An innocent love - Part 13 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 13

પાછળના ભાગમાં આપણે જોયું કે...

ક્લાસમાં પ્રવેશતાં જ સુમન જાણે આભી જ બની ગઈ. નાની નાની સાઇઝની બે જણા બેસી શકે તેવી, ક્યાંક કાર્ટૂન તો ક્યાંક એક, બે, ત્રણ જેવા આંકડા તો ક્યાંક A,B,C,D નાં ચિત્રો દોરેલ સુંદર મજાની બેન્ચીસ હતી. રાઘવ એને ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડીને પોતાના ક્લાસમાં જવા માટે જેવો બહાર નીકળવા ગયો એવીજ સુમન પણ એની પાછળ પાછળ ક્લાસની બહાર નીકળી ગઈ.

હવે આગળ........

રાઘવ હજુ સુમનના ક્લાસમાથી બહાર નીકળ્યો ત્યાંજ કોઈ એની બેગ ખેંચતું હોય એવો આભાસ થતા તે પાછળ ફર્યો અને જોયું તો સુમન એની બેગ પકડી એની પાછળ પાછળ ચાલી રહી હતી.

"અરે સુમી તું મારી પાછળ કેમ આવે છે, તારો ક્લાસ આં છે અને તારે અહીં બેસવાનું છે, હું મારા ક્લાસમા જઈ રહ્યો છું." રાઘવ સુમનને એના ક્લાસમાં પાછી મોકલતા કહ્યું.

"શું કામ પણ? હું તો તારી સાથેજ આવી છું ને, તો પછી તારી સાથેજ બેસીશ." મોં ફુલાવી સુમન પાછી ક્લાસની બહાર નીકળી ને રાઘવની સામે આવી ઉભી રહી.

"દેખ સુમી તુ સમજ, આપણે બેઉં અલગ અલગ ક્લાસમાં છીએ એટલે તારે તારા ક્લાસમાં જ બેસવું પડશે", રાઘવે પોતાની દલીલ સુમન સમક્ષ રજૂ કરી.

"પણ કેમ એવું હોય?" સુમન પણ પોતાની વાત છોડવા માંગતી નહોતી.

હવે પોતે સુમીને આગળ કઈ રીતે સમજાવે તે વિચારતો રાઘવ પોતાનું માથું ખંજવાળી રહ્યો કેમ કે સુમનના આવા સવાલનો જવાબ તો નાનકડા રાઘવ પાસે પણ નહોતો.

"ઘરેથી સ્કૂલ આવવા નીકળતા તે બાપુને પણ તો કહ્યું હતું ને, કે તું મને તારી સાથે રાખીશ તો પછી તે એમને ખોટું કેમ કહ્યું? હું બાપુને તારી ફરિયાદ કરી દઈશ જો હવે." ગુસ્સે ભરાયેલ સુમનને રાઘવ જોઈ રહ્યો.

"અરે પણ આપણે આમ એકજ ક્લાસમાં કેવી રીતે બેસી શકીએ સુમી?" બોલતા રાઘવ સુમનના ગાલ પંપાળવા લાગ્યો.

તે ગમે તે હોય, હું તો તારી સાથે જ બેસવાની તે નક્કી છે, બોલતા બોલતા જ સુમનની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
આખરે સુમનની જીદ આગળ હારીને રાઘવને સુમનના ક્લાસમાં એની સાથે જઈને બેસવું પડયું.

રાઘવ અને સુમન બંને ક્લાસની ફર્સ્ટ બેન્ચ ઉપર આવીને બેઠા. હજુ ક્લાસ ટીચર આવ્યા નહોતા. રાઘવ તો ટીચરના આવવાની રાહ જોઈ ચૂપચાપ બેસી રહ્યો, પણ આમ શાંત બેસી રહે તે સુમન નહિ. એની નજર હવે બેન્ચ અને ક્લાસમાં રંગાયેલ ચિત્રોથી હટીને ક્લાસમાં હાજર બીજા બાળકો ઉપર પડી.

લગભગ આખો ક્લાસ બાળકોથી ભરાઈ ગયો હતો. રાઘવને છોડી બધા પોતાની જેવડાજ છે એવું સુમને નોંધ્યું. કોઈ ચૂપચાપ બેઠું હતું તો કોઈ બેગની વસ્તુઓ ઉથલપાથલ કરવામાં લાગેલું હતું, ઘણા ખરા બાળકોના મોં ઉદાસ લાગી રહ્યા હતા.છેલ્લી બેન્ચ ઉપર એક છોકરો થોડો ગભરાયેલ બેઠો હતો, સુમન એની સામે આંખો મોટી કરીને જોવા લાગી અને તે જોઈ પેલો છોકરો વધુ ગભરાઈ ગયો અને એને આમ પોતાનાથી ડરી ને રડતા જોઈ સુમનને ખૂબ હસવું આવી ગયું, સુમનને આમ પોતાના ઉપર હસતા જોઈ તે વધુ મોટો ભેંકડો તાણી રડવા લાગ્યો.

હવે પેલા છોકરાને આમ મોટેથી રડતો જોઈ આખા ક્લાસનાં બાળકોનું ધ્યાન તેના તરફ ગયું. રાઘવ તે બધા કરતાં બે વર્ષ મોટો ભલે પણ તેય એટલો મોટો નહોતો કે આવી પરિસ્થિતિમાં કેવીરીતે પ્રતિક્રિયા આપવી. હવે આ બધાથી તે પણ મૂંઝાઈ ગયો હતો. પણ તેણે સુમનને આમ કોઈ ઉપર હસવું ન જોઈએ એમ સમજાવી માંડ માંડ શાંત કરી અને ચૂપચાપ પોતાની સાથે બેસવા માટે કહ્યું.


✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)