અમાસે લાગ્યું ચંદ્રગ્રહણ... Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાસે લાગ્યું ચંદ્રગ્રહણ...

"કજરી, ચાલ ઉઠ હવે, સુરજ માથે ચડી આવ્યો છે, કેટલું ઊંઘે છે, તું ઉઠ એટલે તારા માટે ચા મુકું," કહી જયવંતી ખોલીમાં જતી રહી.

આળસ મરોડતા કજરી ઉઠી. આજે ઘણું મોડું થઈ ગયું હતું. માથું પણ ભારે લાગતું હતું અને જીવ પણ ચુથાતો હતો. ઉલ્ટી જેવું લાગતાં ઓઢણીનો છેડો મોઢે દાબી કજરી બાથરૂમ તરફ દોડી. ઉબકા-ઉલ્ટીનો અવાજ સાંભળીને જયવંતી પણ ત્યાં ગયી,"શુ થયું કજરી? તબિયત બગડી ગઈ છે અચાનક. ચા પીને તૈયાર થઈ જા આપણે દાગતરને બતાડી આવીએ."

"ના, હમણાં ક્યાંય નથી જવું. આ તો રાતનો ઉજાગરો છે એટલે, થોડીવાર આરામ કરીશ તો સારું લાગશે. તું ચા આપ મને," કહી કજરીએ હાથ-મોં ધોઈને ચાનો ગ્લાસ હાથમાં લીધો. બખોલ જેવડી રૂમમાં એનો જીવ મુંજાતો હતો પણ અહીંથી ક્યાંય જઈ શકાય એમ નહોતું. એ આંખો બંધ કરીને પલંગ પર પડી રહી. એનું મન ભૂતકાળની સફરે જતું રહ્યું.

* * * * * * *

"કજરી, ઝટ તૈયાર થઈ જા, તારા મામાએ તારા માટે એક છોકરો શોધી કાઢ્યો છે. શે'રમાં રહે છે ને મિલમાં કામ કરે છે. તારાતો ભાગ ખુલી ગયા છોડી. તારા બાપા જીવતા હોત તો રાજી થાત કે સાવકીમા છોડીનું બરાબર ધ્યાન રાખે છે" કહી કજરીની મા ભાનુ રોજિંદા કામે લાગી. કજરી પણ મનોમન ખુશ થતી આંખોમાં સપનાં આંજી તૈયાર થઈ ગઈ. બપોરે મામા દેવજીને લઈને આવી પહોંચ્યા. દેવજીએ તો કજરીને જોતાવેંત હા પાડી દીધી. એ દિવસે ગોળધાણા ખવાયા ને અઠવાડિયે તો લગને લેવાઈ ગયાં. કજરી દેવજીને પરણીને સપના સજાવી શહેરમાં આવી.

શહેરમાં બંને પહોંચ્યા ત્યાં સુધી સાંજ પડી ગઈ હતી. કજરી મુસાફરી અને લગ્નના ઉજગરાથી થાકી ગઈ હતી. દેવજીનું ઘર એક વસ્તીમાં હતું. પાસ-પાસે આવેલા ઘરો, ગંધાતી ગટરો, માણસોનો કોલાહલ, કજરીને થોડું અજુગતું લાગ્યું. સાથે આવેલા મહેમાનો પણ જતા રહ્યા હતા. હવે ઘરમાં કજરી અને દેવજી બંને એકલાં જ હતાં.

"ચાલ, આજે આપણે બહાર જમીએ. તને શહેરની સફર પણ કરાવું", દેવજી કજરીને લઈને બહાર નીકળ્યો. રસ્તા પર આવી એક ટેક્ષી રોકી ને કજરીની સાથે એ પણ બેઠો. એણે ટેક્ષીવાળાને એક એડ્રેસ આપ્યું ને ટેક્ષી ત્યાં લેવા કહ્યું. ટેક્ષી આપેલા એડ્રેસે જવા રવાના થઇ. કજરી ટેક્ષીના કાચમાંથી શહેરની ઝાકઝમાળ અને રોનક જોઈ રહી હતી. લગભગ પોણા કલાક પછી ટેક્ષી એક વિસ્તારમાં આવી. કજરીએ જોયું તો સામસામે નાના-મોટા ઘરોની હાર હતી. ક્યાંકથી ગીત-સંગીત ના સૂર સંભળાતા હતા તો ક્યાંકથી ઘૂંઘરુની
ખનક સંભળાતી હતી. કેટલીક સ્ત્રીઓ ઝગમગતા કપડાં પહેરીને રસ્તા પર ફરી રહી હતી. ટેક્ષી એક બંગલા જેવા ઘર આગળ ઉભી રહી. દેવજી અને કજરી ઉતર્યા. દેવજીએ ટેક્ષીવાળાને ભાડું ચૂકવ્યું અને કજરીનો હાથ પકડી અંદર લઈ ગયો.

"કેમ છો શકીલા મેડમ? જુઓ હું કોને લાવ્યો છું? આ છે કજરી, તમારી નવી તિતલી. એના સાવકા મામાએ એનો સોદો મારી સાથે કર્યો છે. હું એને તમારી પાસે લાવ્યો છું. હજી એની નથ ઉતારવાની બાકી છે. આજથી કજરી તમારી. મેં મારું કામ કર્યું હવે આગળનું કામ તમારું." શકીલા તો કજરીની સુંદરતા જોઈ રાજી રાજી થઈ ગઈ. બાજુમાં રહેલ નાની તિજોરીમાંથી રૂપિયાનું બંડલ કાઢી દેવજીના હાથમાં આપ્યું. "આજથી આ ઘર છે તારું, અહીં જ રહેવાનું છે સમજી", કહી દેવજી જવા લાગ્યો.

"આ શું કહો છો તમે, હું તમારી ઘરવાળી છું, જ્યાં તમે ત્યાં હું." કજરીએ દેવજીના પગ પકડી લીધા,"મને લીધા વગર ક્યાં જાઓ છો તમે?" રડતાં-રડતાં કજરી બોલવા લાગી. દેવજીએ કજરીને લાત મારીને અળગી કરી ને જતો રહ્યો.

"એ છોકરી, ચૂપ થઈ જા, અહીં કોઈ તારું સાંભળવાનું નથી. ચાલ અંદર ખોલીમાં," શકીલાએ મોઢામાં પાન મુક્તા કહ્યું, "એ રાની, આને અંદર લઈ જા ને તૈયાર કર. ના માને તો કળ ને બળ બંને વાપરજે," શકીલાએ કજરીને અંદર ધકેલતા કહ્યું. "જી મેડમ," કહેતાં રાની કજરીને અંદર ખેંચી ગઈ. કજરી રોકકળ કરતી રહી પણ કોઈ સાંભળનારું નહોતું. કજરીએ તૈયાર થવાની ના પાડી તો રાનીએ બીજી ૨-૩ હમઉમ્ર સ્ત્રીઓને બોલાવી. બધાં મળીને કજરીને તૈયાર કરવાની મથામણ કરવા લાગી. કજરી જેમતેમ બચવાની નાકામ કોશિશ કરતી રહી. હવે કજરીએ બુમરાણ મચાવી દીધી. "છોકરીઓ, એને ખોલીમાં બંધ કરી દો અને ખાવાનું નહીં આપતા. જોઉં છું કેટલા દિવસ સુધી નહીં માને? શકીલાએ બધાને બુમ પાડતાં કહ્યું. બધી સ્ત્રીઓ કજરીને એમ ને એમ ખોલીમાં પુરીને જતી રહી.

બે દિવસ એમ જ પસાર થઈ ગયા. કાજરીનું મનોબળ હવે કમજોર થતું ગયું. ત્રીજા દિવસે દરવાજો ખુલ્યો, કજરીથી લગભગ ૮-૧૦ વર્ષ મોટી સ્ત્રી હાથમાં થાળી લઈને અંદર આવી. "લે, થોડું ખાઈ લે, બે દિવસથી ભૂખી જ બેઠી છે. તું અહીંથી નહીં છૂટી શકે. બહાર નીકળી તો શકીલામેડમના માથાભારે ગુંડાઓ તને મારી નાખશે. આ શહેરમાં તારી લાશ પણ કોઈને નહીં મળે. એટલે મેડમ જેમ કહે છે એ કર."

"મારે કાંઈ નથી ખાવું-પીવું. મને જવા દો. હું મારે ગામ જતી રહીશ." કજરી એ સ્ત્રી સામે કરગરી. "તમારું નામ શું છે? મને મદદ કરો. મારા પર મહેરબાની કરો" કજરી હાથ જોડી રડતી રહી.

" વેશ્યાઓના કોઈ નામ કે ઓળખ નથી હોતા. અહીંયા આપણી ઓળખ આપણા જીસ્મથી થાય છે.અહીં લોકો મને જયવંતી કહીને બોલાવે છે. હું તો મારું અસલી નામ પણ ભૂલી ગઈ છું. ઘરાક જે નામે બોલાવે. કોઈના માટે શીલા તો કોઈના માટે મુન્ની તો કોઈના માટે છબીલી કે રંગીલી. જે થયું એ ભૂલી જા ને તૈયાર થઈ જા. ધીમે-ધીમે ટેવાઈ જઈશ. અહીં આવેલી બધી સ્ત્રીઓમાં તું સહુથી વધુ સુંદર છે એટલે મેડમ તને હાથમાં રાખશે. મારી વાત માન ને તૈયાર થઈ ને બહાર આવ, તારા માટે મેડમે ખાસ ઘરાકોને બોલાવ્યા છે. જે વધુ દામ આપશે એ તારી નથ ઉતારશે." જયવંતી કજરીને સમજાવવા લાગી. કજરીને પણ પોતાની મજબૂરી સમજાણી. કજરી માની ગઈ. જયવંતીએ શકીલાને જઈને વાત કરી તો એ પણ ખુશ થઈ ગઈ.

એ રાત કજરીની બહુ વેદનસભર ગઈ પણ ધીમે ધીમે એ ટેવાતી ગઈ. ક્યારેક શ્રીમંત પરિવારના વંઠેલ યુવાનો, ક્યારેક પત્ની કે બોસથી કંટાળેલા અફસરો, ક્યારેક માલેતુજાર શેઠિયાઓ તો ક્યારેક મોટા અમલદારો, કજરીનું ખુબસુરત શરીર શકીલાને પણ ધનવાન બનાવતું ગયું. આખા વિસ્તારમાં કજરીના રૂપની ચર્ચા થવા લાગી. શકીલાના કોઠે ઘરાકો વધતાં ગયાં.

* * * * * *

"ક્યાં ખોવાઈ ગઈ? જયવંતીએ કજરીને ઢંઢોળી નાખી. કજરી ભૂતકાળમાંથી પાછી વર્તમાનમાં આવી. "અરે! તારું શરીર તો ધખધખે છે, મેડમ.... કજરીની તબિયત સારી નથી. દાગતરને બોલાવો," એણે ત્યાંથી જ બુમ મારી કહ્યું. શકીલાએ ડૉક્ટરને તેડાવ્યા. ડૉક્ટરે આવી તપાસીને કજરી પ્રેગનન્ટ હોવાનું નિદાન કર્યું. કજરી અસ્વસ્થ અજંપાથી કમકમી ગઈ. "હવે શું થશે" એ વિચારે હચમચી ગઈ. ડોક્ટરના ગયા પછી શકીલા કજરી પાસે આવી ને એના માથે હાથ ફેરવવા લાગી,"ડર નહીં, તું બાળકને જનમ આપજે." શકીલા માર્મિક રીતે હસી. "જયવંતી, કજરીનું બરાબર ધ્યાન રાખજે. હવે એ તારી જવાબદારી," શકીલા બહાર જતી રહી.

સમય વીતતો ગયો. કોઠામાં બીજી ૨-૩ યુવતીઓ પણ આવી હતી. નવ મહિના પસાર થયા. એક અમાસી રાત્રે કજરીને વેણ ઊપડ્યું. ડોક્ટરને કોઠે બોલાવી કજરીની સુવાવડ કરવામાં આવી. કજરીએ પોતાના જેવી જ સુંદર દીકરીને જન્મ આપ્યો. શકીલાએ આખા વિસ્તારમાં પેંડા વહેંચીને દિકરીના જન્મની ઉજવણી કરી. કજરી વિચારતી રહી," મારી દીકરી અભિશાપ છે કે વરદાન?"


- શીતલ મારૂ.