વારસદાર - 17 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વારસદાર - 17

વારસદાર પ્રકરણ 17

મંથન સવારે ૬:૩૦ વાગે અમદાવાદ જવા માટે નીકળી ગયો એ પછી અનિરુદ્ધસિંહ ઝાલા અને સરયૂબાએ ચા પીતાં પીતાં અદિતિ સાથે વાતચીત શરૂ કરી.

"કેમ લાગે છે બેટા તને ? મંથન સાથે પણ મેં તમારા બંનેની સગાઈની વાત કરી હતી. એનાં વાણી વર્તન મને તો ખૂબ સારાં લાગ્યાં. " ઝાલા બોલ્યા.

" તમે આપેલું વચન તોડવાની મારી કોઈ જ ઇચ્છા નથી પપ્પા. મંથન મારી કલ્પના કરતાં પણ સરસ પાત્ર છે. ખૂબ સ્માર્ટ, હાજરજવાબી અને હેન્ડસમ પણ છે. આઈ એમ ઇમ્પ્રેસડ. એમના જીવનમાં બીજું કોઈ પાત્ર નથી. જો એમને કોઈ વાંધો ના હોય તો મને તો આ સંબંધ મંજુર છે. " અદિતિ થોડી શરમાઈને બોલી.

" બસ તારા તરફથી આ જ જવાબની અપેક્ષા હતી અમને. મંથન સાથેની વાતચીત ઉપરથી મને પણ એમ લાગે છે કે એની પણ ઈચ્છા તારી સાથે જ લગ્ન કરવાની છે." ઝાલા બોલ્યા.

" હવે તમે એને મંથન મંથન ના કહ્યા કરો. મંથનકુમાર કહો. જો એમની હા આવશે તો એ આપણા જમાઈ બનશે." સરયૂબા બોલ્યાં.

" અને મને તો મંથનકુમાર ખૂબ જ સંસ્કારી અને મળતાવડા લાગ્યા. શોભે એવી જોડી છે તમારી. બસ એમનો જવાબ આવી જાય એટલે આ વર્ષે જ તમારાં લગન ગોઠવી દઈએ. " સરયૂબાએ કહ્યું.

અદિતિને તો મંથન ખૂબ જ ગમી ગયો હતો. એ તો એના પ્રેમમાં જ પડી ગઈ હતી. એને તો સતત મંથનના જ વિચારો આવતા હતા. ઈર્ષા આવે એવો યુવાન છે !! વાતો પણ કેવી સરસ કરે છે !!
*******************
શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગ્યો હતો. મંથન રીક્ષા કરીને પુનિત પોળ પોતાના ઘરે પહોંચી ગયો.

પૈસાની એક અજબ ખુમારી હોય છે. મંથનના દેખાવ અને ચાલમાં પણ કુદરતી ફરક પડી ગયો હતો. એક પોઝિટિવ ઊર્જા એના વ્યક્તિત્વમાંથી છલકાતી હતી. એને જે પણ જુએ એ હવે આદર ભાવથી જોતું હતું.

ઘરનો દરવાજો ખોલીને એણે બેગને અંદર મૂકી અને સીધો મંજુમાસી ના ઘરે ગયો.

"માસી ઘરે જરા આવી જજો ને. ત્રણ ચાર દિવસ ઘર બંધ હતું એટલે સાફ સફાઈ કરવી પડશે. પોતું નહીં કરો તો ચાલશે. અને અત્યારે તો નળ બંધ છે એટલે તમારા ઘરેથી એકાદ ઘડો પાણી પણ લેતાં આવજો. " મંથન બોલ્યો.

" ભલે ભાઈ હું થોડીવારમાં જ આવું છું. " મંજુમાસી બોલ્યાં.

મંજુમાસીએ આવીને અડધા કલાકમાં તો મંથનનું ઘર એકદમ ચોખ્ખું કરી દીધું. આખું ઘર ઝાપટીને કચરો વાળી દીધો અને પોતું પણ કરી દીધું. માટલું વીછળીને એમાં ઘડાનું તાજું પાણી પણ ભરી દીધું.

" તમારે કપડાં ધોવાના હોય તો કાઢી રાખો. સાંજે નળ આવે છે એટલે આવીને ધોઈ નાખીશ. " મંજુમાસી બોલ્યાં.

" ભલે માસી સાંજે તમે આવી જજો. હું કપડાં કાઢી રાખીશ. " મંથન બોલ્યો.

મંજુમાસી ગયા પછી મંથન આરામ કરવા માટે મેડી ઉપર ગયો અને પંખાની સ્વિચ ઓન કરીને પલંગમાં આડો પડ્યો.

