An innocent love - Part 31 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 31

પાછળના ભાગમાં આપણે જોયું કે...


સાંજે બધા નદી કિનારે આવેલ મેદાનમાં ભરાયેલ મેળો જોવા ગયા. મેળામાં ફરીને બધાએ ખૂબ મજા કરી. અલગ અલગ ચગડોળ, મોતનો કૂવો, જાદુઈ શો એવા ઘણા બધા ખેલનો આનંદ માણીને બાળકો ખૂબ ખુશ થઈ ગયા.

મેળામાંથી પાછા આવીને બધા બાળકોએ જોયું તો ખૂબ આશ્ચર્ય પામ્યા. કેમકે મનોહર ભાઈએ શેરીની વચ્ચેવચ મોટો સફેદ પડદો લગાવડાવ્યો હતો જેના ઉપર હિન્દી ફિલ્મ દેખાડવાનું નક્કી થયું હતું. બધા બાળકો તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને લાઈનસર પડદા સામે ગોઠવાઈ ગયા.

"મિસ્ટર ઈન્ડિયા" મૂવી જોતા જોતાં જાગરણ ખતમ પણ થઈ ગયું અને બાળકોને મૂવી જોવાની પણ ખૂબ મજા પડી.

છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી અને આવી રીતે સુમનનું સૌપ્રથમ ગૌરીવ્રત રાઘવ સાથે સમાપ્ત થયું.


હવે આગળ.......

સુમનનું પ્રથમ ગૌરી વ્રત ખુબજ સરસ રીતે થયું અને સાથે સારી એવી નવી બહેનપણીઓ પણ મળી હતી.

"મા, મીરા દીદી કેમ નથી તૈયાર થઈ આજે સ્કૂલ જવાનો સમય થઇ ગયો છે", એક દિવસ સુમન સ્કૂલ જવા માટે તૈયાર થઈને રાઘવના ઘરે આવી ત્યારે રોજની જેમ તૈયાર થઈને બેસેલી મીરાને ન જોતા બોલી.

"આજે તેની તબિયત જરા સારી નથી માટે તે સ્કૂલ નહિ આવે. તમે લોકો કિશોર સાથે સ્કૂલ જવા નીકળી જાઓ", મમતા બહેન બોલ્યા.

"કેમ શું થયું એમને?" સુમન થોડી ચિંતા કરતી બોલી.

"કશું વધારે નથી થોડો તાવ આવ્યો છે બસ. એક-બે દિવસમાં સારું થઈ જશે", મમતા બહેન બોલ્યા.

સુમન, રાઘવ, માનસી અને કિશોર સ્કૂલ જવા નીકળ્યા.

આજે મીરા આટલા વર્ષોમાં પહેલીવાર બીમાર પડી હોવાથી તેણે સ્કૂલમાં રજા પાડી હતી. પરંતુ વર્ષોથી સ્કૂલમાં પ્રાર્થનાં ગાતી છોકરીઓમાં મીરા હમેશા મોખરે રહેતી. કેમકે એનો અવાજ ખુબજ સુંદર હોવાથી આટલી છોકરીઓમાં મુખ્ય ગાયક તરીકે મીરા જ રહેતી.

મીરા હાજર ન હોવાથી પ્રાર્થના કરતી બાકીની છોકરીઓ થોડી અવઢમાં હતી કે હવે પ્રાર્થના માટે આગેવાની કોણ કરશે?

ત્યાંજ એકદમ કઈક સ્ફુર્તી સાથે સુમન ઊભી થઈ અને પ્રાર્થનાના સ્ટેજ ઉપર ગઈ અને વંદના બહેનના કાનોમાં કઈક કહ્યું.

"બાળકો, આજે મીરા ગેરહાજર હોવાથી આપણી નાનકડી સુમન પ્રાર્થનાની આગેવાની લેશે", વંદના બહેને માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

સુમન હળવેકથી પ્રાર્થના કરવા ઊભી રહેલ બધી છોકરીઓની વચ્ચે આવીને ઉભી રહી અને માઇક હાથમાં પકડીને આંખો બંધ કરી પ્રાર્થનાની શરૂઆત કરી અને ત્યાં હાજર બધા લોકો એક સુમધુર અવાજની મધુરતામાં ખોવાઈ ગયા.

🌺 હે શારદે મા ! હે શારદે મા !
અજ્ઞાનતા સે હમે તાર દે મા..

તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
હમ હે અકેલે, હમ હે અધૂરે..
તેરી શરણ હમ, હમેં તાર દે મા..

હે શારદે મા ! હે શારદે મા !
અજ્ઞાનતા સે હમે તાર દે મા.. 🌺

સુમને પ્રાર્થના પૂરી કરી ત્યાં સુધી બધા લોકો તેના સુમધુર અવાજથી મંત્રમુગ્ધ બની ગયા હતા. અને હવેથી રોજ સુમન પણ પ્રાર્થનાં ગાતી છોકરીઓના ટીમનો ભાગ બની રહેશે એમ નક્કી કરવામાં આવ્યું. તે જાણી સુમન અને રાઘવ ખૂબ ખુશ થયા.

બે દિવસ બાદ સાજી થતા મીરાએ જ્યારે સ્કૂલમાં આવીને આ વાત જાણી ત્યારે એને આ વાત જરા પસંદ ન પડી પણ હજુ પોતે જ પ્રાર્થનાની આગેવાની લેવાની હતી એ વાતથી તેને ધરપત હતી. નાનકડી સુમનને તો પ્રાર્થના માટેની ટીમનો ભાગ બનીને ખુશી હતી.

કિશોર ભાઈ હવે રોજ રોજ આં રમતો રમીને થાક્યા હવે આપણે કઈક નવી રમત શોધવી જોઈએ", એક દિવસ રિસેસમાં એકની એક રમત રમીને થાકેલ રાઘવ બોલ્યો.

"તારે રોજ નવીન રમતો જોઈએ. અમે ક્યાંથી લઈ આવવાના નવી રમતો તારે માટે રોજની રોજ", કિશોર રાઘવની આ વાત સાંભળીને બોલ્યો.

"તો પછી ચાલોને આજે સામે પેલી મિલમાં રમવા માટે જઈએ", રાઘવ ઉત્સાહથી બોલ્યો.

"તને કેટલી વાર કહ્યું ત્યાં નથી જવાનું", કિશોર ગુસ્સે થતા બોલ્યો.

"પણ કેમ, એવું તો શું છે ત્યાં કે તમે અને બીજા મોટા લોકો હંમેશા ત્યાં જવા માટે ના કહો છો? અને તમે તો ત્યાં ક્યારેક ક્યારેક જાઓ છો તમારા દોસ્તાર સાથે રમવા, તો અમારે જ કેમ નહિ જવાનું?" રાઘવ એમ કિશોરને છોડે એમ નહોતો.

"ત્યાં ફક્ત ક્યારેક મોટા છોકરાઓ જ જઈ શકે છે સમજ્યો, તારા જેવા નાના બચ્ચાઓ માટે તે જગ્યા બરોબર નથી", કિશોર રાઘવને સમજાવતો બોલ્યો.

"હું તો જઈશ ત્યાં, ભલે તમે મને ના પાડો", રાઘવ હવે જીદ કરતા બોલ્યો.

"હા જજે, પણ જોજે પેલો વગડિયો ભૂત તારી પાછળ આવે તો મને કહેતો નહિ", કિશોર રાઘવને સાવધાન કરતો બોલ્યો.

"શું, ભૂત, ત્યાં ભૂત છે?" રાઘવ હવે થોડો ગભરાતો બોલ્યો.

"હા, એટલે તો તને ના પાડું છું ત્યાં જવા માટે", કિશોર બોલ્યો.

"તો પછી તમે લોકો અમુક વખત ત્યાં કેમ જાઓ છો?" રાઘવ હજુ પણ સંશયમાં હતો.

"અમે તો મોટા છીએ અને મારો એક દોસ્ત ભૂત ભગાડવાનો મંત્ર જાણે છે એટલે અમને કઈ ન થાય, પણ તે ભૂત નાના બાળકોને પકડીને ખાઈ જાય છે એટલે તમેં નાના બચ્ચા લોકો અમારી સાથે ન આવી શકો", કિશોર બોલ્યો.

"અમે પણ મોટા છીએ, કિશન ભાઈ. અને રાઘવ એ ભૂતને ભગાડી મૂકશે", ક્યારની દૂરથી કિશોરની વાત સાંભળી રહેલ સુમન હવે આગળ આવીને બોલી.

"તને ખબર પણ છે તું શું બોલી રહી છે?", કિશોર સુમન ઉપર અકળાતો બોલ્યો.

"હા વળી કેમ નહિ, તમે જોજો રાઘવ એ વગડિયા ભૂતને ઘડીકમાં ભગાડી મૂકશે, હે ને રાઘવ? સુમન એક આશાભરી નજરે રાઘવ સામે જોઈ રહી.

"હા, હા. આપણે બધા કાલેજ જઈશું ત્યાં અને હું એ વગડિયા ભૂતને જરૂર ભગાડી દઈશ", રાઘવ ટટ્ટાર થતો બોલ્યો.

"સારું તો કાલે રિસેસમાં પાક્કું", કિશોર એના બીજા મિત્રો સાથે બોલી ઉઠ્યો.

અને બધાએ બીજા દિવસે રિસેસમાં આજ ટાઈમ પર ભેગા થવાનું નક્કી કર્યું. એટલી વારમાં રિસેસ ખતમ થવાનો બેલ પડતા બધા બાળકો પોતપોતાના ક્લાસમાં ચાલ્યા ગયા.


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)