વારસદાર - 15 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર - 15

વારસદાર પ્રકરણ 15

મંથનને લઈને ઝાલા અંકલ ઘરે પાછા આવ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે બે ક્લાયન્ટ કોઈ કોર્ટ મેટર માટે એડવોકેટ ઝાલાને મળવા માટે ડ્રોઇંગરૂમમાં બેઠેલા હતા. મંથન ત્યાં પડેલું મુંબઈ સમાચાર પેપર લઈને પોતાના બેડરૂમમાં જઈને બેઠો.

દશેક મિનિટ થઈ ત્યાં અદિતિ એના રૂમમાં આવી.

" આવી ગયા તમે ? ગુરુજીનાં દર્શન કરી લીધાં ?" અદિતિ બોલી.

" હા. એક મહાન વિભૂતિનાં દર્શન થયાં. એમની વાણી સાંભળીને મન તો ભગવા રંગે રંગાઇ જ ગયું હતું પરંતુ તમારા શબ્દો યાદ આવ્યા એટલે હાલ પૂરતો વિચાર માંડી વાળ્યો." મંથન હસીને બોલ્યો.

" અમારું આટલું માન રાખવા માટે ખૂબ ખૂબ આભાર. હવે સાંજે જમવામાં શું ફાવશે ? અત્યારે તો પૂરણપોળી બનાવી છે. " અદિતિ બોલી.

"તમને મારી ભાવતી આઇટમોની ખબર કેવી રીતે પડી જાય છે ? મારા ઘરે પણ સારા પ્રસંગે મમ્મી પૂરણપોળી જ બનાવતી. " મંથન આશ્ચર્યથી બોલ્યો.

" અંતર્જ્ઞાન પ્રભુ ! મને પણ તમારા મનના વિચારો વાંચતા આવડે છે. " અદિતિ બોલી.

" મને તમારો આ આનંદી અને હાજર જવાબી સ્વભાવ બહુ જ ગમે છે. મન તો થાય છે કે..... " મંથન બોલતાં અટકી ગયો.

" હા હા બોલી નાખો. શું કહેવાનું મન થાય છે ? " અદિતિએ આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.

" લેડીઝ ફર્સ્ટ ! તમારા મનમાં શું છે એ મારે પહેલાં જાણવું છે અને તમે તો અંતર્જ્ઞાની છો. મારે મારા મનની વાત જણાવવાની જરૂર જ ક્યાં છે ? " મંથને અદિતિને એના જ શબ્દોમાં ફસાવી.

"બોલો ને સાંજે જમવામાં શું બનાવું ?" અદિતિએ વાત બદલી નાખી.

" તમે જવાબ ના આપ્યો. " મંથન બોલ્યો.

" કેટલાક જવાબો આપવા જેવા હોતા નથી મંથન ! અને હું શું વિચારું છું એ અગત્યનું નથી. સમય પાક્યા વગર શમણાં જોવાં બરાબર નથી." અદિતિ નીચું જોઈને બોલી.

" શમણાં જોવામાં કંઈ જ ખોટું નથી. પોઝિટિવ થીંકિંગ રાખો. શમણું સાચું પણ પડી શકે છે. જગતમાં બધું જ શક્ય છે અદિતિ." મંથન બોલ્યો.

" સારું. હવે જમવાની વાત કરો તમે." અદિતિ બોલી.

" તમે મને બે ત્રણ ઓપ્શન તો આપો. તમારા મનમાં કઈ આઈટમ રમે છે એ મને કેવી રીતે ખબર પડે ? " મંથન બોલ્યો.

" હાંડવો, ઈડલી સાંભાર અથવા મેથીના થેપલા સાથે ચા અને બટેટાની સુકીભાજી " અદિતિએ ત્રણ ઓપ્શન આપ્યા.

" આજે તારી ચોઈસ ! તું જે બનાવીશ એ મને ભાવશે. ત્રણેય મારી ફેવરીટ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી " મંથને પહેલીવાર અદિતિને એકવચનથી સંબોધી.

" હવે તમારી વાતોમાં પોતીકાપણું લાગે છે. પપ્પા અમદાવાદ તમને મળીને આવ્યા પછી તમારી બહુ જ પ્રશંસા કરતા હતા. એક જ મુલાકાતમાં ઈમ્પ્રેસ થઈ ગયા હતા. પરંતુ હવે મને સમજાયું કે એ પ્રસંશા ખોટી ન હતી." અદિતિ બોલી.

" પ્રશંસાના પુષ્પો બાકી રાખો અને અત્યારે પૂરણપોળી બનાવો મેડમ " મંથન હસીને બોલ્યો.

અદિતિ હસતી હસતી ચાલી ગઈ. જ્યારથી એણે હેન્ડસમ મંથનને જોયો હતો અને એના સ્વભાવનો પણ પરિચય થયો હતો ત્યારથી મંથન એને ગમી ગયો હતો. હજુ તો બે ત્રણ દિવસ થયા હતા તો પણ એક ન કહી શકાય એવું આકર્ષણ એના મનમાં પેદા થઈ રહ્યું હતું !! આજે મંથને પણ એને પહેલીવાર તું કહીને બોલાવી હતી.

ક્લાયન્ટ ગયા પછી ઝાલા અંકલે મંથનને બૂમ પાડી.

"હવે બહાર આવી જાઓ મંથનભાઈ"

મંથન બહાર આવીને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠો.

" અદિતિ તમને પરેશાન તો નથી કરતી ને ? એ તમારી સાથે બહુ હળીભળી ગઈ છે. બાકી બહારની વ્યક્તિ સાથે એ ક્યારે પણ આટલી મિક્સ થતી નથી. " ઝાલા અંકલ બોલ્યા.

" ના અંકલ. ખૂબ જ હસમુખી અને પ્રેમાળ છે. સ્પષ્ટ વક્તા છે. મારી સાથે એકદમ નિખાલસતાથી વાતો કરે છે. મેં એને કંઈ જણાવ્યું નથી પરંતુ મને એવું લાગે છે કે તમે જ્યારે પણ એને અમારા સગપણની વાત કરશો ત્યારે એ ના નહીં પાડે." મંથન બોલ્યો.

" ચાલો આ તમે બહુ સારી વાત કરી. એ તમારી જ અમાનત છે. બસ તમારા જ જવાબની રાહ જોઉં છું." ઝાલા અંકલ બોલ્યા.

" બહુ જલ્દીથી હું મારો નિર્ણય જણાવીશ. થોડા દિવસ સસ્પેન્સ જ રહેવા દો. એનો પણ એક આનંદ છે. " મંથન બોલ્યો.

" તમારે એને ક્યાંય બહાર ફરવા લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો. એની ગાડી છે જ. ડ્રાઈવ કરી લેશે. બોરીવલીનો નેશનલ પાર્ક પણ જોવા જેવો છે. " અંકલ બોલ્યા.

" હા અંકલ તમારી વાત સાચી છે પરંતુ અત્યારે સાથે બહાર ફરવા જવું યોગ્ય નહીં લાગે. હજુ હું મહેમાન જ છું એટલે એક મર્યાદામાં રહું એ વધારે સારું છે. અદિતિ ગાડી ડ્રાઈવ કરીને મને ફરવા લઈ જાય એના કરતાં ડ્રાઇવિંગ શીખીને હું જ એને ડ્રાઈવ ઉપર લઈ જાઉં એ વધુ યોગ્ય રહેશે." મંથન બોલ્યો.

" તમારામાં ઘણી પરિપક્વતા છે. તમારી વાત સાથે હું સંપૂર્ણ સંમત છું." ઝાલા અંકલ હસીને બોલ્યા.

થોડીવાર આડીઅવળી વાતો ચાલી ત્યાં જમવાનો સમય થયો. અદિતિ બંનેને બોલાવવા આવી.

" મારા કારણે તમે કોર્ટમાં રજા રાખી લાગે છે " મંથને જમતાં જમતાં ઝાલા અંકલને કહ્યું.

" તમે પહેલીવાર મારા ઘરે મહેમાન છો. તમને પૂરો સમય આપવો મારી ફરજમાં આવે છે. અને મારો આસિસ્ટન્ટ છે જ. ફોન ઉપર કેસની ચર્ચા થઈ જાય છે. કોઈ ખાસ મેટર હોય તો જ મારે જાતે જવું પડે બાકી તો એ તારીખો લઈ લે છે. " ઝાલા અંકલ બોલ્યા.

" તમે વાતો પછી કરજો. પહેલાં શાંતિથી જમો. આટલી બધી મહેનત કરીને બનાવી છે છતાં પૂરણપોળી કેવી થઇ છે એ તો કોઈ બોલતું જ નથી." અદિતિ પીરસતાં પીરસતાં મોં ચડાવીને બોલી.

" ઓહ.. સોરી સોરી. પૂરણપોળી ખરેખર સરસ થઈ છે. સારી રસોઈની પ્રશંસા કરવી જ જોઈએ. જો કે ટેસ્ટ કંઈક અલગ લાગે છે. " મંથને અદિતિ સામે જોઇને કહ્યું.

" આજે તુવરની દાળના બદલે ચણાની દાળની પૂરણપોળી બનાવી છે. મને એમ કે તમને કંઈ ખબર નહીં પડે. " અદિતિ હસીને બોલી.

" મંથનભાઈ ઘણા જ સ્માર્ટ છે અદિતિ. ટેસ્ટની ખબર ના પડે એવું બને જ નહીં. આજે ગુરુજીએ પણ જાણે વર્ષોથી ઓળખતા હોય એ રીતે એમની સાથે અલગ રૂમમાં લઇ જઇને ચર્ચા કરી." ઝાલા અંકલ બોલ્યા.

" ગુરુજી બહુ જ ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા વ્યક્તિ છે અદિતિ. એમની હાજરીમાં મારા મૃત પપ્પા પણ મને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. ગુરુજી એમને જોઈ શકતા હતા. " મંથન ઉત્સાહથી બોલ્યો.

" શું વાત કરો છો ? ગુરુજીના રૂમમાં સૂક્ષ્મ જગતમાંથી વિજયભાઈ આવ્યા હતા ? " ઝાલા અંકલ પણ આશ્ચર્યથી બોલ્યા. અદિતિ પણ આશ્ચર્ય પામી ગઈ હતી.

" હા અંકલ. પપ્પાની વાણી ગુરુજી સાંભળી શકતા હતા અને પપ્પા જે બોલે એ ગુરુજી મને કહી રહ્યા હતા. " મંથન બોલ્યો.

" આ તો ખરેખર આશ્ચર્ય કહેવાય. ગુરુજીની સિદ્ધિઓ ઘણી બધી છે. " ઝાલા અંકલ બોલ્યા.

એ પછી થોડીવાર બધા જમવામાં પડી ગયા. અદિતિએ રસોઈ ખરેખર ખુબ જ સરસ બનાવી હતી.

" અંકલ હવે આવતી કાલે સવારે ૭ વાગે શતાબ્દીમાં હું અમદાવાદ જવા નીકળી જાઉં છું. " મંથન અદિતિ સાંભળે એ રીતે મોટેથી બોલ્યો.

" ટિકિટ બુક થઈ ગઈ છે ? " અંકલ બોલ્યા.

" હમણાં તત્કાલમાં બુક કરાવી જ દઉં છું. ટિકિટ તો મળી જશે. અત્યારે સીઝન નથી એટલે વાંધો નહીં આવે. " મંથન બોલ્યો.

જમ્યા પછી મંથને શતાબ્દીમાં વિન્ડો ટિકિટ બુક કરાવી દીધી.

" બસ હવે આ રીતે તમારું પોતાનું ઘર સમજીને આવતા જતા રહેજો. મારે પોતાને તો દીકરો નથી એટલે દીકરા જેવા જ તમે છો. " ડ્રોઈંગ રૂમમાં બેસીને ઝાલા અંકલ મંથન સાથે વાત કરી રહ્યા હતા.

" મને પણ અહીં ખૂબ જ પ્રેમ મળ્યો છે. અદિતિનો સ્વભાવ મને બહુ જ ગમ્યો છે. લગભગ તો મુંબઈમાં જ સ્થાયી થવાનું વિચારી રહ્યો છું." મંથન બોલ્યો.

" વેલકમ... અહીં તમારા માટે ઘણી બધી તકો છે. સુંદરનગરનો ફ્લેટ પણ તૈયાર છે. તમારી પાસે જે નોલેજ છે અને આવડત છે એનો શ્રેષ્ઠ ઉપયોગ તમે અહીં કરી શકશો. મુંબઈની પ્રજા કદરદાન પણ છે." ઝાલા અંકલ બોલ્યા.

" તમે સાચે જ કાલે જતા રહેવાના ?" અદિતિ જમીને બહાર આવીને સોફા ઉપર બેઠક લેતાં બોલી.

" હા હવે તો ટીકીટ પણ આવી ગઈ. " મંથન હસીને બોલ્યો.

" તમારા માટે અંકલ મલાડમાં આટલો સરસ ફ્લેટ મૂકી ગયા છે તો તમે મુંબઈમાં જ શિફ્ટ થઈ જાઓ ને ! " અદિતિ બોલી.

" તેં ફ્લેટ જોયેલો છે ? " મંથન બોલ્યો.

" હે ભગવાન આમને શું કહેવું ? મેં ના જોયો હોય ? અંકલ સાથે તો અમારા ઘર જેવા સંબંધો હતા. નાની હતી ત્યારથી પપ્પા સાથે એમના ઘરે જવા આવવાના સંબંધો છે !! મીઠીબાઈ કોલેજમાં ભણતી હતી ત્યારે પણ ઘરે આવતી વખતે ઘણીવાર મલાડ ઉતરી જતી. એટલા માટે તો તમારી સાથે પણ હું આટલી હળીભળી ગઈ છું." અદિતિ બોલી.

"તું પપ્પાની આટલી બધી નજીક હતી એ વાત જાણીને મને પણ આનંદ થયો." મંથન બોલ્યો.

" અંકલ મને સગી દીકરીની જેમ પ્રેમ કરતા હતા. " અદિતિ બોલી.

" માણસનું પ્રારબ્ધ ક્યારે પલટાઈ જાય છે એ કોઈને પણ ખબર નથી હોતી. મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ આ રીતે અચાનક મને પિતાનો વારસો મળશે !! " મંથન બોલ્યો.

" મારી તો એક જ ઈચ્છા છે કે તમારા પિતાનો વ્યવસાય તમે સંભાળી લો. તમારામાં પણ એ જ સ્કીલ અને વિઝન છે જે તમારા પપ્પામાં હતું. " ઝાલા અંકલ બોલ્યા.

" હા અંકલ હું ગંભીરતાથી મુંબઈ માટે વિચારી રહ્યો છું. " મંથન બોલ્યો અને એને એક બગાસું આવ્યું.

" તમે હવે આરામ કરો. સંબંધ થયો છે તો વાતો તો ઘણી થવાની છે. " અંકલ બોલ્યા.

મંથન ઉભો થઈને બેડરૂમમાં ગયો અને એસી ચાલુ કરીને આડો પડ્યો. થોડીવારમાં જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

એ જાગ્યો ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા. ઉભો થઈને એ વૉશરૂમમાં ગયો અને હાથ પગ મોં ધોઈ નાખ્યાં.

એ ડ્રોઈંગ રૂમમાં આવ્યો ત્યારે અદિતિ કિચનમાં ચા જ બનાવી રહી હતી. ૧૦ મિનિટમાં ઝાલા અંકલ પણ આવી ગયા. અદિતિ બંને માટે ચા લઈને આવી.

" સવારે ૬:૩૦ વાગે તમારે નીકળી જવું પડશે. આમ તો સ્ટેશન નો રસ્તો દસ મિનિટનો જ છે. હું તમને સ્ટેશને ઉતારી દઈશ. " ઝાલા અંકલ બોલ્યા.

" ના ના અંકલ હું રિક્ષામાં નીકળી જઈશ. બોરીવલી તો મારું જાણીતું છે." મંથન બોલ્યો.

ઝાલા અંકલે પછી ખોટો આગ્રહ ના કર્યો. સ્ટેશન બહુ દૂર ન હતું. એકવાર તો એમને વિચાર આવ્યો કે અદિતિ જઈને મૂકી આવે પણ પછી એ વિચાર પણ માંડી વાળ્યો.

સાંજે જમવામાં મેથીનાં થેપલાં, બટેટાની સૂકી ભાજી અને ચા નો પ્રોગ્રામ હતો.

બીજા દિવસે સવારે મંથન ૫:૩૦ વાગે ઉઠી ગયો. ગુરુજીના આદેશ મુજબ ગાયત્રી મંત્રની ૧૧ માળા કરવાની ઈચ્છા થઈ પરંતુ માળા ન હોવાથી એ આજે શક્ય ન હતું.

નાહી ધોઈને એ છ વાગે ડ્રોઇંગરૂમમાં આવી ગયો.

" ગુડ મોર્નિંગ... ચા તૈયાર જ છે. નાસ્તાની ઈચ્છા હોય તો ગઇકાલનાં થેપલાં પણ છે." અદિતિ કિચનમાંથી બહાર આવી અને મંથનને જોઈને બોલી.

" ના મને ખાલી ચા જ આપ. નાસ્તો અને જમવાનું બંને શતાબ્દીમાં મળે છે. અંકલ નથી ઉઠ્યા ? " મંથન બોલ્યો.

"એ વોક કરવા ગયા છે. ૧૫ ૨૦ મિનિટમાં આવી જશે. મમ્મી પૂજામાં હશે. " અદિતિ બોલી અને બે કપમાં ચા લઈને આવી.

એક કપ મંથનના હાથમાં આપી પોતે સામે સોફા ઉપર બેઠી.

" હવે ફરી પાછા ક્યારે આવશો ? તમારા વગર સૂનું લાગશે. " અદિતિ ચા પીતાં પીતાં બોલી.

" હવે તો આવવા જવાનું થતું રહેશે. અને મારો મોબાઇલ નંબર તો છે તારી પાસે. આપણી વચ્ચે વાતચીત પણ થતી રહેશે. " મંથન બોલ્યો.

" એક વાત પૂછું તમને ? " અદિતિ બોલી.

" તારે રજા લેવાની કોઈ જરૂર નથી. અને હું એકદમ પ્રમાણિક છું. ક્યારે પણ ખોટું નહીં બોલું. " મંથન બોલ્યો.

" એ તો મને ખબર જ છે. તમારી ઉપર મને પુરેપુરો વિશ્વાસ છે કે તમે સાચું જ કહેશો. તમારા લાઇફમાં કોઈ પાત્ર છે મંથન ? આટલી ઉંમર સુધીમાં કોઈ પાત્ર જીવનમાં આવ્યું જ ન હોય એવી શક્યતા ઓછી છે એટલે પૂછું છું. " અદિતિ બોલી.

" અત્યારે તો કોઈ પાત્ર નથી. મારી જ પોળમાં રહેતું એક પાત્ર મને ગમતું હતું પરંતુ હમણાં જ એની સગાઈ થઈ ગઈ છે. અમારી વચ્ચે કોઈ રિલેશનશિપ ન હતી. માત્ર ખેંચાણ હતું. મારી આર્થિક હાલત એટલી ખરાબ હતી કે એ છોકરીને એનો બાપ મારી સાથે વાત કરવા પણ નહોતો દેતો. " મંથન બોલ્યો.

" હમ્... તમારી વાત સાંભળીને સંતોષ થયો. " અદિતિ બોલી.

" માની લો કે મારા જીવનમાં કોઈ હોત તો ? " મંથને પૂછ્યું.

" તો દિલમાં ચચરાટ જરૂર થાત મંથન ! " અદિતિ ગંભીર થઈને બોલી.

" તો એ દિલમાં કંઈ કહેવાની ઈચ્છા હોય તો એ પણ કહી નાખ. અત્યારે અહીં તારા મારા સિવાય કોઈ નથી. " મંથન અદિતિની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.

" તમારું મન જાણ્યા સિવાય મારાથી કંઈ ના બોલાય. તમારા દિલમાં મારા માટે કેવી લાગણી છે એ મને કેવી રીતે ખબર પડે ? " અદિતિ થોડી શરમાઈને બોલી.

" અદિતિ તું મમ્મી પપ્પાને ના કહેવાનું મને વચન આપે તો એક રહસ્યની વાત કહું. " મંથન બોલ્યો.

" પ્રોમિસ મંથન. કોઈ પણ વાત હશે તો એ આપણા બંને વચ્ચે જ રહેશે. હું રાજપૂતની દીકરી છું. " અદિતિએ વચન આપ્યું.

" તારી અને મારી નાનપણમાં જ સગાઈ થઇ ગઇ છે. આપણે બંને વર વધૂ ના સંબંધથી બંધાઈ ચૂક્યાં છીએ." મંથને ધડાકો કર્યો.

" મને ખબર છે મંથન. હું બધું જ જાણું છું. તમારા આવવાની આગલી રાત્રે મમ્મી પપ્પાએ મને બધી જ વાત કરી છે. અને એટલે જ તમે આવ્યા ત્યારથી તમારી આટલી સંભાળ રાખું છું. " અદિતિ વહાલથી બોલી.

" વોટ !!! તું જાણે છે આ વાત ?" હવે આશ્ચર્ય પામવાનો વારો મંથનનો હતો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)