શતાબ્દીમાં જમવાનું મળતું હતું એટલે બપોરે જમવાની તો કોઈ ચિંતા જ ન હતી. મુસાફરીનો થોડો થાક હતો એટલે એને ઊંઘ આવી ગઈ.

ચારેક વાગે એને લાગ્યું કે પોતાના મકાનની જાળી કોઈ ખટખટાવી રહ્યું છે. એ ઊભો થયો. ટી શર્ટ પહેરી લીધું. મોં ધોઈ માથું ઓળ્યું અને નીચે આવ્યો.

બારણું ખોલ્યું તો કોઈ વડીલ એની સામે ઉભા હતા.

" અરે મંથનભાઈ અંદર તો આવવા દો. ક્યારનો તમારો દરવાજો ખખડાવું છું."
આગંતુક વડીલ બોલ્યા.

" જી આવો. મને ઓળખાણ ના પડી." મંથન બોલ્યો અને બેસવા માટે ખુરશી આપી.

" રાયપુર હજીરાની પોળમાં રહું છું ભાઈ. મારું નામ માણેકલાલ. તમે તો મને ક્યાંથી ઓળખો ? તમારી પોળમાં સવિતાબેન રહે છે એ મારા દૂરના સગામાં થાય. એમનો કાલે મારા ઉપર ફોન આવ્યો હતો. " વડીલ બોલ્યા.

" શાના માટે તમને ફોન કર્યો સવિતા માસીએ ? " મંથનને કંઈ સમજણ ના પડી એટલે પૂછ્યું.

" ના સમજ્યા ? કેટલી ઉંમર થઈ તમારી ? " માણેકલાલ બોલ્યા.

" જી સત્તાવીસમું ચાલે છે. " મંથન બોલ્યો. હજુ પણ એને કંઈ સમજાતું ન હતું.

" લગન નથી કરવાનાં ? ક્યાં સુધી કુંવારા રહેશો ? સવિતાબેને મને બધી વાત કરી કે તમારી આગળ પાછળ કુટુંબમાં કોઈ નથી. બિચારાંને તમારી દયા આવી. મને કહે કે ગમે ત્યાંથી અમારા મંથન માટે સારી બ્રાહ્મણ કન્યા શોધી કાઢો. " માણેકલાલ પોરસાઈને બોલ્યા.

" અચ્છા અચ્છા હવે હું સમજ્યો. " મંથન બોલ્યો. જો કે મનમાં તો એને હસવું આવતું હતું. હવે અચાનક મારી ચિંતા કરવાવાળાં સગાં ફૂટી નીકળ્યાં.

" તમે જરાય ચિંતા કરશો નહીં. તમને પરણાવવાની જવાબદારી મારી. એક કરતાં એક ચડિયાતી કન્યાઓ તમને બતાવું. બધી ગરીબ ઘરની છે એટલે થોડા પૈસા વેરવા પડશે. ત્રણ ઘર તો મારા ધ્યાનમાં જ છે. " માણેકલાલ બોલ્યા.

" શું વાત કરો છો અંકલ ? ત્રણ ત્રણ કન્યાઓ તમારા ધ્યાનમાં છે ? " મંથન બોલ્યો. એને મજા આવતી હતી.

"ત્રણ શું ! પૈસા ખર્ચો તો કન્યાઓની લાઇન લગાડી દઉં. આજકાલ તમારા જેવા મુરતિયા ક્યાં રસ્તામાં પડ્યા છે ? મારી વાત ખોટી છે ? " માણેકલાલ હસીને બોલ્યા.

" ના જરા પણ ખોટી નથી. મારા જેવા મુરતિયા થોડા રસ્તામાં પડ્યા હોય ?" મંથન બોલ્યો.

" જુઓ મંથનભાઈ ગોળ નાખો એટલું ગળ્યું થાય. દુનિયામાં પૈસો બોલે છે. મારી વાત ખોટી છે ? "

" તમે તો અનુભવી છો વડીલ. તમારી વાત કેવી રીતે ખોટી હોય ? " મંથન બોલ્યો.

" બસ ત્યારે ભરોસો રાખો. રૂપિયા વેરો એટલે લાઈન લાગી જાય. અમુક ઉંમર સુધી જ સારી છોકરીઓ મળે. ઉંમર વધી જાય એટલે સમાધાન કરવાનો વારો આવે. હવે સીધો મુદ્દા ઉપર આવું. બોલો કેટલા સુધીની તૈયારી છે ? " માણેકલાલ બોલ્યા.

" એ તો મને કેમ ખબર પડે અંકલ ? હજુ સુધી તો કોઈ માગું આવ્યું નથી એટલે ભાવતાલ નો અનુભવ નથી. " મંથન બોલ્યો.

" એટલે જ મારે આવવું પડ્યું ને ? સવિતાબેને મને એ જ કહ્યું કે મંથન આટલું સારું કમાય છે પણ કોઈ છોકરી દેવાવાળુ નથી. ચિંતા નહીં કરો. પાંચ લાખ જેટલો તો ખર્ચો થશે જ. જેટલા વધારે ખર્ચો એટલી વધારે સારી કન્યા મળે. ચોખ્ખો હિસાબ છે. " માણેકલાલ બોલ્યા.

" રકમ વધારે નથી લાગતી વડીલ ? છોકરો સારું કમાતો હોય તો ઉપરથી છોકરીવાળા દહેજ આપવા તૈયાર હોય છે. અને મારા જેવા મુરતિયા ક્યાં રસ્તામાં પડ્યા છે ? બે લાખનો તો પગાર છે મારો. લાખોનું કમિશન મળે છે એ અલગ. બે-ત્રણ મહિનામાં તો વસ્ત્રાપુર કે બોપલમાં બંગલો લેવાનો છું. પછી મારે સામેથી પાંચ લાખ આપવા પડે એ કેવું ? " મંથને હવે માણેકલાલને સાણસામાં લીધા.

" જુઓ મંથનભાઈ...ગરીબ ઘરની છોકરીઓ છે એટલે પૈસાની તો આશા રાખે ને ? અને તમારા જેવો પૈસાદાર છોકરો મળતો હોય તો બેઠે ઉઠે ઓછું વત્તું થઈ શકશે. તમે એકવાર હા પાડો એટલે છોકરીઓ બતાવવાનું ચાલુ કરી દઉં. " માણેકલાલ ઢીલા પડ્યા.

" ઠીક છે વડીલ. વિચાર કરીને હું સવિતામાસીને જણાવીશ. એક વાર સારા એરિયામાં બંગલો લઈ લઉં તો છોકરીવાળા ને પણ બતાવી શકું ને ? " મંથન બોલ્યો એટલે માણેકલાલ ઊભા થયા.

" તમને મળીને મને ખૂબ જ આનંદ થયો કે તમે મારામાં આટલો રસ લીધો." મંથન બે હાથ જોડીને બોલ્યો.

માણેકલાલ ધીમે રહીને ઘરની બહાર નીકળી ગયા. મંથન ને ખાત્રી હતી જ કે એ સીધા સવિતામાસી ના ઘરે જ જશે અને ખરેખર એ ત્યાં જ ગયા.

સાડા ચાર વાગી ગયા હતા એટલે દરવાજે તાળુ મારીને મંથન બાઈક લઈને જયેશની અંબિકા હોટલ ચા પીવા માટે પહોંચી ગયો.

" અરે મંથન ચાર-પાંચ દિવસથી કેમ દેખાતો ન હતો ? " મંથનને જોઈને જયેશ બોલી ઉઠ્યો.

" મુંબઈ ગયો હતો જયેશ. મારી જોબ માં હવે અવાર નવાર મુંબઈ જવાનું તો થશે જ. આટલો બધો પગાર મળે છે તો રખડવું તો પડે ને ! " મંથન બોલ્યો.

" અરે બાલુભાઇ મંથનભાઈને એક સ્પેશિયલ ચા આપો. " જયેશે હોટલના નોકરને આદેશ આપ્યો.

મંથને જોયું કે જયેશની હોટલ સાવ ખખડધજ હાલતમાં હતી. ટેબલ પણ તૂટેલાં હતાં. દીવાલો ઉપરથી પોપડા નીકળી ગયા હતા. ચા બનાવવાનો ખૂણો તો એકદમ કાળો થઈ ગયો હતો. બેસવા માટેની પાટલીઓ પણ સાવ જૂની હતી. હોટલનું બોર્ડ પણ વર્ષો પહેલાંનું ઘસાઈ ગયેલું હતું.

" અરે જયેશ તારી આ હોટલનું થોડું રિનોવેશન કરવું હોય તો કેટલો ખર્ચ થાય ? દીવાલોને ફરીથી પ્લાસ્ટર અને કલર, નવાં ટેબલ અને ખુરશીઓ, નવું બોર્ડ. ટૂંકમાં આખી હોટલ નવા જેવી. કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવીને તું એસ્ટીમેટ કઢાવી લે." ચા પીધા પછી મંથન જયેશના કાઉન્ટર પાસે આવીને બોલ્યો.

" અરે મંથન મારી અત્યારે એવી કોઈ તાકાત નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દે. આવી ખખડધજ છે તોપણ સારામાં સારી ચાલે છે. આખી નવી કરાવવા જાઉં તો બે ત્રણ લાખ આરામથી ઘૂસી જાય. "

" જો હું એકાદ લાખની તને મદદ કરવા તૈયાર છું. બાકીના થોડા તું ઉમેરજે. બે દિવસમાં મને એસ્ટીમેટ તો કઢાવ. બે લાખ સુધી જેટલું થતું હોય એટલું કરાવી દે. તારે એક લાખ મને પાછા આપવાના નથી. વર્ષોની આપણી ભાઈબંધી છે તો આટલી ગિફ્ટ મારા તરફથી !! " મંથન બોલ્યો અને એણે હોટલની બહાર આવીને બાઈક સ્ટાર્ટ કરી. જયેશ તો આશ્ચર્યથી એને જોઈ જ રહ્યો !!

મંથન બાઇક લઇને દરિયાપુર દરવાજા તરફ ગયો અને રફીકની મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે જઈને બાઈક પાર્ક કરી.

" અરે આવ મંથન. ઘણા દિવસે મારી યાદ આવી. " રફીક મંથનને જોઇને બોલ્યો.

" બસ તારું કામ પડ્યું છે એટલે આવી ગયો. ગાડીનું ડ્રાઈવિંગ શીખવું છે. તારે પોતે જ શીખવાડવું પડશે. ગમે એવા ટ્રાફિકમાં ગાડી ચલાવી શકું એવી મસ્ત ટ્રેનિંગ મને આપ. ભલે મહિનો લાગે. " મંથન બોલ્યો.

" શું વાત છે મંથન ? તારે ગાડી શીખવી છે ? એન્જિનિયરમાંથી હવે ડ્રાઇવરની નોકરી તો નથી કરવી ને ? " રફીક મજાકમાં બોલ્યો.

" પોતાની ગાડી ચલાવવી છે રફીક. " મંથન હસીને બોલ્યો.

" ઇન્શાલ્લાહ ! ક્યા બાત કહી યાર !!" રફીક ખુશ થઈને બોલ્યો.

" હા રફીક. મહિને બે લાખની નોકરી મળી છે. હવે કદાચ કાયમ માટે મુંબઈ શિફ્ટ થવાનું પણ થાય. અને ત્યાં કંપનીના કામે સતત ફરવાનું હોય છે એટલે કંપનીના ખર્ચે ગાડી પણ લઈ રહ્યો છું. " મંથન બોલ્યો.

" તું શું વાત કરે છે મંથન ? તારાં તો ઉઘડી ગયાં. મને ખૂબ જ આનંદ થયો. હવે કામની વાત... તને સવારે નવ વાગે ફાવશે ? રોજ દોઢ કલાક હું તને આપીશ. " રફીક બોલ્યો.

" તું જે કહે એ ટાઈમે હું હાજર થઈ જઈશ. મને ટાઈમનો કોઈ જ પ્રોબ્લેમ નથી. અને પૈસાની પણ તું કોઈ ચિંતા ના કરતો. મંથન હવે બદલાઈ ગયો છે." મંથન હસીને બોલ્યો.

" તારા પૈસાની મને કોઈ ચિંતા હોય જ નહીં. હવે બોલ શું ફાવશે ઠંડુ કે ગરમ ? " રફીક બોલ્યો.

" અત્યારે કંઈ પણ પીવાની ઈચ્છા નથી. કાલે સવારે મંગાવજે. જયેશના ત્યાં ચા પીને જ આવ્યો છું. સવારે નવ વાગે આવી જઈશ " મંથન બોલ્યો અને બાઈક લઈને ઘરે આવ્યો.

સાંજે ૬:૩૦ વાગે નળ આવ્યા એટલે મંજુમાસી આવીને બધાં જ કપડાં ધોઈ ગયાં.

રાત્રે આઠ વાગ્યે મંથન ઉર્મિલામાસીના ત્યાં જમવા ગયો.

" મુંબઈ જઈ આવ્યા ભાઈ ? " મંથનને જોઈને માસી બોલ્યાં.

" હા માસી. હમણાં બપોરે જ આવ્યો. " મંથન બોલ્યો અને જમવા બેસી ગયો.

બીજા દિવસે સવારે મંથન ૫:૩૦ વાગે ઉઠી ગયો. બ્રશ વગેરે પતાવી નાહી ધોઇને એણે ગુરુજીની આજ્ઞા પ્રમાણે ગાયત્રી મંત્રની માળા કરવાનું શરૂ કર્યું. ટેવ ન હોવાથી શરૂઆતમાં કંટાળો આવતો હતો છતાં મન મક્કમ કરીને ૧૧ માળા પૂરી કરી.

સાડા આઠ વાગ્યે જયેશની હોટલે ચા પીને નવ વાગે રફીકની ડ્રાઇવિંગ સ્કૂલે પહોંચી ગયો. મોટર ડ્રાઇવિંગની નાની-નાની બાબતોની રફીકે મંથનને સમજણ આપી.

પહેલા દિવસે રફીક ગાડીને ગીરધરનગર બ્રિજ થઈને શાહીબાગ તરફ લઈ ગયો જેથી ઓછા ટ્રાફીકમાં ધીમે ધીમે ગાડી શીખવી શકાય. રફીક ખૂબ જ કાળજીથી મંથનને ટ્રેનિંગ આપતો હતો.

શાહીબાગ અંડરબ્રીજથી એરપોર્ટ સર્કલ સુધી મંથને ધીમે ધીમે ગાડી ચલાવી. ડફનાળાથી ગાડી રફીકે પોતાના હાથમાં લીધી અને દરીયાપુર પાછો લાવ્યો.

" તારી ધગશ જોઈને એવું લાગે છે કે પંદર-વીસ દિવસમાં તને પાક્કું ડ્રાઇવીંગ આવડી જશે. " રફીક બોલ્યો અને એણે ચા મંગાવી.

ચા પીને મંથને બાઇક સ્ટાર્ટ કરી અને પોતાના ઘરે જવા નીકળ્યો. પોળમાં પ્રવેશ કર્યો ત્યાં જ સામે સવિતામાસી ભટકાયાં.

" અરે મંથન જરા ઘરમાં આવ. મારે તારી સાથે થોડી વાત કરવી છે. " સવિતામાસી બોલ્યાં અને પોતાના ઘર તરફ ચાલ્યાં.

મંથને બાઇકને સાઈડમાં પાર્ક કરી અને એમની પાછળ પાછળ એમના ઘરમાં ગયો.

" બોલો માસી. " મંથન બોલ્યો. એને તો ખબર જ હતી કે માસી શું વાત કરવાનાં છે.

" કાલે માણેકલાલ મારા ઘરે આવ્યા હતા. મારા એ દૂરના સગા થાય. એમણે જ મને વાત કરી કે તું વસ્ત્રાપુર બાજુ બંગલો લેવાનો છે. તું સુખી થાય એમાં તો હું પણ રાજી છું પણ તારે લગનનો વિચાર નથી કરવાનો ? ક્યાં સુધી એકલો રહીશ ? અને હવે તો તારો પગાર પણ સારો છે." સવિતા માસી બોલ્યાં.

"તમારી લાગણી હું સમજુ છું માસી પરંતુ એકવાર સારા એરિયામાં રહેવા જાઉં પછી કોઈને ઘર બતાવું તો સારું લાગે ને ? જ્યાં સુધી પોળમાં છું ત્યાં સુધી કોઈ કન્યાવાળાને આવું ઘર બતાવવાનો શું મતલબ ? અને એમણે તો લગન માટે પાંચ લાખ આપવાની વાત કરી ! " મંથન બોલ્યો.

" માણેકલાલ પણ અક્કલ વગરના છે. તારે શા માટે પાંચ લાખ આપવા જોઈએ ? તારી પાસે શું નથી કે પૈસાની માગણી કરવી પડે ? તું ચિંતા ના કર એક સરસ છોકરી મારા ધ્યાનમાં છે. એક-બે દિવસમાં જ મારા ઘરે બોલાવું છું. તું જોઈ લે. આમ તો કંઈ જોવા જેવું છે જ નહીં. રૂપ રૂપના અંબાર છે. દીવો લઈને શોધવા જાઓ તો યે આવી કન્યા ના મળે ! " સવિતામાસી બોલ્યાં.

આ જ સવિતામાસી થોડા દિવસો પહેલાં મંથનને જોવા માટે કોઈ કન્યાવાળા પોળમાં આવે તો બારોબાર રવાના કરી દેતાં. મંથનના ઘર સુધી પહોંચવા દેતાં જ નહીં ! - મંથન આ બધું જ જાણતો હતો !!

હવે એ નાથિયામાં થી નાથાલાલ થઈ ગયો હતો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

MAHESH

MAHESH 2 અઠવાડિયા પહેલા

Bharat Dudhat

Bharat Dudhat 4 અઠવાડિયા પહેલા

Chandakant Solanki

Chandakant Solanki 4 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Hemant Sanghvi

Hemant Sanghvi 1 માસ પહેલા