Varasdaar - 26 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 26

વારસદાર પ્રકરણ 26

મંથનના લગ્નનો સમારંભ ખૂબ જ દિવ્ય વાતાવરણમાં રચાઈ ગયો. રજવાડી ઠાઠમાં લગ્ન થયું. ઝાલા સાહેબે જાણે કે નોટોનો વરસાદ કર્યો હોય એમ હોલને અંદરથી સજાવ્યો હતો અને લગ્ન પતે ત્યાં સુધી ઢોલકનો તાલ અને શરણાઈના સૂર વાતાવરણને માદક અને રોમેન્ટિક બનાવી રહ્યાં હતાં !!

બે વિદ્વાન પંડિતની પસંદગી કરી હતી એટલે મંત્રોચ્ચાર પણ ખૂબ જ દિવ્ય રીતે થઈ રહ્યા હતા. વિધિમાં કોઈ જ ઉતાવળ કરવામાં આવી ન હતી.

તમામ મહેમાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા આઈસક્રીમ અને કોલ્ડ્રિંક્સ લઈને હોલમાં સતત દોડાદોડી કરતા હતા.

જમવામાં પણ ચાર પ્રકારનાં અલગ અલગ કાઉન્ટર રાખેલાં હતાં. ઝાલા સાહેબનો સમાજ સુરેન્દ્રનગર પંથક માંથી આવ્યો હતો. એ પણ ઝાલાનો વૈભવ જોઈને આશ્ચર્ય પામી ગયો હતો !

જયેશ અને શિલ્પા તો આ અભૂતપૂર્વ લગ્ન સમારંભ જોઈને છક થઈ ગયાં. કોઈ પ્રિન્સના મેરેજમાં આવ્યા હોય એવો અહીં ઠાઠ હતો. લગ્ન મંડપમાં તૈયાર થયેલી અદિતિને જોઈને જયેશ અને શિલ્પા વધુ આશ્ચર્યચકિત થઈ ગયાં. ભલભલી હિરોઈન પણ ઝાંખી પડે એવું એનું રૂપ હતું. મંથન ખરેખર ખૂબ જ નસીબદાર હતો !! જયેશે તો આ લગ્નના કેટલાક પ્રસંગોનો વિડિયો પણ મોબાઈલમાં શૂટ કરી દીધો.

" તમારા આ મિત્ર સાથે સવિતાકાકીના ઘરે મારી મીટીંગ થઈ ત્યારે મને કલ્પના પણ ન હતી કે મંથનભાઈ ખરેખર સાચું જ બોલતા હતા કે એમની સગાઈ થઈ ગઈ છે !! સવિતાકાકી એમને ઓળખી ના શક્યાં. આટલા બધા શ્રીમંત ઘરમાં એમની સગાઈ થઇ હોવા છતાં એમણે મારામાં અંગત રસ લીધો અને તમારી સાથે મીટીંગ પણ કરાવી આપી. ખરેખર દરિયાદિલ માણસ છે !! " શિલ્પા જયેશને કહી રહી હતી.

" હા શિલ્પા. મંથનને તો હું નાનપણથી ઓળખું છું. એ પહેલેથી જ પારકી છઠ્ઠીનો જાગતલ છે. પોળમાં કોઈને પણ કંઈ તકલીફ હોય તો એ હંમેશા મદદ કરવા દોડી જાય. છતાં આજ સુધી કોઈએ એની કદર કરી નથી. ઈશ્વરે એનાં સારાં કર્મોનો બદલો આપી દીધો. " જયેશ બોલ્યો.

લગ્ન પતી ગયા પછી લગ્નમંડપમાં ભેટ સોગાતોનો વરસાદ વરસી રહ્યો હતો. ઝાલા સાહેબનું વકીલોની દુનિયામાં એક મોટું નામ હતું. એમના શ્રીમંત ક્લાયન્ટો પણ ઘણા હતા. આ બધો વર્ગ મોંઘીદાટ ગિફ્ટ લઈને આવ્યો હતો.

વિજયભાઈનું પણ બિલ્ડર લોબીનું મિત્રવર્તુળ ઘણું મોટું હતું અને ઝાલા સાહેબે આ તમામ બિલ્ડરોને ખાસ યાદ કરી કરીને મંથન તરફથી આમંત્રણ કાર્ડ મોકલ્યું હતું અને મંથનનો એક ટૂંકો પરિચય પણ કાર્ડમાં છાપ્યો હતો. એટલે મંથન તરફથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા અને મંથનને ભેટ સોગાતો આપી હતી.

