ભોળપણ Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભોળપણ

"કહું છું સાંભળો છો," પૂર્વીએ પતિ હિમાંશુ સામે ડાઇનિંગ ટેબલ પર બેસી નાસ્તો આપતા કહ્યું,"આજકાલ આપણી નિત્યા કાંઈક ખોવાયેલી લાગે છે. સ્કૂલેથી આવીને પહેલાની જેમ ધમાચકડી નથી મચાવતી. ગુમસુમ રહે છે, રાત્રે મોડે સુધી એના બેડરૂમની લાઈટ ચાલુ હોય છે."

"પૂર્વી ડાર્લિંગ, ચિંતા નહીં કર, એની દસમાની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે એટલે મોડે સુધી વાંચતી હશે," ,હિમાંશુએ ચા નાસ્તાને ન્યાય આપતાં કહ્યું, "તું ટેંશન ના લે, નિત્યા પરીક્ષાની તૈયારી કરતી હશે." કહી હિમાંશુ નાસ્તો પૂરો કરી નહાવા જતો રહ્યો.

પૂર્વી અને હિમાંશુની એક ની એક લાડકી દીકરી નિત્યા, દેખાવે સુંદર, મોટી મોટી ભોળી આંખો, કમર સુધી લહેરાતા લાંબા વાળ. નિત્યા એસ. જી. હાઈ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતી.

"બેટા નિત્યા, ઉઠ દીકરા, રાત્રે રોજ મોડે સુધી જાગીને વાંચે છે અને સવારે ઉઠવામાં મોડું કરે છે, ચાલ ઉઠ હવે, જલ્દી તૈયાર થઈ જા, સ્કૂલ બસ આવી જશે." પૂર્વીએ નિત્યાને ઢંઢોળી નાખી.

આળસ મરોડતી નિત્યા ઉભી થઈ અને બાથરૂમમાં જતી રહી. થોડીવારમાં તૈયાર થઈ, પૂર્વીએ તૈયાર કરી રાખેલું ગરમ દૂધ અને નાસ્તો કરી, સ્કૂલ બસ આવતાં નિત્યા મમ્મી પપ્પા ને બાય કરી સ્કૂલે જતી રહી.

સાંજે હિમાંશુ ઓફિસથી આવ્યો ત્યારે નિત્યા એના રૂમમાં બેસી બુકમાં લખી રહી હતી. હિમાંશુ ફ્રેશ થઈ નિત્યા પાસે આવ્યો,"નિત્યા, તને એક્ઝામનું ટેંશન છે? બેટા, કેટલાય દિવસથી જોઉં છું તું નથી સરખું જમતી કે નથી સરખી ઊંઘ કરતી. કાલે આપણે તારા માટે ટયુશન શોધશું. હું કાલે મોડો જઈશ, તું ચિંતા નહીં કરતી. પરીક્ષામાં સારા ટકે જ પાસ થઈશ એની ખાતરી છે મને." હિમાંશુ નિત્યના માથે હાથ ફેરવી રહ્યો હતો.

"પપ્પા, મને ફક્ત મેથ્સમાં પ્રોબ્લેમ છે, પણ અમારા સ્કૂલના ચિરાગસર છે ને એ બહુ સરસ રીતે મેથ્સ સમજાવે છે. એક જ વારમાં કન્સેપ્ટ ક્લીઅર થઈ જાય છે. હું એમની પાસે ભણવા જવા વિચારી રહી છું," નિત્યાએ બુક્સ બેગમાં ભરતાં કહ્યું.

"ઓકે દીકરા, તું જ્યાં કહીશ ત્યાં તારું ટ્યુશન રખાવશું, નાઉ ચીઅર અપ, ડોન્ટ વરી," કહી હિમાંશુ ડ્રોઈંગરૂમમાં જતો રહ્યો.

બીજા દિવસે નિત્યા સાથે જઈ હિમાંશુએ ચિરાગસર સાથે ટ્યુશન નક્કી કર્યું અને રોજ સાંજે નિત્યા ચિરાગસર પાસે ભણવા માટે જવા લાગી.

લગભગ બે અઠવાડિયા એક દિવસ બપોરે પૂર્વીના મોબાઇલની રિંગ વાગી. નિત્યાને સ્કૂલેથી આવવાને હજી કલાકેક ની વાર હતી. પૂર્વીએ ફોન રિસીવ કર્યો.

"હેલો, હું ચિરાગ બોલું છું, નિત્યાના મેથ્સ સર, તમે એની મમ્મી બોલો છો ને?" સામે છેડેથી ચિરાગનો અવાજ આવ્યો.

"જી સર, હું પૂર્વી બોલું છું, નિત્યાની મમ્મી, શું થયું છે સર, એની પ્રોબ્લેમ?" પૂર્વીના અવાજમાં ચિંતાનો ઉમેરાઈ.

"પૂર્વીબેન, તમારી નિત્યા ખૂબ જ ભોળી અને મુગ્ધ છે. એ મનોમન મને ચાહવા લાગી છે. ટ્યુશનનું તો માત્ર એક બહાનું છે. કાલે હું એને લેશન આપી વોશરૂમથી પાછો ફર્યો ત્યારે એને ખબર ન પડે એ રીતે હું એની પાછળ ઉભો રહ્યો. ત્યારે નિત્યા એની નોટબુકમાં સમ સોલ્વ કરવાને બદલે આઈ લવ યુ સર એમ લખી રહી હતી. આખું પાનું ભરાઈ ગયું હતું. હું એક પરિણીત, સંસ્કારી અને સમજુ શિક્ષક છું. મારી ફરજ છે કે તમને આ વાત જણાવું. બેન, આ વય જ એવી છે કે એમાં વિજાતીય વ્યક્તિનું આકર્ષણ અનાયાસે થઈ જ જાય છે. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે બીજી કોઈ વ્યક્તિ નિત્યાની નાદાન ઉમર અને ભોળપણનો ફાયદો ના ઉપાડે. તમે આ બાબતે જરા ધ્યાન રાખજો," ચિરાગસરે બધી વાત કરી.

પૂર્વી તો આ વાત સાંભળીને હેબતાઈ જ ગઈ. "થેન્ક યુ સર, વખતસર તમે મને જાણ કરી," કહી પૂર્વીએ ફોન કટ કર્યો.

પૂર્વી એ ગડમથલમાં ઊભી રહી ગઈ કે એ "નિત્યાના ભોળપણ પણ રડે કે ગુસ્સો કરે."


- શીતલ મારૂ.