રાઘવ પણ આજે ખુબજ ખુશ થતો સુમનને લઇ અહીંથી તહી દોડી આખી સ્કૂલ ફરી ફરીને બતાવી રહ્યો હતો, જાણે એને એકજ દિવસમાં આખી સ્કૂલ બતાવી દેવી હતી. સ્કૂલમાં આવતા જતા બીજા બાળકો અને ટીચર્સ નાનકડી એવી પરી જેવી લાગતી સુમનને અપલક જોઈ રહેતા, અને ઘડીભર એની ચહેકાટને જોવા થંભી જતાં. રાઘવ પણ તે બધાને "આં મારી સુમી છે, તે પણ આજથી આપણી સ્કૂલમાં ભણવા આવશે" કહી ને સુમનને બધાની સાથે હરખભેર મળાવતો હતો.
સૌ પ્રથમનો બેલ વાગતા બધા બાળકો લાઈન બનાવીને વચ્ચેના મેદાનમાં પ્રાર્થના માટે સિસ્તબદ્ધ લાઇનમાં બેસી ગયા. મેદાનની વચ્ચે બનાવેલ મંચ પર બધા શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલ બિરાજમાન હતા. થોડી વારમા જ પ્રાર્થના શરૂ થતાં બધા બાળકોએ બે હાથ જોડી આંખો બંધ કરી દીધી. સુમન માટે આ નવું કુતૂહલ હતું. જ્યારે તે બાલમંદિરમાં હતી ત્યારે અડધા દિવસો તો એ સ્કૂલમાં ગઈ નહોતી અને બાકીના દિવસો કોઈ પણ વાર સમયસર પહોંચતી નહોતી. માટે સ્કૂલમાં પ્રાર્થનાની સિસ્તનો એને કોઈ અનુભવ પણ નહોતો. જ્યારે મંદિરમાં કે ક્યારેક મમતા બહેનને ત્યાં સવારે પ્રાર્થનામાં તે હાજર હોયતો તેનું ધ્યાન તો ફક્ત રાઘવ સાથે મસ્તી મજાક કરવામાં કે પછી પ્રાર્થના બાદ મળનાર પ્રસાદમાં ચોંટેલું રહેતું. પણ સ્કૂલમાં તો કંઈ ઔર જ નજારો એને જોવા મળ્યો હતો આજે. આમ આટલા બધા બાળકો એકીસાથે લાઈનમાં બેઠા હોય અને તે પણ આટલું શાંતિથી ચૂપચાપ આંખો બંધ કરીને, સુમન તો આ બઘું જોઈ રહી હતી ત્યાજ રાઘવે એને આંખો બંધ કરી બેસવા કહ્યું અને થોડીજ વારમાં....
🙏🌼 "અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા.
તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દઈ જા." 🌼🙏
ખુબજ સુમધુર અવાજે પ્રાર્થનાના શબ્દો એના કાનમાં અથડાતાં જ તે આંખો ખોલી અવાજની દિશામાં જોઈ રહી.
"અરે આતો મીરા દીદી" એકદમ મોટા આવજે સુમન ઊભી થતાં બોલી પડી, અને બધાનું ધ્યાન સુમન તરફ ગયું. રાઘવે તરતજ સુમનને ચૂપ કરી બેસાડી દીધી.
ફરી એકવાર મીરાના સુમધુર આવજે પ્રાર્થનાના સૂરથી બધા લોકો ડોલી ઊઠ્યા. મીરાનો અવાજ ખુબજ મીઠો અને સૂરીલો હતો, જાણે સાક્ષાત સરસ્વતીજી એના કંઠમાં બિરાજમાન હતા. માટેજ સ્કૂલની પ્રાર્થનાથી લઈને યોજાતા બીજા કોઈ પણ સંગીતના કાર્યક્રમોમાં મીરા હમેશા મોખરે રહેતી. વળી રાજ્યની બધી ઇન્ટરસ્કૂલ સંગીત હરીફાઈમાં પણ મીરા છેલ્લા બે વર્ષથી ભાગ લેતી અને પ્રથમ ક્રમે વિજેતા રહી ચૂકી હતી.
આખરે પ્રાર્થના ખતમ થયા બાદ સ્કૂલ શરૂ થવાનો બેલ વાગતા બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જવા માટે લાઈન લગાવી સિસ્તબધ્ધ જવા લાગ્યા, પણ મીરાનું ધ્યાન તો પ્રસાદ કેમ ન મળ્યો એમાં અટકેલું હતું. કિશોર અને મીરા તો ક્યારના પોતપોતાના ક્લાસમા પહોંચી ગયા હતા.
"અરે સુમી ચાલને હવે ક્લાસમાં જવાનો સમય થઇ ગયો છે, જલ્દી કર નહીતો પહેલાજ દિવસે તારે ક્લાસમાં મોડું થશે અને સજાના રૂપે ક્લાસ ટીચર તને કૂકડો બનાવશે..."
હસતો હસતો રાઘવ સુમનને ચિડવતો બોલ્યો.
પણ આ બધી વાતો સુમન માટે જાણે અજાયબી સમાન હતી. એને તો બધું ખૂબ અલગ અલગ લાગી રહ્યું હતું. પણ રાઘવ સુમનને સાચવતો પકડીને એના ક્લાસમાં દોરી ગયો.
ક્લાસમાં પ્રવેશતાં જ સુમન જાણે આભી જ બની ગઈ. નાની નાની સાઇઝની બે જણા બેસી શકે તેવી, ક્યાંક કાર્ટૂન તો ક્યાંક એક, બે, ત્રણ જેવા આંકડા તો ક્યાંક A,B,C,D નાં ચિત્રો દોરેલ સુંદર મજાની બેન્ચીસ હતી. રાઘવ એને ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડીને પોતાના ક્લાસમાં જવા માટે જેવો બહાર નીકળવા ગયો એવીજ સુમન પણ એની પાછળ પાછળ ક્લાસની બહાર નીકળી ગઈ.
💖આજે અચાનક હવાની લહેરખીમાં, એ હું દેખાઈ,
ધૂંધળી ધૂંધળી બાળપણની યાદોમાં, એ હું ખોવાઈ...
આજે ફૂલોથી મહેકતા ઉપવનમાં, એ હું રોપાઇ,
સ્પર્શીને જોવું જરાક દિલમાં, એ હું મૂંઝાઈ...
આજે ફરી એજ પ્રાંગણમાં, એ હું ડોકાઈ,
શાળાના પ્રથમ નટખટ પગથિયે, એ હું રોકાઈ...
આજે ક્લાસની છેલ્લી બેંચમાં, એ હું સર્જાઈ,
જીવનભરની મળેલ સૌગાદ દોસ્તીમાં, એ હું અંજાઇ...
આજે ચોક પાટીના ચિતરડામાં, એ હું રંગાઈ,
ઘડીભર નિર્દોષ મારા બાળપણમાં, એ હું છુપાઈ.....💖
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)