A sheet maily c books and stories free download online pdf in Gujarati

એક ચાદર મૈલી સી

'એક ચાદર મૈલી સી’

થોડા અરસા પહેલાં
મિતાલી અને તેના મમ્મી અમારાં પડોસી બન્યાં
મારી અને મિતાલી વચ્ચે ઉમ્રનો કોઈ મોટો તફાવત નહતો
કદાચ મારાં કરતાં એકાદ વર્ષ તેની આયુ વધુ હશે

અમારાં અને તેમના પરિવાર વચ્ચે લાગણી ભર્યા સંબંધો ખરાં
પણ મારાં કોલેજ અભ્યાસના કારણે
હું મિતાલી જોડે ‘હાઈ’, ‘હેલ્લો’ થી
વધુ કોઈ ગાઢ રિલેશનશિપમાં નહતી બંધાઈ

એક દિવસ મમ્મીએ કહ્યું
આવતાં અઠવાડિયે મિતાલીના લગ્ન છે.
એવું મિતાલીની મમ્મીએ જણાવ્યું

મારાં ભવાં ઉચાં ચડી ગયાં અને સ્હેજ ઉઘડી ગયેલાં
મોંમાંથી આશ્ચર્યજનક ઉદ્ગગાર સરી પડ્યો
હેં !!

‘આવડી નાની ઉમ્રમાં લગ્ન ?’ એવું મનોમન બોલી

મિતાલીનું ઘર નાનું હતું
એટલે લગ્નપ્રસંગની ધમાલ અને મહેમાનોની સગવડ સાંચવવા
મારું ઘર અને સૌ સભ્યો રંગે ચંગે જોડાઈ ગયાં

એ બેથી ત્રણ દિવસ દરમિયાન
હું મિતાલીની થોડી નજદીક આવી
તેના પ્રત્યે એક કૂણી લાગણી ફૂટી

૨૯ જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે મિતાલીને સાસરે વળાવી
અને

એ પછી બે દિવસ બાદ...

સાંજનો સમય હતો
હું કોલેજથી ઘરે આવી
આવીને જોઉં છું તો.....
બારથી પંદર, સ્ત્રી અને પુરુષના ટોળાથી મારાં ઘરનો બેઠકરૂમ ચિક્કાર ભરેલો
મિતાલીની પડખે
મિતાલીના મમ્મી વિભા આંટી
મારી મમ્મીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે
હીબકાં ભરીને રડતાં હતાં

૩૧ જાન્યુઆરી ૨૦૧૮
લગ્ન ત્રીજા દિવસે મિતાલીને તેના શ્વસુર ગૃહેથી
તગેડી મૂકી, તેના પિયર

આઈ એમ શોક્ડ..
આ દ્રશ્ય જોઇને હું રીતસર ડઘાઈ ગઈ

મને જોઇને મમ્મી એટલું બોલી..
‘તું ઉપર જા.’

હું હળવેથી ડોકું ધુણાવી
‘હ્મ્મ્મમ્મ્મ.’ કહી ઉપર જતી રહી

ગમગીન મહોલ જોયાં છતાં મને સત્ય હકીકતનો ખ્યાલ ન આવ્યો

મોડી રાત્રે મમ્મીને પૂછ્યું તો મને કહે..
‘તું તારું કામ કર, નાહકની વાતમાં દખલગીરી ન કરીશ. તને ન સમજાય.’

હું ચુપચાપ વિચારો કરતી પડી રહી બેડ પર, મોડી રાત સુધી..
‘મને નહીં સમજાય ?’ એવું જાતને પૂછ્યું
કેમ ? શા કારણે ? લગ્નના ત્રીજા જ દિવસે માર મારીને, લાલડી વહુને કાઢી મૂકી પણ કેમ ?

સતત ત્રણ દિવસ સુધી સૌએ મિતાલીને સમજાવવાના પુરતાં પ્રયાસો કર્યા
આ અકલ્પનીય ઘટનાનું મૂળ કારણ મને કોઈએ કહ્યું નહીં,
એવું સમજીને કે, હજુ એ સમજણ માટે મારી ઉમ્ર નથી.

મારાં અને મિતાલીના ઘર વચ્ચે માત્ર ત્રણ મીટરનું અંતર હતું, પણ
મારામાં એટલી હિંમત નહતી કે, હું મિતાલીને જઈને કશું પૂછી શકું

ત્રણ દિવસ બાદ મારાં અને મિતાલીના ફેમીલી મેમ્બર્સ
એમ મળીને કુલ પાંચ સભ્યો
મિતાલીના સાસરે ગયાં..
ચર્ચા- વિચારણા દ્વારા કોઈ માધ્યમ માર્ગ અપનાવી
ફરી બન્ને પરિવારનો સંબંધ જોડવા

મારી આંખોમાં હું
સૌ સારા-વાના થાય એવી આશનું મેશ આંજીને બેઠી હતી

સાંજે સૌ પાછાં ફર્યા
પણ વિલા મોઢે
મિતાલીના મમ્મી, વિભા આંટીના હાથમાં એક સફેદ ચાદર હતી
અને ઘરમાં આવતાં વ્હેત વિભા આંટી તૂટી પડ્યાં
મન ફાવે તેમ મિતાલીને ભાંડવા..
આડેધડ શરુ કર્યા શાબ્દિક પ્રહારો
આસપાસ ઊભાં રહેલા કોઈની પણ પરવા કર્યા વિના..

બેફામ બળાપો ઓકાતા મિતાલીના મમ્મી ઊંચાં અવાજે બોલ્યાં..

‘સારું હતું કે પહેલાંના સમયમાં છોકરીઓને દૂધ પીતી કરી દેતાં. તારા જેવી ઔલાદ કરતાં તો મને વાંઝણી બનવું મંજૂર છે. તારા બાપની જોડે તું પણ મરી ગઈ હોત તો મારે આજે આ દિવસ જોવાનો વખત ન આવ્યો હોત.’

મિતાલીની દશા જોતાં એવું લાગ્યું જાણે કે
કોઈએ તેના કાનમાં ધગધગતું સીસું રેડ્યું હોય

થોડીવાર પછી મારી મમ્મીએ
મિતાલીને કહ્યું કે.
‘મમ્મીને સંભાળી લે’

આ સાભળીને મને આંચકો લાગ્યો
હું આંખો બંધ કરી, મનોમન બોલી
‘કોણે, કોને સંભાળવાનું છે ?

મિતાલી તેની મમ્મીને લઈ, તેમના બેડરૂમમાં ગઈ
છતાં વિભા આંટીનું રોદ્ર સ્વરૂપ શાંત ન થયું
બરાડા વધુ ઉગ્ર થયાં
ક્રોધાગ્નીની જ્વાળા વધુ ભડકે બળે
અર્થનું અનર્થ થાય, એ પહેલાં
હું અને મમ્મી તેમના બેડરૂમમાં દાખલ થયાં

વિભા આંટીએ શાબ્દિકની સાથે સાથે શારીરિક પ્રહાર પણ શરુ કર્યા
બધું જ સીમા પારનું હતું,
છતાં મિતાલી ચુપચાપ બસ આંસુ સાર્યે જતી રહી

કંઈ ન બનવા જોગ બને, એ પહેલાં મમ્મીએ મને કહ્યું
‘તું મિતાલીને લઈને હોલમાં જા. હું વિભાને સંભાળું છું.’

હું મિતાલીને લઈ, હોલમાં આવી
પાણી પીવડાવ્યું
પ્રેમથી તેના માથે હાથ પસવાર્યો
પછી પૂછ્યું.
‘તું ઠીક છો ?’

મિતાલી નિરુત્તર..
જમીન પર તેની નજરો ખોડીને મૌન મિતાલી બૂત બની બેઠી રહી

પાંચ મીનીટની ચુપકીદી બાદ મૌન તોડતાં મેં પૂછ્યું
‘મિતાલી મને કહીશ કે ખરેખર થયું છે શું ?’

દબાયેલાં સ્વરમાં મિતાલી માત્ર એટલું જ બોલી
‘રક્તસ્ત્રાવ ન થયો’

અત્યંત આશ્ચર્ય સાથે મેં પૂછ્યું..
‘શું ? હું કંઈ સમજી નહીં.’

હજુ મિતાલી કશું બોલે એ પહેલાં મારી મમ્મીએ ત્યાં આવીને
મિતાલીને વિભા આંટી જોડે જવાનું કહ્યું.

મિતાલી ગઈ
એટલે મમ્મીએ કહ્યું
‘તું આ મેટરથી દૂર જ રહેજે.’

આશરે છ મહિનાના દોડધામના અંતે પરિમાણ આવ્યું
ડિવોર્સ
વાર્તા પૂરી...

એએ...એક મિનીટ
વાર્તાના મુખ્ય અને વજનદાર કિરદાર સાથે તો તમારો પરિચય કરાવવાનું ભૂલી જ ગઈ..

આ ઘટનામાં સૌથી મહત્વુંનું પાસું જે પાત્રનું હતું એ હતો સમાજ.. સોસાયટી.
આ ઘટના પહેલાં અને ઘટના પછી પણ..

આપણું બંધારણ ભલે તમને કહે કે, તમને
ભણવાનો
બોલવાનો
રહેવાનો
કહેવાનો
અધિકાર છે
પણ અંતે
સમાજ તેના ધારા ધોરણ નક્કી કરશે
કે અધિકાર આપવો કે નહીં ?

મિતાલીનો તેના શ્વસુર પક્ષે એ કારણોસર અસ્વીકાર કર્યો કે
મિતાલી ‘વર્જિન’ નહતી

‘લગ્ન પહેલાં શારીરિક સંબંધ...
સેક્સ. ઓહ....હો
કેટલી બેશરમ છોકરી છે ?
બાપ વગરની દીકરી છે, એટલે આવું તો થવાનું જ હતું
હજુ મોકળા મને મોકલો બહાર ભણવા.’

દેશમાં ચારસોથી વધુ રીત છે
એ જાણવા માટે કે સ્ત્રી વર્જિન છે કે નહીં
આજે પણ ગામડા ગામમાં એક રીતે અપનાવાય છે
‘વ્હાઈટ શીટ ટેસ્ટ’

જો લગ્નની પ્રથમ રાત્રીએ સ્ત્રીનો રક્તસ્ત્રાવ ન થયો તો...
સમાજની દ્રષ્ટિએ તે સ્ત્રી
કેરેક્ટર સર્ટીફીકેટ મેળવવાને લાયક નથી
સવાલ સ્ત્રીના વર્જિનીટીનો નથી પણ
તે સ્ત્રીની પવિત્રતાનો છે
પ્યોર, પરફેક્ટ, અને પેટીપેક છે કે નહીં તેનો છે

સ્ત્રીનું સમગ્ર જીવન
સારી દીકરી
સારી બહેન
સારી પત્ની
સારી મા
સારી પ્રેમિકા
સારી મિત્ર
બસ સારી સારી અને સારી બનવામાં પસાર થઇ જાય

બધું જ કરી છુટયા બાદ પણ એવું થાય કે
આપણે તો કોઈને સંતુષ્ટ કરી જ ન શક્યા
ન પરિવાર
ન કુટુંબ
ન દોસ્ત
ન પ્રેમી
ન સમાજ અને
ન તો આ દુનિયા
નાક..
નાક કપાઈ જાય તમારું
જો સમાજના ફરમાનની વિરુદ્ધ કશું કરો તો

મિતાલી મારી ફ્રેન્ડ નહીં પણ મારાં માટે ફરિશ્તા બની ગઈ
કારણ કે મિતાલીએ મને શીખવાડ્યું....
કોઈના અભિપ્રાયને તમારું ચરિત્ર પ્રમાણપત્ર માનવાની ભૂલ કયારેય ન કરતાં

તેની ખુદની લડત મારી માટે જીવનભરનો બોધપાઠ બની

મિતાલીના કિસ્સામાં સત્ય ઈશ્વર જાણે

પણ આદર્શ સમાજના આદરણીય ઠેકેદારોને મારે એટલું જ કહેવું છે

પ્લીઝ...એકવાર ગૂગલ ખંખોળી લેજો
કોમાર્યભંગ થવાના એક નહીં, અનેક કારણો મળી આવશે.

વિજય રાવલ
૧૩/૦૮/૨૦૨૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED