An innocent love - Part 32 books and stories free download online pdf in Gujarati

An innocent love - Part 32

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"હા, હા. આપણે બધા કાલેજ જઈશું ત્યાં અને હું એ વગડિયા ભૂતને જરૂર ભગાડી દઈશ", રાઘવ ટટ્ટાર થતો બોલ્યો.

"સારું તો કાલે રિસેસમાં પાક્કું", કિશોર એના બીજા મિત્રો સાથે બોલી ઉઠ્યો.

અને બધાએ બીજા દિવસે રિસેસમાં આજ ટાઈમ પર ભેગા થવાનું નક્કી કર્યું. એટલી વારમાં રિસેસ ખતમ થવાનો બેલ પડતા બધા બાળકો પોતપોતાના ક્લાસમાં ચાલ્યા ગયા.


હવે આગળ.......

આજે કોઈ પણ છોકરાનું ધ્યાન ભણવામાં નહોતું લાગી રહ્યું. બસ બધાનું ધ્યાન મિલમાં આવતીકાલે શું થશે તેમાં રહેલું હતું.

રાબેતા મુજબ સ્કૂલ છૂટતા જ બધા છોકરાઓ ઉછળતા કુદતા ચાલવા લાગ્યા. રાઘવ અને સુમન સ્કૂલમાં આજે શું કર્યું એની વાતો કરતા ચાલતા જઈ રહ્યા હતા ત્યાં જ બંનેની નજર સ્કૂલની સામે આવેલ મિલ તરફ ગઈ.

"રાઘવ, સાચે ત્યાં વગડિયો ભૂત હશે?" સુમન વિચારતી બોલી.

"ના ના એવું કંઈ ન હોય", થોડું ખચકાતા રાઘવ બોલ્યો.

"બૂમમમ્", ત્યાં જ એકદમ અવાજ થયો અને કોઈ પાછળથી એના તરફ આવ્યું હોય એમ લાગતા સુમન ગભરાઈ ગઈ અને રાઘવને વળગી ગઈ. ડરને કારણે એની આંખો પણ ખૂલી રહી નહોતી. એણે રાઘવના હાથ જોરથી પકડી રાખ્યા હતા.

"હા હા હા, જોયું કેવી ડરી ગઈ. રિસેસમાં તો બઉ ફેંકા મારતી હતી કે રાઘવ પેલા વગડિયા ભૂતને ઘડીકમાં ભગાડી મૂકશે! અને અહી પોતેજ ડરી રહી છે", સુમને ધીરેથી આંખો ખોલી પાછળ ફરી જોયું તો ત્યાં કિશોર અને તેના મિત્રો હસી રહ્યા હતા. જેમણે સુમન અને રાઘવને ડરાવવા માટે જ જોરથી ડરામણી બૂમ પાડી હતી.

"હા એતો કાલે જોઈ લેજો તમે લોકો, હું જરૂર તમારા એ વગડીયા ભૂતને ચોટલી પકડીને ભગાડી દઈશ", રાઘવ ઉત્સાહથી બોલ્યો.

"એતો કાલે ખબર પડશે બધાને", કિશોરનો એક મિત્ર હસતા હસતા બોલ્યો.

"અરે, ચાલો બધા. અહી ક્યારના શું કરો છો? ઘરે મા રાહ જોઈને બેઠી હશે", મીરાના આવતા જ વાત ત્યાં રોકાઈ ગઈ અને બધા ઘર તરફ ચાલવા લાગ્યા.

રાઘવ અને સુમનને આખી રાત વગડીયા ભૂતના વિચારો આવતા રહ્યા આખરે બીજા દિવસની સુંદર પ્રભાત થતા બધા બાળકો તૈયાર થઈને સ્કૂલ જવા નીકળી ગયા.

રોજની જેમ આજે બધાને રિસેસ પડવાની રાહ હતી, પણ આજનું કારણ અલગ હતું. રોજ નાસ્તામાં કોણ શું લાવ્યું હશે અને આજે શું રમત રમીશું તેની રાહ જોવાતી જ્યારે આજે બધાની નજરોમાં પેલી મિલ તરવરી રહી હતી.

આખરે રિસેસનો બેલ પડતા સાથે બધા ક્લાસની બહાર મેદાનમાં આવીને ઊભાં.

મોટા છોકરાઓના મોં ઉપર ટીખળી હાસ્ય અને નાનાઓનાં મોં ઉપર થોડો ડર છવાયેલ હતો.

"તો તૈયાર છે ને રાઘવ, મિલની અંદર જવા", એક મોટો છોકરો બોલ્યો.

"હા કેમ નહિ, અને રાઘવની સાથે હું પણ જઈશ", જાણે ખૂબ મોટું બહાદુરીનું કામ હોય એમ ગર્વથી સુમન બોલી.

સ્કૂલની બરોબર સામે આવેલી મોટી એવી મિલ આગળ બધા આવીને ઊભાં. જુનો લોખંડનો કટાઈ ગયેલ છતાં મજબૂત એવો વિશાળ દરવાજો બધાએ ભેગા મળીને ધક્કો માર્યા બાદ કિચૂડ અવાજ કરતો ખુલી ગયો.

મોટા છોકરાઓ તો પહેલા મિલમાં અંદર જઈ ચૂક્યા હતા માટે એમના માટે કઈ નવીન નહોતું. પણ નાનાં છોકરાઓ મિલને પહેલી વાર જોઈ રહ્યા હતા.

દરવાજાની અંદર પ્રવેશતાની સાથે જ વિશાળ એવું મેદાન જ્યાં ઠેક ઠેકાણે છૂટા છવાયા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં હતાં, તો ક્યાંક નાનાં મોટા પત્થરો તો ક્યાંક નકામો એવો ભંગાર પડ્યો હતો. ત્યાંથી ડાબી તરફ થોડા તૂટેલી હાલતમાં પડેલા બાંકડા નજરે પડી રહ્યા હતા. ચારો તરફ મોટું મેદાન ડોકાઈ રહ્યું હતું. થોડું ચાલતા સામેની તરફ એક મોટું અને પહોળું એવું મકાન જર્જરિત હાલતમાં ઉભુ હતું.

આખરે રાઘવ અને સુમન બંને મિલની અંદર જશે અને બાકીના બાળકો બહાર રહેશે, અને જરૂર પડે તો જ અંદર જશે એવું નક્કી કરવામાં આવ્યું.

રાઘવ ધીમે પગલે મિલમાં અંદર તરફ આગળ વધ્યો અને તેની પાછળ પાછળ સુમન દબાતા પગલે આગળ વધી. બાકીના છોકરાઓ આગળ શું થશે તેની ધડકતા હૃદયે રાહ જોઈ રહ્યા.

રાઘવ મેદાન વટાવીને બંધ મકાનના દરવાજા આગળ જઈ ઊભો. થોડો વિચાર કરીને તેણે પાછળ ફરીને દૂર ઉભેલા બાકીના બાળકો તરફ જોયું અને એક ક્ષણ આંખો બંધ કરીને ખોલી અને મકાનના બંધ દરવાજે જરાક સરખી અડીને લટકેલ તાળું હાથમાં પકડીને જરાક હલાવ્યુ અને તે સાથે જ તે તૂટી ગયું. રાઘવે ધીમેથી બારણાંનો નકુચો ખોલ્યો અને તે સાથેજ ધડામ કરતું દીવાલ સાથે અથડાતું બારણું ખુલી ગયું.

અંદર ખૂબ મોટી જગ્યાને આવરી લેતો રૂમ હતો. લાગે કે જ્યારે તે મિલ ધમધમતી હશે ત્યારે કારખાનાંનું બધું જ કામ અહી થતું હશે. વર્ષોથી બંધ પડેલ હોય એમ લાગતાં એ મકાનમાં ઠેર ઠેર ધૂળ પથરાયેલ હતી અને તેમાં આછા પાતળા પગના નિશાન પડેલા હતા.

રાઘવ ધડકતા હૃદયે અંદર પ્રવેશ્યો અને પાછળ પાછળ સુમન પણ પ્રવેશી. અંધારા મકાનમાં ક્યાંક ક્યાંકથી પડેલ બાકોરામાથી થોડું અજવાળું આવી રહ્યું હતું. અને તેના સહારે રાઘવ આગળ વધી રહ્યો હતો. ત્યાંજ જાણે કોઈ પાછળથી એકદમ પવનવેગે પસાર થઈ ગયુ હોય એવો આભાસ રાઘવ અને સુમન બંનેને થયો. બંનેએ પાછળ ફરીને જોયું તો કઈ દેખાયું નહિ. ખાલી આભાસ થયો છે એમ માનીને હજુ હાશ કર્યું ત્યાં જ ધબાક્ક કરતું કંઇક જોરથી પડ્યું. અવાજની દિશામાં રાઘવ ચાલવા લાગ્યો. તે ધીમે ધીમે આગળ વધવા લાગ્યો, ત્યાં જઈને જોયું તો જમીન ઉપર એક પીપ આવીને પડ્યું હતું, અને દૂર પડેલા ઘણા બધા ખોખા વચ્ચે કઈક હલચલ દેખાઈ.

થોડી દૂર ઊભેલી સુમન અને રાઘવની નજરો એક થઈ અને બંનેનાં મનમાં એકબીજાની હાજરીથી સધિયારો બંધાયો. સુમન રાઘવ પાસે આવીને ઊભી રહી અને રાઘવને આંખોથી જ ઈશારો કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. હવે હિંમત ભેગી કરી રાઘવ પેલા ખોખાઓ આગળ જઈ પહોંચ્યો. હજુ પણ ત્યાં કંઇક હલનચલન થઈ રહી હતી. ધીરેથી એકદમ શાંતિથી કઈ પણ જાતના અવાજ કર્યા વગર રાઘવે એક ખોખું હટાવ્યું અને એક નાનકડું શરીર ઝપ કરીને બહાર કુડ્યું. આમ અચાનક કોઈ બહાર આવતા રાઘવ ડરનો માર્યો ચીસો પાડી રહ્યો.


**
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED