોલ્યો.. ‘ લ્યો.. પીવડાવો ત્ય.’

પેન્ટના ખિસ્સામાંથી બીડીની ઝૂડી હાથમાં લઇ.. નબળામાં નબળી બીડી શોધી રઘલાને આપતાં બોલ્યો...


‘આ લે જા જલસા કર.. તું પણ યાદ રાખીશ કે મારા જેવો કોઈ દાનવીર મળ્યો’તો.’

ખુશ ખુશ થતાં રઘલાએ બીડી ધગાવી ત્યાં ઘનશ્યામે પૂછ્યું

‘તું શું વાત કરતો’તો ઓલા હારે ?
‘ઈ ભાય મને ઈમ કે’તો તો કે.. તમારા ભાયનો દીકરો નો આવે તો આ ઘીનો ડબો મને વેચી દેજો.’

આટલું સાંભળતા ઘનશ્યામની બીડી ઠરી ગઈ..
‘હેં... તો તે શું કીધુ ? અચનાક એન્જીનનો ધક્કો વાગતાં ધ્રાસકો પડે તેમ ઘનશ્યામે પૂછ્યું

‘ના.. હો સાયબ, હું મરી જવ પણ ઘી ન વેચુ. અને...કદાચ ને વેચી મારું તો મારા ભોળિયા નથને હું જબાબ આલુ ?

ઘનશ્યામ મનોમન બોલ્યો.. ‘આ ઊંધા ટ્રેક પર ચડેલી માલગાડીને બીજા પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવી જ પડશે.’

‘એલા રઘલા તું ગામડેથી આ આવડો પંદર કિલોનો ઘી ડબ્બો ઊંચકીને લાવ્યો કે, બસમાં ?

‘બસમાં બેસવાના રૂપિયા કયાંથી લાવવા સાયબ....? ગમાડેથી આંય લગીમાં પૂગતા તો કમરનો કાંટો તૂટી ગયો.’

બીડીનો કસ મારતાં રઘલો બોલ્યો.

‘તો હવે પાછો કમરનો કાંટો તોડવો છે એમ ? રીટર્ન ટીકીટ કન્ફર્મ કરતાં ઘનશ્યામે પૂછ્યું.
‘સાચું કવ સાયબ મને પણ એ જ દખ છે.’ રઘલો બોલ્યો
‘એક કામ કર રઘલા...સારા ભાવ આવે તો આ ઘી વેચી માર તો તને...’
હજુ ઘનશ્યામ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં બાંકડા પરથી ઊભા તથા રઘલો બોલ્યો..

‘એ ના હો સાયબ... મારે મારી ઘરવાળીને શું જબાબ આલવો ?
ઈ મારા પર ગરમ લાય જેવી થયને ધગી જાય હો.’

‘અરે.. પણ રઘલા પહેલાં મારી વાત તો પૂરી સાંભળ.. કેટલા કિલો ઘી છે આ ડબ્બામાં ?

‘ઈ મારે કયા વેચવાનું છે તે હું જોખવા બેસું ? તમે જોઈ લ્યો.’

એમ કહી ઘનશ્યામને બતાવાવા રઘલાએ છલોછલો ભરેલો ઘીનો ડબ્બો ઉઘાડતાં ચોખ્ખા ઘીની સોડમથી ઘનશ્યામ પીગળી જાય એ પહેલાં રઘલાએ તેની બન્ને આંગળી ઘીમાં ખૂંચવી હથેળી ભરાય એટલું ઘી ઘનશ્યામની હથેળીમાં મૂકતાં બોલ્યો..

‘કયો... આવુ ઘી વેચાતુ મળે ?’

ક્યારના વેઈટીંગ બતાવતા સ્લીપર કોચની ટીકીટના સ્ટેટ્સને મફતમાં ફર્સ્ટક્લાસ એ.સી.માં કન્ફર્મ કરવાની તાલાવેલીમાં ઘનશ્યામ બોલ્યો.

‘જો મારી વાત સાંભળ... હું તને આ ઘીના બદલામાં પુરા રૂપિયા રોકડા ત્રણ હજાર અને બસની ટીકીટનું ભાડું પણ આપ દઉં બોલ..’

બજારભાવ કરતાં અડધાથી પણ ઓછી કિંમતમાં શુદ્ધ ઘી ઘર ભેગું કરવામાં માટે ઘનશ્યામના દિમાગે ગ્રીન સિગ્નલ આપી દીધું.

‘ત્રણ હજાર.....? એટલે કેટલાં ? મેં કોઈ દી ઘી વેયચું નથ..’

રઘલાનું દિમાગ નવું એનાઉન્સમેન્ટ કરે એ પહેલાં ઘનશ્યામને થયું કે વિચાર કર્યા વગર સિગ્નલ પાડી ટ્રેનને ખાલી પ્લેટફોર્મ પર લગાવી જ દઉં...


તરત જ કોટના ખિસ્સામાં અગાઉથી ઘડી કરી મૂકેલી સો સો રૂપિયાની ત્રીસ કડકડતી નોટ કાઢતાં ઘનશ્યામ બોલ્યો..

‘આ લે જો.. આ નોટોની સુગંધ પણ તારા ઘી જેવી જ છે.’
એકસામટી નવી નક્કોર નોટો જોઈ રઘલાના ડોળા ફાટી ગયાં...

‘ઓયે.. માડી મારા ઘીના ડબાના બદલે આ આવડા બધા રૂપિયા આવે ?
પણ સાયબ...’

વળી રઘલાએ સંકટ સમયની સાંકળ ખેચી ઘનશ્યામના સુપરફાસ્ટ સપનાને ઈમરજન્સી બ્રેક લગાવતા બોલ્યો..

‘અલ્યા આ ફરી આ પણનું સ્ટેશન કયાંથી વચ્ચે આવ્યું ?

‘સાયબ સાચું કવ આવડાં રૂપિયા મેં મારી આખી ઉમરમાં પેલીવાર દીઠાં..
પણ, હજુ મારો અન્તર આતમા નથ માનતો... એમ કે ભાયના છોરા હાટુ ઘી લાયવો ને રૂપિયાની લાલચમાં વેચી માયરું.’

માંડ માંડ મળેલી કન્ફર્મ ટીકીટ મળ્યાં પછી છેલ્લી ઘડીએ ટ્રેન કેન્સલ થતાં જે હાલત પેસેન્જરની થાય એવી હાલત અત્યારે ઘનશ્યામની હતી..

‘રઘલા...ભાઈનો દીકરો પાછો મળશે.. મારા જેવો રોકડીયો દાનવીર ફરી નહીં મળે. અને તારે ઘેર ઘીની ક્યાં કમી છે ? બીજી વાર લેતો આવજે એમાં શું ?

થોડીવાર માથું ખંજવાળી વિચાર કર્યા પછી છેલ્લી ઘડીએ ચાલતી ટ્રેને ચડે એમ રઘલો બોલ્યો..

‘હા.. હો સાયબ ઈ તમારી વાત મારા ગળે ઉતરી લ્યો.’
રઘલાના ઉપલા માળની સીસ્ટમ ખોરવાય અને ડીલ કેન્સલ થાય એ પહેલાં ઘનશ્યામે રઘલાના હાથમાં રૂપિયાની ગડી પકડાવી દીધી.

‘પણ... કદાચને મારા ભાયનો દીકરો જીવણ આંય આવી, તમને પૂછે તો કાય કેતા નઈ હો. નઈ તો મારે ઘેર નીચા જોવા જેવું થાશે.’

‘એ તું ચિંતા ન કર. હું કોઈ ને નહીં કહું બસ.’ ઘનશ્યામ બોલ્યો.
‘એ સાયબ... એક પીડી પીવડાવો...અને બસની ટકટના પૈસા આલો ને.’

‘ઓઓ...ઓહહહ..એક શું આલે આ આખી બીડીની ઝૂડી લેતો જા અને આ બીજા વીસ રૂપિયા બસ.. ખુશ ?

બે હાથ જોડી ગળગળા અવાજે રઘલો બોલ્યો..

આ... તમારાં જેવા દેવતા માણહથી આ દુનિયા ટકી છે. હું તો એમ કવ કે કે હંધાય તમારાં જેવા ભગવાનના માણહ હોય તો આ જગતમાં મારા જેવા રઘલાઓનો બેડો પર થઇ જાય... એય ને રામ.. રામ.. સાયબ.’
કહીને રઘલો બીડી ફૂંકતો સ્ટેશન બહાર જતો રહ્યો..


થોડીવાર માટે ઘનશ્યામને થયું કે...

‘રેલ્વે આપકી સંપતિ હૈ’.. એ સૂત્ર બદલીને ‘રેલ્વે બાપ કી સંપતિ હૈ’ એવું લખવું જોઈએ. મનોમન હસતાં હસતાં એક કર્મચારીને રાડ પાડી કહ્યું..


‘ઓયે... ભીખલા... આ ડબ્બો ઊંચકીને ચાલ મારા ઘરે.’

સ્ટેશનની પાછળ વોકિંગ ડીસ્ટન્સ પર આવેલાં કવાટર્સમાં એન્ટર થઇ ભીખલો ડબ્બો ઉતારી જતો રહ્યો..

કોટ ઉતારી આરામ ખુરશીમાં લંબાવ્યુ ત્યાં... રમીલાએ કિચનમાંથી આવતાં વેત પુછ્યું,
‘આઆ....આ પંદર કિલો ઘી નો ડબ્બો કેમ લાવ્યાં ?
ઝીણી મૂછો પર તાવ દેતા ઘનશ્યામ બોલ્યો..

‘તને શું લાગે છે...? હું નાસ્તિક છું ? તારી સાથે મેં પણ પાંચ દીવાની માનતા માની છે... પણ અખંડ નહીં.’

‘શું વાત છે...હવે જો જો... મારા સ્વામીનારાયણનો ચમત્કાર. ચાલો ફટાફટ ફ્રેશ થઇ જાઓ....એટલે હું તમારા માટે ગરમા ગરમ જમવાનું પીરસું.’

ગીત ગણગણતો ઘનશ્યામ ફ્રેશ થઇ ડાયનીંગ ટેબલ પર બેઠો ત્યાં જ...
રસોડામાંથી રમીલાની ચીસ સંભળાઈ...

‘એએ......એ ઝટ આવો રસોડામાં.’

થોડીવાર ઘનશ્યામને થયું કે બે સુપરફાસ્ટ ટ્રેન એક ટ્રેક પર સામસામે આવી ગઈ કે શું... એવા ધ્રાસકા સાથે
ઘભરાઈને દોડતાં કિચનમાં જઈને જોયું તો...

ઘીના ડબ્બામાં નાખેલો ફૂલ સાઈઝના ચમચો ભીની માટીથી ખરડાયેલો
હતો...

એકસો ત્રીસની સ્પીડ પર જતી સુપરફાસ્ટ ટ્રેન ઉથલી પડતાં એક પછી એક ડબ્બા જેમ એકબીજા પર ચડી જાય એવી હાલત ઘનશ્યામના દિમાગના વિચારોની હતી...

‘આઆ....આ ક્યાંથી ઉપાડી લાવ્યાં તમે ? આમાં તો એક કિલો ઘી પણ નથી. આમાં તમારા તો શું મારા એકના પણ પાંચ અખંડ દીવા નહીં થાય હવે..?

પાંચ સીટના ક્વોટા માટે પાંચસો ટીકીટની ડીમાંડ કરતાં જેમ રીઝર્વેશન સીસ્ટમ હેંગ થઇ જાય એમ ઘનશ્યામના દિમાગના જ્ઞાનતંતુ ચોંટી જતા બરાડ્યો...

‘આઆ...... તું સપનાના રવાડે ચડી તેનું પરિણામ છે. અ...અને સપનાં જોવાય પણ... હરખપદુડી થઇ પાંચ અખંડ ઘીના દીવાની મનાતા માનવાનું કોણે કહ્યું હતું તને ? આઆ....આ જો... સપનું જુત્ઠું છે તેની સાબિતી મળી ગઈને ? શુદ્ધ ઘી, માટી બની ગયું લે હવે. હવે કરો મીટ્ટીના માધવને મીટ્ટીની પૂજા.’