સુંદરનગરથી ધનલક્ષ્મીબેનનો પરિવાર પણ લગ્નમાં હાજર રહ્યો હતો અને એ પણ આ ભવ્ય લગ્ન જોઈને આશ્ચર્ય પામી ગયો હતો !

મહેમાનોની ભેટ સોગાત પતી ગઈ પછી ઝાલા સાહેબે નવી નક્કોર મારુતિ સ્વિફ્ટ કારની ચાવી મંથનને જમાઈ તરીકે ગિફ્ટ આપી. મંથનને તો આ ગાડીની બાબતમાં છેક સુધી અંધારામાં રાખ્યો હતો એટલે એના માટે તો આ એક મોટું આશ્ચર્ય હતું !!

હોલની બહાર સ્વિફ્ટ ગાડી પડી હતી અને એના ઉપર એક સ્ટીકર પણ લગાડવામાં આવ્યું હતું. - "જમાઈ રાજને ઝાલા પરિવાર તરફથી ગિફ્ટ "

તમામ મહેમાનો એ વાંચી શકતા હતા. જયેશ અને શિલ્પાએ પણ ગાડી જોઈ. રફીક તો આ ગાડી જોઈને ખુશ થઈ ગયો. એણે જ મંથનને ડ્રાઇવિંગ શીખવાડીને કુશળ ડ્રાઇવર બનાવી દીધો હતો.

રફીક બહુ જ સ્માર્ટ હતો. મંથનનો આ અદભુત લગ્ન સમારંભ જોઈને એણે મનોમન ઘણું બધું માપી લીધું. મંથન હવે પુનીતપોળનો ગરીબડો ' બિચારો ' મંથન રહ્યો નથી. એક દિવસ આ માણસ મુંબઈમાં બિલ્ડર તરીકે છવાઈ જશે !!

લગ્ન સમારંભ પતી ગયો પછી વિદાય સમારંભ પહેલાં ઝાલા સાહેબે તમામ બિલ્ડર મિત્રો અને મહેમાનોની હાજરીમાં એક એનાઉન્સમેન્ટ કર્યું.

" મિત્રો આજે આપ સૌએ મારી દીકરી અદિતિના અને ગાલા બિલ્ડર્સવાળા વિજયભાઈ મહેતાના દીકરા મંથન મહેતાના લગ્નમાં હાજરી આપીને પ્રસંગને જે રીતે દીપાવ્યો છે એ બદલ આપ સૌનું હું દિલથી અભિવાદન કરું છું. " ઝાલાએ બોલવાની શરૂઆત કરી.

" મિત્રો.. બોરીવલી વેસ્ટમાં ગોરાઈ લિંક રોડ ઉપર સત્યમ હોસ્પિટલ પાસે મારો પોતાનો ૫૦૦૦ ચોરસ વારનો ટાઇટલ ક્લિયર પ્લોટ પડ્યો છે. એ પ્લોટ ઉપર ગાલા બિલ્ડર્સ વતી મારા જમાઈ મંથન મહેતા થ્રી બેડરૂમ કિચનના ૧૮૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટની એક લક્ઝરીયસ સ્કીમ મૂકી રહ્યા છે એની પણ આજના આ શુભ પ્રસંગે આપ સૌની વચ્ચે જાહેરાત કરું છું. " ઝાલા બોલી રહ્યા હતા.

" સ્કીમનું નામ અદિતિ ટાવર્સ પણ ગાલા બિલ્ડર્સના નામે વિજયભાઈએ ગયા વર્ષે રજીસ્ટર કરાવી દીધું હતું. એ અને બી એમ બે ટાવર બનશે. માર્કેટ પ્રાઇસ તો તમે જાણો જ છો. અમારી સ્કીમ સવા બે કરોડની ઓફરથી અમે શરૂ કરી રહ્યા છીએ. આશા રાખું છું કે તમામ મિત્રો આ નવા ઉભરતા સ્માર્ટ બિલ્ડરને ફૂલ સપોર્ટ અને સહકાર આપશે !!" ઝાલાએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

જાહેરાત થતાં જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ૫૦૦૦ ચોરસ વાર જગ્યા એટલે ઘણી મોટી જગ્યા કહેવાય અને ત્યાં થ્રી બીએચકેની સ્કીમ મુકવા માટે હાથ ઉપર કરોડો રૂપિયા જોઈએ. બધા જ બિલ્ડરો આશ્ચર્ય પામી ગયા અને ગણગણાટ શરૂ થઈ ગયો. જાહેરાત થતાંની સાથે જ મંથન મહેતાનું નામ તમામ મહેમાનોમાં છવાઈ ગયું !!

આ જાહેરાત કરીને ઝાલા સાહેબે પોતાના જમાઈને બહુ મોટું નામ આપી દીધું હતું અને બિલ્ડર લોબીમાં એની એન્ટ્રી કરી દીધી હતી. મંથન તો આ સાંભળીને અવાક જ થઈ ગયો હતો.

રફીકે આ સમાચાર સાંભળ્યા કે તરત જ એણે એના મામુને ફોન કર્યો અને ઝાલા સાહેબે જે એનાઉન્સમેન્ટ કર્યું એની જાણ કરી. રફીક ગઈકાલે આખો દિવસ મામુની સાથે જ હતો અને એણે મામુજાનને પોતાના જીગરી દોસ્ત મંથનને મોટી આર્થિક મદદ કરવા માટે ખાસ ભલામણ કરી હતી.

રફીકના મામુજાન નાસીરખાનનો એમડી ડ્રગ્સનો મોટો કારોબાર હતો. શરૂઆતમાં તો એ મોટો બુટલેગર હતો પણ પછી ડ્રગ્સના ધંધામાં એ કરોડો રૂપિયા કમાયો હતો. કરોડોના ડ્રગ્સની હેરાફેરી એ કરતો હતો. બાંદ્રા ઈસ્ટમાં બહેરામપાડા વિસ્તારમાં એનો અડ્ડો હતો અને અંધારી આલમમાં એનું બહુ મોટું નામ હતું.

રફીકે મામુજાનને ઝાલા સાહેબ બોરીવલીમાં બે લકઝરિયસ ટાવર્સની સ્કીમ મૂકી રહ્યા છે એ વાત ફોનમાં કહી એટલે મામુએ રફીક સાથે ફોનમાં કંઈક વાત કરી. રફીકે બધી વાત ધ્યાનથી સાંભળી લીધી. ફોન કટ કરીને એ આગળ આવ્યો અને માઈક પોતાના હાથમાં લીધું. હિન્દી બોલવાની આદત હોવા છતાં એણે જાણીજોઈને ગુજરાતીમાં જ વાત કરી.

" ઝાલા સાહેબ અને આમંત્રિત મહેમાનો. મંથનભાઈનો હું ખાસ મિત્ર છું અને ઝાલા સાહેબે હમણાં જે નવી સ્કીમની જાહેરાત કરી છે એમાં મુલુંડના જાણીતા કચ્છી ડાયમંડ મરચંટ દલીચંદ ગડા તરફથી ૧૦ ફ્લેટનું બુકિંગ એડવાન્સમાં હું કરાવી દઉં છું અને આ તમામ ૧૦ ફ્લેટ ની પૂરેપૂરી રકમ મંથનભાઈને બે થી ત્રણ દિવસમાં મળી જશે." રફીક બોલતો હતો.

" એટલું જ નહીં આ તો એક શરૂઆત છે. ગડા સાહેબ સાથે મારે વાત થઈ છે અને એમની ઈચ્છા એમના જૈન ગ્રુપ માટે અદિતિ ટાવર્સની આખેઆખી એક વિંગ ખરીદવાની છે જેના માટે એ રૂબરૂ મંથનભાઈને મળી લેશે. " રફીક બોલ્યો અને એણે માઈક ઝાલા સાહેબને પાછું આપ્યું.

આખાય હોલમાં સોપો પડી ગયો. હાજર રહેલા તમામ બિલ્ડર મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. સ્કીમ બને તે પહેલાં જ આખેઆખું એક ટાવર ફુલ એડવાન્સ પેમેન્ટમાં વેચાઈ જાય એ તો કલ્પના બહારનું હતું. છોકરો છે તો નસીબદાર ! મુંબઈમાં ચોક્કસ નામ કાઢશે !!

બીજા બધા તો ઠીક પરંતુ ઝાલાસાહેબ પોતે પણ રફીકની વાત સાંભળીને અવાક થઈ ગયા. મંથનકુમાર તો હજી મુંબઈમાં નવા છે તો એમનો આટલો મોટો પરિચય અને એ પણ દલીચંદ ગડા જેવી મોટી હસ્તીના માણસ સાથે !! દલીચંદ ગડા હજાર કરોડની ડાયમંડ પાર્ટી હતી. કરોડો રૂપિયાના ફ્લેટ સ્કીમ મુકાય તે પહેલાં જ વેચાઈ ગયા હતા. અને આ તો આખું જૈન ગ્રુપ આવતું હતું એટલે એમની પાછળ પાછળ બીજું ટાવર પણ જૈનોમાં જ વેચાઈ જવાનું. એમણે આકાશ તરફ જોઈને મનોમન વિજયભાઈને અને ગુરુજીને વંદન કર્યાં.

કન્યા વિદાયનો સમય થઈ ગયો હતો એટલે તમામ મહેમાનો વિદાયના પ્રસંગમાં ગુંથાઈ ગયા.

" રફીક તેં તો જબરદસ્ત સરપ્રાઈઝ આપ્યું દોસ્ત. મને તો કલ્પના પણ ન હતી કે તું અહીં અત્યારે આવી જાહેરાત કરીશ ! એનીવેઝ... હવે તારો શું પ્રોગ્રામ છે ? તું સુંદરનગર આવે છે કે બારોબાર નીકળી જાય છે ? તું કહે એ પ્રમાણે તારી ફ્લાઈટ ની ટિકિટ બુક કરાવી દઉં." મંથને રફીકને બાજુમાં બોલાવીને કહ્યું.

" આ બધી જ મદદ મામુજાન તરફથી છે. એ વિશે પછી ચર્ચા કરીશું. હું મારી મેળે કાલે સવારે શતાબ્દીમાં નીકળી જઈશ. ટ્રેઈનની ટિકિટ મેં બુક કરાવી દીધી છે. તારે ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. હું હવે અહીંથી સીધો બાંદ્રા મામુજાન પાસે જાઉં છું. લગ્નનો પ્રસંગ અફલાતૂન રહ્યો. દિલથી કોન્ગ્રેચ્યુલેશન્સ. " રફીક બોલ્યો.

" શું વાત છે ! તું આટલું સરસ ગુજરાતી પણ બોલી શકે છે ?" મંથન હસીને બોલ્યો.

" અરે ભાઈ ગુજરાતી છું. ગુજરાતી સ્કૂલમાં ભણ્યો છું. યે તો હમલોગોંકી આદત પડ ગઈ હૈ હિન્દીમે બાત કરને કી. " રફીક પણ હસીને બોલ્યો.

ત્યાં ઝાલાસાહેબ આવ્યા એટલે રફીક બાજુમાં ખસી ગયો.

" મંથનકુમાર તમારામાં લગ્ન કરીને તરત જ એ જ દિવસે કુળદેવીનાં દર્શન કરવાનો રિવાજ તો નથી ને ? " ઝાલાએ મંથનને પૂછ્યું.

" ના પપ્પા. પહેલી વાત તો એ છે કે મારાં કુળદેવી કોણ છે એ મને કંઈ જ ખબર નથી. હું અમદાવાદના માધુપુરાનાં અંબાજીને માનું છું. એટલે એ તો બે ચાર દિવસ પછી ગમે ત્યારે હું સજોડે દર્શન કરી આવીશ. " મંથન બોલ્યો.

" ચાલો. તો તો પછી વાંધો નથી. કન્યા વિદાયનો પ્રસંગ પતે પછી તમે અને અદિતિ સીધા ગાડી લઈને સુંદરનગર પહોંચી જાઓ. તમારી નવી ગાડીમાં આજ પૂરતી ડ્રાઇવરની વ્યવસ્થા મેં કરી છે. બીજી ગાડીમાં તમારા બાકીના બે મહેમાનોની સાથે વીણાબેન અને એક પંડિત પણ આવે છે. નવદંપત્તિને ગૃહપ્રવેશ કરાવવા માટે એ લોકો સૌથી પહેલાં ફ્લેટમાં જશે. " ઝાલા અંકલ બોલ્યા.

" ઠીક છે પપ્પા. એ લોકો બોલાવે પછી અમે ઉપર જઈશું. " મંથન બોલ્યો.

એ પછી કન્યા વિદાયનો પ્રસંગ બહુ જ ભવ્ય રીતે યોજાઈ ગયો. લગ્નનાં અને વિદાયનાં ગીત ગાવા માટે બોરીવલીની જ એક પ્રોફેશનલ ગાયિકાને બોલાવેલી જેણે દરેક પ્રસંગને અનુરૂપ અદભુત ગીતો ગાયાં.

અદિતિની વિદાય વખતે ઝાલા સાહેબ અને સરયૂબાનું હૃદય ભારે થઈ ગયું. લાગણીશીલ અદિતિ પણ રડી પડી. એ એમની એકની એક દીકરી હતી.

પંડિતજીએ વિદાયના મંત્રોચ્ચાર કરી દીધા પછી બંને ગાડીઓ મલાડ જવા માટે રવાના થઈ ગઈ.

એ લોકોના ગયા પછી રફીક પણ હોલમાંથી બહાર નીકળવા જતો હતો ત્યાં જ એના મામુજાન નાસીરખાનનો એના ઉપર ફોન આવ્યો.

" રફીક સુન. વો ઝાલાકા ફોન નંબર લે લે ઓર મુજે મેસેજ કર દે. થોડી દેરમેં ગડા સે મેં બાત કરવાતા હું " મામુજાન બોલ્યા.

" અંકલ આપકા ફોન નંબર મુજે દીજીએ. દલીચંદ ગડાસે મૈં આપકી બાત કરવાતા હું. " રફીક ઝાલા સાહેબ પાસે જઈને બોલ્યો. ઝાલા અંકલે એને નંબર આપી દીધો.

રફીકે તરત જ ઝાલા અંકલનો નંબર મામુજાનને મેસેજ કરી દીધો.

બરાબર દસમી મિનિટે ઝાલા અંકલ ઉપર મુલુંડથી દલીચંદ ગડાનો ફોન આવી ગયો.

" હલો... એડવોકેટ ઝાલા બોલો છો ?" દલીચંદ ગડાના સેક્રેટરીએ વાત શરૂ કરી.

" જી હું ઝાલા. " ઝાલાએ જવાબ આપ્યો.

" ગડા શેઠ વાત કરવા માંગે છે. ચાલુ રાખજો. લાઈન આપું છું. " સેક્રેટરી બોલ્યો.

" હલો... ગડા બોલું છું. " દલીચંદ બોલ્યા.

" જી શેઠ નમસ્તે. " ઝાલાએ નમસ્કાર કર્યા.

" સમાચાર મળ્યા મને. તમારી દીકરીનાં લગન છે. દીકરીને મારા તરફથી આશીર્વાદ આપજો." ગડા બોલ્યા.

" જી શેઠ. ખૂબ ખૂબ આભાર. " ઝાલાએ કહ્યું.

" તમે હમણાં જ તમારી ગોરાઈ લિંક રોડની સ્કીમની જાહેરાત કરી છે. એ સમાચાર પણ મને મળ્યા. એક ટાવરમાં કેટલા ફ્લેટ છે ? " ગડા બોલ્યા.

" જી ૫૦૦૦ વારના પ્લોટમાં ૮ માળનાં બે ટાવર છે. એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે. દરેક ટાવરમાં ૩૨ ફ્લેટનું આયોજન છે. પજેશન મળતાં સવા દોઢ વર્ષ તો નીકળી જશે. અદિતિ ટાવર્સ નામ રજીસ્ટર થઈ ગયું છે. કન્સ્ટ્રક્શન બે મહિનામાં ચાલુ થશે. " ઝાલાએ વિગતવાર માહિતી આપી.

" મારી ગણતરી એક આખી વિંગ ખરીદી લેવાની છે. પરંતુ હમણાં ૨૦ ફ્લેટનું પેમેન્ટ તમને કરાવી આપું છું. બાકીના ફ્લેટ માટે પછી જોઈશું. તમે મારી મુલુંડની ઓફિસે ગમે ત્યારે રૂબરૂ આવી શકો છો. મારો નંબર સેવ કરી લેજો. " ગડા બોલ્યા અને ફોન કટ કર્યો.

ઝાલા સાહેબ માટે તો આ બધું સ્વપ્ન જેવું થઈ રહ્યું હતું. હજુ તો સ્કીમની જાહેરાત થઈ હતી ત્યાં તો ૨૦ ફ્લેટનો સોદો પણ થઈ ગયો. દલીચંદ ગડાએ પોતે જ વાત કરી હતી છતાં પણ ઝાલાને જાણે પોતાના કાન ઉપર વિશ્વાસ આવતો ન હતો !

સ્કીમ જોયા વિના કોઈ ૪૦ ૫૦ કરોડનું રોકાણ કઈ રીતે કરી શકે ? જો કે જે પણ થયું તે સારું જ થયું છે. કારણ કે પોતાની સ્કીમની આટલી મોટી જાહેરાત થઈ ગઈ છે અને જો ખરેખર ગડા આટલું મોટું રોકાણ કરે તો પાછળ ને પાછળ બીજી વિંગ વેચાઈ જતાં પણ વાર નહીં લાગે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED