An innocent love - Part 33 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 33

પાછળના ભાગમાં આપણે જોયું કે...


થોડી દૂર ઊભેલી સુમન અને રાઘવની નજરો એક થઈ અને બંનેનાં મનમાં એકબીજાની હાજરીથી સધિયારો બંધાયો. સુમન રાઘવ પાસે આવીને ઊભી રહી અને રાઘવને આંખોથી જ ઈશારો કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. હવે હિંમત ભેગી કરી રાઘવ પેલા ખોખાઓ આગળ જઈ પહોંચ્યો. હજુ પણ ત્યાં કંઇક હલનચલન થઈ રહી હતી. ધીરેથી એકદમ શાંતિથી કઈ પણ જાતના અવાજ કર્યા વગર રાઘવે એક ખોખું હટાવ્યું અને એક નાનકડું શરીર ઝપ કરીને બહાર કુડ્યું. આમ અચાનક કોઈ બહાર આવતા રાઘવ ડરનો માર્યો ચીસો પાડી રહ્યો.


હવે આગળ.......

રાઘવ પાછળ જોયા વગર ભાગ્યો અને સુમન પાસે જઈ તેના હાથ પકડી લીધા.

"હા હા હા", પણ આ શું સુમન ખડખડાટ હસી રહી હતી.

"અહી મારો જીવ જાય છે અને તને હસવું આવે છે?" ગુસ્સે થતો રાઘવ બોલ્યો.

"અરે પણ ત્યાં જો તો ખરા", સુમને રાઘવને પકડીને પાછળ ફેરવ્યો.

"હા હા", હવે હસવાનો વારો રાઘવનો હતો. એક નાનકડું બિલાડીનું બચ્ચું એક બાકોરામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યું હતું.

"આતો બિલાડીનું બચ્ચું નીકળ્યું. આપણે તો ખોટા ડરી ગયા", સુમન સામે હસતા રાઘવ બોલ્યો.

"આપણે નહિ, તું ડરી ગયો", સુમન રાઘવને ઠેંગો બતાવતી બોલી.

તે સાથે જ બંને હસી પડ્યા.

થોડીવાર ત્યાં જ ઉભા રહી બંને આગળ ચાલવા લાગ્યા.

બીજી તરફ બહાર ઊભા રહેલા બાળકો અંદર શું ચાલી રહ્યું હશે તે જાણવા ઊંચા નીચા થઇ રહ્યા હતા. અંદરથી ઝીણાં અવાજો આવી રહ્યા હતા પણ શું ચાલી રહ્યું છે તેનો કોઈ ખ્યાલ આવી રહ્યો નહોતો.

રાઘવ અને સુમન ધીમે ધીમે આગળ તરફ વધી રહ્યા હતા. ત્યાં જ ફરી કોઈ ખખડાટ થયો. લોખંડની વસ્તુ અથડાતી હોય એવો અવાજ સંભળાઈ રહ્યો હતો. થોડે દૂર જતાની સાથે જ એક મોટી સીડી નજરે પડી. તેની બંને તરફ ચડવા માટેના પગથિયાં હતા, રૂમની બરોબર વચ્ચે આવેલી તે સીડી ઉપર ચડીને જોઈએ તો આખો રૂમ ઉપરથી જોઈએ શકાય એટલી ઊંચાઈ ઉપર તે સીડી હતી.

રાઘવે પોતાના કાન સરવા કરીને સાંભળ્યું તો સીડીની ઉપર તરફથી જ કઈક અવાજ આવી રહ્યો હતો.

"રાઘવ, ઉપર જ કઈક લાગે છે જો ત્યાંથી અવાજ આવે છે", સુમન આંગળીથી ઈશારો કરતી મોટેથી બોલી.

"શીશશ, ધીરેથી બોલ", મોં ઉપર આંગળી રાખીને રાઘવ બોલ્યો.

સુમનને નીચે જ ઉભા રહેવાનો ઈશારો કરતો રાઘવ ધીમે પગલે સીડી ચડવા લાગ્યો.

રાઘવ જેમ જેમ સીડી ચડી રહ્યો હતો તેમ શરૂઆતમાં મોટેથી આવતો અવાજ ધીરો પડી રહ્યો હતો. હવે એક પગથિયું જ ચડવાનું બાકી હતું, પણ ત્યાંથી સીડી ઉપર રહેલ પેસેજ નો ભાગ બરોબર દેખી શકાતો હતો. રાધવે આછા અજવાળામાં જોવાનો પ્રયત્ન કર્યો. રાઘવ જ્યાં ઊભો હતો તે જગ્યાએથી બરોબર અડધે રસ્તે હવામાં થોડું અધ્ધર સફેદ કપડાં જેવું કંઇક ગોળ ગોળ ફરી રહ્યું હતું. તે જોઈ રાઘવની આંખો ફાટી રહી ગઈ, તે પાછળ ફરી નીચે ઊભેલી સુમનને જોઈ રહ્યો.

તેને નીચે રહીને હાથ ઊંચો કરી પોતાને પ્રોત્સાહિત કરતી જોઈ રાઘવમાં હિંમત આવી અને તે આગળ તરફ ફર્યો. પણ આ શું, રાઘવ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડીવાર પહેલાં હવામાં દેખાઈ રહેલ પેલી સફેદ કપડાં જેવી વસ્તુ ગાયબ હતી.

કદાચ પોતાનો ભ્રમ થયો હશે તેમ માની રાઘવ છેલ્લું બાકી રહેલ પગથિયું પણ ચડી ગયો અને નજર ફેરવતો આગળ વધ્યો. હજુ તે અડધે જ પહોંચ્યો ત્યાં જ નીચેથી સુમનની મોટી ચીસ સંભળાઈ.

રાઘવે સીડીના કઠેડા આગળથી નીચે જોયું તો ઉપર જોવા મળેલ પેલી સફેદ વસ્તુ સુમન આગળ ઊભી હતી અને એના જેવું જ બીજું કોઈ સફેદ કપડું સુમનની પાછળની તરફ આવી રહ્યું હતું.

✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)