રેલ્વેની ઘોર બેદરાકરીથી બાર કલાક ટ્રેન લેઇટ હોય ત્યારે પેસેન્જરના આક્રોશને કેમ શાંત રાખવો એવું રીહર્સલ કરતો હોય એમ ઘનશ્યામ બોલ્યો..

‘અચ્છા... તો તમે કેમ પાંચ દીવાની માનતા માની હતી એ જરા કહેશો મને ?

વગર ટીકીટે ફર્સ્ટ ક્લાસ કોચમાંથી પકડાયેલા પેસેન્જર જેવી હાલત હતી ઘનશ્યામની...

‘એએ....એ તો હું તારી પરીક્ષા લેવા જુઠું બોલ્યો હતો... મારી પાસે એવાં દીવડા કરવાનો ક્યાં ટાઈમ છે.’

આશરે અડધો એક કલાક માથાકૂટ ચાલ્યાં પછી... માંડ મામલો શાંત પડ્યો..

મોડી રાત સુધી પથારીમાં પડખા ઘસ્યા પછી ઘનશ્યામને એવી ફીલિંગ આવીતી હતી કે... ટીકીટ હોવાં છત્તા ચાલુ ટ્રેને કોઈ નકલી ટી.ટી. એ તેણે ધક્કો મારીને ચાલુ ટ્રેને સમાન વગર અજાણ્યાં સ્ટેશને ઉતારી દીધો હોય..

મનોમન નક્કી કર્યું કે... પ્રમોશન ન મળે તો કંઈ નહીં પણ હવે જિંદગીમાં ઘીની કોઈપણ બનાવટ આજીવન નહીં ખાવાની બાધા લઇ લીધી,


બીજે દિવસે સવારે ઘનશ્યામ ચુપચાપ આવી તેની ઓફિસમાં બેઠો હતો...
ત્યાં,, ટ્રેન આવતાં...પ્લેટફોર્મ પર એક ફેરિયાએ બૂમ પાડી....

‘એ....એ લે..લો તાજી તાજી.... શુદ્ધ ઘી મેં બની ગરમાં ગરમ જલેબીયા લે લો..... તાજી... તાજી...’


આટલું સાંભળતા ઓફિસમાંથી હડી કાઢીને આવતાં ઘનશ્યામ એ તેના પગમાંથી ચામડાનો જોડો કાઢી પેલા ફેરીયા તરફ છૂટો ઘા કરતાં બોલ્યો..

‘એ તારી.....(ગાળ) બહાર નીકળ....’

‘એય...ભીખલા અહીં બોર્ડ મારી દે.....’ઘી ની બનાવટ પર પ્રતિબંધ છે’...’

એ હાલો...મારી દઉં હમણાં.’ ભીખલાએ જવાબ આપ્યો..

થોડીવાર પછી ગામની નિશાળના હેડ માસ્તર જગજીવન જોશી સ્ટેશન પર કઈક પૂછપરછ માટે આવ્યાં..
ઓફિસમાં આવતાં ઘનશ્યામને પૂછ્યું...
‘આ બોર્ડ તમે મુકાવ્યું છે ?
‘હા, કેમ ? કંઇ પ્રોબ્લેમ છે ? ઘનશ્યામે પૂછ્યું
‘હા, કેમ કે તેમાં ભૂલ છે.’ જગજીવન જોશી બોલ્યા.
‘શું ભૂલ છે ?
‘એમાં એમ લખાય કે. ‘ઘી માંથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ છે.’ તમે લખ્યું છે..
‘ઘી ની બનાવટ પર પ્રતિબંધ છે.’ તેનો મતલબ એમ થાય કે..
‘ઘીની છેતરપીંડી પર પ્રતિબંધ છે.’

જોરથી બરાડીને ઘનશ્યામ બોલ્યો...

‘એએ..એલા ભીખલા ઓલું બોર્ડ ફાડી નાખ....’

ઘનશ્યામની હાલત...ડબ્બા વગર દોડ્યે જતાં ઈન્જીન જેવી થઇ ગઈ હતી.


-સમાપ્ત.


©વિજય રાવલ
vijayraval1011@yahoo.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED