તુલસી Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુલસી

*તુલસી*

મીનાબેનના પતિ હસમુખભાઈ છેલ્લાં દોઢ વર્ષથી પથારીમાં હતાં. એક એક્સિડન્ટમાં એમને સ્પાઈન ઈંજરી થઈ હતી.હસમુખભાઈ હવે કંટાળી ગયા હતાં પણ મીનાબેન હૃદયપૂર્વક એમની સેવા કરતાં હતાં.એ બંને નિઃસંતાન હતાં વળી,મીનાબેનને એમનાં પતિ સિવાય કોઈ હતું જ નહિ ના સાસરે કે ના પિયર!

હસમુખભાઈ એક બિલ્ડર હતાં એટલે આમ તો સારી એવી બચત હતી પણ એમનાં એક્સિડન્ટ પછી પડતર અવસ્થામાં હવે બચત પણ દિવસે-દિવસે અછતમાં પરિવર્તિત થતી જતી હતી.એમને મીનાબેનની ચિંતા રહેતી હતી.સૂતાં સૂતાં વિચારે ચડી જતાં કે હું ન હોઉં અને કોઈ રોકડ પણ ન બચી હોઈ તો મારાં પછી મીનાનું શું?મીના કઈ રીતે રહી શકશે મારાં વગર?ના..ના..એ તો રહી લેશે હિંમતવાળી છે પણ મારી સારવારમાં જ રૂપિયે ખાલી થઈ જઈશું તો એને જીવવું ખૂબ આકરું થશે.હે,પ્રભુ તું જ કોઈ ઉપાય કર!

મીનાબેન કરકસરથી ઘર ચલાવતા હતાં. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ આંગણે રહેલાં તુલસીકયારે દીવો-પાણી કરવાનું ક્યારેય નહોતાં ચૂકતા!એમને ઠાકોરજી અને તુલસી પર ખૂબ જ શ્રદ્ધા હતી. હસમુખભાઈ ની સાજા થવાની ભલે ડૉક્ટરે આશા છોડી દીધી હોય પરંતુ મીનાબેનને પૂર્ણ વિશ્વાસ હતો કે મારી શ્રદ્ધાપૂર્વકની તુલસીપૂજા વ્યર્થ નહિ જ જાય.એમનો નિયમ કે સ્નાન કરી પહેલાં જ તુલસીમાતાને દીવો પાંચ તુલસીપત્ર ખાઈ પછી જ ચા નાસ્તો!એ હસમુખભાઈને પણ એમ જ કરાવતા હતાં.એમની બાજુમાં પણ મીનાબેને એક તુલસીનું કુંડું મૂકી આપ્યું હતું.કહેતાં,"તમે ઉઠો કે સીધાં દર્શન થાય અને રોજ તમારાથી પણ પાણી રેડાય એટલે અહીં મૂક્યું છે."હસમુખભાઈની બાજુમાં મૂકેલાં તુલસીમાતા તો દિવસે-દિવસે બહુ ખીલતાં દેખાતાં હતાં!મીનાબેન મનોમન બહુ ખુશ થતાં હતાં.


હસમુખભાઈ પથારીમાં પડ્યાં પડ્યાં કંટાળી જતાં હતાં,ટીવી જોવું કે મોબાઈલ લેવો પણ ગમતો નહોતો.એમના મનમાં બસ એક જ વાત ચાલતી હતી," હું મરું તો જ મીનાનો છુટકારો થશે.બિચારી આખો દિવસ કામ કરે અને પછી મારી સેવામાંથી જ ઊંચી નથી આવતી.ક્યાં સુધી હું આમ જીવીશ?ક્યાં સુધી...ક્યાં સુધી..?"એમ કરતાં ઘણીવાર છાના ડૂસકાં ભરી લેતાં હતાં.

અચાનક એકદિવસ હસમુખભાઈ બેડ પરથી નીચે પડી ગયાં. મીનાબેને દોડાદોડી કરી મૂકી પણ આજુબાજુના ઘરમાં કોઈ પુરુષ હમણાં હાજર ન હતાં.એમણે છેવટે ડૉક્ટર ને કૉલ કર્યો.એ એમનાં સબંધી જ હતા એમણે કહ્યું,"મને આવતાં કલાક થશે ત્યાં સુધી તમે ધીરજ રાખો.એમને વાગ્યું નથી એટલે ચિંતા ન કરશો."હસમુખભાઈએ પણ કહ્યું,"તું ચિંતા ન કર જા તારું રૂટિન કામ પતાવી ચા-નાસ્તો કરી લે હું સારો જ છું કોઈ જગ્યાએ દુઃખતું નથી એટલે ચિંતા ન કર."થોડી આનાકાની પછી મીનાબેન સ્નાન માટે ગયા તુલસીપૂજા કરીને આવ્યા અને જોયું તો.... હસમુખભાઈ બેડને ટેકે બેઠાં હતાં!એમની ખુશીનો પાર ન રહ્યો બોલ્યા,"તમે જાતે...જાતે...આમ..?!"પછીના શબ્દો ખુશીનાં આંસુ સાથે ગળે અટકી ગયાં. હસમુખભાઈએ "હા" ની મુદ્રામાં ડોકું હલાવ્યું.

ડૉક્ટર આવ્યાં એમણે પણ આ જોયું અને બોલી ઉઠ્યા"આ તો સાચે જ ચમત્કાર જ કહેવાય!મીનાકાકી,તમારી કાળજી,રેગ્યુલર દવા અને તમારી અપાર શ્રદ્ધાથી જ આ શક્ય થયું છે.થોડાં પ્રયત્નોથી થોડાં સમયમાં જ હવે ઘરમાં વૉકરથી ચાલતા થઈ જાય એમ લાગે છે."મીનાબેન અને હસમુખભાઈનાં ચહેરા ખીલી ઉઠ્યાં.

ડૉક્ટર કારમાં જતાં જતાં વિચારતા હતાં,"હું તો ફક્ત મલ્ટી વિટામિન્સની અને કેલ્શિયમની જ ટેબ્લેટસ આપતો હતો જેથી એ આધેડ અને ભોળું યુગલ આશાએ જીવ્યાં કરે."હસમુખભાઈ બાજુમાં મૂકેલાં કૂંડામાં ખિલ ખિલ હસી રહેલાં તુલસીનાં છોડ સામે આશ્ચર્યથી તાકી રહ્યાં,"મેં બધી દવા તો આ છોડને પાઈ છે તો હું..કઈ રીતે...?!"મીનાબેન તુલસી ક્યારે આજે અગિયાર દિવેટનો દીવો કરી ખુશીનાં આંસુથી ભીંજાયેલી આંખે ઠાકોરજીનો અને તુલસીમાતાનો આભાર માની રહ્યાં હતાં!

કુંતલ ભટ્ટ
સુરત.