રવિવાર હોવાથી સોહન હજી સૂતો હતો, ઘરમાં એકલો જ હતો. અંજલિ તો નારાજ થઈને ઘર છોડીને એના પિયર જતી રહી હતી. અઠવાડિયું તો કોઈપણ જાતની દરકાર વગર નીકળી ગયું પણ અંજલિ વગરનું ઘર હવે સોહનને સૂનુંસૂનું લાગતું હતું. લાગણીઓથી ધબકતું ઘર મટીને સિમેન્ટ-રેતીનું મકાન બની ગયું હતું જાણે આત્મા વગરનું શરીર. અગિયાર વાગવા આવ્યા હતા છતાં એને બેડમાંથી ઉભા થવાનું મન નહોતું થતું.
એણે ચારે તરફ જોયું તો બધું વેરવિખેર પડ્યું હતું. નાહવાનો ટુવાલ ક્યાંક હતો તો ચોળાયેલું શર્ટ ટેબલના કિનારે લટકતું હતું, એક ખૂણામાં મોજા પડ્યા હતા. અંજલિ વગર ઘરની હાલત કેવી થઈ ગઈ હતી.
"સાહેબ, ચા મુકું?" મોનજીકાકાએ પૂછ્યું એટલે સોહન તંદ્રામાંથી જાગ્યો.
"ના કાકા, આજે ચા પીવાની ઈચ્છા નથી અને માથું પણ ભારે લાગે છે."
"અંજલિબેનના ગયા પછી અઠવાડિયામાં આ ઘરની અને તમારી બંનેની હાલત તો જુઓ."
મોનજીકાકાની વાત સાંભળી સોહન પાછો વિચારોમાં ખોવાઈ ગયો. અંજલિ હતી ત્યારે ઘર કેટલું સુઘડ, સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવેલું રહેતું. બાલ્કનીમાં અંજલિએ કેટલું સરસ ગાર્ડન બનાવ્યું હતું, એમાં મ્હોરેલા અનેકવિધ ફૂલોની સુરભી અત્યારે સોહનને અંજલિની ગેરહાજરી યાદ અપાવી અકળાવતી હતી.
"આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે, કામ શું કરે છે તું? અરે મારી જેમ આખો દિવસ ખડેપગે નોકરી કરી જો તો તને ખબર પડે કે પૈસા કમાવા કેટલી મહેનત કરવી પડે છે. તમારી જેમ નહિ કે મન થાય ત્યારે ખાઓ ને મન થાય ત્યારે સુઈ જાઓ." સોહન હમેશા અંજલિને તતડાવતો અને અંજલિ ચુપચાપ સાંભળી લેતી પણ એક દિવસ સોહને એની હદ વટાવી દીધી અને પોતાના મિત્રોની હાજરીમાં અંજલિને ઘણી ખરીખોટી સુણાવી દીધી જે અંજલિથી સહન ન થયું એટલે પોતાની બેગ ભરી એ ઘર છોડીને પિયર જતી રહી.
આજે સોહનને અંજલિની દરેક નાની નાની વાતો યાદ બનીને સતાવી રહી હતી. અંજલિ વિનાનું ઘર હવે એને ખાવા દોડતું હતું. હવે એને સમજાયું હતું કે અંજલિ આટલી વ્યવસ્થિત રીતે ઘર સાચવતી હતી, એની સુઘડતા અને સાદગી સાથે પણ શણગારેલા ઘરના જ્યારે મિત્ર-પત્નીઓ વખાણ કરતી ત્યારે એને થયું કે એણે અંજલિ સાથે અન્યાય કર્યો છે.
"કાકા, હું જલ્દીથી તૈયાર થઈને અંજલિને લેવા જાઉં છું, એના વિના આ ઘરની અને મારી કોઈ કિંમત નથી. એક સ્ત્રી વગરના ઘરની કલ્પના પણ ન કરી શકાય. વધુ મોડું થાય એ પહેલાં હું મારા ઘરને ફરી ધબકતું કરવા માગું છું." સોહન નહાવા જતો રહ્યો. તૈયાર થઈને સૌથી પહેલાં એણે અંજલિને ફોન કર્યો.
"અંજલિ, તૈયાર રહેજે, હું બપોરની ગાડીમાં આવું છું તને લેવા, હવે તને મારાથી અને આ ઘરથી ક્યારેય દૂર નહિ જવા દઉં. તું તો આ ઘરનો શ્વાસ છે. ધરતીનો છેડો ઘર પણ એ ઘરનું સાચું સુખ એની ગૃહિણી જે સાચા અર્થમાં આપણને ગૃહના ઋણી બનાવે છે અને ઘરને સ્વર્ગ બનાવે છે"
સોહનની વાત સાંભળી અંજલિના ગોરા શરમાતા ગાલો પર ખુશીની ગુલાબી આભા ચમકી અને એ પોતાની બેગ પાછી ભરવા લાગી.
"કાકા, સાંજે પુરણપોળી બનાવજો, હું અંજલિને લઈને આવું છું," સોહન સ્ટેશને જવા નીકળી ગયો અને મોનજીકાકાએ ઘર-મંદિરમાં દીવો પ્રગટાવી માતાજીનો આભાર માન્યો.
સાંજે સોહન જ્યારે અંજલિને લઈને ઘરે આવ્યો ત્યારે મોનજીકાકાએ એ બંનેના ઓવારણાં લઈ નજર ઉતારી અને અંજલિનો ફરીવાર ગૃહપ્રવેશ કરાવ્યો.
"અંજલિ, તારા વિનાનું સુનું ઘર આજે ફરી ધમધમતું થઈ ગયું છે અને મારા હૃદયમાં વ્યાપી ગયેલા સુના ધબકાર તારા અવાજના રણકારથી ફરી ધબકી ઉઠ્યા છે." રાતે સોહને બેડરૂમમાં અંજલિને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને એના હોઠો પર પોતાના હોઠ ચાંપી દીધા..